Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

સુરેશચંદ્ર દત્ત

શ્રીરામકૃષ્ણ લીલાકાળમાં જે લોકોએ એમના ઉપદેશોમાં શાશ્વત સૌંદર્ય અને અમૃતરસનો આસ્વાદ લઈને પોતાની જાતને ધન્ય બનાવી હતી, તેમજ સામાન્ય જનતાના કલ્યાણ માટે એ પ્રગટ કરીને શ્રીરામકૃષ્ણ ભક્તમંડળ તથા હિન્દુ સમાજની કૃતજ્ઞતા પ્રાપ્ત કરી હતી, એમાં સુરેશચંદ્ર દત્ત આગળ પડતા હતા. વળી જે લોકોએ ગૃહસ્થ થઈને પણ વિનય, સત્યવાદિતા, ન્યાયપરાયણતા, સ્વાવલંબન, સરળતા વગેરે સદ્‍ગુણોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને ઉપદેશને સાર્થક કર્યો હતો એ બધામાં પણ સુરેશબાબુ અતિ ઉચ્ચ આસનના અધિકારી હતા.

ઈ.સ. ૧૮૫૦માં તેઓ કોલકાતામાં આવેલા હાટખોલા મહોલ્લાના પ્રસિદ્ધ દત્ત વંશમાં જન્મ્યા હતા. ‘પરમહંસ રામકૃષ્ણ ઉક્તિ’, ‘સાધક સહચર’, ‘નારદસૂત્ર’, (કે ‘ભક્તિ જિજ્ઞાસા’), ‘શ્રીરામકૃષ્ણ-સમાલોચના’, ‘વેદ અને બાઈબલ’, ‘ભગવાન શ્રીરામકૃષ્ણ અને બ્રાહ્મસમાજ’, ‘શ્રીરામકૃષ્ણલીલામૃત’, ‘કામના મનુષ્ય’ વગેરે પુસ્તકોના લેખક તરીકે એમને ઘણી ખ્યાતિ મળી હતી. પ્રથમ પુસ્તક હજુ પણ શ્રીરામકૃષ્ણ સંઘમાં આદર સાથે વંચાય છે. આ પુસ્તકનો પહેલો ભાગ ઈ.સ. ૧૮૮૪ના ડિસેમ્બર માસમાં ‘પરમહંસ રામકૃષ્ણની ઉક્તિ’ નામથી છપાયો હતો. એનો બીજો ભાગ ઈ.સ. ૧૮૮૬માં છપાયો. પછી ઈ.સ. ૧૮૯૦માં તે પુસ્તક ‘પરમહંસ શ્રીમદ્ રામકૃષ્ણના ઉપદેશ’ના નામથી બે ભાગમાં વિસ્તૃતરૂપે પ્રગટ થયું અને પછી ઈ.સ. ૧૮૯૪માં શ્રીરામકૃષ્ણની સંક્ષિપ્ત જીવનકથાની સાથે તે ૬ ભાગમાં પ્રકાશિત થયું. એના પ્રત્યેક ભાગમાં સો, સો ઉપદેશ હતા. આ કાર્યમાં શ્રીરામકૃષ્ણના અનન્ય ભક્ત શ્રીયુત હરમોહન મિત્રનો અદમ્ય ઉત્સાહ અને સહાય સુરેશબાબુને મળ્યાં હતાં અને તેઓ જ તેના પ્રકાશક હતા. પ્રત્યેક સંસ્કરણનું વેચાણ થઈ જતાં તેઓ બીજા પણ નવા નવા ઉપદેશ સંકલિત કરવા માટે સુરેશબાબુને આગ્રહ કરતા હતા અને પુસ્તકનું વિસ્તૃતીકરણ ન થઈ જાય ત્યાં સુધી ફરીથી મુદ્રણકામ હાથમાં લેતા નહીં. એ કારણે નવી આવૃત્તિ પ્રગટ થવામાં વિલંબ થઈ જતો. ચોથી આવૃત્તિ વખતે પ્રબળ વિઘ્ન આવ્યું. ઠાકુરે હરમોહનને એમના ધામમાં ખેંચી લીધા. એ કારણે નવું કલેવર લઈને તે પુસ્તક ઈ.સ. ૧૯૦૮-૦૯ની પહેલાં જનસમાજ સામે પ્રગટ થઈ શકયું નહીં. એ પછી ઈ.સ. ૧૯૧૨ની ૧૮મી નવેમ્બરની રાતે ૬૨ વર્ષની ઉંમરે સુરેશચંદ્ર પણ ઈષ્ટ લોકમાં પ્રયાણ કરી ગયા. વર્તમાન સમયમાં એ પુસ્તક ‘શ્રીરામકૃષ્ણના ઉપદેશ’ એ નામે એક ભાગમાં પ્રકાશિત થયું છે. એમાં શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા તથા ૯૫૦ ઉપદેશ છે. એ ગ્રંથના પ્રારંભમાં લખેલા પ્રકાશકના નિવેદન પરથી જાણી શકાય છે કે એ બધા ઉપદેશોને સુરેશબાબુએ પોતાના કાનથી ન સાંભળ્યા હોવા છતાં પણ વિશ્વસનીય ભક્તો પાસેથી એમણે મેળવ્યા હતા. આથી એનું પ્રામાણ્ય સુસંવાદિત છે.

સુરેશબાબુએ ઘણું કરીને ઈ.સ. ૧૮૮૨-૮૩ના કોઈ સમયે નાગમહાશય સાથે દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન કર્યાં હતાં. આ ઘટના અને નાગમહાશયની સાથે સુરેશબાબુની મિત્રતાની વાત અમે નાગમહાશયના પ્રસંગમાં આલેખી છે. સુરેશબાબુ નાગમહાશયને મામા કહેતા હતા. બ્રાહ્મસમાજના સંપર્કમાં આવીને એમણે ઈશ્વરના સાકાર રૂપમાં શ્રદ્ધા ગુમાવી દીધી હતી. આથી મામાની સાથે એમને ઘણીવાર જોરદાર દલીલો થતી. દક્ષિણેશ્વરમાં પહેલી વખત ગયા ત્યારે સુરેશબાબુએ કોઈ દેવ-દેવીને પ્રણામ કર્યા ન હતા. પછીથી તેઓ એકલા કે નાગમહાશયની સાથે ઘણીવાર ત્યાં ગયા હતા. નાગમહાશયે એમને ઠાકુર પાસેથી દીક્ષા લેવાનું કહ્યું હતું. પરંતુ સુરેશબાબુને એમાં વિશ્વાસ ન હતો. એ કારણે શ્રીરામકૃષ્ણનું મંતવ્ય જાણવા માટે તેઓ બંને એમની પાસે આવ્યા. ત્યારે તેમણે સુરેશબાબુને દીક્ષાનો હેતુ સમજાવી દીધો. પરંતુ બ્રાહ્મ - સંસ્કાર સંપન્ન સુરેશબાબુએ જણાવ્યું કે મને તો મંત્ર અને ઈશ્વરીય રૂપ ઉપર શ્રદ્ધા નથી. શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘ત્યારે તમને અત્યારે દીક્ષાની જરૂર નથી. પછીથી તમે એનું મૂલ્ય સમજશો અને એ સમયે તમારી દીક્ષા થશે.’

પછી જ્યારે એમના મનમાં દીક્ષાની ઇચ્છા થઈ ત્યારે તેઓ કવેટાની અંગ્રેજ સરકારના યુદ્ધ વિભાગમાં ૨૦૦ રૂપિયાના માસિક પગારે નોકરી કરતા હતા. એ સમયે ઈ.સ. ૧૮૮૫માં અફઘાન યુદ્ધ ચાલી રહ્યું હતું અને સરકાર એ માટે ખુલ્લે હાથે નાણાં ખર્ચી રહી હતી. યુદ્ધકાળની અનિશ્ચિતતાની અંદર જલદી કામ પૂરું કરવા માટે પુષ્કળ નાણાં ખર્ચવાં પડે છે. આથી ઉચ્ચ પદે રહેલા કર્મચારીઓને એ અંગે પૂરો અધિકાર આપવામાં આવ્યો હતો. અનેક બાબતોમાં જો એમની મંજૂરી હોય તો ખર્ચની યોગ્યતા બાબત પ્રશ્ન જ ઊભો થતો નહીં. આ સ્થિતિમાં છેતરપિંડી વધે એ અસ્વાભાવિક નથી. સુરેશબાબુના ઉપરી અધિકારીઓએ આ લાલચમાં પડીને થોડાં નાણાં ગેરરીતિથી એકઠાં કરી લેવા ઈચ્છ્યું અને એ લાભનો એક તૃતીયાંશ ભાગ સુરેશચંદ્રને આપવાનું કહી એમની મદદ માગી. સુરેશબાબુ આમાં સંમત ન થયા. આથી એ કર્મચારીઓએ એમને ધમકી આપી ડરાવ્યા. એટલે સુધી કે આદેશ ન માનવાનો એમના ઉપર આરોપ લગાવીને એમને યુદ્ધના કાયદા મુજબ કેદ કરાવી દેવાની પણ વાત હતી. સુરેશબાબુએ સમયે નોકરી છોડી દેવા તત્પર બન્યા પણ એ કર્મચારીઓએ જણાવ્યું કે યુદ્ધ હોવાથી એમ નોકરી પણ છોડી શકાય નહીં. બીજો કોઈ ઉપાય ન જોતાં સુરેશબાબુ એક દયાળુ અંગ્રેજ ડોકટરને શરણે ગયા. એમને બધી વાત સ્પષ્ટ રીતે કહી જણાવી. તેથી ડોકટર મહોદયે સુરેશબાબુને એક પ્રમાણપત્ર લખી આપ્યું કે તેઓ યુદ્ધ વિભાગનું કાર્ય કરવા અશક્ત છે. આ રીતે એમણે છુટકારો તો મેળવી લીધો પણ નવો માણસ ન આવે ત્યાં સુધી ત્યાં રહીને તેમને માનસિક ત્રાસ ભોગવવો પડયો.

પછી મુક્તિ મેળવીને સુરેશબાબુ કોલકાતા તરફ ચાલ્યા. પરંતુ ત્યારે એમની પાસે કુલ રૂપિયા વીસ જ હતા. વારાણસી પહોંચ્યા ત્યાં સુધીમાં એ રકમ ખર્ચાઈ ગઈ. આથી આગળ પગે ચાલીને જવું પડયું. તેઓ રસ્તામાં અનાયાસે જે મળે તેથી પેટ ભરી લેતા અને વિશ્રામસ્થળમાં માર્ગનો સહાયક ગ્રંથ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ખોલીને અભ્યાસ કરતા. આ પ્રમાણે ભાગલપુર સીધી પહોંચ્યા. ત્યાં એક દયાળુ માણસે તેમને કોલકાતા સુધીની ટિકિટ કઢાવી આપી. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ખાલી હાથે જ પહોંચ્યા. એમના ભાઈનો પગાર પણ માસિક રૂપિયા પચ્ચીસ જ હતો.સુરેશબાબુને એક સ્ત્રી અને પુત્રનું જ ભરણપોષણ કરવાનું હતું. આથી ભરણ પોષણ માટે તેઓ મજૂરી કરીને કે એમના પરિચિત માણસોથી અણજાણ દૂર સડકો પર ફેરી કરીને, કોલકાતાની શેરીઓમાં બટેટા વેચીને રોજ ૭-૮આના ઘરે લાવતા. આ રીતે કેટલાંક અઠવાડિયાં પસાર થયા પછી એમને માસિક રૂપિયા ૬૦ના પગારે એક નોકરી મળી. તેઓ ઈશ્વરભાવને અનુરૂપ આડંબરરહિત જીવન જ પસંદ કરતા હતા. આથી ઓછી આવક પણ એમના માટે પૂરતી હતી. એમાં પ્રસન્ન રહીને તેઓ ધર્મકાર્યમાં લાગી રહ્યા અને વચ્ચે વચ્ચે શ્રીરામકૃષ્ણ પાસે પણ જવા લાગ્યા. એ સમયે ઠાકુર બીમારીને લઈને કાશીપુર  આવી ગયા હતા. આથી એ વખતે સુરેશના મનમાં દીક્ષા માટે તીવ્ર આકાંક્ષા જાગવા છતાં પણ એ પરિસ્થિતિમાં એમને શક્યતા જણાઈ નહીં. એમની ઇચ્છા અધૂરી રાખીને જ ઠાકુર સ્વધામ સિધાવી ગયા.

એ વખતે સુરેશનું મન પશ્ચાત્તાપની આગમાં બળી રહ્યું હતું.ઘોર રાત્રિમાં ગંગાકિનારે જઈને તેઓ વ્યાકુળભાવે પ્રાર્થના કરતા. કયારેક એકલા બેસીને રડયા કરતા. યાદ રાખવું ઘટે કે તેઓ નિરાકારવાદી હોવા છતાં પણ ભક્ત હતા. ઠાકુરની પાસે આવ્યા તે પહેલાં તેઓ બ્રાહ્મસમાજમાં જતા હતા અને બ્રાહ્મમિત્રોને લઈને ગંગાકિનારે ઉપાસના વગેરે કરતા હતા. એ સમયે શ્રીરામકૃષ્ણ અને નાગમહાશયના સંગથી સાકાર ઉપાસના અને દીક્ષા વગેરેનું મહત્ત્વ સમજાયું હોવાથી અને પૂર્વસંચિત ભક્તિ સંસારને કારણે તેઓ નવીનભાવમાં પુષ્ટ બનવા લાગ્યા.આ રીતે દીક્ષા માટે વ્યાકુળ બનેલા ચિત્તે એક રાત્રિના પાછલા ભાગમાં એમણે સ્વપ્ન જોયું. કે શ્રીરામકૃષ્ણદેવ ગંગાના મધ્યમાંથી ઊઠીને એમની પાસે આવીને ઊભા છે. શું થઈ રહ્યું છે, એ સમજાય તે પહેલાં જ આશ્ચર્યથી અવાક થઈ ગયેલા સુરેશને વધુ આશ્ચર્ય પમાડતાં ઠાકુરે (મન્ત્રોચારણ કરી) એમને મંત્ર દીક્ષા આપી. શ્રદ્ધા-ભક્તિપૂર્વક હૃદયે માથું નમાવી એમનાં ચરણસ્પર્શ કરવા સુરેશબાબુ આગળ વધ્યા પણ પછી તેઓ ઠાકુરને જોઈ શક્યા નહીં. વહેલી સવારનું સ્વપ્ન અને ખાસ કરીને દેવ- સ્વપ્ન મિથ્યા નથી થતું. આથી એમને સમજાયું કે શ્રીરામકૃષ્ણની પ્રગટ લીલા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં પણ એમની નિત્યલીલાનો આરંભ માત્ર છે કેમ કે તેઓ યુગાવતાર હતા. આ રીતે મંત્ર મેળવીને તેઓ સાધનામાં ડૂબી ગયા.

સુરેશબાબુના પાછળના જીવનમાં પણ નિર્લોભતા અને ભક્તિપરાયણતાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. સ્વતંત્ર મિજાજવાળા સુરેશબાબુ કયારેક કયારેક પોતાના સ્વાભિમાનના રક્ષણ માટે બેકાર પણ બની જતા. એકવાર કોલકાતામાં તેઓ બેકાર હતા ત્યારે લિપ્ટન કંપનીની એક જાહેરાત તેમણે વાંચી. એ જાહેરાતમાં એવું હતું કે ચા વિષે અંગ્રેજીમાં જે સર્વશ્રેષ્ઠ નિબંધ લખશે તેને કંપની તરફથી રૂપિયા પાંચસોનું ઈનામ મળશે. સુરેશબાબુએ નિબંધ લખ્યો. તે નિબંધ લંડનના મોટાસાહેબે સર્વશ્રેષ્ઠ ગણ્યો. આથી તેમણે મહિને રૂા. ૨૫૦ના પગારે સુરેશબાબુને કંપનીની નોકરીમાં રાખી લેવાનો આદેશ આપ્યો. પણ કોલકાતાના એક અંગ્રેજે ચામાં ભેળસેળ કરવા કહ્યું આથી એમણે એ નોકરી પણ છોડી દીધી.

શ્રીયુત શરત્ચંદ્ર ચંદ્રવર્તી મહાશયે સ્વામીજી પાસેથી દીક્ષા લીધી હતી અને એક દિવસ તેમણે મઠમાં ઠાકુરને ભોગ ધરાવવા ઈચ્છ્યું. પરંતુ સ્વામીજીએ એમને એમ કહીને મનાઈ કરી કે કોલકાતાથી ચીજવસ્તુઓ લાવીને સમયસર ભોગ ધરાવવાનું એમને માટે શક્ય નહીં બને. જ્યારે સુરેશબાબુએ સાંભળ્યું ત્યારે એમણે શરત્બાબુને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ‘હું બધી વ્યવસ્થા કરી દઈશ’. બીજા દિવસે સવારે ચાર વાગ્ો શરત્બાબુને લઈને તેઓ નયા બજારમાં આવ્યા. ઓળખીતા લોકો પાસેથી બધું એકઠું કરીને તાત્કાલિક જ શરત્બાબુએ એમને પણ ગાડીમાં બેસી જવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું : ‘નહીં રે, હું તો દહીં હાથમાં લઈને ચાલતો આવીશ. નહીંતર ગાડીના હલવાથી દહીં ઢોળાઈ જશે અને તે ભોગમાં કામ નહીં લાગે. ’સૂર્યોદય વખતે શરત્બાબુ મઠમાં હાજર થઈ ગયા. ઠાકુરને જે પસંદ હતી તે જ વસ્તુ આવી છે એ જાઈને સ્વામીજીએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, ‘એ નક્કી જ કે આ તારું કામ નથી. કોણે આ બધું બજારમાંથી એકઠું કર્યું ?’ શરત્બાબુએ સુરેશબાબુનું નામ લીધું. સ્વામીજીની આંખમાં આસું આવી ગયાં અને એમણે આવેગથી કહ્યું: ‘જોયું ને ઠાકુરે જેમને સ્પર્શ કર્યો છે, તે સોનું થઈ ગયા છે. ’

ઈ.સ ૧૯૧૨ના પોષ મહિનાની ‘ઉદ્‍બોધન’ પત્રિકામાં સુરેશબાબુના આ ગુણો વિષે લખાયું છે : ‘સાધુ દુર્ગાચરણ નાગમહાશયને ભણતી વખતે જ સુરેશબાબુ પ્રિય મિત્રરૂપે મળ્યા હતા. આથી લાંબા સમય સુધી એમને વિશેષરૂપે જાણવાનો અવસર મળ્યો હતો. અમારા એક મિત્રને સુરેશબાબુના સંબંધમાં એમણે એક વખત કહ્યું હતું કે એમનું ચરિત્ર એકદમ શ્ર્વેત (વિશુદ્ધ) હતું. એમણે સંસારમાં આવો કોઈ માણસ જોયો નથી. નિર્ધનાવસ્થામાં પડવા છતાં પણ સુરેશબાબુ પોતાની સ્વભાવિક સજ્જનતા અને સ્વાધીનચિત્તતાનો હંમેશાં પરિચય આપતા રહેતાં શ્રીરામકૃષ્ણના સંગના પ્રભાવથી સુરેશબાબુના મનમાં ભગવત્પ્રાપ્તિની ઈચ્છા અને સાધનાનુરાગ પાછળના સમયમાં એટલાં બધાં વધી ગયાં હતાં કે ક્યારેક ક્યારેક તેઓ પોતાનાં કુટુંબીજનોની ભોજન વગેરેની વ્યવસ્થા કરીને ગૃહસ્થીના તમામ કામકાજમાંથી ફુરસદ મેળવીને એકાંતમાં ચાલ્યા જતા અને ત્યાં ઈશ્વરની આરાધના કરતા કરતા જીવન પસાર કરતા. ઘરમાં અન્ન નથી. ઘરના લોકો પાગલ માનીને દર વખતે ગુસ્સે થાય છે. આ બધું હોવા છતાં પણ તેઓ પ્રસન્નચિત્તે ભગવાન ઉપર આધાર રાખીને અચલ વિશ્વાસથી નિશ્ચિન્ત થઈને બેઠા છે. આવી પરિસ્થિતિમાં પણ અમે સુરેશબાબુને અનેકવાર જોયા.. ઈશ્વર પર નિર્ભર, કર્મકુશળ સુરેશબાબુએ ઈશ્વરની આરાધનામાં થોડો સમય ગાળવા માટે ક્યારેક ક્યારેક સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. પણ પછી એ સમય પૂરો થઈ જતાં અને ઘરના લોકોની આર્થિક તંગી જોઈને થોડા જ સમયમાં નવી નોકરી લઈ લેતા. આમ કોઈ પણ રીતે અન્નવસ્ત્ર માત્રથી સંતોષ પામીને, કામકાંચનમય સંસારના સાદર આહ્વાનની ઉપેક્ષા કરીને, ઘરમાં જ નિર્લેપ રહીને તેઓ પોતાના જીવનની ગતિને હંમેશાં ઈશ્વરાભિમુખ રાખી શક્યા હતા. લોકદૃષ્ટિથી દૂર એમનો નીરવ અખંડ સાધનાનુરાગ આ જ ફળ થઈને એમને દિવ્યધામ પહોંચાડવામાં સહાયક થયો છે અને એમણે નિર્ભરશીલ, ભક્તિવિશ્વાસ સમન્વિત નિષ્કામ કર્મમય જીવનનું એક જવલંત દૃષ્ટાંત આપણા જેવા સામાન્ય માણસ માટે ઈહલોકમાં આપીને આપણને પણ ધન્ય બનાવ્યા છે.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda