Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

ચુનીલાલ બસુ

શ્રીયુત ચુનીલાલ બસુ કોલકાતા મ્યુનિસિપલ ઓફિસમાં કામ કરતા હતા અને સહજ આકર્ષણને લઈને તેઓ સાધુદર્શન માટે અનેક સ્થળે જતા હતા. અથવા ઓછામાં ઓછું એકવાર ગંગાકિનારે ચક્કર મારી આવતા હતા. એમનો આવો મનોભાવ જાણીને એક દિવસ એમના સહકર્મીએ વાતના પ્રસંગમાં કહ્યું : ‘જો સાધુ જોવા ઇચ્છતા હો તો રાણી રાસમણિના કાલીમંદિરમાં જઈને શ્રીરામકૃષ્ણદેવને જોઈ આવો.’ કાલીમંદિર ક્યાં આવ્યું અને ત્યાં કેવી રીતે જવાય એ કંઈ તેઓ જાણતા ન હતા. આથી પૂછીને મિત્ર પાસેથી એટલું જાણી લીધું કે તે કોલકાતાના ઉત્તર પ્રાંતમાં ગંગાકિનારે આવેલું છે, ભરતીના સમયે અહીરીટોલાથી ત્યાં હોડીમાં બેસીને જઈ શકાય છે. બપોરે ત્યાં જવું ઉચિત છે કેમ કે ત્યારે ઓફિસમાં રજા અને ભરતી બંનેનો સંયોગ થઈ શકે છે. આ સમાચાર મેળવીને પણ દક્ષિણેશ્વર જવામાં બે-ત્રણ અઠવાડિયાનો વિલંબ થઈ ગયો. પછી એક રવિવારે પરિસ્થિતિ અનુકૂળ જોઈને તેઓ અહીરીટોલાના ઘાટ પર આવ્યા. હોડીવાળાએ આદર સહિત બોલાવ્યા એટલે તેઓ હોડીમાં બેઠા. એક તો તેઓ અજાણ્યા સ્થળે જઈ રહ્યા હતા અને વળી ક્યારેય હોડીમાં બેઠા ન હતા એટલે મનમાં શંકા જાગવા લાગી. લગભગ અર્ધો કલાક રાહ જોયા પછી પૂરતા મુસાફરો થઈ જતાં, ભરતી આવતાં હોડીવાળાએ હોડી હંકારી. ધીરે ધીરે તે દક્ષિણેશ્વર મંદિરના બગીચા પાસે આવી પહોંચી. ત્યાં ઉત્તરના ઘાટે ઊભી રહી. ચુનીલાલ પાંચ પૈસાનું ભાડું આપીને ત્યાં ઊતરી ગયા.

અજાણ્યા બાગમાં અહીં તહીં ફરતાં એમણે એક ઝૂંપડી જોઈ. ઝૂંપડીની અંદર એક બ્રહ્મચારીનું દર્શન કર્યું. બ્રહ્મચારીની સામે ઊભા રહેતાં જ બ્રહ્મચારીએ એમને પૂછ્યું : ‘શું જોઈએ, દવા ?’ ચુનીલાલ બાબુએ ઉત્તરમાં જણાવ્યું : ‘નહીં. હું પરમહંસદેવનાં દર્શન માટે આવ્યો છું.’ બ્રહ્મચારીએ આંગળી ચીંધીને બતાવતાં કહ્યું: ‘હા, એક પરમહંસ પેલા ઘરના ખૂણામાં રહે છે.’ એ મુજબ તેઓ એ ખંડના ઉત્તરના વરંડામાં આવી પહોંચ્યા અને તેમણે જોયું તો ઓરડામાં એક પુરુષ બેઠેલા છે. અંદર પ્રવેશીને પ્રણામ કરતાં જ એમણે પૂછ્યું : ‘કેમ આવ્યા છો ?’ ચુનીલાલે કહ્યું : ‘આપનાં દર્શન માટે.’ શ્રીરામકૃષ્ણદેવ જે નાની પાટ ઉપર બેસતા હતા, એની ઉત્તર તરફ એક બેંચ હતી. એમણે ચુનીલાલને એના પર બેસવા કહ્યું અને પોતાના ઘરના માણસની જેમ એના કુટુંબની બધી વાતો આરંભથી અંત સુધી જાણી લીધી. એ દિવસે પ્રેમ ભક્તિ કે ત્યાગ વૈરાગ્ય વિશે કોઈ જ વાત ન થઈ. વિદાય લેતી વખતે ઠાકુરે એમને થોડો સાકરનો પ્રસાદ લેવા કહ્યું. મોટેભાગે ઈ.સ. ૧૮૮૧ના માર્ચ મહિનામાં આ પ્રસંગ બન્યો હતો. એ વખતે રામલાલદાદા સિવાય બીજા કોઈને ચુનીબાબુએ જોયા ન હતા.

એ પછીની ઘટનાને ચુનીબાબુએ આ પ્રમાણે વર્ણવી છે : ‘માર્ચ મહિનાના અંતે ઓફિસમાંથી પગાર મળતાં મનમાં તીવ્ર ઇચ્છા જાગી કે ઘરેથી ભાગીને થોડા દિવસ હૃષીકેશ જઈને રહું. પગાર ઉપરાંત ઘરમાંથી પણ બસ્સો રૂપિયા લઈને હું ઓફિસના બીજા એક માણસની સાથે ભાગી ગયો. એ માણસ કાશી, વૃંદાવન, હરિદ્વાર વગેરે સ્થળોએ ફરી આવ્યો હતો અને તેણે ઘણું બધું જોયું-સાંભળ્યું હતું અને એ અંગેની વાતો કર્યા કરતો. ઘરમાં પત્ની પુત્રાદિ કોઈનેય કશું જણાવ્યું નહીં. ફક્ત ઓફિસમાં એક મહિનાની રજા માટેની અરજી મૂકીને બંને ચાલી નીકળ્યા. રસ્તામાં અનેક ઓળખીતા લોકો સાથે મુલાકાત થતી રહેતી. એક દિવસ અહીં ને બે દિવસ ત્યાં એમ કરતાં કરતાં દસ-બાર દિવસ વીતી ગયા. આમ અનેક સ્થળે સતત ફરવાથી મનમાં અસંતોષનો ભાવ ઊઠવા લાગ્યો. આથી મેં મારા સાથીને કહ્યું કે ‘હવે હું તારી સાથે નહીં આવું. મારે હૃષીકેશ જઈને થોડા દિવસ રહેવું છે. આ રીતે હરવા-ફરવા માટે હું આવ્યો નથી.’ આટલું કહી કાનપુરથી હું તેનાથી છૂટો પડી ગયો અને હૃષીકેશ પહોંચ્યો. ત્યાં ફક્ત સાધુઓનું રહેઠાણ છે એની મને ખબર નહોતી. ત્યાં હું થોડા દિવસ રહ્યો અને મારા સ્મશાન વૈરાગ્યનો અંત આવી ગયો. એક મહિનો પૂરો થયા પહેલાં જ હું પત્ર લખીને ઘરે પાછો આવી ગયો.’

ઓફિસમાં તેઓ પાછા ગયા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું : ‘મંજૂરી વગર ગેરહાજર રહેવાના કારણે તમારી નોકરી ચાલી ગઈ છે.’ તેઓ પહેલાંથી જ જાણતા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના વાઈસ ચેરમેન શ્રીયુત શ્યામ વિશ્વાસે સુપ્રિન્ટેન્ડન્ટના સિદ્ધાંતને અનુમોદન ન આપતાં ચુનીબાબુને વગર પગારે એક મહિનાની રજા આપીને ફરીથી કામે લગાડી દીધા.

એ પછીના પ્રસંગનું એમણે આ રીતે વર્ણન કર્યું છે : ‘આના થોડા દિવસ બાદ જ હું બીજીવાર દક્ષિણેશ્વર ગયો હતો. ત્યાં શ્રીરામકૃષ્ણદેવ પાસે બલરામબાબુને જોયા. બલરામબાબુ એક વર્ષથી કોલકાતામાં રહેતા હતા. તેઓ મોટા માણસ હતા. પાસેના મકાનમાં રહેતા હતા છતાં પણ ઓળખાણ થઈ ન હતી. ઠાકુરે બલરામબાબુને કહી દીધું : ‘આ છોકરો તમારી બાજુમાં જ રહે છે. તમે જ્યારે આવો ત્યારે આને સાથે લેતા આવજો.’ એ પછી બલરામબાબુ જ્યારે દક્ષિણેશ્વર જતા ત્યારે મને લઈ જતા હતા. પરંતુ રવિવાર કે રજાનો દિવસ ન હોવાથી હું જઈ શકતો નહીં.’ બલરામબાબુ દર રવિવારે હોડી ભાડે કરીને દક્ષિણેશ્વર જતા ! એથી ગરીબ ભક્તોને ઘણી રાહત થતી. આમ ચુનીબાબુ સાથે બલરામબાબુની ઘનિષ્ઠતા વધી ગઈ હતી અને બંને એકબીજાનું ધ્યાન રાખતા હતા. ચુનીલાલ બીમાર પડતાં બલરામ ડોકટરને બોલાવી લાવતા અને રોજ અમની પાસે જઈને બેસતા. પડોશી કહ્યા કરતા કે ચુનીબાબુ મોટા માણસના ખુશામતિયા છે. પરંતુ જ્યાં મૈત્રીનું જ મૂલ્ય છે, ત્યાં આવી વાતોથી તે લોકો વિચલિત થતા નહીં. ચુનીબાબુનો સંકલ્પ અડગ રહ્યો. એમનું મકાન બલરામભવનની બરાબર પશ્ચિમમાં હતું. એ કારણે બંનેને મળવાનું વારંવાર થતું.

ચુનીબાબુ શ્રીરામકૃષ્ણના શ્રીચરણોમાં પહોંચ્યા પહેલાં એમના કુલગુરુ પાસે મંત્રદીક્ષા લઈ ચૂક્યા હતા અને તેઓ શિવસંહિતા મુજબ યોગાભ્યાસ કરતા હતા. શ્રીરામકૃષ્ણ સાથેની મુલાકાત પછી પણ એમની એ સાધના ચાલુ હતી. તેમણે માંસાહાર છોડી દીધો હતો. તેઓ સાત્ત્વિક પ્રકારનું જીવન ગાળતા હતા અને કોઈને ખબર ન પડે તે રીતે પુંટેની સિદ્ધેશ્વરીના મંદિરમાં જઈને પ્રાણાયામ વગેરેનો અભ્યાસ કરતા હતા. આથી એમને દમ રોગની શરૂઆત થઈ. એને લઈને તેઓ થોડા દિવસ સુધી ઠાકુર પાસે જઈ ન શકયા. થોડો આરામ થયા બાદ તેઓ ઠાકુર પાસે ગયા. એ વખતે ત્યાં બીજું કોઈ જ ન હતું. ઠાકુર એમને જોતાં જ બોલી ઊઠ્યા : ‘તમારે આ બધું શા માટે ? તમે લોકો ગૃહસ્થ છો. એવો યોગાભ્યાસ તમારે માટે નથી. ઈશ્વરમાં ભક્તિ વિશ્વાસ રાખવાથી જ થશે. અહીંથી પાછા જતી વખતે ગોપાલ બ્રહ્મચારી પાસેથી ત્રણ માત્રા દવા લેતા જજો. આવું કામ ફરી ન કરતા.’ આ સાંભળીને ચુનીબાબુ સ્તબ્ધ થઈ ગયા કેમ કે બીજું કોઈ એમના આવા યોગાભ્યાસની વાત કે યોગાભ્યાસથી જ આ દર્દ થયું છે એ હકીકત જાણતું ન હતું. બીજું પણ એમને આશ્ચર્ય થયું કે ત્રણ માત્રા દવાના સેવનથી જ એમનું એ દર્દ ચાલ્યું ગયું. એ પછી એમને પૂરો વિશ્વાસ જાગ્યો કે ઠાકુર અવતાર છે.

ચુનીબાબુ બીજાની જેમ ઠાકુરની સેવા કરવા ઇચ્છતા હતા. પરંતુ ગરીબાઈને કારણે અત્યાર સુધી કંઈ કરી ન શકયા એનું મનમાં દુ:ખ રહેતું હતું. એ જાણીને ઠાકુરે ભક્તની ભક્તિવૃદ્ધિ માટે કહ્યું કે : ‘હું ધાતુના ગ્લાસમાં પાણી પી શકતો નથી. આથી તમે મારે માટે એક કાચનો ગ્લાસ ખરીદી લાવો તો સારું.’ પછી બીજાઓની જેમ પ્રણવમંત્રનું દીર્ઘ ઉચ્ચારણ કરવાનો અધિકાર ન હોવાથી કાયસ્થ ચુનીલાલના મનમાં દુ:ખ થયા કરે છે, એ જાણીને ઠાકુરે તેમને કહ્યું : ‘ભગવાનના કોઈપણ એક નામનું ઉચ્ચારણ કરવાથી જ પૂરતું છે. પ્રણવમંત્રની જરૂર નથી.’ એ દિવસથી તેઓ ઠાકુરની સૂચના મુજબ જપ-ધ્યાન અને ઠાકુરના નામોચ્ચારણ સિવાય બીજું કંઈ કરતા નહીં.

એકવાર ચુનીબાબુએ તીર્થયાત્રા માટે ત્રણ મહિનાની રજા લીધી. એ વખતે એમનાં પત્નીને દમ રોગ થયેલો. આથી એમણે પત્નીને પણ વૃંદાવન સાથે લઈ જવા નક્કી કર્યું. બલરામબાબુને આ સમાચાર મળતાં એમણે પણ કહ્યું કે તેઓ પણ જલદી ત્યાં આવશે. પરંતુ બલરામબાબુનો સ્વભાવ એવો હતો કે તેઓ ઝડપથી કંઈ કરી શકતા નહીં. પછી ક્યાંય ગયા હોય તો છ મહિના કે વર્ષ પહેલાં ત્યાંથી આવતા નહીં. ચુનીબાબુ બલરામબાબુની પ્રતીક્ષા કરતા રહ્યા. એમાં બે મહિના નકામા બગડયા. પછી ચુનીબાબુ વધારે મોડું ન કરતાં પત્ની સાથે વૃંદાવન ચાલ્યા ગયા. ત્યાં એ લોકો કુલ ૨૦ દિવસ રહ્યા. એ સમયે વૃંદાવનમાં શ્રીયુત તારક (શિવાનંદજી) હતા અને ગૌરીમા ત્યાં હતાં. ગૌરી-મા ખૂબ જ તેજસ્વિની હતાં. તેમણે એ લોકોને વૃંદાવનનાં જોવાલાયક સ્થળો બતાવ્યાં. થોડા સમય પછી શ્રીયુત રાખાલ (બ્રહ્માનંદજી)ને લઈને બલરામબાબુ તેમનાં પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા. એ સમયે ચુનીલાલ બાબુ તથા બીજા બધા લોકો બલરામબાબુના ‘કાલાબાબુની કુંજ’માં રહેતા હતા અને ત્યાં પ્રસાદ પણ ખાતા હતા. ચુનીબાબુ એમનાં પત્નીને વૃંદાવનમાં રાખીને બલરામબાબુ પહેલાં જ કોલકાતા પાછા આવી ગયા.

વૃંદાવનથી પાછા આવ્યા બાદ જે દિવસે તેઓ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણનાં દર્શન માટે ગયા હતા એ દિવસની વાત ‘કથામૃત’માં વર્ણવેલી છે. ચુનીબાબુ બીજી પણ ઘણીવાર દક્ષિણેશ્વર ગયા હતા તેનો ઉલ્લેખ આપણને એ ગ્રંથમાંથી મળે છે. એમના પ્રત્યે ઠાકુરની કેવી ઉચ્ચ ધારણા હતી તે એક દિવસ એમના શ્રીમુખે કહેલી વાત દ્વારા પ્રગટ થાય છે. ઠાકુરે એ દિવસે માસ્ટર મહાશયને કહ્યું હતું : ‘ચુનીમાં અને તમારામાં આવવા-જવાથી ઉદ્દીપન થયું છે.’

કલ્પતરુ ઠાકુર જે દિવસે (૧૮૮૬, ૧ જાન્યુઆરી) કાશીપુરના બાગમાં ભક્તોની મનોવાંછા પૂરી કરીને પોતાના ઓરડામાં પાછા પથારીમાં આરામ કરવા લાગ્યા અને નિરંજન દરવાજા પર ઊભા રહીને બધાને અંદર જતા અટકાવી રહ્યા હતા, ત્યારે એ દિવસે ત્રીજા પહોરે ચુનીલાલ ત્યાં આવી પહોંચ્યા. નરેન્દ્રનાથે એમને જોતાં જ એક બાજુ બોલાવ્યા. તેમના કાનમાં કહ્યું કે ઠાકુરનું શરીર હવે બહુ દિવસ સુધી નહીં રહે. આથી ચુનીલાલને જો કંઈ પ્રાર્થના હોય તો અત્યારે જ તેમને કહી દે. પરંતુ દ્વારપાળ નિરંજનને ઓળંગીને અંદર જવું અસંભવ હતું. આથી ચુનીલાલ દુ:ખી મને પ્રતીક્ષા કરવા લાગ્યા. એટલામાં તો નિરંજન દૂર જતાં જ નરેન્દ્રે એમને ઈશારો કર્યો અને મોકો મેળવીને ચુનીલાલે અંદર જઈને ઠાકુરને પ્રણામ કરતાં જ ઠાકુરે પૂછ્યું : ‘તું શું ઇચ્છે છે ?’ ચુનીલાલ કંઈ બોલી ન શકયા. ત્યારે ઠાકુરે પોતાનું શરીર બતાવીને કહ્યું : ‘આના ઉપર ભક્તિ - વિશ્વાસ રાખજો. એથી તમારું પણ કામ થશે.’ બહાર આવીને બધી વાતો કહેતાં નરેન્દ્રનાથે ચુનીલાલને કહ્યું : ‘તો આપને ડર કઈ વાતનો છે ?’ ચુનીલાલે ઠાકુરની એ વાતને પોતાના જીવનનું ભાથું બનાવી દીધું હતું.

ચુનીબાબુ રામકૃષ્ણ મઠ અને મિશનના અકૃત્રિમ મિત્ર હતા. એ કારણે સ્વામીજીએ એમની નિર્ધનતાની વાત જાણીને અમેરિકાથી લખ્યું : ‘બે-ત્રણ મહિનાની અંદર જ હું એમને મદદ મોકલી શકીશ... બલરામ, સુરેશ, માસ્ટર અને ચુનીબાબુ બધા આપણી મુશ્કેલીમાં મિત્ર છે. એથી એ લોકોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ.’

ચુનીબાબુના શરીર છોડયા બાદ ‘ઉદ્‍બોધન’ પત્રિકા (અષાઢ, ૧૯૩૬ ઈ.)માં એમના સંબંધમાં એમ લખવામાં આવ્યું હતું : ‘ગઈ ૩૦ મે (ઈ.સ. ૧૯૩૬ શનિવાર બપોરે બાર વાગ્યાના સમયે) ઠાકુરના ગૃહસ્થ શિષ્ય ચુનીલાલ બસુ મહાશય ૫૮ બી, રમાકાંત બસુ સ્ટ્રીટના પોતાના મકાનમાં મૂત્રાવરોધ રોગને લીધે ૮૭ વર્ષની ઉંમરે શરીર છોડીને શ્રીરામકૃષ્ણ ચરણોમાં વિલીન થઈ ગયા છે... ચુનીલાલ બસુ મહાશય ઈ.સ. ૧૮૪૯ના કોલકાતાના રમાકાંત બસુ સ્ટ્રીટના પોતાના મકાનમાં જન્મ્યા હતા. તેમણે હિન્દુ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી લગભગ બાવીસ વર્ષની ઉંમરે તેમણે કોલકાતા કોર્પોરેશનના લાયસન્સ વિભાગમાં નોકરી સ્વીકારી લીધી હતી. તેઓ ૩૩ વર્ષ સુધી પેન્શન મેળવતા રહ્યા. બાળપણથી જ તેઓ ધર્માનુરાગી હતા. ઠાકુરના લીલા સંવરણ પહેલાં પાંચ વર્ષ અગાઉ તેઓ તેમનો પુણ્ય સંગ પામ્યા હતા. ‘કથામૃત’ અને સ્વામી સારદાનંદ મહાશય દ્વારા લખાયેલ ‘લીલાપ્રસંગ’ ગ્રંથમાં એમના નામનો ઉલ્લેખ છે. સ્વામી વિવેકાનંદ સાથે એમને મિત્રતા હતી. સ્વામીજી એમને આદરપૂર્વક ‘નારાયણ’ કહીને બોલાવતા. ઠાકુર એમના ઘરે ગયા હતા. તેમની અંતિમ માંદગી સમયે સ્વામી ભાગવતાનંદજી એમની પાસે રહીને સેવા કરતા હતા. શ્રીરામકૃષ્ણનું નામ જપતાં જપતાં એમણે શરીર છોડયું હતું. બાગબજાર પ્રાંતમાં તેઓ જ શ્રીરામકૃષ્ણના વૃદ્ધ ગૃહસ્થ ભક્ત હતા.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda