Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

નવગોપાલ ઘોષ

શ્રીયુત નવગોપાલ ઘોષ મહાશય ઈ.સ.૧૮૩૨માં હાવડા જિલ્લાના બેગમપુર ગામના પ્રસિદ્ધ ઘોષવંશમાં જન્મ્યા હતા. શ્રીરામકૃષ્ણ સાથે મુલાકાત થયા પહેલાં તેઓ કોલકાતાના બાદુડબાગાન મહોલ્લામાં રહેતા હતા. તેઓ હેંડર્સન કંપનીના ઉચ્ચ પદે અધિકારી હતા. તેમને મહિને ૩૦૦ રૂપિયાથી વધારે આવક હતી. તેઓ ખૂબ જ ભક્તિમાન, ઉદાર અને સરળ પ્રકૃતિના માણસ હતા. ભજન કીર્તન વગેરેમાં એમને ઘણો જ ભાવ હતો. એમના શરીરનો રંગ શ્યામ હતો, ચહેરો સાધારણ હતો. તેમના મુખ ઉપર સદાય સ્મિત ફરકતું રહેતું. એમનું સ્વાસ્થ્ય ઉત્તમ હતું. બે વખત પત્ની વિયોગ તેમને થયો હતો. ત્રીજી વખત તેઓ જે ભાગ્યવતીને લક્ષ્મી સ્વરૂપે લાવ્યા તેઓ અત્યંત ભક્તિમતી હતાં. તેમણે પરિવારના સર્વ માણસોમાં અચલ ભક્તિનો સંચાર કર્યો હતો અને એ ભક્તિસંચારને એમણે શ્રીરામકૃષ્ણ- પ્રેમથી પરિપૂર્ણ કરી દીધો હતો. કુળવાન કાયસ્થ નવગોપાલબાબુ પદ-ગૌરવ અને સદાચારના કારણે મહોલ્લાના સઘળા લોકોના શ્રદ્ધાપાત્ર હતા.

નવગોપાલબાબુએ જ્યારે પ્રથમ વખત પોતાનાં પુત્ર-પુત્રીઓ અને પત્ની સાથે શ્રી રામકૃષ્ણનાં દર્શન કર્યાં એ દિવસે, નામ-ઠામ અને કુશળ પ્રશ્ન સિવાય કોઈ વિશિષ્ટ પ્રસંગ બન્યો ન હતો. પરંતુ ઠાકુરે એમને દરરોજ ભજન કીર્તન કરવાનું કહ્યું હતું. એ રીતે તેઓ દરરોજ કુટુંબનાં બાળકોની સાથે મૃદંગ-કરતાલ વગેરે સાથે કીર્તન કરતા. એમ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. પછી પણ નવગોપાલબાબુ દક્ષિણેશ્વર જઈ શક્યા નહીં. તો પણ ઠાકુર તેમને ભૂલ્યા ન હતા. આથી એક દિવસ એમણે ભક્ત કિશોરીને પૂછ્યું : ‘કહો રે, તમારી સાથે ત્રણ વરસ પહેલાં એક માણસ આવ્યો હતો, જેનું ઘર બાદુડબાગાનમાં હતું. ઓફિસમાં મોટું કામ કરે છે. ગરીબોને મફત દવા આપે છે. તે અત્યારે ક્યાં છે ? જો એ મળે તો તેને એકવાર અહીં આવવાનું કહેજો.’ કિશોરીના મુખે એ સમાચાર સાંભળીને નવગોપાલબાબુ આનંદ અને આશ્ચર્યથી અધીર બની ગયા. એમણે વિચાર્યું : ‘સર્વજનસંમાનિત અને અવતાર રૂપે પૂજાતા હોવા છતાં પણ મારા જેવા દીન માણસને આટલા લાંબા સમય સુધી તેમણે યાદ રાખ્યો !’ આ અહૈતુક દયાની વાત વિચારતાં જ એમની આંખોમાં આંસુ આવી ગયાં. બીજા રવિવારે પત્ની અને બાળકો સાથે નવગોપાલબાબુ પ્રભુદર્શન માટે આવી પહોંચ્યા. એમને જોઈને ઠાકુરે આટલા દિવસો સુધી ન આવવાનું કારણ પૂછ્યું. નવગોપાલબાબુએ જણાવ્યું કે એમના ઉપદેશ મુજબ જ આ ત્રણ વરસ નામકીર્તનમાં ગાળ્યાં છે. આ સાંભળીને ઠાકુરે એમને સાંત્વના આપતાં કહ્યું કે એમને હવે વૈધીભક્તિમાં બંધાઈને રહેવું નહીં પડે. ત્રણ-ચાર વખત શ્રીરામકૃષ્ણની પાસે આવતા-જતા રહેવાથી તેઓ ભક્તિના ઊંચા સ્તરે પહોંચી શકશે.

આ મિલનના પ્રભાવથી નવગોપાલબાબુના જીવનમાં એક આમૂલ વિચાર પરિવર્તન આવ્યું, જેના પરિણામે તેઓ સદા શ્રીરામકૃષ્ણના ચિંતામાં મગ્ન રહેવા લાગ્યા અને તક મળતાં જ પત્ની - પુત્રો સાથે વારંવાર દક્ષિણેશ્વર જવા લાગ્યા.  આ ગાળામાં શ્રીરામકૃષ્ણ એમના તથા એમના પરિવારના સર્વના હૃદયમાં બિરાજમાન થયા હતા. રત્નગર્ભા નવગોપાલનાં પત્નીના પ્રથમ પુત્ર સુરેશની ઉંમર એ વખતે માત્ર પાંચ - છ વર્ષની જ હતી. જન્મથી એને તાલનું એવું જ્ઞાન હતું કે તે નાની ઉંમરમાં જ કીર્તનની સાથે મૃદંગ પણ વગાડી શકતો હતો. આ બાળકને શ્રીરામકૃષ્ણ ખૂબ જ સ્નેહ કરતા હતા. (નવગોપાલબાબુના એક પુત્ર સંન્યાસી થઈ ગયા હતા.)

એ દિવસોમાં ઘણીવાર દરેક રવિવારે કોઈને કોઈ ભક્તના ઘરમાં શ્રીરામકૃષ્ણ મહોત્સવ થતો. નવગોપાલબાબુના મનમાં પણ પોતાના ઘરમાં આવો મહોત્સવ કરવાની ઇચ્છા જાગી. શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા મળતાં એનું આયોજન કર્યું. ભક્તો નવગોપાલબાબુના ઘરે આવ્યા. તેઓ ભગવદ્પાઠ સંભળાવવા લાગ્યા. યથા સમયે ભક્ત-વાંછાકલ્પતરુ શ્રીરામકૃષ્ણ પધાર્યા. એટલે પાઠ બંધ થયો. પછી બનવારી નામના એક વૈષ્ણવ પોતાની મંડળી સાથે આવ્યા અને આંગણામાં પદાવલિ કીર્તન શરૂ થયાં. ઠાકુર ચંડીમંડપમાં બેઠા હતા. કીર્તનની શરૂઆતમાં તેઓ સિંહવિક્રમ સમા કીર્તનમાં સામેલ થવા આંગણામાં આવ્યા અને ત્રિભંગ-મુરલીધારી બનીને મહાભાવમાં સરી પડયા. નવગોપાલબાબુએ પહેલાંથી જ સુગંધી પુષ્પોની મોટી મોટી માળાઓ મગાવી રાખી હતી. હવે એમણે એમને ઠાકુરના ગળામાં પહેરાવી દીધી. માળાઓ લાંબી હતી એથી એમનાં ચરણ સ્પર્શ કરવા લાગી. ભક્તો જે જ્યાં હતા ત્યાંથી એક એક કરીને ભેગા થઈ ગયા ને ઠાકુરની ચારેબાજુ નાચતા નાચતા કીર્તન કરવા લાગ્યા. એમનામાંથી કોઈ કોઈને તો મહાભાવ સમાધિ પણ થઈ. એ વખતે ઠાકુરના શરીરમાં પણ ભાવ, મહાભાવ અને ઉદ્દામ લીલા ચાલી રહી હતી. સમાધિભંગ થતાં ઠાકુર આવીને એમની જગ્યાએ બેસી ગયા. ત્યારે નવગોપાલબાબુ અજબ નેત્રોથી એમની ભુવનમોહિનીરૂપ સુધાનું પાન કરવા લાગ્યા. એકાએક એમને એવું જણાયું કે જાણે ઠાકુરના શ્રીઅંગમાં, લીલાશરીરમાં ચંદ્રકિરણો રમી રહ્યાં છે. એમણે વિચાર્યું કે કદાચ આ દૃષ્ટિનો ભ્રમ હોઈ શકે. એ પછી એમણે બીજાઓનાં મુખો પણ જોયાં. પરંતુ કોઈમાં એવી જ્યોતિ દેખાઈ નહીં. એમણે વચલા ભાઈ જયગોપાલને પૂછ્યું : ‘શું આજે પ્રભુના ચહેરા ઉપર તને કંઈ વિશેષ દેખાય છે ?’ ભાઈએ ઉત્તર આપ્યો : ‘નહીં રે, રોજની જેમ જ સ્પષ્ટ જોઉં છું.’ એ વખતે પણ નવગોપાલબાબુ ઠાકુરના ચહેરા પર અલૌકિક પ્રકાશ જોઈ રહ્યા હતા. પરંતુ સંદેહ દૂર થતો ન હતો. આથી તેમણે પોતાની આંખો પર ઠંડું પાણી છાંટયું. ફરી શ્રીરામકૃષ્ણની પાસે આવી ગયા. પરંતુ એ સમયે પણ એમણે જોયું કે પ્રભુના મુખમંડળ ઉપર પહેલાંની જેમ જ દીપ્તિ ઝળકે છે. અંતે એમનો સંદેહ દૂર થતાં તેઓ જાણી ગયા કે આ તો ફક્ત એમના પ્રત્યે પ્રભુની વિશેષ કૃપા છે.

આ બાજુ ભક્તિમતી ઘોષ પત્ની બીજા માળે ભોજનની તમામ સામગ્રી તૈયાર કરીને પડોશની સ્ત્રીઓ સાથે શ્રીરામકૃષ્ણનાં દર્શનની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. આથી કહેણ આવતાં જ ઠાકુર ઉપર ગયા. ત્યાં મહિલાઓ એમને પ્રણામ કરવા લાગી. ઠાકુર શ્રીચરણ સમેટી લઈને ‘મા, મા’ કહેતાં સમાધિસ્થ થઈ ગયા. પરંતુ ગૃહિણીના અંતરની ઇચ્છા પ્રભુની ચરણરજ લેવાની હતી. એ જાણીને ઠાકુરે એ માટે આજ્ઞા આપી. નવગોપાલબાબુનાં પત્નીએ મનમાં જ પ્રાર્થના કરી કે પોતાના હાથે ઠાકુરને ખવડાવે. અંતર્યામી ઠાકુરે તુરત પૂછ્યું : ‘શું તું મને તારા હાથે ખવડાવીશ?’ આટલું કહીને તેઓ સ્થિરભાવે બેસી ગયા અને બોલ્યા : ‘સારું, આપ.’ ઘોષ પત્નીએ ઠાકુરના મુખકમળમાં મીઠાઈ મૂકી ને જોયું કે એમના મુખમાંથી કોઈ એક વસ્તુ ‘આઁક’ અવાજ કરતી હોઠ સુધી આવીને મીઠાઈ ગ્રહણ કરી લે છે. આ જોતાં જ તેઓ શ્રીમુખમાં મીઠાઈ મૂકીને ધ્રૂજતાં ધ્રૂજતાં દૂર ખસી ગયાં. એ પછી ઠાકુરે સ્વાભાવિક ભાવથી થોડું ખાધું અને એમને પ્રસાદ લેવા માટે કહ્યું. બીજા બધાંની પહેલાં લેવામાં એમને વાંધો હોવા છતાં પણ ઠાકુરના આદેશથી એમણે થોડો પ્રસાદ લીધો. બાકી બધો પ્રસાદ નીચે મોકલી દીધો. પ્રસાદ અને એ સાથે ઠાકુરની ઉપર્યુક્ત વર્ણવેલી લીલાના સમાચાર નીચે પહોંચતાં જ ત્યાં ધાંધલ મચી ગઈ. બધા લોકો પ્રસાદ લેવા માટે ઝૂંટાઝૂંટ કરવા માંડયા. એ ઘોંઘાટ સાંભળીને ઠાકુરે ઘોષ - ગૃહિણીને કહ્યું કે આથી જ એમણે એમને પહેલાં પ્રસાદ લેવા માટે કહ્યું હતું. એ પછી ઠાકુર નીચે આવ્યા અને ફરી કીર્તન થવા લાગ્યું. ત્યારબાદ ભોજન પૂરું થતાં મહોત્સવ પૂરો થયો.

એક વખત ગંગાપૂજાના દિવસે નવગોપાલબાબુ હોડી ભાડે કરીને ગિરીશબાબુ વગેરેની સાથે દક્ષિણેશ્વર ગયા હતા. રસ્તામાં ગંગાસ્નાન કરવું કે નહીં એ અંગે એ લોકોમાં વિચાર-વિર્મશ થવા લાગ્યો. એ વખતે ગંગાઘાટ પર ઘણી જ ભીડ હતી. વળી વરસાદ પણ વરસતો હતો. આથી સ્નાન કરવાની કોઈનેય ઇચ્છા ન થઈ. ઉપરાંત એ લોકોના મનમાં એવી શ્રદ્ધા પણ હતી કે ઠાકુરનાં દર્શન કરવાથી જ ગંગાસ્નાનનું પુણ્ય મળશે. એમ વિચારીને તે લોકો સ્નાન કર્યા વગર જ શ્રીરામકૃષ્ણની પાસે પહોંચ્યાં. પરંતુ એમને જોતાં જ ઠાકુર બોલી ઊઠ્યા : ‘કેમ રે, તમે લોકો સ્નાન નહીં કરો ? આજે દશેરા છે. (જેઠ સુદ દસમ, ગંગાપૂજાનો દિવસ) આજે તો ગંગાસ્નાન કરવાનું હોય છે.’ લાચાર થઈને બધાંએ ગંગાસ્નાન કર્યું.

શ્રીરામકૃષ્ણ જ્યારે કાશીપુરમાં બિરાજતા હતા ત્યારે એક બિલાડીએ તેનાં બચ્ચાં સાથે શ્રીરામકૃષ્ણ પાસે આશ્રય લીધો. આથી તેઓ ખૂબ ચિંતિત બની ગયા. એ દરમિયાન એક દિવસ ઘોષ પત્ની ત્યાં આવ્યાં ત્યારે ઠાકુરે થોડા સંકોચ સાથે એમને કહ્યું : ‘જુઓ, મા, હું તમને એક વાત કહું. મારે ત્યાં એક બિલાડી છે અને એને ઘણાં બચ્ચાં થયાં છે. અહીં નથી કંઈ એને ખવડાવવા માટે અને નથી કંઈ દૂધ એને પિવડાવવા માટે. આથી એને ખૂબ અગવડ પડે છે. હું તમને એ આપું તો શું તમે એને લઈ જશો ? તમને કંઈ તકલીફ તો નહીં પડે ને ?’ ઘોષપત્નીએ કહ્યું, ‘આ તો મારું પરમ સૌભાગ્ય છે. મને તો આમેય બિલાડી ગમે છે અને આપ સ્વયં મને એ આપી રહ્યા છો. એ તો આપની મારા પર ઘણી મોટી કૃપા કહેવાય.’ ઠાકુરે એમ પણ પૂછી લીધું કે આથી ઘરનાં બીજા માણસોને તો વાંધો નહીં આવે ને. બધી જ માહિતી મેળવીને નિશ્ચિંત બનીને એમણે ઘોષ ગૃહિણીને એ બધાંને લઈ જવા માટે કહ્યું અને એમણે પણ આનંદપૂર્વક એ બિલાડીઓને લઈ લીધી. ઠાકુરનું દાન સમજીને તેઓ તેમનું પાલન-પોષણ કરતાં હતાં અને કોઈનેય એમને મારવા કે ધમકાવવા દેતાં ન હતાં.

કાશીપુરમાં ઠાકુર જે દિવસે કલ્પતરુ થયા હતા (૧૮૮૬ની પહેલી જાન્યુઆરી) એ દિવસે બીજા લોકોની સાથે (‘લીલાપ્રસંગ’ ગ્રંથના લેખક આ કેટલાંક નામ યાદ રાખી શક્યા હતા - ગિરીશ, અતુલ, રામ, હરમોહન, કિશોરી (રાય), વૈકુંઠ, હારાણ, રામલાલ, અક્ષય, માસ્ટર (દિવ્યભાવ)) નવગોપાલબાબુ પણ હાજર હતા અને ઠાકુરની કૃપા પામીને ધન્ય થયા હતા. એ દિવસે કૃપામુગ્ધ રામબાબુએ નવગોપાલબાબુને આગ્રહપૂર્વક કહ્યું હતું : ‘મહાશય, આપ શું કરી રહ્યા છો ? ઠાકુર તો આજે કલ્પતરુ બન્યા છે ને ! જાઓ, જાઓ, જલદી જાઓ. જે કંઈ માગવું હોય તે આ સમયે માગી લો.’ સાંભળતાં જ નવગોપાલબાબુ જલદી ત્યાં પહોંચી ગયા અને સાષ્ટાંગ પ્રણામ કરીને ઠાકુરને કહ્યું, ‘પ્રભુ ! મારું શું થશે ?’ થોડીવાર મૌન રહીને ઠાકુરે પૂછ્યું : ‘થોડાં ધ્યાન-જપ કરી શકશો ?’ નવગોપાલે ઉત્તર આપ્યો : ‘હું કુટુંબવાળો માણસ છું. કુટુંબના અનેક માણસોના ભરણપોષણ માટે મારે અનેક કાર્યોમાં વ્યસ્ત રહેવું પડે છે. મને એવી ફુરસદ ક્યાં છે ?’ આથી ઠાકુરે થોડીવાર ચૂપ રહીને પૂછ્યું : ‘શું થોડો ઘણો જપ પણ નહીં કરી શકો ?’ ઉત્તર : ‘એની પણ ફુરસદ ક્યાં છે ?’ ‘સારું, મારું નામ થોડું થોડું લઈ શકશો ને ?’ ઉત્તર : ‘જી હા, તે તો સારી રીતે લઈ શકીશ.’ ત્યારે ઠાકુરે કહ્યું : ‘બસ, એથી થઈ જશે. તમારે બીજું કંઈ નહીં કરવું પડે !’

શ્રીયુત રામચંદ્ર દત્ત દ્વારા રચિત ‘પરમહંસ દેવનું જીવનવૃત્તાંત’માં આ નામ લખેલાં મળે છે. - અક્ષય, નવગોપાલ, ઉપેન્દ્ર મજમુદાર, રામલાલ ચટ્ટોપાધ્યાય, અતુલકૃષ્ણ ઘોષ, ગાંગુલિ વગેરે તથા હરમોહન મિત્રનું નામ પણ ત્યાં મળે છે. એમણે હરમોહનને સ્પર્શીને કહ્યું : ‘તમારું આજે રહેવા દો.’

ત્યારે નવગોપાલબાબુની ઉંમર ૫૦ વર્ષની ઉપર થઈ ગઈ હતી. એ પછી જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી હંમેશાં શ્રીરામકૃષ્ણના નામમાં જ મગ્ન રહેતા હતા. એમના ઓફિસથી પાછા આવવાના સમયે દરરોજ એક નોકર થોડાં પતાસાં લઈને ઊભો રહેતો. એમને જોતાં જ બાળકો ‘જય રામકૃષ્ણ’ મોટેથી બોલીને નાચવા લાગતાં. આ બાળકોને પતાસાં આપવામાં આવતાં. નવગોપાલબાબુ જીવ્યા ત્યાં સુધી દરરોજ આ પ્રમાણે કરતા રહ્યા હતા. આથી લોકોએ એમનું નામ ‘જય રામકૃષ્ણ’ રાખ્યું હતું. તેઓ એ નામથી એ મહોલ્લામાં પ્રસિદ્ધ હતા. દૂરથી એમને જોતાં જ બાળકો બોલી ઊઠતાં : ‘જય રામકૃષ્ણ આવી રહ્યા છે.’ અને પછી પતાસાં લેવાની આશામાં તેઓ નીચે ઊતરી આવતાં.

સ્વામી બ્રહ્માનંદજી અને તુરીયાનંદજી જ્યારે વૃંદાવનમાં હતા ત્યારે નવગોપાલબાબુ એમના પુત્ર નીરદની સાથે ત્યાં ગયા હતા. તેઓ કાલાબાબુની કુંજમાં રહેતા હતા અને બીજી કુંજમાં પ્રસાદ લેતા હતા. પાછા ફરતાં તેઓ બ્રહ્માનંદજીની સાથે પ્રયાગ અને વિંધ્યાચલ થઈને આવ્યા. વિંધ્યાચલમાં તેઓ જે મકાનમાં રહ્યા ત્યાં ઠાકુરના સમયના ભક્ત શ્રીયુત યોગીન્દ્રનાથ સેન મહાશય રહેતા હતા. એ લોકોની ત્યાં ફક્ત ત્રણ દિવસ રહેવાની ઇચ્છા હતી. પરંતુ સેન મહાશયના આગ્રહથી એમને પચ્ચીસ-છવ્વીસ દિવસ ત્યાં રોકાવું પડયું.

નવગોપાલબાબુ એમના જીવનની સંધ્યાકાળે બાદુડબાગાનનું મકાન છોડીને હાવડાની અંદર શ્રીરામકૃષ્ણપુરના એક મકાનમાં રહેવા આવી ગયા. ઠાકુરના નામ સાથે એકરૂપતા હોવાથી નવગોપાલબાબુને રામકૃષ્ણપુરના નામનું એક ખાસ આકર્ષણ હતું. એ આકર્ષણને લઈને જ તેમણે તે મકાન ખરીદી લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણની એક છબી પધરાવવા માટે એક નવો પૂજાખંડ તૈયાર કરાવી લીધો હતો. પછી આચાર્ય સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૮૯૭ની મહા મહિનાની પૂર્ણિમાના દિવસે એમના આમંત્રણથી હોડી દ્વારા બેલુરથી રામકૃષ્ણપુર ઘાટ સુધી આવ્યા હતા : ભાવાર્થ : ‘દુ:ખી બ્રાહ્મણીના ખોળામાં ઘરને પ્રકાશિત કરતું આ કોણ સૂતું છે ? આ ઝૂંપડીમાં આ કોણ દિગમ્બર બાળક આવ્યું છે ?’ આ ગીત ગાઈને મૃદંગ વગાડતાં વગાડતાં તેઓ આ ઘાટથી ચાલ્યા અને ધીમે ધીમે રામકૃષ્ણપુરના ૮૧ નંબરના મકાનના નવા ઓરડામાં પધાર્યા. ત્યાં એમણે પોતાના હાથે ઠાકુરની છબીની પ્રતિષ્ઠા કરી અને પૂજા કરી. આરતી થઈ ગયા પછી ત્યાં પૂજાગૃહમાં બેઠા હતા ત્યારે જ સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના પ્રણામ મંત્રની રચના કરી  :

ૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે,

અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ

એ દિવસનો અન્ય એક પ્રસંગ પણ ઉલ્લેખનીય છે. ગૃહિણીએ જ્યારે સ્વામીજી પાસે પોતાની ખામીઓની વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે સ્વામીજીએ મજાક કરતાં કહ્યું: ‘તમારા ઠાકુર તો સંગેમરમરના ઘરમાં ચૌદ પેઢીમાં રહ્યા નથી... અહીં આવી ઉત્તમ સેવામાં જો તેઓ ન રહે તો બીજે ક્યાં રહેશે ?’ આજ સુધી ત્યાં ઠાકુરની નિયમિત પૂજા થઈ રહી છે. એ દિવસની સ્મૃતિમાં ઘોષભવનમાં દર વર્ષે ઘણાં વર્ષો સુધી ઉત્સવ અને સાધુ-ભક્તોનો સમાગમ થતો રહ્યો.

નવગોપાલબાબુ જે રીતે ખૂબ ભક્તિમાન હતા તેમ એમનાં સહધર્મચારિણી પણ એ રીતે અતિ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિસંપન્ન હતાં. શ્રીમાતાજીએ વૃંદાવનમાં રાધારમણજીનાં દર્શન કરતી વખતે જોયું હતું - જાણે નવગોપાલબાબુની પત્ની રાધારમણની પાસે ઊભી રહીને પંખો નાખી રહી છે. ત્યાંથી પાછા આવીને એમણે યોગીન માને કહ્યું હતું : ‘યોગીન, નવગોપાલની પત્ની ખૂબ જ શુદ્ધ છે. મેં એને ઠાકોરજી પાસે ઊભા રહીને પંખો નાખતી જોઈ.’

બીમારી વખતે અનેક સાધુઓ ઘોષપત્નીના માતૃહૃદયના સ્નેહસ્પર્શથી મુગ્ધ  થતા હતા. માંદા સાધુને તેઓ પોતાના ઘરમાં રાખતાં અને દવા, પથ્ય તેમજ સેવા દ્વારા એમને જલદીથી સાજા કરી દેતાં હતાં. (આ વાતોનું સ્મરણ કરીને વૃદ્ધઘોષ પત્નીની અંતિમ માંદગીમાં બેલુર મઠના અધિકારીઓએ એમની સેવાનો ઉત્તમ પ્રબંધ કરી દીધો હતો. એ વખતે તેઓ ‘છિન્નમસ્તા’ દેવીના ભાવમાં રહેતાં અને અપવિત્ર કોઈનો સ્પર્શ સહન કરી શકતાં નહીં.)

રામકૃષ્ણપુરમાં રહેવા આવ્યા ત્યારથી નવગોપાલબાબુ દરરોજ ગંગાસ્નાન પછી કીર્તન કરતાં કરતાં ઘરે પાછા ફરતા અને જે રસ્તે મળે તેમને કહેતા : ‘બોલો, જય રામકૃષ્ણ’ અને પોતે પણ ‘જય રામકૃષ્ણ’ કહેતા. પછી પાસેની દુકાનમાંથી પતાસાં ખરીદીને બાળકોને વહેંચી દેતા. પછી સાર્વજનિક દવાખાનામાં બેસીને દર્દીઓને દવા આપતા અને ગરીબો માટે પથ્યની વ્યવસ્થા પણ કરી દેતા. તેઓ દરરોજ સંધ્યાકાળે પડોશીઓ સાથે ભજનો ગાતા અને ઠાકુરનાં મહિમા, વાણી અને ભાવધારાનો પ્રચાર કરીને બધામાં શ્રીરામકૃષ્ણ - પ્રેમ જગાડી દેતા. એમના સંપર્કમાં આવીને ડો. રામલાલ ઘોષ, નગેન્દ્રનાથ ઘોષ, હારાણબાબુ વગેરે અનેક લોકો શ્રીરામકૃષ્ણના ભક્ત બન્યા હતા.

શ્રીરામકૃષ્ણગતપ્રાણ નવગોપાલબાબુના મનમાંથી સાંસારિક આસક્તિ ક્યાં સુધી નિર્મૂળ થઈ હતી એનું પ્રમાણ એમની એક વિવાહિત પુત્રીના અવસાન સમયે મળ્યું હતું. એ વખતે જ્યારે બધા લોકો શોકથી સંતપ્ત હતા ત્યારે સ્વસ્થ અને સદાપ્રસન્ન નવગોપાલબાબુએ હુક્કો પીતાં પીતાં કહ્યું હતું : ‘બધી એમની ઇચ્છા છે. એમાં દુ:ખ કે શોક કરવાની વાત જ ક્યાં રહી ?’

ઈ.સ. ૧૯૦૯ના વૈશાખ માસમાં ૭૭ વર્ષની ઉંમરે તેઓ ઇચ્છિત લોકમાં ચાલ્યા ગયા. તેમને પહેલેથી જ મૃત્યુના સમયની જાણ થઈ ગઈ હતી. એમણે બધાંને પાસે બોલાવીને આશીર્વાદ આપતાં કહ્યું : ‘તમે લોકો શોક ન કરો. શરીરનો નાશ જ છે જ. હું કર્તા નથી, ઠાકુર જ કર્તા છે. આપણે લોકો તેમના બાળકો છીએ. તેઓ તમારું ધ્યાન રાખશે. તમે શોક છોડીને એમનું નામ લો. એ પછી એમણે ઠાકુરનું નામ લેતાં લેતાં સચેત રહીને અંતિમ શ્વાસ છોડી દીધો. ત્યારે જોવામાં આવ્યું કે એમના મુખારવિંદ પર એક દિવ્ય જ્યોતિ ઝળહળી રહી હતી અને મૃત્યુની કાલિમા એના પર છવાયેલી ન હતી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda