Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

મણીન્દ્રકૃષ્ણ ગુપ્ત

શ્રીયુત મણીન્દ્રકૃષ્ણ ગુપ્ત ઈ.સ. ૧૮૭૧ની ફાગણ વદ અગિયારસ બુધવારના દિવસે કોલકાતામાં જન્મ્યા હતા. તેઓ કવિ ઈશ્વરચંદ્ર ગુપ્તના દૌહિત્ર હતા. એમના પિતા ગોસાંઈદાસ ગુપ્ત મહાશયે ઈશ્વરચંદ્રના નાનાભાઈ રામચંદ્ર ગુપ્તની પુત્રી સાથે લગ્ન કર્યાં હતાં. ઈશ્વરચંદ્ર નિ:સંતાન હતા.

મણીન્દ્રકૃષ્ણ બાળપણથી કોલકાતાની બહાર રહેતા હતા; આથી પ્રાકૃતિક સૌંદર્ય પ્રત્યે એમને વિશેષ આકર્ષણ હતું. ઉપરાંત તેઓ સ્વભાવે અત્યંત ભાવુક હતા. આ ભાવુકતાને લઈને સાહિત્ય પ્રત્યે તેમનું પૂરું આકર્ષણ હોવા છતાં પણ વિદ્યાલયનો અભ્યાસ બહુ આગળ વધી શકયો નહીં.

એમની કિશોરાવસ્થામાં ૧૧-૧૨ વર્ષની ઉંમરે તેઓ કોલકાતા આવ્યા હતા. તે વખતે બ્રહ્મબાંધવ ઉપાધ્યાય અને તેમના થોડા મિત્રોએ ‘યંગ મેન્સ નેસ્ટ’ (યુવાનોનો માળો) એ નામનું ધર્મ અને સદાચાર માટેનું એક મંડળ રચ્યું હતું. મણીન્દ્રકૃષ્ણના મોટાભાઈ ઉપેન્દ્રકૃષ્ણ પણ એ મંડળના સભ્ય હતા. એ લોકો નિશાળની રજાના દિવસોમાં મંડળી સાથે બધા અવારનવાર દક્ષિણેશ્વર જતા હતા. મણીન્દ્ર પણ એમની સાથે મોટી હોડીમાં કે ગાડીમાં બેસીને ઘણીવાર ત્યાં ગયા હતા અને શ્રીરામકૃષ્ણનાં દર્શન પામ્યા હતા. પરંતુ અપરિપકવ બુદ્ધિવાળા કિશોર મણીન્દ્ર એ સમયે ઠાકુરનો મહિમા જાણી શકયા ન હતા. એ કારણે એ દર્શન પરિચયમાં પરિણમ્યું ન હતું. તો પણ એ વખતે તેઓ ઠાકુરના સ્નેહભર્યા વ્યવહારથી મુગ્ધ થયા હતા. બ્રહ્મબાંધવ પોતાની મંડળી સાથે ગંગામાં તરીને ધમાલ મચાવતા. ઠાકુરના ઓરડાના વરંડામાં જ્યારે પાછા આવતા ત્યારે જોતા કે ઠાકુર એમના માટે પ્રસાદી ફળ, મીઠાઈ, નારંગીનો રસ વગેરે લઈને પ્રતીક્ષા કરી રહ્યા છે. એક દિવસની વાત મણીન્દ્રના મનમાં હંમેશ માટે અંક્તિ થઈ ગઈ હતી. દર વખતની જેમ આ દિવસે પણ બહાર કબડ્ડી રમીને પછી ગંગાસ્નાન કરીને અન્ય યુવાનો અને બાળકો ઠાકુરની સામે બેસીને કથામૃતનું પાન કરી રહ્યા હતા. એ સમયે મણીન્દ્રે કિશોર વયના કુતૂહલને લઈને અંદર શું ચાલી રહ્યું છે, એ જોવા માટે બહારથી ડોકું કાઢયું, તો ઠાકુર નાની પાટ ઉપર બેઠા હતા અને સહુને સ્નેહથી કહી રહ્યા હતા : ‘જુઓ, જુઓ, કેવું આનંદનું બજાર ભરાયું છે !’ મણીન્દ્ર ઠાકુરની એ પ્રેમમય મૂર્તિને જોઈને બીજા કોઈ તરફ આંખ ફેરવી જ ન શકયા અને ઠાકુરને જોતા ચૂપચાપ ઊભા રહ્યા. પછી જ્યારે બધા છોકરાઓ ઊઠ્યા ત્યારે એમને ભાન આવ્યું.

એ પછી તેઓ ભાગલપુર, એમના પિતાની કર્મભૂમિમાં ચાલ્યા ગયા અને લગભગ ત્રણ વર્ષ સુધી તેઓ ઠાકુરનાં દર્શન કરી શક્યા નહીં. પછી જ્યારે તેઓ કોલકાતા પાછા આવી ગયા ત્યારે ઠાકુર બીમારીને કારણે શ્યામપુકુર રહેતા હતા. એક દિવસ મણીન્દ્રના ઓળખીતા શારદાબાબુએ એમને કહ્યું : ‘અરે, એક જગ્યાએ આવશો ?’ બંને લગભગ રોજ એ રીતે સાથે ફરવા જતા હતા. એથી મણીન્દ્રે વિચાર કર્યા વગર જ કહી દીધું : ‘બહુ સારું, ચાલો.’ પછીથી શારદાબાબુએ કહ્યું કે તેઓ શ્રીરામકૃષ્ણદેવની પાસે જઈ રહ્યા છે. ઘણું કરીને એ ઈ.સ. ૧૮૮૫ના આસો મહિનાના અંતિમ દિવસોમાંનો કોઈ એક દિવસ હતો. શ્રીરામકૃષ્ણ એ વખતે શ્યામપુકુરમાં હતા પરંતુ ત્યારે હજુ શ્રીમા ત્યાં આવ્યાં નહોતાં. આથી સેવા અંગેની કોઈ સુવ્યવસ્થા હજુ થઈ ન હતી. શ્રીરામકૃષ્ણદેવ પાસે જવાની વાત સાંભળીને મણીન્દ્રને ત્યાં જવાની ઇચ્છા નહોતી થતી છતાં પણ મિત્રના કહેવાથી તેઓ જવા માટે તૈયાર થઈ ગયા.

બંને શ્રીરામકૃષ્ણ પાસે પહોંચ્યા તો શ્રીરામકૃષ્ણ બંનેને જોઈને પોતાની પથારીમાંથી એકાએક ઊભા થઈ ગયા. પછી મણીન્દ્રને પાસે બોલાવ્યો. તેનાં ચિહ્નો જોયાં. પછી તેના કાનમાં કહ્યું : ‘કાલે એકલા આવજો. એની સાથે ન આવતા.’ મણીન્દ્રના મનમાં થોડું મંથન થવા લાગ્યું. શ્રીરામકૃષ્ણનું ચિંતન અને એમના પુનર્મિલનની આકાંક્ષાને કારણે તે રાત્રે તેમને ઊંઘ ન આવી. બીજા દિવસે ઝટપટ પોતાનું કામ આટોપીને સાંજે ફરી ઠાકુર પાસે પહોંચી ગયા. ત્યાં બેસતાં જ ઠાકુરે ચિરપરિચિતની જેમ એમને સંબોધન કરતાં કહ્યું : ‘આટલા દિવસો સુધી ક્યાં હતા?’ એ પછી આદરપૂર્વક એમને પોતાના ખોળામાં બેસાડીને તેઓ સમાધિસ્થ થઈ ગયા. એ વખતે મણીન્દ્ર પંદર વર્ષના કિશોર જ હતા. સમાધિભંગ થતાં શ્રીરામકૃષ્ણે એમને ખોળામાંથી ઉતારીને પૂછ્યું : ‘તમારે શું જોઈએ છે ?’ ભાવુક અને સૌંદર્યોપાસક મણીન્દ્રે કાંઈ ન વિચારતાં કહી દીધું : ‘આ સંસારની સુંદરતા અને લોકોનાં અદ્‍ભુત ચરિત્ર જોઈને મારા મનમાં જે ભાવનો ઉદય થાય છે એ પ્રગટ કરવાની ઇચ્છા અને કામના છે.’ વાત સાંભળીને ઠાકુરે થોડું હસીને કહ્યું : ‘તે તો સારું જ છે. પરંતુ ઈશ્વરને પામવાથી જ બધું થઈ શકે છે.’ એટલામાં મણીન્દ્રકૃષ્ણનાં શરીર અને મનમાં એક અપૂર્વ ભાવાવેશ આવ્યો. એમને એવું લાગ્યું કે જાણે કોઈ શક્તિ નીચેથી ઉપર ચઢી રહી છે. જાણે આખો સંસાર ક્યાંય વિલીન થતો જાય છે અને એ મહાન શૂન્યની અંદર એમનું હૃદય કોઈ વસ્તુનું ઠેકાણું મેળવવા માટે આક્રંદ કરી રહ્યું છે. મણીન્દ્રની બંને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તે રુદન અટકવા માગતું ન હતું. શ્રીરામકૃષ્ણના ઈશારાથી એક વ્યક્તિ એમને બીજા ઓરડામાં લઈ ગઈ. ત્યાં પણ એમનું રડવાનું અર્ધા કલાક પછી બંધ થયું.

આ રીતે ઘનિષ્ઠ પરિચય થયા પછી મણીન્દ્રકૃષ્ણ વારંવાર શ્યામપુકુર આવવા લાગ્યા. ધીમે ધીમે ઠાકુરની સેવા માટે ઘર છોડીને તેઓ ત્યાં રહેવા લાગ્યા. પરંતુ શ્યામપુકુરમાં જગ્યાની તંગી હતી. વળી ખાસ કરીને બાળક માટે રાતનો ઉજાગરો કરવો યોગ્ય નથી એમ માનીને મોટી ઉંમરના ભક્તો એમને ફક્ત દિવસે જ સેવા કરવાની તક આપતા હતા. રાત્રે શ્રીયુત રામચંદ્ર દત્ત મહાશયના મકાનમાં એમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવાની આ તકને પરિણામે તેઓ ઠાકુરને વધુ નજીકથી ઓળખી શકયા અને ભક્તો સાથે પણ એમનો આત્મીય સંબંધ સ્થપાયો. આ ગાઢ સંબંધને એમણે આજીવન જાળવ્યો હતો. એમની નાની ઉંમરને પરિણામે ભક્તમંડળીમાં એમને ‘ખોકા’ નામ મળ્યું હતું.

મણીન્દ્રનું આ સેવાવ્રત કાશીપુરમાં પણ ચાલુ રહ્યું હતું. તેમની સેવાની એક દિવસની વાત શ્રીમાએ આ પ્રમાણે જણાવી હતી. ઠાકુરની માંદગી વખતે ત્યારે ખોકા (મણીન્દ્ર) અને પલ્ટુ એમને પંખો નાંખી રહ્યા હતા. એ દિવસે હોળી હતી. બધા લોકો રંગે રમતા હતા. ઠાકુર એમને રમવા જવા માટે વારંવાર કહેતા હતા. પરંતુ તેઓ ઠાકુરની સેવા છોડીને ન ગયા. ઠાકુરે રડતાં રડતાં કહ્યું : ‘અરે, આ જ તો મારા રામલાલા છે.’

નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) ખોકાને બહુ જ પ્રેમ કરતા હતા. મણીન્દ્ર પણ એમનાથી ખૂબ જ મુગ્ધ હતા. નરેન્દ્રનાથ તથા અન્ય ભક્તોના મુખેથી ભજન-ગાન સાંભળીને મણીન્દ્ર પોતાને ભૂલીને નાચવા લાગતા. ઠાકુર ભક્તોને કહેતા હતા : ‘મણીન્દ્રનો પ્રકૃતિભાવ - સખીભાવ છે.’ ઠાકુરને તેઓ ગુરુ અને ઈષ્ટદેવરૂપે જ માનતા. એમની દીક્ષા વિશે શ્રીયુત કુમુદબંધુએ લખ્યું છે : ‘મેં એમની દીક્ષાના વિષયમાં પૂછતાં તેમણે જણાવ્યું હતું : ‘એક દિવસ હું ઠાકુર પાસે બેઠો હતો. એટલામાં મહિમ ચક્રવર્તી ત્યાં આવીને કહેવા લાગ્યા : ‘ગઈ રાત્રે મેં એક સ્વપ્નમાં જોયું, ‘જાણે હું એમને (મણીન્દ્રને) મંત્ર આપી રહ્યો છું, આપની આજ્ઞાથી.’ ઠાકુરે કહ્યું, ‘ક્યો મંત્ર મળ્યો છે. મને સંભળાવો.’ મહિમ ચક્રવર્તીએ ઉક્ત મંત્રનું ઉચ્ચારણ કરતાં જ ઠાકુર એકદમ સમાધિમાં મગ્ન થઈ ગયા. પછી સ્વસ્થ થતાં એ જ મંત્ર આપવા માટે કહ્યું. ઠાકુરના દેહાવસાન પછી મણીન્દ્રબાબુ મહિમ ચક્રવર્તીના આદેશથી ભગવાં વસ્ત્ર પહેરતા હતા અને ચક્રવર્તી મહાશયની સાથે રહેતા હતા. તેમની સાથે વરાહનગર મઠમાં પણ આવતા જતા રહેતા. એ પછી તેમણે ઘરે પાછા જઈને લગ્ન કર્યાં હતાં.

ભાગલપુરમાં હતા ત્યારે નિશાળમાં ઉત્તમ વિદ્યાર્થી તરીકે એમની ગણના થતી. પરંતુ ધીમે ધીમે વાંચવા-લખવાનો રસ ઘટવા લાગ્યો. ખાસ કરીને કોલકાતા આવ્યા પછી ભણવાની આવી ઉપેક્ષા વડીલોના ધ્યાન બહાર ન રહી. ધીમે ધીમે નિશાળે જવાનું બંધ થઈ ગયું. પણ સૌભાગ્યની વાત એ કે મણીન્દ્ર એમના ભાઈને ખૂબ જ વહાલા હતા. આથી તેમણે ગૃહશિક્ષક રાખીને મણીન્દ્રને ઘરે ભણવાની જોગવાઈ કરી આપી. તેમનાં લગ્ન થયાં ત્યાં સુધી આ રીતે અભ્યાસ ચાલ્યો. વચમાં ફક્ત દોઢ વર્ષ સુધી શ્રીરામકૃષ્ણની સેવા અને મહિમ ચક્રવર્તીની સાથે રહેતા હતા ત્યારે અભ્યાસ બંધ રહ્યો હતો. એમના ગૃહશિક્ષક ઘણા વિદ્વાન હતા. એમના સંનિષ્ઠ પ્રયત્નથી અનિચ્છુક મણીન્દ્ર પણ અનેક વિષયો શીખી શકયા. ખાસ કરીને સાહિત્યમાં એમની ઘણી પ્રગતિ થઈ.

કવિ ઈશ્વરચંદ્ર દ્વારા પ્રકાશિત ‘સંવાદ પ્રભાકર’ નામનું દૈનિકપત્ર વારસદાર તરીકે મણીન્દ્રના પિતાને મળ્યું હતું. મણીન્દ્રબાબુને નોકરી કરીને કમાવાની ઇચ્છા ન હતી. આથી આ દૈનિક પત્રનું સંપાદન અને સંચાલનનો ભાર એમના હસ્તક આવી પડયો. આ તકને લઈને એમને સુરેશચંદ્ર સમાજપતિ અને અક્ષયકુમાર વડાલ વગેરે અનેક સાથે ઓળખાણ થઈ. પરંતુ ‘સંવાદ પ્રભાકર’ની પ્રગતિ થવાને બદલે ધીમે ધીમે અવનતિ થવા લાગી. એ સમયે મણીન્દ્રબાબુ અભિનય કરવામાં અને નાટક લખવામાં મગ્ન રહેતા હતા અને તેથી તેમને મનમોહન પાંડે, અપરેશ મુખોપાધ્યાય વગેરે સાથે પરિચય થયો. આ પ્રકારના નવીન ઉત્સાહની સામે ‘સંવાદ પ્રભાકર’ ઉત્તરોત્તર ક્ષીણ થવા લાગ્યું. પરંતુ પેલી બાજુ મણીન્દ્રની નાટ્ય પ્રતિભાનો વિકાસ પણ ન થયો. વિવિધ કારણો અનુસાર તેઓ સામાન્ય રંગમંચ પર ઊતર્યા નહીં. લેખનશક્તિની પણ ઉલ્લેખ યોગ્ય અભિવ્યક્તિ જોવામાં આવી નહીં. આ કારણે એમની કૌટુંબિક સ્થિતિ ધીમે ધીમે કપરી બનવા લાગી. સ્વામીજી જ્યારે પહેલી વખત અમેરિકાથી પાછા આવ્યા ત્યારે મણીન્દ્રબાબુ એમને મળવા આલમબજાર મઠમાં ગયા હતા. તેમની સાથેની વાતચીત દરમિયાન સ્વામીજી એમની આર્થિક અવદશાની વાત જાણી ગયા. પછી એમણે એમને બલરામ મંદિરમાં બોલાવીને સ્વામી બ્રહ્માનંદજીના હાથે રૂા. ૧૨૦૦ અપાવ્યા. બ્રહ્માનંદજીએ એક કવરમાં એ રૂપિયા એમને આપ્યા. કેટલી રકમ છે, એ એમણે એમને કહ્યું નહીં. પણ ફક્ત એટલું જ કહ્યું : ‘ખોકા, તને ખૂબ જ આર્થિક મુશ્કેલી છે. એ જાણીને સ્વામીજીએ આ આપ્યું છે.’ દયાના આવા કાર્યથી મણીન્દ્રબાબુ રડી પડયા કેમ કે એ સમયે એમના કુટુંબના લોકો માટે અન્ન-વસ્ત્ર મેળવવાનું ય મુશ્કેલ બની ગયું હતું.

શ્રીરામકૃષ્ણ - ભક્તોની સાથે મણીન્દ્રબાબુનો સંબંધ બધી સ્થિતિમાં જીવનભર જળવાયેલો રહ્યો હતો એ અમે પહેલાં જ જણાવ્યું છે. પ્રથમ અવસ્થામાં સ્વામી યોગાનંદ, ત્રિગુણાતીતાનંદ, સારદાનંદ વગેરે અનેક સાધુઓ એમના ઘરે જતા હતા. તેઓ પણ મોકો મળતાં પોતાની શક્તિ પ્રમાણે ફળ, મીઠાઈ વગેરે લઈને વરાહનગર અને આલમબજારના મઠમાં જતા. ખાસ તહેવારોના દિવસોમાં એમના ઘરે શ્રીરામકૃષ્ણના ભોગ-રાગ થતા હતા અને ભક્તો પણ એ ઉત્સવમાં જોડાતા. તેઓ પોતાની મંડળી સાથે દક્ષિણેશ્વર અને કાંકુડગાછીમાં કીર્તન કરવા પણ જતા. એમને જોઈને ગિરીશચંદ્ર, રામચંદ્ર વગેરે બધા લોકો આનંદિત થતા અને એમનું સ્વાગત કરતા. તેઓ શ્રીમાતાજીના પણ સ્નેહપાત્ર હતા. મણીન્દ્રના જ આગ્રહથી એમના પરિવારના અનેક સભ્યોએ શ્રીમા પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી.

બેલુર મઠની સ્થાપના થઈ તે કાળે મણીન્દ્રબાબુની આર્થિક પરિસ્થિતિ વિકટ બની હતી. આથી તેઓ પહેલાંની જેમ ત્યાં જઈ શકતા ન હતા. પાછલી ઉંમરમાં એમના પુત્રો કમાવા જેવડા થઈ જતાં પછી એમની આર્થિક સ્થિતિ સુધરી ગઈ હતી. એ પછી તેઓ ફરી સ્વામી સારદાનંદજી, શિવાનંદજી વગેરે પાસે આવવા લાગ્યા હતા. શરીર છોડવાના થોડા દિવસો અગાઉ તેઓ શ્રીરામકૃષ્ણ વિષયક વાર્તાલાપ કરવામાં મગ્ન રહેતા. આમ બાહ્ય દૃષ્ટિએ એમનું જીવન નિષ્ફળ ગયેલું જણાતું હોવા છતાં પણ તેઓ આંતરિક સંપત્તિથી વંચિત રહ્યા ન હતા અને આધ્યાત્મિક આનંદની પણ કમી ન હતી. શ્રીરામકૃષ્ણ અને તેમના ભક્તવૃંદની વાતમાં તેઓ મતવાલા, ભાવવિભોર થઈ જતા અને તે વખતે એમની આંખો આંસુથી છલકાઈ જતી. ઈ.સ. ૧૯૩૯ના ૨૫ અશ્વિન ગુરુવાર મહાલયાના દિવસે ૨ ને ૧૦ મિનિટે તેઓ આ લોક છોડીને ચાલ્યા ગયા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda