Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

ગોલાપ મા

શોક એટલે સુધી કે હૃદયવિદારક શોક બધાનાં જીવનમાં આવે છે. પરંતુ જે શોક દુ:ખીજનોને સાધુસંગની પ્રાપ્તિ કરાવી આપે છે તથા ભગવદ્‍ભક્તિનો આસ્વાદ કરાવી આપે છે તે ઉત્તમ અધિકારીના આધ્યાત્મિક માધુર્યનો દ્યોતક છે. ‘શોકાતુર બ્રાહ્મણી’ના આ કલ્પિત નામથી જ ‘કથામૃત’ ગ્રંથમાં ગોલાપ માનો પરિચય આપવામાં આવ્યો છે. પરંતુ ધ્યાનપૂર્વક આ પવિત્ર જીવનકથાનું અવલોકન કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે અમૂલ્ય આધ્યાત્મિક સંપત્તિથી વિભૂષિત એક મહાન મહિલાની સામે ઉપસ્થિત થયા છીએ.

કુળવાન બ્રાહ્મણવંશમાં પરણેલાં શ્રીમતી ગોલાપસુંદરીની આર્થિક સ્થિતિ સારી ન હતી. એક પુત્ર અને એક પુત્રી ચંડીને છોડીને એમના પતિ અકાળે અવસાન પામ્યા હતા, જેથી આ સ્ત્રી અત્યંત દુ:ખી થઈ ગઈ. પુત્રે પણ કાળની ગર્તામાં સમાઈને બ્રાહ્મણીને વધારે દુ:ખમાં ડૂબાડી દીધી. એ પછી પુત્રીની પરણવાલાયક ઉંમર થતાં, એના જીવનને સુખમય બનાવવા માટે કુળમર્યાદા પ્રત્યે ધ્યાન ન આપતાં કોલકાતાના પાથુરિયા ઘાટના લોકપ્રસિદ્ધ ઠાકુર વંશના વિખ્યાત સંગીતપ્રિય સુરેન્દ્રમોહન ઠાકુરને પરણાવી. પુત્રી સુંદર અને ગુણસંપન્ન હતી. પરંતુ ભાગ્યને કોણ પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવી શકે છે ? આથી ગોલાપ માની બધી જ આકાંક્ષાઓને ધૂળમાં મેળવીને એ કન્યારત્ન પણ અકાળે ખરી પડયું. પુત્રીની ચિરવિદાયથી શોકાતુર બ્રાહ્મણીના જીવનમાં સર્વત્ર અંધકાર છવાઈ ગયો.

ગોલાપ મા પાસેની શેરીમાં રહેતાં શ્રીરામકૃષ્ણ પદાશ્રિત શ્રીમતી યોગીન માને પહેલેથી જ ઓળખતાં હતાં. આવા શોકમાં શાંતિ ફક્ત દક્ષિણેશ્વરમાંથી જ મળી શકશે એ વિશ્વાસથી એક દિવસ યોગીન મા એમને લઈને શ્રીરામકૃષ્ણના ચરણોમાં આવી પહોંચ્યાં. યોગીન માની આશા સફળ થઈ - ઠાકુરની દિવ્યવાણી સાંભળીને ગોલાપ માનો શોક ઘટવા લાગ્યો. એક દિવસની વાત છે - એ દિવસે (૧૮૮૫, ૧૩મી જૂન) શનિવાર ત્રીજા પહોરે શ્રીરામકૃષ્ણના ઓરડામાં અનેક ભક્તો હાજર હતા. શોકાતુર બ્રાહ્મણી ઉત્તર તરફના દરવાજા બાજુ ઊભી રહીને ઉપેદેશામૃતનું પાન કરી રહી હતી. ઠાકુર પોતાના બાળપણના સાથી શ્રીરામ મલ્લિકના ભત્રીજાના મૃત્યુને કારણે શ્રીરામ મલ્લિકના શોકની વાતનો ઉલ્લેખ કરી કહેવા લાગ્યા : ‘જન્મ અને  મૃત્યુ એ બધું જાદુગરની ઈંદ્રજાળ છે, જેમ અત્યારે છે તો પછી નથી. ઈશ્વર જ સત્ય છે. બીજું બધું અનિત્ય છે... એમના પર ભક્તિ કેવી રીતે થાય, એમને કેવી રીતે મેળવી શકાય એનો પ્રયત્ન કરો... શોક કરવાથી શું વળે ?’ શોકાતુર બ્રાહ્મણીને આ વાતો પ્રત્યક્ષરૂપે ન કહેવા છતાં પણ એણે એનો ભાવાર્થ ગ્રહણ કરી લીધો હતો. પરંતુ શ્રીરામકૃષ્ણ જો આવો ઉપદેશ આપીને જ અટકી ગયા હોત તો તેઓ બ્રાહ્મણીના કાનમાં પ્રવેશ્યા હોવા છતાં પણ તેના અંતરમાં પહોંચ્યા હોત કે કેમ એમાં સંદેહ છે. તેણે કદાચ વિચાર્યું હોત કે બાળપણથી ગૃહસ્થના સંપર્કથી વંચિત રહેતા મહાપુરુષના મુખમાં આવી વૈરાગ્યની વાણી શોભાસ્પદ હોવા છતાં પણ મારા જેવી શોકસંતપ્ત સંસારીને માટે તો તે આકાશમાંનો ચંદ્રમા પ્રાપ્ત કરવાની કલ્પના જેવી જ છે ! પરંતુ ઘટના બીજા રૂપમાં પ્રગટ થઈ. ઉપદેશની સાથે માનવ સુલભ હૃદયનો વિકાસ થયેલો જોઈને એ દિવસે બ્રાહ્મણી એકદમ મુગ્ધ થઈ ગઈ. શ્રીરામકૃષ્ણે મૌન ધારણ કરતાં, વેદનાપૂર્ણ નીરવતાનો ભંગ કરતાં શોકાર્ત બ્રાહ્મણીએ કહ્યું : ‘તો હું જાઉં ?’ તુરત જ દક્ષિણેશ્વરના મહાપુરુષે સ્નેહથી કહ્યું : ‘તમે અત્યારે જશો ? તાપ ઘણો છે. કેમ ? આ લોકોની સાથે ગાડીમાં જજો.’ એ દિવસે જેઠની સંક્રાંતિ હતી અને બપોરના ત્રણ વાગી ચૂક્યા હતા.

એક બીજા દિવસની વાત છે. (૧૮૮૫ ઈ.સ. ૨૮ જુલાઈ) ભક્તવાંછા કલ્પતરુ શ્રીરામકૃષ્ણ એ દિવસે શ્રીયુત નંદબસુ મહાશયના ઘરે થઈને એ બ્રાહ્મણીના ઘરે પધારવાના હતા. એ કારણે બ્રાહ્મણી આખો દિવસ એમના સ્વાગત માટે તૈયારી કરતી હતી. સમય પર સમાચાર આવ્યા કે ઠાકુર નંદબાબુના ઘરે આવ્યા છે. સાંભળીને બ્રાહ્મણી વ્યાકુળ ચિત્તે ઘરમાં અને બહાર આંટાફેરા કરવા લાગી, જાણે તેઓ હમણાં આવી પહોંચશે. પછી મોડું થયેલું જોઇને એમનું હૃદય કંપવા લાગ્યું. હવે કદાચ તેઓ નહીં આવે. તે મકાન જૂનું હતું. અગાશી ઉપર બેસવાનું સ્થાન રાખવામાં આવ્યું હતું. ત્યાં સ્ત્રી-પુરુષો, બાળકો આતુરતાપૂર્વક તેમની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. બ્રાહ્મણીની બે બહેનો પણ વિધવા હતી. એક જ મકાનમાં એમના ભાઇઓ પણ સપરિવાર રહેતા હતા. બ્રાહ્મણી વિલંબ ન સહી શકવાથી તે નંદબસુના ઘરે સમાચાર લેવા ગઇ. પરંતુ આ બાજુ શ્રીરામકૃષ્ણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ ભક્તોની સાથે હસતાં હસતાં અગાશી પણ બિરાજ્યા. બ્રાહ્મણીને પાછાં આવતાં મોડું થયેલું જોઇને એની એક બહેન ગભરાવા લાગી. થોડીવાર પછી બ્રાહ્મણી પાછી આવી ને ઠાકુરને પ્રણામ કર્યા. શું બોલવું ને શું કરવું, કેવી રીતે હૃદયનો ભાવ વ્યક્ત કરવો એ કંઇ નક્કી કરી શકી નહીં. પછી બ્રાહ્મણી અધીર થઇને બોલી ઊઠી : ‘અરે જુઓ, હું તો આનંદથી અધીર બની ગઇ છું. અરે, મારી પુત્રી ચંડી જ્યારે સિપાહી સંત્રીઓને સાથે લઇને આવી હતી ત્યારેય મને આટલો આનંદ થયો ન હતો હોં ! અરે, મારી ચંડીના મરવાનો શોક હવે મને જરાય નથી ! હું વિચારતી હતી કે હવે મોડું થયું છે ને તેઓ જ્યારે આવ્યા નહીં તો બધી તૈયારી કરી છે, એ વસ્તુઓને ગંગામાં ફેંકી દઇશ.અને હવે પછી એમની (ઠાકુરની )સાથે બોલીશ જ નહીં. એ જ્યાં જશે ત્યાં એકવાર જઇને દૂરથી દર્શન કરીને પાછી ચાલી આવીશ. હવે જાઉં. સૌને બતાવું કે મારા ઘરે ચાલો ને મારો આનંદ જોઇ જાઓ. અરે, લોટરીમાં એક રૂપિયો ભરીને મજૂર એક લાખ રૂપિયા મેળવી ગયો, પણ જેવું તેણે સાંભળ્યું કે તેને એક લાખ રૂપિયા મળ્યા છે તેવો જ તેના આનંદથી એ મરી ગયો. ખરેખર મરી ગયો. તમે લોકો બતાવો, અત્યારે આ મને શું થઇ ગયું છે ! તમે બધા આશીર્વાદ આપો, નહીંતર હું ખરેખર મરી જઇશ !’ (કથામૃત,ભાગ-૨)

બ્રાહ્મણીના અપૂર્વ ભાવોને જોઇને એક ભક્તે એમની રજ લીધી. બ્રાહ્મણીએ પણ એમને પ્રણામ કર્યા. આનંદનો એવો ભાવ ચાલી રહ્યો હતો ત્યારે બ્રાહ્મણીની બહેન એમને બોલાવવા આવી. કહ્યું : ‘દીદી, ચાલોને, તમે અહીં ઊભાં રહેશો તો કામ કેમ થશે ? નીચે આવો, અમે એકલાં શું બધું કરી શકીએ ?’ બ્રાહ્મણી આનંદથી વિભોર બનીને, પોતાને અને જગતને ભૂલીને ઠાકુર અને ભક્તો જોઇ રહી હતી. તે વિહ્વળ ભાવ ઓછો થતાં બ્રાહ્મણી અત્યંત ભક્તિભાવપૂર્વક ઠાકુરને બીજા ઓરડામાં લઇ ગઇ અને મીઠાઇ- ખીર વગેરે એમને ધર્યાં. ભક્તો પણ અગાસીમાં બેસીને મીઠાઇ ખાવા લાગ્યા. રાતના આઠ વાગે ઠાકુર વિદાય લઇને ચાલવા લાગ્યા ત્યારે બ્રાહ્મણીએ ઘરનાં બધાંને બોલાવીને એમનો ચરણસ્પર્શ કરાવી દીધો. ઠાકુર ત્યાંથી ગનુની માના ઘરે ગયા. બ્રાહ્મણી પણ સાથે સાથે ગઇ. ત્યાં થોડું જલપાન કરીને ઠાકુર બલરામના ઘરે આવ્યા. બ્રાહ્મણી પણ એમની સાથે ત્યાં આવી. અંતે બધા લોકો જતા રહ્યા પછી બ્રાહ્મણીની વાતનો ઉલ્લેખ કરીને શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું : ‘અહા, આ લોકોનો કેવો આનંદ ?’ માસ્ટર મહાશય પણ તુરત બોલી ઊઠ્યા : ‘કેટલા આશ્ચર્યની વાત છે ! ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ બરાબર આ પ્રમાણે જ થયું હતું. તેઓ પણ બે બહેનો હતી. મેરી અને માર્થા.’ શ્રીરામકૃષ્ણ એમની વાત સાંભળવા માટે ઉત્સુક બન્યા. માસ્ટર મહાશયે પણ બાઇબલના આધારે એ બંનેની અદ્‍ભુત વાર્તા સંભળાવી. ઈસુ ખ્રિસ્ત જ્યારે એ બંને બહેનોના ઘરે પહોંચ્યા ત્યારે એક બહેન આનંદથી પરિપૂર્ણ થઇને એમનાં ચરણોની પાસે બેઠી રહી. બીજી બહેન પ્રભુના ભોજનની તૈયારી કરતી હતી. તેણે કામ કરતાં કરતાં પ્રભુની પાસે આવીને કહ્યું : ‘પ્રભુ ! જુઓને, બહેન અહીં એકલી બેઠી છે અને મારે એકલીએ બધાં કામ કરવાં પડે છે.’ ત્યારે ઈસુ ખ્રિસ્તે ઉત્તર આપ્યો, ‘માર્થા, માર્થા, તું સેંકડો ચિંતાઓ અને ઝંઝટોમાં અટવાયેલી છો. પરંતુ તારા જીવનમાં એક વસ્તુની ખામી છે. મેરીએ એ પરમશ્રેયને પ્રાપ્ત કરી લીધું છે, જે એને ક્યારેય ખોવું નહીં પડે.’ (લૂક,૧૦ ૩૮-૪૨)

આ વ્યથિત અને ભગવદેકશરણ હૃદયમાં ઠાકુરે વિભિન્ન ભાવોથી શાંતિજળનું સિંચન કર્યું હતું. શ્રી શ્રીમાને તેમણે કહી દીધું હતું : ‘તમે આને ખૂબ ભરપેટ જમાડજો, પેટમાં અન્ન પડવાથી શોક ઘટી જશે.’ ‘તમે આ બ્રાહ્મણી છોકરીને પ્રસન્ન કરતાં રહો, એ દરેક વખતે તમારી સાથે રહેશે.’ પછી ગોલાપ માને એમણે શ્રીમાની બાબતમાં કહ્યું હતું : ‘તે શારદા અને સરસ્વતી છે. જ્ઞાન આપવા માટે આવ્યાં છે. સ્વરૂપ રહેવાથી કયારેક લોકો અશુદ્ધ મનથી જોતા રહે તો લોકોનું અકલ્યાણ થશે, આ કારણે આ વખતે રૂપ છુપાવીને આવ્યાં છે.’ આ કારણે શરૂઆતથી જ ગોલાપ મા ઘણીવાર શ્રીમાની સાથે નોબતમાં રહેતાં હતાં અને ઠાકુરના સ્નેહાશીર્વાદની સાથે માના સ્નેહસ્પર્શથી પણ ધન્ય બન્યાં હતાં. નોબતમાં રહેતાં હતાં ત્યારે ગોલાપ માને ઠાકુરની સાથે લાંબો સમય વાર્તાલાપ કરવાનો મોકો મળતો. શ્રીમા પણ ઠાકુરનો પાવન સંગ મળે એ હેતુથી કયારેક કયારેક ઠાકુરના ભોજનની વસ્તુઓ ગોલાપ મા દ્વારા મોકલાવી દેતાં. એક દિવસ ગોલાપ મા ઠાકુરની ભોજનની થાળી સામે બેસીને ઠાકુરની ભોજનવિધિ જોવા લાગ્યાં. એટલામાં એમણે જોયું : ‘જેવા ઠાકુર એક કોળિયો મોઢામાં મૂકતા હતા એ વખતે અંદરથી જાણે કોઈ સાપની જેમ નીકળીને એ કોળિયો ગળતો જાય છે. જોઈને બ્રાહ્મણી હસી પડયાં. ઠાકુરે પૂછ્યું : ‘કેમ રે, બતાવો તો. હું ખાઉં છું કે કોઈ બીજું ?’ ગોલાપ માએ જેવું જોયું હતું તેવું વર્ણન કર્યું. ઠાકુરે પ્રસન્ન થઈ કહ્યું : ‘તમે સાચું કહ્યું છે. તમે બરાબર જોયું છે. તમે સમજી શકયાં છો.’ એટલું કહીને તેઓ ગોલાપ માની પ્રશંસા કરવા લાગ્યા. એ પ્રસંગનું વર્ણન કરતાં એક વખત ગોલાપ માએ કહ્યું હતું : ‘લોકો કહે છે સર્પના જેવી કુંડલિની આહુતિ ગ્રહણ કરે છે. મેં તેને જોઈ હતી.’

શ્રીરામકૃષ્ણના દર્દની સારવાર કરવા શિષ્યો તેમને શ્યામપુકુર લાવ્યા. એમના તથા સેવકોના ભોજન વગેરેની બાબતમાં ગોલાપ મા મદદ કરતાં હતાં. પછીથી શ્રીમાતાજીએ આવીને રસોઈ વગેરેની જવાબદારી ઉપાડી લીધી ત્યારે ગોલાપ મા એમને પણ મદદ કરતાં હતાં. કાશીપુરમાં પણ તેઓ શ્રીમાને મદદ કરતાં હતાં. શ્યામપુકુરમાં તેમણે ઠાકુરની સેવાને જ પોતાના જીવનના મુખ્ય કર્તવ્ય તરીકે સ્વીકારી હતી એથી કોઈપણ જાતના અપમાનથી તેઓ વિચલિત થતાં નહીં. એ વખતે કોઈ કોઈ પોતાના સ્વભાવના દોષથી અદોષદર્શી ઠાકુર પાસે ગોલાપ મા વિરુદ્ધ ફરિયાદ કરતા હતા. ઠાકુર એ સાંભળીને ન સાંભળ્યું કરી દેતા. પરંતુ ગોલાપ મા બધું સ્વપ્નમાં જાણી જતાં હતાં. એમણે કહ્યું હતું : ‘ખૂબ જ આશ્ચર્યની વાત છે, કે એ વખતે મારી વિરુદ્ધ કોઈ વાત કોઈએ ઠાકુરને કરી હોય તો હું એ સ્વપ્નમાં જાણી જતી. ઠાકુર મને બધું બતાવી દેતા હતા. કે ‘અરે, તમારા વિરુદ્ધ આવી આવી વાતો કહેવામાં આવી છે. તમે કહો છો કે અમુક સ્ત્રી તમને ખૂબ જ ચાહે છે, એણે પણ આવી આવી વાતો કહી છે.’ રાતભર હું ઠાકુરને સ્વપ્નમાં જોતી.’ આ વાતો જાણીને પણ એમનું મન નિર્વિકાર રહેતું હતું. ખરેખર આ પ્રકારની સહનશીલતા હંમેશાં એમનામાં જોવા મળતી હતી. પછી ઉત્તરાવસ્થામાં વૃદ્ધ ઉંમરે એમને ઘણી નાની ઉંમરના સાધુઓની દેખભાળ કરવી પડતી ત્યારે એમના કઠોર શાસનના વિરોધમાં એ લોકો કયારેક કડવી વાત પણ બોલી નાંખતા જેથી ગોલાપ માને એકાંતમાં રડવું પડતું. તો પણ તેઓ એ બધું મનમાંથી કાઢીને ફેંકી દેતાં અને ફરીથી બધાંની સાથે માતાની જેમ વ્યવહાર કરવા લાગતાં.

એમનામાં બીજો પણ એક સદ્‍ગુણ હતો - તેઓ પોતાના દોષનો સ્વીકાર કરી લેતાં હતાં. શ્રીમાએ શરીર છોડયા બાદ એક દિવસ સવારે ચા પિવડાવતી વખતે નાની ઉંમરના સાધુઓને એમણે કહ્યું : "માએ કાલે દર્શન આપીને કહ્યું, ‘તું આ લોકોને ધમકાવતી નહીં.’ આ મીઠાઈ તમે લોકો ખાઓ. સાધુઓ ગોલાપ માના અનુશાસનને નાની-દાદીમાના જેવું માનતા હતા એથી એ દિવસે સ્નેહપૂર્ણ થઈને દુ:ખ પ્રગટ કરવાના તેમના ઉત્તરમાં સાધુઓએ જણાવ્યું : ‘ગોલાપ મા, જો રોજ આ રીતે મીઠાઈ ખવડાવ્યા કરો તો આપ જેટલું ઇચ્છો એટલું અમને ભલે ધમકાવો એમાં કોઈ વાંધો નથી, એમાં અમારું કાંઈ બગડતું નથી.’

પરંતુ ગોલાપ મામાં એક વિશેષ તત્ત્વ હતું અને તે એમનું સ્પષ્ટવક્તાપણું જે ભોગી લોકોને દોષરૂપે દેખાતું. એમની સત્યવાદિતાથી ગભરાઈને શ્રીમા કયારેક કહેતાં : ‘ગોલાપ, તને આ શું થઈ ગયું છે ? અપ્રિયવચન સત્ય હોય તો પણ કયારેય ન કહેવું જોઈએ.’ મા કહેતાં હતાં, ‘ગોલાપનો સંકોચ સત્યવાત કહેતાં કહેતાં છૂટી ગયો છે.’ આવી સત્ય વાતનો આદર ફક્ત પોતાનાં પ્રિય જનોમાં જ થતો હતો. બીજા લોકો શા માટે એ સહન કરે ? આ કારણે સાચી વાત કહેવાથી લોકો એમને અપ્રિય જ માનતા હતા.

પરંતુ શ્રીઠાકુર અને શ્રીમાની વાત જુદી છે. એકવાર ઠાકુર શ્રીમાને દક્ષિણેશ્વરમાં રાખીને શ્યામપુકુર ચાલ્યા ગયા હતા. એ સમયે ગોલાપ મા બીજા લોકોના અનુમાન ઉપર વિશ્વાસ રાખીને કહેવા લાગ્યા, કે ઠાકુર શ્રીમા ઉપર ગુસ્સે થઈને ચાલ્યા ગયા છે. એમની પાસેથી આવી ખોટી વાત સાંભળીને શ્રીમા તુરત જ શ્યામપુકુર પહોંચી ગયાં. ઠાકુરે બધી વાતો સાંભળીને શ્રીમાને આવી કાલ્પનિક વાતો ઉપર ધ્યાન ન આપવાનું કહીને એમને સાંત્વના આપી અને તેમને ફરી દક્ષિણેશ્વર મોકલી આપ્યાં. ગોલાપ મા ફરી આવ્યાં ત્યારે ઠાકુરે એમને ધમકાવીને શ્રીમાની પાસે ક્ષમા માગવા માટે કહી દીધું. એ પ્રમાણે ગોલાપ માએ શ્રીમાની ક્ષમા માગી ત્યારે શ્રીમા ‘મારી ગોલાપ’ કહીને એમની પીઠ થપથપાવતાં હસીને વાત કહેવા લાગ્યાં. આથી ગોલાપ માનું દુ:ખ પણ દૂર થઈ ગયું.

આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે માતાજી તથા ગોલાપ મા વચ્ચેનો સંબંધ કંઈ બાહ્ય વ્યવહાર ઉપર નિર્ભર ન હતો. દૈવયોગે જ આ લોકો પરસ્પર મળ્યાં હતાં એ વાત સાથે ગોલાપ માના હૃદયથી શ્રીમાની સેવાની વાત વિચારતાં એ વાતનો મર્મ સમજી શકાય છે. ઠાકુર દિવંગત થઈ ગયા બાદ શ્રીમા જ્યારે ખૂબ જ મુશ્કેલીથી કામારપુકુરમાં અત્યંત ગરીબીમાં દિવસો પસાર કરતાં હતાં ત્યારે લોકોના મુખેથી એ સમાચાર સાંભળીને ગોલાપ માએ આગળ આવીને ભક્તોની સહાયથી એમને કોલકાતા લાવવાનો પ્રબંધ કર્યો હતો અને એ સમયથી લગભગ હંમેશાં તેઓ તેમની સાથે જ રહેતાં હતાં. શ્રીમાનાં તીર્થદર્શનમાં કે કોલકાતામાં ગોલાપ મા હંમેશાં એમની પાછળ પાછળ છાયાની જેમ ફરતાં હતાં. એટલે સુધી કે જયરામવાટીમાં પણ તેઓ અનેકવાર તેમની સાથે રહ્યાં હતાં. આવા સમયે ગોલાપ મા આનંદથી એમના સુખ દુ:ખના સાથીદાર તરીકે રહ્યાં હતાં. પછીથી અનેક ભક્તોનું આવાગમન શરૂ થતાં તેઓ માના એ વિશાળ પરિવારમાં ખરા અર્થમાં ગૃહિણી બની ગયાં હતાં. પ્રમાણ ભાન વગરના ભાવુક ભક્તોના નિરર્થક અભિયોગથી સ્પષ્ટ વક્તા ગોલાપ મા જ શ્રીમાનું રક્ષણ કરતાં હતાં. એક વખત એક ભક્ત આવ્યો. તે ખૂબ જ ધૂપ દીવો પ્રકટાવીને, મુદ્રા, પ્રાણાયામ વગેરે કરીને શ્રીમાની પૂજા કરવા લાગ્યો. ખૂબ ધૂમાડાથી કષ્ટ થતું હોવા છતાંય માએ કંઈ જ કહ્યું નહીં. બરાબર એ વખતે જ ગોલાપ મા ત્યાં આવી પહોંચ્યાં અને ખરી વસ્તુ સ્થિતિ જાણી. તુરત જ દૃઢ સ્વરે બોલી ઊઠયાં : ‘શું તમે બધા શ્રીમાને લાકડા-પથ્થરના ઠાકુર સમજો છો ?’ આટલું કહીને એ ભક્તને એમણે દૂર હટાવી દીધો. ગોલાપ માની સેવા અને પ્રેમપૂર્ણ દૃઢતા શ્રીમાને અન્ય ક્ષેત્રોમાં પણ બચાવી લેતી હતી. તેઓ વિવિધ ભાવે એમની સહાયતા કરતાં હતાં. આથી શ્રીમાને ક્યાંય પણ જવાનું હોય તો તેઓ ગોલાપ માને સાથે લઈ જતાં. તેઓ કહેતાં કે ‘ગોલાપ ન હોય તો શું હું કયાંય જઈ શકું ? એ સાથે હોવાથી મને ભરોસો રહે છે.’ આ ફક્ત માર્મિક સંબંધ ન હતો. મા પોતાના મુખેથી જ કહ્યા કરતાં : ‘આ ગોલાપ અને યોગેને અનેક જપ-ધ્યાન કર્યાં છે. ગોલાપ જપમાં સિદ્ધ છે.’ ‘જે જેનું છે, તે તેનું જ રહે છે અને યુગ યુગમાં તે તેની સાથે આવીને મળે છે.’

શ્રીમાની સાથે ગોલાપ મા વૃંદાવન, પુરી, કોઠાર, કૈલવાર, કાશી, રામેશ્વર વગેરે અનેક તીર્થસ્થાનોમાં ગયાં હતાં અને થોડા દિવસો સુધી એ તીર્થોમાં રોકાઈ પણ જતાં. તેઓ કોલકાતામાં અને બેલુરમાં ભાડાનાં મકાનોમાં પણ શ્રીમાની સાથે રહેતાં હતાં. આખરે બાગબજારમાં શ્રીમા માટે કાયમી મકાન બની જતાં ગોલાપ માનું શેષ જીવન ત્યાં જ પસાર થયું હતું.  તેઓ ક્યાંય પણ કેમ રહેતાં ન હોય, મા અને ભક્તોના ભોજન વગેરેની વ્યવસ્થા કરવી જ એમનું મુખ્ય કાર્ય હતું. વૃદ્ધભક્તોના પ્રણામ કરતી વખતે મા ઘૂંઘટ કાઢીને ધીમા સ્વરે જે કુશળ પ્રશ્ન કે આશીર્વાદ વાકયનું ઉચ્ચારણ કરતાં એનું મોટેથી ઉચ્ચારણ કરી ગોલાપ મા તે તે વ્યક્તિને સંભળાવતાં. આવતી જતી વખતે કેટલીય વાર જોવામાં આવતું કે મા ગોલાપ માનો હાથ પકડીને ગાડીમાંથી ઊતરી રહ્યાં છે કે નવી વહુની જેમ ગોલાપ માનો પાલવ પકડીને ચાલી રહ્યાં છે.

ગોલાપ માનું વ્યક્તિગત જીવન તપસ્યાપૂર્ણ અને કર્મપ્રધાન હતું. બાગબજારમાં માના ઘરમાં રહેતાં હતાં ત્યારે જોવામાં આવતું કે તેઓ રાતના ચાર વાગ્યા પહેલાં ઊઠીને સ્નાન કરીને પોતાના ઓરડામાં જપ કરવા બેસી ગયાં છે. લગભગ ત્રણ કલાક આ રીતે જપ કરતાં. પછી ઠાકુરના ઓરડામાં જઈ તેમને અને શ્રીમાને પ્રણામ કરીને નીચે ઊતરી આવતાં. પછી રોજની રસોઈ માટે ચીજવસ્તુઓ ભંડારમાંથી કાઢીને શાક સમારવા બેસતાં. આટલાં કામ પૂરાં કરીને તેઓ શ્રીમાને ગંગાસ્નાન માટે લઈ જતાં. સ્નાનના અંતે પૂજા માટે ઘડો ભરીને ગંગાજળ લઈ લેતાં અને ઠાકુરના મંદિરમાં એ ઘડો મૂકતાં. પછી શાક સમારવા લાગી જતાં. પછી પાન બનાવતાં. એ દિવસોમાં એ મકાનમાં પાનની જરૂર ઘણી પડતી હતી. એથી ગોલાપ માને આ કામમાં ઘણો સમય આપવો પડતો. ઠાકુરની નિત્યપૂજા થઈ જતાં તેઓ બધાંને પ્રસાદ વહેંચતાં. બપોરે ભોજન પછી થોડો આરામ કરીને ગીતા, મહાભારત કે સ્વામીજીનાં પુસ્તકો વાંચતાં અથવા રાતની રસોઈ માટે ચીજવસ્તુઓનો પ્રબંધ કરતાં કે સાધુઓનાં ફાટેલાં વસ્ત્રો, મચ્છરદાની વગેરે સાંધતાં. સંધ્યા પહેલાં તેઓ શ્રીમા સાથે ધાર્મિક બાબતો પર ચર્ચા કરતાં અને સાથે સાથે જપ પણ કરતાં. સાંજે દીપ પ્રગટાવ્યા બાદ ફરી તેઓ ઠાકુર અને શ્રીમાને પ્રણામ કરીને પોતાના ઓરડામાં બેસીને રાતના નવ વાગ્યા સુધી જપ કરતાં રહેતાં. રાતના ભોજન વખતે પણ તેમણે ધ્યાન રાખવું પડતું કે દરેકને પોતાની રુચિ મુજબની બધી વસ્તુઓ મળે છે કે નહીં. કયારેક કદાચ કોઈ કંઈ કામને લઈને સમયસર હાજર ન રહી શકયું હોય અને એ દિવસે શ્રીઠાકુરના ભોગને માટે કોઈ ખાસ વાનગી આવી હોય તો ગોલાપ મા એ ગેરહાજર રહેલ વ્યક્તિને યાદ રાખીને એના માટે ભાગ રાખી મૂકતાં.

ભક્ત અને ભગવાનની સેવા અને આરાધનામાં જીવન સોંપીને ગોલાપ મા ઘરની તમામ વસ્તુઓની દેખભાળ રાખતાં હતાં અને હિસાબ પણ રાખતાં હતાં. તેઓ અવ્યવસ્થા સહન કરી શકતાં નહીં. ઘણીવાર સાધુ, બ્રહ્મચારીઓ બેદરકારીથી જ્યાં ત્યાં મેલાં કપડાં મૂકી રાખતા, તો તેઓ તેને ધોવડાવીને યથાસ્થાને ગોઠવી દેતાં. શ્રીમાનો ઉપદેશ હતો : ‘અપવ્યય ન કરવો જોઈએ. અપવ્યયથી મહાલક્ષ્મી ક્રોધિત થાય છે.’ એ કારણે ગોલાપ મા તૂટેલાં ફૂટેલાં વાસણોને બદલાવડાવીને નવાં વાસણ મંગાવતાં હતાં. ભક્તોના ભોજન પછી થાળીમાં છાંડેલાં શાક વગેરેને લઈ જઈને બહાર ગાયોને ખવડાવી દેતાં. એટલે સુધી કે નારંગીની છાલ કે શેરડીનો ટુકડો પણ તેઓ સુકાવી રાખતાં, જેથી ચૂલો સળગાવવામાં કામ લાગે. પાન બનાવવાનું પૂરું થતાં એની દાંડલીઓ લઈ જઈને વિલાયતી ઉંદરોને આપતાં. એનું કારણ કંઈ એ જીવો ઉપરનો પ્રેમ ન હતો પણ વિલાયતી ઉંદરોને એ પાનની દાંડલીઓ ભાવતી હતી એથી એ દાંડલીઓનો પણ આ રીતે તેઓ સદુપયોગ કરતાં હતાં.

વાચક એમ ન સમજે કે આવું તો દરેક ગૃહસ્થની વૃદ્ધાઓનું કામ છે. પરંતુ ધર્મજીવનની સાધનાના સમયે આવી નાની મોટી બાબતોનો ઉલ્લેખ કેવી રીતે આવી શકે ? આ ઉત્તરમાં અમે વાચકોને એ યાદ અપાવીએ છીએ કે શ્રીરામકૃષ્ણના જીવનમાં પ્રત્યેક કાર્ય પ્રત્યે એમની તીક્ષ્ણ દૃષ્ટિ રહેતી હતી. ભક્તોની સુખ-સુવિધા પ્રત્યે પણ એમની તીવ્ર દૃષ્ટિ રહેતી. અમે એમને વિચારવા માટે પણ કહીએ છીએ કે સ્વામીજીની કેળવણીથી વર્તમાનયુગમાં સામાન્ય કર્મ પણ કેવી રીતે સેવા પૂજામાં ફેરવાઈ જાય છે. ગોલાપ મા હૃદયથી જાણતાં હતાં કે તેઓ જે કાર્ય માટે નિયુક્ત છે તે કાર્યો એમનાં પોતાનાં નથી. તે છે ઠાકુર અને શ્રીમાનાં કાર્યો. આ રીતે કોઈ કામની સાથે પોતાનો સ્વાર્થ ભળેલો ન હોઈને તે કાર્યો એમને વિમલ આનંદનાં અધિકારિણી બનાવતાં હતાં.

દાન આપવામાં તેઓ ઘણાં જ ઉદાર હતાં. એમનો દૌહિત્ર એમને દર મહિને રૂા. ૧૦/- મોકલતો હતો. તેનો અડધો ભાગ તેઓ ભોજન વગેરેને માટે શ્રીમાના હાથમાં આપતાં હતાં અને બાકી અડધો ભાગ ગરીબોમાં વહેંચી દેતાં હતાં. દીન દુ:ખી જનો જાણતાં હતાં કે ગોલાપ મા પાસે જવાથી ખાલી હાથે પાછા ફરવું નહીં પડે, મા કહીને પોકારતાં જ ઉપરથી કંઈક આવી પડશે. એક ગાંડી હતી. તે આવીને બૂમ પાડતી : ‘ગોલાપ મા, હું આવી છું.’ એના આવવાનો સમય કંઈ ચોક્કસ નહોતો. કયારેક તે રાત્રે બધા લોકો સૂઈ જાય પછી આવતી. સામેના દરવાજામાંથી ન સંભળાતાં તે પાછળ જઈને બૂમ પાડતી. સાંભળતાં જ ગોલાપમા ઊઠીને કહેતાં: ‘આટલી મોડી રાતે તને શું આપું ?’ અંતે એને કંઈ આપ્યા પછી જ જંપ વળતો. એ પછી એમણે કહ્યું : ‘ગાંડી અનાથ છે. લોકોના બારણે ભટકતી ફરે છે. સમય કે કસમય એને મુઠ્ઠી ભરીને આપવી જ પડે છે.’ એવું પણ જોવામાં આવ્યું છે કે બીજાની તંગી દૂર કરવા માટે એમને કયારેક બીજા પાસેથી ઉધાર પણ લેવું પડતું હતું. પછી બીજાને પણ તેઓ આ પ્રકારની સેવા કરવા માટે કહેતાં. કયારેક કોઈ ગરીબ પડોશીની સારવાર માટે તેઓ ડોકટર બોલાવી લાવતાં. પરંતુ અત્યંત અશકય ન બની જાય ત્યાં સુધી તેઓ કોઈનીય સેવા લેતાં ન હતાં.

સિદ્ધિના ઉચ્ચ સ્તર પર પહોંચીને વિધવા બ્રાહ્મણી ગોલાપ મા દરિદ્રતા અને ઉચ્ચાવસ્થાની સાથે સુમેળ વગરની અનેક ભેદાભેદની અવસ્થા છોડીને ઉદારભૂમિમાં પ્રતિષ્ઠિત થયાં હતાં. ઘણા દિવસોની બીમારી પછી અરુચિ દૂર કરવા શ્રીમાએ એક દિવસ પોતાના સેવકને રાંધેલું થોડું શાક લાવવા કહ્યું હતું. અબ્રાહ્મણ સેવકે શ્રીમાના આદેશથી તે છાનુંમાનું લાવી આપ્યું. ભોજન લગભગ પૂરું થવા આવ્યું એ વખતે ત્યાં ગોલાપ મા આવી પહોંચ્યાં અને એ શાક જોઈને ગર્જી ઊઠયાં : ‘શૂદ્રના હાથનું એંઠું શાક તમે કેમ ખાઓ છો ?’ માએ સમજાવી દીધું : ‘શું ભક્તની કોઈ જાતિ છે?’ બીજી જ ક્ષણે માના મુખનું એંઠું શાક પ્રસાદરૂપે ખાઈને ગોલાપ મા ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયાં.

ગોલાપ મા કયારેક કયારેક શ્રીમાએ વાપરેલું જાજરૂ સાફ કરીને બીજી જ ક્ષણે ઠાકુરના ઘરનું કામ કરવા લાગતાં હતાં. એ જોઈને માની ભત્રીજી નલિનીએ એક દિવસ માની પાસે ફરિયાદ કરી : ‘ગોલાપ દીદી જાજરૂ સાફ કરીને ફક્ત કપડાં બદલીને જ ઠાકુરના ઓરડામાં ફળ સમારવા બેસી ગયાં, મેં કહ્યું : ‘આ શું ગોલાપ દીદી ? ગંગામાં જઈને નાહી આવો.’ તો તેમણે કહ્યું : ‘તારી ઇચ્છા હોય, તો તું જાને!’ આ બધી વાતો સાંભળીને શ્રીમાએ કહ્યું : ‘ગોલાપનું મન બહુ જ શુદ્ધ છે. બહુ જ ઊંચું છે. એ કારણે એમાં પવિત્રતા-અપવિત્રતાનો વિચાર જ રહેતો નથી. બહારની શુદ્ધિની એ પરવા કરતાં નથી. આ એનો અંતિમ જન્મ છે. આવું મન મેળવવા માટે તારે તો બીજું શરીર લેવું પડશે.’ શ્રીરામકૃષ્ણ આ અવસ્થાનો નિર્દેશ કરીને રામપ્રસાદે રચેલું એક ગીત ગાયા કરતા :

ભાવાર્થ : ‘શુચિ અને અશુચિને એક સાથે લઈને રે મન, તું દિવ્ય ઘરમાં કયારે સૂઈશ ? એ બંને શોક્યમાં પ્રેમ થશે ત્યારે તું કાલીમાતાને પામીશ.’

શ્રીમા ગોલાપ માના શુદ્ધ મનના સંબંધમાં એક બીજું પણ ઉદાહરણ આપ્યા કરતાં : ‘અમે લોકો વૃંદાવનમાં માધવજીના મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. સાથમાં યોગેન વગેરે છોકરાઓ હતા. કોઈનાં બાળકો એ સ્થાનને ગંદું કરી ગયાં હતાં. બધા લોકો કપડાથી નાક દબાવીને ચાલ્યા જતા હતા. પરંતુ કોઈ તે સાફ કરવાનો પ્રયત્ન કરતું ન હતું. ગોલાપ માએ એ જોતાં જ પોતાની સાડીની કિનાર ફાડીને એ સાફ કરી દીધું. એ જોઈને બીજી સ્ત્રીઓ કહેવા લાગી : ‘આણે જ્યારે સાફ કર્યું તો પછી એના જ છોકરાએ ગંદું કર્યું હશે.’ મેં મારા મનમાં કહ્યું : ‘માધવ, જુઓ, જુઓ, આ શું કહી રહી છે ?’ કોઈ કહેવા લાગી : ‘આ સાધુ લોકો છે, આમને છોકરાં કયાંથી હોય ? આ લોકોએ લોકોની અગવડ દૂર કરવા માટે આવું કર્યું છે. મંદિરમાં ગંદકી ન રહેવી જોઈએ.’ આ કરણે ગંગાના ઘાટ પર પણ જો એવી ગંદકી દેખાય તો ગોલાપ મા જ્યાં ત્યાંથી પાંદડાં ભેગાં કરી લાવીને એ સાફ કરી લોટે લોટે પાણી નાંખીને એ જગ્યા ધોઈ નાખતાં. એથી દસ માણસોને રાહત થતી ને શાંતિ મળતી. એથી ગોલાપ માનું પણ મંગળ થતું અને લોકોની શાંતિથી એમને પણ શાંતિ મળતી. અનેક સાધના-તપસ્યાઓ કરવાથી તથા પૂર્વજન્મની તપસ્યાના ફળને લઈને આ જન્મમાં આવું શુદ્ધ મન મળે છે.’

ગોલાપ માના મનમાં અપૂર્વ ગંગાભક્તિ હતી. અત્યંત વૃદ્ધાવસ્થામાં પણ તેઓ હાથમાં લાકડી લઈને ગંગાસ્નાને જતાં. શરીર છોડવા માટે તેઓ અગાઉથી જ તૈયાર હતાં. એમણે ભક્ત સ્ત્રીઓને પહેલેથી જ કહી રાખ્યું હતું : ‘યોગેન જશે શુકલ પક્ષમાં અને હું જઈશ કૃષ્ણ પક્ષમાં.’ ઈ.સ. ૧૯૨૪ના ૧૯મી ડિસેમ્બર કૃષ્ણ પક્ષની આઠમના ત્રીજા પહોરે ૪ વાગ્યાના સમયે શ્રીમાતૃદેવીની એકનિષ્ઠા સેવિકા લગભગ ૬૦ વર્ષની ઉંમરે ઇચ્છિત લોકમાં ચાલ્યાં ગયાં.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda