Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

રાણી રાસમણિ

રાણી રાસમણિનું નામ શ્રીરામકૃષ્ણ પ્રચાર-ઇતિહાસ સાથે અત્યંત ગાઢ રીતે જડાયેલું છે. બુદ્ધિમતી ધમર્ર્પ્રાણા રાણી શરૂઆતથી જ શ્રીરામકૃષ્ણનો મહિમા જાણી શકયાં હતાં. ભાગ્યવશાત્ રાણી અને એમના જમાઈ શ્રીરામકૃષ્ણનું સર્વ પ્રકારે રક્ષણ કરવાની તથા એમની સાધનાને અનુકૂળ યોગ્ય વાતાવરણ સર્જવાની જવાબદારી અદા કરીને યુગપ્રવર્તનના કાર્યનાં સહાયકરૂપે ચિરસ્મરણીય બન્યાં છે. રાણીની  જીવનકથાનું અનુસંધાન કરવાથી પ્રતીત થાય છે કે સુયોગ અને સુવિધા મળતાં નારી કોઈ પણ ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને કાર્યશક્તિનો વિકાસ કરીને દેશ તથા દેશના અશેષ કલ્યાણકાર્યમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. ખાસ કરીને એમનો સહજ ધર્મભાવ અનુકૂળ વાતાવરણ મળતાં અનાયાસે સહસ્ત્ર દિશાઓમાંં ઝળહળી ઊઠે છે. રાણી ભવાની, સ્વર્ણમયી, રાણી હેમંતકુમારી વગેરે દાનશીલ બંગાળી નારીઓ એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

કોલકાતાની ઉત્તરમાં ગંગાના પૂર્વકિનારે હાલિશહરની પાસે કોના નામે કોઈ એક ગામમાં ઈ.સ ૧૭૯૩ના ૧૧ અશ્વિનને બુધવારે પ્રાત:કાળે માહિસ્ય વંશમાં રાણી રાસમણિનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ હરેકૃષ્ણદાસ (હારુ ઘરામી) અને માતાનું નામ રામપ્રિયાદાસી હતું.રાસમણિનાં માતાપિતા ગરીબ હતાં. પિતા મકાન બાંધકામ અને ખેતી વગેરે દ્વારા કુટુંબનું ભરણપોષણ કરતા હતા. સ્નેહમયી જનનીએ પુત્રીનું નામ રાણી રાખ્યું હતું. પાછળથી ‘ રાસમણિ ’નામ પડયું. આથી ગામવાસીઓ તેને રાણી રાસમણિના નામથી ઓળખતા હતા.*(‘દક્ષિણેશ્વર’ ગ્રંથના પૃષ્ઠ ૫માં લખ્યું છે : ‘દાનમુગ્ધ સાધારણ જનસમુદાયે એમને ‘રાણી’ નામ આપ્યું હતું અર્થાત્ રાણીનું ઉદ્‍બોધન બહુ પાછળથી થયું હતું. અમે અહીં ‘રાણી રાસમણિ’ પુસ્તકના આધારે લખી રહ્યા છીએ.’) આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ હરેકૃષ્ણ થોડું ભણેલા હતા અને રાણીને પણ એમણે વાંચતાં લખતાં શીખવ્યું હતું. એમના ઘરમાં દરરોજ રાત્રે બંગાળીમાં રામાયણ, મહાભારત, પુરાણ વગેરે વંચાતાં અને એ સાંભળવા ગામના લોકો ત્યાં આવતા. એ ઉપરાંત કૃષ્ણભક્તિપરાયણ દાસ દંપતી માળા તિલક વગેરે ધારણ કરતાં હતાં. પુત્રી રાણી પણ નિષ્ઠાપૂર્વક એવું કરતાં શીખી હતી. રાણીનાં મા લાંબું જીવ્યાં નહીં. રાણી સાત વરસની થઈ હતી ત્યારે તેઓ આઠ જ દિવસના તાવમાં પીડા ભોગવીને સ્વર્ગવાસી થયાં હતાં.

ક્રમશ : રાણી અગિયારમા વર્ષમાં પ્રવેશી. તે વખતે એના શરીરનો વાન ગોરો, બાંધો સુંદર, લાંબી ઘટાદાર કેશરાશિ, ભલે રૂપ અનુપમ ન કહેવાય છતાંય સુંદર તો હતું જ. વળી દરેક બાબતમાં તે સુલક્ષણા હતી. એ સમય દરમિયાન જાનબજારના ધનિક જમીનદાર શ્રીયુત પ્રીતરામદાસના પુત્ર શ્રીરાજચંદ્ર બીજીવાર વિધુર થયા હતા. એમના માટે એક કન્યાની શોધ થઈ રહી હતી. રાજચંદ્રબાબુ ઘણીવાર હોડીમાં બેસીને ત્રિવેણીમાં ગંગાસ્નાન કરવા જતા. એ સમયે તેઓ ત્યાં હતા ત્યારે રાણીને જોઈ અને એ લોકોએ રાજચંદ્રબાબુને પણ દૂરથી રાણીને બતાવી. એ પછી પોતાના પુત્રની ઇચ્છા જાણીને પ્રીતરામબાબુએ હરેકૃષ્ણદાસને ત્યાં લગ્નનું માગું મોકલ્યું. હરેકૃષ્ણની સંમતિ મળી ગઈ. પછી ઈ.સ.૧૮૦૪ના ૮ વૈશાખના દિવસે શુભલગ્ન થઈ ગયાં અને રાસમણિ જમીનદારના ઘરમાં વધૂરૂપે આવીને ‘રાણી’ નામથી પ્રસિદ્વ થઈ ગઈ.

અહીં રાણીના સાસરાપક્ષનો થોડો પરિચય આપવો જરૂરી છે. પ્રીતરામનું મૂળ નિવાસસ્થાન હાવડા જિલ્લામાં આવેલા ખોષાલપુર ગામમાં હતું. એમનાં ફોઈ બિન્દુબાલાદાસી સન્નાબાબુઓની કુલવધૂ હતાં. એ કાળે કર વસુલ કરનાર જાગીરદારોના આતંકથી આખું બંગાળ ભયભીત હતું. એ કપરા દિવસોમાં પ્રીતરામ ઘર છોડીને પોતાના બંને નાનાભાઈ રામતનું અને કાલીપ્રસાદને લઈ કોલકાતા આવી પહોંચ્યા અને ફોઈના ઘરમાં રહેતાં-રહેતાં વિદ્યાલયમાં અભ્યાસ કરવા લાગ્યા. એ વખતે અક્રૂરચંદ મન્ના મહાશય ડનકીન સાહેબના દીવાન હતા. પ્રીતરામનો અભ્યાસ પૂરો થતાં મન્નાબાબુએ એમને સાહેબના બેલિયાઘાટમાં આવેલા મીઠાના વ્યાપારમાં સાધારણ પગારથી મુનશી તરીકે નીમી દીધા. એ પછી એમને જૈસોરના મેજિસ્ટ્રેટ સાથે ઓળખાણ થઈ. એમની મદદથી પછી તેઓ થોડા સમય માટે ઢાકામાં નોકરી કરવા લાગ્યા. પોતાની યોગ્યતાથી તેઓ થોડા ઉત્તરોત્તર આગળ વધતા વધતા નાટોરના રાજાના દીવાનપદે નિયુક્ત થયા. પછી આ કામમાંથી નિવૃત્તિ લઈ તેઓ કોલકાતા આવ્યા અને કોલકાતામાં તેમણે ઓગણીસ હજાર રૂપિયાથી મકીમપુર તાલુકાને લીલામમાં ખરીદી લીધો અને તેઓ પોતાની કમાણીથી મેળવેલાં નાણાં દ્વારા બેલિયા ઘાટમાં બે મોટી દુકાનો ચલાવવા લાગ્યા, એકમાં વાંસ અને બીજામાં મકીમપુર પરગણામાં મળતી વસ્તુઓ વેચવામાં આવતી હતી. ઘણા બધા વાંસને એક ભારામાં બાંધીને નદીમાં તરાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવામાં આવતા હતા. આને ‘વાંસનો માડ’ કહેતા હતા. આથી પ્રીતરામદાસ ‘માડ’નામે ઓળખાવા લાગ્યા. આ વેપારની સાથે તેઓ લીલામમાંથી વસ્તુઓ ખરીદીને સાહેબો પાસે વેચવા જતા અને એમને અનાજ, ચીજવસ્તુઓ વગેરે પહોંચાડવાનું કામ પણ કરતા હતા. આ કામોમાં એમને ઘણી કમાણી થઈ હતી.

પ્રીતરામ સ્વપુરુષાર્થથી ઘણા સંપન્ન થયા છે એ જોઈને શ્રીયુત અક્રૂરચંદ્રના ભાઈ યુગલકિશોર મન્નામહાશયે પોતાની પુત્રી એમને પરણાવી અને દહેજમાં ૧૬ વીઘાં જમીન પણ આપી. થોડા સમય બાદ એ જમીનમાં પ્રીતરામનું મકાન ચણાયું. એમને બે પુત્રો હતા - હરચંદ્ર અને રાજચંદ્ર. હરચંદ્ર નિ:સંતાન મૃત્યુ પામ્યા હતા. રાજચંદ્રની વાત પહેલાં જ બતાવવામાં આવી છે.

સાસરે આવીને રાણી રાસમણિ ધનગર્વથી ફુલાઈ ન જતાં પહેલાંની જેમ જ વિવિધ કામમાં વ્યસ્ત રહેતી. સાસુની મનાઈ હોવા છતાં પણ તે કામ કરતી રહેતી. ઉપરાંત પૂજા વગેરે ધાર્મિક કાર્યોમાં એમનો આગ્રહ જોવામાં આવતો હતો.ખાસ કરીને સાસુ-સસરાનું ચરણામૃત લીધા વગર તે ભોજન કરતી નહીં. આ બધાં કારણોને લઈને તેમજ તેના આવ્યા પછી સસરાના વંશની આર્થિક ઉન્નતિ થઇ હોવાથી રાણીને બધા લોકો ખૂબ જ ચાહતા હતા. રાજચંદ્ર પ્રીતરામની જેમ કાર્યકુશળ હતા, તેમાં વળી સલાહકાર તરીકે બુદ્ધિમતી પત્ની રાણી મળી. આથી તેઓ વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરવા લાગ્યા. ઈ.સ.૧૮૧૭માં સાડા છ લાખ રૂપિયા અને વિશાળ જમીન સંપત્તિ ઉપાર્જન કરીને પ્રીતરામે શરીર છોડી દીધું. એમના એકમાત્ર ઉત્તરાધિકારીરૂપે રાજચંદ્રે એમનાં સમસ્ત કાર્યોનો ભાર પોતાના હસ્તક લઈ લીધો.

રાજચંદ્ર એમના નિરભિમાની સરળ વ્યવહારથી, બુદ્ધિમત્તાથી અને ઉદારતાથી એ વખતના કોલકાતાવાસીઓમાં જાણીતા હતા. પ્રિન્સ દ્વારકાનાથ ઠાકુર, અક્રૂરદત્ત, કાલીપ્રસાદ સિંહ, રાજા રાધાકાન્ત, દેવબહાદુર વગેરે સાથે એમને ગાઢ પરિચય હતો. અન્ય પણ, લોર્ડ ઓકલેન્ડ અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક મોટા ભાગીદાર જોન વેબ સાહેબ સાથે એમને મિત્રતા થઈ હતી. એમના સદ્‍ગુણોને લઈને અંગ્રેજ સરકારે એમને રાયબહાદુરની પદવી આપી હતી.

રાજચંદ્ર જે રીતે વિશાળ સંપત્તિના અધિકારી થયા હતા એ સાથે તેઓ દાન પણ પુષ્કળ કરતા હતા. એમાં એમની પત્ની રાસમણિનો પૂરો સહકાર મળતો હતો. એમનાં અનેક સત્કાર્યોમાં થોડાં વિશેષ ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૮૮૩-૨૪માં પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર જે પૂર આવ્યાં હતાં તેને લઈને અસંખ્ય કુટુંબો બેઘર અને અસહાય બની ગયાં હતાં. એમના ખાવા-પીવા અને રહેઠાણ માટે રાણીએ પુષ્કળ ધન ખર્ચ્યું હતું. એ વરસે એમના પિતાનું મૃત્યુ થયું હતું. રાણી ચતુર્થી - કર્મ કરવા માટે ગંગાકિનારે ગઈ હતી. ત્યારે તેણે ત્યાં જોયું કે ઘાટ કીચડથી ભરેલો,ઉબડખાબડ અને ભયજનક છે. વળી ત્યાં જવાનો રસ્તો પણ અત્યંત ગંદો છે. ત્યાં ધાર્મિક વિધિ પૂરી કરીને તે જ્યારે પાછી આવી ત્યારે તેણે રાજચંદ્રબાબુને ઘાટ અને રસ્તો પાકો બનાવી દેવા માટે અનુરોધ કર્યો. એ મુજબ થોડા દિવસો બાદ કંપનીની મંજૂરી લઈને પોતાનાં નાણાંથી રાજચંદ્રે ‘બાબુઘાટ’ (ઈ.સ.૧૮૩૦) અને પછી ‘બાબુરોડ’ તૈયાર કરાવી આપ્યાં. એ ઉપરાંત પોતાની માતાની સ્મૃતિમાં રાજચંદ્રે અહીરીટોલાનો ગંગાઘાટ બનાવડાવી દીધો. મુમુક્ષુ ગંગાયાત્રીઓ માટે નીમતલા ઘાટમાં મકાન બંધાવી આપ્યું અને ત્યાં ડોકટર, ચોકીદાર વગેરેની વ્યવસ્થા કરાવી આપી એ એમની પ્રશંસનીય કામગીરી છે. મેટકાફ હોલમાં સરકારી પુસ્તકાલયના વિકાસ માટે એમણે ૧૦ હજાર રૂપિયા હતા. બેલિયાઘાટીની નહેર માટે એમણે સરકારને પોતાની જમીન દાનમાં આપી દીધી. એમનું બીજું પ્રશસ્ય કાર્ય હતું : સામાન્ય લોકો માટે ચાનક ગામમાં તાલપુકુર નામના તળાવને ખોદાવવાનું. સત્યવાદિતા અને વચનપાલન માટે પણ રાજચંદ્ર પ્રસિદ્ધ હતા. હુક્ ડેવિડસન એન્ડ કંપનીના વ્યવસ્થાપક રામરતનબાબુ એમના મિત્ર હતા. એ ભદ્ર પુરુષની વિનંતીથી એ કંપનીના માલિકને એકવાર એક લાખ રૂપિયા ઉધાર આપવાની એમણે સંમતિ આપી હતી. બીજા દિવસે જાણવા મળ્યું કે સાહેબ દેવાળિયા થઈ ગયા છે. તો પણ રાજચંદ્રે અગાઉ વચન આપેલું એ પ્રમાણે સાહેબને એટલી રકમ ઉધાર આપી હતી.

ઈ.સ.૧૮૦૬માં આ ધાર્મિક દંપતીને પદ્મમણિ નામની એક પુત્રી જન્મી. એ પછી ઈ.સ.૧૮૧૧માં બીજી પુત્રી કુમારી, ઈ.સ.૧૮૧૬માં ત્રીજી પુત્રી કરુણા તથા ઈ.સ.૧૮૨૩માં નાની પુત્રી કુમારી જગદંબાનો જન્મ થયો. જગદંબાના જન્મનાં અગાઉ ૪ વર્ષ પહેલાં રાણીને એક પુત્ર જન્મ્યો હતો. અત્યાર સુધી તેઓ ફ્રી સ્કૂલ સ્ટ્રીટના ૭૧ નંબરના બે માળના મકાનમાં રહેતાં હતાં. એ પછી રામચંદ્રે અત્યારનું મકાન બંધાવ્યું હતું. આ મકાન સાત મહેલોમાં વહેંચાયેલું હતું અને તેને ઓછામાં ઓછા ત્રણસો ઓરડાઓ હતા. તેનું બાંધકામ ઈ.સ.૧૮૧૩માં શરૂ થયું હતું અને ઈ.સ.૧૮૨૧માં તે પૂરું થયું. એમાં ૨૫ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. આ મકાન ‘રાણી રાસમણિની કોઠી’ના નામથી પ્રસિદ્ધ છે. આ રીતે રાજચંદ્ર બધી જ બાબતોમાં સફળ થયા હતા અને અતુલ ઐશ્વર્યના અધિકારી બન્યા હોવા છતાં તેમનું આયુષ્ય ઓછું હતું. ઈ.સ.૧૮૩૬માં ૪૯ વર્ષની ઉંમરે (પક્ષઘાતથી) સંન્યાસ- રોગથી તેમનું મૃત્યુ થયું હતું. એ વખતે એમની સંપત્તિનું મૂલ્ય હતું લગભગ ૮૦ લાખ રૂપિયા. એમાંથી મોટાભાગની સંપત્તિ રાજચંદ્રની પોતાની કમાણીની હતી.

રાણી રાસમણિ આ વિપુલ સંપત્તિની અધિકારિણી બની પરંતુ, પતિના મૃત્યુના શોકથી વ્યથિત બનીને તેણે ત્રણ દિવસ અનશન કર્યું. એ પછી તેણે અમાપ ધન ખર્ચીને પતિની શ્રાદ્ધ વગેરે ક્રિયા કરાવી. વિધિવત્ બ્રાહ્મણ ભોજન વગેરે થઈ ગયા પછી રાણીએ મોટા ત્રાજવામાં પોતાના વજન બરાબરના ચાંદીના રૂપિયા ૬૦૧૭ તોળાવ્યા ને તે રૂપિયા બ્રાહ્મણોને દાનમાં આપ્યા. પણ આખરે એમને દુન્યવી કાર્યોમાં ધ્યાન આપવું પડયું. પરંતુ એ વખતે પણ તેઓ બ્રહ્મચારિણીનું જીવન જ જીવતાં હતાં. દરરોજ સવારે નિત્યકર્મ પૂરું કરીને તેઓ ઈષ્ટદેવતા રઘુનાથજીને પ્રણામ કરતાં. એ પછી સ્ફટિકની માળા લઈ જપમાં બેસતાં. ગળામાં તુલસીની માળા પહેરતાં અને તેની નીચે એક સોનાનો હાર પહેરતાં. આખો દિવસ કાર્યસંચાલન અને આરામ વગેરે લીધા પછી સંધ્યાકાળે તેઓ ફરીથી પૂજા પાઠમાં બેસી જતાં. શાસ્ત્ર - ચર્ચા, પુરાણ વગેરેના પાઠ તથા કથા વગેરે સાંભળવામાં એમનો ઘણો સમય પસાર થતો હતો.

રાજચંદ્રના પરલોકગમન પછી ઘણાંના મનમાં સંદેહ જાગ્યો હતો કે રાણી આ અગાધ સંપત્તિનું રક્ષણ કરી શકશે કે નહીં. એટલે સુધી કે પ્રિન્સ દ્વારકાનાથ ઠાકુરે એક દિવસ કહેવડાવ્યું કે તેઓ એમની સંપત્તિની જવાબદારીનો ભાર લેવા તૈયાર છે. પરંતુ રાણીએ એમના જમાઈ મથુરામોહન દ્વારા કહેવડાવી દીધું કે પ્રિન્સ જેવા એક આદરણીય સજ્જનને આવા કામમાં નિયુક્ત કરવા અશોભનીય છે કેમ કે આ તો સામાન્ય દુન્યવી કાર્ય છે. એનું સંચાલન રાણી પોતાન યોગ્ય જમાઈઓ દ્વારા કરાવી શકશે અને આ આત્મવિશ્વાસથી જ રાણી આ કાર્યમાં આગળ વધ્યાં.

રાણીને ત્રણ જમાઈ હતા. પ્રથમ પુત્રી પદ્મમણિને શ્રયુત રામચંદ્ર આટા, બીજી પુત્રી કુમારીને શ્રીયુત પ્યારીમોહન ચૌધરી અને ત્રીજી પુત્રી કરુણામયીને શ્રીયુત મથુરામોહન વિશ્વાસ સાથે પરણાવી હતી. ઈ.સ.૧૮૩૧માં કરુણામયીનો સ્વર્ગવાસ થતાં મથુરામોહન સાથે નાની પુત્રી જગદંબાનાં લગ્ન કરી દેવામાં આવ્યાં. વિશ્વાસુ, કાર્યકુશળ, અંગ્રેજી ભાષાના જાણકાર, પ્રતિભાસંપન્ન અને સ્વધર્મનિષ્ઠ મથુરામોહન રાણીના જમણા હાથ જેવા હતા. જરૂર હોય ત્યાં આદેશપત્રો, હિસાબ, દસ્તાવેજ વગેરેના કાગળો ઉપર રાણી પોતે હસ્તાક્ષર કરતાં હતાં.

સાંસારિક કાર્યોમાં પૂરતું ધ્યાન આપતા રહેવા છતાં પણ રાણીની દેવભક્તિમાં કમી ન હતી. દૈનિક પૂજા-પાઠ ઉપરાંત પણ તેઓ ભવ્ય સમારંભ સાથે ઉત્સવોનું આયોજન પણ કરતાં. સામાન્ય માણસોની રુચિ તથા રાણીની આર્થિક સ્થિતિ પ્રમાણે એમાં રાજસિક ઠાઠમાઠની વિપુલતા દેખાઈ આવતી હોવા છતાં પણ એ કાર્યોમાં એમના પોતાના સાત્ત્વિક ભાવની ઊણપ પણ ન હતી. ઈ.સ.૧૮૩૮ની રથયાત્રા પહેલાં એમનામાં ઈચ્છા જાગી કે ભગવાનને ચાંદીના રથ પર બેસાડીને કોલકાતાના માર્ગો પર ભ્રમણ કરાવવું. રાણીની ઈચ્છાના પાલન માટે સદાય તત્પર મથુરામોહને તુરત જ વિખ્યાત ઝવેરી હેમિલ્ટન કંપનીને એ કામ સોંપવા ઈચ્છ્યું. ત્યારે રાણીએ કહ્યું કે દેશી કારીગરો હોવા છતાં પણ વિદેશીઓને બોલાવવાની તેમની ઈચ્છા નથી. આથી દેશી કારીગરોને બોલાવવામાં આવ્યા. બરાબર સમયસર રથ તૈયાર થઈ ગયો. એ પછી સ્નાનયાત્રાના દિવસે ધામધૂમથી એ રથની પ્રતિષ્ઠા થઈ. એ રથને બનાવવા પાછળ ૧,૨૨,૧૧૫ રૂપિયાનો ખર્ચ થયો હતો. રથયાત્રાના દિવસે રાણીના ત્રણે જમાઈ ખુલ્લા પગે સાથે ચાલતા હતા. રાણીના દૌહિત્ર-દૌહિત્રિઓ ગાડીમાં બેસીને રથની પાછળ પાછળ આવતાં હતાં. સાથે સાથે જનતાની શોભાયાત્રા ચાલતી હતી. આસો મહિનાના દુર્ગાપૂજા- ઉત્સવમાં પણ તેઓ લગભગ ૫૦-૬૦ હજાર રૂપિયા ખર્ચતાં હતાં. બ્રાહ્મણોને દક્ષિણાદાન,સઘવા સ્ત્રીઓને વસ્ત્ર, સિંદૂર, શંખની ચૂડીઓ વગેરેનું દાન ઉપરાંત આમંત્રણથી અને વગર આમંત્રણથી આવેલા લોકોને પૂરતું ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી.

એક વર્ષે દુર્ગાપૂજાની પહેલાંના છઠ્ઠને દિવસે વહેલી સવારે વાજું વગાડીને દિશાઓ કંપાવતા બ્રાહ્મણો નવપત્રિકાના સ્નાન માટે ગંગાકિનારે જતા હતા, ત્યારે બાબુરોડની પાસેના એક મકાનમાં અંગ્રેજ બહાદુરને ઊંઘમાં ખલેલ પડી. આથી એમણે અધિકારીઓને કહીને આવું કામ બંધ કરાવી દેવા ઈચ્છ્યું. આ સમાચાર મળતાં બીજા દિવસે અનુચરોએ વધારે જોરથી વાજું વગાડવાનું આયોજન કર્યું અને પૂજા પૂરી થઈ ત્યારે રાણી પાસે આની મનાઈનો હુકમ આવી ગયો અને તેનો મુકદ્દમો ચાલવા લાગ્યો. એમાં રાણીની હાર થઈ અને એણે ૫૦ રૂપિયાનો દંડ ભરવો પડયો. એમણે એ દંડ ભરી દીધો. પણ સાથેસાથે મોટાં મોટાં લાકડાંની આડ કરાવીને જાનબજારથી બાબુઘાટ સુધીનો સંપૂર્ણ રસ્તો બંધ કરાવી દીધો. સરકાર તરફથી વિરોધ થયો. ત્યારે તેમણે જણાવ્યું કે એ જમીન એમની પોતાની છે. એની વ્યવસ્થા તેઓ પોતાની ઇચ્છા મુજબ કરી શકે છે. છેવટે સરકારની વિનંતીથી એ રસ્તો ખુલ્લો કર્યો અને પછી દંડની રકમ પણ રાણીને પાછી આપી દેવામાં આવી.

રાણી રાસમણિ ના ભવનમાં હોળી અને રાસના ઉત્સવોમાં પુષ્કળ ખર્ચ થતો હતો. ગૃહદેવતા રઘુનાથજીને કેન્દ્રમાં રાખીને એ દિવસોમાં સ્વજન, મિત્રો, પડોશીઓ આનંદોત્સવ કરતા. બ્રાહ્મણભોજન વગેરેમાં પણ અમાપ ધન ખર્ચાતું. એ ઉપરાંત વાસંતી પૂજા, લક્ષ્મીપૂજા, સરસ્વતી પૂજા, કાર્તિકપૂજા વગેરે પણ મોટા સમારંભ સાથે યોજાતાં

ઈ.સ.૧૮૫૦માં રાણી હોડીમાં બેસીને પુરીના પુરુષોત્તમ દર્શન માટે રવાના થયાં. રસ્તામાં ગંગાસાગર-સંગમ સ્થળે પ્રચંડ આંધીને લઈને એમની હોડી બીજી હોડીઓથી વિખૂટી પડી ગઈ. પછી કિનારાની પાસે આવેલા એક બ્રાહ્મણના ઘરે તેમણે આશ્રય લીધો અને તેથી તેમનો જીવ બચ્યો. પછી ત્યાંથી જતી વખતે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેઓ બ્રાહ્મણને સો રૂપિયા આપતાં ગયાં હતાં.પુરુષોત્તમ ક્ષેત્ર તરફ વધુ આગળ જતાં રાણીએ જોયું કે સુવર્ણરેખા નદીની પેલે પારનો રસ્તો મોટે ભાગે ઉપયોગમાં લઈ શકાય તેવો નથી. આથી એમણે પોતાના ખર્ચે સુવર્ણરેખાથી ઘણે દૂર સુધીનો લાંબો રસ્તો બનાવડાવી દીધો. પુરુષોત્તમ ક્ષેત્રમાં એમણે જગન્નાથ, બલરામ અને સુભદ્રા આ ત્રણેય દેવતાઓ માટે ૬૦ હજાર રૂપિયાના ત્રણ હીરાજડિત મુગટ બનાવડાવી દીધા હતા. એ સિવાય પંડાઓને પણ પુષ્કળ ધન આપીને તેમણે પ્રસન્ન કર્યા હતા.

બીજા વરસે તેઓ સાગર સંગમમાં સ્નાન કરવા ગયાં હતાં. એ વરસે એમણે ત્રિવેણી સ્નાન તથા નવદ્વીપ ધામનાં દર્શન પણ કર્યાં હતાં. પાછા ફરતાં તેઓ ડાકુઓના હાથમાં સપડાઈ ગયાં અને રૂપિયા બાર હજાર આપવાની બાંહેધરી આપીને છુટકારો મેળવ્યો.પછી રાણીએ એ રકમ એમને મોકલી આપી હતી. એ દરમિયાન તેઓ એક દિવસ પોતાની જન્મભૂમિ કોનાગ્રામ જોવા ગયાં હતાં. ત્યાં તેમણે ગરીબ ગ્રામવાસીઓને પોતાની મીઠી વાણીથી તથા પુષ્કળ ધન આપીને પ્રસન્ન કર્યા હતા. એમના પિયરની પાસે ગંગાનો ઘાટ ન હતો. આથી ગ્રામવાસીઓની વિનંતીથી લગભગ ૩૦ હજાર રૂપિયા ખર્ચીને તેમણે ઘાટ બંધાવી આપ્યો. એ ઉપરાંત રાણીના ધનથી એક હુગલીમાં અને એક બાબુગંજમાં પણ એકેક ઘાટ બાંધવામાં આવ્યા હતા.

એક વખત તેઓ કોનાગ્રામથી બંશવાટીમાં હંસેશ્વરી દેવીનાં દર્શન કરવા ગયાં હતાં. ત્યાંના રાજા નૃસિંહદેવનાં પત્ની શંકરી પાસે એમણે બંશબાટીના બ્રાહ્મણોને થોડી દક્ષિણા આપવાની ઇચ્છા દર્શાવી. ત્યારે રાણી શંકરીએ તેમને જણાવેલું કે જો  રાસમણિ દાન આપશે તો પછી શંકરીના દાનનું કોઈ સ્થાન જ નહીં રહે. આથી ના છૂટકે એમણે વિચાર છોડી દીધો. એ પછી રાણી રાસમણિ બીજીવાર નવદ્વીપ દર્શને ગયાં હતાં. ત્યાં પંડિત મંડળીને દાન વગેરે માટે એમણે સાત દિવસમાં વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. આ પ્રમાણે ચાર વર્ષ સુધી તીર્થદર્શન વગેરેમાં એમના ચાર-પાંચ લાખ રૂપિયા ખર્ચાયા હતા.

રાણીનું એક બીજું મહાન કાર્ય હતું- ગંગામાં ‘જલ-કર’ માફ કરાવ્યો તે. ગંગામાં માછીમારો પોતાની ઇચ્છા પ્રમાણે માછલીઓ પકડતા હતા. પરંતુ એકવાર સરકારે ગંગામાં માછલી પકડવા માટે કર નક્કી કર્યો. માછીમારોને બીજો કોઈ ઉપાય ન જણાતાં તેઓ રાણી રાસમણિ પાસે ગયા. રાણીએ આ વેરાનો વિરોધ કરવા માટે ૧૦ હજાર રૂપિયા આપીને ઘુસુડીથી મેટિયાબુરજની સીમા સુધીની બધી ગંગાને પોતાના અધિકારમાં લઈ લીધી અને મોટાં મોટાં દોરડાં અને વાંસ તેમજ સાંકળોની મદદથી (‘લીલાપ્રસંગ’ના મતાનુસાર ગંગાને શૃંખલિત કરીને) સ્ટીમરો અને હોડીઓનું આવવાનું બંધ કરી દીધું. સરકારે વાંધો ઊઠાવ્યો. તો રાણીએ કહેવડાવી દીધું કે નદીમાં વરાળથી સ્ટીમરો ચાલતી હોવાથી માછલાં બીજે જતાં રહેવાથી માછીમારોને નુકસાન થાય છે. સરકારે એમને આપેલા અધિકારની રૂએ એમણે એ રસ્તો બંધ કરી દીધો છે. પણ છેવટે સરકારને રાણીના રૂપિયા પાછા આપવા પડયા અને ‘જલ-કર’ પણ ઊઠાવી લેવો પડયો અને ગંગામાતા પણ સાંકળોથી મુક્ત થઈ. વિજયી રાણીના સન્માનાર્થે બંગાળીઓએ ગીત ગાયું : ભાવાર્થ : ‘રમણીઓમાં મણિ રાણી રાસમણિ ધન્ય છે. બંગાળમાં આપે ઉત્તમ યશ રાખ્યો. ગરીબોનાં દુ:ખ જોઈને આપ સ્વયં રડયાં. ઘરના રૂપિયા બીજાઓને આપીને આપે એમના પ્રાણ બચાવ્યા.’

સિપાહી બળવા સમયે રાણીની દૂરદૃષ્ટિ વિશેષરૂપે પ્રગટ થઈ હતી. સલાહકારોએ એમને ડગુમગુ થતી ઇસ્ટ ઈંડિયા કંપનીના શેર વેંચી નાખવાની સલાહ આપી હતી. પરંતુ એમણે એમ ન કર્યું. ઉપરથી સરકારને એમણે સહાયતા જ કરી હતી. એ વખતે થોડા ગોરા સિપાહી ફ્રી સ્કૂલ સ્ટ્રીટમાં રહેતા હતા. તેઓ રસ્તે ચાલતા વટેમાર્ગુઓ તથા પડોશીઓ ઉપર અત્યાચાર ગુજારતા હતા. એક દિવસ આ અત્યાચારી ગોરાઓને એમના દરવાનોએ ખૂબ માર્યા. એનો બદલો લેવા માટે બધા ગોરાઓએ ભેગા થઈને રાણી રાસમણિના મકાન ઉપર હુમલો કર્યો. તેઓ ઘરની ચીજવસ્તુઓનો નાશ કરવા લાગ્યા તેમજ રાણીનાં પાળેલાં પશુ-પક્ષીઓની હત્યા કરવા લાગ્યા. આથી પ્રાણ બચાવવા માટે રાણીની સૂચનાથી બધા લોકો ભાગી ગયા. ફક્ત રાણી એકલાં જ હાથમાં ખુલ્લી તલવાર લઈને રઘુનાથ મંદિરની રક્ષા કરતાં, અસીમ સાહસ અને દેવભક્તિને પ્રગટ કરતાં ઊભાં રહ્યાં. સદ્‍ભાગ્યે ત્યાં ગોરાઓ ગયા નહીં. એ પછી પલટનના ઉચ્ચ અધિકારીઓએ ગોરાઓની આ તાંડવલીલા બંધ કરાવી દીધી અને રાણીના મકાનમાં ઘણા બધા ગોરા સિપાહીઓ પહેરો ભરવા લાગ્યા.

રાણી પોતાની જમીનદારીની પ્રજાનું પુત્રવત્ પાલન કરતાં હતાં. મકિમપુર પરગણાના નીલ-કર સાહેબે પ્રજા પર ત્રાસ ગુજારવો શરૂ કરતાં રાણીના હસ્તક્ષેપને પરિણામે તે બંધ થઈ ગયું. જગન્નાથપુર તાલુકાની પ્રજા પર પાસેના બીજા જમીનદારના અત્યાચાર થતા હોવાથી કચેરીના કર્મચારીઓ પ્રજા ઉપર આક્રમણ કરવા તૈયાર થયા ત્યારે આ સમાચાર મળતાં જ રાણીએ કહેવડાવી દીધું કે પ્રજાની રક્ષા કરવી એ કર્મચારીઓનું કર્તવ્ય છે એટલે આક્રમણ કરવામાં ન આવે. પરંતુ એમનું આયોજન જોઈને જ વિરોધપક્ષ એકદમ હતોત્સાહ થઈને ભાગી ગયો એ કારણે આવી અપ્રિય ઘટના બનવા ન પામી. વાસ્તવમાં આવા બળપ્રયોગના ક્ષેત્રમાં રાણીને આનંદ મળતો ન હતો. એમના માતૃહૃદયને જનકલ્યાણનાં કાર્યોમાં જ વિશેષ તૃપ્તિ મળતી હતી. આ પ્રમાણે એમણે એક વખત પ્રજાના વિકાસ માટે રૂપિયા એક લાખ ખર્ચીને ‘ટોનાની નહેર’ ખોદાવી અને મધુમતી નદીની સાથે નવગંગાનું જોડાણ કરાવી દીધું. તથા સોનાઈ, બેલિયાધારા અને ભવાનીપુરમાં બજારો સ્થાપીને તેમજ કાલીઘાટની ગંગામાં પાકો ઘાટ બંધાવીને તેઓ અભૂતપૂર્વ યશનાં અધિકારિણી બન્યાં હતાં.

રાણીની સર્વશ્રેષ્ઠ કીર્તિ છે - દક્ષિણેશ્વરમાં મંદિરની સ્થાપના. આ કાર્યે એમને બંગાળના ઇતિહાસમાં અવિસ્મરણીય બનાવી દીધાં છે. આ બાબતના પ્રસંગો વિશે થોડો મતભેદ છે. અમે મુખ્યત્વે ‘લીલાપ્રસંગ’માં લખેલા વર્ણનનું જ અનુસરણ કરીશું.

‘ઈ.સ. ૧૮૪૭માં રાણીને કાશીવિશ્વનાથ દર્શનની ઇચ્છા થઈ. એ દિવસોમાં રેલવે-માર્ગ લાંબે સુધીનો ન હતો. એટલે રાણીના સ્વજનો, નોકર-ચાકર અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ વગેરે માટે નાની મોટી પચીસ હોડીઓ તૈયાર કરવામાં આવી. અશેષ ગુણશાલિની રાણીને કાલિકામાતાના શ્રીચરણોમાં અસીમ ભક્તિ હતી.’ જમીનદારીના દસ્તાવેજોમાં સહી કરવા માટે એમણે પોતાના નામનો જે સિક્કો બનાવડાવ્યો હતો તેમાં - ‘કાલીપદ અભિલાષિણી શ્રીમતી રાસમણિ દાસી’ એવું નામ કોતરાવ્યું હતું.’ (લીલાપ્રસંગ) કાશીધામ જવાનું સઘળું આયોજન સંપૂર્ણ થઈ ગયું. યાત્રા પ્રસ્થાનની આગલી રાત્રે રાણીને સ્વપ્નમાં દેવીનો આદેશ મળ્યો : (કોઈ કોઈનું કહેવું છે કે રાણી રવાના થઈને કોલકાતાની ઉત્તરે દક્ષિણેશ્વર ગામ સુધી ગયાં હતાં. ત્યાં રાતવાસો કર્યો હતો અને ત્યારે આ પ્રમાણેનો દેવી આદેશ મળ્યો હતો.) ‘કાશી જવાની કોઈ જરૂર નથી. ભાગીરથીના કિનારે મનોરમ્ય સ્થળે મારી મૂર્તિ પ્રતિષ્ઠિત કરીને પૂજા-ભોગની વ્યવસ્થા કરો. હું એ મૂર્તિમાં આવિર્ભૂત થઈને તારી નિત્યપૂજા ગ્રહણ કરીશ.’ આ પ્રમાણે દૈવી આદેશ મળતાં રાણીએ એકઠું કરેલી ધનસામગ્રી વગેરે બ્રાહ્મણો અને ગરીબોમાં વહેંચી દેવા આદેશ આપ્યો અને તીર્થયાત્રા માટે એકઠાં કરેલાં નાણાંથી જમીન ખરીદવા અને મંદિર બાંધવાનો ખર્ચ કરવા કહ્યું. એક કહેવત છે, ‘ગંગાનું પશ્ચિમ કુલ વારાણસીને સમતુલ.’ આ યાદ રાખીને મથુરાનાથે ગંગાના પશ્ચિમ કિનારે જ જમીનની શોધ કરી. પણ એમાં સફળતા ન મળી. પછી ઈ.સ. ૧૮૪૭માં સપ્ટેમ્બરમાં ગંગાના પૂર્વકિનારે સરકારી દારૂખાનાની દક્ષિણે ૬૦ વીઘાં જમીન અને એમાં આવેલી એક કોઠી ૫૫ હજાર રૂપિયાથી ખરીદી લીધાં. તે જગ્યા કોલકાતાની સુપ્રિમ કોર્ટના હેસ્ટિ નામના એક એટર્નીની હતી. તે સ્થળ દેખાવમાં કાચબાની પીઠ જેવું હતું. તેના એક ભાગમાં કોઠી અને બીજા ભાગમાં મુસલમાનોનું કબ્રસ્તાન તથા ગાજી સાહેબની દરગાહ હતી. શક્તિપીઠ સ્થાપવા માટે આવું કૂર્મપૃષ્ઠ સ્મશાન ખૂબ જ અનુકૂળ ગણાય. જમીન ખરીદી લેવામાં આવી. સૌથી પહેલાં ગંગાકિનારે પાકો ઘાટ અને તેની બંને બાજુનું સ્થાન પણ પાકું બાંધી લેવામાં આવ્યું. પરંતુ ભરતી વખતે પ્રબળ ગંગાપ્રવાહના વેગથી એના ચૂરેચૂરા થઈ ગયા હતા. આથી મેક્ધિટશન્ કંપનીને એના પુન:નિર્માણનું કામ સોંપવામાં આવ્યું. એ પછી મંદિરના બાંધકામનું કાર્ય શરૂ થયું. તે લગભગ ઈ.સ. ૧૮૫૪માં પૂરું થયું. પરંતુ રાણીને ચિંતા થવા લાગી કે મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય જલદી પૂરું નહીં થાય તો કદાચ એમના જીવતાં એ કાર્ય નહીં થઈ શકે. એ સિવાય પણ બીજી એક ઘટના બની. વળી દેવીમૂર્તિ ઘડાઈ ગયા પછી એ તૂટી ન જાય એ ભયથી એને બંધ પેટીમાં બંધ કરીને રાખવામાં આવી હતી. એ વખતે એ મૂર્તિમાં પરસેવો થવા લાગ્યો અને દેવીએ રાણીને સ્વપ્નમાં કહ્યું : ‘મને હજુ વધારે કેટલા દિવસ સુધી આ રીતે પૂરી રાખીશ ? મને ખૂબ કષ્ટ થાય છે. જેમ બને તેમ જલદી મારી સ્થાપના કર.’ પરંતુ નજીકમાં કંઈ શુભ મુહૂર્ત આવતું ન હતું. આથી ઈ.સ. ૧૮૫૫ની ૩૧મી મે ગુરુવારે સ્નાનયાત્રાના દિવસે મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું. પરંતુ એ પહેલાં બનેલા એક પ્રસંગે શ્રીરામકૃષ્ણને યથાસમયે દક્ષિણેશ્વરનાં અનુષ્ઠાનોમાં લાવી દીધા.

રાણીની ઇચ્છા હતી કે મંદિરમાં દેવીને અન્નભોગ થાય. પરંતુ સામાજિક પ્રથા અનુસાર એ મંદિરમાં કોઈ ઉચ્ચકોટિના બ્રાહ્મણ પૂજારી પદે આવવા તૈયાર થયા નહીં. આથી રાણી એકદમ નિરાશ થઈ ગયાં. એ સમયે ઝામાપુકુરની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક અને શ્રીરામકૃષ્ણના મોટાભાઈ પં. શ્રીયુત રામકુમારે ઉકેલ જણાવ્યો : ‘જો રાણી એ સંપત્તિનું કોઈ બ્રાહ્મણને દાન કરી દે અને તે બ્રાહ્મણ એ મંદિરમાં દેવી પ્રતિષ્ઠા કરીને અન્નભોગ આપવાનો પ્રબંધ કરે તો શાસ્ત્રના નિયમનું પાલન પણ થશે અને બ્રાહ્મણ વગેરે ઉચ્ચવર્ણના લોકોને આ મંદિરમાં પ્રસાદ લેવા છતાં દોષ નહીં લાગે.’ (લીલાપ્રસંગ). તે મુજબ રાણીએ દેવાલય પોતાના ગુરુને અર્પણ કરી દીધું. બીજા યોગ્ય પૂજારી ન મળવાથી શ્રીયુત રામકુમારને જ દેવીના પૂજારી પદે નીમી દીધા.

સૂચિત સ્નાનયાત્રાના દિવસે દક્ષિણેશ્વરનું વાતાવરણ આનંદમય બની રહ્યું. રાણીએ છૂટે હાથે ધન ખર્ચીને દૂર દૂરના સ્થળેથી આવેલા બ્રાહ્મણો અને અતિથિઓને પ્રસન્ન કરી દીધા. મંદિરના બાંધકામ અને સ્થાપનામાં રાણીના લગભગ ૯ લાખ રૂપિયા ખર્ચાયા હતા. રાણીએ ૨,૨૬,૦૦૦ રૂપિયાથી ત્રૈલોકયનાથ ઠાકુર પાસેથી દીનાજપુર જિલ્લામાં ઠાકુર ગાંવ તાલુકાની અંદર આવેલું શાલબાડી પરગણું ખરીદ્યું અને મંદિરની દેવસેવા માટે તેનું દાનપત્ર લખી આપ્યું.

એ સમયનો રાણીનો સાત્ત્વિક ભાવ વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે. ‘લીલાપ્રસંગ’ના લેખકે લખ્યું છે : ‘દેવી મૂર્તિના નિર્માણના પ્રારંભથી જ રાણી શાસ્ત્રોક્ત કઠોર તપસ્યામાં વ્રતી બન્યાં હતાં. તેઓ દરરોજ ત્રણ વખત સ્નાન, હવિષ્યાન્નભોજન, ભૂમિ પર શયન તથા યથાશક્તિ જપ-પૂજા વગેરેનું અનુષ્ઠાન કરતાં હતાં.’

મોટાભાઈનો આગ્રહ હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણ પહેલાં તો કાલીવાડીમાં રહેવા અને ત્યાં અન્નપ્રસાદ લેવા તૈયાર થયા ન હતા. પરંતુ દૈવયોગે પછી તેમણે એ માટે સ્વીકૃતિ આપી. એ પછી મથુરાનાથના વિશેષ આગ્રહથી તેમણે દેવીનું પૂજારીપદ ગ્રહણ કર્યું. આ માધ્યમ દ્વારા રાણી સામે એમનો ઘનિષ્ઠ પરિચય થયો. બંને પરસ્પરના ઉત્તમ ગુણોને કારણે પ્રભાવિત થયાં. એ પછી ઈ.સ. ૧૮૫૫ના શ્રાવણ મહિનામાં નંદોત્સવના દિવસે ગોવિંદજીને બીજા ઓરડામાં શયન કરાવવા લઈ જતા હતા ત્યારે પૂજારી ક્ષેત્રનાથ જમીન ઉપર પડી ગયા અને મૂર્તિનો એક પગ તૂટી ગયો. ત્યારે સમસ્યા ઊભી થઈ. નવી મૂર્તિ બનાવવી કે તૂટેલા પગનું સમારકામ કરી એ જ મૂર્તિ રાખવી. રાણી રાસમણિએ પંડિતોને બોલાવ્યા. પંડિતોએ અભિપ્રાય આપ્યો કે ખંડિત મૂર્તિ ગંગાજળમાં પધરાવી દેવી અને એની જગ્યાએ નવી મૂર્તિ બનાવડાવીને સ્થાપવી એ જ ઉચિત ગણાય. આમ નવી મૂર્તિ બનાવવા વરધી આપવામાં આવી. પરંતુ સભા પૂરી થતાં મથુરબાબુએ રાણીમાતાને કહ્યું : ‘આ બાબતમાં નાના ભટ્ટાચાર્યને તો પૂછ્યું નથી. તેઓ શું કહે છે તે જાણવું જરૂરી છે.’ મથુરાનાથ પહેલેથી જ શ્રીરામકૃષ્ણના ભગવત્પ્રેમને જાણી ગયા હતા. એમના પ્રશ્નના ઉત્તરમાં ઠાકુરે ભાવાવસ્થામાં કહ્યું : ‘રાણીના જમાઈઓમાંથી જો કોઈનો પગ ભાંગી જાત તો શું તેનો ત્યાગ કરીને તેની જગ્યાએ બીજા માણસને લાવીને બેસાડયો હોત કે પછી એની સારવારની વ્યવસ્થા કરત ? અહીં પણ એવું જ કરવામાં આવે. મૂર્તિને જોડીને જેવી પૂજા થતી હતી એવી જ પૂજા કરવામાં આવે. એનો ત્યાગ શા માટે ?’ આ વાત સાંભળીને રાણીને પ્રસન્નતા થઈ. શ્રીરામકૃષ્ણને મૂર્તિ ઘડવામાં કુશળ જાણીને જમાઈ મથુરાનાથની સલાહથી મૂતિર્ર્ના સંસ્કરણનું કાર્ય એમને જ સોંપવામાં આવ્યું. નિપુણ હાથે એ સંસ્કાર કાર્ય એવું તો સુંદર થયું કે તપાસ કરવા છતાંય તૂટેલા ભાગની ખબર જ પડે નહીં. એ પછી ક્ષેત્રનાથ કામમાંથી છૂટા થઈ ગયા અને રાધાગોવિંદ-મંદિરની પૂજાનો ભાર પણ શ્રીરામકૃષ્ણે સ્વીકારવો પડયો.

એ સમયે કાલીમંદિરમાં ઠાકુરની જે ભાવે પૂજા ચાલી રહી હતી એને મંદિરના કર્મચારીઓ અનાચાર કહેતા હતા છતાં પણ ગુણગ્રાહી બુદ્ધિમાન મથુરાનાથને સમજવામાં વિલંબ ન થયો કે આ પૂજારીની એકનિષ્ઠ ભક્તિના પરિણામે દેવી જાગ્રત થશે અને રાણીની મંદિર પ્રતિષ્ઠા સાર્થક થશે. રાણી રાસમણિ પહેલેથી જ ઠાકુરના શ્રીમુખે ભક્તિપૂર્ણ ભજન-સંગીત સાંભળીને મુગ્ધ થઈ ગયાં હતાં. આ ભજન તેમને અત્યંત પ્રિય હતું : ભાવાર્થ : ‘હે મા કાલી, કયા હિસાબે મહાદેવના હૃદયમાં ચરણ મૂકીને ઊભાં છો ? સ્વેચ્છાએ જીભ કાઢી રહ્યાં છો ? જાણે એકદમ નાદાન છોકરી છો. હે તારા, હું જાણી ગયો છું. શું તમારા કામની આવી ધારા છે ? શું તમારી મા તમારા બાપની છાતી ઉપર આમ જ ઊભી હતી ?’ શ્રીગોવિંદ મૂર્તિના સંસ્કાર પહેલાં ઠાકુરના ભાવાવેશ અને ભક્તિપૂત સિદ્ધાંતનો પરિચય મેળવીને રાણીની પ્રીતિ શ્રદ્ધામાં પરિણમી હતી. તો પણ તેના થોડા સમય પછી જે ઘટના બની એથી સ્પષ્ટ જાણવા મળ્યું કે રાણીના મનમાં સાધના દ્વારા ઉત્પન્ન થયેલો અતિ ઉચ્ચ ભક્તિભાવ ન હોત તો ઠાકુર પ્રત્યે એમની શ્રદ્ધાભક્તિ ધૂળમાં મળી જાત. રાણી એ દિવસે મંદિરમાં શ્રીજગદંબાનાં દર્શન અને પૂજન કરી રહ્યાં હતાં, પરંતુ દેવીના ભાવમાં તન્મય બની શકયાં ન હતાં. તેમના મનમાં દુન્યવી બાબત સંબંધી એક મોટા મુકદ્દમાની હારજીત વિશે વિચારો ઊઠી રહ્યા હતા. એ વખતે ઠાકુર ત્યાં બેસીને તેમને શ્યામા સંગીતનું ભજન સંભળાવી રહ્યા હતા. ભાવાવિષ્ટ ઠાકુરે એમના મનની વાત જાણીને ‘અહીં પણ સાંસારિક ચિંતા ?’ કહીને એમના ગાલ ઉપર એક તમાચો મારી દીધો અને તેમને એ ચિંતનથી વિરત થવાની શિક્ષા કરી. શ્રી જગદંબાની કૃપાથી સાધિકા રાણી એ પ્રસંગથી પોતાના મનની દુર્બળતા જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યાં અને ઠાકુર પ્રત્યે આ બનાવથી એમની ભક્તિ વધી ગઈ હતી (લીલાપ્રસંગ). આ બાજુ રાણી ઉપર પ્રહાર થયેલો જોઈને મંદિરમાં હલચલ મચી ગઈ. એટલે સુધી કે નાના ભટ્ટાચાર્યને સજા કરવા માટે કર્મચારીઓ ઉત્તેજિત થઈ મંદિરમાં એકઠા થઈ ગયા. પરંતુ રાણીએ ગંભીર સ્વરે આદેશ આપ્યો: ‘ભટ્ટાચાર્ય મહાશયનો કોઈ દોષ નથી. તમે લોકો એમને કાંઈ ન કરો.’ મથુરબાબુએ પણ એ સાંભળીને સાસુનો આદેશ જ માન્ય રાખ્યો.

મંદિરની સ્થાપના થઈ ગયા પછી રાણી વધુ દિવસ આ લોકમાં ન રહ્યાં. ઈ.સ. ૧૮૬૧ના આરંભમાં એમને સંગ્રહણી રોગ થયો. એ સમયે પણ હજુ દક્ષિણેશ્વર માટે ખરીદ થયેલ દીનાજપુરની જમીનદારીનું મંદિરને નામે ખત કરવામાં આવ્યું ન હતું. હવે એ પૂરું કરવા માટે રાણી ઉતાવળાં થઈ ગયાં. એમની ચાર પુત્રીઓમાં એ સમયે શ્રીમતી પદ્મમણિ અને શ્રીમતી જગદંબા જીવિત હતાં. એ સંપત્તિનો ભવિષ્યમાં દુરુપયોગ ન થાય તે માટે રોગશય્યામાં પડેલાં રાણીએ એ જમીન દેવાલયને અર્પણ કરવા માટેની સંમત હતી. પદ્મમણિએ સંમત થવા છતાં પણ એ અર્પણપત્ર ઉપર સહી ન કરી. આથી મૃત્યુશય્યામાં પડયાં હતાં છતાંય તે સમયે રાણીને શાંતિ ન હતી. આખરે લાચાર થઈને રાણીએ જગદંબાની ઇચ્છાથી જે થવાનું હશે તે થશે એમ માનીને ઈ.સ. ૧૮૬૧ની ૧૮મી ફેબ્રુઆરીએ એ દાનપત્રના ખતમાં પોતાની સહી કરી દીધી અને એ કાર્ય પૂરું કર્યાના બીજા જ દિવસે મંગળવારે રાતના સમયે તેઓ શરીર છોડીને દેવીલોકમાં ચાલ્યાં ગયાં.

‘શરીર છોડયાના થોડા દિવસો અગાઉથી જ રાણી રાસમણિ કાલીઘાટની આદિગંગાના તટ પર આવેલા પોતાના મકાનમાં રહેવા આવી ગયાં હતાં. દેહત્યાગના થોડા સમય અગાઉ એમને ગંગાગર્ભમાં લાવતાં સામે ઘણી બધી બત્તીઓ જોઈને તેઓ એકાએક બોલી ઊઠયાં : ‘ખસેડી લો, ખસેડી લો, એવી રોશની મને ગમતી નથી. મારી મા આવી રહી છે. એમના શ્રીઅંગની પ્રભાથી ચારે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે.’ (થોડા વખત પછી) ‘મા આવી ગયાં ? પદ્મે તો હસ્તાક્ષર ન કર્યા. શું થશે મા ? આ વાત કહીને જ પુણ્યવતી રાણી શાંતભાવથી જગન્માતાના ખોળામાં મહાસમાધિમાં સૂઈ ગયાં. એ સમયે રાતના બે પ્રહર પૂરા થઈ ગયા હતા.’ (લીલાપ્રસંગ).

આવી ભક્તિમતી નારીના જીવનના પૂર્ણ તાત્પર્યનો લૌકિક દૃષ્ટિએ નિર્ણય કરવો અસંભવ છે. એના થોડા અંશને પામવા માટે શ્રીરામકૃષ્ણની વાણીને ધ્યાનમાં લેવી પડશે. એમણે કહ્યું હતું : ‘રાણી રાસમણિ શ્રીજગદંબાની આઠ સખીઓમાંનાં એક હતાં અને આ મર્ત્યધામમાં એમની પૂજાના પ્રચારને માટે તેઓ અહીં આવ્યાં હતાં... રાણીના દરેક કાર્યમાં જગન્માતા પ્રત્યેની અચલા ભક્તિ જ પ્રગટ થતી હતી.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda