Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Shaktidayi Vichar

પ્રેમ અને નિ:સ્વાર્થતા

૧. નિ:સ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

૨. ઉચ્ચ સ્થાન ઉપર ઊભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, ‘આવ, આ લે ભાઈ,’ પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તિને પ્રગટ કરવાનો અને એ રીતે શુદ્ધ અને પૂર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

૩. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભૂલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભૂલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મૂર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્ષોના સંઘર્ષ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સિવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.

૪. સ્વાર્થ એટલે અનીતિ, અને સ્વાર્થત્યાગ એટલે નીતિ.

૫. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતિ જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો.... તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઇચ્છો છો. પરંતુ પ્રકૃતિનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો ‘હું નહીં આપું’ તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈપણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

૬. તમામ પૂજા-ઉપાસનાઓનો સાર છે - શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુષ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શિવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શિવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મૂર્તિમાં જ શિવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમિક દશાની છે.

૭. નિ:સ્વાર્થવૃત્તિ જ ધર્મની કસોટી છે. જે મનુષ્યમાં આવી નિ:સ્વાર્થવૃત્તિ વધારે પ્રમાણમાં હોય તે વધુ આઘ્યાત્મિક અને શિવ ભગવાનની વધુ સમીપ છે... જો કોઈ મનુષ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મંદિરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો ઘણો દૂર છે.

૮. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

૯. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભૂખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભૂખની જ્વાળા શાંત પડે નહીં... તમે ભલે લાખો સિદ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સંપ્રદાયો ઊભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હૃદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરૂપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનિક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વિરાટના ભાગરૂપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

૧૦. દુ:ખી મનુષ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો- એવી સહાય અવશ્ય આવી મળશે. મારા હૃદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તિષ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્ષ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનિકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હૃદયે અડધી દુનિયા ઓળંગીને હું આ અજાણી ભૂમિમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભૂમિમાં ઠંડી કે ભૂખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડિત લોકો માટે આવી સહાનુભૂતિ, આવો સંઘર્ષ મૂકતો જાઉં છું.

૧૧. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વિશેષ મરેલા છે.

૧૨. જે ધર્મ કે જે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટૂકડો મૂકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

૧૩. પ્રેમ કદાપિ નિષ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબંધુઓને ચાહો છો ?

૧૪. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ? શું બધા દીન-દુ:ખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરૂપ નથી ? તો એમની પૂજા પ્રથમ શા માટે ન કરવી ? ગંગા કાંઠે કૂવો ખોદવા શા માટે જવું ?

૧૫. પ્રેમની સર્વશક્તિમત્તામાં શ્રદ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે ? તો તમે સર્વશક્તિમાન છો. શું તમે સંપૂર્ણપણે નિ:સ્વાર્થી છો ? જો એવું હોય તો કોઈપણ વ્યક્તિ તમારો પ્રતિકાર કરી શકે નહીં. ચારિત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

૧૬. મારું હૃદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભૂખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ઘ્યાન આપતો નથી તેવા દરેક માણસને હું દેશદ્રોહી કહું છું. ભૂખ્યા જંગલીઓની જેમ જીવતા પેલા વીસ કરોડ લોકો માટે જેઓ કશું જ કરતા નથી, ગરીબોને ચૂસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બંધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુષ્યો હંમેશાં પરમાત્માના નિમિત્તરૂપ બની રહે છે.

૧૭. મને મુક્તિ કે ભક્તિની કશી પરવા નથી; ‘વસંતઋતુની જેમ (મૂક રહીને) લોકહિત કરતાં કરતાં’ હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.

૧૮. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વિશેષ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

૧૯. વિકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વિકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નિયમ છે. જે પ્રેમપૂર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નિયમ છે. સ્વાર્થરહિત પ્રેમનું, સ્વાર્થરહિત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

૨૦. જગતને પ્રકાશ કોણ આપશે ? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો ‘મહાનિયમ’ છે; ખેર ! ભાવિ યુગોનો પણ એ મહાનિયમ થશે. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ પૃથ્વીના વીરતમ અને શ્રેષ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પૂર્ણ એવા સેંકડો બુદ્ધોની જરૂર છે.

૨૧. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઇચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની- સમષ્ટિરૂપ ઈશ્વરની હું પૂજા કરી શકું; અને સૌથી વિશેષ તો સર્વ જાતિઓ અને સર્વ જીવોના દુષ્ટોમાં, દુ:ખીઓમાં અને દરિદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વિશેષ પૂજાનો વિષય છે.

૨૨. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તિનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરિપૂર્ણ થાય છે અને આપણો શ્રેષ્ઠ પ્રભાવ સિદ્ધ થાય છે.

૨૩. જગતના ધર્મો એ નિષ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરૂર છે ચારિત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિ:સ્વાર્થતાથી પરિપૂર્ણ હોય એવા મનુષ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મૂકશે.

૨૪. સર્વશ્રેષ્ઠ જીવનનો નિયમ છે આત્મત્યાગ, અત્માભિમાન નહિ.

૨૫. ઉત્કટ આત્મ-ત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઇચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થિતિ, ગતિ અને હસ્તી હોવી એ.

૨૬. કોઈ પણ મનુષ્ય મુક્તિ વિહોણો રહી જશે નહિ. આખરે સૌને પૂર્ણતાની પ્રાપ્તિ થશે. અહર્નિશ ઘોષણા કરો : ‘આવો, મારા બંધુઓ ! તમે નિર્મલતાના અનંત મહાસાગર છો ! શિવરૂપ બનો ! તમારા ઈશ્વર રૂપને પ્રગટ કરો!’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda