Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

કાલીપદ ઘોષ

ઉત્તર કોલકાતામાં આવેલા શ્યામપુકુરના ઘોષ વંશમાં ઈ.સ. ૧૮૪૯ની એક અમાસની રાતે કાલીપદનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ ગુરુપ્રસાદ ઘોષ હતું. પિતા ધર્મપરાયણ અને કાલીભક્ત હતા. એમને શણનો સામાન્ય ધંધો હતો. પૈસાની સગવડ ન હોવાથી કાલીપદનો વિદ્યાભ્યાસ બહુ આગળ વધી શકયો નહીં. તેઓ જ્યારે આઠમી શ્રેણીમાં ભણતા હતા ત્યારે એમના પિતાએ એમને કાગળ વિક્રેતા જહોન ડિક્ધિસન કંપનીના કામે લગાડી દીધા હતા. ભણતર ઓછું હતું છતાંય બુદ્ધિમત્તા અને કાર્યદક્ષતાને કારણે કાલીપદબાબુ ઝડપથી એ કંપનીના ઉચ્ચ પદાધિકારી બની શકયા હતા. એ સમયે એમને કંપનીના કર્તા, હર્તા અને વિધાતા કહી શકાય એવી સ્થિતિએ તેઓ પહોંચી ગયા હતા. તે એટલે સુધી કે એ કંપનીનો કાગળ જ્યારે વિલાયતથી આવતો ત્યારે એમાં કોઈ કોઈ વખત કાલીબાબુનો ફોટો છપાયેલો રહેતો અને ઓફિસમાં કોઈ જગ્યા ખાલી પડતાં જ શ્રીરામકૃષ્ણ ભક્તને તે નોકરી મળી જતી.

નાટયાચાર્ય ગિરીશચંદ્રની સાથે એમની અકૃત્રિમ મિત્રતા હતી. બંને ઘણીવાર એક જ સ્થળે જોવા મળતા; ઊઠવું-બેસવું, ખાવું-પીવું, એટલે સુધી કે મદિરાપાન પણ સાથે ચાલતું. આ બંનેના ચરિત્રની સમાનતા જોઈને શ્રીરામકૃષ્ણ ભક્તોમાં કોઈ કોઈ એમને ‘જગાઈ-મધાઈ’ કહેતા. ગિરીશચંદ્રે આ અભિન્નહૃદય મિત્રને પોતાનું ‘શંકરાચાર્ય’ પુસ્તક અર્પણ કરતાં લખ્યું છે : ‘ભાઈ, આપણે બંનેએ એક સાથે ઘણીવાર દક્ષિણેશ્વરમાં મૂર્તિમંત વેદાંતનાં દર્શન કર્યાં છે. આ સમયે તમે આનંદધામમાં છો. મારા મનમાં દુ:ખ છે કે તમે આ નરદેહમાં મારા ‘શંકરાચાર્ય’ને ન જોઈ શકયા. મારું આ પુસ્તક તમને અર્પણ કરું છું. તમે એ સ્વીકારો.’

કાલીપદબાબુ ગિરીશચંદ્રની જેમ સાહિત્યકાર ન હતા છતાં પણ એમણે અનેક ભજન રચ્યાં હતાં. એમાંથી મોટાભાગનાં શ્રીયુત રામચંદ્રના શ્રીરામકૃષ્ણદેવ વિષયક ભાષણોમાં ઉદ્‍બોધિત થતાં હતાં. પછી ઈ.સ. ૧૮૯૩માં કાંકુડગાછી યોગોદ્યાનમાંથી ‘રામકૃષ્ણ સંગીત’ નામે પુસ્તકાકારે પ્રકાશિત થયાં હતાં. તેઓ પોતે સારા ગાયક હતા અને બેલા (વાયોલિન) અને વાંસળી સારી રીતે તે વગાડી શકતા હતા. એમની વાંસળીના સૂર સાંભળીને એક વખત ઠાકુર સમાધિસ્થ થઈ ગયા હતા. રસોઈ બનાવવામાં પણ તેઓ કુશળ હતા. એ કારણે ઠાકુરના ભક્તો એમને ‘ગૃહિણી’ કહીને મજાક કરતા રહેતા.

ઈ.સ. ૧૮૮૪ની શરૂઆતમાં તેઓ ગિરીશચંદ્રની સાથે શ્રીરામકૃષ્ણ ચરણોમાં પહેલીવાર આવ્યા અને નવેમ્બર મહિનામાં તો તેઓ ઠાકુરને પોતાના ઘરે લઈ જઈને ધન્ય બન્યા હતા. એ પછી પણ ઘણીવાર ઠાકુર ત્યાં ગયા હતા. કહેવાય છે કે પહેલીવાર કાલીબાબુના જે ઓરડામાં એમને બેસાડવામાં આવ્યા હતા ત્યાં દેવ-દેવીઓનાં ઘણાં મોટાં તૈલચિત્રો હતાં. એ જોઈને ઠાકુર અત્યંત પ્રસન્ન થયા હતા અને ભાવમાં તન્મય થઈ એમનાં સ્તુતિગાન કરતા રહ્યા. તે ચિત્રોને નીરખતાં નીરખતાં જાણે તે બધાં જીવંત થઈ ગયાં. ઈ.સ. ૧૮૮૫માં ઠાકુર જ્યારે વ્યાધિગ્રસ્ત થઈને સારવાર માટે શ્યામપુકુરમાં રહેતા હતાં. એ સમયે એ યાદગાર કાલીપૂજાના દિવસે કાલીપદબાબુના ઘરેથી બનાવેલી રવાની ખીર જ પ્રભુની સેવાનું મુખ્ય સાધન હતું. ભગવાન બુદ્ધે સુજાતાને આપેલી ખીર જેમ ગ્રહણ કરી એમ ભક્તવત્સલ ઠાકુરે પણ એ ખીર ગ્રહણ કરી. એની પુણ્યમય સ્મૃતિની જાળવણી આજે પણ કાલીપદબાબુના વંશજો કરી રહ્યા છે. (ઉદ્‍બોધન, પોષ ૧૩૨૯, બંગાબ્દ)

સ્વામીજીએ એમને ‘દાના’ નામ (એટલે કે દાનવ) આપ્યું હતું. એ કારણે રામકૃષ્ણ ભક્ત-મંડળીમાં તેઓ ‘દાના-કાલી’ હતા. કાલીપદબાબુ કહેતા હતા : ‘જગાઈ-મધાઈની જેમ ઉચ્છૃંખલ હોવા છતાં પણ મને ઠાકુરે સ્વયં કૃપા કરીને કૃતાર્થ કરી દીધો.’ એમનું શરીર સ્થૂળ હતું. આકાર દીર્ઘ હતો. શરીર ઉજળા શ્યામ રંગનું હતું. બંને નેત્રો વિશાળ અને સદા પ્રફુલ્લ રહેતાં. ગિરીશચંદ્ર સાથે એમની મિત્રતા હતી અને બંનેનો સ્વભાવ પણ એકસરખો હતો. શ્રીરામકૃષ્ણ પાસે આવતા પહેલાં વારાંગનાસક્તિ અને સુરાપાન વગેરેને પરિણામે એમનું બધું ધન ખર્ચાઈ ગયું હતું. ઠાકુરનો મહિમા સાંભળીને જ્યારે તેઓ દક્ષિણેશ્વર આવ્યા ત્યારે એમની ઉંમર ૩૫ વર્ષની હતી. પરંતુ આ આગમન ભક્તિ સભર નહીં પણ ઉત્સુકતાજન્ય હતું. કદાચ એની પાછળ શ્રીરામકૃષ્ણનું અલૌકિક આકર્ષણ હતું કેમ કે બહુ પહેલાં એક દિવસ અન્ય કુલસ્ત્રીઓની સાથે કાલીપદની ગૃહિણી પણ દક્ષિણેશ્વર આવ્યાં હતાં. તેમણે શ્રીપ્રભુનાં ચરણોમાં પ્રણામ કરીને પતિના દુરાચારની વાત એમને જણાવી દીધી અને ત્યારે ઠાકુરે એમને આશ્વાસન આપ્યું હતું કે કાલીપદ એમને ત્યાંનો માણસ છે. આથી એક દિવસ એની બુદ્ધિ જરૂર પાછી આવશે અને તે દક્ષિણેશ્વરમાં આવશે. શ્રીમાતાજીએ પણ એ ભક્તિમતી મહિલા ઉપર કૃપા કરી હતી. એ સમયે ઠાકુરનાં શ્રીચરણોમાં આવવા છતાં પણ તે ‘દાના-કાલી’ પ્રણામ કર્યા વગર જ આસન પર બેસી ગયા અને થોડી જ વારમાં વિદાય થઈને ચાલ્યા ગયા. ઘરે પાછા આવ્યા પછી કાલીપદના મનમાં શ્રીરામકૃષ્ણ ચરિત-શ્રવણ અને દક્ષિણેશ્વરમાં ફરીથી જવા માટે અદમ્ય ઇચ્છા જાગી. એ કારણે તેઓ જલદી હોડીમાં બેસી બીજા ભક્તોની સાથે ત્યાં ગયા. તેઓ દક્ષિણેશ્વર આવી ગયા. શ્રીપ્રભુએ તેમને કહ્યું કે, એમને કોલકાતા જવાની ઇચ્છા છે. કાલીપદબાબુએ આનંદથી જણાવ્યું કે તેઓ તેમને લઈ જવા તૈયાર છે. ઘાટે હોડી બાંધી રાખેલી છે. આથી ઠાકુર લાટુ અને કાલીપદની સાથે હોડીમાં બેઠા અને રસ્તામાં સાધન-ભજન વિશે ચર્ચા કરવા લાગ્યા. વાતચીત દ્વારા ઠાકુરને જાણ થઈ કે કાલીપદ કાલીમાતાના ભક્ત છે અને એમની દીક્ષા અત્યાર સુધી થઈ નથી કેમ કે તેઓ સામાન્ય ગુરુમાં વિશ્વાસ રાખતા નથી. એ પછી ઠાકુરે એમને કહ્યું : ‘જીભ કાઢો તો જોઉં, તે કેવીક છે ?’ કાલીપદે જીભ કાઢતાં જ ઠાકુરે પોતાની આંગળીના ટેરવાથી એના પર કંઈક લખી દીધું. આ બાજુ ગંગામાં ચાલતાં ચાલતાં હોડી ઘાટ ઉપર આવીને ઊભી. પરંતુ ઠાકુરને જવાનું કોઈ ચોક્કસ સ્થળ ન હતું. કાલીપદબાબુએ એમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ એમના ઘરે જશે. એથી ગાડીમાં બેસાડીને તેઓ શ્રીપ્રભુને પોતાના ઘરે લઈ ગયા. આ પ્રમાણે ભક્ત પર સ્વેચ્છાએ કૃપા કરીને ઠાકુર દક્ષિણેશ્વર પાછા આવી ગયા.

થોડા દિવસોમાં કાલીપદ શ્રીરામકૃષ્ણના અંતરંગ ભક્તોમાં ગણાવા લાગ્યા. તેમણે રામચંદ્ર, ગિરીશચંદ્ર, દેવેન્દ્ર, સુરેન્દ્ર, મનમોહન વગેરે ઠાકુરના કૃપાપાત્રોમાં સ્થાન મેળવી લીધું. તેઓ ઠાકુરનો જન્મોત્સવ, કોલકાતામાં મહોત્સવ અને પછી એમની સારવાર વગેરેનો પ્રબંધ પણ કરવા લાગ્યા હતા. ઠાકુરે એમની કર્મતત્પરતા જોઈને એમને ‘મેનેજર’ નામ આપ્યું હતું. ઉત્તરોત્તર એમના ચરિત્રની વિશેષ ઉન્નતિ થઈ હતી. એ સાંભળીને ઠાકુરે એક દિવસ (૧૮૮૫ ઈ. ૧૮ ઓકટોબર) આનંદથી કહ્યું હતું : ‘કાલીપદે કહ્યું છે કે એણે બધું છોડી દીધું છે.’ ઠાકુર એ સમયે પ્રવીણ ભક્તોની સલાહથી શ્યામપુકુરમાં રહેતા હતા. એમની આજ્ઞાથી કાલીપદ કાલીપૂજાની રાતે જરૂરી સઘળી સામગ્રી પોતાના ઘરેથી તૈયાર કરાવીને લાવ્યા હતા. એમણે દીપાવલી પ્રગટાવીને પૂજાનો સામાન ગોઠવી દીધો અને ઠાકુર મહારાત્રીમાં પૂજાના આસન પર બેસીને સમાધિસ્થ થઈ ગયા. એ સમયે ગિરીશ વગેરે ભક્તો જાણી ગયા કે એમની પૂજાને માટે જ પ્રભુ એ ભાવથી પૂજાના આસન પર બેઠા છે. એ કારણે ત્યાં હાજર રહેલા બધા લોકો કાલીમાતાના ભાવમાં તન્મય વરાભયકર પ્રભુના ચરણોમાં પુષ્પાંજલિ આપીને કૃતાર્થ થયા. પછી થોડો પ્રસાદ ખાઈને બધા લોકો શ્રીપ્રભુના આદેશથી સુરેન્દ્રના ઘરમાં કાલીપૂજાનો પ્રસાદ લેવા માટે ચાલ્યા ગયા.

એ પછી ઠાકુર કાશીપુરમાં આવ્યા. ઈ.સ. ૧૮૮૫ની ૧૧ ડિસેમ્બરે પ્રાત:કાળે ‘પ્રેમની ફેંકાફેંક’ ચાલી. ઠાકુર કાલીપદનું વક્ષ:સ્થળ સ્પર્શીને કહે છે, ‘ચૈતન્ય હો !’ અને એમની ચિબુક પકડીને પ્રેમથી જણાવતાં કહેવા લાગ્યા : ‘જે હૃદયથી ઈશ્વરને પોકારે છે, કે સંધ્યાવંદન કરે છે, એને અહીં આવવું જ પડશે.’ (કથામૃત, ભાગ-૨)

શ્રીરામકૃષ્ણની લીલા સમાપ્ત થઈ પછી ઘણીવાર જોવામાં આવતું કે ગિરીશ અને કાલીપદ એમની છબીની સામે ઘણા સમય સુધી ચૂપચાપ બેસી રહેતા હતા, જાણે એમનાં દર્શન પ્રાપ્ત કરવા માટે વ્યાકુળ ભાવે પ્રાર્થના કરી રહ્યા છે અને વચ્ચે વચ્ચે આંસુ સારતા ગંભીર ભાવે કહેતા : ‘ઠાકુર, દર્શન આપો.’ એ પછી હૃદયની જ્વાળા શાંત કરવા માટે કાલીપદ કાંકુડગાછી યોગોદ્યાનમાં જવા લાગ્યા અને ધીમે ધીમે ત્યાંના એક મુખ્ય સહાયક બની ગયા. કાંકુડગાછીના ભક્તો એમના સ્થૂળ શરીરને ઘેરીને નાચતા નાચતા ગાતા અને તેઓ સ્થિરભાવે ઊભા રહેતા. એક વખત નવગોપાલ બાબુના ઘરમાં વાર્ષિક ઉત્સવ હતો. કાલીપદબાબુને નિમંત્રણ મળતાં તેઓ ત્યાં ગયા હતા. ત્યાં જઈને તેઓ કાંકુડગાછીની કીર્તન મંડળીમાં બેસી ગયા. એટલામાં ત્યાં ગિરીશચંદ્ર આવ્યા અને ભક્તો ઉલ્લાસથી મૃદંગ વગાડવા લાગ્યા. સાથે સાથે કરતાલ પણ વાગવા લાગ્યાં. આ બધું જોતાં ગિરીશ અને કાલીપદ ઉઘાડા શરીરે ઊઠ્યા ને ઊભા રહ્યા. ત્યાં તો ભક્તો આ નવીન યુગના ‘જગાઈ-માધાઈ’ને ઘેરીને નાચવા ગાવા લાગ્યા. એ વખતે નવગોપાલબાબુએ પ્રસાદીની માળા બંનેના ગળામાં પહેરાવી દીધી. એ સમયે બંને એકબીજાનો હાથ પકડીને સ્થિરભાવે ઊભા હતા અને વચ્ચે વચ્ચે શ્રીરામકૃષ્ણના નામનું ઉચ્ચારણ કરતા હતા. એમના આવા ભક્તિવિહ્વળ ગાંભીર્યથી કીર્તન કરનારાઓના મનમાં અસીમ ઉત્સાહ જાગ્યો. કોણ કહી શકે છે કે એક સમયે આ બંને કોલકાતાના ઉચ્છૃંખલ સમાજના અગ્રણી હતા ! શ્રીરામકૃષ્ણરૂપી સ્પર્શમણિના સ્પર્શથી લોઢું પણ સોનું બની ગયું હતું. ‘જગાઈ-માધાઈ’ હવે ભક્તોના કીર્તનમંડળનું કેન્દ્ર છે.

પછીના જીવનમાં કાલીપદબાબુ જોન ડીકીન્સન કંપનીના કામ માટે મુંબઈના પરેલ રોડ પર રહેતા હતા. એ સમયે તીર્થદર્શન માટે નીકળેલા શ્રીરામકૃષ્ણના ત્યાગી ભક્તો ઘણીવાર એમના ઘરે અતિથિરૂપે રહેતા કે મુંબઈ આવતાં એમને એકવાર મળી જતા. આ રીતે જુદા જુદા સમયે સ્વામી વિવેકાનંદજી, બ્રહ્માનંદજી, તુરીયાનંદજી, અભેદાનંદજી, અખંડાનંદજી વગેરે એમના ઘરે મુંબઈ ગયા હતા.

ગૃહસ્થ જીવનમાં કાલીપદબાબુની સફળતાનો ઉલ્લેખ પહેલાં કરવામાં આવ્યો છે. એમના પ્રયત્નને પરિણામે ભારતનાં અનેક મોટાં મોટાં શહેરોમાં એ કંપનીની અનેક શાખાઓ ખૂલી હતી. એ વિલાયતી કંપની હોવા છતાં પણ કાલીપદબાબુની સૂચનાથી એ શાખા-કાર્યાલયોમાં ઠાકુરનાં ચિત્રો શોભતાં હતાં. એમને દૃઢ વિશ્વાસ હતો કે એમના ચરિત્રના પરિવર્તન અને કાર્યની પ્રગતિના મૂળમાં કેવળ શ્રીરામકૃષ્ણના આશીર્વાદ જ હતા.

ઈ.સ. ૧૯૦૫ના ૨૮મી જૂને તેઓ આનંદધામમાં ચાલ્યા ગયા હતા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda