Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય

શ્રીયુત ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય મહાશય કોલકાતાના અહિરીટોલાના એ સમયના ૩૧ નંબરના નિમુ ગોસ્વામી લેનના પોતાના મામાના ઘરમાં ઈ.સ. ૧૮૬૮ની ૨૮મી ફેબ્રુઆરી શુક્રવાર - ફાગણ પાંચમના દિવસે જન્મ્યા હતા. (સહધર્મિણી શ્રીમતી ભવતારિણીદેવીએ આપેલી માહિતીના આધારે આ તિથિ નક્કી થઈ.) એમના પિતા શ્રીપૂર્ણચંદ્ર મુખોપાધ્યાયનું બાપદાદાનું મકાન હતું હુગલી જિલ્લાના બલાગઢ ગામમાં. પરંતુ કુળવાન બ્રાહ્મણ હોવાથી તેઓ યાહકદ ગામમાં મોસાળમાં રહેતા હતા. એ દિવસોમાં કુળવાન બ્રાહ્મણ અનેક લગ્ન કરતા. એમની અનેક પત્નીઓનાં જીવન પિયરમાં જ પસાર થતાં. ઉપેન્દ્રની માતા પણ સાસરે ગયાં ન હતાં. ઉપેન્દ્રના મામાનું નામ જગબંધુ વંદોપાધ્યાય હતું. તેઓ નિ:સંતાન હતા અને ભાણેજને પુત્ર સમાન પાળતા હતા. તેઓ રાધાબજારમાં એક ઘડિયાળની દુકાનમાં નોકરી કરતા હતા. એમની આર્થિક સ્થિતિ સારી ન હતી.

ઉપેન્દ્રનાથે યદુપંડિતની નિશાળમાં ‘કથામાળા’ ભણીને પછી ભણવાનું છોડી દીધું હતું. એ જોઈને મામાએ એમને ધમકાવીને કોઈ કામ શોધી લેવા હુકમ કર્યો. એક બે દિવસ ફરીને જ એમને એક દવાખાનામાં નોકરી મળી ગઈ. કામ હતું  દવાની શીશીઓ ધોવાનું, તેના ઉપર લેબલો ચોંટાડવાનું વગેરે. થોડા દિવસ ત્યાં કામ કરતાં ઉપેન્દ્રને જણાયું કે ડોકટરનું નૈતિક ચારિત્ર્ય સારું નથી. એટલે એમણે એ નોકરી છોડી દીધી. પછી ખૂબ રઝળપાટ કરીને બટતલામાં (અપર ચિતપુર રોડ) વૃંદાવન વસાકની પુસ્તકની દુકાનમાં ૫ રૂપિયાના માસિક પગારે કામ કરવા રહ્યા. અહીં કામ હતું ઝાડુ કાઢવું, પુસ્તકો ગોઠવીને રાખવાં અને વેચવાં. થોડા સમય બાદ માલિકે ધંધો બંધ કરી દુકાન વેચવા કાઢી. ઉપેન્દ્રનાથને આ દુકાન ખરીદી લેવાની ઇચ્છા થઈ. દુકાનની કિંમત હતી પણ માત્ર ૭૫ રૂપિયા. પણ મામાએ આટલા રૂપિયા પણ આપવાનો ઈન્કાર કર્યો. નાછૂટકે એમણે મામીજી પાસેથી મદદ લીધી અને દુકાન પોતાના હસ્તક કરી લીધી. તેમણે બેત્રણ મહિનામાં જ એ દેવું ચૂકવી દીધું. તે વખતે કવિતાની નાની નાની પુસ્તિકાઓ એક-બે પૈસાની કિંમતમાં વેચાતી હતી. એમાં જુદા જુદા વિષયોની કવિતાઓ આવતી. ઉપેન્દ્રનાથે આવી અનેક પુસ્તિકાઓની કવિતા ભેગી કરીને એક મોટું પુસ્તક છપાવ્યું. એથી એમને ઘણી આવક થઈ. એ પછી તેઓ બીજાં પણ અનેક પુસ્તકો છપાવવા લાગ્યા. સાથે સાથે બીજાઓએ પ્રકાશિત કરેલાં પુસ્તકોનું વેચાણ પણ કરવા લાગ્યા. ભક્તપ્રવર દેવેન્દ્રનાથના મોટા ભાઈ કવિ સુરેન્દ્રનાથ મજમુદારના બધા કાવ્યગ્રંથોના તેઓ જ એકમાત્ર વિક્રેતા હતા. આ સૂત્રથી દેવેન્દ્રનાથ સાથે પણ એમને ગાઢ પરિચય થયો.

એ દિવસોમાં અહિરીટોલામાં દેવેન્દ્રબાબુ સિવાય શ્રીરામકૃષ્ણ ભક્ત અધરલાલ સેન પણ રહેતા હતા. એ લોકોના ઘરમાં શ્રીરામકૃષ્ણદેવ ક્યારેક ક્યારેક પધારતા. ઘણું કરીને આ રીતે જ ઉપેન્દ્રબાબુને શ્રીરામકૃષ્ણનાં દર્શન થયાં હતાં. પછી તેમના પ્રત્યે આકર્ષાઈને તેઓ દક્ષિણેશ્વર પણ જવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવે પણ આ સુલક્ષણ યુવાન પ્રત્યે આકર્ષાઈને એનો પરિચય પૂછયો હતો. ઉપેન્દ્રનાથે આત્મપરિચય આપતાં ઠાકુરે કહ્યું : ‘સારું, તમે બ્રાહ્મણ છો. શું તમારા ઘરમાં ઠાકુર સેવા થાય છે?’ ઉપેન્દ્રબાબુએ ઉત્તર આપ્યો : ‘જી, હા. નારાયણની નિત્યપૂજા થાય છે.’ ઠાકુરે પછી કહ્યું : ‘એક દિવસ નારાયણનો પ્રસાદ ખવડાવી શકશો ?’ ઉપેન્દ્રબાબુ સંમતિ આપીને મામાના ઘરે પાછા આવ્યા. પણ પછી વિચારવા લાગ્યા કે મામી આ પ્રસ્તાવ સ્વીકારશે કે કેમ. ખૂબ સમજી વિચારીને પછી એમણે મામીને કહ્યું કે દક્ષિણેશ્વરની કાલીવાડીના એક સદ્બ્ા્રાહ્મણ નારાયણનો પ્રસાદ ખાવા ઇચ્છે છે. બ્રાહ્મણની ઇચ્છા વિશે સાંભળીને મામી સહેલાઈથી માની ગયાં અને એક દિવસ ઉપેન્દ્રનાથ પ્રસાદ લઈને દક્ષિણેશ્વર પહોંચી ગયા. એ વખતે નરેન્દ્ર, રાખાલ વગેરે ઠાકુરના ઘણા ભક્તો પ્રસાદ લેવા બેઠા હતા. ઠાકુરે ઉપેન્દ્રના હાથમાંથી થોડો પ્રસાદ આનંદપૂર્વક લઈ લીધો અને પછી બીજાઓની પાતળમાં પણ થોડો પ્રસાદ વહેંચી દેવાનું કહ્યું.

આ પ્રસંગ પહેલાં ઉપેન્દ્રબાબુની સાથે મહોલ્લાના બીજા છોકરાઓ પણ દક્ષિણેશ્વર જવા લાગ્યા. એથી એમના વડીલોએ જગબંધુબાબુ પાસે ફરિયાદ કરી. પરિણામે મામા ઉપેન્દ્રને ઘરમાં જ રોકી રાખવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ દક્ષિણેશ્વરમાં પ્રસાદ લઈ ગયા પછી મામીની મદદથી એ અવરોધ પણ દૂર થઈ ગયો. બીજા એક દિવસે પણ મામીએ એમની સાથે જ ત્યાં પ્રસાદ મોકલાવ્યો હતો. તેઓ ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવતાં હતાં.

ઉપેન્દ્રનાથ બીજા ભક્તોની જેમ ઠાકુરને કંઈ આપી શક્યા નથી એ કારણે એમના મનમાં બહુ જ દુ:ખ થયા કરતું હતું. એ જાણીને ઠાકુરે એમને બે પૈસાની જલેબી લાવવા માટે કહ્યું હતું. આથી ઉપેન્દ્રબાબુના ઘરમાં ઠાકુરના ઉત્સવમાં જલેબીનો ભોગ ધરાવવામાં આવતો હતો. ઉપેન્દ્રબાબુનાં પત્ની શ્રીમતી ભવતારિણી દેવીએ જણાવ્યું હતું કે ઉપેન્દ્ર લગ્ન કરવા સંમત નહોતા. પરંતુ પછીથી ઠાકુરની આજ્ઞા લઈને તેમણે લગ્ન કર્યાં હતાં. તે છોકરી ઠાકુરના જાણીતા ઘરની હતી. પણ એનું નામ ઠાકુરને પસંદ ન હતું. તેથી તેમણે કહ્યું : ‘એ નામ બરાબર નથી. કોઈ સારું નામ કેમ નથી રાખતાં ?’ પછી ઠાકુરને જ એ કન્યાનું નામ આપવા કહ્યું, ત્યારે એમણે એનું નામ ‘ભવતારિણી’ રાખ્યું. પછી તેઓ એ નામથી જ ઓળખાયાં. ભવતારિણી દેવીનો રંગ કાળો હતો. એ કારણે સ્વામીજી (એ વખતે નરેન્દ્ર)ને એ લગ્નમાં વાંધો હતો. ભવતારિણીને એની ખબર પડી ગઈ હતી. એથી પછી જ્યારે એક દિવસ સ્વામીજી એમના ઘરે આવ્યા ત્યારે એમણે સ્વામીજીને સોપારી આપવાની ના પાડી. ત્યારે સ્વામીજીએ કહ્યું : ‘જ્યારે તમે ઉપેન્દ્ર ઠાકુરના ગળામાં લટકી ગયાં છો તો સોપારી જ કેમ, તમારા હાથની રસોઈ પણ ખાવી પડશે.’ એ પછી એમનો ક્રોધ શાંત થયો.

ધીમે ધીમે ઉપેન્દ્રનાથ ભક્તમંડળમાં પરિચિત થવા લાગ્યા અને ઠાકુરની સાથે જુદા જુદા ભક્તોના ઘરે જવા લાગ્યા તેમજ ઉત્સવમાં પણ ભાગ લેવા લાગ્યા. આ રીતે દેવેન્દ્રનાથ મજમુદાર મહાશયના ઘરમાં જે દિવસે ઠાકુર પધાર્યા (૬ એપ્રિલ ૧૮૮૫) એ દિવસે ઉપેન્દ્રનાથ પણ ત્યાં હાજર હતા અને અક્ષયકુમાર સેનની સાથે એમને પણ ચરણસેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીરામદત્ત મહાશયે લખેલા ‘પરમહંસદેવનું જીવનવૃત્તાંત’ પુસ્તકમાં જણાવ્યું છે, ‘કાર્યકારી ભક્તોમાં ભક્તવીર સુરેન્દ્રનાથ મિત્ર, બલરામ બસુ, કેદારનાથ ચટ્ટોપાધ્યાય, હરિશ્ચન્દ્ર મુસ્તફી, દેવેન્દ્રનાથ મજમુદાર, ગિરીશચંદ્ર ઘોષ, અતુલકૃષ્ણ ઘોષ, મનમોહન મિત્ર, કાલીદાસ મુખોપાધ્યાય, નવગોપાલ ઘોષ, ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય વગેરે ભક્ત-શ્રેષ્ઠ મહાત્માઓએ મળીને શ્રીરામકૃષ્ણદેવના આવિર્ભાવના ઉપલક્ષ્યમાં આ મહોત્સવનું કાર્ય શરૂ કર્યું.’ ઉપેન્દ્રનાથ ગરીબ હોવા છતાં પણ સારી રીતે ઉત્સવોમાં ભળતા, પોતાની શક્તિ મુજબ કામ કરતા અને મોકો મળતાં જ કોલકાતા કે દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી જઈને શ્રીમુખની વાણી સાંભળીને ધન્યતા અનુભવતા.

તો પણ દરિદ્રતા એમની છાતી પર ભારે પથ્થરની જેમ પડીને એમને ભીંસી રહી હતી તેમજ એમના ભક્તિપ્રકાશ અને ભક્તિલાભના પ્રયત્નમાં ડગલેને પગલે અવરોધ ઊભા કરતી હતી. બીજા ભક્તો જ્યાં નિ:સંકોચ થઈને ઠાકુર સાથે આનંદ કરતા હોય ત્યાં ઉપેન્દ્રનાથ પોતાના હૃદયમાં એવી મુક્તતાનો અનુભવ કરી શકતા નહીં. ઘરમાં મામા પણ દરેક વખતે એમની નબળાઈની વાત યાદ કરાવી દેતા હતા. પરિણામે ભક્તિલાભના પ્રયત્ન સાથે ગરીબાઈ નાશની ચિંતા પણ એમના મનમાં સતત જાગ્રત રહેતી હતી. એ કારણે જ્યારે શ્રીરામકૃષ્ણે એક દિવસ એમને પૂછ્યું : ‘તું શું ઇચ્છે છે ?’ ત્યારે સ્વાભાવિક રીતે જ એમના મુખમાંથી ઉત્તર નીકળ્યો : ‘ધન ઇચ્છું છું.’ ભક્તવાંછાકલ્પતરુ ઠાકુરે એમની પ્રાર્થનાની સાર્થકતા જાણીને તેમને આશીર્વાદ આપતાં કહ્યું : ‘ખૂબ થશે.’ ઠાકુરે ભક્તની ભક્તમાર્ગની આ રૂકાવટને દૂર કરતાં તેમને સમજાવ્યું પણ ખરું કે ધનસ્પૃહા જીવનની અભીપ્સિત કે ઉચ્ચતર ભક્તિની સહગામી બની શકતી નથી. પૂજ્યપાદ અખંડાનંદજીએ આથી સ્મૃતિકથામાં લખ્યું છે : ‘તે (ઉપેન્દ્રબાબુ) જ્યારે દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં દર્શન કરવા આવતો હતો ત્યારે એક દિવસ ઘરમાં ઘણા ભક્તોની વચ્ચે ઠાકુરે આંગળીથી ઉપેન્દ્રને બતાવતાં કહ્યું : ‘આ છોકરો મારી પાસે થોડી ધન કામનાથી આવ્યા કરે છે.’ શ્રીયુત હેમેન્દ્રપ્રસાદ ઘોષ એક બીજી ઘટનાનો ઉલ્લેખ કરીને લખે છે : ‘ભક્તમંડળમાંના કોઈ એક ભક્તે એક દિવસ ઉપેન્દ્રનાથને બતાવીને શ્રીરામકૃષ્ણદેવને કહ્યું હતું : ‘આપે તો ઉપેનનું કાંઈ ન કર્યું.’ એથી ઠાકુરે હસીને કહ્યું હતું : ‘તે તો કાંઈ માગતો નથી. એની ઇચ્છા છે કે એનો નાનો દરવાજો મોટો થઈ જાય - તે થશે.’ ઠાકુરની શુભેચ્છા કેવી રીતે કાર્યાન્વિત થઈ એ આપણે પાછળથી જોઈશું. પરંતુ વાચક જો એમ જ માને કે ઉપેન્દ્રનાથ ફક્ત અર્થાર્થી જ હતા તો એમને અન્યાય થયો ગણાશે. ઠાકુરની સાથે સમાગમ અને પાછળની ઘટમાળાનો વિચાર કરતાં અમને એમ લાગે છે કે ધનસ્પૃહાની સાથે સાથે એમનામાં સાચી ભક્તિ પણ પૂરતી હતી.

ઠાકુરના દેહાવસાનના સમાચાર મળતાં ઉપેન્દ્રનાથ કાશીપુરના સ્મશાનમાં હાજર થઈ ગયા હતા. ચિતા-નિર્વાણ સમાપ્ત કરીને ભક્તો જ્યારે કાશીપુરના ઘાટમાં સ્નાન માટે એક એક કરીને જતા હતા ત્યારે એક ઝેરી સાપે ઉપેન્દ્રના પગમાં દંશ માર્યો. સર્પદંશથી તેઓ ત્યાં બેસી પડ્યા. ભક્તોએ એમના પગના ઉપરના ભાગને કસીને બાંધી દીધો અને ડસવાની જગ્યાને લોઢું ગરમ કરીને બાળી દીધી. શ્રીરામકૃષ્ણની કૃપાથી તેઓ બચી તો ગયા પરંતુ દંશની જગ્યા સોજીને ચાર-પાંચ મહિના સુધી લીલી જ રહી હતી. (પરમહંસ દેવનું જીવનવૃત્તાંત). તે લીલો ડાઘ જીવનભર રહી ગયો હતો.

ઉપેન્દ્રનાથ જે સમયમાં પુસ્તકની દુકાન ચલાવતા હતા એ દિવસોમાં બંગાળીઓને માટે નોંધપાત્ર એવો પુસ્તક વ્યવસાય ન હતો. બટતલા જ હતું એ વ્યવસાયનું મુખ્ય કેન્દ્ર. ધીમે ધીમે ઉપેન્દ્રનાથે એક છાપખાનું ખરીદી લીધું અને પ્રકાશકનું કામ હાથમાં લીધું. ‘જ્ઞાનાંકુર’ નામનું એક નાનું સમાચાર પત્ર પણ પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કરવા લાગ્યા. શ્રીમત્સ્વામી વિવેકાનંદજીએ લખેલા ‘ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ પુસ્તકનો બંગાનુવાદ ‘ઈશાનુસરણ’ એ સામયિકમાં ક્રમશ: પ્રગટ થવા લાગ્યો. એ સમય દરમિયાન એમણે ‘રાજભાષા’ નામ આપીને અંગ્રેજી ભાષા શીખવાની એક સરળ શૈલીવાળું પુસ્તક પ્રકાશિત કર્યું. તે પુસ્તક મોટાભાગના લોકોએ આવકાર્યું અને તેનો ઘણો પ્રચાર થવાથી તેમનું અર્થભાગ્ય ઝળક્યું અને તેઓ વ્યવસાય ક્ષેત્રમાં સ્થિર થઈ ગયા. પછી તેમણે બિડન સ્કવેરનું ૩ નંબરનું બે માળવાળું મકાન ભાડે લીધું અને ત્યાં પોતાનો વ્યવસાય વધારવાની કોશિશ કરવા લાગ્યા. થોડા દિવસોમાં ‘વસુમતી’ નામની એક સાપ્તાહિક પત્રિકાનું પ્રકાશન એમના મુદ્રણાલયમાંથી પ્રગટ થવા લાગ્યું.

અમે પહેલાં કહી ગયાં છીએ કે ઉપેનબાબુ ફક્ત અર્થાર્થી જ ન હતા. તેઓ વ્યવસાયી હોવા છતાં પણ મુખ્યત્વે તો ભક્ત જ હતા. આનું પ્રમાણ એ વખતના એક પ્રસંગ દ્વારા મળે છે : શ્રીયુત કુમુદબંધુ સેને લખ્યું છે : ‘પશ્ચિમી દેશોમાંથી સ્વામી વિવેકાનંદ કોલકાતા પાછા આવી રહ્યા છે. એ પ્રસંગે વિપુલ આંદોલન થવા લાગ્યું. કોલકાતા અભ્યર્થના સમિતિના આયોજનને પરિણામે સ્વામીજીને ખિદિરપુર બંદરથી સિયાલદહ સ્ટેશન સુધી સ્પેશ્યલ ટ્રેનમાં લઈ આવવાની વ્યવસ્થા થઈ. આગલા દિવસે ઉપેન્દ્રબાબુએ કોલકાતા અને તેની આજુબાજુના વસવાટનાં સ્થળોમાં સ્વામીજીના પહોંચવાનો સમય અને સ્થળ જણાવતાં મોટા મોટા અક્ષરોમાં લખેલાં પોસ્ટરો લગાવડાવી દીધાં હતાં. એ ઉપરાંત હજારો ચોપાનિયાં છપાવીને તેમણે કોલકાતાવાસીઓને સ્વામીજીના આગમન માટે એકત્ર થવાનો અનુરોધ કર્યો હતો. આ બધું ઉપેન્દ્રબાબુએ પોતાના ખર્ચે કર્યું હતું. નવા પ્રકાશિત ‘વસુમતી’ પત્રમાં બેઠેલા સ્વામીજીનો ફોટો અને તેમની બંને બાજુ બે મંગળકલશનાં ચિત્રો અને તેની નીચે સ્વામીજીના આગમન નિમિત્તે મહાકવિ ગિરીશચંદ્રે રચેલું એક નવું કાવ્ય છાપવામાં આવ્યું હતું. આ ‘વસુમતી’ સમાચારપત્રની હજારો નકલો એમણે વિનામૂલ્યે વહેંચી હતી. એ સંધ્યાએ પૂજ્યપાદ સ્વામી બ્રહ્માનંદ અને યોગાનંદ તથા પરમભક્ત ગિરીશબાબુ અને પૂર્ણબાબુ વચ્ચે ચર્ચા થઈ રહી હતી કે અત્યંત ઠંડીના દિવસો છે અને સ્પેશ્યલ ટ્રેઈન વહેલી આવશે. એથી સિયાલદહ સ્ટેશન પર લોકોની ખાસ ભીડ નહીં હોય. એટલામાં એકાએક ઉપેનબાબુ ત્યાં આવી ગયા. ગિરીશબાબુ અને બંને સ્વામીજીના સંદેહની વાત સાંભળીને એમણે દૃઢતાપૂર્વક કહ્યું : ‘કાલે સ્વામીજીના દર્શન માટે ત્યાં હજારો માણસોની ભીડ થશે. મેં કોલકાતા, વરાહનગર, કાશીપુર, ભવાનીપુર, અલીપુર વગેરે સ્થળે મોટાં મોટાં પોસ્ટરો લગાવ્યાં છે. ૫૦ હજાર ચોપાનિયાં વહેંચ્યાં છે અને ‘વસુમતી’ની દસ હજાર નકલો પણ વહેંચી દેવામાં આવી છે. મને દૃઢ વિશ્વાસ છે કે ઠાકુરની કૃપાથી સવાર થતાં પહેલાં જ ત્યાં અસંખ્ય માણસોની ભીડ થઈ જશે.’ ગિરીશબાબુએ કહ્યું : ‘ભાઈ, જો આવું થાય તો હું માનીશ કે તમે એક બહુ મોટું કામ કર્યું છે.’ ઉપેનબાબુની વાતથી ત્યાંના બધા લોકોને આનંદ થયો કેમ કે સ્વાગત સમિતિ તરફથી જાહેરાતનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. તેઓ તો વર્તમાનપત્રોમાં ફક્ત એમના આગમનના સમાચાર જ છાપી શક્યા હતા. સ્વામીજીની જીવનકથાથી પરિચિત બધા લોકો જાણે છે કે ઉપેન્દ્રનાથની ભવિષ્યવાણી આશાતીત રૂપે સફળ થઈ હતી.

વ્યવસાયના ક્ષેત્રમાં ઉપેન્દ્રબાબુ ઘણી જ ઝડપથી ભાગ્યલક્ષ્મીની કૃપાદૃષ્ટિ મેળવી શકયા હતા. તેમણે ગે સ્ટ્રીટનું એક વિશાળ મકાન ભાડે રાખ્યું અને છાપખાનાને ત્યાં લઈ ગયા. ‘વસુમતી’ની ગ્રાહક સંખ્યા ઘણી વધી ગઈ એથી છાપખાનું પણ મોટું કરવું પડયું. એમણે પ્રસિદ્ધ સાહિત્યકારોને સંપાદક મંડળમાં નીમ્યા. પાંચકડી, વંદ્યોપાધ્યાય, જલધર સેન, સુરેશ સમાજપતિ વગેરે પ્રસિદ્ધ લેખકો જુદા જુદા સમયે ‘વસુમતી’ના સંપાદક પદે રહ્યા હતા. એ રીતે પુસ્તકોના પ્રકાશન વિભાગમાં પણ વૃદ્ધિ થવા લાગી. ‘વસુમતી સાહિત્ય મંદિર’માંથી કાલીપ્રસન્નસિંહનું મહાભારત, માઈકેલ, બંકિમચંદ્ર, ટેલચાંદ, ગિરીશચંદ્ર, રંગલાલ, દીનબંધુ, હેમચંદ્ર અને નવીનચંદ્રની ગ્રંથાવલીની અત્યંત સુલભ આવૃત્તિઓ તથા સંજીવચંદ્ર અને રવીન્દ્રનાથનાં પુસ્તકો પ્રકાશિત થવાથી તેઓ ગરીબ સાહિત્યપ્રેમીઓના ઘરમાં પહોંચ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે લોકોનો દૈનિક વર્તમાનપત્ર મેળવવાનો આગ્રહ જોઈને ઉપેન્દ્રબાબુએ સંધ્યાકાળે ‘દૈનિક વસુમતી’ પ્રકાશિત કરવાનો વિચાર કર્યો. યુદ્ધના સમાચાર આપતા આ વર્તમાન પત્રને લોકો ‘વસુમતી ટેલિગ્રામ’ કહેતા. પહેલાં એમાં ફક્ત સમાચાર જ આવતા પછીથી તે પૂર્ણરૂપે વર્તમાન પત્ર બની ગયું. ઉપેન્દ્રબાબુની વ્યાવસાયિક પ્રગતિ જોઈને સ્વામીજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું : ‘ઉપેન્દ્રની ધંધાકીય આવડત સારી છે.’

ઉપેન્દ્રનાથની ધન કમાવાની શક્તિ ખૂબ વધી હોવા છતાં પણ એમની ધર્મભાવના ઘટી નહીં, પરંતુ ઉત્તરોત્તર વધતી જ રહી. એમના આગ્રહથી સ્વામીજીએ ‘વસુમતી’ના મુખ્ય સૂત્રરૂપે સંન્યાસીઓનો અભિવાદન મંત્ર ‘ૐ નમો નારાયણાય’ પસંદ કરી આપ્યો હતો અને ઉપેન્દ્રબાબુએ એ આદરપૂર્વક સ્વીકાર્યો હતો. આ પત્રિકા ઠાકુર અને સ્વામીજીની વાણીના પ્રચાર માટે હંમેશાં તત્પર રહેતી. એ દિવસોમાં ‘ઈંડિયન મિરર’ અને ‘વસુમતી’ આ કાર્યમાં અગ્રેસર હતાં. ‘વિવેકાનંદના સાંનિધ્યમાં’ ગ્રંથના લેખક શરત્બાબુ અને બીજા એક લેખક સ્વામીજીના ભાષણનું સંક્ષિપ્ત લખાણ બરાબર લખી મોકલતા. એમની પત્રિકામાં એ લખાણ આદરપૂર્વક છપાતું. અહિરીટોલાના મકાનમાં તેઓ જે રામકૃષ્ણ-જન્મોત્સવ માનતા હતા તે ધીમે ધીમે એક આખા દિવસના અનુષ્ઠાનમાં પરિણમ્યું. કીર્તન, ભજન, ભક્ત-સમાગમ, પ્રસાદ વિતરણ વગેરેથી એ મકાન આનંદથી સભર બની જતું. એમના મકાનની અંદરના આંગણાની બાજુમાં ઠાકુરની છબી ગુલાબ, કમળ વગેરે જુદાં જુદાં ફૂલો અને પુષ્પમાળાઓથી સજાવેલી રહેતી હતી અને એ છબીની સામે મઠના સાધુઓ માટે જુદાં જુદાં આસનો આરક્ષિત રહેતાં હતાં. બહુબજારમાં નિવાસસ્થાન અને વ્યવસાયનું સ્થળાંતર થવા છતાં પણ કર્મચારીઓ સાથે તે ઉત્સવ સમારંભ યોજાતો હતો.

સાધુઓ અને ભક્તોની સેવા માટે એમનામાં ખૂબ જ શ્રદ્ધા હતી. શ્રીમત્ સ્વામી અખંડાનંદજીની સ્મૃતિકથામાં છે : ‘ઠાકુરના લીલાસંવરણ પછી સ્વામીજી વગેરે અમે થોડા ગુરુભાઈઓ કાંકુડગાછી ગયા હતા. ત્યાંથી લગભગ આઠ વાગ્યે રાત્રે અમે ક્ષુધાતુર બનીને ઉપેન્દ્રનાથની નાની દુકાનમાં પહોંચ્યા. તો એમણે એ જ સમયે ઘણી મીઠાઈ વગેરે ખવડાવીને અમને તાજા કરી દીધા હતા. બિડન સ્કવેરના છેવાડે ઘોડાગાડીનું સ્ટેન્ડ હતું. ત્યાં ઘોડાગાડીવાળો ‘ચાર પૈસા’ કહીને બોલાવતો હતો. ઉપેન્દ્રે ગાડીનું ભાડું આપીને અમને એ ગાડીમાં બેસાડી દીધા હતા. આ રીતે એમણે ઘણી વખત અમને ખવડાવી - પિવડાવીને વરાહનગરની ગાડીમાં બેસાડી દીધા હતા. જ્ઞાનાનંદ અવધૂત (નિત્યગોપાલ) એ દિવસોમાં રામદત્તના મકાનમાં રહેતા હતા. તેઓ ઘણીવાર ત્રીજા પહોરે ઉપેન્દ્રની દુકાનમાં આવીને અંદર અંધારા ઓરડામાં બેસી રહેતા. પછી ત્યાં થોડું ખાઈ-પીને મોડી રાત થતાં ચાલ્યા જતા.’ શ્રીમત્ સ્વામી અદ્‍ભુતાનંદ (લાટુ મહારાજ) ઉપેન્દ્રબાબુ પાસેથી ઘણી મદદ મેળવતા અને તેઓ કોઈ કોઈ વખત ‘વસુમતી કાર્યાલય’માં રોકાઈ જતા હતા. આમ ‘વસુમતી સાહિત્ય મંદિર’ ફક્ત સાહિત્ય પ્રેમીઓનું જ મિલન સ્થાન ન હતું, પરંતુ શ્રીરામકૃષ્ણદેવના ભક્તોનું પણ ઘણીવાર તે નિવાસસ્થાન બનતું. સ્વામી વિવેકાનંદ વગેરે સંન્યાસીઓની ચરણરજથી તે સ્થળ ધન્ય બન્યું હતું. ઉપરાંત શ્રીરામકૃષ્ણના ઘણા નિર્ધન ભક્તોને ત્યાંથી મદદ મળતી હતી. આથી ‘વસુમતી’ના એક પ્રિન્ટર રાધિકાપ્રસાદે એક દિવસ કહ્યું હતું : ‘આ ‘વસુમતી’ કાર્યાલય નથી, શ્રીરામકૃષ્ણનું સદાવ્રત છે.’

શ્રીરામકૃષ્ણ પ્રત્યેના આવા અનુરાગની સાથે એમનું ઉદારહૃદય વિશેષ ઉલ્લેખનીય છે. ગરીબનું સંતાન હોવા છતાં પણ એમના આચાર-વ્યવહારમાં ધનની બાબતમાં ઉદારતા જ વિશેષ જોવા મળતી હતી. એમના સુયોગ્ય પુત્ર સતીશચંદ્ર મુખોપાધ્યાયે ‘સચિત્ર માસિક વસુમતી’ પ્રકાશિત કર્યું હતું. એ પહેલાં ઉપેન્દ્રનાથે ઈ.સ. ૧૮૮૯ના શ્રાવણ માસમાં ‘સાહિત્ય-કલ્પદ્રુમ’ નામનું એક માસિક પત્ર બંગાળીમાં પ્રગટ કર્યું હતું. પછી ઈ.સ. ૧૮૯૦ના અંતમાં એમણે એ માસિકનું નામ ‘સાહિત્ય’ આપ્યું અને એ માસિક તેના સંપાદક સુરેશચંદ્ર સમાજપતિને દાનરૂપે આપી દીધું.

‘વસુમતી’ના કર્મચારીઓ આપત્તિ-વિપત્તિમાં એમની પાસેથી મદદ મેળવતા હતા. એક વખત સરકારી સંશોધન વિભાગમાંથી બે છોકરાઓને કામ શીખવા માટે ‘વસુમતી સાહિત્ય મંદિર’માં મોકલવામાં આવ્યા. એમાંથી એકે પુસ્તક ચોરી કરી અને તે રંગાયેલા હાથે પકડાઈ ગયો. પરંતુ દયાળુ ઉપેન્દ્રનાથે પોલીસ અદાલતમાં જઈને કહ્યું કે એ પુસ્તક મેં એ છોકરાને ભેટ આપ્યું હતું. નાછૂટકે ફરિયાદીને તેને છોડી દેવો પડયો. એક દિવસ કાર્યાલયમાં આવતાં એમણે જોયું કે કેટલાક લોકો એક યુવાનને ઘેરીને ઊભા છે. એણે છાપખાનાના થોડા અક્ષરોનાં બીબાં ચોર્યાં હતાં અને તેને પકડી જવા માટે ત્યાં એક પોલીસ ઊભો હતો. ઉપેન્દ્રનાથે એ પોલીસને કહ્યું કે એમણે એને એ બીબાં ભેટ આપી દીધાં છે. એટલે પોલીસ ચાલ્યો ગયો. પછી એમણે એ યુવાનને કહ્યું : ‘બેટા, ચાલ્યો જા. એવું કામ ફરી ક્યારેય કરતો નહીં.’ જે કંપની તેમને કાગળો પૂરા પાડતી હતી ત્યાંથી એક દિવસ પત્ર આવ્યો કે કંપનીના લેણા ઘણા રૂપિયા બાકી છે. ઉપેન્દ્રનાથે એમને જણાવ્યું કે એમણે તો બધા જ રૂપિયા કંપનીના કર્મચારીને ચૂકવી દીધા છે. એ મુજબ કંપનીના ઓફિસર ‘વસુમતી કાર્યાલય’માં આવીને હિસાબની ચકાસણી કરી ગયા અને એમને જણાયું કે ઉપેન્દ્રનાથની વાત સાચી છે અને એ કર્મચારીએ એ રૂપિયા ઉચાપત કરી લીધા છે. ત્યારે ઉપેન્દ્રનાથે એમના હિસાબના બધા રૂપિયા ચૂકવી દેવાની જવાબદારી લઈ લીધી અને એ અપરાધીને છોડી દેવા કહ્યું. આ દયાનું કારણ એ કે તે માણસ કોઈ સમયે શ્રીરામકૃષ્ણ પાસે જતો હતો. એક દિવસ તેઓ કાર્યાલયમાં જતા હતા ત્યારે એક કન્યાના પિતાએ પુત્રીના કન્યાદાન માટે આર્થિક સહાયની યાચના કરી. ઉપેન્દ્રનાથે એ દિવસના વેચાણમાંથી જે આવક મળે તે બધી એને આપી દેવાની પ્રતિજ્ઞા કરી અને સાંજે તે વ્યક્તિને રૂપિયા ત્રણસો આપીને તેઓ પ્રતિજ્ઞામુક્ત બન્યા હતા.

ઉપેન્દ્રબાબુ આદર્શ ગૃહસ્થી હતા. તેઓ પોતે સદ્‍ભાવથી ધન કમાતા હતા અને બીજા માણસોને પણ એમ કરવાની પ્રેરણા આપતા હતા. સુરેશ સમાજપતિએ ‘સાહિત્ય પત્ર’માં લખ્યું હતું : ‘વસુમતીના પ્રવર્તકથી લઈને નીચલી કક્ષાના સેવકો સુધી બધા શ્રીરામકૃષ્ણ ભક્ત છે.’ આ પ્રકારની સાધુવૃત્તિ એમના કુટુંબના લોકોમાં પણ ઊતરી હતી. આ કારણે એમના સુયોગ્ય પુત્ર સતીશચંદ્રના મનમાં એકવાર સંન્યાસ લેવાની ઇચ્છા જાગી હતી. પરંતુ મઠના અધિકારીઓએ એમને એ સમયે સમજાવી - પટાવીને ઘરે મોકલી દીધા હતા.

ઉપેન્દ્રનાથના કાર્યનું એક મુખ્ય પરિબળ હતું પરિશ્રમ. તેઓ દરરોજ ‘વસુમતી કાર્યાલય’નાં બધાં કામો ઝીણવટથી જોતા. દરરોજ સવારે અહીરીટોલાના ઘરેથી કાર્યાલયમાં આવી જતા. આખો દિવસ કાર્યાલયમાં જ રહેતા અને પછી સંધ્યા બાદ ઘરે પાછા જતા.

ગે સ્ટ્રીટના મકાન પછી વસુમતી છાપખાનું અને ‘વસુમતી સાહિત્ય મંદિર’ વગેરે કાર્યાલય અત્યારના વિપિન વિહારી ગાંગુલી સ્ટ્રીટના મકાનમાં ખસેડવામાં આવ્યાં અને ત્યા ઉત્તરોત્તર એક વિશાળ સંકુલ ઊભું થઈ ગયું. સાહિત્ય પ્રચારમાં ઉપેન્દ્રનાથ ઘણી ઝડપથી બંગવાસી યોગેન્દ્રનાથના અને હિતવાદીના ‘કાવ્યવિશારદ’ની સમકક્ષ બની ગયા. આ નવું મકાન બંગાળનાં બે પ્રાચીન સંસ્થાનોની સ્મૃતિને પોતાના હૈયામાં ધારણ કરતું હતું. ઈ.સ. ૧૮૫૪માં અહીં કોલકાતા ઈન્ડસ્ટ્રીયલ આર્ટ સ્કૂલની સ્થાપના થઈ હતી. પછી શ્રી અરવિંદની નેશનલ કોલેજની સ્થાપના પણ આ જ મકાનમાં થઈ હતી.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા છતાં પણ ઉપેન્દ્રનાથના હૃદય-મનમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ બધાના મૂળમાં શ્રીરામકૃષ્ણનો અમોઘ આશીર્વાદ હતો અને એમને એવો પણ વિશ્વાસ હતો કે શ્રીગુરુ એમને ક્યારેય કુમાર્ગે જવા નહીં દે. આને પરિણામે ઉપેન્દ્રબાબુનું સમગ્ર જીવન ગુરુનિષ્ઠાજનિત શક્તિનું એક શ્રેષ્ઠતમ ઉદાહરણ છે.

ઈ.સ. ૧૯૧૯ની ૩૧મી માર્ચે સંધ્યા સમયે તેઓ અહીરીટોલાના મોસાળના ઘરેથી મહાપ્રસ્થાન કરી ગયા હતા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda