Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

યોગીન મા

શ્રીમાની સ્મૃતિ સાથે યોગીન મા અને ગોલાપ માની સ્મૃતિ પૂર્ણ રીતે સંકળાયેલી છે. શ્રીમાએ એક વખત કહ્યું હતું; - ‘મારા જીવનમાં જે કાંઈ ઘટનાઓ બની હતી એ બધાંને ગોલાપ અને યોગીન સારી રીતે જાણે છે.’ બીજા કોઈ સમયે કહ્યું હતું : ‘સ્ત્રીઓમાં યોગીન જ્ઞાની છે.’ અને પૌરાણિક ચરિત્રનો ઉલ્લેખ કરીને કહ્યું હતું : ‘યોગીન મારી જાયા, સખી, સહચરી અને સાથીદાર છે.’ જગદંબાની સહચરીઓ જે પ્રમાણે જગદંબાને જાણતી હતી એ પ્રમાણે જગદંબાને પણ એમની સહચરીઓના તત્ત્વની જાણ હતી. આથી શ્રીમા મહિલા ભક્તોને કહ્યા કરતાં : ‘યોગેન, ગોલાપ આ લોકો ખૂબ ધ્યાન જપ કરતાં, એમની ચર્ચા કરવી સારી છે - એથી કલ્યાણ થાય છે.’ યોગીન મા ને શ્રીમા ‘દીકરી યોગેન’ કહેતાં. આથી કોઈ કોઈ ગ્રંથમાં યોગીન મા નામનો ઉલ્લેખ પણ મળે છે. પરંતુ અમે અહીં યોગીન મા નામ જ સ્વીકારીશું.

ઈ.સ. ૧૮૫૧ની ૧૬મી જાન્યુઆરીએ ગુરુવારે સવારે છ વાગ્યે કોલકાતાના બાગબજાર સ્ટ્રીટના ૫૯-૧ નંબરના મકાનમાં પિતાના ઘરે શ્રીમતી યોગીન્દ્ર મોહિની જન્મ્યાં હતાં. એમના પિતા શ્રીયુત પ્રસન્નકુમાર મિત્ર ધાત્રી - વિદ્યામાં પારંગત હતા. આથી ઉત્તર કોલકાતામાં એમને લોકો ‘ધાઈ-પેસન્ન’ કહેતા હતા. આ પ્રકારની ચિકિત્સામાં તેમણે ઘણી કમાણી કરી હતી. પિતાના બગીચા, આંગણું અને શિવાલયથી શોભતા વિશાળ ભવનમાં યોગીન માનું બાળપણ પસાર થયું હતું. તેઓ પિતાની બીજી પત્નીનાં પુત્રી હતાં. લાડકોડમાં ઉછરેલી પુત્રી સુખપૂર્વક જીવન જીવી શકે એ આશાથી પ્રસન્નબાબુએ પોતાની આ પુત્રીને ખડદહના પ્રસિદ્ધ અને શ્રીમંત વિશ્વાસ-વંશના પાલકપુત્ર અમ્બિકાચરણના હાથમાં સોંપી હતી. વિશ્વાસ પરિવારના પૂર્વજો શક્તિ અને દાન-ધ્યાનમાં સમગ્ર બંગાળમાં પ્રસિદ્ધ હતા. આ લોકોનાં નાણાંથી ‘પ્રાણ તોષિણી’ નામના તંત્રગ્રંથનો પ્રચાર થયો હતો. આ લોકોએ એક લાખ શાલીગ્રામ શિલા જડિત રત્નવેદીના નિર્માણની યોજના પણ ઘડી હતી. પરંતુ ૮૦ હજાર શાલીગ્રામ શિલાઓનો સંગ્રહ થયા પછી એ યોજના નિષ્ફળ ગઈ હતી. વિશ્વાસ પરિવારના કુલ દેવતા ‘વિષ્ણુ દામોદર’ હતા. પાલકપુત્ર અમ્બિકાચરણ વંશમર્યાદા કે ધનસંપત્તિનું રક્ષણ કરી શક્યા નહીં. ચરિત્રભ્રષ્ટ અને મદિરાસક્ત થઈને તેઓ ઘરબાર વગરના ભિખારી બની ગયા હતા. સતી યોગીન મા જીવનભર કોશિષ કરવા છતાં પણ કુમાર્ગે ગયેલા પતિને પાછાં વાળી ન શક્યાં. એ કારણે તેઓ પતિના અંતિમ પતન પહેલાં જ એ પાપ-સ્પર્શથી દૂર ખસીને પિતાના ઘરે આવી ગયાં હતાં. એમની સાથે એમની એકની એક પુત્રી ગનુ આવી હતી. એક પુત્ર જન્મ થયા પછી છ મહિનામાં જ મૃત્યુ પામ્યો હતો. પરંતુ આ અનપેક્ષિત પરિણામ જોવા માટે પ્રસન્નબાબુ જીવતા ન હતા. પરંતુ યોગીનમાને એમની માતાએ દૌહિત્રી સાથે પ્રેમથી અપનાવી લીધાં.

આ વિશ્વાસનો બલરામબાબુની સાથે દૂરનો સંબંધ હતો.બલરામબાબુ  યોગીન માના મામાજી સસરા હતા. આ સંબંધે યોગીન માએ શ્રીરામકૃષ્ણ મહિમા જાણ્યો હતો. એમનાં નાની પણ એક વખત દક્ષિણેશ્વર ગયાં હતાં પણ ઠાકુરનો પરિચય એમના ભાગ્યમાં ન હતો. વૃદ્ધા શ્રીરામકૃષ્ણ પાસે આવ્યાં. પણ એમનો સાધુ-સુલુભ પહેરવેશ ન જોતાં પૂછી બેઠાં : ‘પરમહંસ કયાં છે ?’ પોતાને પ્રગટ કરવાની ઇચ્છા ન હોય કે પરમહંસના અભિમાનથી પોતાને મુક્ત રાખવા માટે જ હોય ઠાકુરે ઉત્તર આપ્યો : ‘શોધીને જુઓ.’ પ્રથમ દર્શન વખતે યોગીન મા પણ આવી જ મૂંઝવણમાં પડી ગયાં હતાં. ઘણું કરીને ઈ.સ ૧૮૮૩ના એક દિવસે બલરામમંદિરમાં શ્રીરામકૃષ્ણનું શુભાગમન થયું હતું. યોગીન માને નિમંત્રણ મળતાં તેઓ ત્યાં ગયાં હતાં. બીજા માળે ઉપરના એક ઓરડામાં ઊભેલા ઠાકુર એક વખતે ભાવમાં મત્ત હતા. ચાલતાં ચરણ લથડિયાં ખાતાં હતાં. યોગીન મા પોતાના જીવનના સર્વોત્તમ ભાગમાં દારૂડિયા પતિની આવી ઉન્મત્તત્તાથી ખૂબ જ ત્રાસી ગયાં હતાં આથી વિપરીત મનોભાવ લઈને, શ્રીરામકૃષ્ણનું સાચુ સ્વરૂપ ન સમજતાં એમણે વિચાર્યું કે આ પણ મદિરાસક્ત શક્તિ ઉપાસક જ હશે. પરંતુ સદ્‍ભાગ્યે એટલું વિચારીને જ અટકી ન જતાં તેઓ એ ઓળખીતાં મહિલા ભક્તોની સાથે દક્ષિણેશ્વર તથા બીજાં સ્થળોએ શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા માટે ગયાં હતાં. આમ વારંવાર દર્શન કરવાથી તેઓ જાણી ગયાં કે એમણે બાળપણથી સેવેલી કલ્પના મુજબ સર્વોત્તમ ચરિત્રવાળા આ જ મહાપુરુષ છે. ફક્ત એટલું જ નહીં પણ તેઓ તો એ ગુણોનું અતિક્રમણ કરીને પોતાના અચિંતનીય મહિમામાં જ સદા અધિષ્ઠિત છે.શ્રીરામકૃષ્ણે પણ એમનો પૂરો પરિચય મેળવ્યો અને પછી ઉત્તરોત્તર તેઓ શ્રીમાના સ્નેહનાં પણ અધિકારિણી બન્યાં. યોગીન માને શ્રીરામકૃષ્ણ વિષે કેવી શ્રદ્ધા હતી એનો ઈશારો ‘કથામૃત’ ગ્રંથમાં વર્ણવેલી નિમ્નલિખિત પ્રસંગોથી મળે છે.

ઈ.સ ૧૮૮૫ના ૨૨મી જુલાઈએ રાતના આઠ વાગ્યે ગોલાપમાના ઘરેથી શ્રીરામકૃષ્ણ ‘ગનુની મા’ ના ઘરે ગયા. ત્યાં નીચેના માળની બેઠકમાં શ્રીરામકૃષ્ણ બેઠા. મૃદંગધ્વનિ સાથે : ‘કેશવ કુરુ કરુણા દીને’ અને‘ આવો મા જીવન - ઉમા’ વગેરે ભજન ગવાવા લાગ્યાં. પછી શ્રીરામકૃષ્ણને જલપાન માટે અંદર આવવા વિનંતી કરવામાં આવી. ત્યારે એમણે કહ્યું : ‘ અહીં જ લાવો.’આથી ગોલાપમાએ કહ્યું, ગનુની મા કહે છે કે ‘એ ઘરમાં એક વખત ચરણસ્પર્શ થાય તો એ ઘર કાશી બની જશે; એ ઘરમાં મરી જતાં મુક્તિમાં કોઈ અવરોધ નહીં રહે.’

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે શ્રીરામકૃષ્ણ અને શ્રીમાતાજીના આગમનથી ભારતમાં અનેક ગાર્ગી, મૈત્રેયી અને એનાથી પણ ઉન્નત ભાવયુક્ત નારીઓનો અભ્યુદય થશે. ગોલાપમા, યોગીનમા વગેરે એ મહિમાવંતી નારીઓનાં અગ્રેસર હતાં, પરંતુ દુ:ખની વાત છે કે એમના જીવનની ઘટનાઓને સુરક્ષિત અને પ્રચારિત કરવાનો હવે કોઈ ઉપાય રહ્યો નથી. યોગીન મા વિશે ‘લીલાપ્રસંગ’માં જે કંઈ પ્રસંગો લખાયા છે, તે તેઓ જીવતાં હતાં ત્યારે પ્રકાશિત થયેલા એટલે ફક્ત એક ‘સ્ત્રી ભક્ત’ વગેરે ગુપ્ત નામથી તેઓ અજ્ઞાત રહી ગયાં છે. તો પણ લીલા પ્રસંગ (ગુરુભાવ-ઉત્તરાર્ધ)ના આધારે એક પ્રસંગની વાત અહીં લખવામાં આવે છે :

ઈ.સ. ૧૮૮૫ની રથયાત્રા પછી ઠાકુર બલરામ મંદિરથી સવારે આઠ કે નવ વાગ્યે દક્ષિણેશ્વર જવા રવાના થયા ત્યારે ઘણી બધી સ્ત્રીભક્તો એમની પાછળ પાછળ અંત:પુરની પૂર્વ બાજુ રસોડાની સામેની અગાસી પર આવીને પછી દુ:ખી ચિત્તે પાછી ફરી ગઈ. પરંતુ યોગીન મા ભાવમાં વિભોર થઈને ઠાકુરની સાથે સાથે બહારના વરંડા સુધી આવ્યાં. બહાર ઘણા બધા અજાણ્યા પુરુષો હતા પણ એનું એમને ભાન ન હતું. ઠાકુર સતત ભાવાવસ્થામાં આગળ ચાલતા હતા. કોણ સાથે આવ્યું છે અને કોણ પાછું વળી ગયું એની એમને ખબર ન હતી. આ રીતે ચાલતા ચાલતા બહારના વરંડામાં આવ્યા અને એમણે જોયું કે યોગીન મા સાથે સાથે ચાલી રહ્યાં છે. એ જોતાં ‘મા આનંદમયી , મા આનંદમયી’ કહીને તેઓ એમને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. યોગીન મા પણ શ્રીચરણોમાં મસ્તક સ્પર્શ કરાવીને પ્રણામ કરવા લાગ્યાં. તેઓ ઊઠીને ઊભાં થયાં ત્યારે ઠાકુરે કહ્યું : ‘ચાલોને, મા, ચાલોને !’ જેમને આ વાત કહેવામાં આવી હતી તેઓ ગાડી કે પાલખી વગર પગપાળા રાજપથમાં ચાલવાને ટેવાયેલાં ન હતાં. પરંતુ ઠાકુરના એ આમંત્રણમાં એવી તો મોહિની શક્તિ હતી જેના પ્રભાવથી યોગીન મા કંઈ વિચાર્યા વગર જ એમની સાથે સાથે ચાલ્યાં. ફક્ત અંદર જઈને તેઓ બલરામબાબુની પત્નીને જણાવી આવ્યાં કે ‘હું ઠાકુરની સાથે દક્ષિણેશ્વર જાઉં છું.’ એમને જતાં જોઈને એક બીજી સ્ત્રીભક્ત પણ એમની સાથે આવી. આ બાજુ એમને આવવા માટે કહીને ઠાકુરે એમની રાહ ન જોતાં તેઓ બાળભક્તોની સાથે હોડીમાં જઈને બેઠા. એ જોઈને બંને સ્ત્રીભક્તો પણ દોડતાં દોડતાં હોડી પર ચઢયાં અને એક બાજુ બેસી ગયાં. પછી હોડી ચાલવા માંડી. હોડીમાં યોગીન માએ જણાવ્યું કે ભગવાનને સોળ આના મન સોંપવા છતાં પણ મન વશમાં નથી રહેતું. ઠાકુરે ઉપદેશ આપ્યો : ‘એમના પર ભાર સોંપીને કેમ રહેતાં નથી ? આંધીની જૂઠી પાતળ બનીને રહો ને.’ આ પ્રમાણે વાતચીત થતાં થતાં હોડી ઘાટમાં આવીને અટકી. બંને સ્ત્રીભક્તો નોબતખાનામાં જઈને શ્રીમાને તથા કાલીમાતાને પ્રણામ કરીને શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવીને બેઠી. ઠાકુરે એ વખતે શ્રીમાને કહેવડાવ્યું કે ઘરમાં શાકભાજી છે કે નહીં ? ઉત્તરમાં જ્યારે જાણવા મળ્યું કે ઘરમાં કંઈ પણ નથી ત્યારે તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા કે હવે બજારમાં કોણ જશે ? બજારમાંથી કંઈ લાવ્યા વગર ભક્તોનું ભોજન કેવી રીતે બનશે ? તેમણે સમજી-વિચારીને યોગીન મા તથા બીજા સ્ત્રીભક્તને કહ્યું : ‘તમે લોકો બજારમાં જઈ શકશો ?’ એ લોકોએ હા પાડી. પછી બજારમાંથી થોડાં બટેટાં, રીંગણાં વગેરે ખરીદી લાવ્યાં. શ્રીમાએ રસોઈ બનાવી. કાલીમંદિરમાંથી પણ ઠાકુરને માટે પ્રસાદની થાળી આવી. ઠાકુરનું ભોજન સમાપ્ત થતાં એ લોકોએ પ્રસાદ લીધો. એ પછી આખો દિવસ ઠાકુર પાસે ધર્મવિષયક વાર્તાલાપ થયો. પછી યોગીન મા અને તેમના સાથીદાર પગપાળા કોલકાતા ચાલ્યાં ગયાં. શ્રીરામકૃષ્ણ અને કુળવધૂઓના આ પ્રકારના નિ:સંકોચ વ્યવહાર વિશે જણાવતાં સ્ત્રીભક્તોએ કહ્યું હતું : ‘અમને ઠાકુર પુરુષ લાગતા જ નથી. જાણે તેઓ અમારા જ એક વ્યક્તિ છે, તેવું લાગે છે. આ કારણે બીજા પુરુષોની સામે અમને જે શરમ સંકોચ થાય છે, શ્રીઠાકુર પાસે એવો ભાવ નથી થતો. જો કયારેય એવો ભાવ આવે તો પણ અમે તુરત જ ભૂલી જઈએ છીએ અને અમારા મનની વાત ખોલીને એમને નિ:સંકોચ કરી દઈએ છીએ !’ (લીલા પ્રસંગ).

દક્ષિણેશ્વરમાં બે-ચાર વાર આવ્યા બાદ યોગીન મા શ્રીમાતાજી સાથે સુપરિચિત થયાં હતાં. બંનેની ઉંમર લગભગ સરખી હતી. એ ઉપરાંત સ્નેહમયી શ્રીમાએ શુદ્ધસત્ત્વગુણ સંપન્ન યોગીન માને પ્રેમથી અપનાવી લીધાં હતાં. યોગીન મા દર સાત આઠ દિવસે દક્ષિણેશ્વર જતાં રહેતાં. જો ત્યાં રાત રોકાવાનું થાય તો નોબતમાં શ્રીમા પાસે જ સૂતાં હતાં. એ દિવસોમાં શ્રીમા નોબતની નીચેના માળમાં રહેતાં હતાં અને ત્યાં જ ઓસરીમાં રસોઈ બનાવતાં. કોઈ સ્ત્રી ભક્ત આવે તો તેને નોબતના ઉપરના ભાગમાં રહેવા મળતું. યોગીન મા જુદા ઓરડામાં સૂવા ઇચ્છતાં તો પણ શ્રીમા તેમને જવા દેતાં નહીં. પરંતુ ખેંચીને પોતાની પાસે સુવડાવતાં. શ્રીમા યોગીન મા સાથે દરેક બાબતની ચર્ચા કરતાં. ઉપરાંત બધી અંગત વાતો જણાવીને એમની સલાહ પણ માગતાં. યોગીન મા શ્રીમાના વાળ ગૂંથી દેતાં અને તે શ્રીમાને એટલા ગમતા કે ત્રણ-ચાર દિવસ બાદ સ્નાનના સમયે પણ તેઓ છોડતાં નહીં અને કહેતાં : ‘યોગીનના બાંધેલા વાળ છે, એ આવશે ત્યારે છોડી આપશે.’ પ્રથમ પરિચયના થોડા દિવસ બાદ જ્યારે શ્રીમા પોતાના પિતાના ઘરે જવા માટે હોડીમાં રવાના થયાં ત્યારે જ્યાં સુધી તે હોડી દૃષ્ટિ મર્યાદામાં હતી ત્યાં સુધી યોગીન મા દક્ષિણેશ્વરના ગંગાકિનારે ઊભાં રહીને એને જોતાં જ રહ્યાં હતાં. એ પછી વિષાદથી ખિન્ન થઈને નોબતમાં પાછાં આવીને રડવા લાગ્યાં. ઠાકુર પંચવટી તરફથી આવતા હતા ત્યારે એમણે એમને આ સ્થિતિમાં જોયાં એટલે તેઓ એમને પોતાના ઓરડામાં લઈ ગયા અને કહ્યું : ‘એમના ચાલ્યા જવાથી તમને ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે ને ?’ આટલું કહીને તેઓ તેમને સાંત્વના આપવા માટે પોતાના સાધક જીવનની અનેક વાતો કહેવા લાગ્યા. એક કે દોઢ વરસ બાદ જ્યારે શ્રીમા ત્યાંથી પાછાં આવ્યાં ત્યારે ઠાકુરે એ પ્રસંગનું સ્મરણ કરતાં શ્રીમાને કહ્યું હતું : ‘તે જે મોટી મોટી આંખોવાળી છોકરી તમારી પાસે આવતી હતી ને ? તે તમને ખૂબ જ ચાહે છે. તમારા જવાના દિવસે નોબતમાં બેસીને તે ખૂબ રડતી હતી.’

યોગીન માએ પહેલાં જ પોતાના શ્વસુર વંશના કુલગુરુ પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરી હતી. પરંતુ એમાં ન તો જીવનશક્તિ હતી કે ન તો મંત્રજપથી એમને આનંદ મળતો હતો. શ્રીરામકૃષ્ણ અને શ્રીમાની સાથે અંતરંગપણે સંકળાયા બાદ યોગીન માના જીવનમાં એક નવીન આનંદનો સંચાર થયો અને પોતે સ્વયં કૃતાર્થ તો થયાં જ પણ પોતાના સંબંધીઓને પણ એ આનંદનો રસાસ્વાદ લેવા માટે બોલાવી લાગ્યાં. આ પ્રમાણે એમની પુત્રી ગનુ વગેરે અનેક લોકો ઠાકુરની પાસે આવ્યાં. એમના જમાઈ પણ આવ્યા. પરંતુ ધનદોલતના અભિમાની યુવાનને ઠાકુરના મહિમાનો પરિચય કરાવવો અશકય માનીને યોગીન માએ એમને ફરી ન બોલાવ્યા. સ્વામી અંબિકાચરણ વિશ્વાસ પણ યોગીન માની એકનિષ્ઠ સાધનાના આકર્ષણથી દક્ષિણેશ્વરમાં આવ્યા; એટલું જ નહીં, તેઓ શુભમાર્ગે ચાલવાની કોશિશ કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે યોગીન માને કહ્યું હતું : ‘પતિ કુમાર્ગે જાય છતાં પણ સતીને માટે એના પ્રત્યે એક અતૂટ કર્તવ્ય રહેલું જ છે.’ એ મુજબ યોગીન મા એ ભયાનક દુ:સ્વપ્નને પણ સુખમય બનાવવાની કોશિશ કરવા લાગ્યાં. પરંતુ અંબિકાચરણના દિવસો હવે પૂરા થઈ ગયા હતા. જો કે તેઓ કયારેક કયારેક દક્ષિણેશ્વરમાં આવતા હતા તો પણ થોડા દિવસ બાદ હડકાયું કૂતરું કરડવાથી તેઓ પથારીવશ થઈ ગયા. થોડા દિવસ તાવ વગેરેથી પીડા પામીને દિવંગત થઈ ગયા. યોગીન માએ છેલ્લા આખરી દિવસોમાં પતિને પોતાની પાસે રાખીને એમની પોતાની શક્તિ પ્રમાણે સેવા કરી હતી.

એક વખત ઠાકુરે યોગીન માને પોતાનું શરીર બતાવીને કહ્યું હતું : ‘જુઓ, તમારા જે ઈષ્ટ છે, તે આની અંદર છે. આનો વિચાર કરતાં જ તેઓ સ્મરણમાં આવશે.’ એ ઉપરાંત યોગીન માએ જોયું હતું કે ધ્યાનમાં બેસતાં જ ઠાકુર સામે આવીને ઊભા રહે છે. ઠાકુરની પાસે એમણે જપની વિધિ પણ શીખી લીધી હતી. ઠાકુરે એમને બતાવ્યું હતું કે જપ કરતી વખતે જમણા હાથની આંગળીઓને પાસે રાખીને એકદમ ભેગી રાખવાની હોય છે, નહીંતર આંગળીઓના છેદમાંથી જપનું ફળ સરી જાય છે.

યોગીન મા લગ્ન પહેલાં એક ગુરુમાતા પાસેથી થોડું ભણ્યાં હતાં. એ પછી જ્યારે શ્રીરામકૃષ્ણે એમને ભક્તિશાસ્ત્ર વાંચવા માટે કહ્યું ત્યારે તેઓ પુરાણ, રામાયણ, મહાભારત, ચૈતન્યચરિતામૃત વગેરે ગ્રંથોને ધ્યાનથી વાંચી શકતાં હતાં. એમણે એ ગ્રંથોના ખાસ ખાસ પ્રસંગોને કંઠસ્થ કરી લીધા હતા. એ ગ્રંથોની વાર્તાઓ સાથે એમને એવો ઘનિષ્ઠ નાતો હતો કે ભગિની નિવેદિતાએ હિન્દુ શિશુઓની આખ્યાયિકાઓની રચના વખતે એમની પાસેથી ઘણી મદદ લીધી હતી અને એમણે પોતાના એ પુસ્તકની પ્રસ્તાવનામાં મુક્ત કંઠે એમની કૃતજ્ઞતાનો સ્વીકાર કર્યો છે.

પૂજા-પાઠ, ધ્યાન-જપ વગેરેમાં સાધિકા યોગીન માના દિવસો વીતતા હતા. સ્ત્રીધનના રૂપે એમને જે થોડીઘણી રકમ મળી હતી એથી એમના વૈધવ્ય જીવનનો ખર્ચ નીકળતો હતો. એ નાણાંની સહાયથી તેઓ કેદારનાથથી ક્ન્યાકુમારી અને કામાખ્યાથી દ્વારકા સુધી ભારતનાં લગભગ બધાં જ મુખ્ય તીર્થોનું દર્શન કરી શકયાં હતાં. શ્રીરામકૃષ્ણના લીલાસમાપન વખતે તેઓ વૃંદાવનમાં બલરામબાબુના મંદિર કાલાબાબુની કુંજમાં રહેતાં હતાં. એ પછી શ્રીમા વૃંદાવન ગયાં ત્યારે યોગીન માને મળતાં જ તેઓ એમને છાતી સરસાં ચાંપીને ‘યોગીન મા, યોગીન મા’ કહીને વિહ્વળ ચિત્તે રડવા લાગ્યાં. એ પછી ઠાકુરનો અંતર્ધાન-જનિત શોક દૂર કરવા માટે  યોગીન માની તપસ્યાનો વેગ હવે ઘણો વધી ગયો. તેઓ સ્વભાવથી જ અત્યંત તપસ્યાપરાયણ હતાં. એ જોઈને તેમજ એથી એમનું સ્વાસ્થ્ય ભાંગી ન પડે એ માટે ઠાકુરે એમને એક દિવસ કહ્યું હતું : ‘તમારું બીજું શું બાકી રહી ગયું ? (પોતાનું શરીર બતાવીને) આને તમે જોયું, ખવડાવ્યું અને એની સેવા કરી છે.’ ગમે તેમ પણ, વૃંદાવનમાં ભગવાનના ધ્યાનમાં તેઓ પોતાને એવાં ભૂલી જતાં કે કયારેક કયારેક બાહ્યભાન પણ રહેતું નહીં. તેઓ ઘણીવાર સંધ્યાકાળે લાલાબાબુના ઠાકુર મંદિરમાં જઈને ધ્યાનમાં બેસતાં. એક દિવસમાં ધ્યાનમાં તેઓ સમાધિસ્થ થઈ ગયાં. આરતી પૂરી થઈ. દર્શનાર્થીઓ ચાલ્યા ગયા. એટલે સુધી કે મંદિરનું બહારનું ફાટક પણ બંધ થઈ ગયું. તો પણ તેઓ ત્યાં બેસી જ રહ્યાં હતાં. આથી મંદિરના સેવકો એમને કહેવા લાગ્યા : ‘ઓ માઈ, ઊઠો.’ પરંતુ તો પણ એમને કાંઈ સંભળાયું નહીં. આ બાજુ આટલી રાત સુધી એમને પાછાં આવેલાં ન જોઈને શ્રીમાએ યોગેન મહારાજને ફાનસ લઈને તેમને શોધવા મોકલ્યા. તેઓ કયાં હશે એ એમને ખબર હતી. આથી તેઓ એ મંદિરમાં ગયા અને ત્યાં યોગીન માને એ સ્થિતિમાં જોયાં. પછી તેઓ તેમને શ્રીઠાકુરનું નામ વારંવાર સંભળાવવા લાગ્યા અને એ રીતે એમને સામાન્ય સ્થિતિમાં ઊતારી લાવ્યા. એ સમયની અનુભૂતિ બાબતમાં યોગીન માએ પછીથી કહ્યું હતું : ‘એ વખતે સંસાર છે કે નહીં એનું કોઈ ભાન ન હતું... જ્યારે જે બાજુ જોતી હતી, સર્વત્ર ઈષ્ટદર્શન થતાં હતાં. ત્રણ દિવસ સુધી એવો જ ભાવ રહ્યો હતો.’

યોગીન માની આ સમાધિસ્થિતિ કંઈ પ્રથમ ન હતી. પિતાના ઘરે પણ એકવાર આવું થયું હતું. એ જાણીને સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘યોગીન મા, તમારું શરીર પણ સમાધિયોગથી જશે કેમ કે જેને એકવાર સમાધિ થાય છે, એને શરીર છોડતી વખતે ‘એની સ્મૃતિ ફરી પાછી આવે છે.’ સમાધિ સાથે એમને અલૌકિક દર્શનો પણ થતાં હતાં. સાધનાના પરિણામે એમનું મન સૂક્ષ્મ રાજ્યમાં પહોંચીને દિવ્યશબ્દ સાંભળતું, દિવ્યદૃશ્યને પ્રાપ્ત કરતું હતું અને તેમને ભવિષ્યનો આભાસ પણ મળતો હતો. આ સ્થિતિમાં તેઓ કોલકાતામાં રહીને જાણી ગયાં હતાં કે એમનો એક દૌહિત્ર કાશીધામમાં મૃત્યુ પામ્યો છે. તેઓ બે બાલગોપાલની મૂર્તિઓની અંતરથી પૂજા કરતાં હતાં. એ અંતરની આરાધનાના ફળરૂપે એમને જે પ્રત્યક્ષ થયું હતું, એનું વર્ણન એમણે પોતાના મુખે જ કર્યું હતું : ‘એક દિવસ પૂજા સમયે ધ્યાન કરતાં જોયું, બે અનુપમ સુંદર બાળક હસતાં હસતાં આવીને પોતાના હાથથી મને પકડીને મારી પીઠ થપથપાવતા કહેવા લાગ્યા, ‘અમે કોણ છીએ, ઓળખો છો ?’ મેં કહ્યું : ‘હું તમને ઓળખું છું : આ તમે બલરામ છો અને તે કૃષ્ણ છે.’ નાના કૃષ્ણે કહ્યું : ‘પણ તમને એ યાદ નહીં રહે.’ ‘કેમ ?’ ‘આ લોકોને કારણે,’ એટલું કહીને એણે મારા દૌહિત્રોને બતાવ્યા.’ ખરેખર તે વખતે યોગીન માની એકની એક પુત્રીનું અવસાન થયા પછી એના ત્રણ સંતાનને લઈને યોગીન મા ખૂબ જ ચિંતિત રહેતાં હતાં અને એ સમયે ધ્યાનની ગંભીરતા પણ ઘટી ગઈ હતી.

વૃંદાવનથી પાછા ફર્યા બાદ થોડા દિવસ પછી શ્રીમા બેલુરના નીલામ્બર મુખોપાધ્યાયના બાગમાં રહેતાં હતાં. આ સમયે યોગીન મા પણ એમની સાથે હતાં. વાસ્તવમાં હવેથી યોગીન મા લગભગ બધાં જ સ્થળોમાં સર્વત્ર શ્રીમાની સાથે જ રહેતાં હતાં. એ બાગવાળા મકાનની અગાસીમાં ચારેબાજુ આગ સળગાવીને પ્રખર સૂર્યકિરણોની વચ્ચે ઉઘાડા માથે શ્રીમા જ્યારે પંચતપા તપ કરતાં હતાં એ સમયે યોગીન મા પણ એમની સાથે એ પ્રમાણે કઠોર વ્રતમાં યોગદાન આપતાં હતાં. યોગીન માની ઉગ્ર તપશ્ચર્યાનાં બીજાં પણ ઉદાહરણો છે. એકવાર તેમણે છ મહિના સુધી પાણી પીવાનું છોડી દીધું હતું અને તેઓ ફક્ત દૂધ જ પીતાં હતાં. એક વખત પ્રયાગમાં શિયાળાના મહા મહિનામાં તેમણે એક મહિના સુધી કલ્પવાસ કર્યો હતો. હિન્દુ વિધવા માટે નિર્દિષ્ટ તિથિએ તેઓ વ્રત-ઉપવાસ કરતાં હતાં. વૃદ્ધ ઉંમરમાં પણ એમનો જપ અને ધ્યાન પ્રત્યેનો અનુરાગ જોઈને આશ્ચર્ય થાય છે. ખૂબ શોરબકોર થતો હોવા છતાંય તેઓ નિશ્ચિત સમયમાં જ નિર્દિષ્ટ સંખ્યાના જપ પૂરા કરતાં હતાં. ગંગાસ્નાન પછી પણ તેઓ ઘાટ પર બેસીને બે કે અઢી કલાક જપ કરતાં. ઠંડીમાં કે વરસાદમાં પણ એમાં રૂકાવટ આવતી નહીં. ધ્યાન વખતે એમનું દેહભાન એવું લુપ્ત થઈ જતું કે આંખોના ખૂણામાં માખીઓ બેસે તો પણ એમની આંખો સ્થિર રહેતી. પછી વૈધી પૂજા-અર્ચનામાં એમની નિષ્ઠા અને અનુભૂતિ એટલાં બધાં હતાં કે એવા પુરુષોમાં પણ બહુ જ ઓછાં જોવા મળતાં હતાં. આ કારણોથી શ્રીમા કહેતાં હતાં : ‘યોગેન બહુ જ તપસ્વિની છે. હજુ પણ અનેક વ્રત અને ઉપવાસનું અનુષ્ઠાન કરે છે.’ લાંબા સમયની ટેવ હોવાને કારણે એમનાં જપ-ધ્યાન વગેરે એમનાં હાડ-માંસ સાથે એવાં તો જડાઈ ગયાં હતાં કે અંતિમ માંદગી સમયે નિયમિત જપ વગેરે કરવા માટે એમને ઊઠાડીને બેસાડી દેવાં પડતાં હતાં. આ પ્રમાણે ઊઠવાની શક્તિ ન હોવા છતાં પણ તેઓ ‘કથામૃત’, ‘લીલાપ્રસંગ’, ‘ચૈતન્ય ચરિતામૃત’, ‘ભાગવત’ વગેરેનો પાઠ સાંભળતાં હતાં.

આ પ્રમાણે સિદ્ધિ લાભ થવા છતાં પણ તેઓ મૃત્યુ સુધી સાધનામાં રત રહ્યાં હતાં. એમનું નાનું સુગઠિત શરીર, ઉજ્જવળ રંગ, અપૂર્વ બુદ્ધિમત્તા અને સુસંગત વાર્તાલાપ તથા વ્યવહાર સાથે અંતરનું સૌંદર્ય મળીને એમના વ્યક્તિત્વને અત્યંત ગંભીર ચિત્તાકર્ષક અને પ્રેરણાપ્રદ બનાવતાં હતાં. એમની ધીર સ્થિર ગતિ અને વાર્તાલાપની સામે સઘળા પ્રકારની ચંચળતા એકદમ શાંત થઈ જતી હતી. એમની બુદ્ધિમત્તા તથા અંતર્દૃષ્ટિની મહત્તા પ્રગટ કરવા માટે જાણે શ્રીમા ઘણીવાર એમની સાથે દીક્ષાર્થીઓને મંત્રદાન વગેરેના સંબંધમાં ચર્ચા કરતાં. નિવેદિતા, ક્રિસ્ટીન તથા દેવમાતા વગેરે વિદેશી મહિલાઓ પણ એમની ખૂબ પ્રશંસા કરતી હતી. ઠાકુરના અંતરંગ શિષ્યો -ખાસ કરીને સ્વામી વિવેકાનંદ સાથે યોગીન માનો સંબંધ અત્યંત પ્રેમભર્યો હતો. કયારેક સ્વામીજી હોડી દ્વારા મઠમાંથી આવતા અને બાગબજારના ઘાટ પર ઊતરતાં જ યોગીન માને જોતા કે તુરત જ બોલી ઊઠતા : ‘યોગીન મા, આજે હું તમારે ત્યાં ભોજન કરીશ, શાકભાત બનાવી લેજો.’ યોગીન મા જ્યારે કાશીમાં હતાં ત્યારે સ્વામીજીએ એમના ઘરે જઈને કહ્યું હતું : ‘યોગીન મા, આ જુઓ, તમારા વિશ્વનાથ આવી ગયા.’ યોગીન માએ બનાવેલા ભોજનમાં એમને બહુ જ તૃપ્તિ મળતી હતી. કયારેક કયારેક તેઓ હઠ કરીને કહેતા હતા : ‘આજે મારો જન્મદિવસ છે. મને સારી રીતે જમાડો. ખીર પણ બનાવજો.’ ઈ.સ. ૧૮૯૮ના મે મહિનામાં સ્વામીજી અલ્મોડામાં હતા ત્યારે સ્વામીજીએ યોગીન માનું ત્યાં આવવાનું આયોજન કરતાં લખ્યું હતું : ‘યોગીન મા માટે ડોળી રહેશે. બાકી લોકો પગપાળા ચાલશે.’ સ્વામીજીને વિશ્વાસ હતો કે યોગીન મા વગેરે દ્વારા સ્ત્રીઓમાં ઠાકુરના ભાવોનો પ્રચાર થશે. પોતાની કલ્પનાના મહિલા મઠના અધ્યક્ષ રૂપે તે આ લોકોને સ્થાપવાની આશા રાખતા હતા.

યોગીન માની શ્રીમા પ્રત્યેની પ્રેમભક્તિનો પરિચય આપે પહેલાં જ મેળવ્યો છે. એ પ્રીતિ ફક્ત શ્રીમાના લીલાવિગ્રહમાં સીમિત ન રહી. પરંતુ એમનાં સ્વજનો, શિષ્યો અને નિવાસ વગેરેમાં પણ પ્રસરી ગઈ હતી. પરંતુ આવી શ્રદ્ધા, પ્રીતિ અને શરણાગતિ કંઈ એક દિવસમાં જાગી ન હતી. એમના મનમાં પણ એકવાર સંદેહ જાગ્યો હતો : ‘ઠાકુરને પરમત્યાગી જોયા છે. પરંતુ એમની સામે શ્રીમા અત્યંત આસક્ત ગૃહસ્થ જેવાં લાગે છે.’ એ પછી તેઓ એક દિવસ ગંગાકિનારે બેસીને જપ કરતાં હતાં ત્યારે એમણે જોયું કે જાણે શ્રીરામકૃષ્ણ આવીને કહી રહ્યા છે : ‘જુઓ, જુઓ, ગંગામાં શું જઈ રહ્યું છે ?’ યોગીન માએ જોયું કે એક તાજું જન્મેલું, નાળથી લપેટાયેલું, લોહીથી લથબથ બાળક તરતું જઈ રહ્યું છે. ઠાકુરે કહ્યું : ‘શું ગંગા કયારેય અપવિત્ર બની શકે ? એમને (માતાજીને) પણ એવાં જ સમજજો. એને અને આને (પોતાનું શરીર બતાવીને) અભિન્ન જાણજો.’ એ દિવસથી યોગીન મા સંદેહથી મુક્ત થયાં અને શ્રીમા પ્રત્યે વધુ આકૃષ્ટ થયાં. તેઓ શ્રીમાના જીવનકાળ દરમિયાન ઘણીવાર જયરામવાટી ગયાં હતાં. ઈ.સ. ૧૯૨૩માં માતૃમંદિરની સ્થાપના સમયે અત્યંત વૃદ્ધ હોવા છતાં પણ તેઓ જયરામવાટી ગયાં હતાં અને પૂજા ઉત્સવ વગેરે બધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઠાકુરના લીલાસંવરણ પછી તેઓ શંકા નિવારણ માટે કે નવો પ્રકાશ પામવાની આશાથી શ્રીમાતાજી પાસે જતાં અને ઘણા દિવસો સુધી અનેક વિષયોની ચર્ચા કરતાં. શ્રીમાની ગેરહાજરીના સમયે તેઓ સ્વામી બ્રહ્માનંદ કે સારદાનંદ પાસે પોતાની સમસ્યા લઈને જતાં હતાં.

સ્ત્રીભક્તોની સાથે શ્રીરામકૃષ્ણના વાર્તાલાપ અને વ્યવહારનું વિવરણ યોગીન માના મનમાં સ્મરણશક્તિના પ્રભાવથી ચિરકાળ માટે અંક્તિ થઈ ગયું હતું અને જરૂર પડતાં જ તેઓ તેને એના એ સ્વરૂપે પ્રગટ કર્યા કરતાં. આ વાતો અન્ય પુસ્તકો કે વ્યક્તિઓ પાસેથી મળી શકતી ન હતી. આથી ‘લીલા પ્રસંગ’ ગ્રંથ લખતી વખતે સ્વામી સારદાનંદે એમની પાસેથી ઘણી મદદ મેળવી હતી. એ ગ્રંથમાં અનેક જગ્યાએ એમણે કહેલું વર્ણન આબેહૂબ છે. એટલે સુધી કે ભાષા પણ જેવી ત્યારે વપરાયેલી હતી એવી જ છે. એ જગ્યાએ યોગીન માના નામનો ઉલ્લેખ ન હોવા છતાં પણ એવું જ લાગે છે જાણે તેઓ આપણી સામે ફરીથી દેહ ધારણ કરી હરી-ફરી રહ્યાં છે. ‘લીલાપ્રસંગ’ દર મહિને ‘ઉદ્‍બોધન’ પત્રિકામાં ક્રમશ: પ્રકાશિત થયું હતું. પ્રકાશનમાં મોકલતાં પહેલાં એ લખાણ યોગીન માને સંભળાવીને એમની સંમતિ લેવામાં આવતી અને નિરભિમાની લેખક એમના કહેવા મુજબ લખાણમાં પરિવર્તન અને પરિવર્ધન કરતા હતા.

યોગીન માનું દૈનિક જીવન ખૂબ જ વ્યવસ્થિત હતું. તેઓ સ્નાન અને સંધ્યાવંદન કરીને દરરોજ શ્રીમાના મકાનમાં જઈને ઠાકુરના બંને સમયના ભોગને માટે શાક વગેરે સુધારતાં. ત્યારબાદ બીજાં કાર્યોમાં પણ એમને મદદ કરતાં. પછી બાજુમાં આવેલા પોતાના ઘરે જઈને રસોઈ બનાવતાં અને ગૃહદેવતાની સામે શ્રીરામકૃષ્ણના ઉદ્દેશ્યથી તેનું નિવેદન કરતાં. એ પછી પોતાનાં માતા તથા બીજા લોકોને જમાડતાં. ત્યારબાદ તેઓ સ્વયં ભોજન કરતાં અને થોડો સમય આરામ કર્યા પછી પુરાણપાઠ વગેરે સાંભળતાં રહેતાં. પછી શ્રીમા પાસે જઈને શક્તિ મુજબ એમની સેવા વગેરે કરતાં હતાં. છેવટે માના ભવનમાં રાત્રિનો ભોગ સમાપ્ત થતાં તેઓ પોતાના ઘરે ચાલ્યાં આવતાં. ખરેખર શ્રીમાની આવી સેવા કરવી એ જ યોગીન માના રોજિંદા જીવનનું મુખ્ય અંગ હતું. શ્રીમાએ પણ એમની તથા ગોલાપમાની આવી સેવાથી પ્રસન્ન થઈને એક વખત કહ્યું હતું : ‘ગોલાપ અને યોગેન ન હોય, તો કોલકાતામાં રહી શકું નહીં.’ યોગીનમામાં દીન-દુખિયાંઓ પ્રત્યે ઘણી જ અનુકંપા હતી. માના ભવનમાં આવીને ભિક્ષુક ખાલી હાથે પાછો જતો નહીં. એ કારણે ગોલાપ માએ કહ્યું હતું : યોગીન માએ પૈસા આપી આપીને એવા કરી દીધા છે કે ભિક્ષુક આવીને પૈસા જ માંગે છે. તેઓ કહે છે માતા, અહીં અમે એક એક પૈસો મેળવીએ છીએ.’ તીર્થસ્થળોમાં પણ તેઓ ઘણું ધન વહેંચતાં હતાં અને લોકોને ખવડાવતાં હતાં. જયરામવાટી વગેરે સ્થળોમાં માના આશ્રિત લોકોની સેવા કરવા માટે તેઓ યથાશક્તિ નાણાં ખર્ચતાં હતાં.

યોગીન મા ઘરમાં રહેતાં હોવા છતાં પણ તંત્રસાધક શ્રીયુત ઈશ્વરચંદ્ર ચક્રવર્તીની પાસે કૌલ સંન્યાસ ગ્રહણ કરીને તાંત્રિક દેવીપૂજાનું ગુહ્યતત્ત્વ શીખી શકયાં હતાં અને નિષ્ઠાપૂર્વક એને અનુકૂળ સાધના પણ કરી હતી. શ્રીમા કોલકાતા રહેતાં તે સમયે તેમના ઘરમાં પ્રતિવર્ષ જગદ્ધાત્રી પૂજા થતી હતી. એ સમયે શ્રીમા પણ ત્યાં આવતાં અને શ્રીરામકૃષ્ણનાં સંતાનોની સાથે આનંદથી ભાગ લેતાં. શ્રીરામકૃષ્ણ-ગત પ્રાણ યોગીન માની દેવીભક્તિની સાથે એક અતિ મનોહર ઉદાર ભાવ પણ રહેલો હતો. એમના સૂવાના ઓરડાની દીવાલો પણ અનેક દેવ-દેવીઓ અને સાધુઓની છબીઓ શોભા આપતી હતી. શીતળા,ષષ્ઠી, ગોપાલ વગેરે અનેક દેવ-દેવીઓ એમની પૂજા પામતાં હતાં. પોતાની સુદીર્ઘ સાધનાની પરિણતિને માટે એમણે સ્વામી સારદાનંદ પાસેથી વૈદિક સંન્યાસ ગ્રહણ કર્યો હતો. એ અનુષ્ઠાનના સમયે સ્વામી પ્રેમાનંદજી પણ ત્યાં હાજર હતા. સંન્યાસ ગ્રહણ કર્યો હોવા છતાં પણ તેઓ બીજાની પાસે એ પ્રગટ કરતાં સંકોચ પામતાં હતાં. આથી ફક્ત પૂજાના સમયે તેઓ ભગવાં વસ્ત્ર પહેરતાં હતાં. બીજા સમયે સફેદ વસ્ત્રો જ પહેરતાં. શ્રીરામકૃષ્ણે એક વખત એમના સંબંધમાં કહ્યું હતું : ‘તે કળી છે, ફૂલ નથી કે થોડામાં જ ખીલી જાય. તે તો સહસ્ા્રદલ કમળ છે, જે ધીમે ધીમે ખીલશે.’ આ મહાવાણી યોગીન માના જીવનમાં અક્ષરશ: સાચી પડી હતી.

જો એમ કહેવામાં આવે કે સાધનાજગતના આનંદને બાજુએ રાખતાં યોગીન માના બાળપણને છોડીને સમગ્ર જીવન દુ:ખમય જ હતું, તો એમાં અતિશયોક્તિ નથી. ઈ.સ. ૧૯૦૬માં એમની એકની એક પુત્રી ગનુ વિધવા થઈ. ત્રણ વરસ બાદ એક દૌહિત્ર મૃત્યુ પામ્યો. પછી કાશીમાં આવીને યોગીનમાએ પુત્રીની કાશીપ્રાપ્તિ પણ પોતાની આંખથી જોઈ. એ પછી ત્રણ અનાથ દૌહિત્રને લઈને તેઓ કોલકાતા પાછાં આવ્યાં. આ નિરાધાર બાળકોના હિતેચ્છુઓ હોવા છતાં પણ એમની પાસેથી આ બાળકોને દેખરેખ અને શિક્ષણ વગેરે અસંભવ છે, એમ જાણીને યોગીન માએ સ્વામી સારદાનંદજીની સહાયતાથી એમના પાલનપોષણનો ભાર પોતાના હાથમાં લઈ લીધો. આશ્ચર્યની વાત એ છે કે એમની સઘળી જવાબદારીનો ભાર ગ્રહણ કરવા છતાં પણ એમણે કયારેય એમને બળપૂર્વક શ્રીરામકૃષ્ણ ભાવમાં પ્રભાવિત કરવાની વૃથા કોશિશ કરી ન હતી. તો પણ એમના દેહત્યાગના છ મહિના પહેલાં એમના સહુથી નાની દૌહિત્રે એમને જણાવ્યું કે તે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરશે. એ પછી એમણે સંન્યાસ જીવનનાં દુ:ખ કષ્ટોની વાત સવિસ્તર જણાવી પરંતુ એથી પણ તે નિરાશ થયો નહીં. ત્યારે વૃદ્ધાએ એને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. ઈ.સ. ૧૯૨૪માં યોગીન માની માતાની ગંગાપ્રાપ્તિ થઈ. યોગીન મા જ એ વૃદ્ધાનું એક માત્ર સંતાન હતાં. એથી એમના દારુણ શોકની સીમા ન હતી.

શરીર છોડતાં પહેલાં યોગીન મા બે વર્ષ સુધી બહુમૂત્ર રોગથી પીડાતાં હતાં. આવી રોગ-યાતનામાં પણ તેઓ લગભગ દરરોજ સુમધુર કંઠે ‘ગોપાલ, ગોપાલ’ ઉચ્ચારણ કરતાં કરતાં ભાવસમાધિમાં મગ્ન રહેતાં હતાં. શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું કે આ યુગમાં ગોપાલભાવથી સાધના કરવી ખૂબ જ લાભદાયક છે : એ કારણે શક્તિમંત્રથી દીક્ષિત હોવા છતાં યોગીન માના જીવનમાં આવી અપૂર્વ પરિણતિ થઈ હતી. દિવસ જેટલા સમાપ્ત થતા  જતા હતા તેટલાં જ તેઓ ભગવાન સિવાય બીજી બધી જ વસ્તુઓને ભૂલતાં જતાં હતાં; પરંતુ શ્રીરામકૃષ્ણ અને શ્રીમા તથા એમના અંતરંગ શિષ્યોની સ્મૃતિ એમના હૃદયમાં સદાસર્વદા જાગૃત રહેતી. બે-ત્રણ દિવસો સુધી વાચા બંધ થઈ ગઈ હતી. પ્રવાહી ખોરાક પણ તેઓ લઈ શકતાં ન હતાં. આથી સ્વામી સારદાનંદે ડોકટરને તપાસવા માટે કહ્યું કે આ દર્દને લઈને અભાનાવસ્થા નથી ને ? ડોકટરે વિશેષરૂપે તપાસ કરી ને કહ્યું કે એવું કોઈ જ લક્ષણ જણાતું નથી. ત્યારે સ્વામી સારદાનંદે હાજર રહેલાં બધાંને કહ્યું કે શ્રીરામકૃષ્ણે એક દિવસ યોગીન માને કહ્યું હતું : ‘વ્યાકુળ ન થતાં, માતા ! મૃત્યુ સમયે તમારી અંદરનું સહસ્ા્રદળ કમળ વિકસિત થઈને તમને પરમજ્ઞાન આપશે.’ અંતે ઈ.સ. ૧૯૨૪ની ૪થી જૂનને બુધવારે ઠાકુરના રાત્રિના ભોગ પછી બધા લોકો કામમાંથી પરવારીને નિશ્ચિંત બન્યા, ત્યારે અંતિમ ઘડી આવેલી જાણીને સ્વામી સારદાનંદ એમના મસ્તક પાસે બેસીને ગંભીર સ્વરે શ્રીરામકૃષ્ણ નામ સંભળાવવા લાગ્યા. એ સ્થિતિમાં યોગીન મા રાતે દસ ને પચ્ચીસ મિનિટે શ્રીરામકૃષ્ણ - ચરણોમાં વિલીન થઈ ગયાં.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda