Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

દેવેન્દ્રનાથ મજમુદાર

ધ્યાનમાં પ્રાપ્ત થયેલા સત્યને ગૃહસ્થ જીવનમાં કાર્યાન્વિત કરવું એક વિષમ સમસ્યા છે. પરંતુ એમ ન કરી શકવાથી સામાન્ય માણસ એ સત્યનો મર્મ જાણી શકતા નથી. એથી શ્રીરામકૃષ્ણનું પ્રાયોજન હતું : થોડા ભક્તોની અંદર એ સહજ-બોધ આદર્શને સ્થાપિત કરવો. આથી જ્યારે દેવેન્દ્રનાથે એક દિવસ શ્રીઠાકુરના ચરણોમાં પડીને સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી, ત્યારે ઠાકુરે એમને પ્રયત્નપૂર્વક બેઠા કર્યા અને પછી શચીમાતાના ભાવમાં ગીત સંભળાવવા લાગ્યા.ભાવાર્થ : ‘મારા વહાલા પુત્ર ગૌર ! તું શા માટે નદિયા છોડીને દંડધારી બનીશ ? ઘરમાં તારી વધૂ વિષ્ણુપ્રિયા છે. એની તું શી દશા કરીશ ? એક તો તારા મોટાભાઈ વિશ્વરૂપ (મહાપ્રભુના મોટાભાઈ, જે સંન્યાસ લઈને ચાલ્યા ગયા હતા.)ના સંન્યાસ લઈને ચાલ્યા જવાથી મારું હૈયુ શોકનાં તીક્ષ્ણ બાણથી વીંધાયું છે. શું હવે તું પણ અભાગણી માતાને અફાટ સમુદ્રમાં ડૂબાડી દઈશ ?’ અહીં કહેવું જરૂરી છે કે દરિદ્ર દેવેન્દ્રની વૃદ્ધા માતા એ સમયે પણ મોટા પુત્ર સુરેન્દ્રનો શોક ભૂલી શક્યા ન હતાં અને એમના ઘરમાં પણ સાધ્વી સ્ત્રી વિદ્યમાન હતી.

જૈસોર જિલ્લાના નડાઈલ તાલુકા હેઠળ આવેલા જગન્નાથપુર ગામમાં ઈ.સ.૧૮૪૪ના જાન્યુઆરીમાં પ્રથમાર્ધમાં મજમુદારની ઉપાધિ ધરાવનાર બંદોપાધ્યાય વંશમાં દેવેન્દ્રનાથનો જન્મ થયો હતો. દેવેન્દ્રનાથના જન્મ પછી બે મહિનામાં જ એમના પિતા પ્રસન્નનાથ મૃત્ય પામ્યા હતા. માતા વામાસુંદરી લાંબા સમય સુધી જીવતાં હતાં. દેવેન્દ્રનું બાળપણ બ્રાહ્મણ વંશમાં સાત્ત્વિક વાતાવરણની અંદર જ વીત્યું હતું. પિતાના અવસાન પછી મોટાકાકા જ એમની દેખભાળ કરતા હતા.

એ સમયે એમના મોટાભાઈ સુરેન્દ્રનાથ કોલકાતામાં ભણતા હતા. પરંતુ મોટાકાકા મૃત્યુ પામ્યા ત્યારે ૨૧ વર્ષની ઉંમરના સુરેન્દ્રે જ ગૃહસ્થીનો સઘળો ભાર ઉઠાવી લીધો. તેઓ દેવેન્દ્ર કરતાં પાંચ વર્ષ મોટા હતા.

પિતૃહીન ગૌરવર્ણ, સુદર્શન દેવેન્દ્ર બાળપણમાં વધુ લાડ- પ્યારને પરિણામે થોડો ઉદ્ધત બની ગયો હતો. એક દિવસ કોઈ અયોગ્ય કામની સજા કરવા માટે માતા જેવાં આગળ વધ્યાં તો તે કૂદીને ભાગી ગયો. પણ એમાં એનો ડાબો હાથ તૂટી ગયો. પછી તે હાથ જોડાઈ જવા છતાં પણ થોડો વાંકો જ રહી ગયો હતો. વાંચવામાં એમનું મન લાગતું ન હતું. પરંતુ તેમના હસ્તાક્ષરો ઘણા જ સુંદર થતા હતા. તેઓ હિસાબ અને દસ્તાવેજ લખવામાં કુશળ હતા. એક વાર એક ગોવાળના બાળકના ઉત્તેજનથી તે સીધો સાદો બાળક આકાશ પકડવા માટે દોડી દોડીને ખૂબ થાકી ગયો હતો. ચિત્ત પર અંકિત થયેલો એ અનુભવ પછીથી સંગીત સ્વરૂપે પ્રગટ થયો હતો: ભાવાર્થ : ‘હે પ્રભુ આખી સૃષ્ટિને આવરેલી તમારી માયા છે. ક્યાંય સાચી કાયા નથી. કેવળ છાયા જ છે. મેદાનની અંદર આકાશને પકડવું એ ફક્ત ચોતરફ વ્યર્થ ઘૂમવાનું જ છે.’

મોટાકાકાના મૃત્યુ પછી દેવેન્દ્રનાથ અભ્યાસ માટે કોલકાતા આવ્યા. એ વખતે એમની ઉંમર ૧૪-૧૫ વર્ષની હતી. અહીં આવ્યા છતાં અભ્યાસ બહુ આગળ વધી શક્યો નહીં. ગમે તેમ કરીને ચાર -પાંચ વર્ષ નિશાળમાં પસાર કર્યા પછી એમનો અભ્યાસ છૂટી ગયો.

પુસ્તકવિદ્યા બંધ થઈ ગઈ છતાં પણ કાવ્યરસિક સુરેન્દ્રના સહયોગથી દેવેન્દ્રની સાહિત્ય પ્રીતિ વધી ગઈ. યુવાનીના પ્રારંભમાં સુરેન્દ્રને ગૃહસ્થી ચલાવવા માટે વિદ્યાભ્યાસ છોડી દેવો પડ્યો હતો. છતાં પણ તેઓ વિદ્યાની આરાધનામાં મગ્ન રહેતા હતા. જવાબદારીનો ભાર હોવા છતાં પણ તેઓ પોતાનો ફુરસદનો સમય પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર અને ઈતિહાસનો અભ્યાસ કરવામાં ગાળતા. એમના અંતરનું સૌંદર્ય કાવ્યરચનામાં પ્રગટતું. ‘મહિલા’, ‘સરિતા’, ‘સુદર્શન’ વગેરે એમના કાવ્યગ્રંથો દ્વારા એમની ઉચ્ચ કવિ-પ્રતિભાનાં દર્શન થાય છે. કવિ સુરેન્દ્રના ઘરે ક્યારેક નાટ્યસમ્રાટ ગિરીશચંદ્ર ઘોષ પણ આવતા. બંને સાહિત્યરસિકો મોડી રાત સુધી કાવ્યની ચર્ચા કરતા રહેતા. દેવેન્દ્ર પાસે બેસીને બધું સાંભળતા અને સઘળું પોતાના હૃદયમાં અંકિત કરી લેતા. મોટાભાઈનો બીજો પણ ગુણ હતો, યોગાભ્યાસ. મોટાભાઈનું અનુકરણ કરીને દેવેન્દ્ર પણ યોગાભ્યાસ કરવા લાગ્યા. ઘણા દિવસોના પ્રયત્ન પછી તેઓ ૬૪ પ્રકારનાં આસનોમાં પારંગત થઈ ગયા હતા.

એ દરમિયાન દેવેન્દ્રની માતા કહેવા લાગ્યાં કે દેવેન્દ્રે લગ્ન કરવાં પડશે. ત્યાં સુધી આગ્રહ કર્યો કે જો પુત્ર સંમતિ નહીં આપે તો તેઓ આમરણ ઉપવાસ કરશે. પરિણામે ઈ.સ.૧૮૭૧માં દેવેન્દ્રનાં લગ્ન થઈ ગયાં. એ પછી આઠ વર્ષે ઈ.સ.૧૮૭૯ના વૈશાખ મહિનાનાં સુરેન્દ્રનાથ પરિવારના લોકોને શોકસમુદ્રમાં ડૂબાડીને ૪૧ વર્ષની વયે સંસારમાંથી ચાલ્યા ગયા. એ વખતે દેવેન્દ્રનું જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું. તીવ્ર દરિદ્રતામાં એમને કુટુંબના ભરણ-પોષણની જવાબદારી ખભે ઊઠાવવી પડી. કેટલાય દિવસો ઉપવાસ અને એકટાણામાં વિતવવા પડતા તેમજ અયાચનીય વ્યક્તિઓના ઘરમાંથી શ્રાદ્ધનું દાન સુદ્ધાં લેવું પડ્યું હતું. છેવટે જોડા-સાંકોના ઠાકુર પરિવારના જમીનદારી કાર્યાલયમાં તેમને ઓછા પગારે નોકરી મળી. આવી નોકરીઓમાં સામાન્ય લોકો લાંચ લઈને પણ પોતાનો અભાવ પૂરો કરી લેતા હોય છે. પરંતુ દેવેન્દ્રબાબુ આવી હીનતા આચરવા રાજી નહોતા. આથી એમનું દેવું વધતું જ ગયું. આખરે પરિસ્થિતિ વિકટ બની. આથી તેમણે પોતાના માલિકને સઘળી હકીકત સવિસ્તર જણાવી દીધી.માલિક દેવેન્દ્રનાથને સારી રીતે ઓળખી ગયા હતા. આથી તેમણે તેમનું બધું દેવું સ્વેચ્છાએ ચૂકવી દીધું અને ભવિષ્ય માટે સાવધ રહેવા કહ્યું. એ સમયે પણ ખર્ચ ઘટાડવાનો બીજો ઉપાય ન જોતાં તેમજ મહાનગરમાં ખર્ચ વધુ હોવાને કારણે દેવેન્દ્રનાથે નિશ્ચય કર્યો ને તેઓ ગંગાની પેલે પાર હાવડા શહેરના શાલકિયા મહોલ્લામાં રહેશે. એ દિવસોમાં એ સ્થળ મેલેરિયાનું ઘર હતું. આથી થોડા જ દિવસોમાં તેઓ મેલેરિયાનો ભોગ બન્યા. ડોકટરની સલાહથી તેઓ ફરી પાછા કોલકાતા રહેવા આવી ગયા. તેમણે અહીરીટોલામાં નિમુ ગોસ્વામી લેનનું એક મકાન ભાડે લીધું અને ત્યાં રહેવા લાગ્યા.

પહેલાં જ બતાવવામાં આવ્યું છે કે શ્રીયુત દેવેન્દ્રનાથ નિયમિત યોગાભ્યાસ કરતા હતા. સંસારની પ્રતિકૂળતાઓની વચ્ચે પણ એ અભ્યાસ નિયમિત ચાલતો હતો. સતત અગિયાર વર્ષ સુધીના યોગાભ્યાસના ફળ સ્વરૂપે એમને દેવ દેવીઓનો સાક્ષાત્કાર, અનુપમ જ્યોતિનું દર્શન અને અશ્રુતપૂર્વ શબ્દોનું શ્રવણ વગેરે અનુભવો થતા રહેતા. ક્યારેક તેમને પોતાનું શરીર અત્યંત હલકું જણાતું. એવું લાગતું કે જાણે તેઓ ધારે તો આકાશમાં ભ્રમણ કરી શકે એવું હળવું, ક્યારેક ભ્રૂકુટિમાં જ્યોતિબિન્દુ પ્રકાશિત થઈને વિસ્તાર પામતું પામતું સમગ્ર ઘરને પ્રકાશથી ભરી દેતું જણાતું. પરંતુ આવી ઉન્નતિ થવા છતાં પણ મજમૂદાર મહાશયની આર્થિક તંગી કે દુન્યવી ચિંતા દૂર ન થયાં. આથી તેમણે માન્યું કે એમને હજુ ભગવદ્દર્શન થયાં નથી. આટઆટલા પ્રયત્નોને નિષ્ફળ થતા જોઈને ભગવાનના અસ્તિત્વ બાબતમાં પણ એમના મનમાં શંકા જાગી હતી. પરંતુ સદ્‍ભાગ્યે જન્મગત વિશ્વાસ અને સંસ્કારોને લઈને તેઓ એ માર્ગે આગળ ન વધ્યા. પરંતુ તરત જ ગંભીર સાધનામાં લીન થઈ ગયા. એ સમયે થોડા દિવસો માટે કૌટુંબિક સંપર્ક છોડીને તેઓ પાથુરિયા ઘાટાના ઠાકુરવાડીના ત્રીજા માળે એક એકાંત ઓરડામાં ભગવદ્ ધ્યાન કરતાં કરતાં સમય પસાર કરવા લાગ્યા. આ પ્રમાણે એકાન્ત ચિંતન કરતાં કરતાં એમને અનુભવ થયો કે ભગવદ્ દર્શન ભગવાનની કૃપાથી જ થઈ શકે છે. આથી એમણે લખ્યું: ‘હે પ્રભુ! જ્યાં સુધી તમે જાતે ઓળખ આપો નહીં ત્યાં સુધી કોણ તમને ઓળખી શકે ? વેદ - વેદાંત તમારો અંત પામી શક્તા નથી. તેઓ અંધારામાં તમને શોધતા ફરે છે.’

આથી ઈશ્વર સાક્ષાત્કાર માટે વ્યાકુળ દેવેન્દ્રબાબુ જ્યાં કયાંય પણ આ બાબતમાં મદદ મળવાની શક્યતા જણાય ત્યાં ત્યાં જવા લાગ્યા. આ રીતે તેઓ કેશવચંદ્ર સેનના બ્રાહ્યાસમાજમાં જવા લાગ્યા. એક દિવસ તેઓ પોતાના મામાને ત્યાં ગયા. ત્યાં બેઠકમાં અઘોરનાથનું જીવનચરિત્ર હતું. તેઓ વાંચવા લાગ્યા : એકવાર અઘોરનાથ ડાકુઓના હાથમાં સપડાઈ ગયા. તેમની હત્યાની પૂરી શક્યતા હતી. પરંતુ ડાકુઓએ એમની ભક્તિ જોઈને એમને છોડી દીધા. એ વર્ણન વાંચીને મજમુદાર મહાશય પાગલની જેમ બૂમ પાડી ઊઠ્યા, ‘કોણ કહે છે, ભગવાન નથી ? અહીં તો જોઉં છું કે ભગવાન છે, નહીં તો અધોરનાથને કોણે બચાવ્યા ? ’ એ જ વખતે તેઓ ઘરે પાછા ફર્યા. ઓરડાનો દરવાજો બંધ કરીને દુ:ખી હૃદયે પ્રાર્થના કરવા લાગ્યા. વ્યાકુળ બની આવેગથી માથાના વાળ ખેંચતાં ખેંચતાં દીવાલ પર માથું પછાડીને કહેવા લાગ્યા : ‘તમે કોણ છો ? કયાં છો ? દર્શન આપો.’ ત્રણ દિવસ ને ત્રણ રાત ઉપવાસમાં જ પસાર થઈ ગયા. ચોથે દિવસે સવારે અગાસી ઉપર લટાર મારતાં અરુણ રંગે રંગાયેલા બાલરવિને ઉદય પામતો જીેઈને તેઓ ઉચ્ચસ્વરે બોલી ઊઠ્યા: ‘કોણ કહે છે ભગવાન નથી ? તે તો ભગવાનનું નિર્દશન છે.’ એ વખતે મનમાંથી આપોઆપ જ વાણી થઈ : ‘ગુરુ જોઈએ.’

ગુરુ પ્રાપ્તિ માટે તેઓ પ્રથમ તો કાલનાના ભગવાનદાસ બાબાજી પાસે જવા તૈયાર થયા. પરંતુ એ દિવસે કાલના જવાની સ્ટીમર ચૂકી ગયા. આથી દુ:ખી થઈને તેઓ પોતાના ઓળખીતા નરેન્દ્રનાથ મુખોપાધ્યાયના ઘરે ગયા. ત્યાં‘ ભક્તિ ચૈતન્ય ચંદ્રિકા’ નામનું પુસ્તક જોયું અને તે તેઓ વાંચવા લાગ્યા. એમાં એક જગ્યાએ પરમહંસ શ્રીરામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ હતો. ‘પરમહંસ શ્રીરામકૃષ્ણ’ આ બે શબ્દોમાં કોણ જાણે કેવી મોહિની શક્તિ હતી. અજાણતાં જ નવીન પ્રકાશ પ્રગટ થવાથી દેવેન્દ્રબાબુએ વિચાર્યુ : ‘પરમહંસ તો બહુ જ ઊંચી અવસ્થા છે ! ભગવદ્ દર્શન થયા વગર આવી અવસ્થા આવતી નથી. શું તેઓ મને સહાયતા કરશે ? ’ આમ ચિંતાતુર બનીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે સૌભાગ્યે રસ્તામાં એક ઓળખીતા માણસ પાસેથી શ્રીરામકૃષ્ણ દેવનું સરનામું મેળવી લીધું અને તેઓ તેમને  મળવા નીકળી પડ્યા. અહીરીટોલા ઘાટથી અનેક યાત્રીઓ સાથે નૌકા સઢ ચલાવીને આગળ ચાલી.

દેવેન્દ્રનાથ પોતાના સંકલ્પ પ્રમાણે આવેગપૂર્વક શ્રીરામકૃષ્ણના દર્શન માટે ચાલ્યા તો ખરા, પણ મનમાં વિચારવા લાગ્યા : ‘કદાચ ન આવ્યો હોત તો જ સારું હતું. તેઓ કેવા સાધુ હશે ? શું હોડીમાંથી ઊતરી જવું જ યોગ્ય નથી ?’આ પ્રકારનું ઘમસાણ મનમાં ચાલવા લાગ્યું. એટલામાં તો હોડી દક્ષિણેશ્વરના ઘાટે આવી ગઈ. હૃદય કંપવા લાગ્યું પરંતુ દેવેન્દ્રબાબુ કિનારે ઊતરી ગયા. ત્યાં સ્નાન કરી રહેલા નિરંજનને પૂછ્યું. તેમની સૂચના પ્રમાણે ઠાકુરના ઓરડાની પશ્ચિમ તરફના ગોળ વરંડામાં તેઓ આવી પહોંચ્યા. એ વખતે એ ઓરડો ખાલી જ હતો.પરંતુ થોડીવારમાં જ ઠાકુર ત્યાં આવી પહોંચ્યા. દેવેન્દ્રનાથના મનમાં ખાતરી થઈ આવી કે આ જ શ્રીરામકૃષ્ણ છે. તેમણે જમીન પર પડીને પ્રણામ કર્યા ને તેમના પગની રજ લીધી. ઠાકુરે એમને બીજી બાજુ ફરીને જોડા બહાર રાખીને અંદર આવવાનું કહ્યું. દેવેન્દ્રબાબુ એ રીતે અંદર આવ્યા. ફરી પ્રણામ કરીને ચટાઈ પર બેસી ગયા. થોડી ક્ષણો બાદ ઠાકુરે એમને પૂછ્યું :‘કયાંથી આવવાનું થયું ?’ દેવેન્દ્ર : ‘કોલકાતાથી’. એ સાથે જ શ્રીરામકૃષ્ણ બંસીધારી શ્રીકૃષ્ણની જેમ ત્રિભંગ છટામાં ઊભા રહી ગયા અને બોલ્યા :‘શું આવું જોવા માટે ?’ દેવેન્દ્ર : ‘નહીં, આપને જોવા માટે.’ તુરત ઠાકુરે રુદનભર્યા સ્વરે કહ્યું : ‘બીજું શું જોશો ? કહો. આ પડી ગયો તેથી મારો હાથ ભાંગી ગયો છે. જરા હાથ મૂકીને અહીં જુઓને. જુઓ તો હાડકું ભાંગી ગયું છે કે નહીં ? ખૂબ પીડા થાય છે. શું કરું ? ’ દેવેન્દ્રબાબુએ સ્પર્શ કરીને જોયું. ઠાકુરે પૂછ્યું : ‘કેમ રે, સારું થઈ જશેને ?’ દેવેન્દ્રે કહ્યું : ‘જી હા, સારું થઈ જશે.’ એ વખતે બાળક જેવા સરળ ઠાકુરે બધાંને બોલાવીને બાલસહજ ઉત્સાહથી કહ્યું: ‘અરે, આ કહે છે મારો હાથ સાજો થઈ જશે. એ કોલકાતાથી આવ્યા છે.’ દેવેન્દ્રે વિચાર્યું :‘ આ બહાનું તો નથી ને ? કયાં હું સાધુદર્શન માટે આવ્યો ? અને કયાં એમણે મને સાધુ બનાવી દીધો ? જાણે એમણે મન વચનસિદ્વ જોયો ન હોય ! કેવો એમનો વિશ્વાસ છે ! ના, ના, આવો સરળ વિશ્વાસ શું માણસનો હોઈ શકે ? કે કદાચ આ લોકોને દેખાડવા માટે બહાનું માત્ર છે.?’અપલક નજરે તેઓ ઠાકુરની પરીક્ષા લેવા લાગ્યા. એટલામાં ઠાકુરની આજ્ઞાથી હરીશે મીઠાઈ અને પાણી લાવીને દેવેન્દ્રને આપ્યું. જલપાન પછી ભગવત્ પ્રેમના સબંધમાં વાતચીત ચાલી. પછી ઠાકુરની આજ્ઞા મુજબ તેમણે બપોરે વિષ્ણુમંદિરનો પ્રસાદ ખાધો. એ દિવસે સ્નાન ન થયું. ઠાકુરના મધુર વાર્તાલાપ તથા મધુર વ્યવહારથી મજમુદાર મહાશય સંપૂર્ણપણે મુગ્ધ થઈ ગયા. એમણે જોયું: ‘ઠાકુર અંતર્યામીની જેમ એમની કૃષ્ણપ્રીતિ અને નિરામીષ ભોજનની વાત જાણી ગયા, એમના પોતાના શ્રી અંગનો કુશળતાથી સ્પર્શ કરાવ્યો અને સ્નેહથી એમના ભોજનની વ્યવસ્થા કરાવી. સાધુ વિષે અત્યાર સુધી એમના મનમાં જે માન્યતાઓ હતી તેમાંથી  ઘણી ખરી અહીં અત્યારે જોવા મળતી ન હતી. છતાં પણ અહીં એક એવો દેવ-દુર્લભ ભાવ હતો જે સમસ્ત કલ્પનાઓથી પર હતો.

ભોજન અને વિશ્રામ પછી તેમણે દેવાલયમાં ફરી દર્શન કર્યાં. ત્યારબાદ તેઓ શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. એ વખતે ઠાકુરે જોયું કે એમનું મોઢું ફિક્કું પડી ગયું છે અને શરીર ગરમ છે. આથી ઠાકુરે એમને આગ્રહપૂર્વક પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓ બેચેનીનો અનુભવ કરી રહ્યા છે. આથી ઠાકુર ચિંતિત બની ગયા અને તેમણે પાસે રહેતા બાબુરામને તેમના ઘરે કલકતા પહોંચાડવા માટે સાથે હોડીમાં મોકલ્યા. કોલકાતામાં દેવેન્દ્રબાબુ લથડિયાં ખાતાં ખાતાં એક સંબંધીના ઘરે માંડ પહોંચ્યા અને તેમણે પોતાના ઘરે જવા પાલખી મગાવી. સખત તાવથી બેભાન થઈ ગયા અને જવાની શક્તિ જ ન રહી. આથી એમને એ ઘરમાં ૪૧ દિવસ સુધી રહેવું પડ્યું. દર્દની પીડામાં અચેત અવસ્થામાં તેઓ કહ્યા કરતા : ‘ઠાકુરવાડીમાં મળ-મૂત્ર કરવાં એ સારું નથી.’ વચ્ચે વચ્ચે શ્રીરામકૃષ્ણદેવના નામનું ઉચ્ચારણ કરી ધીમે સ્વરે કંઈક કહેતા અને દર્દની પીડામાં બેચેન થઈને જેવી આંખો ઉપર ફેરવતા તો એ સમયે જાણે ઓશીકા પાસે ઊભેલા દેખાતા. પણ જેવા સાજા થઈ ગયા એ પછી દક્ષિણેશ્વરના નામ માત્રથી એમના મનમાં ભય વ્યાપી જતો અને તેઓ પોતાના મનને સમજાવતા : ‘ત્યાં જવાથી જાણે કે તેઓ તને ચતુર્ભુજ મૂર્તિનાં દર્શન જ કરાવી દેશે એ જ ને ? ત્યાં તો ગયો હતો. કેવા ભગવાનને જોઈને આવ્યો ? બાપ રે ! પ્રાણ લઈને ખેંચતાણ ? એના બદલે તારાથી જે થઈ શકે છે, એ જ કેમ નથી કરતો ? બ્રાહ્મણનો દીકરો છે, એકદમ અસહાય તો નથી જ. ગાયત્રીમંત્રનો જપ સારી રીતે કેમ નથી કરતો ?’ અને તેમ જ થયું. તેઓ ફરી પાછા દક્ષિણેશ્વરમાં ન ગયા. પરંતુ ગાયત્રી મંત્રના જપનો સમય વધારતાં આખી રાત એમાં પસાર થવા લાગી.

ઘણા દિવસો પછી એક દિવસ સંધ્યા પહેલાં નગેન્દ્રનાથ મુખોધ્યાયના દીવાનખાનામાં દેવેન્દ્ર બાબુએ ‘સુલુભ સમાચાર’ વાંચતાં જોયું કે એક જગ્યાએ લખ્યું છે : ‘આજે સાંજે ૫ વાગ્યે રામકૃષ્ણ પરમહંસ મહાશય બાગબજારના શ્રીયુત બલરામ બસુના ઘરે ભક્તોને મળશે.’ ‘પરમહંસ’ નામે એની વિમોહિની શક્તિથી દેવેન્દ્રને ફરીથી વિચલિત કરી દીધા. તેઓ ઝડપથી પગલાં ભરતા બલરામ મંદિર પહોંચ્યા. એ સમયે ઠાકુર કીર્તનના આનંદમાં હાલતાં ડોલતાં નાચી રહ્યા હતા. એકાએક તેઓ સમાધિસ્થ થઈ ગયા. બધા લોકો પૂજ્યભાવથી એમના પગની રજ લેવા લાગ્યા. અત્યાર સુધી દેવેન્દ્ર પોતાને અલગ માનતા હતા. પરંતુ હવે વિચારવા લાગ્યા, કે આ તો મોકો છે. આ સમયે પગની રજ લેવાથી ઠાકુરનું ધ્યાન નહીં જાય; આથી લાંબી ગેરહાજરીનું કારણ બતાવીને ભક્ત સમાજમાં નીચું નહીં જોવું પડે. પરંતુ કેવું આશ્ચર્ય ! ને એમણે પૂછ્યું : ‘કેમ રે ? કેમ છો ? આટલા દિવસો સુધી ત્યાં કેમ ન આવ્યા ? હું ઘણીવાર  તમારો વિચાર કરતો હોઉં છું.’ શરમિંદા બનીને મજમુદાર મહાશયે કહ્યું : ‘જી હા, મજામાં છું. ઘણી માંદગી ભોગવવી પડી. એથી ત્યાં આવી શક્યો નહીં.’ ઠાકુરે ફરીથી સ્નેહપૂર્વક કહ્યું : ‘ હવેથી આવજો. ત્યાં આવજો. કેમ આવશોને?’ ‘જી હા, કેમ નહીં આવું ?’ કહીને દેવેન્દ્ર મૌન થઈ ગયા. એમણે જોયું કે ઠાકુર એમને ભૂલ્યા નથી. તેઓ હજુ પણ તેમને ચાહે છે એની એમને ખાતરી ગઈ. એ પછી તેઓ વારંવાર દક્ષિણેશ્વર જવા લાગ્યા.

મજમુદાર મહાશયે એક દિવસ શ્રીરામકૃષ્ણને કહ્યું : ‘ મને આપની પાસેથી મંત્ર લેવાની ઘણી જ ઈચ્છા થઈ છે.’ ઠાકુરે કહ્યું : ‘શું કરું બેટા, હું તો કોઈનેય મંત્ર આપતો નથી.’ આ સાંભળી દેવેન્દ્રને દુ:ખ તો થયું, પણ નિરાશ ન થયા અને તકની રાહ જેવા લાગ્યા. એક દિવસ ગંગાસ્નાન પછી શુદ્ધ વસ્ત્ર  પહેરીને, ફૂલમાળા વગેરે હાથમાં લઈને તેઓ મંત્ર લેવા ઠાકુર પાસે જઈ પહોંચ્યા. તેમને જોઈને ઠાકુરે પ્રેમથી કહ્યું : ‘ સુંદર ફૂલ છે. સરસ માળા છે ! જાઓ દેવતાને આપી આવો.’ ત્યારે દેવેન્દ્રે કહ્યું કે આ માળા તો એમના માટે છે આથી થોડી ક્ષણો ઠાકુર દેવેન્દ્રના મુખને જોઈ રહ્યા ને બોલ્યા : ‘ફૂલ પર આવો  દેવતાઓ અને બાબુઓનો અધિકાર છે. તમે મને શું માનો છો ?’ વિઘ્નોથી અસહિષ્ણુ દેવેન્દ્રે કહ્યું હું બંનેમાં એક જ જાણું છું. ઠાકુરે તુરત જ એક ફૂલ હાથમાં લઈને કહ્યું : ‘સારું, હું આ લઉં છું. બાકીનું બધું માના મંદિરમાં આપી આવો.’ તેવું જ કરવામાં આવ્યું. મંત્ર ન મળ્યો તો પણ એ દિવસથી  થોડા સમય સુધી તેમને જ્યારે - ત્યારે ઠાકુરનાં દર્શન થયા કરતાં. રસ્તે ચાલતાં ઠાકુર આગળ જણાય, ઘરમાં પાસે ઊભેલા જણાય અને ચાલતાં - ફરતાં પણ જાણે તેઓ જ સદાય રક્ષણહાર છે એવું અનુભવાય.

દક્ષિણેશ્વરમાં બાળભક્તોને ઠાકુરની સેવા કરતા જોઈને દેવેન્દ્રના મનમાં પણ એકવાર તેવું જ કરવાની ઇચ્છા જાગી. એક દિવસ તક જોઈને તેઓ ઠાકુરના શૌચ જવાના સમયે લોટો-અંગૂછો લઈને પાછળ પાછળ ચાલ્યા. થોડે દૂર ગયા પછી ઠાકુરે પાછા વળીને જોતાં એમને જોયા અને દાંતથી જીભ કાપતા બોલ્યા : ‘અરે, તમે કેમ લાવ્યા છો, તમારી સાથે તો મારો એવો ભાવ નથી.’ અભિમાની મજમુદાર મહાશયે વિચાર્યું : ‘શું હું એટલો હીન છું કે લોટો-અંગૂછો લાવવાનો પણ મને અધિકાર નથી ?’ લાચાર થઈને લોટો-અંગૂછો મૂકીને તેઓ ગુનેગારની જેમ નીચી દૃષ્ટિએ ઊભા રહી ગયા. ઠાકુર દૂર ચાલ્યા ગયા પછી તેઓ પંચવટીની નીચે બેસીને વિચારવા લાગ્યા. ચિંતન ધ્યાનમાં પરિણમ્યું અને તેઓ નિ:સ્પંદ થઈ ગયા. વૃક્ષલતા, ગંગા, મકાન બધું જ અંતધાર્ર્ન થઈ ગયું; પોતાના અસ્તિત્વનું ભાન પણ ન રહ્યું. ભાન આવતાં એમણે જોયું કે ઠાકુર સામે ઊભા છે અને સ્નિગ્ધ મધુર સ્વરે કહી રહ્યા છે : ‘જુઓ, તમારે કંઈ કરવું નહીં પડે. તમે સવાર સાંજ હાથમાં તાળી દઈને કેવળ હરિનામ કરજો; એનાથી થઈ જશે. ગૌરાંગદેવે હરિનામનો પ્રચાર કર્યો હતો; બહુ જ સિદ્ધ નામ છે અને અહીં આવતા રહેવાથી બધું થઈ જશે.’

એક દિવસ ઠાકુરે એમને પૂછ્યું : ‘અરે, તમે અહીં આવો છો. શું સમજ્યા ? શું થયું ?’ થોડું વિચારીને દેવેનબાબુએ ઉત્તર આપ્યો : ‘તો મહાશય, એવું કંઈ તો સમજમાં નથી આવ્યું, તો પણ ધર્મના સંબંધમાં હવે ઈશ્વર વિશે જાણવા માટે બીજે ક્યાંય જવાની ઇચ્છા થતી નથી અને મન પણ બેચેન થતું નથી.’ ઠાકુરે પોતાના બંને હાથની આંગળીઓ ભેગી કરીને દેવેન્દ્રને કહ્યું : ‘તમે ઘણું બધું કર્યું છે ખરું. પરંતુ ઘાટ ઘાટમાં નથી લાગ્યો. જાણો છો ને ? જે ઘરમાં જે છે’ (એને એ જ ઘરમાં આવવું પડે છે.)

દેવેન્દ્રે એ દિવસથી પૂર્ણ વિશ્વાસથી હરિનામમાં મન લગાડ્યું. એ સમયે નામજપનો એટલો અભ્યાસ થઈ ગયો હતો કે નિદ્રાવસ્થામાં પણ એમના મુખેથી ‘હરિ હરિ’નો ધ્વનિ નીકળતો હતો. એ વખતે જમીનદારીનું કામ છોડી દીધું હતું. એટલે સમયનો અભાવ ન હતો. બીજું કોઈ ઘરમાં પ્રવેશી ન શકે એવી જગ્યાએ બેસીને તેઓ સાધનામાં મગ્ન રહેવા માંડયા. ભોજન પણ તેમને ત્યાં જ પહોંચાડવામાં આવતું હતું. એ સમયે ધ્યાનાવસ્થામાં એમને અનેક પ્રકારનાં દર્શનો થતાં હતાં. એક વખત એમને એવો અનુભવ થયો કે શ્ર્વેત વસ્ત્રો પહેરીને અને કપાળમાં ચાંદલો કરીને કેટલીક સ્ત્રીઓ એમને પ્રણામ કરીને ચાલી ગઈ. આ સાંભળીને ઠાકુરે કહ્યું હતું : ‘તેઓ અવિદ્યાની સહચરીઓ હતી. તમને પ્રણામ કરીને ચાલી ગઈ.’ એક દિવસ એમને એવું લાગ્યું કે જાણે એમનું શરીર અલગ થઈ ગયું છે. તેઓ ઊભા રહીને તેને જોઈ રહ્યા છે. એકાએક એમને ડર લાગ્યા માંડયો : ‘તો શું શરીર છૂટી ગયું ?’ તુરત જ શરીર કંપ્યું અને તેઓ પૂર્વાવસ્થામાં પાછા આવી ગયા. લાંબા સમય સુધી સાધનાના ફળરૂપે એમના શરીરમાં આવેગ-કંપ વગેરે સાત્ત્વિક ભાવો પ્રગટ થવા લાગ્યા. પરંતુ બાહ્ય વ્યવહાર ઉન્માદ જેવો થઈ ગયો હતો. સંસારી વ્યક્તિઓનો સંપર્ક અસહ્ય લાગતો હતો. આત્મીય સ્વજનો કાળા સાપ જેવા લાગતા હતા અને ઘર અંધારા કૂવા જેવું લાગતું હતું. પરંતુ ગુરુભાઈઓ પ્રત્યે પ્રેમ વધીને એવો થયો હતો કે તેઓ તેમનો વિરહ પણ સહન કરી શકતા નહીં. કોઈ સામે આવતું તો તેને ઘણા સમય સુધી પોતાની પાસેથી જવા ન દેતા. આ બધું જાણી-સમજીને છેવટે ઠાકુરે જગદંબાને પ્રાર્થના કરી : ‘મા, એને આટલું ન આપો. અહા, તે કુટુંબવાળો માણસ છે. એનું મુખ જોઈને ઘણા લોકો જીવી રહ્યા છે.’ એ પછી દેવેન્દ્રનાથનું મન સહજ સ્થિતિમાં પાછું આવી ગયું. ગૃહસ્થીના પાલન-પોષણ માટે એમણે ભાઈના જમાઈ યોગેશપ્રકાશબાબુની જમીનદારીમાં કામ સ્વીકારી લીધું.

એ પછી સ્વયં કૃતાર્થ થયેલા દેવેન્દ્ર બીજા ઘણાંને શ્રીરામકૃષ્ણના ચરણોમાં ખેંચી લાવવા લાગ્યા. એ દરમિયાન એક દિવસ રામચંદ્રના ઘરે ઠાકુરને જોઈને જતા રહેલા ગિરીશબાબુને એમણે દક્ષિણેશ્વર આવવાનું કહ્યું હતું. પાથુરિયા ઘાટના ઠાકુર પરિવારના એક યુવાને એમની પ્રેરણાથી સંન્યાસ ગ્રહણ કર્યો હતો. દેવેન્દ્રના આગ્રહથી એમના મામા હરિશ્ચન્દ્ર મુસ્તફી તથા વીરભૂમવાસી વિહારી નામના એક ગરીબ બ્રાહ્મણ દક્ષિણેશ્વર ગયા હતા. એમની જ કૃપાથી અક્ષય માસ્ટર શ્રીરામકૃષ્ણ ચરણોમાં આશ્રય પામી ગયા.

શ્રીરામકૃષ્ણની પરીક્ષા લેવા માટે દેવેન્દ્રબાબુએ એક દિવસ એમની ગેરહાજરીમાં એમના બેસવાની નાની પાટની ગાદીનો ખૂણો ઊંચકાવીને એની નીચે ચાંદીની બે આની મૂકી દીધી. પાછા આવીને ઠાકુર ત્યાં વારંવાર બેસવા ઇચ્છતા હોવા છતાં પણ બેસી ન શકયા. આખરે લાચર થઈને એમણે દેવેન્દ્ર તરફ જોતાં પૂછ્યું : ‘કેમ રે, આમ કેમ થાય છે ? હું પથારીને સ્પર્શી પણ શકતો નથી.’ લજ્જાથી મરવા જેવા થઈને દેવેન્દ્રે પોતાનો અપરાધ કબૂલ કર્યો. ત્યારે ઠાકુરે હસતાં હસતાં કહ્યું : ‘શું તમે મને વાણિયો માનો છો ? સારું, સારું.’ કાંચન પરીક્ષામાં તો ઠાકુર ઉત્તીર્ણ થઈ ગયા. પણ હજુ સુધી ઠાકુરે ભક્તની સામે કામિની સંબંધી પરીક્ષા આપી ન હતી. એક દિવસ દેવેન્દ્ર દક્ષિણેશ્વરમાં આવ્યા. ત્યારે ઠાકુરે તેમને કહ્યું કે એક મહિલા માટે એમનું મન વ્યાકુળ થઈ રહ્યું છે. એમણે એમને ઘણા દિવસોથી જોયાં નથી. એ પછી એમણે રસગુલ્લા મંગાવ્યાં અને દેવેન્દ્રને ખવડાવ્યાં. એ સાથે જણાવ્યું કે આ મીઠાઈ એ મહિલાએ જ મોકલાવી છે અને તેઓ ઠાકુરને બહુ જ પ્રેમ કરે છે. દેવેન્દ્રના મનમાં સંદેહ ડોકિયું કરી રહ્યો હતો. એમ છતાં પણ અનિચ્છાએ એમણે એ મીઠાઈ ગળે ઉતારી. આખરે ઠાકુરે ગાડી મગાવી અને એ મહિલાના ઘરે જવા નીકળ્યા. તેમણે સાથે આવવા  દેવેન્દ્રને પણ આમંત્રણ આપ્યું. આથી દેવેન્દ્ર પણ એ ગાડીમાં બેઠા. રસ્તામાં ઠાકુર નારી મૂર્તિ જોતાં જ ‘મા આનંદમયી’ કહીને પ્રણામ કરતા અને દેવેન્દ્રનો હાથ દબાવીને જણાવી દેતા કે ‘હું કોઈનો ભાવ નષ્ટ કરતો નથી.’ ધીમે ધીમે મંડળી સાથે ઠાકુર યદુ મલ્લિકના ઘરે પહોંચ્યા અને ત્યાં ઠાકુર એકલા જ અંત:પુરમાં ચાલ્યા ગયા. દેવેન્દ્રના મનનો સંદેહ ત્યાં સુધીમાં ચરમ સીમા સુધી પહોંચી ગયો હતો. આ બાજુ સાથી માસ્ટર મહાશય ગીત ગાવા લાગ્યા : ભાવાર્થ: ‘મારા ગૌરાંગના સાથી થઈને પણ એનો ભાવ હું જાણી શકયો નથી. ગૌરાંગ વન જોતાં જ વૃંદાવન માને છે. કોણ જાણે ગોરા કોના ભાવમાં મતવાલો છે. એનો ભાવ હું જાણી શકયો નથી.’

એટલામાં ઠાકુર પણ બહાર આવી ગયા ને અધૂરા ગીતનો બાકીનો ભાગ ગાવા લાગ્યા. થોડીવાર પછી અંદરથી કહેણ આવતા ઠાકુર જલપાન માટે અંદર ગયા. એ પછી આમંત્રણ આવતાં દેવેન્દ્ર વગેરે પણ અંદર ગયા. ત્યાં જઈને જોયું કે એક વૃદ્ધા વાત્સલ્ય ભાવથી તરબોળ થઈને આંખોથી આંસુ વહાવતાં વહાવતાં શ્રીરામકૃષ્ણને પાસે બેસાડીને ખવડાવી રહ્યાં છે અને ઠાકુર પણ પાંચ વર્ષના બાળકની જેમ અસ્તવ્યસ્ત રીતે બેઠા છે. આવું સ્વર્ગીય દૃશ્ય જોઈને દેવેન્દ્રનું સંદિગ્ધ મન પોતાને ધિક્કારવા લાગ્યું અને એ દુષ્ટ મનના પ્રાયશ્ચિત્ત માટે થોડા સમય સુધી તેઓ જલપાનની વાત ભૂલીને વાત્સલ્ય, માધુર્યનો સ્વાદ લેવા લાગ્યા. પાછળથી દેવેન્દ્રને ખબર પડી કે એ ભક્તિમતી મહિલા યદુબાબુનાં માસી હતાં.

એ સમયે દેવેન્દ્ર જે કાર્ય માટે નિમાયેલા હતા, એ માટે એમને વિદેશી પોશાક પહેરીને વચ્ચે વચ્ચે અદાલતમાં જવું પડતું. એક દિવસ એ જ વેશમાં અદાલતના કાગળપત્રોની સાથે દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા અને શ્રીરામકૃષ્ણના ઓરડાની બહાર ઊભા રહી ગયા કેમ કે તેઓ જાણતા હતા કે ઠાકુર અદાલતના શાહીથી ખરડાયેલા દસ્તાવેજો પસંદ કરતા નથી. પરંતુ ઠાકુરે એમને અંદર બોલાવી લીધા. એમના વાંધા ઉપર ધ્યાન ન આપતાં કહ્યું : ‘તમને એનો દોષ નહીં લાગે. તમે અંદર આવીને બેસો.’ વળી એક દિવસ ગિરીશચંદ્ર વગેરેના આગ્રહથી ઓચિંતા જ અપવિત્ર વસ્ત્રો સાથે દક્ષિણેશ્વર પહોંચી ગયા. એ વખતે એમણે નિશ્ચય કર્યો હતો કે તેઓ ઠાકુરનો સ્પર્શ નહીં કરે. પરંતુ ઠાકુરે એમને પાસે ખેંચીને બેસાડી દીધા. એક વખત તેઓ ઠાકુર માટે ગરમ ગરમ બુંદી-મિષ્ટાન્ન લઈને દક્ષિણેશ્વર આવતા હતા. હોડીમાં જગ્યાના અભાવને લઈને એમને એક લાંબી દાઢીવાળા વિધર્મીની બાજુમાં બેસવું પડયું. એ માણસ સતત વાત કરતો હતો. વળી વાત કરતી વખતે એના મોઢામાંથી થૂંકના છાંટા ઊડતા હતા. આથી દેવેન્દ્રના મનમાં સંદેહ થયો કે એના હાથમાં રહેલી મીઠાઈ હવે અપવિત્ર બની ગઈ છે. આથી દક્ષિણેશ્વર પહોંચીને એમણે એ મીઠાઈ એક ખૂણામાં છુપાવીને રાખી દીધી. આ બાજુ ઠાકુર ભૂખને લીધે ખાવાનું શોધી રહ્યા હતા. આ મીઠાઈ મળતાં તેઓ આનંદથી ખાવા લાગ્યા. ભાવદોષ, સ્પર્શદોષ વગેરે બાબતમાં ઘણી બધી ચોકસાઈ રાખવાવાળા ઠાકુરનું આ પ્રકારનું આચરણ જોઈને મનમાં આપોઆપ એવો ભાવ જાગે છે : ‘ખરેખર તો જો ભગવાન પણ ભક્તનો ભાવ ન જોતાં કેવળ આચરણ જુએ, તો દુર્બળ મનુષ્ય ક્યાં જઈ રહેશે ?’

શ્રીરામકૃષ્ણને પોતાને ઘરે બોલાવીને ભક્તો આનંદોત્સવ કરતા એ જોઈને દેવેન્દ્રને પણ એવી ઇચ્છા થઈ ગઈ. એમની સ્થિતિનો વિચાર કરીને ગિરીશચંદ્રે બધો ખર્ચ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ દેવેન્દ્રે એ સ્વીકાર્યું નહીં. શ્રીરામકૃષ્ણે પણ કહ્યું : ‘ગાડીભાડું પણ ઘણું વધારે થશે. તમારી આવક એવી નથી.’ દેવેન્દ્રે હસીને કહ્યું : ‘એવું મહાશય, ‘ૄદઉંઈં્ય ૂપદખય્ચ્ ત્રપજ્ઞઈં્ય ₹ઝ્રહ્રજ્ઞ્ય‘ શ્રીરામકૃષ્ણ તથા એમની સાથેના ભક્તો એ દિવસે દેવેન્દ્રની સેવા અને આતિથ્યથી વિશેષ સંતુષ્ટ થયા હતા. ભોજન વખતે દેવેન્દ્રના કુટુંબના લોકોની ભક્તિ જોઈને ઠાકુરે વિશેષ પ્રસન્ન થઈને દેવેન્દ્રને કહ્યું કે તેઓ આ બધાંને એક વખત દક્ષિણેશ્વર લઈ આવે. પછી યોગ્ય સમયે દેવેન્દ્ર પોતાના પરિવારને દક્ષિણેશ્વર લઈ ગયા. શ્રીરામકૃષ્ણે દેવેન્દ્રનાં માતાને પોતાનાં માતાની જેમ સ્નેહપૂર્વક સત્કાર્યાં.વૃદ્ધા દેવેન્દ્રજનની પણ ઠાકુર અને શ્રીમા સાથે વાર્તાલાપ કરીને શ્રીરામકૃષ્ણની બાબતમાં અતિ ઉચ્ચ ધારણા લઈને ઘરે પાછાં ફર્યાં. એ પછી થોડા દિવસ બાદ ઠાકુરે દેવેન્દ્રની જીભ પર જાણે કંઈક લખી દીધું. આથી દેવેન્દ્રના મનમાં વિશ્વાસ જાગ્યો કે ઠાકુરે એમનામાં શક્તિનો સંચાર કર્યો છે.

વરાહનગરનાં મઠની સ્થાપના થતાં દેવેન્દ્રબાબુ ઘણીવાર ત્યાં જતા. એક દિવસ સ્વામી વિવેકાનંદ એમને પકડીને કહેવા લાગ્યા કે આપને સંન્યાસી બનવું પડશે. દેવેન્દ્રબાબુએ જણાવ્યું કે ઠાકુરે એની મંજૂરી આપી નથી. તો પણ સ્વામીજીએ એમને સંન્યાસીના વેષમાં સજાવ્યા. આથી એમના અંતરનો વૈરાગ્ય ઉદય પામ્યો ને દેવેન્દ્ર વિભોર બની ગયા. એમણે એમના સાથી મામાને કહી દીધું કે હવે હું ઘરે નહીં જાઉં. મામાએ અનેક પ્રકારની દલીલોથી એમને સમજાવ્યા અને એ દિવસે એમને પાછા ઘરે લઈ ગયા. પરંતુ સંન્યાસની અસર દૂર થવામાં તેમને એક મહિનાનો સમય લાગ્યો.

ક્યારેક ક્યારેક દેવેન્દ્ર ભાવમાં બાહ્યજ્ઞાન ગુમાવી દેતા હતા. એક દિવસ ગિરીશબાબુના ઘરમાં નાળિયેર વૃક્ષની શાખાને પવનથી હલતી જોઈને એમને શ્રીકૃષ્ણના મસ્તક પરના મયૂરપિચ્છની કલગી યાદ આવી ગઈ અને તેઓ કઠપૂતળીની જેમ સ્તબ્ધ થઈ ગયા. ભાન આવતાં જ ગિરીશબાબુએ ભાવુક દેવેન્દ્રને સાવધાન કરી દેતાં કહ્યું : ‘જુઓ, દેવેનબાબુ, મારી પાસે ભાવનો ઢોંગ ન દેખાડો. મને એથી ડર લાગે છે.’ વળી એક દિવસે એક નૈયાયિક પંડિત એના શિષ્ય સાથે આવ્યો અને પૂછ્યું : ‘સીમિત મન દ્વારા અસીમ ભગવાનની ધારણા કેવી રીતે થઈ શકે ?’ આ પ્રશ્ન સાંભળવા માત્રથી દેવેન્દ્રનાથ કાલીમાતાની છબીને અપલક જોતા રહ્યા અને બાહ્યભાન ખોઈ બેઠા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે પંડિતના શિષ્યે એ પ્રશ્નની યાદ અપાવી તો પંડિતે તેને કહ્યું : ‘બેટા, તારા જેવો મૂર્ખ તો બીજે કોઈ મેં ન જાયો. નજર સામે જોયું કે મનથી ઈશ્વરની ધારણા થઈ ગઈ, તો પણ પૂછે છે ?’

આવકના પ્રમાણમાં ખર્ચ વધુ થવાથી દેવેન્દ્રને ઘણી જ મુશ્કેલી પડવા લાગી. આ કારણે તેમણે મિનરવા થિયેટરના અધિકારીઓના આગ્રહથી ઈ.સ. ૧૮૯૩ના પ્રારંભમાં ત્યાં ખજાનચીની નોકરી સ્વીકારી લીધી. ત્યારથી દિવસના ભાગમાં જમીનદારીનું કામ અને રાત્રે થિયેટરનું કામ કરવા લાગ્યા. થિયેટરના કામ અંગે એમણે અનેક ઉચ્છૃંખલ યુવાન- યુવતીઓના સંપર્કમાં આવવું પડતું હતું. એટલે સુધી કે ક્યારેક ક્યારેક તેમને નટીઓને એમના ઘરેથી બોલાવી પડતી. પરિણામે દેવેન્દ્રના મનમાં દુશ્ચિન્તા ઉત્પન્ન થઈ અને ધીમે ધીમે તે આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપના રૂપમાં પરિણમી. પરિણામે તેમણે ઈ.સ. ૧૮૯૫ના માર્ચ મહિનામાં એ કામ છોડી દીધું. તેઓ ભક્તો પાસે સાંત્વનાની ભિક્ષા માગવા લાગ્યા. અંતે નાગ મહાશયે એમને કહ્યું હતું : ‘કાજળના ઘરમાં કામ કરવા જવાથી શરીરમાં ડાઘ લાગી જ જાય છે, પણ ભય શેનો છે ? ગુરુ સાથે જ છે ને ? તેઓ ધોઈ દેશે.’ આટલા દિવસો પછી દેવેન્દ્રને સાચું આશ્વાસન મળ્યું. આથી તેમનું મન શાંત થઈ ગયું. ઠાકુરે એમનું રક્ષણ કર્યું. પછીથી તેઓ બધાને કહેતા હતા : ‘લોકો મારા જીવનની એ સમયની ઘટના જાણવાથી સમજી શકશે કે જીવનમાં એક વખત ખરાબ કામ કરવાથી એને આખો જન્મારો ભગવાનના માર્ગથી વિમુખ થવું પડશે, એવું કંઈ કારણ નથી. મેં ઘણાં દૂષિત કામ કર્યાં છે. તો પણ દયામય ઠાકુરે મારો ત્યાગ નથી કર્યો.’ જીવનના આ અધ્યાયની વાત સાંભળીને સ્વામીજીએ કહ્યું હતું : ‘સતત પ્રગતિમાં જ ખરી મહત્તા રહેલી નથી, પણ પદસ્ખલન પછી પુનરુત્થાનમાં જ ખરી મહત્તા રહેલી છે.’

ઈ.સ. ૧૮૯૪માં દેવેનબાબુએ જમીનદારીનું કામ છોડી દીધું અને તેઓ આખું વર્ષ બેકાર રહ્યા. એ દરમિયાન એમની માતાનું મૃત્યુ થતાં કુટુંબમાં બાકી બચ્યાં એમનાં પત્ની અને ભાભી. સખત આર્થિક સંકડામણમાં કામ વગરના રહેવું અસંભવ હતું. આથી તેમણે ઈ.સ. ૧૮૯૬ની નવમી જૂને કોલકાતાના એન્ટાલી મહોલ્લાના મહેન્દ્રબાબુની જમીનદારીમાં માસિક રૂપિયા પચ્ચીસના પગારે નોકરી લઈ લીધી. આ નોકરી લીધા પછી ૫-૬ મહિના બાદ તેઓ પણ એન્ટાલી પ્રદેશના ૩૩, દેવ લેનના ઘરમાં રહેવા આવી ગયા.

કામમાંથી ફુરસદ મળતાં દેવેન્દ્રનાથ જમીનદાર બાબુઓના ફૂલના બગીચામાં એકાંત સ્થળે બેસીને જપધ્યાનમાં મગ્ન બની જતા. ક્યારેક તેઓ ઘોર રાત્રિમાં કેવડાતલાના સ્મશાનમાં સાધના કરતા. પરંતુ એ સમયે પણ તેઓ જાહેરમાં પોતાને સાધક તરીકે ઓળખાવતા નહીં; શ્રીરામકૃષ્ણ મહિમાનો પ્રચાર પણ કરતા નહીં. પરંતુ એમની આવકના પ્રમાણમાં વસ્ત્રોની સુંદરતા જોઈને લોકો એમ માનતા કે તેઓ ઘોર વિષયી અને વિલાસી છે. એ દરમિયાનમાં આચાર્ય વિવેકાનંદની વિજય પ્રાપ્તિ પછી કોલકાતાના રહેવાસીઓ શ્રીરામકૃષ્ણ પાર્ષદોની શોધ કરવા લાગ્યા તથા એમની પાસે જે ગુપ્ત ધન હતું તેની શોધ કરીને તેમાંથી તેનો અંશ લેવા માટે ઉત્સુક બની ગયા હતા. એ કારણે મજમુદાર મહાશયના મનમાં પણ વિચાર આવ્યો કે જ્યારે તેઓ પણ શ્રીરામકૃષ્ણના સંગથી ધન્ય થયા છે તો શ્રીગુરુમહિમાનો પ્રચાર કરવો એ એમનું પણ જરૂરી કર્તવ્ય છે. આ ભાવને પરિણામે પછી મહેન્દ્રબાબુના સાવકા ભાઈ ઉપેન્દ્રબાબુને લઈને શ્રીરામકૃષ્ણ - પ્રસંગ શરૂ થયો. ઉપેન્દ્રે બાળપણમાં શ્રીરામકૃષ્ણદેવને ઘણીવાર જોયા હતા. આથી તેઓ દેવેન્દ્રબાબુને મેળવીને એ સ્મરણોને ફરી જીવંત કરવા લાગ્યા તેમજ પોતાની અતૃપ્ત ઇચ્છા પૂરી કરવા લાગ્યા. દેવેન્દ્રના પ્રચાર કાર્યનો એ જ શુભારંભ હતો. એ પછી એમણે ધીમે ધીમે પોતાની પાસે આવતા લોકોને એમના મકાનની પાસે આવેલા દુર્ગાચરણ ભટ્ટાચાર્ય મહાશયનાં છાપરાં નીચે બેસાડીને સદ્-ગ્રંથ પાઠ અને ભગવત્-પ્રસંગ કરવાં શરૂ કર્યાં. આ રીતે ત્રણ-ચાર વર્ષ પસાર થઈ ગયાં.

એ સમયે પણ મજમુદાર મહાશયે આચાર્યનું આસન ગ્રહણ કર્યું ન હતું. પરંતુ એ સુયોગ પણ જલદી આવી ગયો. એક દિવસ મહેન્દ્રબાબુની ઉપરની બેઠકમાં એક સંન્યાસીનું આગમન થયું હતું. આથી દેવેનબાબુની અનિચ્છા હોવા છતાં પણ મહેન્દ્રબાબુના મોટા પુત્ર સુરેન્દ્રબાબુ એમને ખાસ આગ્રહ કરીને ઉપર લઈ ગયા. ત્યાં સંન્યાસીના મુખે શ્યામાસંગીત સાંભળતાં સાંભળતાં ભાવમાં એવા વિભોર થઈ ગયા કે તેઓ પોતાને સંભાળી ન શકયા અને સભાની વચ્ચે ઊભા થઈને નાચવા લાગ્યા. એ દિવસથી તેઓ એન્ટાલી મહોલ્લાના બધા લોકોની ભક્તિ અને શ્રદ્ધાને આકર્ષવા લાગ્યા અને ધીમે ધીમે અનેક લોકોએ એમની ગુરુપદે વરણી કરી.

પૂર્વોક્ત ઘટનાના થોડા દિવસો પછી (૧૮ ડિસેમ્બર, ૧૮૯૮) દેવેન્દ્રબાબુની પત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો અને એમનાં મોટાંબહેન એમના ઘરે રહેવા આવ્યાં. ઈ.સ. ૧૯૦૫ની આખરમાં એમનું પણ અવસાન થયું. આ થોડાં વરસો દરમિયાન દેવેન્દ્રનાથનું નામ ફેલાઈ ગયું હતું. એ મહોલ્લાનો હેમચંદ્ર નામનો યુવાન એમનો અનુરાગી ભક્ત બની ગયો હતો. તેણે ૪૩ નંબરના દેવ લેનમાં આવેલા પોતાના મકાનમાં કીર્તન વગેરેની વ્યવસ્થા કરી આપી. એ ઘરમાં શ્રીરામકૃષ્ણની છબી રાખીને ભક્તોએ ઈ.સ. ૧૯૦૦ની નવમી મેએ સંધ્યા સમયે નિયમિત કીર્તન કરવાનો આનંદપૂર્વક આરંભ કર્યો. એ જ અત્યારના ‘શ્રીરામકૃષ્ણ-અર્ચનાલય’ની પ્રતિષ્ઠાનો દિવસ હતો. આ રીતે દરરોજ સંધ્યા પછી દેવેનબાબુ ભક્તો સાથે સહયોગ આપીને કીર્તન, સુમધુર દૃષ્ટાંત કથા અને સરસ ઉપદેશાવલિ દ્વારા બધાનું મન મુગ્ધ કરવા લાગ્યા. થોડા દિવસોમાં જ તેમને એવું જણાયું કે હાજર રહેલા ભક્તોને લાયક ગીતો-પદો બહુ જ ઓછાં છે. એથી તેઓ કલમ લઈને ગંભીર ભાવથી શ્રીરામકૃષ્ણ સંગીતની રચના કરવા પ્રવૃત્ત બન્યા. આ ગીતો પાછળથી ‘દેવગીતિ’ના નામથી પુસ્તકરૂપે પ્રકાશિત થયાં.

એન્ટાલી પ્રાંતનું ‘અર્ચનાલય’ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણ - ભક્ત - મંડળનું ધ્યાન અને શ્રદ્ધા ખેંચવા લાગ્યું. એક સમયે સ્વામી સારદાનંદે લગભગ બે મહિના સુધી દર શનિવારે ત્યાં શાસ્ત્રપાઠ વગેરે કર્યા હતા. સ્વામી વિવેકાનંદનું પણ ત્યાં શુભાગમન થયું હતું (૧૬-૨-૧૯૦૧). બ્રહ્માનંદ, પ્રેમાનંદ, શિવાનંદ વગેરે સ્વામીઓ તથા ગિરીશબાબુ, માસ્ટર મહાશય વગેરે વિશિષ્ટ ભક્તોનું ઘણીવાર ત્યાં શુભાગમન થતું હતું. સ્વામી અખંડાનંદજીના સારગાછિ આશ્રમ માટે દેવેન્દ્રબાબુ નિયમિત રીતે ધન એકઠું કરી આપતા હતા. સ્વામી વિવેકાનંદજી સાથે એમનો અનુપમ મૈત્રીભાવ હતો. ગોપીભાવે વિભોર મજમુદાર મહાશયને ઘણીવાર સ્વામીજી ‘સખી’ શબ્દથી સંબોધન કરતા અને એમનું નૃત્ય જોવાની ઇચ્છા થતાં જ ગીત ગાતા : ભાવાર્થ : (શ્રીકૃષ્ણ જ્યારે વૃંદાવન છોડીને મથુરા ચાલ્યા ગયા તો રાધિકા વિરહથી વ્યથિત થઈને કહે છે) ‘હું સંન્યાસિની બનીને મથુરા નગરના ઘરે ઘરે કૃષ્ણને શોધીશ.’ આ સાથે જ દેવેન્દ્રનાં બંને ચરણો નૃત્યચંચળ બની જતાં. પરંતુ સ્વામીજી વધુ ભાવાવેશ પસંદ કરતા નહીં; એ કારણે સ્નાયુઓને દૃઢ કરવા માટે એમને પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ આપતા.

ઈ.સ. ૧૯૦૧ના ૭મી મે એ અર્ચનાલયમાં પ્રથમ શ્રીરામકૃષ્ણ મહોત્સવ થયો હતો.એ સમયથી દર વર્ષે એવો ઉત્સવ થઈ રહ્યો છે. બીજા વર્ષે ફેબ્રુઆરીમાં અર્ચનાલય માટે ૩૯ નંબરનું દેવ લેનનું મકાન ભાડે રાખવામાં આવ્યું અને ત્યારે દેવેનબાબુ ત્યાં આવીને રહેવા લાગ્યા. એ જ વરસે હોળી ઉપર ત્યાં ઠાકુરની નિત્યપૂજા અને ભોગ-રાગ વગેરે શરૂ થયાં. ઈ.સ.૧૯૦૪માં હેમચંદ્રે ઠાકુરને રથ પર બેસાડીને આનંદોત્સવ કરવાની કલ્પના કરી. એ મુજબ સુંદર રીતે શણગારેલાં બાળકોને દેવેન્દ્ર રચિત એક ગીત ગાવા માટે શીખવવામાં આવ્યું હતું. બરાબર સમયે શ્રીમાતાજી ઉત્સવમાં આશીર્વાદ આપવા માટે આવ્યાં અને ત્યારે તેમણે રથની સામે નાચતાં બાળકોના મુખેથી ગીત સાંભળ્યું : ભાવાર્થ : (ભક્ત શિવને પિતા અને પાર્વતીને માતા કહે છે અને એ કહે છે.) ‘મા, તારો એક દુષ્ટ પુત્ર તારી પાસે આવ્યો છે. એને તું તુષ્ટ કરી ખોળામાં લઇ લે. હે મા, બીજા કોની પાસે હું જઇશ ? નિર્દયી પિતા મને છોડીને ચાલ્યા ગયા છે ! આ વાતો હું જ્યાં ત્યાં કહેતો ફરું છું. શું એટલા માટે મા, તું વાત નથી કરતી ? એવી વાત સાંભળી નથી કે કુપુત્રના મરવાથી માને દુ:ખ નથી થતું !’

શ્રીમાને સમજતાં વાર ન લાગી કે બાળકોના મુખે દેવેન્દ્રે પોતાની આરજુ એમના શ્રીરણોમાં નિવેદિત કરી છે. પહેલાં તો તેઓ તેમની સામે ઘૂંઘટ ખોલીને વાત કરતાં નહીં. પરંતુ આજે એનો ભંગ થયો. તેમણે દેવેન્દ્રને સામેથી બોલાવ્યા અને હૃદય ખોલીને આશીર્વાદ આપ્યા.

દેવેન્દ્રબાબુની પ્રેરણાથી એ સમયે ઘણા યુવાનો શિવજ્ઞાનથી જીવસેવા કરવા લાગ્યા. એમાં શ્રીયુત નફરચંદ્ર કુંડુ એ સ્થળની એક ઢાંકેલી ગટરમાં ઊતરી પડયા. પરિણામે તેમનું પણ મૃત્યુ થયું. એ પછી દેવેનબાબુએ સભા- સમિતિઓની સહાયથી એમનું સ્મારક બનાવ્યું અને એમના પરિવારના ભરણપોષણની પણ વ્યવસ્થા કરી આપી.

પાછલી ઉંમરમાં મજમુદાર મહાશયનું સ્વાસ્થ્ય સારું ન હતું. તેઓ ઈ.સ.૧૯૦૬ના ડિસેમ્બરમાં તબિયત સુધારવા માટે થોડો સમય પુરીધામમાં રહ્યા હતા. ઈ.સ.૧૯૦૭માં તેઓ મેરઠ ગયા. એમના ગુણોથી મુગ્ધ થઈને અનેક વિશિષ્ટ વ્યક્તિઓ એમની શિષ્ય બની. એ પછી તેમણે હૃષીકેશ વગેરે તીર્થસ્થળોનાં દર્શન કર્યાં અને પછી બીજા વરસે તેઓ કોલકાતા પાછા આવ્યા. એ પછી એમનું દુર્બળ શરીર જોઈને ભક્તોએ એમને બીજાના કામની ગુલામીમાંથી મુક્તિ આપવા માટે એમના કુટુંબના ભરણપોષણની જવાબદારી ઊઠાવી લીધી. ત્યારથી તેઓ ફક્ત ભગવત્પ્રસંગમાં જ દિવસો પસાર કરવા લાગ્યા. ઈ.સ.૧૯૦૮માં પણ તેઓ ફરીથી મેરઠ ગયા હતા. ત્યાં શીતલચંદ્ર નામના એક ભક્તની માતા બીમાર પડતાં ભક્ત શીતલચંદ્ર ચિંતાથી વ્યાકુળ થઈ ગયા કેમ કે માતાની સેવા અને નોકરી બંને સાથે કેવી રીતે થઈ શકે ? બધું સાંભળીને દેવેન્દ્ર નાથે સેવાકાર્ય પોતાના હાથમાં લઇ લીધું. પરંતુ ઠંડા સ્થળે વારંવાર બહાર આવજા કરવાથી તેઓ પોતે બીમાર પડી પથારીવશ થઇ ગયા. ડોકટરે કહ્યું : ‘ડબલ ન્યુમોનિયા થયો છે. પરિસ્થિતિ ગંભીર છે.’ જે હોય તે પણ ભક્તોની સેવા અને ભગવાનની કૃપાથી એ વખતે તો તેઓ સાજા થઇ ગયા અને બીજા વર્ષે માર્ચ માસમાં કોલકાતા પાછા આવી ગયા.

કોલકાતામાં તબિયત સુધરવાને બદલે ઊલટી બગડવા લાગી અને ભક્ત સમાગમ તેમજ ઉપદેશપ્રદાન ધીમે ધીમે વધવા જ લાગ્યા. તબિયત સુધારવા માટે તેઓ ભવાનીપુર, હેમતપુર, મધુપુર વગેરે સ્થળે ગયા હતા. એ સમયે ભક્તોએ નિશ્ચય કરી લીધો કે અર્ચનાલયનું ભવન અસ્વાસ્થ્યકર છે, એ કારણે યોગ્ય સ્થળે નવું મકાન ખરીદી લેવું. મકાન જોયું. બાનાની રકમ પણ આપી દીધી. પરંતુ દેવેન્દ્રનાથે કહ્યું, ‘અનેક મહાપુરુષોની સ્મૃતિથી જડાયેલું તીર્થરૂપ એવું અત્યારનું મકાન છોડીને તેઓ બીજે ક્યાંય નહીં જાય.’ આથી બધા પ્રયત્નો વ્યર્થ બની ગયા.

આખરે ઈ.સ. ૧૯૧૧ની સાલ આવી ગઈ. મજમુદાર મહાશયની ઉંમર એ સમયે ૬૮ વર્ષની હતી. ધીમે ધીમે એમના શરીરનો ક્ષય થવા લાગ્યો. શરીરમાં અશક્તિ હતી. વધારામાં શ્વાસની તકલીફ અને સાયેટિકાની પીડા. તો પણ તેઓ સમર્થ વ્યક્તિની જેમ કલાકો સુધી ભક્તોને ઉપદેશ આપતા હતા, એપ્રિલ મહિનાના ગુડફ્રાઈડેની રજામાં મોટા સમારંભ વખતે એમના જીવનનો અંતિમ શ્રીરામકૃષ્ણ મહોત્સવ સમાપ્ત થઈ ગયો. એ સમયે દેવેન્દ્રબાબુએ પૂર્વસંસ્કાર અનુસાર ઉત્સાહપૂર્વક નૃત્યગીતમાં ભાગ લીધો અને પધારેલા હિન્દુ, મુસલમાન વગેરે અનેક સંપ્રદાયોના ગુણગ્રાહી લોકોને ઉત્સવાનંદમાં ડૂબાડી દીધા. પરંતુ ત્યારે તેઓ તુરત જ સમજી ગયા કે હવે તેઓ આ સંસારમાં વધુ દિવસ નહીં રહે. તેમણે ભક્તોને પણ તે જણાવી દીધું. એ પછી ઈ.સ. ૧૯૧૧ની ૧૪મી ઓકટોબરના દિવસે એક ને પંચાવન મિનિટે અશ્રુપુલક કંપનમાં શ્રીરામકૃષ્ણ નામનું સ્મરણ કરતાં કરતાં તેઓ ઇચ્છિત લોકમાં મહાપ્રયાણ કરી ગયા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda