Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

ગોપાલની મા

આશરે ઈ.સ. ૧૮૨૨માં શ્રીમતી અઘોરમણિદેવી કોલકાતા મહાનગરની લગભગ સાત માઈલ ઉત્તરે ગંગાકિનારે આવેલા કામારહાટી ગામમાં ધર્મપરાયણ શ્રીયુત કાશીનાથ ભટ્ટાચાર્ય (ઘોષાલ) મહાશયના દરિદ્ર ગૃહને અજવાળતાં જન્મ્યાં હતાં. નવ વર્ષની ઉંમરે એમનાં લગ્ન ૨૪ પરગણા જિલ્લામાં આવેલા પાઈકહાટી ગામમાં થયાં હતાં. લગ્ન સમયે એક જ વખત પતિ સાથે મુલાકાત થઈ હતી. પછી તો તેઓ પિયરમાં રહેતાં હતાં ત્યારે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ વિધવા થયાં. બાલવિધવા અઘોરમણિ એમનાં માતાપિતાના જીવતાં માથું મૂંડાવી ન શકયાં, પરંતુ એમના મૃત્યુ પછી એમને પૂર્ણ વૈધવ્યનો વેશ ધારણ કરી લીધો. એમના શરીરનું કદ નાનું હતું, પણ સ્વસ્થ અને સુગઠિત શરીર હતું. વર્ણ ઉજ્જવલ શ્યામ હતો અને એમના આખા શરીરમાં પવિત્રતાની એક અલૌકિક આભા હતી. તેઓ શ્રીરામકૃષ્ણ કરતાં ઉંમરમાં ચૌદ વર્ષ મોટાં હતાં અને એમના મૃત્યુ પછી પણ વીસ વર્ષ સુધી જીવતાં હતાં.

કામારહાટીમાં અઘોરમણિના પિતાના ઘરની પાસે કોલકાતાના પટલડાંગા નિવાસી શ્રીયુત ગોવિંદચંદ્ર દત્તનું ઠાકુર મંદિર હતું. દત્ત મહાશયે કામારહાટીના ગંગાકિનારે શ્રીરાધાકૃષ્ણની મૂર્તિ સ્થાપી હતી અને ત્યાં સમારંભ સાથે તેઓ સેવા પૂજા વગેરે કરતાં હતાં. તેમના અવસાન બાદ મોટાભાગની સંપત્તિનો વિનાશ થઈ જવાથી જ્યારે પૂજામાં ખામી ઊભી થવાની શકયતા લાગી ત્યારે દત્ત ગૃહિણી પોતે ઠાકુર મંદિરમાં રહીને પૂજા વગેરેની દેખરેખ રાખવા લાગ્યાં. ધર્મપરાયણ ગૃહિણી કઠોર બ્રહ્મચર્યવ્રત ધારણ કરતાં હતાં. ભૂમિ પર શયન, ત્રણ વખત સ્નાન, એક વખત ભોજન, વ્રત-ઉપવાસ અને શ્રીમૂર્તિની પૂજા વગેરેમાં જ સમય વિતાવતાં હતાં. એ સમયે દત્તવંશના કુલ પુરોહિત શ્રીનીલમાધવ ભટ્ટાચાર્ય પૂજારી હતા અને તેઓ અઘોરમણિના ભાઈ હતા. એ સંબંધ તથા આચાર વ્યવહારની સ્વાભાવિક સમાનતાને પરિણામે દત્ત ગૃહિણી અને અઘોરમણિ વચ્ચે વિશેષ મિત્રતા સ્થપાઈ હતી. અઘોરમણિ શ્વસુર કુળના ગુરુદેવ પાસે ગોપાલમંત્રમાં દીક્ષિત થયાં હતાં. લગભગ વીસ વર્ષની ઉંમરે તેઓ દત્તગૃહિણીના ઠાકુર મંદિરમાં સ્ત્રીઓને રહેવાના ભાગના એક ઓરડામાં રહેવા લાગ્યાં. દિવસમાં ક્યારેક તેઓ એકાદ-બે વાર પિતાને ઘરે જતાં હતાં.

દત્તકુળના ઠાકુર મંદિરના દક્ષિણ ભાગના જે ઓરડામાં બાળતપસ્વિની અઘોરમણિદેવી રહેતાં હતાં એની દક્ષિણ બાજુ ત્રણ બારીઓમાંથી ગંગાનું સુંદર દર્શન થતું હતું. એની ઉત્તર અને પશ્ચિમમાં બે દરવાજા હતા. એ ઓરડામાં તેઓ દિવસ-રાત જપધ્યાનમાં મગ્ન રહેતાં. જપ વખતે કોઈ એમની પાસે હોય એ એમને ગમતું નહીં. આથી એ ઓરડામાં બીજું કોઈ રહેતું નહીં. એમના આચારવિચાર ખૂબ જ શુદ્ધ હતા. તેઓ દરરોજ બે વખત સ્નાન કરતાં હતાં, પ્રાત:કાળે ગંગામાં અને ત્રીજા પહોરે તળાવમાં. ગંગાસ્નાન પછી કિનારે આવેલા બિલ્વવૃક્ષની નીચે બેસીને થોડો સમય ધ્યાન કરતાં. સાંજે રાધાકૃષ્ણની સામે બેસીને તેઓ જપ કરતાં. આંબાના વૃક્ષની સામે એમનું જે રસોડું હતું તે આજકાલ નથી રહ્યું. તેઓ એમાં પોતાના હાથે ભોજન બનાવતાં. કેળના પાંદડા પર ભોગ સજાવતાં અને તેની નીચે પાટલો મૂકતાં. એક પ્યાલામાં ગંગાજળ લઈને એ બધું દેવતાને અર્પણ કરતાં અને પછીથી પોતે એ પ્રસાદ ખાતાં. અનાજની સાથે બટેટાં, પરવળ અને મગની દાળ બાફીને તેઓ દરરોજ ખાતાં હતાં. રાત્રે બગીચાના નાળિયેરમાંથી બનાવેલા લાડુ અને થોડું દૂધ લેતાં. બગીચાનાં સૂકાં પાંદડાં ભેગાં કરીને એનાથી જ રસોઈ બનાવતાં. શ્વસુર પક્ષમાંથી મળેલું અનાજનું ખેતર અને સ્ત્રીધન વેચીને જે ૫૦૦ રૂપિયા મળ્યા હતા એ દત્તગૃહિણી પાસે થાપણરૂપે રાખતાં એમાંથી જે સામાન્ય રકમ મળતી એનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતાં. છ મહિના ચાલે તેટલા ચોખા, દાળ, મસાલા વગેરે ખરીદીને માટીની હાંડલીઓમાં રાખતાં. કામારહાટીના કારખાનાની નજીક અઠવાડિયામાં એક વખત બજાર ભરાતું એમાંથી તેઓ શાકભાજી ખરીદી લેતાં હતાં. સૂપડું, વાટવાનો પથ્થર વગેરે સામાન પણ ઘરમાં જ રાખતાં હતાં. ઉપર સીકામાં મમરા, પતાસાં, નાળિયેરના લાડુ વગેરે રાખવામાં આવતાં. એક પેટીમાં સાધારણ કપડાં વગેરે રાખેલાં હતાં. એમના બે દાંત છેવટ સુધી રહી ગયા હતા. માટીથી એ ઘસીને તેઓ મોઢું ધોતાં. ભોજન પછી અજમા કે ધાણાના બે ચાર દાણા મોઢામાં નાખતાં. પોતે પાન ખાતાં ન હતાં છતાં પણ ગોપાલ ઠાકુરને એનો ભોગ ધરાવતાં અને જો કોઈ કચડી દે તો થોડું ઘણું પાન મોઢામાં મૂકી દેતાં.

દત્તગૃહિણીની સાથે સ્નેહભાવને લઈને તેમજ પોતાનાં સ્વાભાવિક ભક્તિની પ્રેરણાથી તેઓ રાધાકૃષ્ણના મંદિરનું થોડું કામ પણ કરતાં હતાં. ગૃહિણીની સાથે બેસીને ભોગને માટે થોડાં શાકભાજી પણ સુધારી આપતાં હતાં. મૌન રહીને એકાંતમાં જ રહેવાની એમને ટેવ હતી. રાતના બે વાગે ઊઠતાં. શૌચ વગેરેથી નિવૃત્ત થઈને સ્નાન બાદ સવારે ત્રણ વાગ્યાથી આઠ વાગ્યા સુધી જપમાં મગ્ન રહેતાં. પછી મંદિર ધોવું, વાસણ ઘસવાં, ફૂલ ચૂંટવાં, માળા ગૂંથવી, ચંદન ઘસવું વગેરેમાં થોડો સમય પસાર કરતાં. ત્યારબાદ શ્રીમૂર્તિના ભોગ-રાગ વગેરે કરતાં. પછી ભોજન બાદ થોડો સમય આરામ કરતાં. એ પછી ફરીથી જપની આરાધનામાં બેસી જતાં. સંધ્યા બાદ મંદિરની આરતી વગેરેનાં દર્શન કરી ફરી સાધના ચાલવા લાગતી. શ્રીરામકૃષ્ણ સાથે મુલાકાત થતાં પહેલાં લગભગ ૩૦ વર્ષ સુધી એ નાનકડા ઓરડાની અંદર રહીને તેઓ સતત સાધનામાં મગ્ન રહ્યાં હતાં. ઘણું કરીને ફક્ત એકવાર તેઓ એમની તપસ્યા તોડીને દત્તગૃહિણી સાથે રેલગાડીમાં બેસીને કાશી, ગયા, મથુરા, વૃંદાવન, પ્રયાગ વગેરે થોડાં તીર્થોનાં દર્શન કરી આવ્યાં હતાં. તેઓ વાંચી શકતાં કે નહીં એ જાણવું મુશ્કેલ છે. તો પણ કામારહાટી છોડયા પછી એમના ઓરડામાંથી ચશ્માં, ભગવાં વસ્ત્રમાં વીંટાળેલું એક કાશીરામ દાસનું મહાભારત અને કૃત્તિવાસનું રામાયણ, એક ગીતા અને રામચંદ્ર દત્તે આપેલું એક ભજન સંગ્રહનું પુસ્તક મળ્યાં હતાં.

અઘોરમણિએ દક્ષિણેશ્વર મંદિરમાં ઈ.સ. ૧૮૮૪ના માગશર મહિનામાં એક શુભ દિવસે શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં. એ સમયે શ્રીરામકૃષ્ણદેવના નામનો ખૂબ પ્રચાર થઈ ચૂકયો હતો. એમનું નામ સાંભળીને દત્તગૃહિણી એ દિવસે એમના દર્શન માટે હોડીમાં બેસીને અઘોરમણિની સાથે ત્યાં ગયાં હતાં. એ દિવસે ઠાકુરે એ લોકોને પોતાના ઓરડામાં બેસાડીને ભક્તિતત્ત્વનો ઉપદેશ આપ્યોં ભજન સંભળાવ્યાં અને ફરી પાછા આવવા માટે કહ્યું. દત્ત ગૃહિણીએ એમને કામારહાટીના ઠાકુર મંદિરમાં એક વખત આવવા માટે આમંત્રણ આપ્યું. ઠાકુરે એ સ્વીકાર્યું. પછી તેઓ ત્યાં એક દિવસ ગયા હતા. ત્યાં શ્રીરાધાકૃષ્ણની સામે સંકીર્તન નૃત્ય વગેરે કર્યાં અને પછી પ્રસાદ લઈને પાછા દક્ષિણેશ્વર આવી ગયા હતા.

એટલામાં અઘોરમણિના જીવનમાં એક મહાન પરિવર્તનનો પૂર્વાભાસ જોવામાં આવ્યો. પ્રથમ દર્શનના દિવસથી જ તેઓ ઠાકુર પ્રત્યે પ્રબળ આકર્ષણનો અનુભવ કરવા લાગ્યાં. મનમાં એવો ભાવ થયો કે ‘આ બહુ જ સારા માણસ છે, સાચે જ સાધુ અને ભક્ત છે. ફરી સમય મળતાં એમની પાસે જઈશ.’ આ પછી થોડા દિવસ બાદ જપ કરતી વખતે અઘોરમણિના હૃદયમાં દક્ષિણેશ્વર જવાની ઇચ્છા જાગતાં જ તેઓ બે-ત્રણ પૈસાના સંદેશ (બંગાળી મીઠાઈ) ખરીદીને એકલાં જ પગપાળા ચાલીને ત્યાં જઈ પહોંચ્યાં. એમને જોતાં જ ઠાકુરે કહ્યું : ‘આવ્યાં છો, મારા માટે શું લાવ્યાં છો ?’ અઘોરમણિને શરમ આવી કે આવી તુચ્છ મીઠાઈ એમની સામે કેવી રીતે મૂકી શકાય ? આથી તેઓ મનમાં દ્વિધા અનુભવવા લાગ્યાં : ‘લોકો તો આમને બહુ જ સારી સારી વસ્તુઓ ખવડાવે છે અને હું આવી તુચ્છ વસ્તુ લાવી છું. એમને કેવી રીતે આપું ?’ પણ છેવટે તેમણે તે મીઠાઈ કાઢીને ઠાકુરના હાથમાં મૂકી દીધી અને ઠાકુર આનંદપૂર્વક એ ખાવા લાગ્યા. પછી એમણે કહ્યું : ‘તમે પૈસા ખર્ચીને મીઠાઈ કેમ ખરીદી ? નાળિયેરના લાડુ બનાવજો અને એમાંથી એકાદ-બે લાવજો કે તમે જે કંઈ બનાવતાં હોય એમાંથી થોડું લાવજો. તમારા હાથની બનાવેલી વાનગી ખાવાની મને બહુ જ ઇચ્છા છે.’ ધર્મની વાતને બદલે અહીં તો ફક્ત ખાવાની જ વાત થઈ રહી છે. એ જોઈને અઘોરમણિએ વિચાર્યું : ‘સારો સાધુ જોવા આવી છું. ખાલી ખાવાની જ વાત ! હું રહી ગરીબ બુઢ્ઢી. સારી સારી વસ્તુઓ ક્યાંથી ખવડાવીશ ? રહેવા દો. હવે ફરી પાછી નહીં આવું.’ પરંતુ પાછા ફરતી વખતે એમને એવું લાગ્યું કે મન દક્ષિણેશ્વરની બહાર જવા જ નથી માગતું. જબરજસ્તીથી મન મનાવીને એ કામારહાટી પાછાં ગયાં. એ પછી થોડા દિવસ બાદ બ્રાહ્મણી કામારહાટીમાં ચચ્ચડી (કેટલાંક શાકભાજી એક જ વાનગી તરીકે તૈયાર કરવામાં આવે તેવું સ્વાદિષ્ટ શાક.) બનાવીને એમાંથી થોડું સાથે લઈને દક્ષિણેશ્વર જઈ પહોંચ્યાં. ઠાકુરે એમની પાસે એ માગીને ખાધું અને બોલ્યા : ‘અહા ! કેટલું સ્વાદિષ્ટ ! જાણે સુધા-અમૃત.’ એ સાંભળી બ્રાહ્મણીની આંખમાં આનંદનાં આંસુ આવી ગયાં. એમણે વિચાર્યું : ‘હું તો ગરીબ કંગાલ છું. સાધારણ વસ્તુથી તેઓ આટલા પ્રસન્ન થઈ રહ્યા છે !’ આ રીતે ત્રણ-ચાર મહિના સુધી તેઓ વારંવાર આવતાં રહ્યાં. પરંતુ દરેક વખતે ફક્ત ખાવાની જ વસ્તુઓની પ્રશંસા થતી હતી. કેવળ : ‘આ લાવો, પેલું લાવો’ વગેરે વાતથી અસ્થિર વૃદ્ધાને અસંતોષ થવા લાગ્યો. એમણે વિચાર્યું : ‘ગોપાલ, તમને પોકારવાથી આવું થયું ? તમે મને આવા સાધુની પાસે લાવ્યા જે ફક્ત ખાઉં ખાઉં કરે છે ! હું અહીં ફરીથી નહીં આવું !’ પરંતુ દૂર જતાં જ પ્રબળ આકર્ષણ તેમને ખેંચી લાવતું હતું !

આમ ઈ.સ. ૧૮૮૪ની વસંત ઋતુ આવી. બ્રાહ્મણી એક રાત્રે ત્રણ વાગે જપમાં બેઠાં હતાં. જપ પૂરા કરીને પ્રાણાયામ કરવા લાગ્યાં. એટલામાં જોયું તો ડાબી બાજુમાં શ્રીરામકૃષ્ણ બેઠા છે. એમના જમણા હાથની મુઠ્ઠી બંધ છે. મુખ ઉપર મૃદુ હાસ્ય છે. દક્ષિણેશ્વરમાં જેવું જોયું હતું બરાબર તેવું જ છે. એમણે વિચાર્યું કે ‘આ કેવું ? આવા સમયે આ ક્યાંથી કેવી રીતે આવી ગયા ?’ આશ્ચર્યચક્તિ વૃદ્ધાએ જેવો એમને પકડવા હાથ લંબાવ્યો તેવી જ તે મૂર્તિ એકાએક અદૃશ્ય થઈ ગઈ અને તેના સ્થાને દસ મહિનાના બાળગોપાલ દેખાયા. તે ભાંખોડિયાં ભરતાં ભરતાં હાથ ઊંચો કરી કરીને વૃદ્ધા પાસે માગવા લાગ્યા : ‘મા, માખણ આપો !’ બ્રાહ્મણી તો જોઈ-સાંભળીને સ્તબ્ધ બની ગયાં. આ તે કેવું દૃશ્ય ! તેઓ ચીસ પાડીને રડી પડયાં અને બોલ્યાં : ‘બેટા, હું દુ:ખી માણસ છું. હું તને શું ખવડાવી શકું ? ખીર, માખણ કયાંથી લાવું ?’ પરંતુ તે અદ્‍ભુત ગોપાલ આ સાંભળીને પણ ધ્યાનમાં લેતા ન હતા. વારંવાર ખાવાનું જ માગતા હતા. પછી સીકામાંથી નાળિયેરનો લાડુ ઊતાર્યો ને તેને આપતાં તેઓ કહેવા લાગ્યાં : ‘બેટા, ગોપાલ, હું તને આવી તુચ્છ વસ્તુ ખાવા માટે આપું છું. પરંતુ તું મને એવી વસ્તુ ન આપતો.’ એ દિવસે ફરી જપ થઈ જ ન શકયો. ગોપાલની અપૂર્વ લીલા ચાલતી જ રહી ! તે ખોળામાં બેસે છે, માળા છીનવી લે છે, ખભા ઉપર ચઢી જાય છે, ઘરમાં નાચતો ફરે છે ! સવાર પડતાં જ ગોપાલની મા પાગલની જેમ દક્ષિણેશ્વર ચાલ્યાં. ગોપાલને છાતીએ વળગાડીને ચાલતાં ચાલતાં તેઓ જોવા લાગ્યાં કે ગોપાલના નાના નાના બે લાલ ચરણો તેમની છાતી ઉપર લટકી રહ્યાં છે.

સવારે લગભગ સાત વાગ્યે અસ્તવ્યસ્ત ભાવે ‘ગોપાલ, ગોપાલ’ પોકારતાં ગોપાલની મા ઠાકુરના ઓરડામાં પૂર્વ તરફના દરવાજામાંથી પ્રવેશ્યાં. એમનાં નેત્ર ઉપર ચડેલાં હતાં. પાલવ જમીન પર ઘસડાઈ રહ્યો હતો. પરંતુ કોઈ બાજુ એમનું ધ્યાન જ ન હતું. તેઓ આવીને ઠાકુરની પાસે બેસી ગયાં અને ભાવાવિષ્ટ ઠાકુર પણ એમના ખોળામાં બેસી ગયા. આંસુ સારતાં ગોપાલની મા સાથે લાવેલાં ખીર, માખણ વગેરે શ્રીરામકૃષ્ણના મુખમાં આપવા લાગ્યાં. થોડા સમય પછી ભાવનો આવેગ શમતાં ઠાકુર એમની પાટ ઉપર જઈને બેઠા. પરંતુ ગોપાલની માનો ભાવ અટકવા નહોતો માગતો. તેઓ ઘરમાં નાચી નાચીને કહેવા લાગ્યાં : ‘બ્રહ્મા નાચે, વિષ્ણુ નાચે અને નાચે શિવ’ વગેરે. આ દેવદુર્લભ દૃશ્યથી મુગ્ધ થઈને એક ભક્ત મહિલા જે ઘર સાફ કરવા આવી હતી તે વિચારવા લાગી : ‘જે ઠાકુર સ્ત્રીઓનો સ્પર્શ સુદ્ધાં કરતા નથી એમનો આજે આ કેવો વ્યવહાર છે ! એક બાજુ ૬૨ વર્ષની વૃદ્ધાનો અનુપમ માતૃસ્નેહ, બીજી બાજુ ૪૮ વર્ષના પ્રૌઢનો ગોપાલભાવ ! સાંભળવા મળ્યું છે કે યશોદાભાવમાં મત્ત ભૈરવી બ્રાહ્મણીનો ખોળો પણ એમના દ્વારા અલંકૃત થતો હતો. પરંતુ તે ભૂતકાળની સાંભળેલી વાત છે અને આજે આ પ્રત્યક્ષ છે !’ ભાવનો આવેશ થોડો ઘટી જતાં ગોપાલની માનો આનંદ જોઈને ત્યાં હાજર રહેલી બીજી મહિલાને ઠાકુરે હસતાં હસતાં કહ્યું : ‘જુઓ, જુઓ, આનંદથી ભરાઈ ગઈ છે. એનું મન આ સમયે ગોપાલલોકમાં ચાલ્યું ગયું છે !’ ભાવની અધિકતાને કારણે એ દિવસે અઘોરમણિ ઠાકુરને અનેક પ્રકારની વાતો જ કરવા લાગ્યાં : ‘જુઓ, આ તો ગોપાલ મારા ખોળામાં બેઠો ! હવે તે તમારી અંદર ઘૂસી ગયો ! ફરી નીકળી આવ્યો. આવ બેટા, આ દુખિયારી માની પાસે આવ’ વગેરે. આ રીતે ગોપાલે કયારેક ઠાકુરની સાથે મળીને અને કયારેક બાળલીલાની લહેર પ્રસરાવીને એક બાજુ જે રીતે શ્રીરામકૃષ્ણને જ ગોપાલરૂપે પ્રત્યક્ષ કરાવ્યા અને એ રીતે બીજી બાજુ ગોપાલની માને પાગલ બનાવી દીધી. અઘોરમણિ એ દિવસથી સાચેસાચ ગોપાલની મા બની ગયાં અને ઠાકુર પણ એમને એ નામથી બોલાવવા લાગ્યા. એ દિવસે એમના ભાવાવેગને ઓછો કરવા ઠાકુર અનેક પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યા. એમની છાતી પર ટકોરા મારીને જગાડવા લાગ્યા. એમને સારી સારી વસ્તુઓ ખવડાવી, આખો દિવસ પોતાની પાસે રાખીને સ્નાન ભોજન કરાવ્યું. ખાતાં ખાતાં બ્રાહ્મણી કહેવા લાગ્યાં : ‘બેટા, ગોપાલ, તારી આ દુ:ખી માએ ખૂબ જ કષ્ટ સહ્યાં છે. તકલીથી સૂતર કાંતીને દિવસ પસાર કર્યા છે. શું એટલા માટે તું આજે મારી સેવા કરી રહ્યો છે ?’

સંધ્યા સમયે જ્યારે ઠાકુરે ગોપાલની માને કામારહાટી મોકલી દીધાં ત્યારે ગોપાલ પણ ખોળામાં બેસીને તેમની સાથે ગયો. ઘરે પહોંચીને દોડાદોડ કરીને માનો જપભંગ કરવા લાગ્યો. અંતે ગોપાલની માએ જપ છોડીને એને પથારી પર સુવડાવી દીધો. પાટ ઉપર ચટાઈ પાથરેલી હતી. નરમ પથારી કે તકિયો ન હતાં. આથી ગોપાલને સૂવામાં કષ્ટ થવા લાગ્યું. લાચાર થઈને બ્રાહ્મણીએ પોતાના ડાબા હાથ પર એનું માથું રાખી કહ્યું : ‘બેટા, આજે આ રીતે સૂઈ જા. સવાર પડતાં જ કોલકાતા જઈને તારા માટે નરમ તકિયો લાવીશ.’ બીજા દિવસે પ્રત્યક્ષ ગોપાલની રસોઈ બનાવવા માટે ગોપાલની મા બગીચામાં જઈને સૂકાં ડાખળાં અને પાંદડાં એકઠાં કરવા લાગ્યાં. તો સાથે સાથે ગોપાલ પણ એ બધું ઊંચકીને રસોડામાં મૂકવા લાગ્યો. રસોઈ બનાવતી વખતે પણ તે ચંચળ બાળકે મા પાસે બેસીને કે એમની પીઠ પર ચઢીને તોફાન કરવાં શરૂ કર્યાં. બ્રાહ્મણી કયારેક મીઠી વાતોથી પટાવીને તો ક્યારેક ધમકાવીને એને શાંત કરવા લાગ્યાં.

થોડા દિવસો પછી બ્રાહ્મણી દક્ષિણેશ્વર ગયાં. ત્યાં ઠાકુર સાથે થોડી વાતચીત કર્યા બાદ તેઓ નોબતમાં બેસીને જપ કરવા લાગ્યાં. જપના અંતે પ્રણામ કરીને ઊઠતાં પંચવટી તરફથી ઠાકુરે આવીને પૂછ્યું : ‘તમે અત્યાર સુધી આટલા જપ કેમ કરો છો ? તમારું તો ઘણું બધું સિદ્ધ થઈ ચૂકયું છે ?’  બ્રાહ્મણીએ ઉત્તર આપ્યો : ‘જપ ન કરું ? શું મારું બધું સિદ્ધ થઈ ગયું છે ?’ ઠાકુર : ‘બધું થઈ ગયું છે.’ ગોપાલની મા : ‘શું કહ્યું ? મારું બધું થઈ ગયું છે ?’ ઠાકુર : ‘હા, તમારે પોતાને માટે કરવાનાં જપ-તપ બધાં થઈ ગયાં છે. તો પણ (પોતાનું શરીર બતાવીને) આ શરીરને સારું રાખવા માટે ઇચ્છો તો જપ કરી શકો છો.’ ગોપાલની મા : ‘તો હવેથી જે કંઈ કરીશ બધું તમારા માટે, તમારા અને તમારા માટે જ કરીશ.’ એ પછી એમણે જપ માળાની થેલીને ગંગામાં ફેંકી દીધી. પરંતુ ઘણા દિવસો પછી એમણે વિચાર્યું : ‘કાંઈક તો કરવું જ જોઈએ. ચોવીસ કલાક સુધી શું કરીશ ?’ એથી ગોપાલ અર્થાત્ શ્રીરામકૃષ્ણના કલ્યાણ માટે તેઓ માળા ફેરવવા લાગ્યાં. (શ્રીરામકૃષ્ણ પોતાને ગોપાલ માનતા હતા અને અઘોરમણિની અંદર અધિષ્ઠિત ગોપાલના ભોજનથી જ એમનું ભોજન થઈ જતું - આ બાબતની એક ઘટનાનો ઉલ્લેખ યોગાનંદના પ્રસંગમાં કરવામાં આવ્યો છે. (લીલાપ્રસંગ, ગુરુભાવ, ઉત્તરાર્ધમાં જોઈ શકાય છે.))

અઘોરમણિ બાળવિધવા હતાં. આથી તેઓ આચારનિષ્ઠાને અત્યંત પ્રમાણમાં વળગી રહેતાં. શરૂ શરૂમાં ઠાકુરની પાસે આવતાં ત્યારે એક વખત રસોઈ બનાવી લીધા પછી શ્રીરામકૃષ્ણની પાતળમાં હાંડીમાંથી ભાત પીરસતાં હતાં ત્યારે ભાતના ચમચાને શ્રીરામકૃષ્ણ અડી ગયા અને પરિણામે એ દિવસે અઘોરમણિનું ભોજન જ ન થયું. જે દિવસે તેઓ દક્ષિણેશ્વરમાં આવીને રસોઈ બનાવીને જમતાં એ દિવસે શ્રીમા ઠાકુરને માટે પહેલાં દાળ-ભાત બનાવી લેતાં પછી છાણ અને ગંગાજળથી ચૂલો લીંપીને બ્રાહ્મણી પોતાના માટે ભોજન રાંધતાં. પરંતુ ગોપાલના સાક્ષાત્કાર પછી એમના ભાવતરંગમાંથી આચારનિષ્ઠા ક્યાંય ચાલી ગઈ. ‘ગોપાલ જ્યારે જે કંઈ માંગે ત્યારે તે તેને આપવું પડે છે. પછી ખાતાં ખાતાં તે માના મુખમાં પણ અન્ન ખોસી દે છે અને એ ફેંકવું મુશ્કેલ બની જાય છે કેમ કે એથી ગોપાલ રડવા લાગે છે.’ બ્રાહ્મણી સમજી ગયાં કે આ શ્રીરામકૃષ્ણદેવની જ લીલા છે. એ પછી આ બાબતનું પ્રત્યક્ષ પ્રમાણ મેળવીને પોતાના ભોજન વગેરે બાબતોમાં કોઈ વિરોધ રાખી શકયાં નહીં.

એક દિવસ બ્રાહ્મણી એક પૈસાનાં પતાસાં લઈને દક્ષિણેશ્વર પહોંચ્યાં. ત્યાં એમણે જાયું કે ધનવાન ભક્તો મૂલ્યવાન પદાર્થો લાવ્યા છે. આથી એમની પાસે ખાવાનું માગ્યું હોવા છતાં પણ તેઓ શરમને લઇને તે આપી શક્યાં નહીં. તો પણ ઠાકુરે ભાવાવસ્થામાં એમાંથી એકાદ- બે પતાસાં ઉપાડીને ખાધાં. પછી ઘરે પાછાં જતી વખતે ગોપાલની મા બાકી વધેલાં પતાસાં પાછાં લઇ આવ્યાં. એ પ્રસાદ બની ગયો એમ માનવા છતાં પણ રસ્તામાં આવવાને કારણે એ હવે અપવિત્ર બની ગયો છે એમ માનીને એમણે એ પતાસાં માળીને આપી દીધાં. એ પછી તેઓ એક દિવસ ખડદહમાં શ્યામસુંદર દેવનાં દર્શન કરવા ગયાં હતાં. ત્યાંથી આવતી વખતે પૂજારીએ એમને પ્રસાદ આપ્યો. પ્રસાદ લઇને તેઓ જતાં હતાં. એટલામાં કોઇ એક બ્રાહ્મણે મંદિરની સીડીની ધાર ઉપર ઊભા રહીને પરિચિત સ્વરે કહ્યું :‘કેમ ખાશોને ? કે શું પાછાં માળીને આપી આપી દેશો ?’ બ્રાહ્મણી ચોકી ગયાં. ત્યાં આ તો શ્રીરામકૃષ્ણનો કંઠસ્વર હતો. પણ ચહેરો જુદો હતો. તુરત જ તેઓ દક્ષિણેશ્વર આવ્યાં. રડતા કંઠે કહ્યું : ‘બાબા, મેં અપરાધ કર્યો છે. મારું હવે શું થશે ?’ ચિરશિશુ શ્રીરામકૃષ્ણ એ પ્રસંગની વાત સાંભળીને ફક્ત હસી પડયા.

સતત બે મહિના સુધી અઘોરમણિ વાત્સલ્યરસના પ્રબળ તરંગોમાં તરતાં રહ્યાં અને બાળગોપાલને ખોળામાં કે પીઠ પર બેસાડીને રહેવા લાગ્યાં. આટલા લાંબા સમય સુધી ચિન્મય નામ, ચિન્મય ધામ અને ચિન્મય શ્યામની પ્રત્યક્ષ અનુભૂતિ બહુ જ ઓછા ભાગ્યશાળીઓને માટે શક્ય છે. બે મહિના પછી આ ભાવાવેશ થોડો ઓસરી જતાં અઘોરમણિ એકાગ્રચિત્તે થોડું વિચારતાં જ બાળગોપાલનાં દર્શન કરી શકતાં હતાં. એમનું પાછળનું જીવન આ પ્રકારના લીલા - દર્શનનો ઈતિહાસ જ છે.

ઈ.સ.૧૮૮૫ના ઊલટા રથ (પુનર્યાત્રા)ના દિવસે ઠાકુર બલરામ મંદિરમાં બે દિવસ અને બે રાત રોકાયા હતા અને ત્યાં કીર્તનાનંદમાં બધાને તરબોળ કર્યા હતા.એમના ભાવના આવેશથી લગભગ બધા ભક્તો એમની પાસે આવ્યા હતા પરંતુ એમાં ગોપાલની મા નહોતાં. ઠાકુરે જલપાન કરતી વખતે સ્ત્રી ભક્તોને એમના સૌભાગ્યની વાત કહેતાં જણાવ્યું કે ‘તને એમને અહીં બોલાવોને !’ સમાચાર સાંભળીને બલરામે એ વખતે તેડી લાવવા માણસ મોકલ્યો. સંધ્યાકાળે બીજા માળના ઉપરના હોલમાં ઠાકુર ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એટલામાં એકાએક તેઓ બાલગોપાલની મુદ્રાની જેમ ઘૂંટણિયાભેર થઇને એક હાથ જમીન પર ટેકવીને ભાંખોડિયા ભરતા હોય તેમ બેસીને, બીજો હાથ ઉપર ઊઠાવીને ઉપર તરફ જોતા કંઇક માગવા લાગ્યા. ભાવની તીવ્રતાને કારણે એમનાં અંગ-પ્રત્યંગ ચિત્રમાં અંકિત થયેલા બાલગોપાલની જેમ બની ગયાં. એમનું મસ્તક અને બંને નેત્રો અર્ધાં ઊંચાં થયાં. બરાબર એ જ વખતે ગોપાલની મા ત્યાં આવી પહોંચ્યા અને તેમણે ઠાકુરને પોતાના ઈષ્ટદેવના રૂપમાં જોયા. ત્યાં હાજર રહેલા બધા લોકો ગોપાલની માને આદર આપીને કહેવા લાગ્યાં કે એમની ભક્તિના પ્રભાવથી જ ઠાકુરે સાક્ષાત્ ગોપાલનું રૂપ ધારણ કર્યું છે. ત્યારે ગોપાલની માએ કહ્યું : ‘પરંતુ મને ભાવથી આવો લાકડા જેવો જડ થઇ જાય એવો ગોપાલ ગમતો નથી. મારો ગોપાલ તો હસશે, રમશે, ફરશે,દોડશે, ત્યારે જ મને આનંદ મળશે. પરંતુ આ શું ? આ તો એકદમ લાકડું છે. આવા ગોપાલનું મારે કંઇ કામ નથી.’ વાસ્તવમાં ઠાકુર જે દિવસે પહેલવહેલા કામારહાટી ગયા હતા એ દિવસે એમનો એવો ભાવ જોઇને અઘોરમણિએ ભયથી દુ:ખી થઇને ઠાકુરના શ્રીઅંગને ધકેલી દેતાં કહ્યું હતું :‘બાબા, તમે એવા કેમ બની ગયા ?’

ગોપાલનાં અવિરત દર્શન જ્યારે બંધ થઇ ગયાં ત્યારે ગોપાલની માએ ભયભીત થઇને આંસુ સારતાં સારતાં શ્રીરામકૃષ્ણને કહ્યું હતું : ‘ગોપાલ, તમે મારી આવી હાલત કેમ બનાવી દીધી ? મારીથી ક્યો અપરાધ થઇ ગયો છે ? તમને હું પહેલાંની જેમ ગોપાલરૂપે કેમ જોઇ શકતી નથી ?’ ઠાકુરે ઉત્તર આપ્યો : ‘સતત એવું દર્શન થતું રહેવાથી કળિયુગમાં શરીર ટકતું નથી. એકવીસ દિવસ શરીર રહીને પછી સૂકા પાંદડાની જેમ તે ખરી જાય છે.’ ગોપાલનું દર્શન ઓછું થઇ જવાથી એક વિપરીત પરિસ્થિતિ ઊભી થઇ. વાયુપ્રધાન પ્રકૃતિમાં વ્યાકુળતા વધતાં એમની છાતીની અંદર ભયંકર પીડા થવા લાગી. એથી એમણે ઠાકુરને કહ્યું : ‘મારી છાતી જાણે કોઈ કરવતથી ચીરી રહ્યું છે.’ ઠાકુરે તેમને આશ્વાસન આપતાં કહ્યું : ‘એ તો તમારો હરિવાયુ છે. તે ચાલ્યો ગયો તો તમે કોને લઇને રહેશો ? તે રહે તો સારું છે. જ્યારે વધારે કષ્ટ થાય ત્યારે કંઇક ખાઇ લેજો.’ આટલું કહીને ઠાકુરે એમને ઘણી સારી સારી ચીજો ખવડાવી.

ઠાકુર સકામ વ્યક્તિઓ દ્વારા લાવવામાં આવેલા ખાદ્ય પદાર્થો ભક્તોને ખાવા આપતા નહીં. પરંતુ નરેન્દ્ર એક જ આમાં અપવાદ હતો. આ પ્રકારની જીવન્મુક્તિની અવસ્થા જોઈને ગોપાલની માના સંબંધમાં પણ ઠાકરનું આવું જ વલણ જોવા મળતું હતું. એક દિવસ કેટલાક સકામ આગંતુકો ઘણી ખાવાની વસ્તુઓ લઈને આવ્યા હતા. તેઓ ઠાકુરના ઓરડામાં બેઠા હતા. એટલામાં ગોપાલની મા ત્યાં આવી પહોંચ્યાં. તેઓ ઠાકુરની પાસે બેસી ગયાં. એ સમયે જેમ બાળક માને વહાલ કરે તેમ ઠાકુરે પણ એમના મસ્તકથી પગ સુધી બધાં અંગો પર હાથ ફેરવીને ગોપાલની માનું શરીર બધાંને બતાવતાં કહ્યું : ‘આ ખોખલા શરીરમાં કેવળ હરિ જ છે. આ શરીર હરિમય છે.’ ગોપાલની મા નિર્વિકારભાવે બેઠાં હતાં. ઠાકુરે એમનો ચરણ-સ્પર્શ કર્યો તોય તેમણે તેનો વિરોધ ન કર્યો. પછી ત્યાં જે ઉત્તમ ખાદ્યસામગ્રી હતી તે બધી ખેંચી લાવીને ઠાકુર એમને ખવડાવવા લાગ્યા. જ્યારે દક્ષિણેશ્વરમાં ગોપાલની મા આવતાં ત્યારે ઠાકુર એમને આ રીતે ખવડાવતા. આ કારણે એક દિવસ એમણે પૂછ્યું : ‘ગોપાલ, તમે મને પ્રેમ કરીને આટલું બધું કેમ ખવડાવો છો ?’ ઠાકુરે ઉત્તર આપ્યો : ‘તમે તો પહેલાં મને ખૂબ ખવડાવ્યું હતું.’ ગોપાલની માએ કહ્યું : ‘મેં પહેલાં ક્યારે તમને ખવડાવ્યું હતું ?’ ઠાકુરે કહ્યું : ‘જન્માન્તરમાં.’ એ દિવસે ગોપાલની મા દક્ષિણેશ્વરમાં રહ્યાં. સંધ્યાકાળે કામારહાટી પાછાં જવા માટે ઊભા થયાં ત્યારે ઠાકુરે ભક્તોએ લાવેલી સાકર એમને આપી. ગોપાલની માએ તેનો વિરોધ કર્યો ત્યારે ઠાકુરે એમની હડપચી પકડીને પ્રેમથી કહ્યું : ‘અરે, તમે હતાં ગોળ, બની ગયાં ખાંડ અને હવે પછી સાકર બની ગયાં છો. સાકર ખાઓ અને આનંદ કરો.’

સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે ગોપાલની મા પ્રત્યે ઠાકુરની સાવધાન દૃષ્ટિ હતી. બલરામ ભવનમાં પૂર્વે જણાવેલ ઊલટા રથના દિવસે ઠાકુર જ્યારે હોડીમાં બેસીને દક્ષિણેશ્વર ચાલ્યા તો બાળભક્તોની સાથે ગોપાલની મા પણ હોડીમાં બેઠાં. એમની પાસે એક મોટી પોટલી હતી. બ્રાહ્મણીને ગરીબ માનીને બલરામબાબુના કુટુંબીજનોએ એમને વસ્ત્ર વગેરે અનેક જરૂરી વસ્તુઓ આપી હતી. જે ઠાકુર ગોપાલની મા સાથે અત્યાર સુધી અત્યંત સ્નેહપૂર્ણ વ્યવહાર કરતા આવતા હતા, તે એ પોટલી જોતાં જ એકદમ બીજા જ માણસ બની ગયા. ભગવદ્‍ભાવનો પ્રવાહ અવરોધ આવતાં બીજી દિશામાં વહેવા લાગ્યો. એમણે ગોપાલની માની સાથે કંઈ જ વાત ન કરી. બીજા આગળ વૈરાગ્ય મહિમાનું વર્ણન કરતા કરતા તેઓ વારંવાર પોટલી તરફ જોવા લાગ્યા. એ જોઈને ગોપાલની માને ખૂબ જ દુ:ખ થયું. એમને એવું લાગ્યું કે ‘આ પોટલીને કારણે મારા ગોપાલ મારી સાથે બોલતા નથી. એના કરતાં તો આ પોટલીને ગંગાજળમાં ફેંકી દેવી જ સારી.’ પણ પછી તેઓ દક્ષિણેશ્વર પહોંચ્યાં. ત્યાં તેમણે શ્રીમાને કહ્યું : ‘અરે વહુ, ગોપાલ આ પોટલી જોઈને નારાજ થઈ ગયો છે. હવે શું કરું ? આ વસ્તુઓને અહીં જ વહેંચી દઉં.’ વૃદ્ધાની મનોવેદના જોઈને કરુણામયી માએ કહ્યું : ‘તેઓ ભલે કહેતા, અહીં આવી વસ્તુઓ આપવા જેવા કોઈ માણસો પણ નથી. તમે શું કરશો, મા ? તમને જરૂર હતી એટલે તો તમે આ વસ્તુઓ લાવ્યાં છો ?’ તો પણ ગોપાલની માએ થોડી વસ્તુઓ ત્યાં વહેંચી દીધી અને એમાંથી થોડું શાક બનાવીને બીતાં બીતાં ઠાકુરને ખવડાવવા ગયાં. વૃદ્ધાને પશ્ચાત્તાપ કરતાં જોઈને એ સમયે ઠાકુર પ્રસન્ન થયા; એથી ગોપાલની માને સાંત્વના મળી અને પછી તેઓ કામારહાટી પાછાં ગયાં.

અશેષ રહસ્યમય ઠાકુરે એક દિવસ વૃદ્ધાને કહ્યું કે તેઓ પોતાનાં દર્શન-અનુભૂતિ વગેરેની વાત નરેન્દ્રને જણાવે. એ અગાઉ પોતાને જે કંઈ દર્શન થતાં તે સઘળાં વિશે તેઓ શ્રીરામકૃષ્ણને જણાવતાં રહેતાં. આથી આ બાબતમાં ઠાકુરે એમને સાવધાન કરી દીધાં હતાં કે તે દર્શનાનુભૂતિની વાત કોઈનેય કહેવી ઉચિત નથી, એટલે સુધી કે એમને પણ નહીં કેમ કે કહી દેવાથી ફરીથી એવાં દર્શન થતાં નથી. આ કારણે આજે બીજા પ્રકારનો આદેશ મેળવીને ગોપાલની માએ પૂછ્યું : ‘તો એથી કંઈ હરકત તો નહીં થાય ને, ગોપાલ ?’

ઠાકુરે આશ્વાસન આપ્યું કે કંઈ નહીં થાય. એ પછી ગોપાલની મા નરેન્દ્રને બધું કહેતાં કહેતાં વચ્ચે વચ્ચે પૂછવા લાગ્યાં : ‘બેટા, તમે લોકો પંડિત અને બુદ્ધિમાન છો. હું તો ગરીબ અને દુ:ખી છું. હું કંઈ પણ જાણતી નથી અને સમજતી પણ કંઈ નથી. તું બતાવ, મારાં આવા દર્શન મિથ્યા તો નથી ને ?’ વૃદ્ધાની ભક્તિ, પ્રેમ, ભાવાવસ્થા, દર્શન વગેરેનું વર્ણન સાંભળતાં નરેન્દ્ર પોતાને સંભાળી ન શકયા. આંસુ સારતાં તેમણે કહ્યું : ‘નહીં મા, તમે જે કાંઈ જોયું તે બધું સાચું છે.’

આ દરમિયાન એક દિવસ સવારે દસ વાગે શ્રીરામકૃષ્ણ રાખાલને લઈને કામારહાટી પહોંચ્યા. ગોપાલની મા અત્યંત આનંદિત બન્યાં. તેઓ તેમના જલપાનની વ્યવસ્થા કરવા લાગ્યાં. દત્તબાબુની બેઠકમાં ગાદી પાથરીને ત્યાં તેમને બેસાડયા અને પછી તેઓ રસોઈ કરવા લાગ્યાં. અહીં-તહીં માગીને જે મળ્યું એનાથી ભોજન બનાવીને એમને જમાડયા. પછી દક્ષિણ બાજુના ઓરડામાં બીજા માળે એમને માટે પોતાની રજાઈ પાથરી, ઉપર ધોયેલી ચાદર પાથરીને ઠાકુરને આરામ લેવાની વ્યવસ્થા કરી. રાખાલ પણ ત્યાં જ ઠાકુર પાસે સૂઈ ગયા. આ સમયે ત્યાં ઠાકુરે કંઈક દુર્ગંધનો અનુભવ કર્યો. પછી તેમણે ઓરડાના ખૂણામાં જોયું તો પ્રેતના હાડપિંજર જેવી બે મૂર્તિ ત્યાં ઊભી રહીને પ્રાર્થના કરી રહી છે : ‘આપ અહીં શા માટે છો ? આપ અહીંથી જાઓ. આપનાં દર્શનથી અમને અહીં બહુ જ કષ્ટ થાય છે.’ એ જ ઘડીએ ઠાકુર ત્યાંથી ચાલી નીકળ્યા. રાખાલ પણ સાથે સાથે ચાલ્યા. ઠાકુરે ગોપાલની માને આ વિશે કંઈ જ જણાવ્યું નહીં કેમ કે વૃદ્ધાને તો ત્યાં જ રહેવાનું હતું. પણ પછીથી એમણે રાખાલને બધું જણાવ્યું હતું.

ઠાકુરના લીલાવસાન પછી શોકથી સંતપ્ત અને ગોપાલના ચિંતનમાં સદા મગ્ન ગોપાલની મા સર્વત્ર ગોપાલનાં દર્શન કરી ધન્ય થયાં હતાં. માહેશની રથયાત્રાના ઉત્સવ વખતે એક વખત તેઓ હાજર હતાં ત્યારે એમણે જોયું કે રથ, રથની ઉપર બિરાજેલા જગન્નાથદેવ અને જે લોકો રથને ખેંચી રહ્યા છે તેઓ અને સઘળા દર્શનાર્થી લોકો બધા ગોપાલનાં જ રૂપ છે. એ અનુભવના સંબંધમાં એમણે એક સ્ત્રીભક્તને કહ્યું હતું : ‘એ વખતે હું મારામાં ન હતી. નાચી-કૂદીને પાગલ જેવી બની ગઈ હતી.’ બીજા કોઈ વખતે એમણે ભોજન સમયે ભાવમાં ગદ્‍ગદ થઈને ત્યાં ઉપસ્થિત સ્ત્રીભક્તોને ગોપાલ માનીને પોતાના હાથે ખવડાવ્યું હતું.

દર્શન વગેરેનાં ફળ રૂપે ગોપાલની માનું મન એટલું બધું ઉદાર થઈ ગયું હતું કે ઠાકુરના લીલાકાળમાં એક દિવસ દક્ષિણેશ્વરમાં નરેન્દ્રે એક વાટકામાં મહાપ્રસાદ ખાધો અને તે ત્યાંથી ઊઠી ગયા બાદ ઠાકુરે એક સ્ત્રીભક્તને એ જગ્યા સાફ કરવા કહ્યું ત્યારે ગોપાલની માએ જાતે જ એ જગ્યા સાફ કરી હતી. એ જોઈને ઠાકુરે આનંદથી કહ્યું : ‘જુઓ, જુઓ, દિવસો દિવસ આ કેવી ઉદાર બનતી જાય છે !’ સ્વામીજી વિદેશથી પશ્ચિમી શિષ્યો સાથે પાછા આવ્યા પછી એક દિવસ એમણે ગોપાલની માને કહ્યું હતું : ‘મારા શિષ્યો ‘સાહેબ-મેમ’ છે. શું તમે એમને તમારી પાસે આવવા દેશો કે તેથી તમારી જાત બદલાઈ જશે ?’ આનો ઉત્તર આપતાં એમણે કહ્યું : ‘એવું કેમ, બેટા ? તેઓ તારાં સંતાન છે. એમને હું પૌત્ર-પૌત્રી માની ખોળામાં લઈશ. તને કોઈ ડર નથી.’ સાચેસાચ જોવામાં આવ્યું કે જે દિવસે ગોપાલની માએ નિવેદિતાને સ્વામી સદાનંદ સાથે પહેલવહેલાં બાગબજારના રસ્તામાં જોઈ ત્યારે એમણે પૂછ્યું : ‘કહે, ગુપ્ત, આ કોણ છે ? શું નરેનની બેટી છે, જે એની સાથે આવી છે ?’ અનુમાનથી સાચું જાણીને બ્રાહ્મણીએ નિવેદિતાની હડપચીનો સ્પર્શ કરીને પોતાનો હાથ ચૂમી લીધો અને સાથે સાથે એમનો જમણો હાથ પકડીને ચાલવા લાગ્યાં. એક દિવસ કુમારી મેકલાઉડ, શ્રીમતી સારાબુલ અને બહેન નિવેદિતા હોડીમાં બેસીને કામારહાટી પહોંચ્યાં. ગોપાલની માએ એમને આદરપૂર્વક પોતાની પથારી પર બેસાડયાં, એમની ચિબુક પકડીને ચૂમી, એમને મમરા અને નાળિયેરના લાડુ ખાવા માટે આપ્યા. વિદેશી મહિલાઓએ અત્યંત આનંદથી એ ખાધાં અને પછી તેઓ ત્યાંથી પાછાં ફર્યાં. સ્વામીજીએ એમના મુખેથી આ બધું સાંભળીને કહ્યું હતું : ‘તમે પ્રાચીન ભારતનો મહાન આદર્શ જોઈ આવ્યાં છો ! ઉપાસના અને આંસુ સારવાં, ઉપવાસ અને જાગરણ, બ્રહ્મચર્ય અને તપસ્યામય ભારત વિદાય લઈ રહ્યું છે, ફરી તે પાછું નહીં આવે !’

ઠાકુરની પ્રગટ લીલા સમાપ્ત થયા બાદ ગોપાલની મા કયારેક કયારેક બલરામબાબુના ઘરે આવીને રહેતાં હતાં. એ સમયે સ્ત્રીઓ બાળકને કાખમાં તેડીને જેમ વાંકી વાંકી ચાલતી હતી તેમ જ તેઓ ચાલીને મીઠાઈની દુકાને જતાં અને બીજા લોકોથી અદૃશ્ય રહેલા ગોપાલની સાથે વાતો કરતાં કહેતાં : ‘ખાઈશ, ખાઈશ? ખા, ખા, જેટલું ઇચ્છે એટલું ખાઈ લે. હું કેવી રીતે આટલું ખરીદી શકીશ ?’ અઘોરમણિ પાસે એક પાળેલી બિલાડી હતી. તેઓ એમાં પણ ગોપાલનાં દર્શન કરતાં હતાં. એક દિવસ બસુપાડા લેન નં. ૧૭ના મકાનમાં નિવેદિતાના ખભા ઉપર તે બિલાડી પડી હતી. પરંતુ નિવેદિતા નિર્વિકાર હતાં ! સેવિકા બિલાડીને ભગાડી દેવા માટે ઊઠી તો ગોપાલની માએ કહ્યું : ‘શું કર્યું, શું કર્યું ? ગોપાલ ચાલ્યો ગયો. ગોપાલ ચાલ્યો ગયો !’ શરીર છોડતાં પહેલાં ગોપાલના ભાવમાં તલ્લીન અઘોરમણિની એવી અવસ્થા થઈ ગઈ હતી કે તેઓ ‘હું ખાઈશ, હું સૂઈશ’ વગેરે કહેતાં ‘ગોપાલ ખાશે, ગોપાલ સૂશે’ એવું કહેતાં હતાં.

ફક્ત એટલું જ નહીં, પણ ગોપાલ જ હતો એમના સમસ્ત જ્ઞાનનું મૂળ. ઈ.સ. ૧૮૮૭ના અંત ભાગમાં જ્યારે તેઓ બલરામબાબુના ઘરે રહેતાં હતાં ત્યારે એક દિવસ સાંજે થોડા ભક્તો એમને અનેક પ્રકારના પ્રશ્ર્નો  પૂછવા લાગ્યા. ઉત્તરમાં એમણે કહ્યું : ‘અરે હું સ્ત્રી છું ! વૃદ્ધા છું ! શું હું કંઈ તમારાં શાસ્ત્રોની વાત જાણું છું? તમે લોકો શરત્, યોગેન, તારક વગેરે પાસે જઈને પૂછો.’ પ્રશ્ન પૂછનારે જિદ્દ કરતાં તેમણે કહ્યું : ‘સારું થોભો. હું ગોપાલને પૂછું છું. અરે, ગોપાલ, અહીં આવ. આ લોકો શું પૂછે છે સાંભળ. મારી સમજમાં કંઈ નથી આવતું. બેટા, તું આમને બતાવી દેને.’ એ પછી પ્રશ્ન ચાલવા લાગ્યા અને ઉત્તર પણ આવવા લાગ્યા : ‘ગોપાલ કહે છે...’ અદૃષ્ટમાં વૃદ્ધા જાણે કોઈ સાથે વાતો કરવા લાગ્યાં. આ રીતે થોડો સમય પસાર થઈ ગયો, પછી ગોપાલની મા એકાએક બોલી ઊઠયાં : ‘અરે, ગોપાલ, તું કેમ ચાલ્યો જાય છે ? આમની વાતોનો ઉત્તર નહીં આપે ?’ ગોપાલ ચાલ્યો ગયો. પછી કોઈ પ્રશ્નનો ઉત્તર ન મળ્યો.

વચ્ચે વચ્ચે તેઓ ત્યાગી ભક્તોના મઠમાં જઈને સાધુઓની વિનંતીથી રસોઈ બનાવતાં અને તેમને જમાડતાં. સાધુ પ્રત્યે એમનું મન અનુપમ માતૃસ્નેહથી ભરેલું રહેતું. સ્વામીજીના દિવંગત થવાની વાત જ્યારે એમની પાસે પહોંચી ત્યારે તેઓ કામારહાટીના પોતાના ઘરમાં ઊભાં હતાં. સમાચાર સાંભળતાં જ એમનું શરીર ધ્રૂજી ઊઠયું, માથું ફરવા લાગ્યું અને આંખે અંધારું આવી ગયું. ‘હેં... નરેન નથી રહ્યો ?’ કહીને તેઓ એકાએક પડી ગયાં ! પડવાથી એમની કોણી પાસેનું હાડકું તૂટી ગયું એથી ત્યાં પાટો બાંધી રાખવામાં આવ્યો હતો.

સ્વામીજીની વિનંતીથી એમણે એક વખત બે સ્ત્રી ભક્તોને મંત્ર આપ્યા હતા. એ સ્ત્રીઓએ પહેલાં દીક્ષા માગી ત્યારે ગોપાલની મા તે માટે સંમત થયાં ન હતાં. એ જોઈને સ્વામીજીએ કહ્યું હતું : ‘શું તમે કંઈ સાધારણ સ્ત્રી છો ? તમે જપમાં સિદ્ધ છો. તમે દીક્ષા નહીં આપો તો કોણ આપશે ? હું કહું છું કે તમે તમારા ઈષ્ટમંત્રને જ આપી દો. એથી એમનું કામ થઈ જશે. એથી તમને શું નુકસાન થવાનું છે ?’ દીક્ષા પછી નિ:સ્પૃહ ગોપાલની મા ગુરુદક્ષિણા લેવા ઇચ્છતાં ન હતાં. એ જોઈને બલરામબાબુએ કહ્યું : ‘બીજું કંઈ ન લો તો ઓછામાં ઓછો એકેક રૂપિયો તો લઈ જ લો.’ શિષ્યાઓને દુ:ખ ન થાય એટલા માટે જ તેમણે ફક્ત એકેક રૂપિયો લીધો અને કહ્યું : ‘જુઓ, મા, હૃદય-મન આપવાની વાત છે ! રૂપિયો તો તુચ્છ છે ! નામ લેવું સાધારણ વાત નથી. ઓછામાં ઓછા દસ હજાર જપ થયા બાદ આસન છોડીને ઊઠજો.’

કામારહાટીના બગીચામાં ભૂતોનો ઉપદ્રવ હતો. દત્ત ગૃહિણી હતાં ત્યારે તો ત્યાં ચોકીદાર પહેરો ભરતો. પણ પછી એ બંધ થઈ ગયો. આથી સ્વામી સારદાનંદે પોતાને ખર્ચે ત્યાં એક માળી નીમી દીધો હતો. એ સિવાય બીજું કોઈ એ બગીચામાં રહેતું નહીં. સ્વામીજીના શરીર છોડવાના સમાચાર મળતાં પડી જવાથી ગોપાલની માનો જ્યારે એક હાથ ભાંગી ગયો હતો ત્યારે ત્યાં એક સેવિકાની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ ગોપાલની મા તેને ત્યાં રાખવા ઇચ્છતાં નહોતાં. એટલે વારંવાર તેને કહ્યા કરતાં : ‘કયારે જઈશ ? શું તું અહીં રહેવાની છો ? તારો મતલબ શું છે ? આવી વાતો કરું છું એ મનમાં ન લાવતી.’ એ પહેલાં (ઈ.સ. ૧૯૦૧) એમને મરડાનું દર્દ થઈ ગયું હતું. પુત્રી જેવી એક સેવિકા ત્યાં રહેતી હતી અને બ્રહ્મચારી હોમિયોપેથિક દવા આપી આવતા હતા. સ્વામી બ્રહ્માનંદ, સારદાનંદ અને નિવેદિતા વગેરે અવારનવાર એમને જોઈ આવતાં હતાં. સ્વામીજી પણ એક વખત જોવા ગયા હતા. સેવિકાને જોઈને અઘોરમણિએ કહ્યું હતું : ‘અહીં કેમ આવી ? અહીં ખૂબ તકલીફ વેઠવી પડશે. મારે તો ગોપાલ છે. તું ક્યાં સૂઈશ ? બધા ઓરડાઓને તાળાં છે. એક ઓરડો ઠીક કર ! પૂજારી બ્રાહ્મણને કહે. તે એક ઓરડો ખોલી આપશે. જો રાતે જ્યારે અવાજ સંભળાય ત્યારે ખૂબ જપ કરજે. શરૂઆતમાં જ હું તને જણાવી દઉં છું. અહીં અનેક પ્રકારનાં દૃશ્યો છે.’ રાત્રે સેવિકાની અગ્નિ પરીક્ષા થવા લાગી. છત પર ધડધડાટ અવાજ. કઠેરા પર અવાજ, એક નિ:સ્તબ્ધ ભાવ. આવું જાણવા છતાં ગોપાલની માનું દીર્ઘજીવન ત્યાં જ પસાર થયું !

ઠાકુરના શિક્ષણથી અપરિગ્રહમાં સ્થિર થયેલાં અઘોરમણિને કોઈ કાંઈ આપવા આવતું તો તેઓ એ લેતાં નહીં. મચ્છરોના ત્રાસને પરિણામે એક વખત એમને મચ્છરદાનીની જરૂર પડી. એમણે એક સસ્તી મચ્છરદાની ખરીદી લાવવા કહ્યું. પણ એક ભક્ત મોંઘા ભાવની મોટી મચ્છરદાની લાવ્યા તેથી તેમને ખૂબ મૂંઝવણ થવા લાગી હતી. છેવટે એ મોટી મચ્છરદાનીની નાની મચ્છરદાની સાથે અદલાબદલી કરી ત્યારે જ તેમને નિરાંત થઈ. કોઈ શિષ્યાએ એમને કંઈ આપવાની ઇચ્છા કરી ત્યારે એમણે કહ્યું હતું : ‘તું શું આપીશ ? ગોપાલે મારા બધા જ અભાવોની પૂર્તિ કરી દીધી છે. જ્યારે આવ ત્યારે એક સૂકું કારેલું લેતી આવજે. એથી તારું કામ થઈ જશે.’ આવા વાતાવરણમાં લોકદૃષ્ટિથી દૂર કદાચ તેઓ અંતિમ શ્વાસ છોડીને વિદાય લેત. પરંતુ ઈ.સ. ૧૯૦૪માં એમનો રોગ વધી જતાં શ્રીરામકૃષ્ણના ભક્તો નિશ્ચિંત રહી ન શકયા. આ કારણે સાધુઓ એમને કોલકાતાના બલરામબાબુના ઘરમાં લઈ આવ્યા.

એમણે છેલ્લી વખત કામારહાટી છોડયું ત્યારે સ્વામી બ્રહ્માનંદજીના આદેશથી એક બાળભક્ત કોલકાતાથી થોડી ચીજ-વસ્તુઓ લઈને અગાઉ ત્યાં કામારહાટીમાં પહોંચી ગયો હતો. વૃદ્ધાની આજ્ઞા અનુસાર એમના જ ઘરમાં સૂઈ રહ્યો હતો. પાછલી રાત્રે ઊંઘ ઊડતાં ભક્તે સાંભળ્યું કે માતાપુત્રમાં તુમુલ દ્વંદ્વ ચાલવા લાગ્યું છે. પુત્ર અંધારું હોવા છતાં પણ ગંગામાં ઊછળી પડવા ઇચ્છતો હતો. પરંતુ મા કહેતાં હતાં : ‘ઊભો રહે, ઊભો રહે, હજુ કાગડો સુદ્ધાં બોલ્યો નથી. બેટા મારા, અજવાળું થવા દે. એ પછી નહાજે.’ સવારે ઊઠતાં ભક્તે પૂછ્યું : ‘કોની સાથે વાતો કરતાં હતાં ?’ એમણે સીધી રીતે ઉત્તર આપ્યો : ‘તું નથી જાણતો ? ગોપાલ મારી પાસે રહે છે. તે બહુ જ નટખટ છોકરો છે. તેને હું શાંત કરી રહી હતી.’ બલરામબાબુના ઘરની પાસે આવેલા એક બીજા છોકરાના ઘરે કયારેક કયારેક ગોપાલની મા જતાં હતાં અને ત્યાં ધાણી, મમરા, દહીં, મીઠાઈ વગેરે ખાતાં હતાં. તે લોકો કાયસ્થ હતા. ઈ.સ. ૧૯૦૧માં બ્રાહ્મણીને જ્યારે આમાશયનું દર્દ થયું હતું ત્યારે તે છોકરો સ્વામીજીની આજ્ઞાથી એક મહિનો કામારહાટીમાં રહ્યો હતો. સ્નેહમયી ગોપાલની મા એને પોતાના ઓરડામાં જ રાખતાં હતાં. તે છોકરો જોતો કે વૃદ્ધામાં હરવાફરવાની શક્તિ ન હોવા છતાં પણ એવા ગંભીર રોગની પીડામાં પણ તેઓ બંને વખત કપડાં બદલતાં અને ઘણીવાર સુધી માળા જપતાં. બાકીના સમયે સૂતાં સૂતાં જ નામ જપ કરતાં. સૂતેલી સ્થિતિમાં પણ એમના મુખેથી ઉચ્ચ સ્વરે રામકૃષ્ણ નામ નીકળતું હતું.

તેઓ બલરામ ભવનમાં થોડા દિવસ રહ્યાં. નિવેદિતા એમને પોતાને ત્યાં લઈ જવા ઇચ્છતાં હતાં. ઉદાર બ્રાહ્મણી આનંદથી બસુપાડા લેનના ૧૭ નંબરના મકાનમાં ચાલ્યાં ગયાં. સ્વામીજીની માનસપુત્રી નિવેદિતા પણ માતાની જેમ એમની સેવા કરતાં હતાં. એમના ભોજનની વ્યવસ્થા બાજુમાં રહેતા એક બ્રાહ્મણના ઘરે કરવામાં આવી હતી. જ્યાં સુધી વૃદ્ધામાં ચાલવાની શક્તિ હતી ત્યાં સુધી તેઓ દિવસમાં એક વખત એ ઘેર જઈને ભોજન કરી આવતાં હતાં. રાત્રે એ કુટુંબનો કોઈ માણસ પૂરી વગેરે કોઈ ચીજ પહોંચાડી જતો હતો. પછીથી બંને વખતનું ભોજન એમને ઘરે જ પહોંચાડી દેવામાં આવતું હતું. બપોરે દાળ, ભાત, શાક અને રાત્રે ચારપૂરી, થોડી શાકભાજી અને દૂધ. ગોપાલની માને એ સમયે બિલકુલ બાલિકાનો ભાવ હતો. કોઈ દિવસે બપોરે ખાતાં જ નહીં. એક વખત ત્રીજા પહોરે સેવિકાએ આવીને જોયું તો બપોરનું ભોજન એમનું એમ જ પડેલું હતું. એ જોઈને સેવિકાએ કહ્યું : ‘ગોપાલની મા, દિવસ ઢળી ગયો છે અને હજુ સુધી ગોપાલે કંઈ ખાધું નથી ? આસન પર બેસીને એકવાર નટખટ ગોપાલને બોલાવોને ?’ તેમ જ થયું. આંખો ખોલીને હસતાં હસતાં ગોપાલની મા બોલ્યાં : ‘ગોપાલે કહ્યું છે, આજે તે નહીં ખાય.’ લાચાર થઈને સેવિકાએ એક નાની બાળકીની જેમ ગોપાલની માને ખવડાવી દીધું. કયારેક કયારેક રાતના પણ ગોપાલની મા ભોજનમાંથી થોડુંક મોઢામાં નાંખીને પડયાં રહેતાં હતાં. ભોજન સિવાયના સમય દરમિયાન પણ એમની દેખરેખ માટે નિવેદિતાએ નોકરાણીની વ્યવસ્થા કરી હતી.

આમ લગભગ બે વર્ષ પસાર થઈ ગયાં. ધીમે ધીમે ગોપાલની માનો અંતકાળ પાસે આવવા લાગ્યો. વૃદ્ધાની વાચા બંધ થઈ એ પહેલાં શ્રીમા આવીને એમની પાસે બેસી ગયાં. કોઈનો પગરવ સાંભળીને તે બોલ્યાં : ‘ગોપાલ આવ્યો છે ? આવ, આવ; જો આટલા દિવસો સુધી તું મારા ખોળામાં બેસતો હતો, આજે તું મને તારા ખોળામાં લઈ લે.’ અઘોરમણિનું માથું શ્રીમાના ખોળામાં મૂકવામાં આવ્યું. શ્રીમા તેમને પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. પશ્ચિમ આકાશમાં લાલ આભાનાં કિરણોની જેમ આ લોકથી પ્રસ્થાન કરવાવાળાં અઘોરમણિના મુખ પર એક પરમ શાંતિની આભા છવાઈ ગઈ. કોઈ ચીજ લેવા માટે જાણે તેઓ હાથથી ફંફોસવા માંડયાં. શ્રીમા આ કંઈ સમજી શકયાં નહીં. સેવિકાએ સમજાવ્યું કે તેઓ શ્રીમાને ગોપાલ અર્થાત્ શ્રીરામકૃષ્ણરૂપે જોઈને એમની ચરણરજ લેવા માગે છે. એ પછી તેણે પોતાનાં વસ્ત્રથી શ્રીમાની ચરણરજ લઈને અઘોરમણિના શરીર પર ઘસી દીધી. આજે મા નિર્વિકાર હતાં. અઘોરમણિને તેઓ હંમેશાં સાસુ સમાન આદર આપતાં હતાં. એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમાને ભોજન કરતાં જોઈને ગોપાલની માએ કહ્યું હતું : ‘વહુ મા, શું ખાઓ છો ? થોડું મને પણ આપો ને !’ શ્રીમાએ એના ઉત્તરમાં કહ્યું : ‘નહીં રે, હું આપને (એઠું) નહીં આપી શકું.’ પરંતુ આજે વૃદ્ધાનો અંતિમ સમય આવી ગયો છે; આજે એવો વાંધો નથી રહ્યો. મા એ વખતે ધ્યાનમગ્ન બની ગયાં હતાં. બાહ્યજ્ઞાન જ નહોતું તો કોણ રોકે ?

અઘોરમણિનો જન્મ અને વસવાટ ગંગાકિનારે જ હતાં. ગંગાજળથી રસોઈ કરવાની અને તરસ છિપાવવાની હતી; ગંગા કિનારે તપ કરવાનું ને ગોપાલને પામવાના હતા. ગંગાની સાથે તેઓ અભિન્નપણે જીવનભર જોડાયેલાં હતાં. આથી અંતિમ કાળે પણ લોકો એમને જાળવીને ગંગાકિનારે લઈ ગયા. નિવેદિતા પોતે ઉઘાડા પગે એમની સાથે ગયાં હતાં અને તેમણે જાતે જ ફૂલ, ચંદન, માળા વગેરે દ્વારા એમની શય્યા બનાવી દીધી હતી. તેઓ ગોપાલની માના અંતિમ બે દિવસો સુધી ત્યાં એમની પાસે જ રહ્યાં. ઈ.સ. ૧૯૦૬ના ૮ જુલાઈને દિવસે ઊગતા સૂર્યની રક્તિમ આભાથી જ્યારે પૂર્વઆકાશ રંજિત થઈ ઊઠયું તે વખતે ગોપાલની માના શરીરને શોભાબજારના રાજાઓની ગંગાયાત્રાના ઘાટ ઉપર લઈ ગયા અને ત્યાં અર્ધ નિમજ્જિત અવસ્થામાં રાખવામાં આવ્યું. એ સમયે એમના બંને હાથ છાતી પર જપની મુદ્રામાં સ્થિર હતા. મુખમંડળમાંથી જ્યોતિ નીકળી રહી હતી. ભક્તોના કંઠેથી ભવભયહારી ‘તારક બ્રહ્મ’ નામ નીકળીને જાહ્નવીના તરંગધ્વનિ સાથે ભળી રહ્યું હતું. એ સમયે અઘોરમણિએ ગંગાગર્ભમાં રહીને છેલ્લો શ્વાસ છોડી દીધો.

‘શરીર છોડવાના દસ-બાર વર્ષ અગાઉ તેઓ પોતાને સંન્યાસિની માનતાં હતાં અને હંમેશાં ભગવાં વસ્ત્રો જ પહેરતાં હતાં’ (લીલાપ્રસંગ). તેઓ બાગબજારમાંથી એક વખત કૃષ્ણલાલ મહારાજનું દસ હાથ લાંબું એક ભગવું વસ્ત્ર લઈ ગયાં હતાં અને પછીથી કહેતાં હતાં : ‘જુઓ, તમારું આ વસ્ત્ર પહેરવાથી મારો જપ ખૂબ લાગી જાય છે.’ એમના શરીર છોડયા પછી નિવેદિતાએ એમની જપમાળાને રાખી લીધી હતી અને એમણે પૂજા કરેલી શ્રીરામકૃષ્ણની છબી બેલુર મઠમાં શ્રીમાના મંદિરમાં હજુ પણ સુરક્ષિત છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda