Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Shaktidayi Vichar

ભારત

૧. આપણી માતૃભૂમિ પ્રત્યે જગતનું ઋણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હિન્દુનું - નરમ હિન્દુનું ઋણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.

૨. ભારતીય વિચાર, ભારતીય રીતરિવાજો, ભારતીય ફિલસૂફી અને ભારતીય સાહિત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વિચારોની પાછળ રહેલા મહાન સિદ્ધાંતોનો પરિચય મેળવે તો નવાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.

૩. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નિરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મંદ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મૂર્ત સ્વરૂપ છે.

૪. મારી આ વાતમાં શ્રદ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી મોટી ચર્ચા કરેછે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.

૫. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સિતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તિત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આઘ્યાત્મિકતાના અમૂલ્ય નિધિને વળગી રહ્યો છે.

૬. આ દેશમાં હજી પણ ધર્મ અને આઘ્યાત્મિકતા એ એવા સ્રોતો છે કે જેમણે પશ્ચિમનાં તેમજ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તિનો સંચાર કરવા માટે ઊભરાઈને પૂરની માફક આખા જગતમાં રેલાઈ જવું પડશે. રાજકીય મહત્ત્વકાંક્ષાઓ અને સામાજિક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝૂકી ગયેલાં, અધમૂવાં અને પતિત બની ગયાં છે.

૭. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આઘ્યાત્મિકતાને છોડી દેશો અને પશ્ચિમની જડવાદી સંસ્કૃતિનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મૂકશો તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર એક જાતિ તરીકે તમારી હસ્તી મટી જશે; કારણ કે એથી રાષ્ટ્રની કરોડરજ્જુ તૂટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઇમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરિણામે સર્વત્ર વિનાશ ફેલાઈ જશે.

૮. ભૌતિક શક્તિના કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થિતિમાં પરિવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આઘ્યાત્મિકતાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અંદર તે ધૂળભેગું થઈ જશે; અને એમાંથી એને તારશે ઉપનિષદોનો ધર્મ.

૯. આપણા ઉચ્ચ વર્ગના પૂર્વજો એ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બિચારા દરિદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભૂલી ગયા કે અમે પણ માણસ છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠિયારા કે પાણી ખેંચનારા ભિસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠિયારા કે ભિસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.

૧૦. ઉપનિષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉદ્ધાર હાથવેંતમાં જ છે.

૧૧. શું તમને લોકો માટે લાગણી છે ? દેવો અને ઋષિમુનિઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટિએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું ? આજે લાખો લોકો ભૂખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભૂખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું ? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો ? શું એથી તમને અંજપો થાય છે ? શું એથી તમારી ઊંઘ હરામ થઈ ગઈ છે ખરી ? શું એ હકીકત તમારા હૃદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચૂકી છે ? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો ? શું પાયમાલીના દુ:ખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો ? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તિ, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તિ- અને તમારો દેહ સુદ્ધાં-વીસરી બેઠા છો ખરા ? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું ? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે- સૌથી પ્રથમ સોપાન.

૧૨. આવો, મનુષ્ય બનો. તમારી કૂપમંડુકતામાંથી બહાર આવો અને બહારની દુનિયાને નિહાળો, બીજા દેશો કેવી રીતે આગેકૂચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો ? શું તમારામાં દેશપ્રેમ છે ? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રિયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો !

૧૩. ભારત પ્રતિ પૂર્ણ પ્રેમ અને દેશભક્તિ હોવા છતાં, આપણા પૂર્વજો પ્રતિ પૂર્ણ આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મૂર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચૂકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થિતિની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ઘ્યાન આપ્યું નહિ, એ ભારતીય વિચાર-શક્તિના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચૂકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.

૧૪. દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઇતિહાસમાં તમને વધુ ઊંડી  દૃષ્ટિ આપશે. ખંડેરમાંથી અવારનવાર ઊભા થતાં ફરીથી એ જ નવશક્તિ અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદિરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુદ્ધારોનાં ચિહ્નો કેવાં અંક્તિ થયાં છે તે જુઓ ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.

૧૫. આપણી આ મહાન માતૃભૂમિ ભારત- એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વિચાર - કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મિથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વિલુપ્ત થઈ જાય ! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા- જાગ્રત છે. ‘ચારે દિશામાં તેના હાથ છે, ચારે દિશામાં તેના પગ છે, ચારે દિશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.’ બીજા બધા દેવો ઊંઘી ગયા છે. આપણે કેવા મિથ્યા દેવોની પાછળ દોટ મૂકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વિસ્તરતો જોઈએ છીએ તે દેવને-તે વિરાટને- આપણે પૂજી શકતા નથી ! જ્યારે આપણે આ દેવનું પૂજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પૂજન કરવાને શક્તિમાન થઈશું.

૧૬. રાષ્ટ્રના આઘ્યાત્મિક અને વ્યાવહારિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા ? અત્યારે તમને જે શિક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે - અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ઘડતર કરનારું શિક્ષણ નથી. એ સંપૂર્ણ રીતે કેવળ નિષેધનું - જડતાનું - શિક્ષણ છે. નિષેધાત્મક શિક્ષણ અથવા નિષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.

૧૭. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધૂળ પણ મારા માટે પવિત્ર છે, તેની હવા પણ મારા માટે પુનિત છે; હવે એ પુણ્યભૂમિ-તીર્થભૂમિ-બન્યું છે.

૧૮. જો તમારે અંગ્રેજ કે અમેરિકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમજ શિખવવું પડશે અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.

૧૯. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નિયમો અને રીતરિવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નિયમો અને રીતરિવાજોને એમનાં ઉચિત પરિણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.

૨૦. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નિષ્ઠાથી ઊભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે - એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઊભા થાય- ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ !

૨૧. હું માનું છું કે સામાન્યજનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એકવાર ફરીથી સારી કેળવણી, પૂરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.

૨૨. તમારી  દૃષ્ટિ સામે આ મુદ્રાલેખ રાખો : ‘જનતાની ધર્મભાવનાને અક્ષત રાખીને એમની ઉન્નતિ.’

૨૩. કેળવણી ! કેળવણી ! કેળવણી ! બીજું કશું જ નહીં. યુરોપનાં નગરોનો પ્રવાસ કરીને અને ત્યાંનાં ગરીબ લોકોને પણ પ્રાપ્ત થતી સગવડો તથા કેળવણીનું નિરીક્ષણ કરીને, મને આપણા પોતાના ગરીબ લોકોની હાલતનો વિચાર આવતો અને પરિણામે હું આંસુ સારતો. આ ભેદનું કારણ શું ? અને મને ઉત્તર મળ્યો કે તેનું કારણ છે ‘કેળવણી.’ કેળવણીથી મનુષ્યમાં આત્મશ્રદ્ધા જન્મે છે અને આ આત્મશ્રદ્ધા જ એ લોકોમાં મનુષ્ય-પ્રકૃતિને સહજ એવા બ્રહ્મભાવને જગાડી રહી છે, જ્યારે આપણા લોકોનો બ્રહ્મભાવ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.

૨૪. મારા જીવનની એકમાત્ર મહત્ત્વાકાંક્ષા એ છે કે એવું તંત્ર ગતિમાન કરવું કે જે ઉમદા વિચારોને દરેક માણસના ઘર સુધી પહોંચાડે, પછી ભલે સૌ સ્ત્રીપુરુષો પોતાના ભાગ્યનો નિર્ણય પોતે કરે. જીવનના સૌથી વિશેષ મહત્ત્વના પ્રશ્નો અંગે આપણા પૂર્વજોએ તથા બીજા રાષ્ટ્રોએ શું વિચાર્યું છે એ બધું તેઓ ભલે જાણે, ખાસ કરીને બીજા લોકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે એનું જ્ઞાન તેઓ ભલે મેળવે અને પછી પોતાની મેળે કોઈ નિર્ણય ઉપર આવે.

૨૫. હું ભવિષ્યમાં  દૃષ્ટિપાત કરતો નથી અને મને એની પરવા પણ નથી. પરંતુ મારી  દૃષ્ટિ સામે પસાર થતાં જીવનની જેમ એક દૃશ્યને તો હું સ્પષ્ટ રીતે જોઉં છું. અને એ દૃશ્ય એ છે કે મારી આ પ્રાચીન માતૃભૂમિ પુન:જાગ્રત થઈ છે અને પહેલાંના કરતાં વધુ ભવ્ય બનીને, નવશક્તિ પ્રાપ્ત કરીને સિંહાસનને વિરાજી રહી છે. શાંતિ અને આશીર્વાદના ઘ્વનિ ગજાવીને તેના ગૌરવની સમગ્ર વિશ્વને જાણ કરો.

૨૬. મારા જીવનની સમગ્ર નિષ્ઠાનું એકમાત્ર લક્ષ્ય છે, મારી આ માતૃભૂમિ; હે મારા દેશબંધુઓ ! મિત્રો ! જો હું હજારવાર જન્મ ધારણ કરું તો એ સારીએ શ્રેણીની પળેપળને તમારી સેવામાં અર્પણ કરું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda