Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

હરમોહન મિત્ર

શ્રીયુત હરમોહન મિત્ર મહાશય પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદના સહાધ્યાયી હતા. બહુ નાની ઉંમરે શ્રીરામકૃષ્ણનો સાક્ષાત્કાર થવાથી તેઓ ધન્ય બની ગયા હતા. ‘પુંથિ’ ગ્રંથ પરથી જાણી શકાય છે કે એમનું વ્યક્તિત્વ પરમ સુંદર હતું. ‘કથામૃત’ ગ્રંથમાં એમનો ઉલ્લેખ એકથી વધુ વાર છે. માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણ ભક્તોને ‘સાંગોપાંગ’ અને ‘દર્શક’ એ બે વિભાગોમાં વહેંચેલા છે. એમાં હરમોહનને પ્રથમ વિભાગમાં મૂક્યા છે. શ્રીરામકૃષ્ણદેવે પહેલાં એમને અત્યંત પ્રેમપૂર્વક સ્વીકાર્યા હતા. પરંતુ એમનાં લગ્ન થઈ ગયા પછી એમણે એમના પ્રત્યે થોડી ઉદાસીનતા દેખાડી હતી એ એમના જ શ્રીમુખની વાણીથી જાણી શકાય છે. એક દિવસ બલરામ ભવનમાં બેસીને (૧૮૮૪ ઈ.સ. ૩ જુલાઈ) એમણે ભક્તોને કહ્યું હતું : ‘જ્યારે હરમોહન પહેલી વખત દક્ષિણેશ્વર આવ્યો ત્યારે એનામાં ખૂબ જ સારાં લક્ષણ હતાં. એને મળવા માટે હું ખૂબ વ્યાકુળ થતો. એ વખતે એની ઉંમર સત્તર-અઢાર વર્ષની હશે. હું ઘણીવાર એને બોલાવવા કોઈને મોકલતો, પણ એ આવતો નહીં. હવે પત્નીને લઈને જુદા મકાનમાં રહે છે. પહેલાં મામાઓને ઘરે રહેતો, ત્યારે ઘણો સારો હતો. સંસારની કોઈ ઝંઝટ ન હતી. હવે જુદું મકાન લઈને પત્ની માટે રોજ બજારમાં જાય છે. (સૌનું હાસ્ય) એ દિવસે ત્યાં આવેલો. મેં કહ્યું : ‘જા અહીંથી ચાલ્યો જા. તને સ્પર્શ કરવાથી મારું શરીર કોણ જાણે કેવું ય થઈ જાય છે.’ (કથામૃત)

હરમોહન ગરીબનો પુત્ર હતો. આથી કોલકાતાના શિમલા પ્રાંતમાં તેના મામા રામગોપાલ બસુના ઘરે તેનો ઉછેર થયો હતો. એનાં માતા શ્રીરામકૃષ્ણનાં ઘણીવાર દર્શન કરીને ધન્ય બન્યાં હતાં. તેઓ ખૂબ ભક્તિમતી હતાં. અને પુત્રને ઠાકુર પાસે જવા માટે પ્રોત્સાહન આપતાં હતાં. એ કારણે લગ્ન પછી પણ હરમોહન ઘણીવાર શ્રીરામકૃષ્ણ પાસે ગયા હતા. કાશીપુરમાં ‘કલ્પતરુ’ના દિવસે પણ તેઓ હાજર હતા. પરંતુ કોઈ કારણે ઠાકુરે એ દિવસે એમના ઉપર પૂર્ણ કૃપા ન કરી. ફક્ત એમનું વક્ષસ્થળ સ્પર્શીને કહ્યું : ‘આજે રહેવા દો.’ (‘પુંથિ’)

હરમોહનબાબુએ પાછળથી એક ભક્તને કહ્યું હતું, ઠાકુરના દિવ્ય સ્પર્શને પરિણામે એમને અનેક વાર ઘણા પ્રકારની અનુભૂતિઓ તથા ભ્રૂકુટિની મધ્યમાં અનેક દેવદેવીઓ પ્રત્યક્ષ થયાં હતાં. આ વાત ઘણું કરીને એમના દક્ષિણેશ્વરના શરૂઆતના આગમનના દિવસોની છે કેમ કે એ સમયે તેઓ ઠાકુરના વિશેષ સ્નેહપાત્ર હતા. પાછળના જીવનમાં પણ તેઓ ભગવત્પ્રીતિ, ઉદાર સ્વભાવ અને મધુરવાણીને કારણે ભક્ત સમાજમાં જાણીતા હતા. તથા સ્વામીજી અને બીજા સંન્યાસીઓને મુક્ત મને મળતા હતા. ઠાકુરની કૃપાની વાત કહેતાં કહેતાં તેઓ પોતાની જાતને વિસરી જઈ સમયને ભૂલી જતા. રાત દિવસ શ્રીરામકૃષ્ણનું ચિંતન, એમની દિવ્યલીલાનું ધ્યાન અને નામગુણગાન કરતાં કરતાં એમણે પોતાનું અંતિમ જીવન પસાર કર્યું હતું અને એ ભાવમાં રહીને શ્રીરામકૃષ્ણ ચરણોમાં વિલીન થઈ ગયા હતા.

સ્વામીજી એમના પર ખૂબ જ પ્રેમભાવ રાખતા હતા. બાળમિત્રના રૂપમાં બંને આપસમાં ‘તું’ નો વ્યવહાર કરતા. ઠાકુર અને સ્વામીજીના ભાવોના પ્રચાર માટે હરમોહનબાબુએ વિશેષ મદદ કરી હતી. શ્રીયુત સુરેશચંદ્ર દત્તે શ્રીરામકૃષ્ણના ઉપદેશનું જે પુસ્તક છપાવ્યું હતું, એના પ્રકાશક હરમોહનબાબુ જ હતા. એ અમે સુરેશ - પ્રસંગમાં પહેલાં જ જણાવ્યું છે. ઈ.સ. ૧૮૯૩માં સ્વામીજીએ શિકાગો ધર્મપરિષદમાં જે ભાષણ આપ્યું હતું, હરમોહનબાબુએ તેને પોતાના ખર્ચે પુસ્તકરૂપે છપાવીને વિનામૂલ્યે વહેંચ્યું હતું. સ્વામીજીના ભાષણ ઉપરાંત એમાં આલમબજાર મઠ વિષે પણ હતું અને એ મઠમાં ઠાકુરની છબી પાસે જે ગુરુસ્તોત્ર વાંચવામાં આવતું હતું તે પણ છપાયેલું હતું. પાછળથી સ્વામીજીની અનુમતિથી એમણે એમનાં બીજાં ભાષણો પણ છપાવ્યાં હતાં. એ બધાંની સાથે શ્રીરામકૃષ્ણની સંક્ષિપ્ત જીવનકથા અને આલમબજાર મઠનો પરિચય હતો. શ્રીયુત પ્રતાપચંદ્ર મજમુદારે શ્રીરામકૃષ્ણ વિષે જે નાનું પુસ્તક લખ્યું હતું તે પણ એમણે જ પ્રકાશિત કર્યું હતું. એમાં સ્થળે સ્થળે પાદ ટીકારૂપે પોતાનાં મંતવ્યો અને અભિપ્રાયો ઉમેર્યાં હતાં.

હૃદયમાં ઉત્સાહ હોવા છતાં પણ પાસે પૂરતાં નાણાં ન હોવાથી હરમોહનબાબુ માટે સ્વામીજીનાં પુસ્તકો સારી રીતે છપાવવાં શક્ય નહોતાં. એથી આ દેશના અનેક ભક્તો અસંતુષ્ટ હતા. સ્વામીજીને પણ એ ગમતું નહોતું. પરંતુ મિત્રપ્રેમને કારણે એમને પોતે એ છપાવવાની ના પાડી શકતા નહોતા. આ વિષે એમણે ‘વિવેકાનંદના પત્રો’ પુસ્તકમાં જણાવ્યું છે : ‘હરમોહનની બાબતમાં મારું કહેવું આ છે કે ઘણા સમય પહેલાં જ મેં એને મારાં ભાષણો છપાવવાની અનુમતિ આપી દીધી હતી કેમ કે તે મારો જૂનો મિત્ર હતો, સાચો ભક્ત અને અત્યંત ગરીબ.’ ‘તે હરમોહન એકદમ મૂર્ખ હતો. પુસ્તક છાપવામાં તમારા મદ્રાસીઓથી પણ ઢીલો હતો અને એનું છાપકામ જરાપણ સુઘડ ન હતું. આ રીતે પુસ્તકો બગાડવાનો અર્થ શો છે ? દુ:ખની વાત એ છે કે તે અત્યંત ગરીબ છે. મારી પાસે રૂપિયા હોત તો હું એને આપી દેત. પરંતુ આ રીતે છપાવવાનું એ તો લોકોને છેતરવા જેવું છે. તે કરવું ઉચિત નથી.’ યાદ રાખવું પડશે કે તે પ્રારંભના સમયની વાત છે ; જ્યારે શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીનો પૂરતો પ્રચાર થયેલો ન હોવાથી ઘણા માણસો એમનાં પુસ્તકો છપાવીને નાણાં ગુમાવવા તૈયાર ન હતા, આવી પરિસ્થિતિમાં નિરાશાની વચ્ચે પણ સ્વામીજીનો મિત્રપ્રેમ અને હરમોહન બાબુના અસીમ સાહસે નવા યુગની વાણીને એક વિશેષ ક્ષેત્રમાં જાગ્રત રાખી.

વાતના પ્રસંગમાં અમે હરમોહનબાબુના સાહસનો ઉલ્લેખ કર્યો છે. એનો હજુ પણ થોડો વિસ્તાર કરવો જરૂરી છે. તેઓ પ્રતાપબાબુની પુસ્તિકામાં ટીકાત્મક આલોચના દર્શાવીને જ અટક્યા ન હતા, એમની વિરુદ્ધનાં મંતવ્યોના ખંડનની ઈચ્છા બીજા ભાવથી પણ પ્રગટ થતી હતી. અલ્બર્ટ હોલમાં ભગિની નિવેદિતાના અંગ્રેજીમાં ‘કાલી ધ મધર’ (કાલીમાતા) શીર્ષકના ભાષણ પછી ડો. મહેન્દ્રલાલ સરકારની ઓજસ્વિની વાણીમાં મૂર્તિપૂજા વિરુદ્ધ દલીલો થઈ એના પ્રતિકારરૂપે હરમોહનબાબુએ જે સુલલિત અંગ્રેજી ભાષામાં શ્રીરામકૃષ્ણની વાત યાદ કરાવીને ભાષણ આપ્યું એનાથી સમગ્ર શ્રોતાવર્ગ અભિભૂત થઈ ગયો હતો. સ્વામીજી અમેરિકાથી કોલકાતા પાછા આવ્યા બાદ એમણે કોર્નવોલિસ સ્ટ્રીટના ઓક્સફોર્ડ મિશનના હોલમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ એમના જ સામયિક પત્ર ‘એપિફેની’માં હિન્દુ ધર્મની ચર્ચા શરૂ કરવામાં આવી. આવા પ્રકારની એક ચર્ચાસભામાં હરમોહનબાબુએ અંગ્રેજીમાં આગ ઝરતી વાણીમાં એનો પ્રતિકાર કર્યો હતો. એ ભાષા પર એમનો ઘણો કાબૂ હતો. જો કે વક્તા તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી ન હતી કેમ કે તેઓ અન્ય કાર્યોમાં ઘણા જ રોકાયેલા રહેતા હતા. આવા વિરલ પ્રસંગો પર જ તેઓ ભાષણ આપતા હતા.

એમના પ્રચારની એક બીજી ધારા પણ હતી - ઠાકુરની છબીઓ તથા તેમના વિશેનાં પુસ્તકોનું વેચાણ કરવું. આ દેશમાં મેક્સમુલરે લખેલા ઠાકુરના જીવનચરિત્રનો તેમણે જ પ્રચાર કર્યો. એ દિવસોમાં શ્રીરામકૃષ્ણના ભક્તો એમના ફોટાઓ ખરીદવા હરમોહનબાબુ પાસે જતા હતા અને એ દ્વારા યુગાવતાર અને એમના પાર્ષદોનો ઘનિષ્ઠ પરિચય મેળવીને કૃતાર્થ થતા. આ રીતે અનેક વિદ્યાર્થીઓ પણ શ્રીરામકૃષ્ણ પ્રત્યે આકર્ષાયા હતા. સ્વર્ગીય જજ બિહારીલાલ સરકાર મહાશય પોતાના વિદ્યાર્થીકાળમાં આ રીતે બેલુર મઠ પ્રત્યે આકર્ષાયા હતા અને મઠની પ્રતિષ્ઠાના દિવસે મિત્રો સાથે ત્યાં હાજર રહ્યા હતા.

હરમોહનબાબુ પુસ્તકો અને ફોટાઓ વેચતા હોવા છતાં પણ તેમને ધન પ્રત્યે લોભ ન હતો. એ કામ તેઓ ઠાકુરની સેવાના રૂપે જ કરતા હતા. શ્રીયુત કુમુદબંધુ સેન મહાશયે લખ્યું છે : ‘શ્રીરામકૃષ્ણના લીથો કરેલા મોટા ફોટાઓ તેઓ જ વેચતા હતા. સ્વામી યોગાનંદના આદેશથી એક નાનો બાળક એવો એક ફોટો ખરીદવા માટે એમની પાસે ગયો. એ દિવસોમાં ઠાકુરનો ફોટો બજારમાં મળતો ન હતો. હરમોહનબાબુ બિડન સ્ટ્રીટ પાસે ૪૦ નંબરના નયાનચાંદ સ્ટ્રીટમાં રહેતા હતા. બાળકે ત્યાં જઈને પૂછ્યું : ‘અહીં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો મળે છે ? શું કિંમત છે ?’ હરમોહનબાબુએ કહ્યું : ‘૬ પૈસા કિંમત છે અને ફોટો અહીં મળશે.’ બાળકે તેમને પૈસા આપ્યા અને પછી હરમોહનબાબુએ એને ફોટો લાવી આપ્યો અને પૂછ્યું  : ‘અહીંનું સરનામું કેવી રીતે મળ્યું ?’ બાળકે કહ્યું : ‘યોગાનંદ સ્વામીજીએ મને અહીંનું સરનામું આપીને ફોટો ખરીદવાનું કહ્યું છે.’ તુરત જ હરમોહનબાબુ બોલી ઊઠ્યા : ‘ઓહ, ત્યારે તો આપ ભક્ત છો. ઊભા રહો. ઠાકુરનો પ્રસાદ આપું છું.’ એટલું કહીને એમણે એ બાળકને પુષ્કળ મીઠાઈ અને ફળો આપ્યાં. એ સમયે એની કિંમત ઓછામાં ઓછી આઠ આનાથી ઓછી તો નહીં જ હોય. આ ઈ.સ. ૧૮૯૪ની વાત છે.’ એ પછી પણ હરમોહનબાબુ એ બાળક સાથે સંપર્ક રાખતા હતા અને ઘણી વાર તેના ઘરે જઈને શ્રીરામકૃષ્ણની વાત સંભળાવતા હતા.

બીજા સંદર્ભ દ્વારા અમને જાણવા મળ્યું છે કે હરમોહનબાબુ ફોટાઓ અને પુસ્તકોના વેચાણમાંથી મળેલાં નાણાંનો ઉપયોગ શ્રીમાની સેવા માટે કરતા હતા. તેમણે એ જ રૂપિયામાંથી શ્રીમાની ભત્રીજી રાધુના લગ્ન પહેલાં થોડાં સોનાનાં ઘરેણાં બનાવડાવી આપ્યાં હતાં. શ્રીમાના હાથનાં સોનાનાં કંગન ઘણા સમય પહેરવાથી ઘસાઈ ગયાં હતાં. હરમોહનબાબુએ રૂપિયા ઉધાર લઈને નવાં કંગન બનાવડાવી દીધાં હતાં અને એક જ મહિનામાં એ દેવું ચૂકવી દીધું હતું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda