Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

અક્ષયકુમાર સેન

શ્રીયુત અક્ષયકુમાર સેન બાંકુરા જિલ્લાના મયનાપુર ગામે જન્મ્યા હતા. એમના પિતાનું નામ હલધર સેન અને માતાનું નામ વિધુમુખી હતું. એમણે બે વાર લગ્ન કર્યાં હતાં. એમનાં પ્રથમ લગ્ન થયાં ઈન્દાસની પાસેના ગામ રોલગોપાલનગરમાં. એ પત્ની પંદર વર્ષની ઉંમરે નિ:સંતાન અવસાન પામી હતી. એમનાં બીજાં લગ્ન બાંકુરા પાસેના સુધીષ્ઠા ગામમાં થયાં હતાં. એ પત્નીથી એમને બે પુત્ર અને એક પુત્રી થયાં. ‘પુંથિ’ ગ્રંથમાંથી જાણવા મળે છે કે સ્વામી વિવેકાનંદે શ્રીયુત અક્ષયકુમાર સેનને શ્યામપુકુરમાં ‘શાંકચુન્ની માસ્ટર’ની પદવી આપી હતી : ભાવાર્થ (લેખક કહે છે) : ‘મને દરેક વ્યક્તિએ એક એક નામ આપ્યું. પરંતુ અહીં નરેન્દ્રે સદ્‍ભાગ્યે (મને) શાંકચુન્ની (બંગાળમાં ચૂડેલને ‘શાંકચુન્ની’ કહે છે.) (કદરૂપા)ની પદવી આપી.’ એમના શરીરનો રંગ હતો ખૂબ જ કાળો. દુર્બળ શરીર, આકાર મધ્યમ - બધું મળીને કુરૂપ જ કહી શકાય. કદાચ એથી જ સ્વામીજીએ મજાકમાં એમને એવું નામ આપ્યું હતું. તેઓ કોલકાતાના ઠાકુર પરિવારનાં બાળકોને ભણાવતા હતા. આથી એમનું બીજું નામ પડયું, ‘અક્ષય માસ્ટર’; ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’ ની રચના કરીને એમણે અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી છે. આ ‘પુથિ’ ગ્રંથની પ્રશંસા કરતાં સ્વામીજી થાકતા નહીં : ‘એમના કંઠે ઠાકુર પ્રગટ થયા છે. ધન્ય શાંકચુન્ની !..મેં એમની ‘પુથિ’ વાંચીને કેવો આનંદ મેળવ્યો છે એ હું કેવી રીતે કહું ?.. અરે મારા શાંકચુન્ની! તને હૃદય ખોલીને આશીર્વાદ આપું છું. ભાઈ ! શાંકુચુન્ની બંગાળના જનસમૂહના ભાવિ સંદેશવાહક છે.’

અક્ષયકુમાર શ્રીરામકૃષ્ણના નામથી આકર્ષાયા હતા. પરંતુ બીજાના સાથ વગર એકાએક એમની સામે જવાનું સાહસ કરતા ન હતા. એ સમયે તેઓ જોડાસાંકોના ઠાકુર પરિવારના ઘરમાં નોકરીને નિમિત્તે રહેતા હતા. શ્રીરામકૃષ્ણ પદાશ્રિત શ્રીયુત દેવેન્દ્રનાથ મજમુદાર પણ ત્યાં કાર્યરત હતા. અક્ષયબાબુએ નિર્ણય કર્યો કે તેમને મધ્યસ્થી તરીકે રાખીને તેઓ શ્રીપ્રભુનાં દર્શન કરશે. આથી તેઓ મજમુદાર મહાશયની કૃપા મેળવવા માટે હુક્કો તૈયાર કરી મૂકીને કે બીજી રીતે એમને પ્રસન્ન કરવાની કોશિષ કરવા લાગ્યા. આખરે મહિમચક્રવર્તી મહાશયે એક દિવસ કાશીપુરના એમના ઘરમાં શ્રીરામકૃષ્ણના આગમનના ઉપલક્ષ્યમાં ધામધૂમથી મહોત્સવ કરવાનું આયોજન કર્યું. એમાં ભક્તોને પણ આમંત્રણ આપ્યું. શ્રીયુત દેવેન્દ્રનાથ વગેરે ભક્તો ગાડીમાં ત્યાં જવા માટે તૈયારી કરવા લાગ્યા. અક્ષયબાબુને પણ એમની સાથે ગાડીમાં જવાની મંજૂરી મળી ગઈ. નિશ્ચિત સ્થળે પહોંચીને તેમણે જોયું, શ્રીરામકૃષ્ણ ભક્તોની વચ્ચે બેઠેલા છે. દેવેન્દ્ર વગેરેની સાથે એમણે પણ શ્રીચરણોમાં પ્રણામ કરીને આસન ગ્રહણ કર્યું. શ્રીપ્રભુએ એમના પ્રત્યે કૃપાદૃષ્ટિ કરી. આ પ્રસંગ વિષે પુંથિમાં એમણે લખ્યું છે કે : ભાવાર્થ : ‘કરુણાસભર કૃપા કટાક્ષમાં કોણ જાણે શું છે જેનું હું વર્ણન જ નથી કરી શકતો. તે શ્રીમૂર્તિ મારા નયનદ્વારથી હૃદયપુરમાં પ્રવેશીને અંતર પર અધિકાર કરી બેઠી છે. હું મને જ ખોઈ બેઠો. નવી ધારા વહેવા લાગી. એ જ દેહમાં જાણે મને નવો જન્મ મળ્યો. શોધવાથી હું કાંઈપણ પામી શક્યો નહીં. જાણે કોઈ નવા રાજ્યના સ્વપ્નમાં પ્રવેશી ગયો છું.’

શ્રીપ્રભુના લીલાદર્શનથી કૃતાર્થ થઈને અક્ષયકુમાર એ દિવસે ઘરે પાછા આવી ગયા.અને એ પછી શ્રીરામકૃષ્ણની પાસે વારંવાર જવા લાગ્યા. મજમુદાર મહાશયની કૃપાથી આવો દર્શનલાભ થયો એથી ત્યારથી અક્ષયબાબુ એમને ગુરુ સમાન આદર કરવા લાગ્યા. એમની સલાહથી તેઓ ‘પુંથિ’ ગ્રંથની રચનામાં આગળ વધ્યા હતા. આ કાર્યમાં એમની મદદ પણ  મળી હતી. એમની કવિતામાં એમણે એ ભાવ પ્રદર્શિત પણ કર્યો છે : ભાવાર્થ: ‘પહેલાં દેવેન્દ્ર બ્રાહ્મણ ગુરુરૂપ બન્યા, જેમની કૃપાથી પ્રભુ દર્શન થયાં. આ લીલાગીતિ ગ્રંથનો આરંભ એમની આજ્ઞાથી થયો હતો. એ કારણે આ સેવક એમના ચરણોમાં વેચાઈ ગયેલ છે.’

કાશીપુરમાં ‘કલ્પતરુ’ દિવસે સદ્‍ભાગ્યે અક્ષયકુમાર ત્યાં હાજર હતા. એ વખતે થોડા લોકો ઝાડની ડાળીઓ પર વાંદરાની રમત રમતા હતા. શ્રીરામકૃષ્ણ એ તરફ આવતા તેઓ તુરત જ ઝડપથી નીચે ઊતરીને એમની પાછળ પાછળ ચાલ્યા. અક્ષયકુમાર હાથમાં બે ચમ્પક પુષ્પ લઈને આવ્યા. ઠાકુર ચાલતાં ચાલતાં ઊભા રહી ગયા અને સમાધિસ્થ થઈ ગયા : ભાવાર્થ:‘એમના ચરણોની પાસે જઈને મેં એ સમયે ચૂંટેલાં બે ચમ્પક પુષ્પ એમના બંને ચરણોમાં મૂક્યાં.’

એ પછી સામાન્ય ભાવમાં પાછા આવીને ઠાકુરે પોતાનો જમણો હાથ ઊંચો ઊઠાવીને ‘તમને ચૈતન્ય હો’ કહીને બધાને આશીર્વાદ આપ્યા. ‘કથામૃત’ ગ્રંથ વાંચવાથી જાણી શકાય છે કે દેવેન્દ્રના ઘરમાં અક્ષયબાબુને શ્રીપ્રભુની ચરણસેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તો પણ ભક્તમંડળમાં એ વાત જાણીતી હતી કે ઠાકુરે તેમને એ રીતે શ્રીઅંગસ્પર્શનો અધિકાર આપ્યો હતો, જે સામાન્ય રીતે બીજા કોઈને તેઓ આપતા ન હતા. તેઓ કહેતા હતા કે, ‘મનનો મેલ કપાઈ જાય એ પછી થશે.’ એ દિવસે કલ્પતરુની લીલા સમાપ્તિ પછી ઠાકુર જ્યારે ઓરડામાં પાછા આવી રહ્યા હતા ત્યારે અક્ષયબાબુને દૂર ઊભેલા જોઈને તેમણે : ભાવાર્થ ‘દૂરથી ‘કિગો’ (કેમ રે) સંબોધન કરીને મને સ્પર્શીને મારા પર હાથ રાખીને કાનમાં કંઈક કહ્યું જે મારા સ્મરણમાં છે. તે મહામંત્ર વાક્ય છે. એટલા માટે મેં તેને ગોપવી રાખ્યું છે.’

એ અનપેક્ષિત દુર્લભ,સપ્રેમ સ્પર્શનો આવેગ સહન ન કરી શકવાથી અક્ષય માસ્ટર મહાશયનું શરીર વાંકુંચુંકું થઈને ખૂબ જ અદ્‍ભુત દેખાવા લાગ્યું અને તેઓ રડી પડયા.

જે રાત્રે ઠાકુરની મહાસમાધિ થઈ હતી તે રાત્રે અક્ષયકુમાર નરેન્દ્રની આજ્ઞા મુજબ પ્રભુસેવા માટે કાશીપુરમાં જ હતા. ઘેરી રાતે ઠાકુર લીલાસંવરણ માટે તૈયાર થતાં, તેઓ કોલકાતા જઈને ગિરીશબાબુને બોલાવી લાવ્યા. એ રીતે અંતિમ દિવસે પણ શ્રીપ્રભુની સેવાનો થોડો અધિકાર મેળવીને અક્ષયબાબુ ચિરકૃતાર્થ બન્યા.

‘પુંથિ’ ગ્રંથની રચનાના સંબંધમાં કવિએ સ્વયં લખ્યું છે : ગ્રંથારંભ થતાં સ્વામી વિવેકાનંદે એમને વરાહનગર મઠમાં બોલાવીને કેવળ બાળલીલા સાંભળીને જ પ્રસન્નચિત્તે આશીર્વાદ આપ્યા વળી. શ્રીશ્રીમાના આશીર્વાદ હોવા જરૂરી માનીને તેઓ બીજા સંન્યાસીઓ, ગુરુભાઈઓ અને કવિની સાથે શ્રીમાના ચરણોમાં આવી પહોંચ્યા. એ સમયે મા બેલુડમાં હતાં ; એમણે આશીર્વાદ આપ્યા કે ‘પુંથિ’ નિર્વિઘ્ને સમાપ્ત થશે. સ્વામીજીની કૃપાથી શ્રીમાનો ચરણાશ્રય પામીને અક્ષયકુમાર એમની પાસે ઠાકુરની લીલા વિષે ચર્ચા કરવા લાગ્યા. ખાસ કરીને એકવાર એમને કામારપુકુરમાં રહેવાનો સુયોગ મળ્યો હતો, ત્યારે શ્રીમાએ ઠાકુરના સમયના બધા ગામવાસીઓને બોલાવીને ‘પુંથિ’ વંચાવીને સંભળાવી અને પોતાના બંને હાથ ઊંચા કરીને સફળતાની કામના કરી હતી. આ ઉપરાંત આ પુસ્તકના લેખનકાર્ય માટે એમણે દેવેન્દ્ર, ગિરીશચંદ્ર ઘોષ, યોગાનંદજી, નિરંજનાનંદજી અને રામકૃષ્ણાનંદજી પાસેથી સામગ્રી પ્રાપ્ત કરી હતી. આ વિષે લેખકે પોતાના ગ્રંથમાં આ બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

અક્ષયકુમાર વૃદ્ધાવસ્થામાં ‘વસુમતિ’ કાર્યાલયમાં કામ કરતા હતા. એ પછી તેઓ સ્નાન કરીને ઠાકુરની પૂજા કરતા. પૂજા થઈ ગયા પછી ‘લીલાપ્રસંગ’ ગ્રંથ વાંચતા કે કંઈક લખતા. એ સમયે પણ એમનાં નેત્રોની જ્યોતિ, આંખ સારી હતી. ચશ્માંની જરૂર પડતી ન હતી. ગરમીના દિવસોમાં બપોરે ઠાકુર ઘરમાં બેસીને તેઓ ઠાકુર અને માને પંખો નાંખતા. પાછલી ઉંમરમાં એમને દમનો રોગ થયો હતો. આથી અશક્ત શરીરથી એટલું કામ કરવું શક્ય ન હોવાથી તેઓ પૂજા પહેલાં જ ચા પી લેતા. શરીર છોડવાના ૩-૪ વર્ષ પહેલાં એમને પૂજાનું કામ છોડવું પડયું હતું.

 અક્ષયબાબુના હૃદયમાં શ્રીમા પ્રત્યે અગાધ ભક્તિ હતી. ‘પુંથિ’ ગ્રંથમાં એમણે એમને આ રીતે પ્રણામ કર્યા છે :

‘જય જય માતૃદેવી જગત્જનની

રામકૃષ્ણ-ભક્તિદાત્રી ચૈતન્યદાયિની ॥

ભાવાર્થ : ‘જગતની જનની શ્રીશ્રીમાતાનો જય જયકાર હો ! રામકૃષ્ણની ભક્તિ પ્રદાન કરનાર ચૈતન્યદાયિની શ્રીમાનો જય હો !’

શ્રીમા દેશમાં પાછાં આવી જતાં અક્ષયકુમાર એક નાનું વસ્ત્ર પહેરીને, લાંબી લાકડી હાથમાં લઈને, અનેક વસ્તુઓ માથા ઉપર ઉપાડીને, ઉઘાડા પગે શ્રીમાની પાસે આવતા અને શ્રીમાના ચરણોમાં મસ્તક નમાવીને વૃદ્ધાવસ્થાનો રોગ અને કૌટુંબિક અશાંતિમાંથી મુક્તિ મેળવવા માટે વ્યાકુળ  થઈને પ્રાર્થના કરતા. શ્રીમા પણ એ સમયે એમને સમયોચિત સાંત્વના આપતાં.

મૃત્યુના થોડા વર્ષ અગાઉ તેઓ દમના રોગથી પીડાતા હતા. સાથે સાથે કૌટુંબિક અશાંતિ પણ હતી. એમની પાસે આવેલા એક યુવાનને એમણે એક વખત કહ્યું હતું : ‘શ્રીમાએ આંગળી દેખાડીને કહ્યું હતું : ‘તમારી પાછલી ઉંમરમાં થોડી પીડા ભોગવવાની છે.’ આ એટલાથી જ આટલી બધી યાતના થઈ રહી છે ! જો તેમણે પોતાની એ આંગળીને થોડી વધારે લાંબી કરીને બતાવી હોત તો આ શરીર સહન કરી શકત નહીં.’ દેહત્યાગના ચાર દિવસ પહેલાં એમને થોડો તાવ આવ્યો હતો અને લોહીના ઝાડા થઈ ગયા હતા. ચોથા દિવસે (ઈ.સ.૧૯૨૩ની ૭ ડિસેમ્બરે શુક્રવારે) સવારે નવ વાગ્યાના સમયે ૭૩ વર્ષની ઉમ્મરે તેઓ ઈચ્છિત લોકમાં ચાલ્યા ગયા. એ વખતે એમના નાનાભાઈ એમને શ્રીરામકૃષ્ણ-નામ સંભળાવી રહ્યા હતા. એ પછી પણ એમણે કહ્યું : ‘તમે લોકો ચૂપ રહો. હું ઠાકુર અને માને જોઈ રહ્યો છું.’ અંતિમ મુહૂર્તમાં દેખાયું કે એમનાં નેત્રો અર્ધાં બીડેલાં છે અને મુખમંડળ આનંદથી ચમકી રહ્યાં છે અને વિમલ આનંદમાં જ એમના જીવનની સમાપ્તિ થઈ ગઈ.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda