Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Shaktidayi Vichar

ઈશ્વર અને ધર્મ

૧. દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલ છે. અંદરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતિનાં નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ઘ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન- એમ એક અથવા અનેક દ્વારા આ જીવનઘ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ એ બધું ગૌણ છે.

૨. જો ઈશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ; નહિ તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.

૩. અભ્યાસ એ સંપૂર્ણપણે આવશ્યક છે. ભલે તમે મારી પાસે બેસીને દરરોજ એકાદ કલાક શ્રવણ કરો, પરંતુ જો તમે અભ્યાસ ન કરો તો એક ડગલું પણ આગળ વધી શકો નહિ. બધો આધાર અભ્યાસ ઉપર છે. આ બધી બાબતોનો જ્યાં સુધી આપણે અનુભવ ન કરીએ ત્યાં સુધી આપણને તેમાં કદાપિ સમજ પડે નહિ. આપણે જાતે જ તેમનું દર્શન કરીને તેમને આત્મસાત્ કરવી જોઈએ, વિવરણો અને સિદ્ધાંતોનું કેવળ શ્રવણ કરવાથી કશું વળવાનું નથી.

૪. એક વિચારને ગ્રહણ કરો; તેને તમારું જીવન સર્વસ્વ બનાવી દો; તેના વિશે ચિંતન કરો, તેનાં સ્વપ્ન સેવો. એ વિચાર પર જ જીવો; તમારું મસ્તિષ્ક, તમારા સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને તમારા શરીરનું અંગેઅંગ - એ બધાંને એ વિચારથી ભરી દો, અને એ સિવાયના અન્ય સર્વવિચારોને બાજુ પર મૂકી દો. સફળતા મેળવવાનો આ જ એક માર્ગ છે, અને આ રીતે જ મહાન આઘ્યાત્મિક વિભૂતિઓનો ઉદય થાય છે.

૫. આ મહામાનવો - પયગંબરો-કોઈ અસામાન્ય મનુષ્યો ન હતા; તેઓ તમારી કે મારી જેમ મનુષ્યો હતા. તેઓ મહાન યોગીઓ હતા. તેઓએ આ સમાધિદશાની -ઊર્ઘ્વચેતનાની દશાની-પ્રાપ્તિ કરી હતી અને આપણે પણ એમ જ કરી શકીએ. તેઓ કોઈ અનોખા પ્રકારના લોકો ન હતા. એક મનુષ્ય ક્યારેય આવી પરમ દશાએ પહોંચ્યો છે એ હકીકત જ પુરવાર કરે છે કે પ્રત્યેક મનુષ્ય ત્યાં સુધી પહોંચી શકે; પહોંચી શકે એટલું જ નહિ, પણ આખરે તો પ્રત્યેક મનુષ્યે ત્યાં સુધી પહોંચવું જ જોઈએ. એનું નામ ધર્મ.

૬. મુક્તિનું મૂર્ત રૂપ, પ્રકૃતિનો નિયંતા એટલે જેને આપણે ‘ઈશ્વર’ કહીએ છીએ તે, તમે એ ઈશ્વરનો ઈન્કાર કરી શકો નહિ-હરગિજ નહિ, કારણ કે મુક્તિના ભાવ વગર તમે કશું કાર્ય કરી શકો નહિ, જીવી શકો નહિ.

૭. કોઈ પણ જીવન કદાપિ નિષ્ફળ હોઈ શકે નહિ. સંસારમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ જ નથી. ભલે સેંકડો વાર મનુષ્ય પોતાને હાનિ પહોંચાડે; ભલે હજારો વાર એ ઠોકર ખાય; પણ આખરે તેને અનુભૂતિ થવાની જ છે કે હું સ્વયં ઈશ્વરરૂપ છું.

૮. ધર્મ એટલે સિદ્ધાંતો, મતવાદો કે બૌદ્ધિક વાદવિવાદ નહિ; ધર્મ એટલે પરમતત્ત્વમાં જીવવું, તદ્રૂપ થવું; ધર્મ એટલે અનુભૂતિ.

૯. ભગવાન ઈશુના શબ્દો યાદ રાખો : ‘માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલી જશે.’ આ શબ્દો પૂર્ણ રીતે સાચા છે - આલંકારિક કે કાલ્પનિક નથી.

૧૦. બાહ્ય પ્રકૃતિને જીતવી એ સારું અને મહાન કાર્ય છે, પરંતુ આંતર પ્રકૃતિને જીતવી એતો એથી પણ વધુ મહાન કાર્ય છે... આ અંદરના માનવીને જીતવો, માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓનાં રહસ્યો સમજવાં અને તેનાં અદ્‍ભુત રહસ્યો ઉકેલવાં એ બધું કાર્ય સર્વાંશે ધર્મનું છે.

૧૧. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુ:ખમાં ઈશ્વર સમાન રીતે વિદ્યમાન છે. સમગ્ર વિશ્વ ઈશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને તેનું દર્શન કરો.

૧૨. ઈશ્વરની પૂજા કરીને આપણે હંમેશાં ખરેખર તો આપણી અંદર નિગૂઢ રીતે રહેલા ‘આત્મતત્ત્વ’ની જ પૂજા કરીએ છીએ.

૧૩. ધર્મની અનુભૂતિ થઈ શકે છે. શું તમે તેના માટે તૈયાર છો ? શું તે તમને ખરેખર જોઈએ છે ? જો એવું હોય તો તમને તેની અનુભૂતિ અવશ્ય થશે અને પછી તમે સાચા અર્થમાં ધાર્મિક બનશો. જ્યાં સુધી તમે અનુભૂતિ પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી નાસ્તિકો અને તમારી વચ્ચે કશો પણ ભેદ નથી. નાસ્તિકો તો પ્રામાણિક છે, પરંતુ જે મનુષ્ય પોતાને ધર્મમાં શ્રદ્ધા હોવાનું કહે છે છતાં તેની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરતો નથી તે પ્રામાણિક નથી.

૧૪. હું ભૂતકાળના તમામ ધર્મોનો સ્વીકાર કરું છું અને એમના આદેશ પ્રમાણે પૂજા કરું છું; ઈશ્વરને ગમે તે સ્વરૂપે તેઓ પૂજે, હું એ પ્રત્યેક ધર્મ પ્રમાણે ઈશ્વરની પૂજા કરું છું. હું મુસલમાનોની મસ્જિદમાં જઈશ; હું ખ્રિસ્તીઓના દેવળમાં જઈને ‘ક્રૂસ’ની આગળ ઘૂંટણીએ પડીશ; હું બૌદ્ધોના મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન બુદ્ધ અને એમના શાસનનું શરણ શોધીશ. મનુષ્યમાત્રના હૃદયમાં પ્રકાશ પાથરતી જ્યોતિનું દર્શન કરવા મથતા હિંદુની સાથે વનમાં જઈને હું ઘ્યાનમાં બેસીશ.

૧૫. ભારતમાં જેને ‘યોગ’ કહીએ છીએ તેના દ્વારા આ ધર્મની પ્રાપ્તિ થાય છે. કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતિ વચ્ચેની એકતા રૂપે, રાજયોગી એને જીવ અને બ્રહ્મની એકતા રૂપે, ભક્ત એને પ્રેમસ્વરૂપ ઈશ્વર અને પોતાની વચ્ચે એકતા રૂપે અને જ્ઞાની એને બહુધા વિલસતા ‘સત્’ની એકતા રૂપે નિહાળે છે. ‘યોગ’નો અર્થ આ છે.

૧૬. હવે પ્રશ્ન આ છે: શું ધર્મ દ્વારા ખરેખર કંઈ સિદ્ધ થઈ શકે ખરું ? હા, જરૂર થઈ શકે. ધર્મ મનુષ્યને અમર બનાવે છે. એણે જ મનુષ્યને તેની આજની સ્થિતિએ પહોંચાડ્યો છે અને એ જ આ મનુષ્ય-પશુને ઈશ્વર બનાવશે. આ છે ધર્મની સિદ્ધિ. મનુષ્ય-સમાજમાંથી ધર્મની બાદબાકી કરો અને પછી જુઓ કે શું શેષ રહે છે? પશુઓના જંગલ સિવાય બીજું કશું જ નહિ !

૧૭. તમને કોણ સહાય કરશે ? તમે પોતે જ વિશ્વને માટે સહાયરૂપ છો. આ વિશ્વમાં કઈ વસ્તુ તમને સહાય કરી શકે ? તમને સહાય કરે એવો મનુષ્ય, ઈશ્વર કે દાનવ ક્યાં છે ? તમને કોણ પરાજિત કરી શકે ? તમે જ આ વિશ્વના વિધાતા છો; સહાય માટે તમે બીજે ક્યાં પ્રયત્ન કરશો ? એવી સહાય તો તમારા પોતાના સિવાય બીજે ક્યાંયથી ક્યારેય પણ આવી નથી. તમારા અજ્ઞાનને કારણે તમે એવું માની લીધું કે તમે કરેલી પ્રત્યેક પ્રાર્થનાનો જે ઉત્તર મળ્યો તે કોઈ ‘સત્ત્વ’ તરફથી મળ્યો; પરંતુ ખરેખર તો તમે પોતે જ તમારી એ પ્રાર્થનાનો અજાણપણે ઉત્તર વાળ્યો છે.

૧૮. ગ્રંથોનું અઘ્યયન કરીને આપણે એવા ભ્રમમાં પડીએ છીએ કે આપણને આઘ્યાત્મિક સહાય મળી રહી છે; પરંતુ ગ્રંથોના અઘ્યયનના આપણા ઉપર પડતા પ્રભાવનું પૃથક્કરણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આવાં અઘ્યયનોથી-આપણી બુદ્ધિને લાભ થાય છે, આપણા અંતર-આત્માને નહિ. આમ, આઘ્યાત્મિક વિકાસને વેગ આપવામાં ગ્રંથોનું અઘ્યયન અપર્યાપ્ત છે, એટલે જ આપણામાંથી લગભગ દરેક જણ આઘ્યાત્મિક વિષયો ઉપર ભલે અત્યંત અદ્‍ભુત ‘વ્યાખ્યાન’ આપી શકે, પરંતુ જ્યારે આચરણની કે સાચું આઘ્યાત્મિક જીવન જીવવાની વાત આવે છે, ત્યારે આપણને ભાન થાય છે કે આ બાબતમાં આપણે ગજબ રીતે ઊણા છીએ. આત્મવિકાસને વેગ આપવો હોય તો તેની પ્રેરણા તો કોઈ બ્રહ્મનિષ્ઠ આત્મા પાસેથી જ પ્રાપ્ત કરવી જોઈએ.

૧૯. ઈશ્વર જ સત્ય છે આત્મા સત્ય છે; આઘ્યાત્મિકતા જ સત્ય છે. તેમને વળગી રહો.

૨૦. જગતના ભિન્ન ભિન્ન ધર્મો પોતપોતાના ઉપાસના વિધિમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ બધા એક જ છે.

૨૧. ઘ્યાન એ મહત્ત્વની બાબત છે. ઘ્યાનનો અભ્યાસ કરો ! એ સર્વોત્તમ વસ્તુ છે. ઘ્યાનમાં મગ્ન થયેલું ચિત્ત એટલે આઘ્યાત્મિક જીવનનો નિકટતમ ઉપાય. આપણા જીવનની એ એક જ ક્ષણ એવી છે કે જ્યારે આપણે ભૌતિકતાથી તદ્દન અલગ થઈ જઈએ છીએ અને તમામ ઉપાધિઓથી મુક્ત બનેલો આપણો આત્મા કેવળ સ્વરૂપમાં જ રમમાણ રહે છે.એવો અદ્‍ભુત છે આ આત્માનો સંસ્પર્શ.

૨૨. જેઓ પોતાની જાતનું ઈશ્વરને સમર્પણ કરે છે તેઓ કહેવાતા તમામ પ્રવૃત્તિશીલ લોકો કરતાં જગતનું વિશેષ ભલું કરે છે. જે વ્યક્તિ સંપૂર્ણપણે આત્મશુદ્ધિ સાધે છે તે ઉપદેશકોની ફોજ કરતાં વધુ કાર્ય સિદ્ધ કરે છે. ચિત્તશુદ્ધિ અને મૌનમાંથી જ શક્તિસંપન્ન વાણીનો ઉદય થાય છે.

૨૩. આજે આપણને જરૂર છે એ જાણવાની કે ઈશ્વરની હસ્તી છે જ અને આપણે અહીં જ અને આ ક્ષણે જ તેનું દર્શન - તેની અનુભૂતિ કરી શકીએ.

૨૪. ‘ભોજન, ભોજન’ બોલવું અને ખરેખર ભોજન કરવું, ‘પાણી, પાણી’ બોલવું અને ખરેખર પાણી પીવું - એમાં જમીન-આસમાનનો ફેર છે. એ જ રીતે માત્ર ‘ભગવાન, ભગવાન’ રટવાથી તેનો સાક્ષાત્કાર પામવાની આશા આપણે રાખી શકીએ નહિ. એ માટે તો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઈએ.

૨૫. અનિષ્ટના સિતમોની વચ્ચે પણ બોલો - ‘મારા પ્રભુ, મારા પ્રિયતમ !’ મૃત્યુની યાતના વચ્ચે પણ કહો : ‘મારા પ્રભુ ! મારા પ્રિયતમ !’ ધરતી ઉપરની તમામ બૂરાઈઓ વચ્ચે પણ પુકારો, ‘મારા પ્રભુ, મારા પ્રિયતમ!’- ‘તું અહીં છે, હું તારું દર્શન કરું છું. તું મારી સાથે છે, હું તારી અનુભૂતિ કરું છું, હું તારો છું, મને અપનાવી લે. હું આ સંસારનો નથી, પણ તારો છું; તો પછી મારો ત્યાગ ન કર.’ હીરાની ખાણ છોડીને કાચમણિની પાછળ પડશો નહિ ! આ જીવન તો એક મહાન તક છે. અરે ! શું તું સંસારના સુખ ભોગોની શોધમાં છે ? પ્રભુ જ સર્વ સુખોનો સ્રોત છે. એ પરમતત્ત્વને પામવાનો પ્રયત્ન કર, એને મેળવવાનું ઘ્યેય રાખ, એટલે તું જરૂર એને પામી શકીશ.

૨૬. આપણે ઉત્સાહી અને આનંદી થવું જોઈએ. ઉદાસીન ચહેરાઓ કંઈ ધર્મનું નિર્માણ કરી શકે નહિ. ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે એ સર્વોત્તમ છે.

૨૭. વસ્તુમાત્રને ઈશ્વરનું સ્વરૂપ માનીને પૂજન કરો - પ્રત્યેક રૂપ તેનું મંદિર છે; બાકીનું બધું ભ્રાંતિ છે. હંમેશાં હૃદયની અંદર  દૃષ્ટિપાત કરો, બહાર નહિ. એવા જ ઈશ્વરનો, એવી જ પૂજાનો વેદાંત ઉપદેશ આપે છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda