Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Swami Vivekananda

શ્રીરામકૃષ્ણદેવના સાંનિધ્યમાં

પોતાની પાસે નરેન્દ્રના આગમન પહેલાંના એક દર્શનમાં શ્રીરામકૃષ્ણે જોયું હતું કે અનંતના પરમ લોકમાં વસતા સપ્તર્ષિઓમાંથી એક પોતાની સાથે પૃથ્વી પર આવશે અને આ યુગમાં અઘ્યાત્મનું સ્થાપન કરશે. બીજા એક દર્શનમાં પ્રકાશના શેરડાને એમણે વારાણસી તરફથી કલકત્તા ભણી આવતો જોયો ત્યારે ખૂબ ઉલ્લાસપૂર્વક એ પોકારી ઊઠ્યા : ‘મારી પ્રાર્થના સંભળાઈ છે અને હવે એક દહાડો મારો જણ આવવો જ જોઈએ.’
નરેન સાથેની પોતાની પ્રથમ મુલાકાતે જ રામકૃષ્ણ જાણી ગયા હતા કે, ‘હું જેની આટલી બધી વાટ જોતો હતો તે આ જ છે.’ દક્ષિણેશ્વરની નરેનની પહેલી મુલાકાતે જ દિવ્ય પ્રેરણાના ભાવમાં અને વિચિત્ર આદરપૂર્વક એમણે નરેનને હાથ જોડીને કહ્યું હતું : ‘પ્રભુ ! માનવજાતની પીડાઓ દૂર કરવા અવતરેલા પુરાણા ઋષિ નારાયણ આપ જ છો તે હું જાણું છું.’ એક અજાણ્યા પૂજારીના આવા લાગણીભર્યા અને માની ન શકાય તેવા શબ્દો સાંભળીને નરેનને લાગ્યું કે એ ‘પાગલ’ છે. સાથોસાથ શ્રીરામકૃષ્ણનાં પવિત્રતા, ત્યાગ અને એથી વિશેષે તો એમના શબ્દો અને જીવન વચ્ચેના અભેદે નરેનને આશ્ર્ચર્યમાં ગરકાવ કરી મૂક્યા. નરેન એમની નજીક સરક્યા અને પોતે અનેકવાર પૂછેલો પ્રશ્ર્ન એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યો : ‘મહાશય, આપે ભગવાનને જોયા છે ?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર વાળ્યો : ‘હા, તને હું અહીં બેઠેલો જોઉં છું તે રીતે મેં એને જોયા છે અને તે પણ વધારે સ્પષ્ટતાથી.’ આખરે નરેનને એમનામાં એવી વ્યક્તિ સાંપડી જે પોતાના અનુભવને આધારે ભગવાન છે એમ નરેન્દ્રને કહી શકે. એનો સંશય છેદાઈ ગયો. શિષ્યની શિક્ષા આરંભાઈ. નરેનમાંથી પયગંબર વિવેકાનંદના પરિવર્તનની કથા લાંબી છે. અર્જુનને કુરુક્ષેત્રમાં લડવા પ્રેરવા શ્રીકૃષ્ણ ફતેહમંદ થયા હતા, પણ અહીં શ્રીરામકૃષ્ણનું કાર્ય એથી કઠિનતર હતું. જન્મથી જ ઘ્યાનસિદ્ધ એવા શુકદેવને કે શિવને બળતા જગત પર દોટ મૂક્તા અને ઘેર ઘેર અમૃતનું વિતરણ કરીને સ્થૂળ સુખોપભોગમાં રાચતી પાર્થિવ સંસ્કૃતિને સંજીવની આપતા કરવાનું કાર્ય માત્ર ભગવાન જ કરી શકે. શ્રીરામકૃષ્ણે એની અનેકવિધ કસોટીઓ કરી હતી તેમ શ્રીરામકૃષ્ણનાં આઘ્યાત્મિક કથનોને તાવવા માટે નરેન્દ્રનાથે પણ તેમની કસોટી કરી હતી. જેમણે વાસના પર સંપૂર્ણ વિજય મેળવ્યો હતો અને સામાન્ય જનો કરતાં તો ઠીક પણ અગાઉના પયગંબરોના અને ઈશ્વરાવતારોના કરતાંયે પવિત્રતામાં નરેન્દ્રને એ ચડિયાતા જણાયા હતા. સંગ્રહનો એમણે માત્ર ત્યાગ કર્યો હતો એટલું જ નહીં પણ એમની ગાદી નીચે નરેને ઈરાદાપૂર્વક સરકાવેલા. સીક્કાવાળી ગાદી ઉપર બેસતાં એમને ઝાટકો લાગ્યો હતો. પ્રેમથી, સ્પર્શથી કે શબ્દ માત્રથી પોતાની અનન્ય દિવ્યતાથી પાપીઓને એ સંતો બનાવી શક્તા. એમણે કદી જાહેરાત કરી ન હતી, કદી કોઈ સભાને સંબોધી ન હતી તે છતાં જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી લોકોનો પ્રવાહ રાત દિવસ એમની પાસે આવતો અને ઈશ્વરનામની, દિવ્ય ગીતોની અને ઠાકુરના દિવ્ય નૃત્યની મિજબાની માણીને સૌ ઘેર જતા. તેઓ ગામઠી બોલીમાં બોલતા, ગહનમાં ગહન તત્ત્વજ્ઞાનની વાતો રજૂ કરતા. તેમાં વનવગડાનાં ઉપમા ષ્ટાંતો આવતાં અને અચૂક એવો હાસ્યરસ આવતો કે એમના શ્રોતાઓ હસી હસીને બેવડ વળી જતા. છતાં એ યુગના બૌદ્ધિક વિરાટો પર એ શબ્દોની અસર પડતી અને એમનામાં પરિવર્તન આવતું, કારણ મેક્સમૂલરે કહ્યાા પ્રમાણે, એ ‘દેવવાણી’ હતી. અને એમની ઉપર પ્રશંસાની વૃષ્ટિ થવા લાગી ત્યારે પણ એ દેવીના દિવ્ય નિરહંકારી બાળ જ રહ્યાા. નરેન્દ્રનાથે પછીથી અનુભવ્યું કે શ્રીરામકૃષ્ણનાં આ સરળ વચનોમાં ‘દેશનો પાંચ હજાર વર્ષોનો આઘ્યાત્મિક જીવનની નિષ્પત્તિ છે અને એમના દ્વારા ‘ભાવિ પેઢીઓ માટે શ્રીરામકૃષ્ણ આદર્શરૂપે ખડા છે.’ એમની વિદાયને લગભગ એંશી વર્ષો વીત્યા પછી નોબેલ પારિતોષિક વિજેતા ઇતિહાસવિદ આર્નલ્ડ ટોયન્બીએ ૧૯૬૬માં લખ્યું છે : ‘શ્રીરામકૃષ્ણનો જન્મ અને ઉછેર બંગાળના એક ગામડામાં થયો હતો. કલકત્તાથી થોડાક જ માઈલ દૂર આવેલા ગંગાતટ પરના એક મંદિરમાં જ તેમણે પોતાના જીવનનો મોટો ભાગ ગાળ્યો હતો. એમનું જીવન બાહ્ય દ્રષ્ટિએ કશી ધાડ માર્યા વગરનું હતું. છતાં શ્રીરામકૃષ્ણના જ ક્ષેત્રમાં અર્થાત્ ધર્મના ક્ષેત્રમાં, અર્વાચીન ભારતનું માળખું ઊભું કરતા ભારત અને ઈંગ્લેન્ડમાંના એમના સમાનધર્મીઓના કરતાં એમનું જીવન વધારે પ્રવૃત્તિશીલ અને વધારે 

કાર્યસાધક હતું... કદાચ એમના જીવન કરતાં રામકૃષ્ણનું જીવન વધારે આધુનિક હતું અર્થાત્ એમના સમકાલીનોના કાર્ય કરતાં  શ્રીરામકૃષ્ણનું કાર્ય લાંબા કાળ સુધી ચાલવાનું.’ ધર્મસંવાદને માટે કદાચ રાણી રાસમણિનું મંદિર પોતે જ એક યોગ્ય ધામ હતું કારણ એક જ પરિસરમાં કાલી, કૃષ્ણ અને શિવનાં મંદિરો આવેલાં છે. પરંતુ શ્રીરામકૃષ્ણની સાધનાએ ત્યાંના મહા વટવૃક્ષને અને બગીચાના જંગલને સીતારામ, હનુમાન, રાધા, કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, ચૈતન્ય, નિત્યાનંદ અને એવા અસંખ્ય દેવ, દેવીઓ અને સંતોનાં દર્શનોએ એને સાચું તીર્થ બનાવી મૂકેલ છે. તોતાપુરીના માર્ગદર્શન હેઠળ નિરાકારની સાધનાનું તેમજ સુજ્ઞ સાધક ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ ઇસ્લામની સાધનાનું સ્થાન પણ એ ભૂમિ બની હતી. શ્રીરામકૃષ્ણનો નાનકડો ઓરડો લગભગ દરરોજ ધર્મસભા બની જતો. પરંતુ શ્રીરામકૃષ્ણના એક પણ દર્શનનો સ્વીકાર નરેન્દ્ર કરતા નહીં અને એમને મિથ્યા માની એ હસી કાઢતા. નરેન્દ્રનાથની માનસિક ગડમથલોને કારણે તો શ્રીરામકૃષ્ણનો એમના પ્રત્યેનો અનુરાગ ઊલટો વઘ્યો. એનું કારણ એ હતું કે એમને પોતાને પણ અનેક ઊથલ-પાથલોમાંથી પસાર થવું પડ્યું હતું. નરેન્દ્રની ઊથલપાથલો બૌદ્ધિક 

હતી, જ્યારે શ્રીરામકૃષ્ણની આઘ્યાત્મિક હતી, છતાં પણ બંનેની પાછળનાં કારણો અને માત્રા એકસરખાં હતાં. એમણે જાણી લીધું કે સત્યદર્શનની અત્યંત તીવ્રલાગણીને કારણે નરેન્દ્રની બુદ્ધિ શંકાશીલ તો રહેવાની જ; વિશેષમાં એમણે એ પણ જાણી લીધું કે આખરે આ ગજગ્રાહમાં નરેન્દ્રની જ જીત થશે અને તમામ મર્યાદાઓને વટાવીને એ મહાન આઘ્યાત્મિક પુરુષ બનશે. પરિણામે અપાર સ્નેહ અને ધૈર્યથી એમણે એને માર્ગદર્શન આપવાનું કાર્ય જારી રાખ્યું.
પછી એક દહાડો શ્રીરામકૃષ્ણે ગોપાલની માને ત્યાં બોલાવ્યાં; એ વૃદ્ધ મહિલાની જિંદગી બાલગોપાલનાં દર્શનોમાં અને સતત ગોપાલ સાથે રહેવામાં જ વીતતી.’ શ્રીરામકૃષ્ણના કહેવાથી એ નિરક્ષર ડોશી પોતાનાં દર્શનોની વાત ખૂબ ભાવપૂર્વક નરેન્દ્રને કહેવા લાગી. અશ્રદ્ધાળુ બુદ્ધિવાદીની આંખમાંથી આંસું વહેવા લાગ્યાં.’ આવા પવિત્ર અને નિર્દોષ આત્માની વાતમાં શંકા કરી જ કેમ શકાય ? જ્વલંત આઘ્યાત્મિક સાક્ષાત્કારે અર્વાચીન શંકાશીલતા પર વિજય મેળવ્યો.’

આ બધા અનુભવો છતાં પોતાના ગુરુ વિશેની શંકા નરેન્દ્રનાથના મનમાંથી નિર્મૂળ ન થઈ. પરંતુ એ યુવાન માટેનો શ્રીરામકૃષ્ણનો પ્રેમ વધતો જ ચાલ્યો. વાસ્તવમાં એણે હવે આદરનું રૂપ લીધું. ‘નરેન્દ્ર માનવપુષ્પોમાં સહસ્ા્રદલ કમલ છે’, એ રીતે તેઓ ખુલ્લંખુલ્લા નરેન્દ્રને વર્ણવવા લાગ્યા. એક દિવસે મહારાણી વિકટોરિયાએ પણ જેમનું સન્માન કર્યું હતું તે કેશવ સેન શ્રીરામકૃષ્ણને મળવા આવ્યા હતા. મુલાકાત પતી ગયા પછી શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘કેશવને પ્રખ્યાત કરનાર એક શક્તિ કેશવમાં છે તો નરેનમાં તેવી અઢાર છે.’ શરમાઈ ગયેલા નરેને આનો વિરોધ કર્યો તો હસીને શ્રીરામકૃષ્ણ બોલ્યા : ‘હું નિરુપાય છું. આ શબ્દો મારા છે એમ તું માને છે ?... મને તો માએ કશુંક બતાવ્યું ને હું તે જ બોલી ગયો. સત્ય સિવાય બીજું કશું જ મા મારી પાસે પ્રગટ કરતી નથી.’
અદ્વૈત વેદાન્તના સર્વવ્યાપી બ્રહ્મમાં ઢપણે માનનાર નરેન્દ્ર શરૂઆતમાં મા કાલીનો સ્વીકાર કરતા નહીં, જીવનસમગ્રને ધારણ કરનાર એકમાત્ર આદ્યશક્તિ એ છે તેમ એ માનતા નહીં. ૧૮૮૪માં પોતાના પિતાના મૃત્યુ પછી એક તબક્કે નરેન્દ્રના કુટુંબ ઉપર ખૂબ વિપત્તિઓ આવી પડી. અચાનક એમના જીવનમાં આકરી ગરીબાઈ અને ભૂખના દહાડા આવ્યા. પોતાના કુટુંબને એમાંથી ઉગારવા માટે આતુર અને અધીરા બની ગયેલા નરેન્દ્ર પાસે ગુરુ શરણે જવા સિવાય બીજો માર્ગ ન રહ્યાો. પોતાના કુટુંબ પરની પીડાને દૂર કરવા માટે પોતાના ગુરુના શરણ સિવાય એની પાસે બીજો માર્ગ ના રહ્યાો. પોતાના કુટુંબ ઉપરની આફતને નિવારવાને માટે ગુરુએ ચિંઘ્યા પ્રમાણે મહાકાલીની પ્રાર્થના કરવા માટે કોશિશ કરવા લાગ્યા. પરંતુ પોતાની જરૂર પૈસાની હોવા છતાં એ જ્ઞાન અને ભક્તિ માટેની જ પ્રાર્થના કરી શક્યા. ઘણો સમય વીત્યા પછી સ્વામી વિવેકાનંદને એ સ્પષ્ટપણે સમજાયું કે આ પોતાના ગુરુની લીલા હતી. માતા કાલી ને એમના પુત્ર શ્રીરામકૃષ્ણ એક અને અભિન્ન હતાં. ‘શ્રીરામકૃષ્ણને ભવિષ્ય મા કાલીનો અવતાર કહેશે એમ તમે કહો છો તે હું સ્વીકારું છું’, તેમ કહીને એમણે નિવેદિતાની વિચારણાને અનુમોદન આપ્યું હતું અને ઉમેર્યું હતું: ‘હા, પોતાના હેતુઓ પાર પાડવા માટે મા કાલી શ્રીરામકૃષ્ણના દેહનો ઉપયોગ કરતાં હતાં.’ આ માતૃશક્તિ એમને સદા રક્ષતી રહી હતી.
સમય વીતતાં નરેન્દ્રે જાતને ગુરુને સમર્પિત કરી દીધી હતી અને અનંત ધૈર્ય સાથે પોતાના યુવાન શિષ્યના બંડખોર આત્માને શાંત કર્યો હતો અને સંશયમાંથી નિશ્ર્ચિતતા તરફ તથા પીડામાંથી આઘ્યાત્મિક શાંતિ તરફ એને એ લઈ ગયા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણના આઘ્યાત્મિક માર્ગદર્શનના કરતાં નરેન્દ્રને વશ કરનારું તત્ત્વ શ્રીરામકૃષ્ણનો પ્રેમ હતો અને એમના શિષ્યે પણ એ - પ્રેમનો પ્રતિભાવ પૂર્ણપણે આપ્યો હતો.

દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણના ઓરડામાં બુદ્ધની એક પથ્થરની પ્રતિમા હતી. ૧૮૮૪ના મેની ૨૪મીએ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું: ‘બુદ્ધ વિશે મેં ખૂબ સાંભળ્યું છે. ઈશ્વરના દસ અવતારોમાંના એ એક છે. બ્રહ્મ અચલ, અવ્યય અને અકર્તા છે

 

અને ચૈતન્યની પ્રકૃતિવાળું છે. પોતાની બુદ્ધિને માનવી બોધમાં કે પરમ ચૈતન્યમાં એકાકાર કરી દે છે ત્યારે એને બ્રહ્મજ્ઞાન થાય છે, ત્યારે એ બુદ્ધ- જ્ઞાન પ્રાપ્ત બને છે. વળી ૧૮૮૫ની ૨૩મી ઓકટોબરે, શ્યામપુકુરના ઘેર શ્રીરામકૃષ્ણ હતા ત્યારે શ્રી ગિરીશચંદ્ર ઘોષના નાટક ‘બુદ્ધચરિત’નાં કેટલાંક ગીતો તેમણે ભક્તોની સાથે સાંભળ્યાં. ગીત હતું, ‘જુડાઈતે ચાઈ, કોથાય જુડાઈ; કોથા હોતે આશિ કોથા ભેશે જાઈ (આરામ માટે આપે નિશ્વસીએ છીએ પણ હાય ! આરામ અમને મળતો નથી; કર્મના તરંગો પર તરતાં અમે આવીએ છીએ અને એ જ કર્મતરંગો પર જીવન વહી જાય છે).’ આ ગીત સાંભળતાં સાંભળતાં શ્રીરામકૃષ્ણ સમાધિમાં સરી પડ્યા.
એક વેળા (૧૮૮૫ના એપ્રિલમાં) બુદ્ધના જીવન અને એમના સંદેશ વિશે ચર્ચા ચાલી રહી હતી. અલબત્ત ચર્ચાના પ્રેરક અને મુખ્ય વક્તા નરેન હતા. બુદ્ધ સાહિત્યના વાચનથી એ ઉભરાતા હતા. એ સમયે અંતરથી એ બૌદ્ધ હતા. બુદ્ધની પ્રચંડ મેધા, એમના મનમાંનું ઊંડું શાણપણ, એમનું કૃપાનિર્ઝર હૃદય, એમની મધુર, ગહન અને તેજસ્વી પ્રતિભા, એમની ભવ્ય નીતિમત્તા અને પરાવિદ્યા તથા માનવ ચારિત્ર્ય વચ્ચેની સમતુલા જાળવવાની એમની અદ્ભુત રીત - આ સર્વેએ નરેનમાં ખૂબ ઉત્સાહ પ્રગટાવ્યો હતો અને એનો ચેપ અન્ય શિષ્યોને પણ લાગ્યો હતો. જીવનનો ત્યાગ કરીને પણ બુદ્ધની માફક સત્યનો આવિષ્કાર કરવા એ બધા કટિબદ્ધ હતા. ‘આ શરીર એના આસન પર સુકાઈ જાઓ, એનાં માંસ અને અસ્થિ ઓગળી જાઓ, યુગો પર્યંત પણ જે સહજસાઘ્ય નથી તે બોધિજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આ શરીર અહીંથી ચસશે નહીં.’

પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણમાં બુદ્ધનાં દર્શન કરવાની પ્રેરણા સ્વામી વિવેકાનંદને બુદ્ધની અનુકંપાએ આપી હતી. કુશીનગરમાં સાલ વૃક્ષની નીચે સિંહની જેમ બુદ્ધ જમણે પડખે સૂતા પડ્યા હતા અને મૃત્યુની વાટ જોતા હતા ત્યારે અચાનક કોઈ દૂરદેશથી એક મનુષ્ય એમની પાસે બોધ ગ્રહણ કરવા આવ્યો. શિષ્યોએ એને બુદ્ધ પાસે આવતાં અટકાવ્યો અને મૃત્યુશય્યાએ સૂતેલા ગુરુ પાસે તેમણે શાંતિ જાળવી પણ પેલા માણસનો અવાજ ગુરુએ સાંભળ્યો હતો અને એ બોલ્યા: ‘ના, ના ! જેને અહીં મોકલ્યો છે તે સદા તત્પર છે.’ માણસને બોધ આપ્યો. આવું ચાર વાર બન્યું તે પછી અનુકંપાવાન બુદ્ધે મહાનિર્વાણમાં પ્રવેશ કર્યો.
‘શ્રીરામકૃષ્ણ પરમહંસમાં પણ મેં આ જોયું હતું.’ એમ સ્વામી વિવેકાનંદે પોતાની શિષ્યા ભગિની નિવેદિતાને કહ્યું હતું. તે શ્રીરામકૃષ્ણ મોતને બિછાને પડ્યા હતા ત્યાં કાશીપુરમાં એક માણસ સો માઈલનો પંથ કાપીને આવ્યો હતો તે વાતની યાદ એમણે આપી હતી. શિષ્યોએ એને આવતાં અટકાવ્યો પણ શ્રીરામકૃષ્ણ વચ્ચે પડ્યા અને પેલા આગંતુકને પોતાની પાસે આવવા દેવા અને તેને બોધ દેવા માટે તેમણે આગ્રહ રાખ્યો. ‘બુદ્ધમાં એમને (વિવેકાનંદને) રામકૃષ્ણ પરમહંસ દેખાતા અને રામકૃષ્ણ પરમહંસમાં બુદ્ધનાં દર્શન થતાં,’ આમ નિવેદિતાએ લખ્યું છે.
બુદ્ધ તો સંપૂર્ણ ત્યાગના પ્રતિક જેવા હતા. એમણે પોતા માટે કંઈ કર્યું નથી. અ૨ે, પોતાની મુક્તિનો સુઘ્ધાં એમણે વિચાર કર્યો નથી. અનંત ઇચ્છાઓથી શેકાતી માનવજાત માટે જ એમણે બધું કર્યું છે, પોતાના મૃત્યુ પહેલાં પોતાના શિષ્યોને ‘બહુજન હિતાય, બહુજન સુખાય’નો ઉપદેશ આપ્યો હતો. બુદ્ધ જેવી પ્રતિભા અને કરુણાથી ઉચ્ચ્તમ વેદાંતને સ્વામી વિવેકાનંદે જ નિમ્નતમ ભારતવાસીઓ સમક્ષ રજૂ કર્યું. ઈશ્વરના હિંદુ અવતાર તરીકે બુદ્ધનો સ્વીકાર શ્રીરામકૃષ્ણે કર્યો હતો, તો બુદ્ધત્વના પોતાના સાક્ષાત્કાર ઉપર વિવેકાનંદનું બુદ્ધનું ગુણકથન હતું. સ્વામીજીના કેટલાક શિષ્યો તો તેમને બુદ્ધનો બીજો અવતાર માનતા. ભગવાન બુદ્ધ પ્રત્યેની વિવેકાનંદની ઉભરાતી ભક્તિ અવિસ્મરણીય છે : ‘હું તો બુદ્ધના દાસોના દાસોનો પણ દાસ છું. એમની સમાન બીજું કોણ થયું છે ! ભગવાન બુદ્ધ મારા ઈષ્ટ છે - મારા પરમેશ્વર છે. ઈશ્વરત્વ વિશે એમણે કદી બોધ આપ્યો ન હતો - તેઓ જ સ્વયં ઈશ્વર હતા. એમાં મને પૂર્ણ શ્રદ્ધા છે.’ સ્વામી વિવેકાનંદને મન બુદ્ધની કરુણા અને શંકરની મેધા પૂર્ણ મનુષ્યને કે પૂર્ણ રાષ્ટ્રને સર્જશે.

કલકતાને પાદરે આવેલા કાશીપુરમાં પોતાની માંદગીને કારણે શ્રીરામકૃષ્ણને ખસેડાયા ત્યારથી ગુરુ પાસેથી નરેન્દ્રનાથની આખરી તાલીમ આરંભાઈ. ગુરુના દિવ્ય પ્રેમે નરેન્દ્રનાથને આકરી તપશ્ર્ચર્યામાં અને આઘ્યાત્મિક સાધનામાં ડુબાડી દીધા જેથી એ ભગવાનમાં સુઢ થઈ શકે. પૂર્ણપણે ઇન્દ્રિયાનુરાગી પાશ્ર્ચાત્ય સંસ્કૃતિમાં પળેલા નરેન્દ્રનાથને પવિત્રતામાં અને કામકાંચનના ત્યાગમાં ઢ બનાવવાના ભાવિ જીવનનો પાયો કાશીપુરમાં નખાયો. જ્ઞાનની સઘળી શાખાઓમાં અને સભ્યતાના ભાવિમાં પણ નરેન્દ્રના આર્ષ દર્શનનો સ્રોત આ પવિત્રતા અને ઘ્યાન બની ગયાં. જગતને હચમચાવી મૂકતી એમની પ્રચંડ ઊર્જાનો સ્રોત પણ આ જ બાબત હતી.
નરેન્દ્રની આઘ્યાત્મિક સાધનાની પરમ ઘડીએ અને એમના આઘ્યાત્મિક સાક્ષાત્કારની ચરમ સીમાએ હવે આપણી આવીએ છીએ. એને માટે અદ્વૈત વેદાન્તનાં દ્વાર ગુરુએ ખોલી આપ્યાં હતાં ત્યારથી એ પરબ્રહ્મની અનુભૂતિ માટે ઝંખતા હતા. એ દિવ્યતા માટે પ્રાર્થતા; સંવેદનાના શિલાલેખમાંથી સમગ્રપ્રકૃતિ ભુંસાઈ જાય તેમ એ ઇચ્છતા. ‘પરમ સત્યના અસ્તિત્વમાં ચિંતનથી પર થઈને ‘હું’ને ભુલાવી દો.’ એ પ્રાર્થના શ્રીરામકૃષ્ણ પાસે નરેનની હતી. ઉપનિષદના કેન્દ્રવર્તી વિચારનો સાક્ષાત્કાર નરેન ચાહતા હતા અને પોતાની અનુભૂતિને આધારે પોતે ‘અહં બ્રહ્માસ્મિ’ કહેવા ઝંખતા હતા.
આ સાક્ષાત્કાર પામવા માટે નરેને ગુરુનો જીવ ખાધો હતો. એક સાંજે અચાનક એ સામેથી આવી ચડ્યો. એ ઘ્યાનમાં બેઠા હતા ત્યારે અચાનક પોતાના મસ્તકના પાછળના ભાગમાં એક જ્યો એમને નાચતો દેખાયો. એ વધુ ને વધુ તેજસ્વી થતો ગયો, વધારે ને વધારે મોટો થતો ગયો; અંતે એ જાણે ફાટશે એમ લાગ્યું. નરેનનું ચિત્ત એ જ્યો સાથે એકાકાર થઈ ગયું. એમની ચેતનામાં પછી શું બન્યું તે શબ્દાતીત છે કારણ કે એ નિર્ગુણ અવસ્થા વર્ણનથી પર છે. આ સાક્ષાત્કાર પછી કેટલેક સમયે એમણે ‘સમાધિનું ગીત’ લખ્યું હતું. તેમાં એ ઊર્ઘ્વ સ્થિતિનો નિર્દેશ છે.
એ તકનો ઉપયોગ પોતાના યુવાન શિષ્યોને નરેન્દ્રના નેતૃત્વ હેઠળ લાવવામાં શ્રીરામકૃષ્ણે કર્યો. દરરોજ સાંજે બેત્રણ કલાક માટે નરેન્દ્રને એ પોતાના ઓરડામાં બોલાવતા અને વિવિધ આઘ્યાત્મિક સાધનાઓ વિશે એને પોતે માર્ગદર્શન આપતા અને પોતાના ગુરુભાઈઓને સાથમાં કેમ રાખવા, એ સૌ ત્યાગમય જીવન જીવી શકે તે માટે એમને કેવી રીતે માર્ગદર્શન આપવું અને કેવી રીતે તાલીમ આપવી તે વિશે તેઓ નરેનને ઘડતા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda