Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

અભયવાણી

૧.આ દુનિયામાં તમે આવ્યા છો તો કંઈક નામ રાખી જાઓ; નહિતર તમારામાં અને પેલા ઝાડ કે પથ્થરમાં ફરક શો રહ્યો ? એ પણ જન્મે છે, જીર્ણ થાય છે અને નાશ પામે છે.

૨.જગતના સર્વદેવો સમક્ષ તમે રડ્યા છો. તેથી દુ:ખ દૂર થયું છે ખરું ? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાને મોતે મરે છે. એ દેવો ક્યાં છે ? ... તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે. તો એથી લાભ શો ?

૩.આપણે ઘણું રુદન કર્યું, હવે રડવું છોડી દઈ મર્દ બનો. મર્દ બનાવે એવા ધર્મની આપણને જરૂર છે. સર્વ રીતે મર્દ બનાવે એવી કેળવણીની આપણને જરૂર છે.

૪.આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો. વિજય કે પરાજયની પરવા ન રાખો.વેડફી નાખવું ન પાલવે.

૫.જો હૃદય અને મસ્તકમાં મતભેદ ઊભો થાય તો હૃદયને અનુસરો.

૬.તમે ગરીબ છો એવું ધારશો નહિ; ધન એ કંઈ ખરી શક્તિ નથી પણ સૌજન્ય અને પવિત્રતા એ જ ખરી શક્તિ છે.

૭.ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. તમારી સામે અનંત ભાવિ પડેલું છે.

૮.માણસ મરે છે માત્ર એક જ વાર. મારા શિષ્યો નિર્માલ્ય ન હોવા જોઈએ.

૯.તમારા મિત્રોના અભિપ્રાય સાથે બાંધછોડ કરવા હંમેશાં તત્પર રહેજો અને સર્વદા સમાધાનભર્યું વલણ દાખવવાનો પ્રયાસ કરજો. આમાં બધું આવી જાય છે.

૧૦.હું જે કંઈ ઉપદેશ આપું તે સર્વમાં પ્રથમ આવશ્યકતા તરીકે હું આ મૂકું છું કે જે કંઈ બાબત આઘ્યાત્મિક, માનસિક યા શારીરિક નિર્બળતા લાવે તેને તમારા પગની આંગળીથી પણ સ્પર્શ કરશો નહિ.

૧૧.દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ:સ્વાર્થ જ્વલંત પ્રેમ રૂપ છે, તેવા પુરુષોની જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.

૧૨.વિકાસ સાધવાનો પ્રયત્ન કરો. ખ્યાલમાં રાખજો કે ગતિ અને વિકાસ એ જ જીવનનું એકમાત્ર લક્ષણ છે.

૧૩.સખત પરિશ્રમ કરો. પવિત્ર અને શુદ્ધ બનો એટલે ઉત્સાહ આવશે જ.

૧૪.જ્યાં હોય ત્યાં પડ્યા રહેવાનો (વિકાસ નહિ પામવાનો) સ્વભાવ પશુનો છે. સારું શોધવું અને ખરાબ ત્યજવું એ સ્વભાવ મનુષ્યનો છે.

૧૫.‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે’ આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યો પ્રયાસ.

૧૬.દરેક વસ્તુની મજાક ઉડાવવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો એને હાંકી કાઢો અને શ્રદ્ધાવાન બનો. બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.

૧૭.ફરી એક વખત હું તમને યાદ આપું કે ‘ઊઠો, જાગો અને ઇચ્છિત ઘ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટક્યા વગર આગળ વધો. ડરો નહિ કારણ કે માનવજાતિના સમગ્રઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી નીકળી આવી છે.’

૧૮.વાંદરાનકલ કરવી એથી પ્રગતિ કદી થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલ ભયાનક અધ:પતનની નિશાની છે.

૧૯.આપણે નિષ્ફળતાઓમાંથી જ ડહાપણ મેળવીએ છીએ. કાળ અનંત છે. આ દીવાલ તરફ જુઓ. તે કદીય અસત્ય બોલી હતી ? છતાં તે સદાને માટે દીવાલ જ છે. મનુષ્ય અસત્ય પણ બોલે છે અને દેવ પણ બને છે. કંઈક કરવું એ સારું છે.

૨૦.અહોરાત્ર પ્રાર્થના કર કે હે ‘ગૌરીપતે, હે જગજ્જનની અંબે ! તું મને મનુષ્યત્વ આપ ! હે સામર્થ્યદાયિની માતા ! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ, મને મર્દ બનાવ !

૨૧.આપણાં જીવન સારાં અને પવિત્ર હોય તો જ દુનિયા સારી અને પવિત્ર થઈ શકે.

૨૨.આ જીવન આઘાતોથી ભરપૂર છે; પરંતુ તેમની અસરો, કોઈ પણ રીતે ચાલી જાય છે; જીવનમાં એ જ આશા છે.

૨૩.‘સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે’ એ તદ્દન સ્વાભાવિક છે. ઊંડામાં ઊંડી મનની સમતુલા જાળવજો. ક્ષુદ્ર જીવો તમારા વિરુદ્ધ શું બોલે છે તે તરફ જરા પણ ઘ્યાન ન દેતા. ઉપેક્ષા ! ઉપેક્ષા, માત્ર ઉપેક્ષા !

૨૪.આપણે અજ્ઞાનનો અને અશુભનો નાશ કરવાનો બનતો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર આપણે એટલું જાણવાનું છે કે અશુભનો નાશ થાય છે શુભના વિકાસથી.

૨૫.આશાવાદી થાઓ, હતાશ બનશો નહિ. સરસ શરૂઆત કર્યા પછી જો તમે હતાશ થાઓ તો તમે મૂર્ખ છો.

૨૬.તમારામાં નિષ્ઠા છે ? તમે મરણપર્યંત નિ:સ્વાર્થ રહી શકો છો ? તમારામાં પ્રેમ-ભાવના છે ? તો પછી કશી બાબતનો ડર ન રાખો; ખુદ મૃત્યુનો પણ નહિ ! આગળ ધપો યુવકો ! સમસ્ત જગતને પ્રકાશની જરૂર છે; તેને માટે એ આશાભરી મીટ માંડી રહ્યું છે !

૨૭.વીરતાભર્યાં વચનો અને એથીયે વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણને જરૂર છે. જાગો ઓ મહાનુભાવો જાગો ! આ દુનિયા દુ:ખમાં બળી રહી છે. તમારાથી સૂઈ રહેવાય કે ?

૨૮.મૈત્રી, કરુણા, પ્રીતિ અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્તની સ્થિરતા આવે છે. આ ચાર પ્રકારની ભાવનાઓ આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુ:ખી હોય તેમનાં પ્રત્યે દયા દાખવવી જોઈએ; જો સુખી હોય તેમનું સુખ જોઈને આપણે સુખી થવું જોઈએ; અને દુષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ.

૨૯.તમારે જીવવું જ હોય તો યુગને અનુકૂળ બનવું જ પડે. આપણે જો જીવવું જ હશે તો વૈજ્ઞાનિક વિચારોવાળી પ્રજા બનવું પડશે.

૩૦.જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા, ગમે તે થાય મારે મારા આદર્શ સુધી પહોંચવું જ છે, આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યો પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં ગમે તેટલી દૈવીસહાય પણ કામ નહિ આવે.

૩૧.જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. જન્મે જન્મે શોક અને વિલાપ કરતાં તેઓ આવે છે અને જાય છે. વીર ભોગ્યા વસુંધરા ! એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે.

૩૨.હંમેશાં હૃદયને ઉન્નત બનાવો : હૃદય દ્વારા ઈશ્વર બોલે છે, જ્યારે બુદ્ધિ દ્વારા તમે પોતે બોલો છો.

૩૩.જીવનમાં તમને માર્ગદર્શક બને એટલા માટે હું તમને થોડુંક કહીશ. ભારતમાંથી જે બધું આવે તેને સાચું માનજો, સિવાય કે તેમ ન માનવાના તમારી પાસે બુદ્ધિપુર:સરનાં કારણો હોય; યુરોપમાંથી જે બધું આવે તેને ખોટું માનજો, સિવાય કે તેવું માનવામાં તમારી પાસે બુદ્ધિપુર:સરનાં કારણો હોય.

૩૪.જો મૃત્યુ અનિવાર્ય છે, તો લાકડા કે પથ્થરની માફક જીવવાં કરતાં વીરની માફક મરવું શું વધારે સારું નથી? વળી આ ક્ષણભંગુર જગતમાં એકાદ-બે દહાડા વધારે જીવવાથી પણ શો લાભ છે ? પડ્યા પડ્યા કટાઈ જવા કરતાં, ખાસ કરીને બીજાનું જે થોડું પણ ભલું થઈ શકે તે કરતાં કરતાં ઘસાઈ મરવું વધુ સારું!

૩૫.સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. એકસો આવા નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય !

૩૬.સૌથી પહેલું આ સમજવાનો પ્રયાસ કરો:.. માણસ પૈસાને બનાવે છે કે પૈસો માણસને બનાવે છે ? માણસ કીર્તિને બનાવે છે કે કીર્તિ માનવને બનાવે છે ? મિત્ર ! પ્રથમ માણસ બનો પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર  દ્વેષ, એ કૂતરા જેવો એક બીજા પ્રત્યેનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાઓ.

૩૭.કોઈ પણ સંજોગોમાં માણસે જાતનું રક્ષણ કરવું જોઈએ. ‘ભગવાન દયા કરો’ એ વાત સાચી પરંતુ ઈશ્વર સ્વાશ્રયીને જ મદદ કરે છે.

૩૮.વત્સ ! વ્યવહારુ બનવાનું શીખી લો. હજી ભવિષ્યમાં આપણે મહાન કાર્યો કરવાનાં છે.

૩૯.અરે દરેકે દરેક સ્ત્રીપુરુષ અને બાળકને કોઈ પણ પ્રકારની જ્ઞાતિની કે વંશની, સબળતાની કે નિર્બળતાની ગણતરી વગર સંભળાવો અને શીખવો કે સબળા અને નબળાની પાછળ, ઊંચા અને નીચાની પાછળ, દરેકે દરેકની પાછળ, સર્વ કોઈને સારા અને મહાન થવાની અનંત શક્યતા અને અનંત શક્તિની ખાતરી આપનારો પેલો સનાતન આત્મા બિરાજી રહ્યો છે. આપણે એકેએક જીવને ઘોષણા કરી સંભળાવીએ છીએ..‘ઊઠો, જાગો અને અટક્યા વગર ઘ્યેયે પહોંચો.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda