Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

લક્ષ્મીદીદી

ભગિની નિવેદિતાએ લખ્યું છે : ‘આ સમયે જે મહિલાઓ લગભગ હંમેશાં શ્રીશારદાદેવીના મકાનમાં રહેતી હતી એમાં ગોપાલની મા, યોગીન મા, ગોલાપ મા, લક્ષ્મી દીદી તથા બીજી ઘણી સ્ત્રીઓનાં નામ ઉલ્લેખનીય છે. આમાં બધી વિધવા હતી. એમાં ગોપાલની મા અને લક્ષ્મી દીદી બાળવિધવા હતી. શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરની કાલીવાડીમાં રહેતા હતા ત્યારે આ બધી શિષ્યારૂપે સ્વીકૃત થઈ હતી. લક્ષ્મી દીદી એમનાં ભત્રીજી હતાં. એ વખતે એમની ઉંમર નાની હતી. ધર્મશિક્ષા અને દીક્ષાપ્રાપ્તિ માટે અનેક સ્ત્રીઓ એમના શરણમાં આવી હતી અને સાથીદાર તરીકે લક્ષ્મી અશેષ ગુણસંપન્ન તથા આનંદદાયિની હતી. તેઓ કયારેક ધાર્મિક નાટકની નકલ કરતાં, કયારેક પૌરાણિક તથા મૂક અભિનયમાં એકલાં જ જુદાં જુદાં પાત્રોની ભૂમિકામાં નીરવ કક્ષમાં મૃદુ આનંદની લહેરો વહાવતાં. તેઓ કયારેક કાલી બનતાં, કયારેક સરસ્વતી, કયારેક જગદ્ધાત્રી અને કયારેક કદંબવૃક્ષની નીચે ઊભેલા કૃષ્ણ બનતાં. વિશેષતા એ હતી કે વિવિધ પ્રકારના અભિનય તદનુરૂપ વેશભૂષા વગર જ તેઓ વાસ્તવિક રૂપે પ્રગટ કરતાં હતાં.’

આ પ્રકારની એક મહિલા સભામાં નિવેદિતા સ્વયં હાજર હતાં. એ દિવસે ગોલાપ મા પાથુરિયાધારાની ઠાકુરવાડીમાંથી અનેક પ્રકારના પિત્તળના અલંકાર તથા વસ્ત્રો વગેરે લાવ્યાં હતાં અને તેનાથી લક્ષ્મી દીદીને સજાવી દેતાં એમણે રાધિકાની સખી વૃંદાની ભૂમિકામાં ઊતરીને સંગીત સાથે નાટક અભિનયનો પ્રારંભ કર્યો હતો. એમનું રૂપ અને અંગ-પ્રત્યંગ દેવી સમાન હતું. ગળાનો સ્વર મીઠો, સ્મરણશક્તિ અપૂર્વ અને સહુથી વધુ તો બીજાની આબેહૂબ નકલ કરવાની અદ્‍ભુત શક્તિ એમનામાં હતી. આ પ્રમાણે બે-ત્રણ કલાક સુધી ગાતાં રહીને તેઓ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી શકતાં હતાં. શ્રીમા અને બીજી બધી સ્ત્રીઓ પણ સભામાં હાજર હતાં. પછી નિવેદિતાના કહેવાથી લક્ષ્મી દીદી કાલીભક્ત રામપ્રસાદનું ભજન ગાવા લાગ્યાં. સહુથી છેલ્લે નિવેદિતાએ સિંહ બનીને લક્ષ્મી દીદીને જગદ્ધાત્રી રૂપે પોતાની પીઠ પર બેસાડી દીધાં અને તેઓ ગર્જના કરતાં ચારે પગે સતત ફરવા લાગ્યાં અને બધી સ્ત્રીઓ હસી હસીને લોથપોથ થઈ ગઈ.

આના પણ પહેલાંની વાત છે - એ દિવસે કામારપુકુરમાં લાહાબાબુઓના મકાનની અગાસીનો સીડીનો દરવાજો બંધ કરીને અગાસી પર મહિલાઓની સભા ભરાઈ. તેઓ લક્ષ્મી દીદીનું કીર્તન ચાલવા લાગ્યું. આ બાજુ ઘરના પુરુષોએ બૂમો પાડવા છતાંય જ્યારે સ્ત્રીઓ પાસેથી કોઈ ઉત્તર ન મળ્યો ત્યારે તેઓ બહારથી તાળું મારીને બહાર નીકળી ગયા. અંતે કીર્તન પૂરું થતાં સ્ત્રીઓને ખબર પડી કે તેઓ પુરાઈ ગયેલી છે. છેવટે મકાનની પાસેના રાખના ઢગલા પર કૂદી કૂદીને બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરે ચાલી ગઈ. રાતે પુરુષોએ આવીને જોયું કે તેઓ હારી ગયા છે.

ભાવમયી લક્ષ્મી દીદી કયારેક બલરામના ભાવના આવેશમાં વિભોર થઈને પુરુષોની જેમ કચ્છ લગાવીને મધુર નૃત્ય કરતાં. એના ઉદાહરણ રૂપે અમે અહીં એક પ્રસંગનું નિરૂપણ કરી રહ્યા છીએ. એ સમયે લક્ષ્મી દીદી ગુરુ પદે અધિષ્ઠિત હતાં અને દક્ષિણેશ્વરની માટીની ઝૂંપડીમાં રહેતાં હતાં. તે સવારે વિપિન નામનો એક ભક્ત આવ્યો અને તેણે માલતી ફૂલોની માળા એમને પહેરાવી તેમજ ફળ મીઠાઈ વગેરેનું ભોજન કરાવ્યું અને એમનાં ચરણકમળમાં પુષ્પાંજલિ આપીને પૂજા કરી. એ વખતે બલરામના ભાવમાં આવિષ્ટ લક્ષ્મી દીદી છાતી પર એક લાલ અંગૂછો નાંખીને વાળને બંને બાજુ આગળ લટકાવીને ગીત ગાવા લાગ્યાં તથા ઊછળ-કૂદ મચાવતાં અનેક પ્રકારના નાચ કરવા લાગ્યાં. એમના એ અપૂર્વ નૃત્યને જોવા માટે એ મહોલ્લાનાં સ્ત્રી-પુરુષોના આગમનથી એ જગ્યા ભરાઈ ગઈ હતી. બાળપણથી જ કીર્તન ગાવામાં એમને અત્યંત રસ હતો. એકવાર એમણે ખેદ પ્રગટ કરતાં શિષ્યોને જણાવેલું : ‘સ્ત્રી થઈને જન્મી છું. શું કરું ? પુરુષ હોત તો હું દેખાડી દેત કે કીર્તન કેવું હોય છે !’ આ પ્રકારનો ભાવવિલાસ ભક્ત મંડળીમાં તથા ખાસ ખાસ ઘરોમાં થતો હતો. લક્ષ્મી દીદી ભક્તોની પાસે નિ:સંકોચ હોવા છતાં પણ સામાન્ય લોકો પાસે લજ્જાળુ હતાં.

લક્ષ્મી દીદીને ઘણીવાર દેવદેવીઓનાં દર્શન તથા ભાવસમાધિ થતાં. જગન્નાથના મંદિરમાં તેઓ કયારેક જોતાં કે જગન્નાથદેવની સામે શ્રીરામકૃષ્ણ ઊભા છે. એમને એવી અનુભૂતિ થઈ હતી કે ઠાકુર અને જગન્નાથ અભિન્ન છે. કોઈ વખત તેઓ ભાવાવસ્થામાં વૈકુંઠમાં કે શ્રીરામકૃષ્ણલોકમાં પહોંચી જતાં અને પછી કોઈ વખત સૂક્ષ્મ શરીરમાં ઠાકુર, શ્રીમા અને શિવદુર્ગા સાથે ભળી જતાં. કોઈ દિવસ શિવભાવમાં બેસીને શિષ્યાઓની પૂજા સ્વીકારતાં. કોઈ દિવસ અર્ધબાહ્ય દશામાં ભવિષ્યવાણી પણ ઉચ્ચારતાં. એક વખત પુરીના સ્વર્ગદ્વારમાં તેઓ સમુદ્રસ્નાન માટે એકલાં ગયેલાં. ત્યાં મોજાઓના ખેંચાણથી તેઓ ચક્રતીર્થ સુધી વહી ગયાં. એ વખતે એકાએક કોઈ ગોપવેશધારી યુવક ત્યાં આવ્યો ને તેમને બચાવીને ચાલ્યો ગયો. થોડા કલાક પછી પગપાળા ચાલીને ઘરે આવી પહોંચ્યાં. ત્યાર પછી જ્યારે જગન્નાથદેવનાં દર્શને ગયાં તો જોયું કે ત્યાં બલરામના સ્થાને તે ગોપબાળક ઊભો રહીને મૃદુમંદ હસી રહ્યો છે !

દક્ષિણેશ્વરમાં લક્ષ્મી દીદી જ્યારે શ્રીમાની સાથે રહેતાં હતાં ત્યારે ઠાકુરે એક દિવસ એમને પૂછ્યું હતું : ‘તને કયા દેવતા ગમે છે ?’ દીદીએ કહ્યું : ‘રાધાકૃષ્ણ.’ ઠાકુરે તે જ બીજમંત્ર અને નામ એમની જીભ ઉપર લખ્યાં અને મુખથી પણ એનું ઉચ્ચારણ કરી સંભળાવ્યું. લક્ષ્મી દીદીની રાધેશ્યામના મંત્રમાં દીક્ષા થઈ ગઈ. (મંત્રોચ્ચારણ કરીને દીક્ષાપ્રદાન ઠાકુરના જીવનમાં વિરલ હોવા છતાં પણ અહીં ‘શ્રીશ્રીલક્ષ્મી મણિ દેવી’ ગ્રંથનું અનુસરણ આપ્યું છે.)

એ પહેલાં ઉત્તર પશ્ચિમ પ્રદેશના એક સંન્યાસી સ્વામી પૂર્ણાનંદજી પાસેથી શ્રીમા અને લક્ષ્મી દીદીની શક્તિમંત્રમાં દીક્ષા થઈ હતી. શ્રીમાએ પછીથી એ વાત ઠાકુરને જણાવી હતી. એ પર એમણે કહ્યું : ‘એવું થાય. લક્ષ્મીને મેં બરાબર જ મંત્ર આપ્યો છે.’ ગોઘાટના જે ગોસ્વામી વંશમાં લક્ષ્મી દીદીનાં લગ્ન થયાં હતાં તે લોકો પણ વૈષ્ણવ જ હતા. એ કારણે કામારપુકુરની આ દીદીને કોઈ કોઈ ગોસાંઈમા કહીને બોલાવતા. એ દિવસોમાં કામારપુકુરમાં પણ વૈષ્ણવોનો વિશેષ પ્રભાવ હતો. તે લોકો લક્ષ્મી દીદીનો આદર કરતા અને એમના ઘરે જઈને કીર્તન સાંભળતા. આ પ્રકારની સાધના, અનુભૂતિ અને સમાધિ વગેરેએ મળીને લક્ષ્મી દીદીના જીવનને એક અનોખી વિશિષ્ટતા બક્ષી હતી, જે સ્વાભાવિક રીતે બધાંની દૃષ્ટિ આકર્ષતી હતી. ‘શ્રીશ્રી લક્ષ્મીદેવી’ ગ્રંથના લેખક તથા લક્ષ્મી દીદીના આશ્રિત શ્રીકૃષ્ણચંદ્ર સેનગુપ્ત મહાશયે લખ્યું છે : ‘મા (લક્ષ્મી દીદી)નું રાધાકૃષ્ણ-ભજનપૂજન જોઈને કોઈ કોઈ વિચારે છે કે કે કદાચ તેઓ રામકૃષ્ણ-રજ્યની અંદર નથી. પરંતુ દુ:ખની વાત એ છે કે તે લોકો ભૂલી જાય છે કે ઠાકુર સર્વદેવમય હતા અને એમણે જ સાચા વૈષ્ણવ રૂપમાં માને પોતાના હાથેથી ઘડયાં હતાં.’ (પૃષ્ઠ. ૨૪૧)

લક્ષ્મી દીદીની ઉપદેશાવલી શ્રીરામકૃષ્ણ ભાવસંપત્તિથી પૂર્ણ રહેતી. તેઓ હંમેશાં એમના નામનો જ ઉલ્લેખ કરતાં. પરંતુ તેઓ પ્રારંભથી જ શ્રીરામકૃષ્ણને અવતારરૂપે માની શકયાં ન હતાં. એ કારણે પુરીના ‘લક્ષ્મી નિકેતન’માં એકવાર શ્રીરામકૃષ્ણની યાદમાં જ્યારે એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં ત્યારે એમના ચરણોની નીચે બેઠેલા એક શિષ્યે ઠાકુરની સાથે એમની સરખામણી કરી; ત્યારે દીદીએ તિરસ્કારભર્યા ઠપકાના સ્વરે તેને કહ્યું : ‘કોની સાથે કોની ? જો હું એ વખતે એમનો મહિમા જાણી શકી હોત !’ પછીથી તેઓ ઠાકુરને અવતારરૂપે જાણી ગયાં હતાં. સ્વયં રાધાકૃષ્ણની ઉપાસિકા હોવા છતાં પણ ઠાકુરના ઉદારભાવના આધારે એમણે અનેક પ્રાર્થીઓને બીજા મંત્રોની પણ દીક્ષા આપી હતી. કામારપુકુર, કોલકાતા અને પુરીમાં એમનાં શિષ્ય-શિષ્યાઓની સંખ્યા સોથી પણ વધુ થઈ હતી. આ બધા લોકો શ્રીરામકૃષ્ણ ભાવમાં જ રંગાયેલા હતા. ઘણીવાર લક્ષ્મી દીદી કાંકુડગાછી યોગોદ્યાનમાં જતાં હતાં. બેલુર મઠ વગેરે સ્થળે જઈને ઠાકુરનાં ત્યાગી સંતાનો સાથે શ્રીરામકૃષ્ણ વિશે વાતો કરતાં અને તે લોકો પણ એમના પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખતા હતા. નાની ઉંમરના સાધુઓ પણ એમની પાસે જઈને ઠાકુરની વાતો સાંભળતા. પરંતુ આ પણ સાચું છે કે સ્વામીજી દ્વારા પ્રવર્તિત સેવા અને લક્ષ્મી દીદીની વૈષ્ણવ સાધનામાં ખાસ ભિન્નતા હતી, જેને દીદી સ્વયં પણ જાણતાં હતાં.

દૈવી સંપત્તિથી સંપન્ન કામારપુકુરના ચટ્ટોપાધ્યાય વંશમાં જન્મેલાં લક્ષ્મીમણિ શ્રીરામકૃષ્ણના ભાઈ શ્રીયુત રામેશ્વરનાં પુત્રી હતાં. એમના મોટાભાઈનું નામ રામલાલ અને નાના ભાઈનું નામ શિવરામ હતું. શ્રીરામકૃષ્ણની સાથે આ પ્રકારનો સંબંધ હોવાથી ઠાકુરનાં સંતાનોની પાસે તેઓ લક્ષ્મી દીદી હતાં. આ રીતે તેઓ શ્રીરામકૃષ્ણ-સંઘના સર્વનાં દીદી હતાં. ઈ.સ. ૧૮૬૪ના ફેબ્રુઆરી માસમાં બુધવારે સરસ્વતી પૂજાના દિવસે ૧૨ વાગ્યાના સમયે લક્ષ્મી દીદી પિતાના ઘરે જન્મ્યાં હતાં. બાળપણથી જ તેઓ ગૃહદેવતા શીતળા અને રઘુવીરની પૂજામાં આનંદ પામતાં હતાં. મૌન રહેવું એ જ એમનો સ્વભાવ હતો. એટલે સુધી કે ઘરના લોકો સિવાય બીજા લોકો સાથે તેઓ વાત જ કરતાં ન હતાં. એમણે ગામની પાઠશાળામાં થોડી કેળવણી લીધી હતી. પછીથી દક્ષિણેશ્વર રહેતાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણના આદેશથી શરત્ ભંડારી નામના એક અગિયાર વર્ષના બાળકે એમને વર્ણપરિચય બીજા ભાગ સુધી ભણાવ્યું હતું. બાળપણમાં જ લક્ષ્મી દીદીના પિતા રામેશ્વર દિવંગત થઈ ગયા હતા. મૃત્યુ પહેલાં તેઓ કહી ગયા હતા કે ગોઘાટના ઉત્તરપાડામાં રામલાલનાં અને દક્ષિણપાડામાં લક્ષ્મીનાં લગ્ન થશે. એ મુજબ પિતાના મૃત્યુ પછી અગિયાર જ વર્ષની ઉંમરે લક્ષ્મીનાં લગ્ન થઈ ગયાં. રામલાલના મુખેથી એ સમાચાર દક્ષિણેશ્વરમાં સાંભળીને ભાવસમાધિમાં મગ્ન શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘તે વિધવા થઈ જશે.’ પાસે બેઠેલા ભાણેજ હૃદયે આ વાતનો વિરોધ કર્યો. તો ઠાકુરે કહ્યું : ‘માએ કહી દીધું, તો હું શું કરીશ ?... લક્ષ્મી મા શીતળાના અંશથી ઉત્પન્ન થયેલી છે. તે બહુ જ તેજસ્વિની દેવી છે. જેની સાથે તેનાં લગ્ન થયાં છે તે સાધારણ જીવ છે. સાધારણ જીવના ભોગમાં લક્ષ્મી નથી આવી શકતી... તે તો જરૂર વિધવા થશે.’ એ પહેલાં પણ એમણે કામારપુકુરમાં એક દિવસ કહ્યું હતું : ‘લક્ષ્મી જો વિધવા થઈ જાય તો સારું થશે. એથી ઘરના દેવતાઓની સેવા વગેરે તે કરી શકશે.’ લગ્નના બેએક મહિના પછી લક્ષ્મીમણિના પતિ શ્રીયુત ધનકૃષ્ણ ઘટક એક દિવસ માટે કામારપુકુર આવ્યા હતા અને ત્યાંથી કામની શોધ માટે નીકળી ગયા હતા. એ પછી તેઓ ફરી પાછા કયારેય ઘરે આવ્યા નહીં. બાર વર્ષ સુધી રાહ જોઈ છતાં પણ જ્યારે કંઈ સમાચાર ન આવ્યા ત્યારે સાસરાપક્ષે લક્ષ્મીમણિને ત્યાં બોલાવ્યાં. તેઓ ત્યાં ગયાં અને ત્યાં જઈને કુશ પુત્તલિકા સળગાવીને શ્રાદ્ધાદિ કરીને પાછાં આવતાં રહ્યાં. એમને પતિની સંપત્તિ લેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે તેનો સ્વીકાર ન કર્યો.

એમનું રહેવાનું સાસરે શકય ન બન્યું કેમ કે એમાં ઠાકુરની સંમતિ ન હતી. ઠાકુરના દેહાવસાન પછી તેઓ ફક્ત એક વખત ત્યાં ગયાં હતાં.

લક્ષ્મી દીદીનું શરૂઆતનું જીવન કષ્ટમાં વીત્યું હતું. તેઓ જ્યારે ખૂબ નાનાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણ કામારપુકુરમાં હતા. એ સમયે એક દિવસ ઘરમાં કંઈ જ અનાજ ન હતું. આથી લક્ષ્મી દીદીની માએ પુત્રીના પાલવમાં આઠ આના બાંધી દીધા અને શ્રીરામકૃષ્ણને ખબર ન પડે એ રીતે અનાજ લેવા માટે મુકુંદપુર મોકલ્યાં. પણ લક્ષ્મી ખાલી હાથે પાછાં આવ્યાં. ઠાકુરે એમને જોઈ લીધાં અને પૂછતાં તેમણે સજળ નયને બધું જણાવી દીધું. એમની સ્થિતિ જાણીને ઠાકુરે એ સમયે ગંગાવિષ્ણુની મદદથી કામારપુકુરના ડોમોની પલ્લીમાં એક વીઘું જમીન અને હૃદયની મદદથી શિઓડ ગામમાં ચૌદ વીઘાં જમીન ખરીદાવી દીધી. શ્રીયુત રામેશ્વરનું પરલોકગમન થતાં (ઈ.સ. ૧૮૭૩) પરિવારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની. તે વખતે લાહાબાબુના ઘરની પુત્રી પ્રસન્નમયીએ સલાહ આપી હતી કે બાબુઓના દૈનિક અતિથિ સેવાના સમયે રામલાલ ત્યાં થાળી લઈને હાજર રહે અને પ્રસાદ વહેંચાય ત્યારે થાળી આગળ ધરી દે. એ ઉપરાંત લાહાબાબુના ઘરના લોકો ચટ્ટોપાધ્યાય વંશના ગૃહદેવતાની સેવા માટે પણ અન્ન મોકલતા હતા. આ રીતે કપરા કામમાં ચટ્ટોપાધ્યાય પરિવારનું પાલન પોષણ થયું હતું.

ઈ.સ. ૧૮૭૨ થી ૧૮૮૫ સુધી લક્ષ્મી દીદીનો મોટા ભાગનો સમય દક્ષિણેશ્વરમાં વીત્યો હતો. એ સમયે શ્રીમા અને દીદીને ઠાકુર મજાક કરતાં પોપટ-મેના કહેતા કેમ કે તે બંને પિંજરાની જેમ નોબતમાં રહેતાં હતાં. એ સમયે દીદીને ઠાકુર પાસે શિક્ષણ લેવાનો મોકો મળ્યો હતો. ઠાકુરની સેવા માટે શ્રીમા સાથે શ્યામપુકુર અને પછીથી કાશીપુરમાં લક્ષ્મી દીદી રહ્યાં હતાં. તિરોભાવ પહેલાં ઠાકુરે શ્રીમાને કહ્યું હતું : ‘લક્ષ્મી પ્રત્યે થોડું ધ્યાન રાખજો. તે પરિશ્રમ કરીને પેટ ભરશે. તમારી ઉપર બોજો નહીં નાંખે.’ એ પછી વૃંદાવન અને પુરીધામની યાત્રામાં શ્રીમા દીદીને સાથે લઈ ગયાં હતાં. એ પછી શ્રીમાનું કોઈ ચોક્કસ રહેઠાણ ન હતું. જ્યાં શક્ય હોય ત્યાં લક્ષ્મી દીદી એમની સાથે રહેતાં; નહીં તો કામારપુકુરમાં જઈને રહેતાં. શ્રીયુત રામલાલનાં પત્નીના અવસાન પછી તેમણે બહેનને પોતાની ઝૂંપડીમાં દક્ષિણેશ્વરમાં બોલાવી લીધી. એ ઘરમાં દીદીનાં લગભગ દસ વર્ષ વીતી ગયાં. અહીં દીદી દીક્ષા વગેરે આપીને શિષ્ય મંડળીનું ઘડતર કરતાં રહ્યાં. પછી ધીમે ધીમે એમના શિષ્યોએ એમને માટે બે માળનું પાકું મકાન બનાવડાવી દીધું હતું. આ ઘરમાં બીજાં દસ વર્ષ રહીને પછી તેઓ પુરીધામ ચાલ્યાં ગયાં.

દક્ષિણેશ્વરમાં ઠાકુર લક્ષ્મી દીદીને અનેક સાધન ભજનનો ઉપદેશ આપતા હતા. સવાર થતાં પહેલાં જ તેઓ જ્યારે શૌચ જતા ત્યારે માર્ગમાં લક્ષ્મી દીદી અને શ્રીમાને ઊઠી જવા માટે કહેતા. જે દિવસે તેઓ ન ઊઠે તે દિવસે તેઓ દરવાજામાંથી પાણી નાંખી દેતા. આથી પથારી ભીની થઈ જવાની બીકે તેઓ બંને જલદી પથારી ઉપાડીને ઊઠી જતાં. કોઈ દિવસ પથારી થોડી ભીંજાઈ પણ જતી. તેઓ બંને નોબતના બારણાનાં કાણાંમાંથી શ્રીરામકૃષ્ણનો લીલાવિલાસ જોતાં. ઠાકુરે લક્ષ્મીમણિને એક દિવસ કહ્યું હતું : ‘ઠાકુર દેવતાનું સ્મરણ ન રહે તો મને યાદ કરજે એથી થઈ જશે.’ લક્ષ્મી દીદી ઠાકુરને ગુરુ માનતાં અને ગુરુ તથા ઈષ્ટદેવને અભિન્ન માનતાં. તેઓ એ પણ કહેતાં હતાં કે ઠાકુર અવતારી પુરુષ છે. મા શીતળાએ એ દિવસે ઠાકુરને સ્વપ્નમાં  કહ્યું હતું : ‘હું એક રૂપમાં ઘરમાં અને બીજા રૂપમાં તમારી લક્ષ્મીમણિમાં રહું છું. લક્ષ્મીને ખવડાવવાથી જ મારી તૃપ્તિ થશે.’ કાશીપુરમાં એમણે શીતળા માનીને લક્ષ્મી દીદીની પૂજા બે વાર કરી હતી. ગિરીશચંદ્રને એમણે એક વાર કહ્યું હતું : ‘લક્ષ્મીને એક દિવસ થોડી મીઠાઈ ખવડાવી દેજો. એથી મા શીતળાને ભોગ ધરાવવવાનું થઈ જશે. તે એમનો જ અંશ છે.’ એકવાર ઠાકુરના મનમાં ઇચ્છા થઈ કે લક્ષ્મીને સોનાનાં કંગન અને હાર પહેરાવવાં. પણ એ ઇચ્છા તેઓ પૂરી ન કરી શકયા. પાછળથી ભક્તોને એની જાણ થતાં તેમણે એ પ્રકારનાં ઘરેણાં બનાવડાવી દીધાં હતાં. પરંતુ ત્યાગમાં સ્થિત દીદીએ એક દિવસ પહેરીને બંને કંગન કોઈને આપી દીધાં અને પછી યોગ્ય સમયે હાર પણ કોઈને આપી દીધો. જન્મથી જ સંસાર પ્રત્યે વૈરાગ્ય હોવાને કારણે એમણે એકવાર ઠાકુરને પુનર્જન્મના વિષયમાં કહ્યું હતું: ‘મારા ટુકડે ટુકડા કરવા છતાં પણ હું આવવાની નથી.’ ઠાકુરે એના ઉત્તરમાં પોતાની લીલાની વાત યાદ કરાવીને કહ્યું હતું : ‘બચીને જઈશ કયાં ? તું કલગી શાકની વેલ છે, ખેંચતાં જ આવવું પડશે.’ દક્ષિણેશ્વરમાં રહેતી વખતે લક્ષ્મી દીદી વિદ્યાપતિ અને ચંડીદાસની પદાવલિ ભણ્યાં હતાં અને તેનાં ભજન ગાઈને શ્રીમાને સંભળાવતાં. કાશીપુરમાં રહેતાં હતાં ત્યારે ઠાકુરે એક વખત એમને તથા માસ્ટર મહાશયની પત્નીને ભિક્ષા માટે મોકલ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણના તિરોધાન પછી લક્ષ્મી દીદી અનેક તીર્થોમાં ગયાં હતાં. શ્રીમા સાથે વૃંદાવન અને પુરીધામ ગમનની વાત પહેલાં જ જણાવવામાં આવી છે. એ પછી પણ તેઓ ઘણીવાર વૃંદાવન ગયાં હતાં. એક વખત તેઓ એમના કરતાં થોડી મોટી ઉંમરવાળા એક ભક્ત તથા કામારપુકુરની રુક્મિણી નામની એક શિષ્યા સાથે વૃંદાવન ગયાં હતાં. તે ભક્તને લૂ લાગવાથી વૃંદાવનમાં જ દિવંગત થઈ ગયા. સ્મશાનમાં ચિતાનો અગ્નિ બુઝાય તે પહેલાં જ દીદીએ રુક્મિણીને રહેવાની જગ્યા સાફ કરવા મોકલી આપી. તક જોઈને રુક્મિણી પેટી તોડીને તેમાંથી બસ્સો રૂપિયા લઈને ભાગી ગઈ. પાછાં આવીને દીદીએ જોયું તો થોડાક પૈસા સિવાય બીજું કંઈ ન હતું. અગાઉ એક વ્રજવાસીને તેમણે ખૂબ જ મદદ કરી હતી. પણ આ સમયે તેઓએ દીદીને થોડી જગ્યા આપવા જેટલી ઉદારતા પણ ન બતાવી. આવી અસહાય સ્થિતિમાં દીદીએ દેશમાં પત્ર લખી પૈસા મોકલવા જણાવ્યું અને દિવસો સુધી સસ્તી વાસી રોટલી ઉપર નિર્વાહ ચલાવ્યો. છ-સાત દિવસ પછી કામારપુકુરથી એક શિષ્ય આવીને એમને દેશમાં લઈ ગયો આ બાજુ રુક્મિણી મરણ પથારીએ પડી હતી. તેણે દીદી પાસે પોતાનો ગુનો કબૂલ્યો અને કહ્યું કે એમના રૂપિયા હવે પાછા મળી શકે તેમ નથી કેમ કે એ બધી રકમ તેણે પોતાના ભાઈઓને આપી દીધી છે. તેણે લક્ષ્મી દીદી પાસે ક્ષમા ને પ્રસાદ માંગ્યાં. એમણે નિર્વિકાર ચિત્તે એની ઇચ્છા પૂરી કરી.

તેઓ ઘણીવાર પુરીધામ ગયાં હતાં. એ ઉપરાંત ગયા, કાશી, ગંગાસાગર વગેરેનાં પણ એમણે દર્શન કર્યાં હતાં. ભક્તોએ એમના માટે ત્યાં એક પાકું મકાન બનાવડાવ્યું હતું અને મકાનના એક પથ્થર ઉપર લખાવ્યું હતું - ‘લક્ષ્મી નિકેતન’ અને એની ઉપર લખ્યું હતું - ‘પ્રભુ રામકૃષ્ણની જય’. લક્ષ્મી દીદી દક્ષિણેશ્વરથી પોતાના સંઘ સાથે ઈ.સ. ૧૯૨૪ના ફાગણ માસમાં પુરીધામ ગયાં અને ત્યારે એ ઘરમાં પ્રવેશ કર્યો અને જીવનનો શેષ ભાગ ત્યાં જ રહ્યાં. ઈ.સ. ૧૯૨૬ની ૨૪મી ફેબ્રુઆરીએ બુધવારે એ ઘરમાં તેઓ મહાસમાધિમાં લીન થઈ ગયાં.

લક્ષ્મી દીદીની ગંગાભક્તિ વિશેષ ઉલ્લેખ યોગ્ય છે. બે માળની અગાસી પરથી ગંગાદર્શન કરવાની આશાથી એમણે દક્ષિણેશ્વરમાં બે માળનું ઘર બંધાવવા અને ઉપર ઠાકુરનું મંદિર રાખવા કહ્યું હતું. પણ એ માટે જરૂરી નાણાં એકઠાં ન થઈ શકવાને કારણે તેઓ નાના માટીના ઘરમાં જ લાંબો સમય રહ્યાં હતાં. તે ઘર છોડીને અંતિમ વાર પુરીધામ જતાં હતાં ત્યારે તેઓ જતી વખતે મા ભવતારિણી અને ગંગાને કહી ગયાં હતાં કે ગંગાકિનારે દક્ષિણેશ્વરમાં જ એમનું શરીર છૂટી જાય. પુરીમાં સમય આવી ગયો એવું જાણીને તેઓ દક્ષિણેશ્વર પાછાં આવવા માટે વ્યાકુળ બન્યાં હતાં. પરંતુ અનેક કારણોથી એમની એ ઇચ્છા પૂરી ન થઈ શકી.

લક્ષ્મી દીદીનું રોજિંદું જીવન નિરંતર સાધનાથી પૂર્ણ હતું. પુરીમાં રહેતાં ત્યારે તેઓ દરરોજ ત્રણ વાગે ઊઠીને શૌચાદિથી નિવૃત્ત થઈને શ્રીરામકૃષ્ણ, શિવદુર્ગા, મહાપ્રભુ તથા રાધાકૃષ્ણનું સ્મરણ કરીને ઘણીવાર સુધી જપ કરતાં. પછી થોડો પ્રસાદ ખાઈને નવ કે દસ વાગ્યે સ્નાન કરીને ફરીથી ૧૧-૧૨ વાગ્યા સુધી જપ કરતાં. ત્રીજા પ્રહરે તેઓ ફરી માળા લઈને બેસી જતાં. પછી સંધ્યા થતાં ફરી બે કલાક જપ કરતાં. સાથે સાથે હરિનામ સંકીર્તન પણ ચાલતું. છેલ્લે રાત્રે આઠ વાગ્યાના સમયે રાસપંચાધ્યાયનો એક અધ્યાય વાંચીને પ્રસાદ લઈને તેઓ સૂઈ જતાં. એમનામાં રાધાકૃષ્ણ-પ્રેમ એટલો ઊંડો હતો કે એકવાર સવારે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી સતત રાધાકૃષ્ણનામનું ઉચ્ચારણ કરતા રહેવા છતાં પણ અટકવાનું કોઈ લક્ષણ ન જોતાં ભક્તોએ મોઢા પર હાથ રાખીને એ બંધ કરાવી દીધું હતું. વૃંદાવનના સંબંધમાં તેઓ કહેતાં : ‘હું વૃંદાવનવાસિની ગોપબાલા છું.’ વૈષ્ણવ ભાવમાં રંગાયેલાં લક્ષ્મી દીદી જરૂર પડયે પોતાની ભાવધારાનો અમલ કરાવવા માટે અસીમ સાહસ દેખાડવામાં પણ પાછાં પડતાં નહીં. એક વખત ઉપેન્દ્ર લાહા મહાશયના કામારપુકુરના ચટ્ટોપાધ્યાય વંશની કુલદેવતામા શીતળાને બકરો વધેરવા તૈયાર થતાં દીદીએ એમને મનાઈ કરી. પરંતુ એથી લાહામહાશય પોતાનો સંકલ્પ છોડવા તૈયાર ન થયા એ જોઈને દીદી એમને પ્રાણપણે રોકવા લાગ્યાં. છેવટે ના છૂટકે ઉપેન્દ્રબાબુ અટકી ગયા. એ દિવસથી ફરી કયારેય કોઈ ત્યાં પશુબલિ ન આપી શકયું.

સાધનાસિદ્ધ લક્ષ્મી દીદીની અંતિમ વયે એમના અનેક ગુણોની સાથે એક સર્વપ્રત્યે સમાન ઉદાર ભાવ પ્રગટ થયો હતો. એક વખત જયદેવ ગોસ્વામીના ઉત્સવ વખતે કેન્દુબિલ્વ ગામમાં તેઓ ગયાં હતાં. ત્યાં ભક્તિની અધિકતા જોઈને જાતિવિચારની સીમા ઓળંગીને ગોસ્વામીજીના વંશોદ્‍ભવ નિમ્નજાતિના વૈષ્ણવોના હાથે બનાવેલું ભોજન લેવામાં તેમને કોઈ બાધ આવ્યો ન હતો. એમનામાં વૈષ્ણવ ભક્તિ પણ પૂરેપૂરી હતી. પ્રાર્થી વૈષ્ણવની ઇચ્છા પૂરી કરવા માટે એમણે એક વખત પોતાની બહુમૂલ્ય શાલનું પણ દાન કરી દીધું હતું. પરંતુ ત્યાગીઓના જીવનમાં લેશમાત્ર ચ્યુતિનો આભાસ થતાં એમની અગ્નિમૂર્તિ પ્રગટ થતી હતી. એકવાર એક સાધુને સીમા ઓળંગીને સ્ત્રીઓના આવાસમાં મળતાં જોઈને એમણે કહ્યું હતું : ‘છિ, છિ, સ્ત્રીઓની પાછળ સાધુ દોડતો રહેશે ! ભાઈસાહેબ, તમે સિંહનું બચ્ચું થઈને શિયાળ જેવું વર્તન કરી રહ્યા છો.’ જે લોકોએ એમને અંતિમવયે જોયાં હતાં તેઓ જાણે છે કે તેઓ શ્રીરામકૃષ્ણ વિશે બોલતાં બોલતાં ભાવસમુદ્રમાં નિમગ્ન થઈને કેવી રીતે બાહ્યભાન ખોઈ બેસતાં હતાં. એમનું સમગ્ર હૃદય શ્રીરામકૃષ્ણ પ્રત્યેની ભક્તિથી છલોછલ ભરેલું હતું. (મુખ્યત્વે ‘શ્રી લક્ષ્મીમણિ દેવી’ પુસ્તકના આધારે આ નિબંધ લખવામાં આવ્યો છે.) તેઓ કહેતાં હતાં : ‘મેં જે કાંઈ જાણ્યું કે શીખ્યું છે તે બધું ઠાકુરની પાસેથી મળ્યું છે.’ કામારપુકુર, દક્ષિણેશ્વર, શ્યામપુકુર અને કાશીપુરમાં ઠાકુરે પોતાની આ સ્નેહાશ્રિત ભત્રીજીને અનેક પ્રકારની કેળવણી આપી હતી. લક્ષ્મી દીદીની જીવનકથાની ચર્ચા કર્યા પછી પૂજ્યપાદ સ્વામી શંકરાનંદજીની સાથે કહેવાની ઇચ્છા થાય છે : ‘લક્ષ્મીદેવીના જીવનમાં હિન્દુ વૈધવ્યજીવનની નિષ્ઠા, ભક્તિ અને ભાવરાજ્યનો અપાર આનંદ તથા દૈવી સંપત્તિનું સ્ફુરણ વગેરે શ્રીરામકૃષ્ણદેવની લીલા તથા કંપનની અખંડ સત્યતાને જ પ્રગટ કરે છે.’ (‘શ્રીશ્રી લક્ષ્મીમણિ દેવી’ ગ્રંથની ભૂમિકા)

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda