Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Safaltana Sopano

પ્રેમ અને નિ:સ્વાર્થતા

૧.પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે.

૨.મારા શિષ્યો ! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશનાં ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં. માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેમ દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

૩.જે પોતે માણસ હોવા છતાં અન્ય માનવીને માટે જેમના હૃદયમાં લાગણી નથી, તેમને કોઈ પણ રીતે માણસ ગણી શકાય ખરા ?

૪.કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે. એનાં પૈડાંઓમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે; નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે. પ્રેમ ન હોય તો માબાપ પોતાનાં બાળકો પ્રત્યેનાં કર્તવ્યો શી રીતે બજાવે ? આપણા જીવનમાં દરરોજ ઘર્ષણ થતાં હોય એવા દાખલાઓ શું આપણે જોતા નથી ? પ્રેમ હોય તો જ કર્તવ્ય મધુર થઈ શકે.

૫.પ્રેમ કદાપિ નિષ્ફળ જતો નથી; આજે, આવતી કાલે કે યુગો પછી પણ સત્યનો જ જય થવાનો છે. વિજય પ્રેમનો જ છે... પ્રેમની સર્વ સમર્થ શક્તિમાં શ્રદ્ધા રાખો. કીર્તિના આ મિથ્યા ચળકાટવાળા પરપોટાઓની કોણ દરકાર કરે છે ? છાપાંઓ શું કહે છે તેના ઉપર હું કદાપિ લક્ષ આપતો નથી. શું તમારામાં પ્રેમ છે ? જો એ હશે તો તમે સર્વશક્તિમાન બનશો. શું તમે સંપૂર્ણત: નિ:સ્વાર્થી છો ? જો હશો તો કોઈ પણ વ્યક્તિ તમને રોકી શકશે નહિ. ચારિત્ર્ય જ સર્વત્ર સફળ નીવડે છે.

૬. હવામાં જતો તોપનો ગોળો ઘણે દૂર સુધી જઈને નીચે પડે છે અને બીજો ગોળો ભીંત સાથે અથડાય છે, એની ગતિ અટકે છે, અને દીવાલ સાથેની એની અથડામણથી સખત ગરમી (ઊર્જા) ઉત્પન્ન થાય છે. આ રીતે બહાર જતી શક્તિઓ જો સ્વાર્થી હેતુથી વપરાતી હોય તો નિરર્થક જાય છે.એના પરિણામે કોઈ શક્તિ તમે પ્રાપ્ત કરી નહિ શકો; પણ જો એ અંકુશસહિત હોય તો એનું પરિણામ શક્તિના વિકાસમાં આવશે. આ અંકુશ, આ સંયમ એક પ્રબળ ઇચ્છાશક્તિ પેદા કરશે.

૭. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું છે અને એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ,’ તે મનુષ્ય સ્વાર્થી છે. નિ:સ્વાર્થ મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ..’ આ નિ:સ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. જેનામાં આ નિ:સ્વાર્થવૃત્તિ વધુ હોય છે તે વધુ ધાર્મિક છે.

૮.સર્વ સ્થળે નિ:સ્વાર્થતાનું પ્રમાણ માનવીની સફળતાનું પ્રમાણ નક્કી કરે છે.

૯.નિ:સ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિ:સ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા ઊંચામાં ઊંચા આદર્શના ઘડવૈયા છે, એવાઓમાં જ શક્તિ પ્રગટ થાય છે.

૧૦.હંમેશા વિસ્તાર પામે તે જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને માટે નરકમાં પણ સ્થાન નથી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda