Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

ગૌરી મા

ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદજીએ શિકાગોથી લખેલા પત્રમાં એક પ્રશ્ન પૂછયો હતો : ‘ગૌરી મા કયાં છે ? હજારો ગૌરી માની આવશ્યકતા છે, જેમનામાં મહાન ચેતનાદાયિની શક્તિ હોય.’ ગૌરી માનો આ છે અતિ શ્રેષ્ઠ પરિચય. જુદી જુદી વ્યક્તિઓ ગૌરી માને જુદી જુદી રીતે બોલાવતી હતી. ઠાકુર અને શ્રીમાની પાસે તેઓ ‘ગૌરીદાસી’ હતાં. સ્વામીજીના પત્રોમાં એનું રૂપાંતર ‘ગૌરમા’ નામે થયેલું જોવા મળે છે. ભક્તમંડળીમાં એમની મધ્યમ ઉંમરનું આ જ નામ પ્રચલિત હતું. સંન્યાસ લીધા પછી એમનું નામ ‘ગૌરીપુરી’ થયું હતું. પરંતુ સામાન્ય મનુષ્યો તો તેમને ‘ગૌરી મા’ રૂપે જ ઓળખતા હતા. એમના ભક્તોને માટે તેઓ ‘માતાજી’ હતાં, પરંતુ પિતાના ઘરમાં તેમનું નામ હતું ‘મૃડાની કે ‘રુદ્રાણી’.

મૃડાનીનો જન્મ કોલકાતાના ભવાનીપુરમાં મોસાળમાં થયો હતો. એમના પિતા પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાય હાવડાના શિવપુર પ્રાંતમાં રહેતા હતા. ત્યાં તેઓ સ્નાન પૂજા-ભોજન વગેરે કરીને ત્યાંથી ખિદિરપુર એક વ્યાપારી પેઢીમાં કામ કરવા માટે જતા હતા. નિષ્ઠાવાન પાર્વતીચરણના લલાટ પર ચંદનનું તિલક જોઈ ઓફિસના સાહેબ મજાક કરતા તો પણ તેમણે એ સ્વધર્મચિહ્નનો ત્યાગ કર્યો ન હતો. પાર્વતીચરણની પત્ની ગિરિબાલા પિતાની સંપત્તિની અધિકારિણી હતી. તેથી તેઓ તે સંપત્તિની દેખરેખ રાખવા માટે મોટે ભાગે પિતાને ઘરે જ રહેતાં હતાં. પાર્વતીચરણ પણ અઠવાડિયામાં એક બે દિવસ સસરાના ઘરે ગાળતા. આ દંપતીનું ચોથું સંતાન કે બીજી પુત્રી જ આ મૃડાની હતી !

માતા ગિરિબાલા બંગાળી અને સંસ્કૃત સાહિત્યમાં વિશેષ ભણેલાં હતાં. એમણે અનેક સ્તુતિ-સ્તવનો અને ધર્મસંગીત રચીને ‘નામસાર’ તથા ‘વૈરાગ્યસંગીતમાલા’ નામે પુસ્તકરૂપે પ્રકાશિત કરાવ્યાં હતાં. એમનાં રચેલાં અને એમના સુકંઠે ગવાયેલાં ગીતોથી ભક્તપિપાસુઓના મનમાં ભક્તિનો ઉદય થતો. આ ઉપરાંત તેઓ આધ્યાત્મિક અનુભૂતિ સંપન્ન સાધિકા પણ હતાં. વળી દુન્યવી કાર્યો માટે પણ એમનામાં અસાધારણ શક્તિ અને દક્ષતા હતાં. શાંત સ્વભાવવાળા પાર્વતીચરણ પત્નીને કહ્યા કરતા : ‘આટલી ઝંઝટનો શો અર્થ ? આપણને તો કોઈ ચીજની ખોટ નથી. આ બધું છોડીને ચાલો આપણે કાશી જઈને બાકીના દિવસો શાંતિથી પસાર કરીએ.’ તુરત જ કાલીસાધિકા ગિરિબાલા ઉત્તેજિત થઈને બોલી ઊઠતાં : ‘હું શા માટે અન્યાય-અત્યાચાર ચૂપચાપ સહન કરું ? મા અસુરવિનાશિની મારી સહાયકર્તા છે. મને કોઈ હાનિ પહોંચાડી શકશે નહીં. તમે જોઈ લેજો.’ પિતાના ધર્માનુપ્રાણિત કુસુમકોમલ ભાવ અને માતના વજ્ર  જેવા દૃઢ સ્વભાવના સંમિશ્રિણથી મૃડાનીનું ચરિત્ર બહુ જ ચિત્તાકર્ષક બન્યું હતું. માતૃધ્યાનમાં નિમગ્ન ગિરિબાળાએ એક રાતે સ્વપ્નમાં જાયું હતું : જાણે મહામાયા એક જ્યોર્તિમયી રૂપ-લાવણ્ય સંપન્ન દેવકન્યાને એમના હાથમાં સોંપી રહ્યાં છે. એ પછી જ મૃડાનીનો જન્મ થયો હતો. એમનો જન્મસમય અનિશ્ચિત છે. તો પણ લગભગ ઈ.સ. ૧૮૫૭માં એમનો જન્મોત્સવ મનાવવાનો આગ્રહ કર્યો ત્યારે એમણે કહેલું : ‘જો તમે લોકો મારો જન્મોત્સવ મનાવવા ઇચ્છો તો નિત્યાનંદ પ્રભુની જન્મતિથિ જ મનાવજો.’ આવું કથન કંઈ એમની જન્મતિથિનો નિર્દેશ કરતું ન હતું. આ કથન એમના નિરાભિમાનીપણાને જ મોટેભાગે પ્રગટ કરે છે.

બાળપણથી જ મૃડાનીના જીવનમાં ધર્મસ્પૃહા અને વૈરાગ્યનો આભાસ જોવા મળતો હતો. બાલિકા પોતાના મનથી દેવી-દેવતાઓની પૂજા કર્યા કરતી હતી. તે રડતી હોય ત્યારે કોઈ દેવતાનું નામ લેવાથી શાંત થઈ જતી. ભિક્ષુકોને થોડું ઘણું આપ્યા વગર તે શાંત રહી શકતી નહીં. બાળપણથી જ તે નિરામિષ ભોજન કરતી હતી. તે પોતાનાં કપડાં પર ધ્યાન આપતી નહીં કે કોઈ વસ્તુ માટે તેને ઇચ્છા પણ થતી નહીં. એક દિવસ તે પોતાના મોટાભાઈ સાથે હોડીમાં જતી હતી, ત્યારે એના મનમાં એવો ભાવ જાગ્યો કે ઘરેણું તો નકામું છે. એ ન હોય તો મને શું વાંધો આવવાનો છે ? તુરત જ એણે હાથનું કંગન કાઢીને દાંતથી ચાવી જોયું કે એમાં કંઈ સ્વાદ છે કે નહીં. પછી બીજાને ખબર ન પડે એ રીતે એણે એ પાણીમાં ફેંકી દીધું. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત ‘ચંડીમામા’ એ શેરીમાં રહેતાં હતાં. એમણે બાલિકાનો હાથ જોઈને કહ્યું : ‘આ છોકરી યોગિની થશે.’ મૃડાની ‘ચંડીમામા’ પાસેથી એમની તીર્થયાત્રાની વાતો તન્મય બનીને સાંભળતી હતી અને એ રીતે પોતાના ભવિષ્યની કલ્પના કરતી હતી.

મૃડાનીના ભાવિ જીવનનો એક પ્રત્યક્ષ પૂર્વાભાસ પણ મળવામાં વિલંબ ન થયો. તે વખતે બાલિકાની ઉંમર માત્ર ૧૦ વર્ષની હતી. એક દિવસ સવારે બીજાં બાળકો રમતાં હતાં ત્યારે આ બાલિકા મેદાનના એક છેડે ચૂપચાપ બેઠી હતી. એટલામાં ત્યાં આજાનુબાહુ ઉદારદૃષ્ટિ સંપન્ન એક બ્રાહ્મણ ત્યાં આવ્યા અને તેમણે બાલિકાને પૂછ્યું : ‘બધા લોકો રમે છે, ત્યારે તું અહીં એકલી કેમ ચૂપચાપ બેઠી છે?’ બાલિકાએ બ્રાહ્મણના ચરણોમાં પ્રણામ કરીને ઉત્તર આપ્યો : ‘આવી રમત મને ગમતી નથી.’ બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા : ‘તને કૃષ્ણમાં ભક્તિ થાઓ.’ બાલિકાએ એમનું સરનામું જાણી લીધું. થોડા દિવસ બાદ તે તેનાં માસી બગલાદેવીના સાસરે તેના મોટાભાઈ અવિનાશચંદ્રની સાથે વરાહનગર ગઈ અને ત્યાં તે બ્રાહ્મણની શોધ કરવા લાગી. થોડીવારમાં જ દક્ષિણેશ્વર નજીક નિમતે-ઘોલાના એક કેળાના બાગમાં તે બ્રાહ્મણ ધ્યાનસ્થ અવસ્થામાં જોવામાં આવ્યા. ધ્યાન સમાપ્ત થતાં સાધકે એને કહ્યું : ‘તું આવી ગઈ છો ?’ એ પછી એક બ્રાહ્મણના કુટુંબમાં એમણે બાલિકાની રહેવાની વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે ગંગાસ્નાન પછી તે ફરી પાછી આવી ત્યારે એમણે એને દીક્ષા આપી. એ દિવસે રાસપૂર્ણિમા હતી. આ બાજુ પરિવારના લોકો તેને ન જોતાં અત્યંત ચિંતા કરવા લાગ્યા. ખૂબ શોધ કર્યા પછી અવિનાશચંદ્રે નિમતે ઘોલાના સાધકની પાસે તેને જોઈ. સાધકે એના મોટાભાઈને કહ્યું : ‘જુઓ બેટા, આ બાળકી છે, એને કોઈ ધમકાવશો નહીં. પીળી ચકલી પકડમાં રાખવી મુશ્કેલ છે.’ બાલિકા સાધકના કહેવાથી ઘરે પાછી ફરી ગઈ.

મૃડાની બાળપણથી જ કાલીભક્ત હતી. તે દરરોજ દેવીની પૂજાઅર્ચના કરતી હતી. ઊંઘ ઊડતાં જ તે દેવીનું નામ લેતી હતી. આ બાજુ ચંડીમામા પાસે ગૌરાંગદેવની અલૌકિક જીવનકથા સાંભળીને તે તેમના પ્રત્યે અત્યંત આકર્ષાઈ હતી. વૈષ્ણવભાવમાં પ્રભાવિત મૃડાની એક દિવસ માટીના શાલિગ્રામ બનાવીને પૂજા કરવા લાગી. આ રીતે પ્રતીકમાં પૂજા કરવી ઉચિત નથી એ જાણવા છતાં પણ તે અટકી નહીં. નિમતે-ઘોલાના સાધક પાસેથી દીક્ષા લીધા પછી થોડા દિવસો બાદ એક અજાણી વ્રજવાસિની સ્ત્રી તેના ઘરે અતિથિરૂપે આવી. બાલિકા સાથે ધીમે ધીમે તેને ગાઢ પરિચય થયો. વ્રજનારી ‘દામુ’ ‘દામોદર’ કે ‘રાધાદામોદર’ નામની એક નારાયણ શિલાને જીવંત દેવતા માનીને પૂજા કરતી હતી અને એની સાથે એક પ્રકારનો વ્યવહાર પણ કરતી હતી. જતી વખતે એમણે એ શિલાને મૃડાનીના હાથમાં સોંપીને કહ્યું : ‘આ શિલા મારા આ લોક અને પરલોકનું સર્વસ્વ છે. ખૂબ જ જાગ્રત દેવતા છે. તારા પ્રેમમાં એ મત્ત થયા છે.’ એ દિવસથી વ્રજનારીના અનુકરણ મુજબ મૃડાની દામોદરની પૂજા કરવા લાગી અને એણે સ્થિર સંકલ્પ કરી લીધો કે આ દેવતાને પોતાનું જીવનમન સોંપીને તે ધન્ય બનશે અને એ સિવાય બીજા કોઈ મનુષ્ય પતિને નહીં વરે.

આ સમયે (૧૮૬૮ ઈ.માં) કુમારી ફ્રાંસિસ મેરિયા મિલમૈને ઉચ્ચવર્ણની હિન્દુ બાલિકાઓ માટે ભવાનીપુરમાં એક વિદ્યાલયની સ્થાપના કરી હતી. મૃડાની એમાં ભણવા લાગી અને શીઘ્ર તે એ વિદ્યાલયની બધા જ વિષયોમાંની ઉત્તમ વિદ્યાર્થિની તરીકે પંકાવા લાગી અને એ કારણે એને એક સ્વર્ણપેટિકા પણ પુરસ્કારરૂપે મળી હતી. પરંતુ ધર્મની બાબતમાં વિદ્યાલયના સંચાલકો ઉદાર ન હતા; આથી મૃડાનીને પણ બીજી અનેક બાલિકાઓ સાથે થોડા સમયમાં જ આ વિદ્યાલય છોડીને બીજે દાખલ થવું પડયું. એ પછી પાદરીઓએ વિવાદની સમાપ્તિ કરી; પરંતુ મૃડાની પછી એ વિદ્યાલયમાં ન જઈ શકી કારણ કે વિવાદનું સમાધાન થવા છતાં પણ હિન્દુ સમાજના લોકોનું એ વખતે પણ બાલિકાઓના અભ્યાસ પ્રત્યે અનુદાર વલણ હતું. તેમ છતાં પણ આટલા સમયમાં મૃડાનીએ દુર્ગાસપ્તશતી, ગીતા, અનેક દેવ-દેવીઓનાં સ્તોત્ર, રામાયણ, મહાભારત અને સંસ્કૃત મુગ્ધબોધ વ્યાકરણના ઘણા ભાગ કંઠસ્થ કરી લીધા હતા.

છોકરીની ઉંમર વધી રહી છે, એ જોઈને લગ્નને માટે પ્રયત્ન થવા લાગ્યા. પરંતુ બાલિકાની પ્રતિજ્ઞા હતી કે તે એવા વરની સાથે લગ્ન કરશે જેનું મૃત્યુ ન હોય. કન્યાને જોવા માટે આવનારા વરપક્ષના લોકો કન્યાની પ્રશંસા તો કરતા રહ્યા, પરંતુ એની અનોખી પ્રતિજ્ઞાની વાત સાંભળીને એને પોતાના ઘરે લઈ જવા તૈયાર ન થયા. લાચાર થઈને ઘરના લોકોએ નિશ્ચય કર્યો કે એના બનેવી પાણિહાટી નિવાસી ભોલાનાથ મુખોપાધ્યાયના હાથમાં જ તેર વર્ષની મૃડાનીને સોંપી દેવી. ત્યારે મૃડાની રુદ્રાણી બની ગઈ. લગ્નની રાત્રે એક ઓરડામાં ઘૂસીને આત્મરક્ષા માટે એણે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને બધા પ્રકારની આજીજી-વિનંતીઓ સામે યુદ્ધ માંડી દીધું. પરંતુ આ યુદ્ધમાં પણ તેનો પરાજય નક્કી જ છે એ જાણીને એણે માતાની સહાયથી એક બીજા સંબંધીના ઘરે આશ્રય લીધો. તો પણ સગાંવહાલાંઓએ જાહેર કરી દીધું કે બનેવીની સાથે એમની પુત્રીનાં લગ્ન થઈ ગયાં છે.

થોડા દિવસ પછી ઘરે પાછાં ફરીને મૃડાની પૂજા, આરાધના વગેરેમાં ગંભીરભાવે મગ્ન થઈ ગયાં. આ બાજુ ચંડીમામાએ વર્ણન કરેલાં તીર્થધામો એમને મૌન આમંત્રણ આપી રહ્યાં હતાં. આથી એક દિવસ સવારે ઊઠીને તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયાં. પરંતુ ટેવ ન હોવાથી બહુ દૂર સુધી ન જઈ શકયાં. ઓળખીતા માણસો સામે મળી જતાં એમને ઘરે લઈ ગયા અને ઘરમાં તેમને નજરબંધ થઈને જ રહેવું પડયું. પરંતુ આ મુક્તિકામી બાલિકાને ઘરમાં બાંધી રાખવા માટે પણ ઓછામાં ઓછું કયારેક કયારેક તીર્થ અને સાધુદર્શનનો મોકો આપવો જરૂર છે એમ ઘરના લોકોને જણાયું; આથી તેઓ એમને કાલના, નવદ્વીપ વગેરે તીર્થસ્થાનોમાં ફેરવી લાવ્યા. આ રીતે એક દિવસ તેઓ બહેન બગલા અને બનેવી સાથે સાગરસંગમ તીર્થની યાત્રા કરવા નીકળ્યાં. એ સમયે એમની ઉંમર ૧૮ વર્ષની હતી. મેળાની ભીડમાં તક જોઈને મૃડાની ત્રીજે દિવસે ક્યાંક છુપાઈ ગયાં. અનેક પ્રયત્નો કરવા છતાં એમની ભાળ ન મળી. આથી સંબંધી લોકો ઘરે પાછા ફર્યા. મૃડાની એ છૂપા સ્થળેથી નીકળીને ઉત્તર-પશ્ચિમ પ્રાંતના સંન્યાસી અને સંન્યાસિનીઓના એક સંઘ સાથે હરિદ્વાર તરફ ચાલવા લાગ્યાં. આ સાધુસંઘમાં તેઓ ‘ગૌરીમાઈ’ નામથી પરિચિત બન્યાં. હરિદ્વારમાં થોડા દિવસો રહ્યા પછી હિમાલયની તળેટીમાં આવેલા હૃષીકેશમાં પહોંચ્યાં. આ સ્થળ તપસ્યાને અનુરૂપ હતું એથી તેઓ ત્યાં કઠોર સાધના કરવા લાગ્યાં. થોડા દિવસો પછી એમના મનમાં કેદાર, બદરી વગેરે તીર્થોનાં દર્શનને માટેની ઇચ્છા જાગી. ઉત્તરાખંડનાં એ પ્રસિદ્ધ તીર્થોને જોઈને એમણે અમરનાથ અને જ્વાળામુખી વગેરેનાં પણ દર્શન કર્યાં. આ સમયે એમણે એકવાર ગંગોત્રી અને યમુનોત્રીનાં પણ દર્શન કર્યાં હતાં.

ગળામાં દામોદર શિલા લટકાવીને ભગવાં વસ્ત્ર પહેરેલાં સંન્યાસિની એ સમયે પગપાળા વિકટમાં વિકટ તીર્થો તરફ ચાલવા લાગ્યાં. એમની ઝોળીમાં કાલીમાની અને ગૌરાંગદેવની છબી, ગીતા, ભાગવત્, દુર્ગાસપ્તશતી તથા તેમના રોજિંદા વ્યવહારની સામાન્ય વસ્તુઓ હતી. લોકોની દૃષ્ટિથી બચવા માટે તેમણે વાળ કાપી નાંખ્યા હતા. શરીર પર તેઓ ભસ્મ કે માટી લગાવી દેતાં અને કયારેક પાગલની જેમ વર્તન કરતાં. તો વળી કયારેક લાંબું અંગરખું અને પાઘડી પહેરીને પુરુષના વેશમાં ચાલતાં. તેઓ લગભગ કોઈનીય સાથે વાતચીત કરતાં નહીં. ભિક્ષા વગેરે માટે વસ્તીમાં જવાની જરૂર પણ સમજતાં ન હતાં. શરીરની અવહેલનાને કારણે શરીર અત્યંત દુર્બળ બની ગયું હતું. આવું દુર્બળ શરીર ઠંડી સહન ન કરી શકવાથી કયારેક કયારેક બેભાન થઈ પડયું રહેતું. પહાડી સ્ત્રીઓની સેવાથી એમાં ફરી ચેતના આવતી. એવી સ્થિતિમાં પણ સ્વેચ્છાએ આદરેલું કઠોર તપ અને ઉદયાસ્ત જપ અવિરત ચાલુ જ રહેતો. તે એક અપૂર્વ દૃશ્ય હતું. (આ નિબંધની રચના માટે શ્રીશ્રીશારદેશ્વરી આશ્રમથી પ્રકાશિત થયેલા ‘ગૌરી મા’ પુસ્તક પર અમારે મુખ્યત્વે નિર્ભર રહેવું પડયું છે. ગૌરી માના તીર્થભ્રમણ અને તપસ્યાની વાતો એમાંથી લેવામાં આવી છે. પરંતુ સ્વામી વિવેકાનંદના લખેલા એક પત્રથી ગૌરી માના થોડા દિવસના ગાર્હસ્થ્ય જીવનયાપનનો ઉલ્લેખ મળે છે.)

આ રીતે એમણે થોડા દિવસો સુધી ભ્રમણ કર્યું. પછી તેઓ વૃંદાવન તથા રાધાકૃષ્ણનાં બીજાં લીલાસ્થળોનાં દર્શન માટે ફરી રહ્યાં હતાં. એ વખતે મથુરામાં રહેતા શ્યામાચરણ મુખોપાધ્યાય નામના એમના એક દૂરના સંબંધી કાકા એકાએક એમને જોઈ ગયા અને પરાણે એમને પોતાના ઘરે લઈ ગયા અને એમણે કોલકાતા સમાચાર પણ મોકલી દીધા. ગૌરી મા એમની આ ચાલબાજી જાણીને મથુરાથી ભાગી ગયાં. તેઓ રાજસ્થાનનાં તીર્થસ્થળોમાં દર્શન કરી સૌરાષ્ટ્રમાં આવ્યાં. આ યાત્રામાં એમણે જયપુર, પુષ્કર, પ્રભાસ, દ્વારકા વગેરે અનેક તીર્થોનાં દર્શન કર્યાં હતાં. સુદામાપુરીની પાસેના કોઇ ગામમાં સારવાર અને સેવાના અભાવને લઇને કોલેરાથી કેટલાય લોકો મૃત્યુના મુખમાં જઇ રહ્યાં છે. એ જાણીને ગૌરીમાનું માતૃહૃદય રડી પડયું. એમણે એ પ્રદેશની સરકાર અને સામાન્ય જનતાની સહાયથી પોતાની શક્તિ મુજબ આ પરિસ્થિતિનો સામનો કર્યો. દ્વારકામાં રણછોડદાસજીના મંદિરમાં જપ કરતી વખતે એમને બાળવેશધારી શ્યામસુંદરનાં દર્શન થયાં હતાં. આમ જુદાં જુદાં સ્થળે શ્રીકૃષ્ણને પૂર્ણરૂપે પામવાની અતૃપ્ત વાસના લઇને ભ્રમણ કરતાં કરતાં ગૌરીમાં ફરીથી વૃંદાવન આવ્યાં. અહીં પણ શ્રીકૃષ્ણનાં દર્શન ન થયાં એથી તેઓ આત્મવિસર્જન કરવાના ઉદ્દેશ્યથી રાત્રિના સમયે લલિતાકુંજની અંદર પહોંચ્યાં. પરંતુ ત્યાં એક અભૂતપૂર્વ દર્શન થયું અને તેઓ આનંદસાગરમાં ડૂબી ગયાં. આથી હવે પહેલાંની ઈચ્છા કાર્યમાં ન પરિણમી. એવામાં શ્યામાચરણ કાકાને એમના ફરીથી આવવાના સમાચાર મળી ગયા; આથી તેઓ પોતાના પૂર્વસંકલ્પ મુજબ ગૌરીમાને પોતાના ઘરે લઇ આવ્યા અને પછી ત્યાંથી કોલકાતા લઇ ગયા. લાંબા સમય બાદ ઘરે પાછાં આવેલાં મૃડાનીને આત્મીય સ્વજનોની સ્નેહ-મમતા મળ્યાં. તેઓ ઉત્સુક સ્વજનોને પોતાની તીર્થયાત્રા વગેરેની વાતો સંભળાવવા લાગ્યાં. પરંતુ સંન્યાસિનીને માટે આ રીતે ઘણા દિવસો સુધી રહેવું સંભવ નહોતું; આથી તેઓ ફરી જલદી પાછાં આવશે એવી આશા આપીને પુરુષોત્તમ દર્શન માટે ચાલ્યાં ગયાં.

ગૌરીમાની ગંભીર નિષ્ઠા, ભક્તિ અને પાંડિત્ય વગેરેનો પરિચય પામીને જગન્નાથ મંદિરના પુરોહિતોએ એમની ઈચ્છાનુસાર દર્શન વગેરેનો પ્રબંધ કરી દીધો. શ્રીક્ષેત્રથી તેઓ ઠાકુરના જમીનદાર અને ભક્ત રાધારમણ બસુ મહાશયના આમંત્રણથી એમના ઘરે ગયાં. ઈ.સ.૧૮૮૦-૮૧માં બસુ મહાશય સાથે ગૌરી માની પહેલી ઓળખાણ થઇ હતી. ભક્તિ, વૈરાગ્ય અને ભગવત્પ્રસંગથી વિશેષ મુગ્ધ થઇને બસુ મહાશય એમને ઘણીવાર કોલકાતાના પોતાના ઘરમાં અને વૃંદાવનની કાલાબાબુની કુંજમાં સ્નેહપૂર્વક રાખતા હતા. રામકૃષ્ણ સંઘમાં સુપરિચિત બલરામ બસુ આમના જ પુત્ર હતા. બલરામ બસુ સાથે ગૌરી માના ભાઇ અવિનાશચંદ્રની મિત્રતા હતી.

ગૌરી મા શ્રીક્ષેત્રથી આવીને નવદ્વીપ ગયાં. શ્રી ગૌરાંગ પ્રભુનું લીલાસ્થળ આ નવદ્વીપ એમનું અત્યંત પ્રિય સ્થળ હતું. તેઓ કહ્યા કરતાં : ‘નદિયા મારું સાસરું છે.’ નવદ્વીપચંદ્રની સાથે એમનો આવો જ ચિરસંબંધ હતો. નિત્યાનંદ પ્રભુની મૂર્તિ જોતાં જ તેઓ તેમને સસરા માનીને ઘૂંઘટ કાઢી લેતાં હતાં. નવદ્વીપથી પાછાં આવ્યા બાદ તેઓ ફરી વૃંદાવન ગયાં. એ વખતે બલરામ બસુ વૃંદાવનમાં જ હતા અને એ પહેલાં જ તેઓ શ્રીરામકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરીને ધન્ય બન્યા હતા. એમણે ગૌરી માને કહ્યું : ‘દીદી, દક્ષિણેશ્વરમાં મેં એક મહાપુરુષના દર્શન કર્યાં છે. સનાત-સનાતનના જેવો એમનો ભાવ છે. ભગવત્પ્રસંગ થતાં જ એમને સમાધિ પ્રાપ્ત થાય છે. તમે એક વખત ચોક્કસ એમનાં દર્શન કરજો.’ ગૌરી માએ એ સાંભળી તો લીધું. પરંતુ એ વખતે કોલકાતા તરફ ન જતાં તેઓ છાનાંમાનાં હૃષીકેશ પહોંચ્યાં. એમને ફરીથી કેદાર, બદરીના દર્શને જવાની ઈચ્છા હતી. પરંતુ ત્યાં એમને સમાચાર મળ્યા કે એમની માતા ખૂબ જ બીમાર છે. આથી તેઓ મથુરા થઇને પાછાં કોલકાતા આવી ગયાં. ત્યાં માતાને થોડાં સ્વસ્થ જોઇને તેઓ ફરી શ્રીક્ષેત્રની યાત્રાએ નીકળી પડયાં. અહીં પણ હરેકૃષ્ણ મુખોપાધ્યાય નામના એક વૃદ્ધ માણસે એમને કહ્યું : ‘માતા, દક્ષિણેશ્વરમાં હું એક અસાધારણ મનુષ્ય જોઇ આવ્યો છું. દેવતા જેવું એમનું રૂપ, જ્ઞાનમાં પૂર્ણ, પ્રેમમાં મત્ત અને વારંવાર સમાધિ !’ શ્રીક્ષેત્રથી પાછા ફર્યા બાદ તેઓ જ્યારે બલરામ બસુ મહાશયના ઘરે રહ્યાં હતાં ત્યારે ફરીથી બસુ મહાશયે એમને દક્ષિણેશ્વરના સાધુદર્શન માટે જવાનો અનુરોધ કર્યો. પરંતુ એ સમયે પણ કોઇપણ પ્રકારના આકર્ષણનો અનુભવ ન થવાથી ગૌરીમાએ હસતાં હસતાં કહ્યું : ‘જીવનમાં અનેક સાધુદર્શન થયાં છે ભાઇસાહેબ, હવે મને કોઇ નવા સાધુનાં દર્શનની ઈચ્છા નથી. તમારા સાધુની શક્તિ હોય તો મને ખેંચીને લઈ જાય. એ પહેલાં હું નહીં જાઉં.’

અને એ આકર્ષણ એક દિવસ અનપેક્ષિત રીતે આવ્યું. એ દિવસે અભિષેક પછી ગૌરી માએ દામોદરને સિંહાસન પર બિરાજમાન કર્યા ત્યારે જોયું કે ત્યાં એક મનુષ્યના બે જીવંત ચરણ છે. પરંતુ શરીરનાં બીજાં કોઇ જ અંગ નથી. ધ્યાનપૂર્વક જોતાં તેઓ જાણી ગયાં કે આ કંઇ એમની આંખોનો ભ્રમ નથી. એમણે દામોદરને તુલસીપત્ર અર્પિત કર્યું. પરંતુ એ પણ એ ચરણયુગલની ઉપર જઇ પડયું. ગૌરી મા બેભાન થઈને જમીન પર પડી ગયાં. ઘણીવાર સુધી એમનો પરગવ ન સંભળાયો એટલે બસુ પત્નીએ બારણું ખોલીને જોયું તો તેઓ જમીન ઉપર બેભાન પડેલાં હતાં. ત્રણચાર કલાકે ભાન પાછું આવ્યું. તો પણ બોલવાની શક્તિ ન હતી. એમને એવું લાગ્યું કે જાણે કોઈ એમના હૃદયને દોરડાથી બાંધીને ખેંચી રહ્યું છે. આ ભાવમાં જ દિવસ અને રાત વીત્યાં. સવાર થતાં પહેલાં જ તેઓ મુખ્ય દરવાજા પાસે આવીને બહાર જવાની કોશિશ કરવા લાગ્યાં. દરવાને પૂછ્યું, ‘ક્યાં જશો ?’ ગૌરી મા કાંઈ ન બોલ્યાં. એટલામાં બસુ મહાશયે આવીને પૂછ્યું, ‘દીદી, દક્ષિણેશ્વરના મહાપુરુષની પાસે આવશો ?’ ગૌરી મા ચૂપચાપ એમના મુખ તરફ જોતાં રહ્યાં. એને જ સંમતિ માનીને બસુ મહાશયે ગાડી મગાવી. તેમાં પોતાની પત્ની તથા બીજી બે સ્ત્રીઓ અને ગૌરી માને સાથે લઈને તેઓ દક્ષિણેશ્વર પહોંચ્યાં. ત્યારે પ્હો ફાટવાની વેળા હતી. આવેલા ભક્તોએ જોયું કે દક્ષિણેશ્વરના મહાપુરુષ પોતાના ઓરડામાં બેસીને હાથમાં સૂતર લપેટી રહ્યા છે અને ગાઈ રહ્યા છે :

‘યશોદા નાચાતો ગો મા બોલે નીલમણિ

સે રૂપ લુકાલિ કોથા, કરાલવદનિ શ્યામા ?

એક બાર નાચો ગો શ્યામા -’ વગેરે.

ભાવાર્થ : ‘હે મા કાલી ! યશોદા તમને નીલમણિ કહીને નચાવતાં હતાં. હે કરાળ વદની શ્યામા, એ રૂપ તમે કયાં છુપાવ્યું ? એકવાર તમારી તલવાર છોડીને વાંસળી લઈને નાચો તો શ્યામા !’ વગેરે.

ભક્તો ઓરડામાં પ્રવેશતાં જ સૂતર લપેટવાનું બંધ થયું. ગૌરી મા સમજી ગયાં કે એમની અવ્યક્ત વેદનાનું મૂળ સ્થાન કયાં છે. એમણે આશ્ચર્યથી જોયું કે આ તો પૂર્વે જોયેલાં સજીવ ચરણ યુગલ છે. શ્રીરામકૃષ્ણ જાણે કે કાંઈ પણ નથી જાણતા. એમણે બલરામને પૂછી પૂછીને ગૌરી માનો પરિચય મેળવી લીધો અને ઘણીવાર સુધી ધર્મ વિશે વાતો કરી. વિદાય લેતી વખતે ગૌરી માને એમણે કહ્યું : ‘પાછાં આવજો, માતા.’ ઈ.સ. ૧૮૮૨ની આ વાત છે. એ સમયે ગૌરી માની ઉંમર ૨૫ વર્ષની હતી.

બીજા દિવસે સવારે ગંગાસ્નાન પછી પહેરવાનાં બે કપડાં અને ગળામાં દામોદરને લટકાવીને ગૌરી મા ફરીથી દક્ષિણેશ્વર જવા નીકળી પડયાં. ઠાકુરે પણ એમને જોતાં જ કહ્યું : ‘હું તમારી જ વાત વિચારી રહ્યો હતો.’ ગૌરી માએ પણ ભાવમાં ગદ્‍ગદ થઈને એમના જીવનની અનેક વાતો તથા દામોદરના સિંહાસન પર એમના જ ચરણયુગલના દર્શનની વાત કહીને અંતમાં કહ્યું : ‘આપ અહીં છુપાયેલા હતા એ હું પહેલાં તો જાણી શકી નહીં, બાબા !’ ઉત્તરમાં ઠાકુરે હસીને કહ્યું : ‘એવું થયું હોત તો આટલાં સાધન-ભજન કેવી રીતે થયાં હોત ?’ છેવટે નોબતમાં શ્રીમાની પાસે એમને લઈ જઈને ઠાકુરે કહ્યું : ‘અરે બ્રહ્મમયી, તમે એક સાથીદાર ઇચ્છતાં હતાં ને, લો આ એક સાથીદાર આવી ગઈ.’ એ દિવસથી થોડા દિવસ સુધી ગૌરી મા દક્ષિણેશ્વરમાં રહ્યાં. પણ પછી શ્રીમાતાજી ત્યાં ન હોવાથી તેમનું દક્ષિણેશ્વરમાં રહેવું સંભવ નહોતું એટલે તેઓ કોલકાતાના બલરામ મંદિરમાં પાછાં આવી ગયાં. દૂર રહેવા છતાં પણ શ્રીરામકૃષ્ણ-દર્શનની આકાંક્ષા એમના મનમાં કયારેક કયારેક એટલી પ્રબળ થઈ જતી કે એક દિવસે ભોજનના અંતે હાથ મોઢું ધોયા પહેલાં જ એ આકર્ષણ એવું પ્રબળ થયું કે એ જ સ્થિતિમાં દક્ષિણેશ્વર જઈને તેમણે ઠાકુરને પ્રણામ કર્યા. એટલામાં યાદ આવ્યું કે હાથ અપવિત્ર છે તો શરમાઈને હાથ ધોવા ચાલ્યાં ગયાં.

ગૌરી મા જુદા જુદા સમયે વિવિધ ભાવોમાં શ્રીરામકૃષ્ણના સામીપ્ય અને સેવાનાં અધિકારીણી થયાં હતાં. ઠાકુરના ભત્રીજા શ્રીયુત રામલાલ ચટ્ટોપાધ્યાયે લખ્યું છે કે ગૌરી મા કયારેક કયારેક પોતાના હાથેથી ઠાકુર માટે ખાસ વાનગી તૈયાર કરીને અત્યંત પ્રેમથી એમને ખવડાવતાં અને નોબતમાં ઠાકુરને ઉચ્ચ ભાવોનાં ગીત અને કીર્તન મધુર કંઠે સંભળાવીને એમને સમાધિસ્થ કરી દેતાં હતાં. એમ પણ લખ્યું છે : ઠાકુર ગૌરી માને મહા તપસ્વિની, ભાગ્યવતી અને પુણ્યવતી કહીને નિર્દેશ કરતા. ગૌરાંગ-લીલામાં લીન ગૌરી માના મનમાં શ્રીરામકૃષ્ણાવતારમાં પણ એ પ્રકારના મહાભાવ, મત્તતા અને તડપન વગેરે જોવાની આકાંક્ષા જાગતી અને એ વખતે ઠાકુરના શરીર દ્વારા એવી જ લીલા પ્રગટ થતી. આથી ગૌરી મા એક બાજુ જે રીતે પુલકિત થતાં હતાં, બીજી બાજુ એ પ્રકારનું ઠાકુરનું શારીરિક કષ્ટ જોઈને પોતાની એવી ઇચ્છાને દબાવવાની કોશિશ કરતાં રહેતાં. ગૌરી માની માતા ગિરિબાલાએ પણ ઘણીવાર ઠાકુરનાં દર્શન કર્યાં હતાં.

ઠાકુર ગૌરી માને કેટલાં ઉચ્ચ અધિકારિણી માનતા હતા એના પ્રમાણરૂપે કહી શકાય કે, ઠાકુરના ભક્ત શ્રીયુત કેદારનાથ ચટ્ટોપાધ્યાયના ઈસાઈ ભક્ત વિલિયમ સાહેબનો તેમણે ઠાકુર સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારે ઠાકુરે બલરામગૃહમાં સાહેબની ગૌરી મા સાથે મુલાકાત કરવાની તેમને વાત કરી હતી. યોગ્ય સમયે મુલાકાત થતાં સાહેબે ગૌરી માને ‘મધર મેરી’ કહીને જમીન પર પડીને પ્રણામ કર્યા હતા. તેમજ ભગવાનમાં ભક્તિલાભ માટે આશીર્વાદ માગ્યા હતા. ઠાકુર સાથેના સંપર્કના પરિણામે ગૌરી માની દૃષ્ટિ બધી બાબતોમાં વિશાળ અને ઉદાર થઈ ગઈ હતી. એક વખત રામનવમીના ઉપવાસના દિવસે ઠાકુરે જલપાન કરતી વખતે એક મીઠાઈ અડધી ખાઈને બાકીની અડધી તેમણે ગૌરી માને આપી. ત્યારે તેમણે એ પ્રસાદને નિ:સંકોચ સ્વીકારી લીધો હતો. એ વખતે રામનવમીની વાત યાદ આવતાં ઠાકુરે કહ્યું : ‘ઓહ, આજે તો રામનવમી છે.’ ગૌરી મા તુરત જ બોલી ઊઠયાં : ‘શું આપના પર પણ કોઈ વિધિનિષેધ હોઈ શકે ?’ ગૌરી મા ઠાકુરને પૂર્ણાવતાર અને શ્રીમાને સાક્ષાત્ ભગવતી રૂપે જાણી ગયાં હતાં. કોઈ જુદા સ્વરૂપે કહેતું તો તેમને હૃદયમાં આઘાત લાગતો. ગૌરાંગ ભક્ત ગૌરી માનાં નેત્રોમાંથી મહાપ્રભુનું નામ સાંભળતાં જ આંસુ વહેતાં હતાં. એમણે જ એક વખત કહ્યું હતું : ‘શ્રીરામકૃષ્ણ અને શ્રીચૈતન્ય એ બંને અભિન્ન છે.’ શ્રોતાએ જ્યારે વાંધો લીધો કે મનુષ્ય અને દેવતા એક નથી હોતા, ત્યારે ગૌરી માએ ઊભાં થઈને મોટા અવાજે કહ્યું હતું : ‘જે રામ અને જે કૃષ્ણ હતા, એ જ હવે રામકૃષ્ણ છે.’ એટલું કહીને તેઓ એ સ્થાન છોડીને ચાલ્યાં ગયાં. શ્રીમા પ્રત્યે ગૌરી માના સ્નેહભાવની અધિકતા જોઈને એક દિવસ ઠાકુરે મજાક કરતાં એમને કહ્યું હતું : ‘તમે કોને વધુ ચાહો છો ?’ સુકંઠી ગૌરી માએ એક ગીત ગાઈને ઉત્તર આપ્યો :

‘રાઈ હતે તુમિ બડો નઓ હે બાંકા બંશીધારી;

લોકેર વિપદ હોલે ડાકે મધુસૂદન બોલે,

તોમાર વિપદ હોલે પરે બાંશીતે બલો રાઈ કિશોરી.’

ભાવાર્થ : ‘ઓ વાંકા બંસીધારી, રાધા કરતાં તમે મહાન નથી. લોકો સંકટમાં પડે ત્યારે મધુસૂદનને પોકારે છે. પણ તમે જ્યારે સંકટમાં પડો છો, ત્યારે વાંસળીમાં ‘ઓ કિશોરી રાધા’ એમ કહી બોલાવો છો.’ ગીત સાંભળીને શરમાઈને માતાજીએ ગૌરી માનો હાથ પકડી લીધો. ઠાકુર પણ હાર સ્વીકારીને હસતાં હસતાં ચાલ્યા ગયા.

કોલકાતાની માતાઓ માટે ઠાકુરનું હૃદય રડતું હતું. તેઓ ગૌરી માને પ્રોત્સાહન આપતા હતા કે જેથી તેઓ માતાઓ પાસે જઈને ભગવાનની વાત કરીને એમનામાં ભક્તિભાવ જગાડે. એક દિવસ એમને ઠાકુરે કહ્યું હતું : ‘યદુ મલ્લિકના ઘરની સ્ત્રીઓ તમને મળવા ઇચ્છે છે. એક દિવસ ત્યાં જજો.’ ગૌરી માએ તુરત કહ્યું : ‘આપની પણ કેવી વાતો છે ! આપ લોકોની સામે મારી આટલી પ્રશંસા કેમ કરો છો?’ વળી એક દિવસે પ્રભાતે ડાબા હાથેથી બકુલ વૃક્ષની ડાળી પકડીને જમણા હાથે જલ છાંટી રહેલાં ગૌરી માને ઠાકુરે કહ્યું : ‘હું પાણી રેડું છું. તમે ગારો બનાવો.’ ગૌરી માએ આશ્ચર્યચક્તિ થઈને કહ્યું : ‘અહીં માટી કયાં છે તે બનાવીશ ? અહીં તો બધા સૂકા કાંકરા જ છે.’ ઠાકુરે હસીને કહ્યું : ‘મેં શું કહ્યું અને તમે શું સમજ્યાં ? આ દેશની માતાઓને બહુ જ દુ:ખ છે. તમારે એમની અંદર કામ કરવું પડશે.’ ગૌરી માના સાધના પરાયણ અને એકાંતપ્રિય મને જો કે એ દિવસે કહ્યું હતું : ‘ગૃહસ્થ મનુષ્યોની સાથે મારો મેળ નહીં બેસે. શોરબકોર મને ગમતો નથી. મને થોડી સ્ત્રીઓ આપો. હિમાલયમાં તેમને લઈ જઈને હું મનુષ્ય બનાવી દઈશ.’ તેમ છતાં પણ ઠાકુરે હાથ દબાવીને કહ્યું હતું : ‘નહીં જી, નહીં. આ શહેરમાં બેસીને કામ કરવું પડશે. સાધન-ભજન ઘણાં થઈ ચૂકયાં છે. હવે જીવનને માતાઓની સેવામાં લગાવો. એમને ઘણી વિટંબણાઓ છે.’ પછીથી ગૌરી માને એવાં જ કામ કરવાં પડયાં પરંતુ એ સમયે તો તેઓ એ માટે તૈયાર ન હતાં.

દક્ષિણેશ્વરના દિવસો ગૌરી માના જીવનમાં અતિ આનંદપ્રદ અને ફળદાયી હોવા છતાં પણ એમના મનમાં તપસ્યા માટે પ્રબળ આકર્ષણ રહેતું. એક આસન પર બેસીને ઉદયાસ્ત ૯ મહિના સુધી સાધના કરવાનો સંકલ્પ પ્રબળ બનતાં તેઓ વૃંદાવન ચાલ્યાં ગયાં. આ બાજુ શ્રીરામકૃષ્ણ પણ લીલાસંવરણની પ્રવૃત્તિ કરવા લાગ્યા. ગૌરી માને માટે સમાચાર મોકલવામાં આવ્યા પણ એ સમાચાર તેમને સમયસર પહોંચ્યા નહીં. અંત સુધી ગૌરી માને ન જોતાં ઠાકુરે કહ્યું હતું : ‘આટલા દિવસો સુધી પાસે રહીને અંતે તેઓ ન જોઈ શકયાં. મારી અંદર જાણે બિલાડી નહોરથી કોતરી રહી છે.’ પછીથી શ્રીમા જ્યારે વૃંદાવન પહોંચ્યાં ત્યારે તપસ્યામાં મગ્ન ગૌરી માને જોઈને બોલ્યાં કે ઠાકુરે શ્રીમાને દર્શન આપીને વૈધવ્યચિહ્ન ધારણ કરવાની મનાઈ કરી છે અને આ બાબતમાં ગૌરી મા પાસે શાસ્ત્રીય પ્રમાણ જાણી લેવા કહ્યું છે. વૈષ્ણવ દર્શનમાં પારંગત ગૌરી માએ શાસ્ત્રીય વચનોનો ઉલ્લેખ કરીને કહ્યું : ‘ઠાકુર હંમેશાં વિદ્યમાન છે અને તમે સ્વયં લક્ષ્મી છો. તમે જો સૌભાગ્યનો વેશ છોડી દેશો તો સંસારનું અકલ્યાણ થશે.’ (‘શ્રીશ્રીમાયેર કથા’ પુસ્તક (દ્વિતીય ખંડ)માં જણાવેલું છે કે શ્રીમાના પોતાના મત મુજબ આ પ્રસંગ વૃંદાવનથી પાછાં આવતાં કામારપુકુરમાં બન્યો હતો. અહીં અમે ‘ગૌરી મા’ પુસ્તકનું અનુસરણ કર્યું છે. જો કે અમારો વિશ્વાસ છે કે બીજું વિવરણ જ આધારભૂત છે.’)

શ્રીમા વૃંદાવન છોડીને ચાલ્યાં ગયાં પછી થોડા સમય બાદ ગૌરી મા હિમાલય ભ્રમણને માટે ચાલ્યાં ગયાં. આ વખતે વૃંદાવન અને હિમાલયમાં દસ વર્ષ વિતાવીને તેઓ કોલકાતા પાછાં આવી ગયાં. એક વખત એમને તાવની સાથે કોલેરા થઈ ગયો. એ વખતે તેઓ એમના ભાઈ અવિનાશચંદ્રના કુટુંબમાં રહ્યાં હતાં અને એમની સેવાનો સ્વીકાર કરવો પડયો હતો. પરંતુ પછી તેમના મનમાં એવો ભાવ જાગ્યો કે તેઓ કદાચ માયાના બંધનમાં ફસાતાં જાય છે. આથી સાજાં થતાં જ તેઓ કોઈને કાંઈ ન કહેતાં એકાએક રામેશ્વર દર્શન માટે નીકળી પડયાં.

દક્ષિણમાં અનેક તીર્થોના દર્શન પછી તેઓ રામેશ્વર પહોંચ્યાં. ત્યાં પોતાની સાથે લાવેલા ગંગોત્રીના જળથી રામેશ્વરને સ્નાન કરાવ્યું. પાછા વળતાં તેમણે બાલાજી ગોવિંદનાં દર્શન કર્યાં. પછી દક્ષિણનાં તેમજ મધ્ય ભારતનાં તીર્થોનાં દર્શન કરી કોલકાતા પાછાં આવી ગયાં. આ વખતે એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. આ સમયે માતૃજાતિની કલ્યાણ કામના એમના હૃદયમાં પ્રબળ થવા લાગી.

પહેલાં તેઓ રામપ્રસાદની સાધનાભૂમિમાં ગંગાતટે બેસી ગયાં. એ પછી અનુરાગીઓના કહેવાથી તેમજ શ્રીમાની આજ્ઞા મળવાથી ઈ.સ. ૧૮૯૪માં બારાકપુરના ગંગાકિનારે ‘શ્રીશારદેશ્વરી આશ્રમ’ સ્થાપ્યો. ગ્રામ્ય વાતાવરણમાં આ નામમાત્રના આશ્રયની પર્ણકુટીરમાં એક એક કરતાં લગભગ ૨૫ કુમારીઓ, સઘવા અને વિધવાઓ આવી અને ગૌરી મા પાસે શિક્ષણ પ્રાપ્ત કરવા લાગી. દરેક બાબતની ત્યાં પૂરેપૂરી તંગી હતી. પરંતુ એમાં પણ એક અપૂર્વ તૃપ્તિ હતી, જે આશ્રમવાસિનીઓને આકર્ષતી હતી. બ્રાહ્મમુહૂર્તમાં શય્યાત્યાગ, ગંગાસ્નાન, જપધ્યાન, ગૃહકાર્ય અને પાઠોનો અભ્યાસ કરવામાં એ લોકોના દિવસો બહુ જ શાંતિમય પસાર થતા હતા. એક બાજુ જેમ ગૌરી મા શિક્ષણ આપતાં હતાં, તેમ બીજી બાજુ એ રીતે નાની નાની બાલિકાઓની સાથે તેઓ સ્નેહમયી માતાની જેમ રમતાં પણ હતાં. કોમળ અને કઠોર બંને ભાવોનું અહીં સંમિશ્રણ હતું. ભારતનો પ્રાચીન આદર્શ અહીં મૂર્તિમંત થઈ રહ્યો છે એ જાણીને અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ આશ્રમ જોવા માટે આવવા લાગ્યા. બેલુર મઠના પ્રાચીન સાધુઓ પણ સહાનુભૂતિ દર્શાવવા લાગ્યા. આશ્રમની સ્થાપના થયા બાદ પાંચ વર્ષ પછી ઈ.સ. ૧૯૦૦-૦૧માં કોલકાતામાં એક માતૃસભાનું આયોજન કરીને ગૌરી માએ એ સભામાં હિન્દુ સ્ત્રીઓના આદર્શ વગેરે વિષયમાં ભાષણ આપ્યું. આ પ્રમાણે ઉત્તરોત્તર ઉત્તમ ભાષણકર્તા તરીકે એમની ખ્યાતિ પ્રસરી ગઈ. પરંતુ આદર્શ પ્રચાર, આશ્રમ ગઠન, વગેરે કાર્યોને ખૂબ જ મહત્ત્વનાં ગણતાં હોવા છતાં પણ ગૌરી માની મુખ્ય દૃષ્ટિ સ્ત્રીઓના જીવન ઘડતર પ્રત્યે વિશેષ હતી. વિશેષરૂપે તેઓ સમજી શકયાં હતાં કે માતૃજાતિની સેવામાં સંપૂર્ણપણે સમર્પણ કરી શકે એ પ્રકારના એક સંન્યાસિની સંઘની સ્થાપના જો તેઓ નહીં કરી શકે તો એમના જીવનનો ઉદ્દેશ સફળ નહીં થાય. આથી એ સમયે તેઓ એ વિષયમાં ધ્યાન આપવા લાગ્યાં અને ઉપયોગી પાત્ર મળતાં એને એ કામ માટે તૈયાર કરવા લાગ્યાં. એમાંથી અનેક સ્ત્રીઓ એમની પ્રેરણાથી મંદિરના દેવતાને જ પતિરૂપે સ્વીકારીને, પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી યથાકાળે સંન્યાસિની બની ગઈ હતી.

કાર્યવૃદ્ધિની સાથે ગૌરી મા સમજી ગયાં કે કોલકાતા મહાનગરની સાથે હજુ પણ વધુ ઘનિષ્ઠ સંબંધ રાખવો જરૂરી છે. તેથી એ મુજબ ઈ.સ ૧૯૧૧ની શરૂઆતમાં ગોપાબાગાન લેનના એક ભાડાના મકાનમાં આશ્રમનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. ત્યાં દસ-બાર કુમારિકાઓ અને વિધવાઓ રહેતી હતી અને લગભગ ૬૦ જેટલી છોકરીઓ દરરોજ ભણવા આવતી હતી. કામનો વિસ્તાર થવાથી તથા બીજાં અન્ય કારણોથી આશ્રમ જુદા જુદા સમયે જુદાં જુદાં મકાનોમાં ફેરવાયો હતો. પરંતુ આ રીતે કાર્ય દૃઢ થયું નથી એ જાણીને ગૌરી મા જમીન શોધવા લાગ્યાં. છેવટે મહારાણી હેમંતકુમારી સ્ટ્રીટના ૨૬ નંબરનો અત્યારના આશ્રમની ભૂમિનો થોડો ભાગ (લગભગ ૪ વીઘાં) ખરીદવામાં આવ્યો. પરંતુ નાણાંના અભાવને લઈને ઘણાં વર્ષો સુધી મકાન બાંધવાનું શક્ય ન બન્યું. એ પછી ઈ.સ.૧૯૨૩ની જગદ્ધાત્રી પૂજાના દિવસે ગૌરી માએ એનો પાયો નાખ્યો અને બીજા વર્ષે માગશર માસમાં તેઓ દેવતાની સાથે નવા મકાનમાં પ્રવેશ્યાં. નવા મકાનમાં આવ્યા પછી ઉત્તરોત્તર આશ્રમ નિવાસીઓની સંખ્યા પચાસ અને દૈનિક વિદ્યાર્થિનીઓની સંખ્યા ત્રણસોની થઈ. સહાયસંપદ્હીન સંન્યાસિની માટે આટલી સફળતા મેળવવી સહેલી ન હતી. પરંતુ ભગવાનની શક્તિ ઉપર જ તેઓ સંપૂર્ણ આધારિત હતાં આથી તેઓ કહેતાં હતાં : ‘જેમણે કામમાં ઊતાર્યાં છે, તેઓ જ બધું ચલાવી દેશે. આમાં મુશ્કેલી-વિઘ્નો આવતાં રહેવા છતાં પણ મને કોઈ દુ:ખ નથી, પ્રશંસા મળવા છતાં પણ મારી કોઈ બહાદુરી નથી.’

કામનો વિસ્તાર વધતો જતો જોઈને ગૌરી માને થયું કે જવાબદારી મારી એકલીના ખભા ઉપર ન હોવી જોઈને. એ કારણે તેમણે પ્રસિદ્ધ નેતાઓને સંમિલિત કરીને એક પરામર્શ સમિતિ રચી. શિક્ષિત મહિલાઓની પણ એક સમિતિ બનાવી. એ ઉપરાંત થોડી મહિલાઓની એક ‘કાર્યવાહક સમિતિ’ પણ બનાવી. વ્રતધારિણી આશ્રમસેવિકાઓનો એક માતૃસંઘ પણ ઘડયો. આશ્રમના સંસ્થાપક રૂપે ગૌરી મા આશ્રમનાં મુખ્ય સંચાલિકા તથા માતૃસંઘનાં અધ્યક્ષા બન્યાં.

આશ્રમજીવન ગાળનાર છોકરીઓ અને સ્ત્રીઓના આદર્શ પ્રાચીન રહે એ માટે શરૂઆતથી જ ગૌરી માના વિશેષ પ્રયત્નો રહ્યા હતા. આ આશ્રમની શિક્ષા પ્રણાલીની વિશેષતા જોઈને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સર મન્મથનાથ મુખોધ્યાય મહાશયે લખ્યું હતું. : ‘પુરુષો અને સ્ત્રીઓની કેળવણી એક જ આદર્શ અને એક જ માર્ગ પર ચાલી નથી શકતી. વિદેશી કેળવણી હિન્દુ ગૃહસ્થ સ્ત્રીઓ માટે ઉપયોગી નથી. એનો અનુભવ અનેક શિક્ષિત મનુષ્યો કરી જ રહ્યા છે. આવી કેળવણી ઘણું કરીને હિન્દુ સંસ્કૃતિને વિચ્છિન્ન કરવા લાગી હતી. બરાબર એ  સમયે ઠાકુર શ્રીરામકૃષ્ણ આવ્યા અને ગૌરી મા આવ્યાં. આ તપસિદ્ધ દૂરદૃષ્ટિ સંપન્ન મહાન નારીએ પ્રાચીન ભારતીય રાષ્ટ્રીય આદર્શની સાથે આધુનિક ઉપયોગી કેળવણીનું સામંજસ્ય સાધીને પોતાનાં ગુરુપત્નીના પવિત્ર નામથી આ આશ્રમની સ્થાપના કરી છે, જેથી સ્ત્રીઓ આદર્શ ગૃહિણી અને માતા તથા આદર્શ સાધિકા અને આચાર્યા બની શકે- હિન્દુ સમાજને સુશિક્ષણ દ્વારા કલ્યાણના માર્ગે ચલાવી શકે.’

 પોતાની અંદર જો અમૃત રહેલું હોય તો જ એનું વિતરણ કરવા માટે આગળ વધવું યોગ્ય છે, નહીં તો આંધળો જેમ આંધળાને દોરે તેમ તે પ્રયત્ન વ્યર્થ જાય છે. આપણે જોયું છે કે ગૌરી મા સાધનાબળથી આવાં કાર્યો કરવામાં સંપૂર્ણ યોગ્ય હતાં. આવાં જવાબદારીપૂર્ણ કાર્યોમાં રત રહેવા છતાં પણ તેમની સાધનામાં વિરામ ન હતો. એ સમયે પણ નિયમિત જપ,ધ્યાન પૂજા વગેરે ચાલતાં હતાં. સાથે સાથે એમના ચરિત્રની મધુરતા જુદા જુદા ભાવે પ્રગટ થઈને લોકોને આશ્ચર્ય પમાડી રહી હતી. દામોદરને તેઓ જીવંત દેવતા અને જીવનભરના પતિરૂપે માનતાં હતાં . એક દિવસ તેઓ સઘળાં કામ આટોપીને બપોરે પથારીમાં પડયાં હતાં. પરંતુ નિશ્ચિત ન  બની શક્યાં અને પછી એકાએક તેઓ બોલી ઊઠયાં : ‘અરે, મારા પતિને તો દૂધ પીવાની ટેવ છે. પરંતુ આજે તો તેમને દૂધ નથી પિવડાવામાં આવ્યું. આ કારણે તેમને ઊંઘ આવતી નથી.’ તુરત જ તેઓ ઊઠયાં ને દામોદરને દૂધ આપવા માટે ગયાં. પાછાં આવીને બોલ્યાં : ‘હવે દૂધ પીને એમને ઊંઘ આવી ગઈ છે.’ એક રાત્રે ગૌરી માનું શરીર સારું ન હતું. એથી એમણે રસોઈ ન બનાવી, થોડાં ફળ-મીઠાઈ વગેરેથી દામોદરને ભોગ આપવામાં આવ્યો. પરંતુ મધરાતે જોવામાં આવ્યું કે રસોડામાં અગ્નિ જલી રહ્યો છે અને ગૌરી મા પૂરી બનાવી રહ્યાં છે. પૂછતાં તેમણે કહ્યું : ‘થોડી ઊંઘ પછી પતિએ કહ્યું : ‘મને ભૂખ લાગી છે.’ આથી હું ઊઠી ગઈ અને પૂરી બનાવું છું.’ એ રાતે ભોગ નિવેદન પછી ગૌરી મા ગીત ગાવા લાગ્યાં:

‘માધવ ! બહુત મિનતી કરી તોય;

દેઈ તુલસી તિલ, દેહ સમર્પિનુ

દયા જાનિ, ન છોડવિ મોય !’

‘હે માધવ ! તમને ખૂબ વિનંતી કરું છું. તુલસી પાન અને તલ દઈને મારી જાતને તમારે ચરણે ધરી દીધી છે. દયા કરો. મને ત્યજી દેશો નહીં.’ ધીરેથી કમાડ ખોલીને એક આશ્રમ નિવાસિનીએ જોયું, ગૌરી મા દામોદરને છાતીએ લગાવીને આંસુઓથી એમને નવડાવી રહ્યાં છે. શ્રીમા આ કારણે ભક્તોને કહ્યા કરતાં : ‘પથ્થરના એક ટુકડાને લઈને ગૌરદાસીએ કેવું લાંબું જીવન વિતાવી દીધું છે !’

આ દામોદર મૂર્તિની પ્રીતિ સાથે એમના હૃદયમાં જીવરૂપી સર્વ દામોદર પ્રત્યે પ્રેમ હતો. હૃદયનો આ મહાન ભાવ એમને દેવતા બનાવી દેતો હતો. એક દિવસ તેઓ ઉતાવળે ગંગાસ્નાન કરવા માટે ગયાં. ત્યાં તેમણે જોયું - ‘એક નાની છોકરી ગંગાના પ્રવાહમાં તણાઈ રહી છે અને કિનારે ઊભેલા લોકો કંઈ ઉપાય કર્યા વગર નિરર્થક હાય હાય કરી રહ્યા છે.’ ગૌરી મા ગર્જી ઊઠયાં : ‘આ છોકરી ડૂબી રહી છે અને પુરુષો ઊભા ઊભા તમાશો જોઈ રહ્યા છે ?’ આ કહેતાંની સાથે જ તેઓ સાડીનો કછોટો લગાવીને ગંગામાં ઊતરી પડયાં. હૃદયના આવેગથી તેઓ ભૂલી ગયાં કે તેમને તરતાં તો આવડતું નથી. ખેર, એ પછી બીજા લોકો પણ પાણીમાં ઊતર્યા અને બાલિકાને બચાવી લીધી. એક રાત્રે ગૌરી મા આશ્રમ નિવાસિનીઓને  પુરાણની કથા સંભળાવી રહ્યાં હતાં. એટલામાં બાજુના એક મકાનમાંથી નારી કંઠનો આર્તનાદ સંભળાયો. તેઓ તુરત જ લાકડી હાથમાં લઈને એ નારીનો ઉદ્ધાર કરવા નીકળી પડયાં. આશ્રમ નિવાસિનીઓએ એમને આ રીતે બીજાના ઘરમાં જવાની ના પાડી તો પણ તેઓ રોકાયાં નહીં. ત્યાં જઈને એમણે જોયું કે તેમનું અનુમાન સાચું છે : એક વહુ પર જુલમ કરવામાં આવી રહ્યો છે. એમણે એ ઘરના માલિકને કાયદા અને અદાલતનો ભય બતાવીને એ વહુનો ઉદ્ધાર કરી દીધો. પોલીસની મદદથી તેને તેના પિતાના ઘરે પહોંચાડી દીધી. પછીથી એ વહુના સાસરાપક્ષના માણસોએ ગૌરી માની મધ્યસ્થતાથી ક્ષમા માગીને એ વહુને ફરી ઘરમાં લાવ્યા, ત્યારે એમણે એ લોકોને ચેતવી દીધા અને કહ્યું : ‘બીજાની દીકરીને ઘરની લક્ષ્મી બનાવીને લાવ્યાં છો, તો એને પોતાની દીકરીની જેમ પ્રેમ કરવો જોઈએ.’ એકવાર ગયાધામમાં પંડાઓ કેટલીક સ્ત્રીયાત્રાળુઓને ઓરડામાં પૂરીને રૂપિયા પડાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ જાણતાં જ ગૌરી માએ પોલીસની મદદ લઈ એ સ્ત્રીઓનો પણ ઉદ્ધાર કર્યો હતો. નાનાં પ્રાણીઓના દુ:ખે પણ તેઓ દુ:ખી થતાં હતાં. એક વખત થોડા વાંદરાઓ કોણ જાણે કેવી રીતે એક બિલાડીના બચ્ચાને એક મકાનની અગાસી ઉપર ઉપાડી લાવ્યા અને ત્યાં એને હેરાન કરવા લાગ્યા. ગૌરી માએ જોયું કે હવે એ બિલાડીનું બચ્ચું નક્કી મરી જવાનું. પણ અગાસી ઉપર ચઢવાની કોઈ સીડી ન હતી. લાચાર થઈને તેમણે એક લાકડી હાથમાં લીધી અને પોતાના જીવને જોખમમાં મૂકી વાંદરાઓનાં ઘૂરકિયાંઓથી ડર્યા વગર, બાજુના મકાનની તૂટેલી દીવાલના આધારે અગાસી ઉપર ચઢયાં અને બિલાડીના બચ્ચાને પાલવમાં બાંધીને નીચે લઈ આવ્યાં. આશ્રમના ગાય-ઘોડા પ્રત્યે પણ એમના હૃદયમાં એવી જ સહાનુભૂતિ હતી. નોકર હાજર ન હોય તો તેઓ જાતે જ એમને સમયસર ખાવાનું નાખતાં. ઘોડાની સાર-સંભાળ બરાબર લેવાય છે કે નહીં એની ખબર પણ તેઓ જાતે જ રાખતાં. ગાયોને દેવી માનીને તેઓ એમની સેવા કરતાં.

પોશાક વગેરેની બાબતમાં એમને કોઈ જાતના બાહ્ય દેખાવનો મોહ ન હતો. દરેક બાબતમાં એમની ઉદાસીનતા જોવા મળતી હતી. જે કોઈ સાજ-સજ્જા અને ભોગ-રાગની વ્યવસ્થા થતી તે બધી દામોદરને માટે હતી. એમના પોતાના ઉપયોગ માટે એક લાલ કિનારવાળી સાડી અને બંને હાથમાં એક એક શંખની ચૂડલી માત્ર હતી. ભક્તો એમને કિંમતી વસ્ત્રો વગેરે આપતા તો તેઓ વિરોધ કરતાં અને ભક્તો બહુ જિદ્દ કરે ત્યારે એ બધી વસ્તુઓ લઈને પોટલી બાંધીને ભંડારમાં મૂકી દેતાં. કિંમતી વસ્તુઓની આવી દુર્દશા જોઈને પછી ભક્તો ભવિષ્યમાં જાગ્રત બની જતા.

ગૌરી મા શ્રીમાને ભગવતી માનીને તેમની પૂજા કરતાં અને અનેક પ્રકારની ભેટ લઈને એમની પાસે આવતાં. તેમજ ઘણા સમય સુધી શ્રીમાના મુખની વાણી સાંભળતાં. શ્રીમાના પ્રત્યેક ઉપદેશને તેઓ આદેશના રૂપે સ્વીકારતાં હતાં. એમને શ્રીમા માટે જે પ્રકારનું દેવી જ્ઞાન હતું, તેવું જ બીજા લોકો પણ માને એ બાબતમાં તેઓ હંમેશાં પ્રયત્ન કરતાં રહેતાં. વિષ્ણુપુર સ્ટેશને દર્શન માટે આવેલા પશ્ચિમ પ્રદેશના કુલીઓને એમણે કહ્યું હતું કે શ્રીમા સાક્ષાત્ જાનકીમાઈ છે અને તે લોકો પણ સરળ વિશ્વાસથી પ્રણામ કરીને વિદાય લેતી વખતે ‘જાનકીમાઈની જય’ પોકારીને પછી ત્યાંથી ચાલ્યા ગયા. ગૌરી મા ઘણીવાર જયરામવાટી ગયાં હતાં. શ્રીમાના કુટુંબીજનો પ્રત્યે તેઓ ખાસ સ્નેહભાવ રાખતાં. કોઈ દીક્ષા લેવા આવતું તો તેઓ તેને શ્રીમા પાસે મોકલી દેતાં. શ્રીમા પણ એમના પ્રત્યે પ્રસન્ન હતાં અને કહેતાં : ગૌરદાસીની આશ્રમની બત્તીને જે વધારી દેશે તેનો વૈકુંઠવાસ નિશ્ચિત છે.’

ગૌરી માની કાર્યદક્ષતાના ઉદાહરણ રૂપે એક પ્રસંગનો ઉલ્લેખ જ મોટેભાગે પૂરતો થઈ રહેશે. એક દિવસ શારદેશ્વરી આશ્રમ માટે ધન એકઠું કરવા નીકળતાં પહેલાં સર મન્મથનાથ મુખોપાધ્યાય શ્રીયુત યતીન્દ્રનાથ બસુના ઘરે આવ્યા. ત્યારે વાતચીતના પ્રસંગમાં યતીન્દ્રનાથે એમને કહ્યું : ‘માતાજીએ સ્ત્રી થઈને જેમ કામ કર્યું છે, તે જોઈને આશ્ચર્ય પમાય છે. એમણે જ્યારે મને જમીન ખરીદવાની વાત કરી ત્યારે તો મને વિશ્વાસ જ નહોતો બેસતો કે અંતે આવડો મોટો આશ્રમ થશે !’ એ વાત પર વધુ ભાર મૂકતાં મન્મથનાથે કહ્યું હતું : ‘એક સ્ત્રીની વાત આપ શું કહો છો? મહાશય, કેટલા પુરુષો એકલે હાથે આવડું મોટું કામ કરી શકે છે ?’ યાદ રાખવું પડશે કે જે સમયે એમની કાર્યદક્ષતાથી બંગાળી સમાજ આશ્ચર્યચક્તિ થઈ રહ્યો હતો, એ જ સમયે બંગાળી સ્ત્રીઓ ‘પુર મહિલા’, ‘અંત:પુરચારિણી’, ‘અબલા’ વગેરે શબ્દોથી સંબોધાતી હતી.

હવે જીવનનું અંતિમ પ્રકરણ છે. ઉંમર વધવાની સાથે ગૌરી માનું સ્વાસ્થ્ય તૂટતું જતું હતું. અશક્તિ વધવા લાગી હતી. ડોકટરોએ સલાહ આપી કે એમને કોઈ આરોગ્યપ્રદ સ્થળે લઈ જવાં જરૂરી છે. પરંતુ ગિરિડિહ વગેરે સ્થળે જવા તેઓ ઇચ્છતાં નહોતાં. કહેતાં હતાં : ‘આ વૃદ્ધાવસ્થામાં તીર્થસ્થાન સિવાય કોઈ ગંગા વગરના સ્થળે હું નહીં જાઉં.’ એ કારણે એમને વૈદ્યનાથ અને નવદ્વીપ લઈ જવામાં આવ્યાં. પછી કોલકાતા પાછાં આવ્યાં ત્યારે શરીરમાં એટલી અશક્તિ આવી ગઈ હતી કે તેઓ પોતાના ઓરડાની બહાર પણ જઈ શકતાં નહોતાં. આ સ્થિતિમાં તેઓ ડોકટરની દવા લેતાં ન હતાં. પણ વૈદ્યની દવા કયારેક લેતાં હતાં. પરંતુ સદ્‍ભાગ્યની વાત એ છે કે વૃદ્ધાવસ્થાની વધતી જતી નબળાઈ સિવાય છેવટ સુધી એમને કોઈ જ રોગ ન હતો. એ સમયે પણ દીક્ષિત ભક્તો પ્રત્યેની કૃપાથી એમનું માતૃહૃદય રડી પડતું હતું. પુરુષ ભક્તો ઉપર જઈને એમનાં દર્શન કરી શકતા નહીં. આથી તેઓ કોઈની મનાઈ ન ગણકારતાં કોઈ બીજાની મદદ લઈને કયારેક કયારેક નીચે આવીને એમને દર્શન આપતાં હતાં. જીવનના અંતિમ થોડા દિવસો ભાવરજ્યમાં સદા દામોદરની સાથે જ પસાર થયા હતા. કયારેક તેઓ એમની સાથે વાત કરતાં કયારેક ફૂલ ચઢાવતાં, કયારેક ભાવના આવેશથી એમના ચહેરા ઉપર દિવ્યતા ખીલી ઊઠતી. ઈ.સ. ૧૯૩૭ના ફાગણ માસની શિવ ચૌદસના દિવસે એમણે જણાવી દીધું : ‘ઠાકુર દોરી ખેંચી રહ્યા છે.’ એ ખેંચાણથી તેઓ એક દિવસ દક્ષિણેશ્વરમાં આવ્યાં અને આ વખતનું ખેંચાણ એ એમની સાથે નિત્યમિલનનો પૂર્વાભાસ છે એ બધા લોકો સમજી ગયા હતા. ત્રીજા પહોરે એમણે કહ્યું : ‘મને સારી રીતે સજાવી દો.’ સજાવવાનું કામ પૂરું થતાં એમણે કહ્યું : ‘હું કેવી સુંદર લાગું છું ! જુઓ, મારા માટે રથ આવી રહ્યો છે.’

અંતિમ રાત્રે તેમણે દામોદરને મંગાવ્યા. તેઓ તેમને અપલક જોતાં રહ્યાં. પછી થોડો સમય છાતી સરસા ચાંપ્યા. પછી બ્રાહ્મમુહૂર્તે દામોદરનો ભાર બીજાને સોંપીને ગૌરી મા મુક્ત થઈ ગયાં. બીજા દિવસે મંગળવાર સારી રીતે પસાર થઈ ગયો. આશ્રમ નિવાસિનીઓ એથી આશ્વસ્ત બની. પરંતુ રાતના સમયે મંદિરના ભોગ-રાગ વગેરે પૂરાં થયા પછી આશ્રમ નિવાસિનીઓના મનમાં ધીરે ધીરે શાંતિ ઊતરી આવી ત્યારે રાતના આઠ ને પંદર મિનિટે ગૌરી મા ચિરશાંતિમાં નિમગ્ન થઈ ગયાં.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda