Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

મનમોહન મિત્ર

‘ભક્ત મનમોહન’ ગ્રંથની ભૂમિકામાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના એ સમયના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદે લખ્યું છે : ‘ભક્ત રામચંદ્રના જીવનની સાથે મનમોહનનું જીવન અભિન્નપણે મળેલું હતું... જે લોકો યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવની સાથે ભળી જઈને એમની દૈવીકૃપા અને ભાગવત્ સંસ્પર્શથી પોતાનું આધ્યાત્મિક જીવન ઘડવાનું અને એમની યુગલીલામાં પોતાની શક્તિ અનુસાર થોડો ઘણો ભાગ લેવાનું સૌભાગ્ય મેળવી શકયા હતા, એ લાક્ષણિક ભક્તમંડળમાં મનમોહને એક વિશિષ્ટ સ્થાનનો અધિકાર મેળવ્યો હતો... મનમોહનની જે વિશિષ્ટતા સહજમાં જ બધાનું ધ્યાન ખેંચતી હતી તે હતી એમની ગહન અને તેજસ્વી ભાવાવિષ્ટતા. ઠાકુરની વાત કહેતાં કહેતાં તેઓ અત્યંત મતવાલા બની જતા. એ સમયે એમનામાં દૈવી આવેશની પ્રબળતા સ્પષ્ટરૂપે પ્રગટ થતી જણાતી... નામકીર્તનના સમયે પણ એમની પ્રગાઢ તન્મયતા અને ભાવાવેશ ભક્તોમાં તીવ્ર આવેગ જગાડી દેતાં હતાં.’

મનમોહનના પિતા ભુવનમોહન મિત્ર અને માતા શ્યામાસુંદરી હતાં. એમનો જન્મ ઈ.સ. ૧૮૫૧માં ૮મી સપ્ટેમ્બરે ભાદરવા શુકલ ચૌદસને દિવસે હુગલી જિલ્લાના કોન્નગરમાં થયો હતો. ભુવનમોહન ચિકિત્સા વિદ્યામાં નિષ્ણાત હતા. સરકાર તરફથી તેમને રાયબહાદુરની પદવી મળી હતી. તેઓ વ્યવહારમાં એકનિષ્ઠ હિન્દુ હોવા છતાં પણ તર્કવાદી તથા સુધારણાના પક્ષપાતી હતા. શ્યામાસુંદરી પણ ધ્યાન-પરાયણ હતાં અને કુટુંબમાં એમની અત્યંત પ્રતિષ્ઠા હતી. આ દંપતીના મનમોહન એક માત્ર પુત્ર હતા તેથી તેમનું બાળપણ ખૂબ જ લાડકોડમાં વીત્યું હતું. એમનો એ સમય પણ એક સમૃદ્ધ મધ્યમવર્ગના પરિવારનાં સંતાનોની જેમ જ વીત્યો હતો. તેઓ લગભગ તેર વર્ષની ઉંમરે કોલકાતામાં એમના માસા રાજેન્દ્રનાથ મિત્ર બહાદુરના ઘરે ઝામાપુકુર મહોલ્લામાં રહેવા ગયા. ત્યાં રહીને હિન્દુ સ્કૂલમાં તેઓ ભણતા હતા. બ્રાહ્મનેતા કેશવચંદ્ર સેન ઘણીવાર રાજેન્દ્રનાથના ઘરે આવતા અને રાજેન્દ્રબાબુ પણ કેશવચંદ્રની સાથે દેવેન્દ્રનાથ ઠાકુરના બ્રાહ્મસમાજમાં ઘણીવાર એમને મળવા જતા. આ રીતે મનમોહનને કેશવ અને દેવેન્દ્ર બંને સાથે પરિચયો થયો અને એમણે એ લોકોની ભાવધારાનો મોટો ભાગ ગ્રહણ કરી લીધો. સહપાઠી રાજમોહન બસુ અને એમ.એન. બેનરજી, (જેઓ પછીથી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ બન્યા)ની સાથે પણ મનમોહન આ વિષયની ચર્ચા કરતા. ૧૭ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં હતાં. એ લગ્નના મૂળમાં મનમોહનને બ્રાહ્મ પ્રભાવથી મુક્ત રાખવાની યોજના હતી કેમ કે રાજેન્દ્રબાબુ પોતે બ્રાહ્મસમાજમાં જતા હોવા છતાં પણ મનમોહન એ તરફ ઝૂકી જાય એવું ઇચ્છતા ન હતા. લગ્ન પછી મનમોહન પિતાની સાથે ઢાકા ચાલ્યા ગયા. ત્યાં પ્રવેશિકા પરીક્ષા પાસ કરી. એ પછી એમનો વિદ્યાભ્યાસ બહુ આગળ ચાલ્યો નહીં. તેમની એકવીસ વર્ષની ઉંમરે ઢાકામાં જ પિતાનું અવસાન થતાં કુટુંબના ભરણપોષણની જવાબદારી એમના ઉપર આવી પડી. આથી એમને સંસારમાં મન લગાવવું પડ્યું. પિતાની એકઠી કરેલી મૂડી ઓછી હતી, આથી થોડા સમયમાં જ નાણાંની તંગી વર્તાવા લાગી. ખાસ કરીને જે થોડી ઘણી મૂડી હતી તે પણ કોલકાતામાં અગાઉથી બાનું આપી દીધેલા ૨૩ નંબરના સિમુલિયા સ્ટ્રીટનું મકાન ખરીદવામાં વપરાઈ ગઈ. આથી આ નવું મકાન ભાડે આપીને મનમોહનને માતા અને બહેનની સાથે કોન્નગર રહેવા જવું પડ્યું. ત્યાં તેઓ ઈ.સ. ૧૮૭૩થી ૧૮૭૫ સુધી નોકરીની શોધમાં ફરવા લાગ્યા. અંતે રાજેન્દ્રબાબુના પ્રયત્નથી બંગાળ સચિવાલયમાં માસિક રૂપિયા ચાળીસના પગારે એક નોકરી મળી. ત્યાં ધીમે ધીમે બઢતી મળતાં પગાર રૂપિયા દોઢસો સુધી વધ્યો. તેઓ કોન્નગરથી જ ઓફિસે જતા હોવાથી એમને ફુરસદ બહુ જ ઓછી મળતી. જે પણ સમય મળતો એમાં તેઓ પિતાનાં સંગ્રહ કરેલાં પુસ્તકો અને તેમના પર લખેલાં મંતવ્યો વાંચતા. પિતાના તર્કપૂર્વક વિચારોને ખાસ ધ્યાન આપીને વાંચવાથી અને બ્રાહ્મસમાજના - સંસ્કાર અંગે એમનો આગ્રહ જોઈને, તેઓ પણ ધીમે ધીમે પ્રચલિત હિન્દુ ધર્મને વગર વિચાર્યે અપનાવવા તૈયાર થતા નહીં. બાળપણમાં બ્રાહ્મધર્મ પ્રત્યેનું જે આકર્ષણ હતું એ જ યુવાનીમાં એમને માટે ભારતના શ્રેષ્ઠ ધર્મમાં પરિણમ્યું. એક પ્રસંગમાં એમને બ્રાહ્મસમાજ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાવાનો સુયોગ મળ્યો.

પોતાની સાત મહિનાની પુત્રીના અવસાનથી મનમોહન એટલા બધા વ્યથિત થઈ ગયા કે એમને કોઈપણ વ્યક્તિ સાંત્વના આપી શકી નહીં. સમય મળતાં જ તેઓ ગુપચુપ સ્મશાનમાં પહોંચી જતા અને પુત્રીના અંતિમ વિશ્રામસ્થળની શોધ કરવા લાગતા. માતા શ્યામાસુંદરીએ એનો બીજો કોઈ ઉપાય ન જોતાં સ્થળ બદલવાનો નિશ્ચય કર્યો અને કોલકાતાના મકાનના ભાડૂત પાસે ઘર ખાલી કરાવીને ત્યાં ચાલ્યાં આવ્યાં. એ વખતે મનમોહનના મિત્ર રાજમોહન કેશવચંદ્ર સેનના શિષ્ય થઈ ગયા હતા. બંને મિત્રોની મુલાકાત થતાં જ કેશવચંદ્રના પ્રસંગો તથા બ્રહ્માસમાજની ઉપાસના વગેરે વિષયોની ચર્ચા થતી. એ સમયે જો કે મનમોહનનો ઝુકાવ સમાજ- સુધારણા પ્રત્યે જ હતો. છતાં પણ રાજમોહનના મુખે કેશવચંદ્રની યોગસાધનાની વાત સાંભળીને અને માતાનું પ્રોત્સાહન મેળવીને તેઓ ઉપાસનામાં મગ્ન બન્યા. એમાં મન એકાગ્ર કરવા  માટે બ્રાહ્મોના અનુકરણથી વ્યાઘ્રચર્મ, એકતારો અને બે ભગવાં વસ્ત્રો પણ વસાવ્યાં. એ વખતે ઉપાસના વિષેની એમની માન્યતા એમણે પોતે જ વ્યક્ત કરી છે : ‘સારાં સારાં થોડાં ઉપકરણોના સંયોગ દ્વારા પરબ્રહ્મની આરાધના કરવાને જ હું ઉપાસના સમજતો હતો...અમારો વિશ્વાસ અને માન્યતા એ પ્રમાણે હતાં કે મનુષ્યના અંતરમાં સાચો પશ્ચાત્તાપ ન થાય તો કોઈપણ ઉપાસના ખરા અર્થમાં ઉપાસના બની શકતી નથી. પશ્ચાત્તાપ અને આંસુ વગર આત્માનું મલિન આવરણ ભેદાતું નથી. આત્મા શુદ્ધ ન હોય તો પવિત્ર શુદ્ધાત્મસ્વરૂપ ભગવાનને જાણી શકાતા નથી.’

પરંતુ એમની આવી ઉપાસનાને તેમના માસિયાઈ ભાઈ રામચંદ્ર દત્તે રોકી દીધી. વિજ્ઞાનવાદી નિરીશ્વરવાદી રામચંદ્રની પ્રબળ દલીલોના પ્રવાહથી મનમોહનની ઉપાસનાનો તળાપો તણાઈ ગયો. પરંતુ બાળપણના સંસ્કાર દૃઢ હોવાના કારણે નિર્મૂળ ન થયા. તેથી તેઓ ભોગમાં ડૂબી ન ગયા, પરંતુ વિશ્વાસ અને અવિશ્વાસના તરંગોમાં આદોલિત થવા લાગ્યા. બ્રાહ્મસમાજના સંપર્કમાં આવીને એમણે શ્રીરામકૃષ્ણનું નામ સાંભળ્યું હતું. મનમાં દક્ષિણેશ્વર જવાની ઇચ્છા પણ જાગી હતી. પરંતુ તે કાર્યમાં ત્યારે પરિણમી શકી નહીં. મનની જ્યારે આવી સ્થિતિ હતી ત્યારે તેમણે એક રાતે અદ્‍ભુત સ્વપ્ન જોયું : ચારે બાજુ જળબંબાકાર, એના પ્રબળ પ્રવાહમાં તેઓ તરતા જઈ રહ્યા છે. મા, બહેન, પત્ની, પુત્રી કોઈ ક્યાંય દેખાતું નથી. એકાએક અશરીરી વાણી સંભળાઈ ‘સંસારમાં કોઈ પણ જીવિત બચ્યું નથી, બધાં મરી ગયાં છે.’ એમને મનમાં થયું : ‘તો પછી મારા જીવતા રહેવાથી શું લાભ?’ દૈવી વાણી ફરી પ્રગટી : ‘આત્મહત્યા મહાન પાપ છે.’ પછી મનમાં એવો ભાવ જાગ્યો કે જ્યારે  કોઈપણ નથી રહ્યું તો પછી હું કોને લઈને રહીશ ? ત્યારે આકાશવાણીએ કહ્યું : ‘જે લોકો ભગવાનને જાણે છે, કેવળ તેઓ જ જીવિત છે અને એમની સાથે તમારો જલદી મેળાપ થશે.’ રાત્રીના અંતિમ પ્રહરમાં સ્વપ્ન તો તૂટી ગયું. પરંતુ પછી એ અપૂર્વ સ્વપ્નનો આવેશ દૂર થતાં ઘણો સમય લાગ્યો... નિદ્રાભંગ થતા તેઓ પોતે ક્યાં હતા તેની ખબર જ ન પડી. એટલે નજીક સૂતેલા આત્મીયજનોને પૂછવા લાગ્યા કે ‘તમે બધા કોણ છો ? હું ક્યાં છું ?’ ઘરના લોકો એમની આવી સ્થિતિ જોઈને ગભરાઈ ગયા.

એ દિવસે સવારે રામચંદ્ર એક ગોસ્વામીને લઈને મનમોહન બાબુના ઘરે આવ્યા. ત્યાં તેઓ સત્સંગ કરવા લાગ્યા. એમના વાર્તાલાપમાં રસ પડતાં મનમોહન બાબુ પણ એમાં જોડાયા. એ દિવસે ગોસ્વામી એટલા આવેગથી હિન્દુ ધર્મની એવી પ્રશંસા કરતા હતા કે એમાં મનમોહનની શ્રદ્ધા જાગી. એ વખતે રામચંદ્ર પણ અવિશ્વાસના આવરણથી મુક્ત થવા માટે વ્યાકુળ હતા. આથી ધીમે ધીમે વાર્તાલાપ વધવા લાગ્યો અને ૧૦ વાગી ગયા. ગોસ્વામી મહાશય જતા રહ્યા પછી મનમોહનના મુખેથી સ્વપ્નની વાત સાંભળીને રામચંદ્રે કહ્યું : ‘વાસ્તવમાં આખો સંસાર જ માયાના મોહથી અચેત પડ્યો છે, કોઈ પણ જીવિત નથી.’ વાતચીતના પ્રસંગ પરથી નક્કી કર્યું કે આજે ફુરસદ છે, એટલે બંને દક્ષિણેશ્વર જશે. જેવો સંકલ્પ તેવું કાર્ય. બંને દક્ષિણેશ્વર પહોંચી ગયા અને આ બાબતનો ‘રામચંદ્ર’ પ્રસંગમાં ઉલ્લેખ કર્યો છે.

શ્રીરામકૃષ્ણ પાસે આવવા-જવાથી મનમોહનના મનનું પરિવર્તન થવા લાગ્યું. બ્રાહ્મસમાજના સમાજ સુધારણાના આગ્રહમાં રત મનમોહને શ્રીરામકૃષ્ણ પાસેથી સાંભળ્યું કે તેઓ જે ધર્મની વાત કરે છે તે સામાજિક ધર્મ છે, જેમાં સમાજના શુભાશુભ માટેની જ વાત વધુ છે. એ ધર્મમાં ભગવાનના સંબંધમાં વિશેષ કંઈ નથી. તેઓ પોતે જે ધર્મની વાત કરી રહ્યા છે, તે આધ્યાત્મિક ધર્મ છે. શ્રીરામકૃષ્ણના મુખેથી તેમણે એમ પણ સાંભળ્યું કે જાતિ છે પણ ખરી અને નથી પણ, દુન્યવી દૃષ્ટિએ મનુષ્યમાં ભેદ હોવો અનિવાર્ય છે. પરંતુ આધ્યાત્મિક રાજ્યમાં તેવો ભેદ નથી. પરિણામે શ્રીરામકૃષ્ણની કૃપાથી મનમોહન ધીમે ધીમે પોતાના અંતરની ગહનતામાં ડૂબવા લાગ્યા.

મનમોહન દર રવિવારે દક્ષિણેશ્વર અને અઠવાડિયામાં એક બે દિવસ બ્રાહ્મસમાજમાં જતા હતા. ઈ.સ. ૧૮૮૦ના મધ્યભાગમાં ઠાકુર કામારપુકુર ગયા તેથી તેઓ રજાનો દિવસ પણ બ્રાહ્મસમાજમાં જ પસાર કરવા લાગ્યા. એ ઉપરાંત મસિયાઈ ભાઈ શ્રીયુત નિત્યગોપાલ અને રામચંદ્રની સાથે તેઓ દરરોજ સંધ્યા સમયે કીર્તન કરતા હતા. પાછળથી નિત્યગોપાલ જ્ઞાનાનંદ અવધૂતના નામથી પ્રચલિત બન્યા. અમે જે સમયની વાત લખી રહ્યા છીએ એ સમયે તેઓ રામચંદ્રના ઘરમાં જ રહેતા હતા.

એ વરસે દુર્ગાપૂજા સમયે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર પાછા આવી ગયા. આથી રામચંદ્ર અને મનમોહન દર રવિવારે નિયમિત રીતે દક્ષિણેશ્વર જવા લાગ્યા. ધીમે ધીમે મનમોહનને દૃઢ વિશ્વાસ થઈ ગયો કે શ્રીરામકૃષ્ણ મનુષ્ય નથી, અવતાર છે. એ સમયે મનમોહનના મનમાં ઠાકુરની સેવા કરવાની ઇચ્છા જાગી. તેઓ એક દિવસ કોન્નગરથી દક્ષિણેશ્વર આવ્યા. તેમણે જોયું તો ઠાકુર પોતાના બંને ચરણો ફેલાવીને બેઠા છે. પણ મનમોહનના આવતાં જ એમણે એ ચરણો સમેટી લીધા. અભિમાનથી ફૂલીને મનમોહને કહ્યું : ‘આપે ચરણો કેમ સમેટી લીધા ? જલદી લંબાવો, નહીંતર બંને પગે કાપીને કોન્નગરમાં લઈ જઈને રાખીશ અને બધા ભક્તોની મનોવાંછા પૂરી કરીશ.’ શ્રીરામકૃષ્ણે કાંઈ ન કહેતાં એમને ચરણ સેવાનો અવસર આપ્યો. ઠાકુરની કૃપાથી મનમોહન કૃતાર્થ થયા અને તેઓ ધીમે ધીમે પોતાના સ્વજનો અને મિત્રોને ઠાકુરના શ્રીચરણોની પાસે ખેંચી લાવવા લાગ્યા. આ જ રીતે ઈ.સ. ૧૮૮૦ના ડિસેમ્બરમાં તેઓ પોતાનાં માતા શ્યામાસુંદરીને દક્ષિણેશ્વર લઈ ગયા. શ્રીરામકૃષ્ણે એ પછી ભક્તિમતી શ્યામાસુંદરીના આગ્રહથી મનમોહનના કોલકાતાના ઘરે પધારીને મિષ્ટાન્ન વગેરે ગ્રહણ કર્યું હતું. મનમોહનની ચાર બહેનો હતી - મનમોહિની, સિદ્ધેશ્વરી, વિશ્ર્વેશ્વરી અને સુરેશ્વરી, આ ચારેયએ પણ ઠાકુરનો આશ્રય મેળવ્યો હતો. સિદ્ધેશ્વરીના પતિ શશીભૂષણ દે તથા સુરેશ્વરીના પતિ બલરામસિંહ પણ ઠાકુરના ભક્ત હતા. વિશ્ર્વેશ્વરી અને એમના પતિ રાખાલચંદ્રની વાત અમે ‘સ્વામી બ્રહ્માનંદ’ પ્રસંગમાં લખી છે.

મનમોહનબાબુ ઘણીવાર કેશવચંદ્રની સાથે પણ દક્ષિણેશ્વર ગયા હતા. કેશવચંદ્રને તેઓ અત્યંત શ્રદ્ધાપૂર્વક જોતા હતા. આથી તેમને શ્રીરામકૃષ્ણના ચરણોમાં પ્રણામ કરતા અને પુષ્પાંજલિ અર્પતા તથા મૌન રહીને શ્રીમુખની વાણી સાંભળતા જોઈને મનમોહનની ભક્તિ વધુ ને વધુ દૃઢ થઈ. ઈ.સ. ૧૮૮૧ની ૩જી ડિસેમ્બરે મનમોહને પોતાના ઘરે એક મહોત્સવનું આયોજન કર્યું હતું. તેઓ ઠાકુરને આ પ્રસંગે પોતાને ત્યાં તેડી લાવ્યા હતા. બીજા ભક્તોની સાથે કેશવચંદ્ર સેન પણ આ મહોત્સવમાં આવ્યા હતા. બીજા શનિવારે ૧૦મી ડિસેમ્બરે મનમોહનના માસા શ્રીયુત રાજેન્દ્રનાથને ત્યાં ઠાકુર સ્વેચ્છાએ પધાર્યા હતા અને ત્યાં પણ મહોત્સવ યોજાયો. એ દિવસે પણ ઠાકુર મનમોહનને ત્યાં પધાર્યા હતા. ત્યાં થોડો આરામ કર્યો હતો ત્યારબાદ તેમને ‘બંગાળ ફોટોગ્રાફર્સ’ સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં એમનો ફોટો પાડવામાં આવ્યો. એ દિવસે સંધ્યાકાળે રાજેન્દ્રબાબુને ત્યાં જે ભક્ત સંમેલન અને કીર્તન થયું એમાં પણ કેશવચંદ્ર હાજર હતા. કેશવચંદ્રની એકનિષ્ઠ સેવાની ભાવનાથી એ દિવસે પણ મનમોહન મુગ્ધ થયા હતા. કેશવચંદ્રે કહ્યું હતું : ‘સામાન્ય લોકોની સાથે ઠાકુરને ઉન્મત્ત નૃત્ય કરાવીને એમની તબિયત બગાડવી ઉચિત નથી. એમને ખૂબ જ કાળજીથી રાખીને એમના ઉપદેશામૃતનું પાન કરવું જ ઉચિત છે.’ આ રીતે એમને કીર્તનમાં થાકેલા જોઈને કેશવચંદ્ર બીજે લઈ જતા હતા, એમના કપાળ પરથી પરસેવો લૂછી દેતા હતા, પંખો લઈને એમને પવન નાખતા હતા અને મીઠાઈ વગેરે બહુ જ ચોકસાઈથી એમના મુખમાં મૂકતા હતા.

શ્રીરામકૃષ્ણની સાથે ઘનિષ્ઠ સાંનિધ્ય પ્રાપ્ત કર્યા પછી મનમોહનનું મન સાધના-ક્ષેત્રમાં જે રીતે ગતિમાન થયું હતું એ વિશેની બે-ચાર ઘટનાઓનું ઉદાહરણ લઈ આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. મનમોહન બહુ જ શાંત અને શિષ્ટ હોવા છતાં પણ સ્પષ્ટ વક્તા હતા, કોઈ પણ અયોગ્ય વાત સહન કરી શકતા નહીં. એક વખત એક માણસે કોઈ કારણ વગર શ્રીરામકૃષ્ણની કડવી ટીકા કરવાનું ચાલુ રાખ્યું ત્યારે મનમોહને દૃઢતાપૂર્વક એને ના પાડી એટલે સુધી કે મારવાનો પણ ભય બતાવીને એને ચૂપ કરી દીધો. પરંતુ આ બાબત ઠાકુરથી અજાણ રહી નહીં. પછી મુલાકાત થતાં એમણે ક્રોધની બાબતમાં મનમોહનને ચેતવણી આપતાં કહ્યું : ‘કોઈ મારી નિંદા કરે કે પ્રશંસા કરે, એથી મને શું ? હું તો બધાનાં ચરણની રેણુનીયે રેણું છું.’ એથી મનમોહન દુ:ખી થઈને બેસી રહ્યા. કંઈ પણ બોલી ન શક્યા. એ જોઈને ઠાકુરે કહ્યું ‘શું મેં તમને ધમકાવ્યા છે ? તમે ચૂપચાપ કેમ બેઠા છો ? શું હું તમને ધમકાવી શકું ? ક્રોધ તો ચાંડાળ છે. શાસ્ત્રોમાં કામ પછી ક્રોધને જ શત્રુ કહેવામાં આવ્યો છે. કોઈને ક્રોધ કરતાં જોઈને હું તેને સ્પર્શી પણ નથી શકતો.’ આના પરિણામે મનમોહન એ પછી કોઈને ય પોતાના મતમાં લાવવા માટે બળજબરી કરતા નહીં. કોઈ વાત ન માને કે નિંદા કરે તો તેઓ એને સદ્બુદ્ધિ મળે એ માટે પ્રાર્થના કરતા.

એક વખત એમની મોટી પુત્રી માણિકપ્રભાનો રોગ અત્યંત વધી ગયો અને તેનો અંતિમ સમય આવી પહોંચ્યો એમ જાણીને મનમોહન બાબુ એ દિવસે રામચંદ્ર સાથે દક્ષિણેશ્વર ન ગયા. એ જાણીને માતા શ્યામાસુંદરીએ કહ્યું કે એમણે જેવું જેઈતું હતું કેમ કે આજ તો વિશ્વાસની કસોટીનો સમય ગણાય. માતાએ મનમોહનને ઠાકુરની પાસે જવા અને તેમને માણિકપ્રભાની વાત કરવા કહ્યું તેમજ પાછા વળતાં ઠાકુરની સાધનાભૂમિમાંથી દક્ષિણેશ્વરની માટી લાવવા પણ કહ્યું. મનમોહન સકામ હેતુ માટે ઠાકુરની કૃપાભિક્ષા માગવાનું ઉચિત સમજતા ન હતા. તો પણ તેઓ માતાના આદેશથી દક્ષિણેશ્વર ગયા.એ દિવસે ઠાકુર કેવળ વૈરાગ્યનો જ ઉપદેશ આપી રહ્યા હતા. આથી મનમોહન ઠાકુરને પોતાની વાત ન કરી શક્યા.પરંતુ એ પછી અંતર્યામી ઠાકુર શૌચ જતી વખતે મનમોહનને પોતાની સાથે લઈ ગયા અને પોતાની સાધનાનું સ્થળ પણ બતાવી દીધું. એ સમયે પણ મનમોહનના અંતરમાં વૈરાગ્યની વાણી ગૂંજતી હતી. આથી તેઓ માટી લઈ શકયા  નહીં. પરંતુ પાછા ફરતી વખતે ઠાકુરે પોતે જ હૃદય મારફત થોડી મોટી અને એક ફૂલ એમને અપાવ્યા મનમોહને ઘરે આવીને બંને વસ્તુઓ માતાને આપી અને કહ્યું : ‘મા, ફરી કયારેય તમે મને આવી  પરીક્ષામાં ન નાખશો.’ માણિકપ્રભા એ સમયે સાજી થઈ ગઈ હતી.

પિતાના લાડ-પ્યાર પામેલા પુત્ર મનમોહન બાળપણથી જ ખૂબ જિદ્દી હતા. ક્યારેક ક્યારેક શ્રીરામકૃષ્ણ પ્રત્યે પણ તે જ જિદ્દનો પ્રયોગ થતો જોવા મળતો. એક વખત ઠાકુરે એમની સામે શ્રીયુત સુરેન્દ્રનાથની ભક્તિની પ્રશંસા કરી. તેથી મનમોહનને અત્યંત ખોટું લાગ્યું.તેઓ બીજા શનિવારે  દક્ષિણેશ્વર ગયા નહીં પણ કોન્નગર જતા રહ્યા અને પછી પણ ઘણાં અઠવાડિયાં સુધી તેઓ દક્ષિણેશ્વર ગયા નહીં. તેઓ લોકોને કહેતા હતા : ‘ઠાકુર એમના ભક્તોને લઈને રહે, હું તે વળી ત્યાંનો કોણ છું.?’ફક્ત એટલું જ નહીં., પણ ઠાકુરે એમને બોલાવવા માટે રાખાલને મોકલ્યા તો પણ તેઓ તો ગયા નહીં, રાખાલનેય જવા ન દીધા અને બીજા એક ભક્ત મારફત ઠાકુરને કહેવડાવી દીધું : ‘પહેલાં ભક્તિ થશે ત્યારે આવીશ.’ અભિમાનવશ વિપરીત આચરણ કરવા છતાં પણ અશાંત મન તો હંમેશાં જ દક્ષિણેશ્વર માટે દોડતું રહેતું. તેઓ સૂતાં જાગતાં, હંમેશાં જ ઠાકુરની વાત વિચારવા લાગ્યા. બીજા કોઈ વિષયમાં મનને સ્થિર રાખવાનું મુશ્કેલ થઈ પડ્યું. આ પ્રમાણે અશાંત મનથી જેમ તેમ દિવસો પસાર થઈ રહ્યા હતા. એ સમય દરમિયાન એક દિવસ ગંગાસ્થાન કરતાં કરતાં તેમણે હોડીમાં ભક્ત બલરામબાબુને જોયા. આથી એમણે કહ્યું : ‘આજે પ્રાત:કાળે જ ભક્ત દર્શન થયાં. આજે મારા મહાન સૌભાગ્યનો દિવસ છે.’ ત્યારે બલરામે કહ્યું :‘ફક્ત ભક્ત જ નહીં સ્વયં ભગવાન પણ આવી રહ્યા છે.’પ્રભુની વાત સાંભળતાં જ મનમોહન ચોંકી ઊઠ્યા. હોડીમાં રહેલા નિરંજને તેમને કહ્યું: ‘આપ દક્ષિણેશ્વર કેમ આવતા નથી ? આપને મળવા માટે અત્યંત આગ્રહપૂર્વક ઠાકુર સ્વયં અહીં આવ્યા છે.’હોડી મનમોહનની પાસે આવતાં ઠાકુર સમાધિસ્થ થઈ ગયા અને એમનાં નેત્રોમાંથી લગાતાર આંસુ વહેવા લાગ્યાં. એ દૃશ્યથી પથ્થર પણ પીગળી જાય. મનમોહન પોતાના અભિમાન અને અત્યાચારની વાત વિચારીને એકાએક વિવશ થઈ ગયા અને તેઓ લથડિયું ખાઈને પાણીમાં પડી ગયા. નિરંજને એમને હોડી ઉપર ખેંચી લીધા.પછી ઠાકુરનાં ચરણોમાં પડીને ભક્ત મનમોહન ધ્રૂસ્ાકે ધ્રૂસકે રડવા લાગ્યા. એ દિવસે મનમોહનના ઘરમાં ચરણરજ આપીને ઠાકુર એમને લઈને દક્ષિણેશ્વર પાછા આવ્યા.

શ્રીરામકૃષ્ણે મનમોહન વગેરેને કીર્તન કરવા માટે કહ્યું હતું. પણ ટેવ ન હોવા છતાંય એ ઉપદેશ પછી તેઓ કીર્તનમાં જોડાયા. પરંતુ થોડી જ વારમાં અનુભવ થવા લાગ્યો કે જો કે કીર્તનને લઈને એમની આધ્યાત્મિક શક્તિનો સામયિક પ્રકાશ થાય છે અને ભાવુકતાની વૃદ્ધિ થાય છે પરંતુ કીર્તનની ઉન્મત્તતા અન્ય શક્તિઓને એકદમ સ્પર્શી પણ શકતી નથી. ત્યાં અંધકાર જ છવાયેલો રહે છે. મનમાં આવો ભાવ થયો કે એ વૈરાગ્યના અભાવની જ સાક્ષી આપે છે. આથી એક દિવસ (ઈ.સ. ૧૮૮૨, ૧૦ મહા) શ્રીરામકૃષ્ણ પાસે આવીને એમણે આર્તભાવે એમની કૃપા માગી, જેથી એમને ફરીથી સંસાર બંધનમાં ફસાવું ન પડે. શ્રીરામકૃષ્ણે શૌલ માછલીના ઝૂંડનું ઉદાહરણ આપીને તેમને સમજાવ્યું કે એ ઝૂંડની નીચેની માછલીના આધારે જ નાનાં નાનાં બચ્ચાં જીવતાં રહે છે. એ મોટી માછલીને ખસેડી લેવાથી એ બધાંને બીજાં મોટાં માછલાં ખાઈ જાય છે. એ પ્રમાણે ગૃહસ્વામી જ પરિવારનો આધાર છે. એમણે ઘરમાં રહીને જ સાધન-ભજન કરવાં જોઈએ. એ પછી બધી જ બાબતોમાં જગન્માતા ઉપર નિર્ભર રહેવાનો પ્રસંગ ઉપાડીને એમણે ગીત ગાયું : ‘ભાવાર્થ : ‘જ્યારે જે રૂપે કાલીમાતા મને રાખશે તે જ મારું મંગળ છે, જો હું તમને ન ભૂલું.’

શ્રીરામકૃષ્ણે તેમને એમ પણ સમજાવ્યું કે દરેકને પોતપોતાનો ભાવ કાયમ રાખીને સાધનમાર્ગમાં આગળ વધવું પડે છે. કેવળ વેશ ધારણ કરવાથી એકનો ભાવ બીજામાં એકાએક સંચારિત થતો નથી. એમણે કહ્યું : ‘કામિની-કાંચનનો ત્યાગ કર્યા વગર ઈશ્વરપ્રાપ્તિ થતી નથી, એ વાત સત્ય છે. વળી હું એમ પણ કહું છું કે કામિની-કાંચનનો ત્યાગ કરવાથી જ ઈશ્વર પ્રાપ્તિ થતી નથી... જાણી લેજો કે આ સંસાર તમારો નથી. તે ભગવાનનો છે.’ આ વાતોથી મનમોહનનો ભાવ બદલાયો અને એમણે માન્યું કે અનાસક્તિ જ સાધનાનું સારતત્ત્વ છે અને એને પોતાના જીવનમાં ઊતારવા માટે તેઓ કૃતસંકલ્પ બન્યા.

આ નિર્લિપ્ત ભાવની પરીક્ષા મનમોહનને એકથી વધારે વખત આપવી પડી. એક દિવસ રામબાબુના ઘરમાં નામકીર્તન સાંભળતાં સાંભળતાં મનમોહનની માતાનું શરીર બેહોશ થવા લાગ્યું. શ્યામાસુંદરીને લાગ્યું કે અંતકાળ આવી ગયો છે એટલે એમણે મનમોહનને એકાંતમાં બોલાવીને જણાવ્યું અને મહોત્સવમાં ખલેલ ન થાય એટલા માટે કોઈને ય આ કહેવાની તેમણે મનાઈ કરી દીધી. મનમોહન અત્યંત સંયમપૂર્વક માતાની આજ્ઞાનું પાલન કરીને એ બાબતમાં ચૂપ જ રહ્યા. ઉત્સવના અંતે ભક્તો ચાલ્યા ગયા પછી ખબર પડી કે શ્યામાસુંદરી આ લોક છોડીને ચાલ્યાં ગયાં છે. માતૃવિયોગ પછી બીજી એક પુત્રીના મૃત્યુ સમયે પણ શ્રીરામકૃષ્ણ ઉપર નિર્ભર રહીને તેઓ નિર્લેપ રહી શક્યા હતા. એ સમયે મિત્રોએ એમને જ્યારે આશ્વાસન આપ્યું ત્યારે તેમણે કહ્યું : ‘ઠાકુરની જેવી ઇચ્છા હશે તેવું જ થશે. આશીર્વાદ આપો કે હું એમની ઇચ્છાનો વિરોધ ન કરું.’ માણિકપ્રભાના મૃત્યુ સમયે એમણે ઠાકુરની છબી એની સામે રાખીને કહ્યું હતું : ‘બરાબર જો અને એમને પોકાર. ભય કેવો ? તેઓ તો હંમેશાં જ સાથે છે. રડ નહીં. બેટા, હવે રડવાનો સમય નથી.’ એમણે પુત્રીનાં આંસુ લૂછયાં ને કાનમાં શ્રીરામકૃષ્ણના નામનું ઉચ્ચારણ કર્યું. માણિકપ્રભાના મુખે નિર્મલ હાસ્ય પ્રગટયું અને એ સ્થિતિમાં જ તે ચાલી નીકળી. પિતાએ બહાર આવીને કહ્યું : ‘માણિક ઊગરી ગઈ.’ જાણે એમણે જોયું કે શ્રીરામકૃષ્ણ એમને બતાવી રહ્યા છે કે મૃત્યુ નામનો કોઈ પદાર્થ નથી, બધું ચેતન છે. એટલે સુધી કે મૃત પુત્રી પણ ચૈતન્યની મૂર્તિ છે. આ અનુભૂતિના ફળરૂપે તેઓ પાગલની જેમ ક્યારેક હસવા અને ક્યારેક રડવા લાગ્યા. ઘરના લોકોએ માન્યું કે પુત્રીના શોકથી આવું થયું છે. પણ અંતરની વાતની કોઈનેય જાણ ન થઈ.

બહેન અને બનેવીના સંબંધમાં પણ એમના મનમાં એવી જ નિર્લેપતા હતી. પહેલાં રાખાલ (સ્વામી બ્રહ્માનંદ)નો વૈરાગ્ય જોઈને તેઓ પોતાની બહેન વિશ્ર્વેશ્વરીની બાબતમાં ખૂબ જ ચિંતિત બની ગયા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણે જે દિવસે કહ્યું : ‘મનમોહન, તમે અસંતુષ્ટ જ કેમ ન હો, મેં રાખાલને કહ્યું હતું : ‘ભગવાનને માટે તું ગંગામાં કૂદીને મરી ગયો છે, એ વાત સાંભળવા હું તૈયાર છું, પણ તું કોઈનો નોકર થયો કે તું નોકરી કરે છે એ વાત સાંભળવા હું તૈયાર નથી;’ એ દિવસથી એમની સમગ્ર ચિંતાનો અંત આવી ગયો. ખરેખર મનમોહનને એથી અનુભૂતિ થઈ હતી કે એમના પરિવારના બધા લોકો શ્રીરામકૃષ્ણનાં સેવક અને સેવિકાઓ છે. મનમોહન કેવળ એમનું પાલન પોષણ કરવા માટે નિમાયેલા છે.

એ વખતે મનમોહનબાબુને શ્રીરામકૃષ્ણ - મહિમા -પ્રચારનો અનાયાસે મોકો મળી ગયો. ઈ.સ. ૧૮૮૨ના ત્રીજી ડિસેમ્બરે વૈષ્ણવ ચૂડામણિ નવચૈતન્ય મિત્ર મહાશયના ઘરમાં શ્રીરામકૃષ્ણનું આગમન થયું હતું. ત્યારે મહોત્સવમાં કોન્નગરના નિવાસીઓએ ફાળો આપ્યો હતો. તેમણે શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં અને તેમનાથી તેઓ આકર્ષાયા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને મનમોહને રામબાબુને દરઅઠવાડિયે કોન્નગરમાં પ્રચાર કરવા કહ્યું. ભક્ત રામચંદ્ર પ્રચારના નામથી અત્યંત ઉત્સાહમાં આવી ગયા. પરંતુ શ્રીરામકૃષ્ણના આદેશ વગર તેઓ કંઈ કરી ન શક્યા. એ કારણે તેમણે તેમની સામે પોતાનો મનોભાવ પ્રગટ કર્યો. ઠાકુરે એ સાંભળીને કહ્યું : ‘ખેંચતાણ કરીને કંઈ ન કરો. જેવી તેમની ઇચ્છા હશે, તેવું તેઓ કરાવશે.’ એને આદેશ માનીને મનમોહન અને રામચંદ્ર કોન્નગરમાં પ્રચાર કરવા માટે તૈયાર થઈ ગયા. આ પ્રમાણે દરેક શનિવારે તેઓ કોન્નગર જતા રહેતા. સ્ટેશનથી મનમોહનના ઘરે જતાં રસ્તામાં ત્યાંના લોકો તેમને પોતાના ઘરે બોલાવીને શ્રીરામકૃષ્ણદેવની વાતો સાંભળતા. મનમોહનના ઘરમાં પણ ચર્ચા વગેરે થતાં. રવિવારે સવારે મનમોહન, રામચંદ્ર અને નવગોપાલ સંકીર્તનમાં નીકળતા. રસ્તામાં સેંકડો માણસો એમાં જોડાતા. એ દરમિયાન એક દિવસ કોન્નગરથી કોલકાતા પાછા વળતાં રામબાબુ અને મનમોહન બાબુ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા ત્યારે ઠાકુરે ગંભીર ભાવે કહ્યું : ‘અહીં કોઈ બીજા માણસો નથી. તમે બધા મારા અંતરંગ છો. તમને જણાવું છું. સાંભળો,- એક વાત છે, લોકો કહે છે, ‘સંધ્યા ટાણે ધણી મર્યો, રોવું કેટલી રાત’ તમે લોકો અત્યારથી આટલો પરિશ્રમ કેમ કરી રહ્યા છો ? આ પછી એવો વખત આવશે જ્યારે તમને લોકોને ખાવા - સૂવાનો વખત  જ નહીં મળે.’ ત્યારથી સાપ્તાહિક પ્રચાર બંધ થઈ ગયો.

એ પછી પણ કોન્નગરના રહેવાસીઓ શ્રીયુત રામચંદ્રને અવારનવાર ત્યાં લઈ જતા હતા. શ્રીરામકૃષ્ણના આદેશથી પણ તે લોકો ત્યાં એક વખત ગયા હતા. એ વખતે કોન્નગર હરિસભાના વાર્ષિકોત્સવમાં ઠાકુરને પણ આમંત્રણ મળ્યું હતું. પરંતુ તેમણે રામબાબુ અને મનમોહનબાબુને જવાની આજ્ઞા આપતાં કહ્યું : ‘તમારા જવાથી જ મારું જવાનું થઈ જશે.’ રામચંદ્રે ત્યાં જઈને ‘સત્યધર્મ શું છે’ એ વિષય પર ભાષણ આપ્યું હતું. પછી સંકીર્તન શરૂ થયું. કીર્તન વખતે રામબાબુ અને મનમોહનબાબુ ભાવમાં વિભોર થઈને નાચવા લાગ્યા. ધીમે ધીમે ભક્ત મનમોહન બાહ્યજ્ઞાન ખોઈને મુક્ત હાસ્ય સાથે નાચતાં નાચતાં પડી ગયા અને અચેતન બની ગયા. સ્થાનિક માણસોએ એમને ખભા પર ઊંચકી લીધા અને ઉચ્ચ સ્વરે હરિનામ કરતા કરતા બહાર રસ્તા પર ફરવા લાગ્યા. રાત્રે એક વાગ્યા સુધી એમની ચેતના પાછી ન આવી. આથી તેઓ બધા તેમને તેમના ઘરે મૂકી ગયા. એ રાત્રે લગભગ ત્રણ વાગે એમને બાહ્યજ્ઞાન પાછું આવ્યું. આ ઘટના પછી તેઓ કોન્નગરના રહેવાસીઓની વિશેષ શ્રદ્ધાના પાત્ર બની ગયા. ઘણા માણસો એમની ચરણરજ પણ લેતા હતા. સાંભળવા મળે છે કે કોન્નગરમાં જ્યારે આવું કીર્તન ચાલી રહ્યું હતું ત્યારે તે સમયે ઠાકુર દક્ષિણેશ્વરમાં ફક્ત કહી રહ્યા હતા : ‘લાગ નજર લાગ !’

આ પ્રમાણેના પ્રચારકાર્ય સિવાય શ્રીરામકૃષ્ણના ઉપદેશોના પ્રચાર માટે ‘તત્ત્વસાર’ નામની પુસ્તિકા તથા અનેક ખંડમાં ‘તત્ત્વપ્રકાશિકા’ રામબાબુએ પ્રકાશિત કરી હતી. તેમાં મનમોહને ઘણી જ મદદ કરી હતી. ઈ.સ. ૧૮૮૫ના મધ્યથી શ્રીરામકૃષ્ણદેવની અનુમતિ મેળવીને નગેન્દ્રનાથ અને ગિરીશચંદ્રની સલાહ મુજબ સુરેન્દ્રનાથ મિત્ર, કાલીપદ ઘોષ અને મનમોહનની આર્થિક સહાયતાથી રામબાબુએ ‘તત્ત્વમંજરી’ નામની માસિક પત્રિકાનું પ્રકાશન શરૂ કર્યું. એમાં મોટા ભાગનાં પૃષ્ઠો ઠાકુરનાં ભાવ અને વાણીથી છવાયેલાં રહેતાં. આ પત્રિકાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવતું. આ રીતે એ સમયે જે લોકો શ્રીરામકૃષ્ણદેવને યુગાવતાર કહીને જનતામાં પ્રચાર કરતા હતા, એમાં મનમોહન અને રામચંદ્ર આગળ પડતા હતા.

 ઠાકુરની માંદગીમાં એમના સેવાકાર્ય માટે અનુગત ભક્ત મનમોહન ખુલ્લે હાથે ધન ખર્ચતા હતા. એ વિશે એક પત્રમાં એમણે પોતાની પત્નીને લખ્યું હતું : ‘એક પૈસો પણ ખોટો ન ખર્ચાય. ખોટા કામમાં જે પૈસા ખર્ચીશ એ માની લેજે કે પ્રભુના સેવાકાર્યમાં ઉપયોગમાં ન આવી શક્યા. આ સમયે પ્રભુની સેવા માટે પુષ્કળ ધનની જરૂર છે. યુવાનો પ્રાણપણે સેવા કરી રહ્યા છે. એમનું સેવાકાર્ય જોઈને આનંદ થાય છે. ધનના અભાવને કારણે આ સેવાકાર્ય થંભી ન જાય એ જોવું એ આપણું આવશ્યક કર્તવ્ય છે.’ કેવળ ધન આપીને જ તેઓ નિશ્ચિંત ન થઈ શક્યા. ક્યારેક ક્યારેક ઓફિસમાં ન જતાં તેઓ બે ચાર દિવસ કાશીપુરમાં રોકાઈ જતા ને ઠાકુરની સેવા કરતા. એટલે સુધી કે તેઓ નોકરી છોડી દેવાનું પણ વિચારી રહ્યા હતા. પરંતુ શ્રીરામકૃષ્ણ એમનો મનોભાવ જાણી ગયા. આથી એમને બોલાવીને એમણે ઓફિસ જવાનું કહ્યું. તેમણે સમજાવી દીધું કે યુવાન ભક્તો બધું કરી રહ્યા છે. બીજા કોઈને અહીં રહેવાની જરૂર નથી. મનમોહને માથું ઝુકાવીને એ આદેશ સ્વીકારી લીધો.

ઠાકુરના પવિત્ર દેહાવશેષની કાંકુડગાછીમાં પ્રતિષ્ઠા થઈ એ પછી મનમોહનબાબુ ઘણીવાર ત્યાં જતા અને ત્યાં સમય પસાર કરતા. વરસાદથી રક્ષણ માટે સમાધિસ્થાન પર કોઈ છત ન હતી. મનમોહનબાબુએ એક દિવસ સ્વપ્નમાં જોયું, એમના પરલોકવાસી માતા કહી રહ્યાં છે : ‘ઠાકુરને ઘણું કષ્ટ થાય છે.’ આ કારણે શ્રીયુર રામચંદ્રની સલાહથી ત્યાં પાકું ચણતર કરવામાં આવ્યું. ઠાકુરની ઈચ્છા હતી કે એમનાં અસ્થિ ગંગાકિનારે પધરાવવામાં આવે. આથી આ પ્રસ્તાવ પર વિરોધ થવા લાગ્યો. આખરે સમસ્યાના સમાધાન માટે એક સભા બોલાવવામાં આવી. એમાં ભક્તોએ એક સ્વીકારપત્ર પર સહીઓ કરી કે ક્યારેક  કોઈએ અસ્થિકુંભનું સ્થાળાંતર  કરવું નહીં. મનમોહનને આ કાર્ય માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો હતો. એ ઉપરાંત મંદિરનું બાંધકામ શરૂ થતાં તેઓ દરરોજ સવારે ત્યાં જતા અને નવ વાગ્યા સુધી ત્યાં દેખરેખ રાખતા. કાલીપૂજા (દિપાવલી) પૂર્વે મંદિરનું અનુષ્ઠાન થયું હતું.

શ્રીરામકૃષ્ણના અસ્થિકુંભને કાંકડગાછીમાં જન્માષ્ટમીના દિવસે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. એ પ્રસંગના સ્મરણમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે શ્રીયુત રામચંદ્રના ઘરથી કાંકડગાછી જવા માટે ગીતવાજિંત્રો સાથે શોભાયાત્રા નીકળતી. મનમોહનબાબુ આ શોભાયાત્રામાં સહુથી આગળ રહેતા. એવા એક કીર્તન (કદાચ ૧૮૯૦ કે ૯૧ ઈ.સ.) ના સંબંધમાં સ્વામી વિરજાનંદે (એ વખતે કાલીકૃષ્ણ) પછીથી કહ્યું હતું : ‘રામબાબુ, મનમોહનબાબુ, દેવેન્દ્રબાબુ, કાલીબાબુ વગેરે ઠાકુરના અનેક ગૃહસ્થભક્તો આ શોભાયાત્રામાં જોડાતા. ‘ત્રિતાપ સે સદા તનુ જલ રહા હૈ’ એ ગીત ગાવામાં આવતું હતું. યોગોદ્યાનમાં પહોંચીને ખૂબ કીર્તન થયાં હતાં. રામબાબુ અને મનમોહન બાબુને ભાવાવેશ થયો. રામબાબુ ‘જય રામકૃષ્ણ’ કહીને હુંકાર કરતા નરકેસરીની જેમ ફરવા લાગ્યા. મનમોહનબાબુ ભાવમાં વિભોર થઈને જાણે કંઈક અપૂર્વ દર્શન કે અનુભૂતિ કરી રહ્યા હતા અને રહી રહીને ખિલખિલાટ હસતા હતા. ક્યારેક ક્યારેક તેઓ કૂકડાની જેમ વાંકા વાંકા દોડતા હતા. ખૂબ આનંદથી નૃત્ય થઈ રહ્યું હતું. અમે બધા વિભોર બની ગયા હતા.’

આ બાજુ વરાહનગર મઠમાં ત્યાગી ભક્તો એકત્રિત થઈને સાધનભજનમાં સમય પસાર કરવા લાગ્યા. પરંતુ એ સમયે અન્નવસ્ત્રોની કારમી તંગી હતી. ઈ.સ. ૧૮૮૭ના આરંભમાં એક દિવસ મનમોહનબાબુ મઠમાં ગયા હતા. ત્યાં તેમણે આ તીવ્ર તંગી નજરે જોઈ આથી તેઓ શાંત રહી શક્યા નહિ. કોલકાતા આવીને એમણે ગિરીશચંદ્ર વગેરે ભક્તોને  એ પરિસ્થિતિની વાત કરીને માસિક સહાયતાનો પ્રબંધ કર્યો. મઠના સાધુઓ બીમાર હોય તો તેઓ તેમને પોતાના ઘરે તેડી આવતા અને એમની સારવાર કરતા. બધા સંન્યાસી તેમના ગુરુભાઈઓ હતા. ઉંમરમાં મોટા હોવા છતાં તેઓ સંન્યાસીની મર્યાદા ભૂલી જતા નહીં. મુલાકાત થતાં જ તેઓ તેમને પ્રણામ કરતા.

દક્ષિણેશ્વર પ્રત્યે પણ એમને સરખું જ આકર્ષણ હતું. તેઓ એક વર્ષ સુધી દરરોજ નિયમિત રીતે ત્યાં જતા અને ધ્યાન વગેરે કરતા. ત્યાં બેસતા ત્યારે ક્યારેક ક્યારેક એમની આંખો લાલ થઈ જતી અને સમયે સમયે આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગતી અને શરીર આવેગથી ધ્રૂજવા લાગતું. એ ઉપરાંત તેઓ જ્યારે ત્યાં જતા ત્યારે મીઠાઈ વગેરે લઈ જતા અને ઠાકુરના ઓરડામાં એ રીતે અર્પણ કરતા જાણે ઠાકુર ત્યાં સાક્ષાત્ બિરાજમાન છે.

ઈ.સ. ૧૮૮૯માં મનમોહનબાબુને એ કઠોર પરીક્ષાનો સામનો કરવો પડ્યો હતો. એક સાથે એમના બે પુત્ર અને એક ભાણેજ કોલેરામાં અવસાન પામ્યા. એમના મૃત્યુની થોડી ક્ષણો પહેલાં એક જ્યોતિર્મય પ્રશાંતમૂર્તિએ જાણે મનમોહનની છાતી પર હાથ મૂકીને બતાવ્યું કે આ વિશ્વસંસાર એક રમવાનું ક્રીડાંગણ માત્ર છે. આ દર્શનના પરિણામે લોકોએ આશ્ચર્યચકિત થઈને જોયું - મનમોહન પુત્ર શોકથી જરા પણ દુ:ખી નથી થયા. ગુરુભાઈઓ આશ્વાસન માટે આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે તેઓ તત્પર બન્યા. જાણે કંઈપણ બન્યું નથી. આ સમય દરમિયાન રામબાબુએ શ્રીરામકૃષ્ણનું જીવનચરિત્ર લખવાનો પ્રસ્તાવ મૂક્યો. એ અંગેની માહિતી મેળવવા માટે મનમોહનબાબુ કામારપુકુર ગયા હતા. ત્યાં શ્રીરામકૃષ્ણના લીલાસહચરો પાસેથી અનેક પ્રસંગો વિષે જાણીને ઘાટાલના રસ્તે થઈને તેઓ પાછા આવ્યા.

ઈ.સ.૧૮૯૧ સુધી શ્રીરામકૃષ્ણલીલાનો પ્રચાર મુખ્યત્વે મહોત્સવ અને નામકીર્તનના માધ્યમથી જ ચાલી રહ્યો હતો. ઈ.સ. ૧૮૯૨થી યોગાદ્યાનના યુવકો નામકીર્તન સહિત નગરભ્રમણ કરવા લાગ્યા. બીજા વરસે ચૈત્ર મહિનાની ૧૯મી તારીખે રામચંદ્રે સ્ટાર થિયેટરના રંગમંચ પરથી ભાષણ આપતાં શ્રીરામકૃષ્ણને અવતારરૂપે ઘોષિત કર્યા. આ કાર્યોમાં તેમને મનમોહનબાબુ વિશેષરૂપે મદદ કરતા હતા. યોગોદ્યાનથી વ્યાખ્યાન સ્થળે રામચંદ્ર સાથે જે સંકીર્તન મંડળ જતું એના નેતા મનમોહનબાબુ જ હતા. એ ઉપરાંત એમના ઉત્સાહથી ચાલતી સિમલા મહોલ્લાની સાપ્તાહિક સભામાં વિશિષ્ટ ભક્તો વારા પ્રમાણે નિબંધ વાંચન કરતા અને શ્રીરામકૃષ્ણદેવની ભાવધારાનો પ્રચાર કરતા. અમેરિકામાં સ્વામી વિવેકાનંદની વિજયપ્રાપ્તિ પછી આ પ્રચાર કાર્ય ખૂબ જ સહજ બની ગયું. શ્રીરામકૃષ્ણને જાણવા માટેનો આગ્રહ વધવાની સાથે અનેક સભાસમિતિઓ ઘડાવા લાગી. આમાંથી ઘણા સાથે ઉદ્યમી ભક્ત મનમોહનનો સહયોગ હતો. આ કાર્ય માટે એમને કોલકાતાની બહાર પણ ઘાટાલ, ઢાકા,નવદ્વીપ,મુર્શિદાબાદ,ગયા,આરા વગેરે અનેક જગ્યાએ જવું પડતું હતું.ઈ.સ ૧૮૯૭માં ભક્તમંડળીના પ્રયત્નથી ‘તત્ત્વમંજરી’ નવા રૂપે પ્રકાશિત થવા લાગી. એમાં નિયમિતરૂપે નિબંધ પણ લખતા હતા.

ઈ.સ.૧૮૯૩ થી ૧૯૦૨ સુધી એમના ઘરમાં દરરોજ ભક્તોનો સમાગમ થતો અને તેઓ દરરોજ અથાકપણે શ્રીરામકૃષ્ણની વાત કહેતા કે સ્વલિખિત નિબંધ વાંચીને સંભળાવતા. સુધીર મહારાજ, કૃષ્ણલાલ મહારાજ ,શરદચંદ્ર ચક્રવર્તી, ભૂપેન્દ્રકુમાર બસુ, ચારુચંદ્ર બસુ, ચંદ્રશેખર ચટ્ટોપધ્યાય અને નિવારણ ચંદ્ર દત્તનાં નામ ત્યાં આવનાર વ્યક્તિઓમાં વિશેષ ઉલ્લેખનીય છે. એ ઉપરાંત ઠાકુરના લીલા-પાર્ષદોમાં સ્વામી અદ્‍ભુતાનંદ, ત્રિગુણાતીતાનંદ, ભવનાથ અને માસ્ટર મહાશય સમયે સમયે એમને ત્યાં પધારતા. એમનાં છેવટના કેટલાક વર્ષો વિષાદથી ભરેલાં હતાં. ઈ.સ ૧૮૯૬ની ૨૦મી એપ્રિલે એમનો પુત્રની જેમ ઉછરેલો ભાણેજ સત્યાનંદ ઘોષ ૧૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યો. એ પછી ૩-૪વર્ષ બાદ એમની પરિણિતા પુત્રી માણિકપ્રભા શ્રીરામકૃષ્ણના નામનું સ્મરણ કરતાં દિવંગત થઈ ગઈ. એના થોડા સમય બાદ જ (ઈ.સ ૧૯૦૦, ૨૩મી માર્ચ) એમની સાધ્વી સ્ત્રી પુરુષોત્તમક્ષેત્રમાં સ્વર્ગ્ો સિધાવી ગઈ. પરંતુ દરેક વખતે શ્રીરામકૃષ્ણ-ગત-પ્રાણ મનમોહન અચલ-અટલ રહ્યા. એમની પત્નીના શ્રાદ્વના દિવસે  મનમોહનને કીર્તન કરતાં કરતાં શંખધ્વનિની સાથે નાચતા જોઈને કોઈ એક વ્યક્તિએ કારણ પૂછતાં એમણે જણાવ્યું: ‘આજે મારી મહામાયાનો અંત થઈ ગયો છે. આજે હું બંધનમુક્ત છું.’ઈ.સ ૧૯૦૨માં એમની બહેન સુરેશ્વરીનું મૃત્યુ થયું.એ સમયે બધાને જણાવી દીધું હતું કે ‘હવે મારો વારો આવવાનો છે.’

પત્નીના વિયોગ પછી મનમોહનબાબુ ફુરસદનો સમય ધર્મપ્રસંગમાં તથા યોગોદ્યાનનાં કાર્યોની દેખરેખ રાખવામાં પસાર કરતા હતા. કયારેક તેઓ આખી રાત ધ્યાન ધરતા જોવામાં આવતા હતા. સવારે નવ વાગ્યા સુધીનો સમય અનુરાગીઓ સાથે શ્રીરામકૃષ્ણના સંબધમાં વાતો થતી. દર શનિવારે એમના ઘરમાં ધર્મસભા બેસતી અને રવિવારે યોગોદ્યાનમાં એ રીતે શ્રીરામકૃષ્ણ વિષે વાર્તાલાપ થતો. પાછલી ઉંમરમાં એમને અનેક અલૌકિક દર્શનો પણ થતાં.કોઈ કોઈ વખત તો તેમને સર્વત્ર શ્રીરામકૃષ્ણનું મુખ દેખાતું અને ત્યારે તેઓ પોતાને પણ ભૂલી જતા.કયારેક કયારેક તેઓ પૃથ્વી પરથી આકાશમાં ઊંચે અદૃશ્ય થઈ જતાં શ્ર્વેત પક્ષીઓનાં ઝૂડને જોતા ત્યારે એમનું મન સ્થળ અને કાળની સીમાની પેલે પાર પહોંચી જતું તો કયારેક તેઓ શ્રીમા શારદાદેવીનું લક્ષ્મી સ્વરૂપે દર્શન કરી બાહ્યજ્ઞાન ભૂલી જતા. એક વખત કાંકુડગાછીના મંદિરની વેદી પર પ્રતિષ્ઠિત થયેલી ઠાકુરની મૂર્તિ સામે જોતાં એમને એવો અનુભવ થયો કે ઠાકુર એમને જોઈ રહ્યા છે. પરંતુ વિશ્વાસ ન બેઠો. આથી એમણે પોતાની આંખોને બરાબર ચોળીને ફરી જેયું તો ફરી એ જ દર્શન. મૂર્તિ એમને જોઈ રહી છે. જોતાં જોતાં તેઓ ભાવસમાધિમાં ઊતરી ગયા. સમાધિ પૂરી થયા પછી પણ સ્વાભાવિક સ્થિતિમાંય હાલતાં-ચાલતાં એમની સામે ઘણા સમય સુધી એ મૂર્તિ ચમકી રહી હતી. એક વખત પુરીધામમાં જગન્નાથ ભગવાનનાં દર્શન માટે ગયાં. તેમણે ઠાકુરને જોઈને આનંદથી કહ્યું : ‘શ્રીરામકૃષ્ણ રૂપ જગનનાથની જય હો.’ બીજી એક વાર કાંકુડગાછીના મંદિરની સામે ઊભા રહીને મનમોહનબાબુ બોલી ઊઠ્યા : ‘રામકૃષ્ણભાવનું પૂર દેશદેશાન્તરોમાં ફેલાઈ જશે.’ એમણે કહ્યું : ‘જુઓ, ત્યાં તો તેઓ ઊભા છે. આનંદથી તાળી પાડી રહ્યા છે. એમના હોઠોમાં મધુર હાસ્ય છે.’ એ પછી એક કલાક સુધી આ ભાવનો આવેશ ચાલ્યો. લોકોએ જોયું કે એમની આંખો લાલ થઈ ગઈ છે. ગાલ ઉપરથી આંસુઓની ધારા વહી રહી છે અને એ શરીર વારંવાર કંપી રહ્યું છે.

કઠોર પરિશ્રમ અને દમના રોગથી એમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે લથડતું જતું હતું. ઈ.સ ૧૯૦૩માં બેલુડ મઠમાં સ્વામી વિવેકાનંદનો જન્મોત્સવ જોઈને તેઓ ઘરે પાછા આવ્યા ને સૂતા પણ પછી ઊઠી ન શક્યા. ડોકટરોના જણાવ્યા પ્રમાણે તેમને પક્ષઘાત થઈ ગયો હતો.પરંતુ સ્વામી પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે અંત સુધી તેઓ યોગસ્થ હતા. ત્રણ દિવસ સુધી પ્રેમાનંદજી મહારાજ એમની પથારી પાસે જ બેઠા રહ્યા. આ ત્રણ દિવસ સુધી મનમોહનના મુખેથી પ્રતિક્ષણ શ્રીરામકૃષ્ણનું નામ જ ઉચ્ચારાતું હતું. જ્યારે ઓષ્ઠ ઉચ્ચારણ કરવા અશક્ત બન્યા તે વખતે પણ તેઓ થોડા ચંચળ બનીને જણાવી દેતા હતા કે અંતરમાં જપ ચાલી રહ્યો છે. જ્યારે એમાં પણ અશક્ત બની ગયા, ત્યારે બીજાઓના મુખે નામ સાંભળીને એમનું શરીર આવેગથી  વારંવાર ધ્રૂજી ઊઠતું હતું અને ૩૦મી જાન્યુઆરીના ૧૯૦૩ના રોજ તેઓ આ સંસારમાંથી ચિર વિદાય લઈને ચાલ્યા ગયા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda