Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

ઉત્તરભારતની યાત્રા-૧

એમના પરિવ્રાજક જીવનનો પહેલો તબક્કો એમને ૧૮૮૮માં વારાણસી, અયોઘ્યા, લખનૌ, આગ્રા, વૃંદાવન, હાથરસ અને હૃષીકેશ લઈ ગયો. વારાણસીમાં એ ત્રૈલંગસ્વામી અને ભાસ્કરાનંદ જેવા પ્રસિદ્ધ સાધુઓને મળ્યા. ત્રૈલંગસ્વામી કોઈ શિવમંદિરમાં રહેતા અને એમણે બધી બાહ્ય પ્રવૃત્તિઓ તજી દીધી હતી, સતત ઘ્યાનમગ્ન રહેતા અને કોઈ ખવરાવે તો ખાતા. સ્વામીજીમાંના અગ્નિ અને એમની વાક્છટાથી ભાસ્કરાનંદ અને એમના શિષ્યો ખૂબ પ્રભાવિત થયા હતા. પોતાની પાસે બેઠેલા લોકોને એમણે કહ્યું હતું, ‘આ માનવીની જીભે સરસ્વતી વસે છે. એનું ચિત્ત મહા જ્યોતિ જેવું છે.’ સંસ્કૃતના પંડિત શ્રી પ્રમદાદાસ મિત્રને પણ સ્વામીજી મળ્યા હતા;  કેટલીક સ્મૃતિઓમાંની અને હિંદુ રીતરિવાજોની વિરોધી બાબતો વિશે એમની સાથે સ્વામીજીએ પત્રવ્યવહાર કર્યો હતો.

દુર્ગાદેવીના મંદિરેથી એક સવારે પાછા વળતાં  કેટલાક મોટા વાંદરાઓ સ્વામીજીની પાછળ પડી ગયા. એમનાથી ડરીને સ્વામીજી દોડવા લાગ્યા. અચાનક એક બુઢ્ઢા સંન્યાસી પોતાને કહેતાં સંભળાયા, ‘ઊભા રહો ! પશુઓનો સામનો કરો !’ સ્વામીજી ઊભા રહ્યા અને નિડર બનીને તેમણે પાછળ જોયું. એમને સામનો કરતાં જોઈને ગુસ્સે થયેલા વાંદરાઓ નાસી ગયા. વર્ષો પછી એમને ન્યૂયોર્કમાં આપેલા એક પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો અને એનો સાર ચીંઘ્યો; ‘સમગ્રજીવન માટે આ બોધ છે - દુષ્ટતાનો સામનો કરો, વીરતાપૂર્વક સામનો કરો. જીવનની કઠણાઈઓથી નાસી જવા કરતાં, એનો સામનો કરવાથી વાંદરાઓની માફક એ તકલીફો જ દૂર થઈ જશે. આપણે મુક્તિ મેળવવી હોય તો પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરીને જ મેળવાય, એમનાથી આઘા ભાગીને નહીં જ; કાયરો કદી વિજય મેળવતા નથી. ભય, આફતો અને અજ્ઞાનને આપણે નસાડવાં હોય તો આપણે એમની સામે લડી લેવું જોઈએ.’

પછી એક કાળની રાજા રામચંદ્રની રાજધાની અયોઘ્યામાં એ ગયા. નાનાપણથી જ એમને રામસીતા પર પ્રેમ હતો અને રામાયણગાન એમને ગમતું. પોતાનાં જ્ઞાન અને કલ્પનાની સહાયે એ જ અયોઘ્યામાં એમણે પુરાણાં દ્રશ્યો ખડાં કર્યાં હશે. અયોઘ્યાથી એ લખનૌ ગયા અને ત્યાં આ અવધના નવાબોએ બક્ષેલી ભવ્યતામાં અને નગરનાં મસ્જિદો અને બાગોના સૌંદર્યમાં લીન થઈ ગયા. લખનૌથી એ મોગલ થાણે અને ભવ્યતાના શહેર આગ્રામાં ગયા. ભારતીય કારીગરોની કલા અને હથરોટીથી એ ખૂબ પ્રભાવિત થયા; તાજમહાલના સૌંદર્યે એ અભિભૂત થયા. તાજની મુલાકાત એમણે અનેકવાર લીધી અને તાજને તેમણે જુદા જુદા દૃષ્ટિકોણોથી તથા જુદા જુદા પ્રકાશમાં નિહાળ્યો અને ખાસ તો પોતાના ભારત પ્રેમના પરિપ્રેક્ષ્યમાં એને નિહાળ્યો. ‘આ સુંદર ઇમારતનો પ્રત્યેક ચોરસ ઈંચ આખા દહાડાના નિરાંતના અવલોકનનો અધિકારી છે અને એનો ખરો અભ્યાસ છ માસ માગી લે.’ એમ એ કહેતા. આગ્રાના ભવ્ય કિલ્લાએ એમની કલ્પનાને ઉત્તેજી હતી. મહેલો અને મઝારોના એ નગરના માર્ગો પર ચાલતી વેળા આખો મોગલ યુગ એમની સામે ખડો થયો.

વૃંદાવનમાં સ્વામીજીને લાગ્યું કે પોતાનાં હૃદયનાં કમાડ ખૂલી ગયાં છે. ત્યાંનાં શ્રીકૃષ્ણ અને એમની દિવ્ય સખી રાધાની સ્મૃતિઓએ સ્વામીજીમાં ભક્તિની ભરતી લાવી દીધી. કૃષ્ણનાં કાર્યો એમની સામે તરવા લાગ્યાં અને એ બધાં થયાં હતાં તે વૃંદાવનના પરિસરમાં ફરવાનો એમણે નિર્ણય કર્યો. ગોવર્ધનની પ્રદક્ષિણા કરતાં સ્વામીજીએ નિશ્ચય કર્યો કે પોતે ભિક્ષા માગશે નહીં અને માગ્યા વગર પોતાને જે મળશે તે જ ખાશે. પહેલે દહાડે બપોરે એ ખૂબ ભૂખ્યા થઈ ગયા. એમની મુશ્કેલીમાં વધારો કરતો જોરદાર વરસાદ પડવા લાગ્યો. ભૂખથી અને ખૂબ ચાલવાથી એ ખૂબ નિર્બળ થઈ ગયા, છતાં ભિક્ષા માગ્યા વિના એમણે ચાલવાનું ચાલુ જ રાખ્યું. અચાનક કોઈ એમને બોલાવતું હોય તેવો સાદ સંભળાયો, પણ એમણે એનો પ્રતિસાદ ન આપ્યો. એ અવાજ વધારે ને વધારે નજીક આવતો ગયો. એ હતો કોઈ ભક્તનો અવાજ, એ પોકારતો હતો : ‘હું આપને માટે ભોજન લાવ્યો છું.’ જેટલા વેગથી દોડી શકાય એટલા વેગથી સ્વામીજી દોડવા લાગ્યા અને પોતાના ભાગ્યની કસોટી કરવા લાગ્યા. પેલો માણસ સ્વામીજીની પાછળ લગભગ એક માઈલ દોડ્યો. એણે સ્વામીજીને પકડી પાડ્યા ને પોતાની પાસેનું ભોજન લેવા તેમને કહ્યું. કશું જ બોલ્યા વગર સ્વામીજીએ તેનો સ્વીકાર કર્યો. પછી તરત જ પેલો માણસ ઝાડ પાછળ અદૃશ્ય થઈ ગયો. ભગવાનના આ ચમત્કારથી ભક્તિથી અભિભૂત થઈને આંખોમાં આંસુ સાથે સ્વામીજી બોલી ઊઠ્યા : ‘જય હો શ્રી રાધાનો ! જય હો શ્રીકૃષ્ણનો!’ આવા નિર્જન સ્થાનમાં ભગવાને પોતાના ભક્તની લાજ રાખી ખરી.

હાથરસના સ્ટેશન માસ્ટર શરતચંદ્ર ગુપ્તને સ્વામીજી મળ્યા અને પોતાના શિષ્ય તરીકે એનો સ્વીકાર કર્યો. સ્વામીજીએ એક વેળા એને કહ્યું, ‘બેટા, મારે એક મોટું કાર્ય કરવાનું છે પણ મારી શક્તિની મર્યાદા મને નિરાશ કરી મૂકે છે. પોતાનું કાર્ય પાર પાડવાનો મારા ગુરુ મહારાજનો મને આદેશ છે; ને દિવસો પસાર થતા જાય છે તેમ તેમ મને લાગે છે કે માતૃભૂમિના પુનરુદ્ધાર સિવાય એ બીજું કશું નથી. આઘ્યાત્મિકતામાં મોટી ઓટ આવી ગઈ છે અને ભૂખમરાએ દેશને ભરડામાં લીધો છે. ભારતે ચાલવા માંડવું જોઈએ અને પોતાની આઘ્યાત્મિકતા વડે જગત જીતવું જોઈએ.’

આ વાણીથી મંત્રમુગ્ધ થયેલા શરદબાબુના મુખમાંથી શબ્દો સરી પડ્યા: ‘એ કાર્ય માટે હું તૈયાર છું, સ્વામીજી ! આજ્ઞા કરો !’ સ્વામીજીએ તો એકદમ પ્રશ્ન પૂછ્યો: ‘ભિક્ષાપાત્ર અને કમંડલુ લઈને ચાલી નીકળવા તૈયાર છો ? બારણે બારણે ભટકીને ભિક્ષા માગવાની તૈયારી છે ?’ તરત જ શરદબાબુએ હિંમતભર્યો જવાબ આપ્યો: ‘હા જી, તૈયાર છું.’ આ કેવળ શબ્દો જ ન હતા. શરદબાબુએ ભિક્ષાપાત્ર લીધું અને સ્ટેશનના મજૂરો પાસેથી જ ભિક્ષા માગીને સ્વામીજી પાસે ધરી દીધી. છેવટે સ્વામીજીએ શરદબાબુની તીવ્ર આકાંક્ષા જોઈને તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા.

આમ સ્વામીજીનું જીવનકાર્ય વધારે ને વધારે સ્પષ્ટ થતું ગયું અને એમાં કેવળ ભારતના પુનરુદ્ધારનો જ નહીં પણ જગત આખામાં ભારતની આઘ્યાત્મિક વિચારણાના ફેલાવાનો પણ સમાવેશ થતો આપણે જોઈએ છીએ. પોતાના શિષ્યની સાથે સ્વામીજી હૃષીકેશ ગયા અને ત્યાં વિવિધ સંપ્રદાયોના સાધુઓ સાથે તપઘ્યાનમાં એ લાગ્યા. પછીથી સ્વામી સદાનંદ નામ ધારણ કરનાર શિષ્ય માંદો પડ્યો અને કરુણાવાન ગુરુ ભયંકર જંગલો વીંધતા, પોતાને ખભે એને ઊંચકીને હાથરસ લઈ આવ્યા. પછી સ્વામીજીનો વારો માંદા પડવામાં આવ્યો અને એમને વરાહનગર મઠમાં પરત આવવું પડ્યું.

પ્રાચીન આર્યાવર્ત આ ઉત્તર ભારતના પહેલા જ પ્રવાસમાં સ્વામીજીનાં ચક્ષુ સમક્ષ સનાતન ભારત, વેદોનું ભારત, આર્યો, દ્રવિડો, મોગલો વ. પ્રત્યક્ષ થયાં. જાતિઓ,  ધર્મો અને રૂઢિઓની, રીવાજોની વિવિધતા પાછળની એકતાનાં દર્શન એમને ઉત્તર ભારતમાં થયાં. વિભક્ત થઈ ગયેલો લાગતો ભારતદેશ શ્રીરામકૃષ્ણના પ્રભાવ હેઠળ એક થશે એવું દર્શન એમને થયું. વરાહનગર મઠમાંના પોતાના ગુરુભાઈઓને પોતાના આ વિચારો કહીને તેનાથી ભિન્ન હોય તેમની દૃષ્ટિને વિશાળ પણ કરી.

વરાહનગરના દિવસોમાં પોતાના ગુરુભાઈઓને જે કંઈ કહ્યું હતું તેનાથી ભિન્ન હોય પોતાની કીર્તિને કાળે જગત સમક્ષ રજૂ કરેલા ભવ્ય વિચારોમાં કહેવાની રીત સિવાય કશું નવીન ન હતું. બૌદ્ધિક અને અન્ય પાસાંઓમાં ઉત્તમ અર્વાચીન ચિંતકોની અપેક્ષાઓને સંતોષે તેવા જીવંત, સમન્વિત, હિંદુત્વના પોતાના દર્શનની દીક્ષા તેમણે ગુરુભાઈઓને આપી. મતાંધ અને અજ્ઞાની ટીકા સામે ધર્મનું રક્ષણ કરવા તેમને તેમણે શક્તિમાન બનાવ્યા. અને એમની સાથે હિંદુ ધર્મગ્રંથો વાંચ્યા અને તેમનું વિવરણ કર્યું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda