Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

રામચંદ્ર દત્ત

શ્રીયુર રામચંદ્ર દત્ત ઈ.સ.૧૮૫૧ની ૩૦મી ઓકટોબરે ગુરુવાર આસો સુદ છઠના દિવસે કોલકાતાના નારિકેલડાંગા મહોલ્લામાં પિતા નૃસિંહપ્રસાદ દત્તના ઘરને અજવાળતા જન્મ્યા હતા. તેમની અઢી વરસની ઉંમરે જ માતા સ્વર્ગવાસી થવાથી તેઓ નાનપણથી જ માતૃસ્નેહથી વંચિત રહ્યા હતા. માતાને ગુમાવવા છતાંય તેઓ માતાના એક વિશેષ ગુણને હંમેશાં યાદ રાખીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. દયાળુ તુલસીમણિ સઘળું ઘરકામ આટોપીને જ્યારે ભોજન કરવા બેસતાં ત્યારે કોઈ આવીને તેમને પોતાની ગરીબાઈ કે ભૂખના દુ:ખની વાત કહેતું તો તેઓ તેને પોતાનું બધું જ ભોજન આપીને ઊઠી જતાં. કોઈ કારણ પૂછતું તો કહેતાં કે મને ભૂખ નથી. પિતા નૃસિંહપ્રસાદ નિષ્ઠાવાન વૈષ્ણવ હતા. પંડિત તરીકે તેઓ પ્રસિદ્ધ હતા. રામચંદ્રના દાદા સંસ્કૃતના પારંગત પંડિત હતા. એમના અનેક મંત્રશિષ્યો પણ હતા. ઉત્તમ વૈષ્ણવ કુળમાં જન્મધારણ કરીને રામચંદ્ર બાળપણથી જ વૈષ્ણવોની જેમ ભક્તિ તથા અન્ય ગુણોથી વિભૂષિત હતા.

બાળક રામચંદ્ર પોતાના ક્રીડાઘરમાં પોતાના ઠાકુરને ભોગ ધરાવતા. ક્યારેક સખી બનીને શ્રીકૃષ્ણ સામે નાચતા. ક્યારેક મહોત્સવમાં પોતાના જેવડાં બાળકોને બોલાવીને પ્રસાદ વહેંચતા. એ સિવાય તેઓ શ્રીનિવાસ બાબજીના આશ્રમમાં તથા શીખોના બાગમાં આવતા સાધુસંન્યાસીઓ પાસે જતા. વૈષ્ણવ રામચંદ્ર જીવનભર નિરામિષાહારી હતા. તેઓ દસ વર્ષના હતા ત્યારે એક વખત હરિયાળ ગામમાં એક કુટુંબીના ઘરે ગયા હતા. તે ગૃહસ્થ માંસાહારી હતા. આથી એમણે એ પ્રિયદર્શી બાળકને પ્રેમપૂર્વક માંસ ખવડાવવા ઈચ્છ્યું. પણ બાળક એમાં સંમત થયો નહીં. પરંતુ અત્યંત સ્નેહને લઈને તેઓ જબરજસ્તી કરીને બળપૂર્વક ખવડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એથી બાળક તત્ક્ષણ ભોજન અને તેનું ઘર છોડીને કોલકાતા તરફ ચાલી નીકળ્યો. કોઈની ય સમજાવટ ગણકારી નહીં. એની પાસે નહોતા પૈસા કે નહોતી રસ્તા અંગેની કોઈ માહિતી. તો પણ લોકોને પૂછતો તે કોન્નગર પહોંચ્યો. એ સમયે સંધ્યા ઢળી ગઈ હતી. લાચાર થઈને બાળક એ જગ્યાએ બેસીને વિચારવા લાગ્યો કે હવે શું કરી શકાય ? એટલામાં એક સ્નેહાળ ગૃહિણીનું ધ્યાન તેના તરફ ગયું. તેઓ તેને પોતાના ઘરે લઈ ગયાં, ભોજન કરાવ્યું. પણ પોતાના ઘરે જગ્યા ન હોવાથી એક પડોશીની બેઠકમાં રાત રહેવાની વ્યવસ્થા કરવા ત્યાં લઈ ગયાં. એ બેઠકમાં ગંજેરીઓ આવતા હતા. તેઓ મોડી રાત સુધી કેફી પદાર્થોનું સેવન કરતા રહ્યા અને બાળકને પણ પોતાના ટોળામાં ભેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ પરીક્ષામાં પણ બાળક ઉત્તીર્ણ થયો અને સવારે અજવાળું થતાં જ એ મકાન છોડીને સ્ટેશને પહોંચી ગયો. પણ ત્યાં પહોંચવાથી શું વળે ? પૈસા તો હતા નહીં. પરંતુ સદ્‍ભાગ્યે આગલી રાતના ઓળખીતા એક માણસે કોલકાતા જવાના રસ્તે સ્ટેશન પર આ બાળકને જોયો અને કોલકાતાની ટિકિટ તેને લઈ આપી.

તીક્ષ્ણ બુદ્ધિવાળા રામચંદ્ર વિદ્યાલયમાં યોગ્યતા સાથે વિદ્યાભ્યાસ કરવા લાગ્યા અને યોગ્ય સમયે પ્રવેશિકા પરીક્ષા તેમણે પાસ કરી લીધી. પરંતુ એ વખતે એમના પિતાની સ્થિતિ અત્યંત દરિદ્ર હતી. દાદા પુષ્કળ સંપત્તિ છોડી ગયા હતા. પરંતુ પિતા બધું ગુમાવીને નિર્ધન બની ગયા હતા. આથી રામચંદ્ર એક સંબંધીના ઘરે રહીને કૈમ્પબેલ મેડિકલ સ્કૂલમાં ચિકિત્સાનો અભ્યાસ કરતા હતા. સમય આવ્યે એની છેલ્લી પરીક્ષામાં યોગ્યતા સાથે પાસ થયા પછી તેમણે પ્રતાપનગરમાં થોડા દિવસ નોકરી કરી. ત્યારબાદ કોલકાતામાં માસિક રૂપિયા ૪૦ના પગારે ગવર્નમેન્ટ હસ્તક કિવનાઈન પરીક્ષકોના મદદનીશ તરીકે નિયુક્ત થયા. એ દિવસોમાં સી.એચ. વુડ સાહેબ કિવનાઈનના પરીક્ષક હતા. તેઓ રામચંદ્ર પાસેથી ફક્ત રોજનું કામ લઈને જ સંતોષ ન માનતા પણ ફુરસદના સમયે તેઓ તેમને રસાયણશાસ્ત્ર શીખવવા લાગ્યા. થોડા દિવસો પછી સાહેબને પોતાના દેશમાં જવાનું થયું. તે વખતે પોતાના પ્રિય શિષ્ય અને મદદનીશને પોતાના સ્નેહના પ્રતીકરૂપે એક ઘડિયાળ અને થોડાં પુસ્તકો એમણે આપ્યાં. પરંતુ રામચંદ્રે આ સામાન્ય ભેટ કરતાંય બીજી મૂલ્યવાન ભેટ મેળવી હતી. તે હતી સાહેબની એકનિષ્ઠ વિદ્યાપ્રીતિ. એમના હૃદયમાં સાહેબે વિદ્યોત્સાહનું બીજ વાવ્યું હતું. એના પરિણામે રામચંદ્ર રસાયણશાસ્ત્રમાં વિશેષ નિષ્ણાત બન્યા. તેમને શીઘ્ર પ્રસિદ્ધિ મળી અને પુષ્કળ ધન કમાવા પણ સમર્થ બન્યા. એમના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી નારિકેલ ડાંગાનું પૈતૃક મકાન તો ઘણા સમય અગાઉ જ બદલાવી નાખ્યું હતું. હવે રામચંદ્રે સિમુલિયા મહોલ્લાની મધુરાયની ગલીમાં એક નવું મકાન બનાવડાવ્યું.

રામચંદ્રની વિદ્વત્તાનો પ્રચાર એટલો બધો થઈ ગયો હતો કે અનેક બી.એ., એમ.એ. પદવીવાળાઓ અને ડોકટરો એમની પાસે માર્ગદર્શન લેવા આવ્યા કરતા હતા. ધીમે ધીમે તેઓ ઈંગ્લેન્ડની રાસાયણિક સોસાયટીના સભ્ય પણ બન્યા અને કોલકાતા મેડિકલ કોલેજના મિલિટરી વિદ્યાર્થીઓના અધ્યાપકપદે તેમજ મદદનીશ રાસાયણિક ઓફિસરના પદે નીમાયા. એ સિવાય તેઓ વિવિધ શાખા સમિતિઓમાં રસાયણશાસ્ત્ર વિશે ભાષણો પણ આપતા હતા. રસાયણના અપૂર્વ જ્ઞાનના પરિણામે એમણે વૃક્ષની છાલમાંથી કુર્ચિસિન નામની એક અતિસાર પ્રતિરોધક દવાની શોધ કરી હતી. એથી એમનું નામ દેશવિદેશમાં પ્રસરી ગયું અને તેને પરિણામે તેમને પુષ્કળ ધન પણ પ્રાપ્ત થયું. ધીમે ધીમે સરકારી કામમાં માસિક બસો રૂપિયાનો પગાર થઈ ગયો. એ સિવાય પણ સ્વતંત્ર રીતે અનેક પદાર્થોની રાસાયણિક ચકાસણી કરીને પણ તેઓ પુષ્કળ ધન કમાતા હતા. એટલે સુધી કે કોઈ વખત મહિને ૧૦૦૦ રૂપિયા જેટલી રકમ પણ ઘરમાં આવતી.

રામચંદ્ર યુવાનીમાં એક વખત નાટ્યલેખન અને અભિનય પ્રત્યે આકર્ષાયા હતા. પરંતુ એ આકર્ષણ લાંબો સમય ટક્યું નહીં. સાહિત્ય કરતાં વિજ્ઞાનમાં તેમને વધુ આનંદ અને આવક મળતાં તેઓ તે તરફ ઝૂકી ગયા હતા.

એ સમયગાળામાં રામબાબુના કૌટુંબિક અને આધ્યાત્મિક જીવનમાં અનેક પરિવર્તન થયાં હતાં. નોકરીની શરૂઆતમાં એમણે બાલાખાનાના શ્રીયુત ક્ષેત્રમોહન બસુ મહાશયની એકની એક પુત્રી સાથે લગ્ન કર્યાં હતાં. એ પછી વિજ્ઞાનશાસ્ત્રમાં જ્ઞાન પ્રાપ્તિની સાથે સાથે જે રીતે એક બાજુ એમની આર્થિક ઉન્નતિ થવા લાગી બીજી બાજુ તેઓ ધીમે ધીમે નાસ્તિક થવા લાગ્યા. ફક્ત એટલું જ નહીં પણ પ્રસંગ ઊભો થતાં બીજાના વિશ્વાસને આઘાત આપવામાં પણ તેઓ પાછા પડતા નહીં અને ક્યારેક પોતાની તીક્ષ્ણ દલીલોથી બીજાના મતનું ખંડન કરતા. આ કારણે પોતાના ધર્મમાં શ્રદ્ધાળુ સજ્જનો આ નાસ્તિક સાથે વિચાર-વિનિમય કરવા માટે આગળ આવતા નહીં. બાળપણમાં વૈષ્ણવ કુળમાં લાલન-પાલન પામેલો જે બાળક એક સમયે પોતાને હાથે દેવદર્શન કરીને પ્રસાદ વિતરણ તથા મધુર નૃત્ય દ્વારા લોકોને મોહિત કરતો હતો તે જ યુવાનીમાં આ રીતે નિરીશ્વરવાદી થશે એવું કોણે વિચાર્યું હતું ? એ યુગનો સર્વગ્રાસી જડવાદ એ સમયના શિક્ષિત સમાજને જે ગંભીર ભાવથી ગ્રસી રહ્યો હતો તેમાંથી રામચંદ્ર પણ બાકાત રહી શકયા નહીં. ધર્મમાત્રમાં અશ્રદ્ધાળુ રામબાબુ જરૂર જણાય તે સ્થળે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે પણ અવિશ્વાસ વ્યક્ત કરવા આગળ આવતા. એક દિવસ તેઓ ટ્રામગાડીમાં જતા હતા. એટલામાં એક બંગાળી ખ્રિસ્તીબાબુ ત્યાં સ્થળ-કાળનો વિચાર કર્યા વગર મૃત્યુ પછીના રક્ષણ માટે ઈસુ ખ્રિસ્તનું શરણ લેવા માટે કહેવા લાગ્યા. એમની વાત કહેવાની રીત કોઈનેય પસંદ ન હતી. છતાં બધા લોકો ચૂપ રહ્યા. કેવળ રામચંદ્ર યૌવનોચિત પ્રકૃતિથી બોલી ઊઠ્યા : ‘મહાશય, મર્યા પછી રક્ષણ મેળવવા જે થશે તે જોયું જશે. પણ આપ અહીં તો રક્ષણ કરો : આપના ભાષણની જ્વાળાથી જ તો પ્રાણ નીકળી જશે.’ એનું પરિણામ આવ્યું. તુમુલ હાસ્ય ધ્વનિથી વક્તવ્યનો સ્રોત રોકાઈ ગયો. પરંતુ પ્રચારકે રામચંદ્રને છોડ્યા નહીં. ગાડીમાંથી ઊતરીને પણ તેઓ મેડિકલ કોલેજના પ્રવેશમાર્ગમાં પણ ઈસુ ખ્રિસ્તનો મહિમા વર્ણવવા લાગ્યા. નાછૂટકે રામચંદ્રે તેમને કહ્યું : ‘મને કોઈ ધર્મમાં જ વિશ્વાસ-શ્રદ્ધા નથી.’ અને એ સાથે એમણે નાસ્તિકતાના ભાથામાંથી એવાં તો તીખાં બે બાણ ફેંક્યાં કે પ્રચારક મહાશય પોતાની બુદ્ધિને ભ્રમિત થતી જોઈને પીઠ ફેરવીને ભાગ્યા.

નાસ્તિક હોવા છતાં પણ તેમણે ક્યારેય વૈષ્ણવોચિત સદાચારનો ત્યાગ કર્યો ન હતો. એકવાર તેમની પત્નીની માંદગી વખતે ડોકટરે તેને માંસનો રસો આપવાની ભલામણ કરી. આથી એમણે કહ્યું : ‘ભલે મારી પત્ની મરી જાય તો પણ હું ઘરમાં માંસ લાવીને કુલાંગાર નહીં બની શકું.’ સદ્‍ભાગ્યે એ પથ્ય ન આપવા છતાં પણ એમનાં પત્ની સ્વસ્થ થઈ ગયાં.

અત્યાર સુધી તેઓ તર્કની હોડીમાં સંસાર-નદી પર તરતા જઈ રહ્યા હતા. પરંતુ એકાએક શોકનું તોફાન ઊઠ્યું અને એમની હોડીને એવું તો હચમચાવવા લાગ્યું કે તેઓ કેવળ એના ભરોસે નિશ્ચિંત રહી શકયા નહીં. એક દિવસ એમની પ્રાણથી પણ પ્રિય પુત્રી કાળસ્રોતમાં વિલીન થઈ ગઈ. ત્યારે તર્કવાદી રામબાબુના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે મૃત્યુ પછી શું કોઈ ગંભીર તત્ત્વ છુપાયેલું છે ? પછી દીપાવલીના દીપ જલાવતી વખતે તેઓ પોતાના શોક સંતપ્ત મનમાં આ સમસ્યાનું સમાધાન કરવામાં વ્યસ્ત હતા. એમની સામે પ્રકૃતિનું મુક્ત સૌંદર્ય પથરાયેલું હતું. આકાશમાં વાદળાં તરતાં જઈ રહ્યાં હતાં, જેથી એમનાં નયન-મન આનંદથી ભરાઈ ગયાં હતાં. કેવળ વિજ્ઞાનના વિશ્લેષકના માર્ગમાં તો આમ સૌંદર્યનો રહસ્યભેદ પ્રગટતો નથી. આ વિચિત્ર રમતની પાછળ શું કોઈ રમનાર છે ? આ સૌંદર્યના ઉદ્‍ગમસ્થાનમાં શું કોઈ સૌંદર્યવાન છે ? રામચંદ્રની જિજ્ઞાસાએ ધીમે ધીમે બાળપણના વિશ્વાસપૂર્ણ દિવસોને એમના સ્મૃતિપથમાં આરૂઢ કરાવીને અંતરમાં અભિપ્સા જગાવી દીધી : ‘શું ઈશ્વર છે ? શું એમને જોઈ શકાય છે ?’

શ્રીયુત રામચંદ્રના શોકદગ્ધ મનમાં જ્યારે આવી જિજ્ઞાસાનો ઉદય થયો, બરાબર એ સમયે કુલગુરુ એમના ઘરે પધાર્યા. રામચંદ્રે વિચાર્યું કે એમની પાસેથી પથનું સંધાન મળશે. પરંતુ કુલગુરુના આચરણથી એમના જિજ્ઞાસુ મનમાં વિદ્રોહ જાગ્યો. તેઓ હતાશ થઈને બીજે તેનું સંધાન કરવા લાગ્યા. એ સમયે તેઓ બ્રાહ્મ, ખ્રિસ્તી, કર્તાભજા વગેરે સંપ્રદાયના લોકોને મળતા. તેમજ એ સંપ્રદાયોના ધર્મગ્રંથોમાં સત્યનું દર્શન થશે એમ વિચારીને તે વાંચતા હતા. પરંતુ જ્ઞાનવૃદ્ધિ થવા છતાં પણ એથી હૃદયની આકાંક્ષાની પૂર્તિ થઈ નહીં. પરંતુ બ્રાહ્મસમાજ સાથેના પરિચયથી એમને એટલો લાભ થયો કે કેશવચંદ્ર સેન વગેરેના નિબંધ દ્વારા એમને શ્રીરામકૃષ્ણ વિશે જાણવા મળ્યું અને મનમાં એમનાં દર્શનની ઇચ્છા ધીમે ધીમે સુદૃઢ બનવા લાગી.

અંતે ઈ.સ. ૧૮૭૯ની ૧૩મી નવેમ્બરે (દીપાવલી પછીના કારતક મહિનામાં) એક શુભ મુહૂર્તમાં રામચંદ્ર પોતાના મિત્ર મનમોહન અને ગોપાલચંદ્ર મિત્ર સાથે હોડીમાં દક્ષિણેશ્વર પહોંચ્યા. આ પહેલું આગમન હતું. શ્રીરામકૃષ્ણ ક્યાં રહે છે. તેની જાણ ન હતી. ઘાટ પર ઊતરીને ત્યાં મંડપમાં બેઠેલા લોકોને પૂછીને તેઓ ત્રણેય શ્રીરામકૃષ્ણદેવના ઓરડાની ઉત્તર દિશાના વરંડામાં પહોંચ્યા. જોયું તો દરવાજો બંધ હતો અને ઉત્તર-પૂર્વ તરફના વરંડામાં થોડા પોલીસના માણસો બેઠા હતા. પાશ્ચાત્ય ઢબથી શિક્ષિત હોવાને પરિણામે ઘરમાં પ્રવેશ કરવાનો રસ્તો ન મળતાં તેઓ પાછા આવ્યા અને મંડપમાં બેઠેલા માણસોને પૂછીને ખબર પડી કે બારણું અમસ્તું જ બંધ છે, ધક્કો મારતાં તે ખૂલી જશે. આથી તેમણે ધક્કો મારવાથી એકાએક બારણું ખૂલી ગયું. તેઓ ઓરડામાં પ્રવેશ્યા. શ્રીરામકૃષ્ણે જમીન પર પડીને તેમને પ્રણામ કર્યા અને પછી પોતાની જ પથારી પર બેસવાનું કહ્યું. એ લોકોએ પાશ્ચાત્ય રીત પ્રમાણે કેવળ થોડું મસ્તક નમાવીને પોતાના પ્રણામ કર્યા. તેઓ પોતાની જગ્યાએ બેસીને શ્રીરામકૃષ્ણનો ઉપદેશ સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછીને પોતાની શંકાઓનું નિરાકરણ કરવા લાગ્યા. એ પછી શ્રીરામકૃષ્ણની પ્રશાંતમૂર્તિ, મધુવાર્તાલાપ, આડંબરશૂન્યતા તેમજ સહજ અને યુક્તિપૂર્ણ સમસ્યા - સમાધાનની પદ્ધતિ વગેરેથી તેઓ અત્યંત પ્રભાવિત થયા અને સાંજ સુધી ત્યાં રોકાયા. એક અનુપમ આનંદ અને શાંતિ લઈને તેઓ કોલકાતા જવા હોડીમાં રવાના થયા. ગંગા ઉપર એ લોકોએ ફક્ત શ્રીરામકૃષ્ણ વિશે જ વાતો કરી. રામચંદ્રે કહ્યું : ‘આવો તર્કપૂર્ણ ભગવત્‍ સિદ્ધાંત પહેલાં ક્યારેય સાંભળવામાં આવ્યો ન હતો.’ મનમોહને કહ્યું : ‘એમણે આપણી સાથે એવો વ્યવહાર કર્યો છે જાણે આપણને એમની સાથે વર્ષો જૂની ઓળખાણ ન હોય ! અને આપણે એમના અત્યંત પ્રિય સ્વજનો ન હોઈએ !’ આ વાતનું સમર્થન કરતાં પછી રામચંદ્રે કહ્યું : ‘મહાન માણસોનું એ લક્ષણ છે કે તેઓ તદ્દન અજાણ્યા માણસોને પણ ક્ષણવારમાં અપનાવી લે છે.’ પ્રથમ દિવસે જ એમણે પોતાને શ્રીરામકૃષ્ણના સેવક તરીકે જાણી લીધા.

શ્રીયુત રામચંદ્રને આટલા દિવસો પછી અસીમ સાગરમાં કિનારો મળી ગયો. એ પછી તેઓ શ્રીરામકૃષ્ણના આકર્ષણથી દર રવિવારે દક્ષિણેશ્વર જતા અને શ્રીરામકૃષ્ણદેવના કથામૃતથી પોતાના અંતરની તરસ છીપાવતા. આખા અઠવાડિયાના કામકાજના રોકાણમાં પણ તેઓ આ દિવસની પ્રતીક્ષા કરતા રહેતા. તેઓ આ દિવસ આખો દક્ષિણેશ્વરમાં જ રહેતા અને રાત્રે ઘરે પાછા ફરતા. એમણે લખ્યું છે : ‘રવિવારે સંધ્યા સમયે જ્યારે અમે ઘરે પાછા ફરતા ત્યારે ઠાકુરના કથામૃતનું પાન કરીને આનંદવિભોર બની જતા - ઘરે પાછા જવાની ઇચ્છા જ થતી નહીં. એ વખતે સંસાર સંસારરૂપે અનુભવાતો નહીં. એ સમયે અમારાં હૃદય આનંદથી ગાયા કરતાં : ભાવાર્થ : ‘મન તો હવે ફરીથી ઘરે જવા નથી ઇચ્છતું, ઇચ્છા થાય છે કે એ ચરણોની નીચે નિરંતર પડ્યો રહું.’

આ પવિત્ર સંગલાભને પરિણામે જો કે એ સમયે તેઓ આસ્તિક બની ગયા હતા. તથા શ્રીરામકૃષ્ણચરણોમાં પોતાનું સમર્પણ કરી ચૂકયા હતા તો પણ તેમની દિવ્ય ઐશ્વર્યની સાબિતી માટે હૃદયમાં અત્યંત આગ્રહ રહેતો હતો. એ દરમિયાન એમણે એક રાત્રે સ્વપ્નમાં જોયું : ‘તેઓ એક તળાવડીમાં સ્નાન કરીને પવિત્ર બની ગયા હતા. ત્યાં શ્રીરામકૃષ્ણ આવ્યા. તેમને મંત્ર આપ્યો. દરરોજ સ્નાન બાદ ભીનાં વસ્ત્રોમાં જ એ મંત્રનો સો વખત જપ કરવા કહ્યું : ‘આ અદ્‍ભુત સ્વપ્નનો એમના પર એટલો બધો પ્રભાવ પડ્યો કે તેઓ બીજે જ દિવસે દક્ષિણેશ્વર પહોંચ્યા. શ્રીરામકૃષ્ણ પાસે સઘળું નિવેદન કર્યું. ઠાકુરે તે સાંભળીને આનંદથી કહ્યું : ‘સ્વપ્નસિદ્ધ તે જ છે, જેની મુક્તિ સમીપમાં છે.’

અત્યાર સુધી રામબાબુ વિશ્વાસના માર્ગે ઘણા આગળ વધ્યા હોવા છતાં પણ એ સમયે હજુ તર્કબુદ્ધિની સમાપ્તિ થઈ ન હતી. આથી એમના મનમાં શંકા જાગી: ‘સ્વપ્ન એ તો મસ્તિષ્કનો વિકારમાત્ર છે. એના ઉપર શું વિશ્વાસ ? એથી પણ પ્રબળ પુરાવો મળવો જોઈએ.’ અને એ પુરાવો મળતાં પણ વાર ન લાગી. એક દિવસ બપોરે તેઓ પટલડાંગાના ગોલતળાવના દક્ષિણ-પશ્ચિમ ખૂણા ઉપર ઊભા રહીને એક મિત્રને પોતાની માનસિક અશાંતિની વાત કરી રહ્યા હતા. એટલામાં એક લાંબો, શ્યામ રંગનો માણસ ત્યાં આવ્યો અને તે ધીમા અવાજે કહેવા લાગ્યો : ‘ગભરાઓ છો શા માટે ? સહન કરતા જાઓ.’ બંને મિત્રોએ આ પ્રત્યક્ષ જોયું અને સાંભળ્યું. પરંતુ પછી એ માણસ એકાએક ક્યાં અદૃશ્ય થઈ ગયો એની ખબર ન પડી તેઓ તેને શોધ કરતાં પણ મેળવી ન શક્યા. રામચંદ્રે વિચાર્યું : ‘આ પણ મસ્તિષ્કનો વિકાર જ છે.’ પરંતુ એ સમયે એવું લાગ્યું કે આવો વિકાર પણ સારો, જેથી આવી સાંત્વનાની વાણી સાંભળવા મળે અને જેનાથી મન પણ શાંત થઈ જાય. ઠાકુરે એ વિવરણ સાંભળીને મૃદુ હાસ્ય સાથે કહ્યું : ‘એવાં અનેક દૃશ્ય જોવા મળશે.’

એ સમયે પણ રામબાબુના મનમાં શાંતિ-અશાંતિની પ્રકાશ-છાયાની રમત ચાલવા લાગી. અશાંતિની એક અવસ્થામાં તેઓ ‘કંઈ નથી થયું’ કરીને ઠાકુરની પાસે પોતાના મનની વ્યથા પ્રગટ કરવા લાગ્યા. એ સાંભળીને ઠાકુરે ગંભીર ભાવે કહ્યું : ‘હું શું કરું, બેટા ? બધી હરિની ઇચ્છા છે.’ પરંતુ એથી પણ ન અટકતાં રામચંદ્રે પોતાના મનની શાંતિની કામના કરી. ત્યારે ઠાકુરે કહ્યું : ‘હું નથી કોઈનું કંઈ ખાતો કે નથી કોઈ પાસેથી કંઈ લેતો. તમને અહીં આવવાની ઇચ્છા થાય તો આવજો. ન થાય તો ન આવતા.’ કેવી કઠોર ઉપેક્ષા ભરી વાત હતી ! પરંતુ ભક્તને નિષ્કામ પ્રેમ-ભક્તિનો સ્વાદ કરાવવા માટે ક્યારેક ક્યારેક ગુરુને ફરજિયાતપણે આવા નિષ્ઠુર પથનો આધાર લેવો પડે છે. આ અવહેલનાથી રામચંદ્રના વ્યથિત મનમાં અનેક પ્રકારની ચિંતાઓ ઉદ્‍ભવવા લાગી. તે એટલે સુધી કે મનમાં એવો પણ ભાવ આવ્યો કે આ પ્રકારના નિષ્ફળ જીવનથી શું લાભ મળવાનો છે ? આખરે એમણે નિશ્ચય કર્યો : ‘શાસ્ત્રમાં લખ્યું છે કે નામી કરતાં નામનો મહિમા વધારે છે. એથી એમના નામનો જપ કરીને જોઈશ કે ઠાકુરનું મન મારા પ્રત્યે આકર્ષાય છે કે નહીં.’ આમ વિચારીને તેઓ રાત્રે શ્રીરામકૃષ્ણના ઓરડાના ઉત્તરના વરંડામાં પડ્યા રહ્યા અને નામ જપ કરવા લાગ્યા. ઘેરી રાતે ઠાકુર પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને રામચંદ્રની પાસે બેસીને તેમને મધુર વચનોથી સાંત્વના આપી અને એમના મનનો સંતાપ દૂર કરી દીધો.

રામચંદ્ર પૂર્વજીવનમાં ધન ખર્ચ કરવામાં કંજૂસ હતા. ઠાકુર એ જાણતા હતા. એ કારણે બીજા ભક્તોના અનુકરણથી જ્યારે એક વખત રામબાબુએ ઠાકુરને પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કર્યો તો ઠાકુરે તે સ્વીકાર્યો નહીં. પરંતુ પછીથી થોડું વિચારીને એક દિવસ ભક્તવાંછાકલ્પતરુ ઠાકુરે પોતે જ જવાની ઇચ્છા પ્રગટ કરી અને દિવસ પણ નક્કી કરી દીધો. તે પ્રમાણે રામબાબુએ ઇચ્છા ન હોવા છતાં પણ શિષ્ટાચાર જાળવવા માટે સઘળો પ્રબંધ કરી લીધો. બરાબર સમય થતાં ઠાકુર ભક્તો સાથે ત્યાં આવ્યા અને આનંદ કરીને ચાલ્યા ગયા. આથી ભક્તમંડળીમાં રામચંદ્રના મહિમાનો પ્રચાર થયો. પણ તેમ છતાંય તેમના અંતરાત્મા સાથે આનો સુમેળ ન હોવાથી તેઓ એને ઠાકુરના ખરા અર્થમાં શુભાગમન તરીકે જાણી ન શક્યા. થોડા દિવસો પછી ઠાકુરે ફરીથી જણાવ્યું કે વૈશાખી પૂર્ણિમાના ‘ફૂલદોલ’ ઉત્સવના ઉપલક્ષ્યમાં તેઓ રામભવન પધારશે. રામબાબુ કંજૂસ હતા. આથી તેઓ એવો પ્રયત્ન કરવા લાગ્યા કે એ દિવસનો મહોત્સવ પોતના ઘરે ન થાય પણ બીજે ક્યાંક યોજાય. પરંતુ સત્યનિષ્ઠ શ્રીરામકૃષ્ણના મતનું પરિવર્તન ન થયું. નાછૂટકે એમને આ સ્વીકારવું પડ્યું. એ દિવસે ભક્તોનું આગમન, સંકીર્તન તથા શ્રીમુખના વચનામૃતથી રામભવન પુલકિત અને પવિત્ર થયું. ઠાકુરની કૃપાથી રામચંદ્રની કંજૂસાઈ પણ દૂર થઈ ગઈ. નવું જીવન મેળવીને એ પછી આ શુભદિવસની યાદમાં તેઓ દર વર્ષે આ દિવસે ઉત્સવનું આયોજન કરતા. કહેવું નહીં પડે કે એ વૈશાખી પૂર્ણિમા પછી એ ઘરમાં ઠાકુરનું અનેકવાર શુભાગમન થયું હતું. એ દિવસોની સુવ્યવસ્થાથી ઠાકુર એટલા બધા પ્રસન્ન થયા હતા કે બીજા ભક્તોના ઘરમાં એમનું શુભાગમન થવાનું હોય અને એ પ્રકારના મહોત્સવનું આયોજન કરવાનું હોય ત્યારે તેઓ તે તે ભક્તોને રામચંદ્રની સલાહ લેવાનું કહેતા. અનેક ક્ષેત્રોમાં રામબાબુ પોતે જ પ્રવૃત્ત થઈને ત્યાંના કાર્યસંચાલનનો ભાર પોતાના હાથમાં લઈ લેતા.

ફૂલદોલના બીજો દિવસે રામચંદ્ર દક્ષિણેશ્વર ગયા. ત્યાં ઘણા સમય સુધી ઠાકુરના કથામૃતનું પાન કર્યું. તેઓ રાત્રે લગભગ દસ વાગ્યે પોતાના ઘરે જવા માટે ઊઠ્યા, તે વખતે ઠાકુર એકાએક ઓરડાની બહાર આવ્યા અને એમને પૂછ્યું : ‘શું માગો છો ?’ રામચંદ્ર દ્વિધામાં પડી ગયા. સામે સાક્ષાત્ નયન-વિમોહન, કલ્પતરુ સમસ્ત પ્રાણ મનને આકર્ષી રહ્યા છે. પરંતુ અંતરમાં કોઈ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છા જણાતી નથી. પછી કંઈ નક્કી ન કરી શકવાથી એમણે કહ્યું : ‘પ્રભુ, શું માગવું એ મને સમજાતું નથી. શું માગવાનું હોય તે મને તમે બતાવો.’ રામચંદ્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા. ત્યારે ઠાકુરે રામચંદ્ર પાસેથી એમને સ્વપ્નમાં મળેલ મંત્ર પાછો લઈ લીધો અને એમને સમજાવી દીધું કે ભવિષ્યમાં એમનાં સાધન-ભજન હશે શ્રીરામકૃષ્ણ-પ્રીતિ. એ પ્રેમની સામે બહારનાં સાધન તુચ્છ છે. એ દિવસે રામચંદ્ર એક નવા સત્યની પ્રાપ્તિ કરીને પરિતૃપ્ત હૃદયે પોતાના ઘરે પાછા આવ્યા. એમણે જાણી લીધું કે શ્રીરામકૃષ્ણ જ એમના આરાધ્ય દેવતા છે અને એકમાત્ર પ્રેમ જ એમની આરાધના છે.

શ્રીરામકૃષ્ણના આદેશ અને પ્રેરણાથી ભક્ત-પ્રવર રામચંદ્રના જીવનનું એક મુખ્ય વ્રત હતું - ‘ભક્ત સેવા’. પહેલાં જ કહેવાયું છે કે શ્રીરામકૃષ્ણની સાથે ઘનિષ્ઠ મિલન પહેલાં રામચંદ્ર ધન ખર્ચવાની બાબતમાં અત્યંત સાવધાન હતા. ક્યારેક ક્યારેક તો એ ભાવ કંજૂસાઈરૂપે પ્રગટતો. કદાચ એનો પ્રતિકાર કરવા માટે ઠાકુરે એક દિવસ રામચંદ્રની સામે કહ્યું : ‘વકીલ અને ડોકટરનું ધન હું લઈ શકતો નથી.’ પરંતુ રામબાબુએ ડોકટરની પરીક્ષા પાસ કરી હતી. છતાં તેઓ એ વ્યવસાય કરતા ન હતા. તેઓ તો રાસાયણિક ચકાસણી - કાર્યમાં નિમાયેલા હતા. તો પણ એ વાત એમના મનમાં ખૂંચી ગઈ. ભક્તનું ધન પોતાના ઈષ્ટદેવની સેવામાં નહીં આવે એ તો મોટું સંકટ કહેવાય. આ કારણે આ બાબતમાં એમણે શ્રીરામકૃષ્ણની સ્પષ્ટ સૂચના માગી. ઠાકુરે કહ્યું : ‘તમે ભક્તોની સેવા કરો એથી મારી સેવા થઈ જશે.’ એ દિવસથી રામચંદ્રનું આંગણું ભક્તોની મિલનભૂમિ અને સંકીર્તન ક્ષેત્રમાં ફેરવાઈ ગયું. ત્યાં નિત્ય પચ્ચીસ-ત્રીસ ભક્તોની સમાગમ થતો અને બધા લોકો ભરપૂર પ્રસાદ મેળવતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ કાંકુડગાછીમાં એમની ભક્તપ્રીતિ જોઈને જણાતું હતું કે ઠાકુરના વિધાનને જ એમણે પોતાના જીવનના ધ્રૂવ આધાર તરીકે સ્વીકાર્યું હતું અને પોતાના વર્તન અને વાણીથી તેઓ સ્પષ્ટ જણાવી દેતા હતા : ‘જે વ્યક્તિ શ્રીરામકૃષ્ણની આરાધના કરે છે તે જ મારો પ્રાણ છે.’ એમના શ્રીમંદિરની સામે જે કોઈ માણસ જય શ્રીરામકૃષ્ણ કહીને પ્રણામ કરે તો તે વિરોધી હોય તો શ્રીરામકૃષ્ણ ગત-પ્રાણ રામચંદ્રના હૃદય પર વિજય મેળવી લેતો.

રામચંદ્રે ઠાકુરના મુખે સાંભળ્યું હતું : ‘ભક્તનું ધન પુલની નીચેના પાણી જેવું છે. પુલની નીચેનું પાણી સંગ્રહ થતું નથી.’ આ કારણે તેઓ ધનસંચય ન કરતાં ભક્તસેવા પ્રત્યે જ વધુ ધ્યાન આપતા હતા. ફક્ત એટલું જ નહીં પણ ધનના અભાવના દુ:ખથી જો કોઈ એમના દરવાજે આવતું તો તે ક્યારેય ખાલી હાથે પાછું ફરતું નહીં.

રામચંદ્રે ઠાકુરને ઈષ્ટદેવના રૂપે સ્વીકાર્યા હોવા છતાં પણ તેઓ એમના મુખે એમનું સ્વરૂપ જાણવાની ઇચ્છા રાખતા હતા. એક દિવસ તેઓ દક્ષિણેશ્વરમાં સંધ્યાકાળે બેઠા હતા અને ઠાકુરના શ્રીમુખને એકીટશે નીરખી રહ્યા હતા. આથી ઠાકુરે પૂછ્યું : ‘શું જુઓ છો ?’ રામબાબુએ કહ્યું : ‘આપને.’ પછી પ્રશ્ન થયો : ‘તમે મને શું માનો છો ?’ રામબાબુએ ઉત્તર આપ્યો : ‘આપને હું શ્રી ગૌરાંગરૂપે માનું છું.’ એ વખતે તેઓ ‘ચૈતન્ય ચરિતામૃત’ વાંચતા. ઉત્તર સાંભળીને ઠાકુરે થોડી ક્ષણ મૌન રહીને કહ્યું : ‘બ્રાહ્મણી પણ (ભૈરવી-બ્રાહ્મણી) એવું જ કહેતી હતી.’ એ વિશ્વાસ રામચંદ્રના મનમાં એવો તો દૃઢ થઈ ગયો હતો કે એક દિવસ એમણે ગિરીશચંદ્રને પકડીને રુંધાયેલા સ્વરે કહ્યું હતું : ‘ગિરીશભાઈ, શું માનો છો ? આ વખતે એકમાં ત્રણ છે - ગૌરાંગ, નિત્યાનંદ અને અદ્વૈત આચાર્ય. આ ત્રણેયનો સમન્વય જ શ્રીરામકૃષ્ણદેવ છે. એક જ આધારમાં પ્રેમ, ભક્તિ અને જ્ઞાન.’

રામચંદ્રનો વિશ્વાસ અદ્વિતીય હતો એકવાર દર્દથી પીડાતા હોવા છતાં પણ તેઓ શ્રીરામકૃષ્ણના ચરણામૃત સિવાય બીજી કોઈ જ દવા પીતા ન હતા. બંધુ-બાંધવની સલાહ, એટલે સુધી કે શ્રીરામકૃષ્ણના ઉપદેશથી પણ તેઓ પોતાની દૃઢપ્રતિજ્ઞામાંથી ચ્યુત થયા નહીં. સદ્‍ભાગ્યે ગુરુચરણામૃતથી જ તેઓ સાજા થઈ ગયા. તેઓ હંમેશાં ઠાકુરનો પ્રસાદ લઈને જ પછી ભોજન કરતા. આથી પ્રસાદીની મીઠાઈ વગેરે ઘરમાં લાવીને રાખતા. સ્નાન બાદ એમાંથી કણિકા લઈને પછી જ ભોજન કરતા. એક દિવસ પ્રસાદ કરવા માટે થોડી મીઠાઈ લઈને તેઓ દક્ષિણેશ્વર ગયા. ત્યાં એને રાબેતા મુજબ શ્રીરામકૃષ્ણ પાસે મૂકી પણ તેઓ આ બાબતમાં ઉદાસીન જ રહ્યા. એટલે સુધી કે સંધ્યા પહેલાં તેમણે તેનો સ્પર્શ પણ ન કર્યો અને તેઓ તો પંચવટી તરફ ચાલ્યા ગયા. રામબાબુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઘરે પાછા જવું પડશે અને મીઠાઈનો પ્રસાદ તો ન બન્યો. હવે શું થશે ? આખરે એમણે નિશ્ચય કર્યો કે પાસેની થૂંકદાનીમાં ઠાકુરનું મુખામૃત છે. એનો સ્પર્શ કરાવવાથી મીઠાઈ પ્રસાદ બની જશે. જેવી શ્રદ્ધા હતી તે જ પ્રમાણે કાર્ય કરવા પ્રવૃત્ત થયા. તેમ કરવા ગયા ત્યાં જ બરાબર એ જ વખતે ભક્તને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા જોઈને શ્રીરામકૃષ્ણ પંચવટીમાંથી પાછા આવી પહોંચ્યા અને એમને એમ કરતા અટકાવીને મીઠાઈમાંથી થોડી ગ્રહણ કરીને પ્રસાદ બનાવી આપ્યો. શ્યામપુકુરમાં કાલીપૂજાની રાતે પૂજાની તમામ સામગ્રી હાજર હોવા છતાં પણ પૂજાના પ્રારંભ થવાનાં ચિહ્નો ન જોતાં ભક્તોનાં મન મૂંઝાઈ ગયાં. એ સમયે શ્રીયુત્ રામે જ ગિરીશચંદ્રને ઉત્સાહ આપતાં કહ્યું : ‘તમે જાઓ ને જાઓ.’ તુરત ગિરીશના અનુકરણ પર ઠાકુરની શ્રીચરણોમાં પુષ્પાંજલિઓ અર્પણ થવા લાગી અને ’જય જયના શબ્દ ધ્વનિથી ઘર ગૂંજી રહ્યું.’

રામબાબુની માન્યતા હતી કે શ્રીરામકૃષ્ણ જે સ્થળે પધારતા અને જેને સ્પર્શતા તે સઘળું પવિત્ર થઈ જાય છે અને એમને સ્પર્શતાં બીજા લોકો પણ નિષ્પાપ બની જાય છે. એટલે સુધી કે દૂરથી એનું દર્શન પણ મુક્તિદાયક છે. ઠાકુરના લીલાવસાન પછી એક દિવસ આ પ્રસંગ વિષે વાતચીત ચાલી રહી હતી. એમાં એક શ્રોતાએ અવિશ્વાસથી કહ્યું : ‘ત્યારે તો ચિંતા જ શું ? કોણ જાણે રસ્તે ચાલતાં કેટલાય માણસોએ એમને જોયા છે. કેટલીય ગાડીઓમાં તેઓ બેઠા છે. એમના કોચવાન, સાઈસ વગેરેએ તેમને જોયા છે. શું તેઓ બધા મુક્ત થઈ જશે ?’ અવિશ્વાસના અપ્રિય ઉષ્ણવાયુના સ્પર્શથી રામચંદ્રનું મુખ લાલચોળ થઈ ગયું અને એમના કંઠમાંથી હુંકાર નીકળ્યો : ‘જાઓ, જાઓ, એ ગાડીવાન અને સાઈસના પગની થોડી ધૂળ લો તો તમારા જેવા લાખો મનુષ્યોનાં જીવન ધન્ય બની જશે !’ આ ઉદાત્ત કંઠના આવેગમય આઘાતથી ટીકાકારનું મન એ દિવસથી બદલાઈ ગયું.

રામચંદ્રની ઇચ્છા હતી કે પોતાના તથા બીજાના ઉપયોગ માટે શ્રીમુખની વાણી લખી રાખે. એ દિવસથી તેઓ કાગળ-પેન્સિલ લઈને દક્ષિણેશ્વર જતા અને ઠાકુરના ઉપદેશો લખી રાખતા હતા. એ જોઈને ઠાકુરે એક દિવસ કહ્યું: ‘રામ, તમે આટલું કષ્ટ કેમ ઉઠાવો છો ? પછી જોજો કે તમારું મન જ તમારું ગુરુ બની ગયું છે.’ પ્રભુના ઈશારા અને આશીર્વાદથી રામચંદ્ર એ કામથી નિવૃત્ત થયા. પરંતુ શ્રીરામકૃષ્ણના પ્રચારના આનંદે તેમને પ્રબળ રીતે આકર્ષીને એમને માટે એક નવા કાર્યક્ષેત્રની રચના કરી. ઠાકુરની લીલાવસ્થામાં જ એમણે એમની આજ્ઞાનુસાર કોન્નગરની હરિસભામાં ‘સત્ત્વધર્મ શું છે ?’ એ વિષય પર ભાષણ આપ્યું. એ ઉપરાંત પણ ઠાકુરના ઉપદેશ પ્રચારની ઈચ્છાથી ઈ.સ.૧૮૮૫ના એ મહિનામાં તેમણે ‘તત્ત્વસાર’ નામનું એક પુસ્તક છપાવ્યું. ભક્તોએ શરૂઆતમાં આ કાર્યમાં અવરોધ ઊભો કર્યો હતો, એટલી હદે કે શ્રીરામકૃષ્ણ પાસે પણ તે વિષે ફરિયાદ કરવામાં આવી હતી. એ કારણે ઠાકુરે રામચંદ્રને એકાંતમાં બોલાવીને પૂછ્યું : ‘કેમ રે, આ લોકો કહેતા હતા કે તમે કંઈક છપાવ્યું છે. એમાં શું લખ્યું છે?’ રામચંદ્રે જણાવ્યું કે એમાં શ્રીમુખના ઉપદેશોને જ છપાવ્યા છે અને થોડી ઝલક પણ બતાવી છે. એ સાંભળીને ઠાકુરે જરા પણ વાંધો ન લીધો. તો પણ એમને ચેતવી દીધા કે એ કાર્યમાં જો એમનો કંઈ પણ કર્તાભાવ રહ્યો હશે તો એથી સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય,  અહંકારશૂન્ય ભાવથી જ એ કરવું પડશે. એ સિવાય એમણે એમ કહ્યું : ‘જુઓ, અત્યારે મારી જીવનકથા ન છપાવતા. નહીં તો મારું શરીર નહીં રહે.’ રામે તે નતમસ્તકે સ્વીકારી લીધું. ઠાકુરના લીલાવસાન પહેલાં જ તેમણે ઉપદેશ પ્રચારના જ ઉદ્દેશ્યથી ‘તત્ત્વમંજરી’ નામની ધર્મવિષયક માસિક પત્રિકા પ્રકાશિત કરી હતી. એ પત્રિકા લીલાવસાન પછી પણ થોડા સમય સુધી પ્રકાશિત થતી રહી. ખરેખર એ યુગમાં કેશવચંદ્ર પછી રામચંદ્રે જ રામકૃષ્ણ પ્રચારની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી હતી.

શ્રીરામકૃષ્ણ ભક્ત-વૃંદના કીર્તનથી પડોશીઓને હેરાનગતિ થાય છે એ જોઈને રામબાબુએ એક દિવસ ઠાકુરને જણાવ્યું કે એકાંત સ્થળે એક સાધનામંદિર સ્થાપવું જરૂરી છે. એ શુભ સંકલ્પને અનુમોદન આપીને ઠાકુરે કહ્યું : ‘એવા સ્થળે એક બાગ ખરીદો, જ્યાં સો ખૂન થવા છતાં પણ કોઈને ખબર ન પડે.’ એ પછી ઈ.સ.૧૮૮૩ના મધ્યભાગમાં કાંકુડગાછીમાં બગીચાવાળું એક મકાન ખરીદવામાં આવ્યું. એ જ વર્તમાન શ્રીરામકૃષ્ણ યોગોદ્યાનનું પ્રારંભબિંદુ હતું. એ દિવસોમાં તે સ્થળ જંગલથી ભરેલું હતું. રસ્તે પણ કીચડ હતો. એ ખરીદી લીધા પછી ઠાકુર એક દિવસ એ જોવા ગયા હતા. (૧૮૮૩, ૨૬ ડિસેમ્બર) આજકાલ જ્યાં સમાધિમંદિર છે, ત્યાં ત્યારે તુલસીનું વન હતું. ઠાકુરે તેના એક છોડની નીચે પ્રણામ કર્યા, કોલકાતાથી લાવવામાં આવેલાં ફળ-મીઠાઈ વગેરે ખાઈને તળાવડીમાંથી પાણી પીધું. ત્યાં એક જગ્યાએ બેસીને ભગવત્પ્રસંગનો ઉપદેશ આપ્યો, બીજી એક જગ્યાએ પંચવટી બનાવવાનો આદેશ આપ્યો. તે આદેશનું પાલન કરવામાં આવ્યું. શ્રીરામકૃષ્ણના સ્પર્શથી પ્રત્યેક પદાર્થ પવિત્ર થઈ ગયો છે, એમ માનીને રામચંદ્રે બગીચાના આંબાના વૃક્ષનું નામ રાખ્યું ‘શ્રીરામકૃષ્ણ-ભોગ’ અને તળાવનું નામ રાખ્યું ‘શ્રીરામકૃષ્ણ-કુંડ’. જ્યાં તેઓ બિરાજ્યા હતા એ સ્થળ સુરક્ષિત રાખવામાં આવ્યું અને જે તુલસીવૃક્ષ નીચે તેમણે પ્રણામ કર્યા હતા ત્યાં તેમનાં પવિત્ર અસ્થિ પધરાવીને તેના ઉપર મંદિર બાંધવામાં આવ્યું. રામચંદ્રે સર્જેલી પંચવટીની જગ્યા અત્યારે પણ સુરક્ષિત રાખવામાં આવી છે. ખરેખર શ્રીરામકૃષ્ણનાં ચરણસ્પર્શ અને રામચંદ્રની ભક્તિના મિશ્રણથી કાંકુડગાછી યોગોદ્યાન આજે શ્રીરામકૃષ્ણ સંઘનું મહાન તીર્થધામ બની ગયું છે.

શ્રીરામકૃષ્ણના સત્સંગને પરિણામે શ્રીયુત રામચંદ્ર ફક્ત અદ્વિતીય ભક્તિના જ અધિકારી બન્યા ન હતા, પરંતુ નિ:સ્પૃહા પણ એમનામાં સ્વત: સિદ્ધ બની ગઈ હતી. રાસાયણિક પરીક્ષક તરીકે એકવાર એમણે એક વેપારીના કેરોસીનની ચકાસણી કરી. જોયું કે તે ભેળસેળવાળું છે. વેપારી સમજી ગયો કે આ વાત જાહેર થતાં એને લાખો રૂપિયાનું નુકસાન જશે. આથી કેટલાય હજાર રૂપિયાની લાંચ આપીને પોતાનું કામ પાર પાડવા તે આવ્યો. પરંતુ રામચંદ્રે ઘૃણાથી એ રકમનો તિરસ્કાર કરી દીધો. એમના ઉપર અધિકારીની જગ્યા ખાલી થતાં કેટલાક લોકોએ એ જગ્યા માટે અરજી કરી. પરંતુ રામચંદ્ર નિર્વિકાર રહ્યા. ઓફિસના મોટા સાહેબને આ વાતની ખબર પડી. એમણે રામચંદ્રને જ આ પદ માટે સહુથી વધુ યોગ્ય માનીને અરજી કરવા આદેશ આપ્યો. તે સમયે તો રામબાબુએ એમ જ કર્યું. પરંતુ પછીથી એમને ચિંતા થઈ કે વિવેક અને વૈરાગ્ય વિશે શ્રીરામકૃષ્ણના ઉપદેશ વિશે તેઓ ભાષણ આપે છે. એનો પ્રચાર પણ કરવામાં આવ્યો છે અને હવે તેઓ પોતે જ ધનલોભથી બીજાના મોઢાનું અન્ન છીનવી લેશે ? આથી એમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી ને ફાડી નાખી. આ જાતનું પ્રલોભન ક્યારેક ક્યારેક અન્ય પ્રકારે આવૃત થઈને એમની સામે આવતું. પરંતુ એનું ઉપરનું આવરણ ખોલીને મૂળભૂત સત્યને શોધી કાઢવામાં એમને બહુ સમય લાગતો નહીં. એક સમયે યોગોદ્યાનની પરિસ્થિતિ બગડતી જોઈને એક વેપારીએ તેમની આગળ પોતાના નાણાંથી ત્યાં મંદિર વગેરે બનાવી આપવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ રામચંદ્રે એ સ્વીકાર્યો નહીં; કેમ કે તેઓ જાણી ગયા હતા કે આ કામના બદલામાં એ વેપારી પોતાના ધન વગેરે વસ્તુઓમાં એમની પાસેથી ઉત્તમ પ્રમાણપત્ર મેળવવાની આશા રાખે છે !

એમનો આવો વૈરાગ્ય કૌટુંબિક જીવનમાં પણ સ્પષ્ટરૂપે પ્રગટ થતો હતો. એમની એક અત્યંત પ્રિય પુત્રીનું દાઝી જવાથી અવસાન થયું. એ સમયે એમને શાંત જોઈને એક માણસે આશ્ચર્યચકિત થઈને તેમને કારણ પૂછ્યું. તો તેમણે ઉત્તરમાં કહ્યું : ‘પ્રભુએ પુત્રી આપી હતી, હવે તેમણે જ તેને લઈ લીધી છે. એમાં મને દુ:ખ પ્રગટ કરવાનો શું અધિકાર છે ?’ તેઓ પુષ્કળ ધન કમાતા હતા પણ પરિવાર માટે કંઈ જ બચત થતી ન હતી. આથી એક મિત્રે એમને ઠપકો આપ્યો હતો ત્યારે એમણે કહ્યું : ‘મેં એક દિવસ પણ એવું નથી વિચાર્યું કે પત્નીને ભોજન હું આપું છું. પ્રભુ જ મને અને મારી સ્ત્રીને ભોજન આપી રહ્યા છે. હું નહીં હોઉં તો પણ તેઓ જ ખવડાવશે.’

ઠાકુરના દેહાવસાન પછી એમની પવિત્ર ચિતાભસ્મ સમાધિસ્થ કરીને એના ઉપર સ્મૃતિમંદિર બાંધવા માટે બીજી કોઈ લાયક જમીન ન મળી. આથી રામચંદ્રના આગ્રહથી અને શ્રીરામકૃષ્ણ ભક્તોની સંમતિથી સાત દિવસ પછી જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા કરીને ભક્તોએ ચિતા-ભસ્મપૂર્ણ કુંભને કાંકુડગાછીના ઉદ્યાનભવનમાં લઈ જઈને પ્રતિષ્ઠા કરી. એ દિવસથી પાંચ-છ મહિના સુધી નિત્યગોપાલ દરરોજ પૂજા વગેરે કરતા રહ્યા અને રામચંદ્ર એ અંગેનો બધો ખર્ચ આપતા હતા. પછી નિત્યગોપાલ બીમાર પડતાં એક પગારદાર બ્રાહ્મણ સેવા-પૂજા કરવા લાગ્યો. રામબાબુ દરરોજ સવારે ત્યાં જઈને પાછા આવી જતા હતા. ફક્ત રજાનો આખો દિવસ ત્યાં જ પસાર કરતા હતા. એકાએક એક દિવસ ત્યાં જઈને તેમણે જોયું કે પ્રભુને માટે લાવવામાં આવેલી મીઠાઈ પર કીડીઓ ચડી છે. એ દિવસથી સેવા અપરાધથી ડરીને તેઓ પોતે જ કાંકુડગાછીમાં રહીને પોતાના હાથે જ પૂજા, આરતી ભોગ નિવેદન વગેરે મોટાભાગનાં કામ કરવા લાગ્યા.

એમના યોગોદ્યાનમાં વસવાટના સમાચાર સાંભળીને કેટલાક ધાર્મિક યુવાનો ત્યાં ઠાકુર સેવામાં સહાયતા આપવા અને તત્ત્વોપદેશ સાંભળવા આવવા લાગ્યા. એમાંથી કોઈ કોઈ તો ગૃહત્યાગનો સંકલ્પ લઈને યોગોદ્યાનમાં જ રહેવા લાગ્યા. એ યુવકો સિવાય બીજા ઘણા તત્ત્વજિજ્ઞાસુ લોકો પણ રજાના દિવસે રામચંદ્ર પાસે આવવા લાગ્યા. તે યુવકોને દર રવિવારે શ્રીરામકૃષ્ણ-નામના કીર્તન માટે કોલકાતાના માર્ગો પર મોકલવામાં આવતા. ધીમે ધીમે રામબાબુના પ્રચાર પ્રયત્ને એક બીજું રૂપ ધારણ કર્યું. ઈ.સ. ૧૮૯૨ના ચૈત્ર મહિનામાં ગુડફ્રાઈડેના દિવસે એમણે સ્ટાર થિયેટરના મંચ પરથી ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ - અવતાર છે કે નહીં ?’ એ વિષય પર એક સાર્વજનિક ભાષણ આપ્યું. ભાષણ પહેલાં થોડા ભક્તોએ આ રીતના પ્રત્યક્ષ ભાષણનો વિરોધ કર્યો હતો. પરંતુ રામબાબુ સંકલ્પચ્યૂત થયા નહીં.  એટલું જ નહીં, એ દિવસનું ભાષણ સફળ રહ્યું. તેથી તેમણે ધીમે ધીમે સ્ટાર થિયેટર, સિટી થિયેટર અને મિનરવા થિયેટરમાં શ્રીરામકૃષ્ણના ઉપદેશને આધારે કુલ ૧૮ ભાષણ આપ્યાં હતાં. (ઈ.સ. ૧૮૯૩-૯૭)

શ્રીરામકૃષ્ણને સંસારભરમાં પ્રચારિત કરવાની આકાંક્ષા અદમ્ય હોવા છતાં પણ રામચંદ્રનું સ્વાસ્થ્ય તૂટતું જતું. ધર્મવિષયક ધારાવાહિક ભાષણો શરૂ કરતાં પહેલાં જ તેઓ મધુપ્રમેહ (ડાયાબીટીસ) રોગનો ભોગ બન્યા હતા. પરંતુ રોગ પ્રત્યે ધ્યાન ન દેતાં, પથારીવશ ન થયા ત્યાં સુધી તેઓ એમના કર્તવ્યપાલનમાં મંડ્યા રહ્યા. એ સમયે પૃષ્ઠવ્રણ, આમાશય વગેરે દર્દથી ઘેરાયેલા હોવા છતાં પણ તેઓ ઓફિસનું કામ તથા રામકૃષ્ણ પ્રચાર સમાન ભાવે કરતા રહ્યા. ધીમે ધીમે રોગે મોટું રૂપ ધારણ કરી લીધું. એ વખતે એકવાર જાંઘમાં ખૂબ જ પીડા થવાથી તેમને રાતે ઊંઘ ન આવી. એક સમયે એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી કે ઘણા લોકોએ તેમના જીવવાની આશા છોડી દીધી હતી. છતાંય સાજા થઈ ગયા. પણ પછી તેમને લાગ્યું કે શરીર સત્ત્વહીન થઈ ગયું છે, છતાં પણ માનસિક શક્તિના બળ પર નિયમાનુસાર આરંભેલાં કાર્યો તેઓ પૂરાં કરતા રહ્યા. પરંતુ ડોકટરોએ એમને ફરીથી માસિક ભાષણ આપવાની મંજૂરી આપી નહીં. એ કારણે હવે ‘તત્ત્વમંજરી’ જ બન્યું તેમનું જનતામાં પ્રચારનું એકમાત્ર સાધન. તે ઉપરાંત પણ ભક્ત ગોષ્ઠિઓમાં પહેલાંની જેમ રજાના દિવસે યોગોદ્યાનમાં ધર્મપ્રસંગ ચાલવા લાગ્યા. એ દિવસોમાં મિત્રોના આગ્રહભર્યા આમંત્રણથી અને ડોકટરોની સલાહથી તેઓ વચ્ચે વચ્ચે પોતાના ઘરે રહી આવતા હતા. પરંતુ એમનું કાયમી નિવાસસ્થાન તો યોગોદ્યાન જ હતું.

રામબાબુના પ્રચારની એક પદ્ધતિ હતી. તેમની બુદ્ધિને જે કામ સારાં લાગતાં તે જ કામ તેઓ પૂરા ઉત્સાહથી કરતા. એ રીતે કોન્નગરમાં ભાષણ, ઈ.સ. ૧૮૯૦ના જુલાઈમાં ‘શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના જીવનવૃત્તાંત’ પુસ્તકનું પ્રકાશન, તેમજ તેમના ઉપદેશોનો સંગ્રહ કરીને ઈ.સ. ૧૮૮૬ના જુલાઈથી ‘તત્ત્વ પ્રકાશિકા’ નામના પુસ્તકનું ખંડવાર છાપકામ વગેરે કાર્યો કર્યાં. આ પ્રકારનો વધુ પડતો ઉત્સાહ ઘણાંને અહંકાર રૂપે દેખાતો હોવા છતાં પણ ખરેખર તો તે અહંકારરૂપે ન હતો કેમ કે એ જોઈ શકાતું હતું કે શિષ્ય કે શિષ્ય સમાન વ્યક્તિઓની ચરણસેવા કરવામાં પણ તેઓ પાછા પડતા ન હતા. વેશભૂષામાં એમની કોઈ વિલાસિતા નહોતી. એક સાધારણ ધોતી અને ચાદર જ એમના માટે પૂરતાં હતાં. ઓફિસનો પોશાક પણ એકદમ સાદો હતો. યોગોદ્યાનમાં રહેતા હોય ત્યારે તો એક બહુ જ ટૂંકું વસ્ત્ર પહેરતા. તે સમયે તેઓ આડંબર વગરનું જીવન જ જીવતા હતા. એ સિવાય શક્ય હોય ત્યાં સુધી શ્રીમંદિરનાં બધાં જ કામ પોતે જાતે જ કરતા. રસોઈયો પણ નહોતો રાખ્યો અને પોતાની રસોઈ જાતે જ બનાવતા. પ્રભુનાં નામકીર્તન કરવા માટે તેઓ ખુલ્લા પગે રાજપથ પર નીકળતા. એટલે સુધી કે શરીર અસ્વસ્થ હોય તો પણ દર વર્ષે જન્માષ્ટમીના દિવસે વરસાદમાં ભીંજાઈને પણ ખુલ્લા મસ્તકે સિમુલિયાથી કાંકુડગાછી શોભાયાત્રામાં જતા. ઉત્તમ વિચારકની દૃષ્ટિએ તેમનું પ્રત્યેક કાર્ય ભક્તિની વૃદ્ધિ પ્રગટ કરતું હતું. એ જ ભક્તિની પ્રેરણાથી તેઓ યોગ્ય વ્યક્તિને દીક્ષાદાનના બહાને શ્રીરામકૃષ્ણ ચરણોમાં અર્પિત કરતા. ભક્તિના આવેગથી જ તેઓ શ્રીરામકૃષ્ણ સેવાની સઘળા પ્રકારની વ્યવસ્થાના પ્રયત્નમાં તત્પર રહેતા. તેમજ યોગોદ્યાન અને અન્ય સ્થળે પોતાના મતની પ્રતિષ્ઠા કરવા તૈયાર રહેતા.

પછી ફક્ત આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નહીં પણ સાંસારિક ક્ષેત્રમાં પણ અનેક યાચકો એમની દયાથી કૌટુંબિક અભાવ દૂર કરીને નિરાંતનો શ્વાસ લઈ શકતા હતા. એક વખત બે ભદ્ર પુરુષોની નોકરી જતી રહેવાથી તેઓ દુ:ખી થઈ ગયા. અનેક જગ્યાએ પ્રયત્ન કર્યો છતાં એમની સ્થિતિ સુધરી નહીં. આ બાજુ રામચંદ્રના દરવાજે ભિક્ષા માટે આવવાની વૃત્તિ કે હિંમત થતાં ન હતાં કેમ કે ધર્મને માટે ઉત્સુક રામચંદ્રનો તેઓ ઉપહાસ જ કરતા હતા. અંતે એક દિવસ એકાએક એમની મુલાકાત રામચંદ્ર સાથે થઈ. એમણે કુશળ સમાચાર પૂછતાં એ લોકોની કપરી સ્થિતિ વિશે જાણવા મળ્યું. એમણે એ લોકોને કહ્યું કે ઠાકુરની કૃપાથી વ્યવસ્થા થઈ જશે. પરિણામે એમને નવું કામ ન મળ્યું ત્યાં સુધી તેઓ જ તેમને આર્થિક મદદ કરતા રહ્યા. આ રીતે રામચંદ્રની આવક કરતાં ખર્ચ વધી જતો હતો. વધારામાં ઘર તેમજ યોગોદ્યાનના દૈનિક ખર્ચ તેમજ ઉત્સવ વગેરેનું સંચાલન કરવામાં તેઓ દેવાદાર થઈ ગયા. તો પણ તેઓ મુક્ત હાથે દાન કરતા. કોણ જાણે કેટલાંય બાળકોના શિક્ષણનો ભાર ઉઠાવતા, કેટલીય વ્યક્તિઓને માતૃ-પિતૃ શ્રાદ્ધ માટે સહાયતા આપતા, કેટલાય કન્યાદાન આપનાર પિતાઓને મુશ્કેલીમાંથી ઊગાર્યા હતા, કોણ જાણે કેટલાય ભિક્ષુકોના મોઢામાં અન્ન આપતા હતા, આ સઘળું લખીને કંઈ સમાપ્ત કરી શકાય તેમ નથી.

ઘરમાં રહીને પણ ઠાકુરના ઉપદેશ મુજબ નિર્લેપ જીવન પસાર કરવું અને એમનું ધન જુદા જુદા ભાવથી એમના જ માટે વાપરવું એ હતો રામચંદ્રનો આદર્શ. યોગોદ્યાનમાં રહીને જે લોકો ઠાકુરની સેવા કરતા હતા, એમને પણ તેઓ એ જ આદર્શથી ઘડતા હતા. તેઓ પણ ઠાકુરની સેવામાં ખર્ચ કરવા માટે નાણાં એકત્ર કરતા હતા. પરંતુ ધનની અનુલ્લંઘનીય મોહશક્તિનો અનુભવ ઠાકુરની કૃપાથી પોતાના જીવનમાં ન થતાં રામચંદ્રે વિચાર્યું હતું કે બધા લોકો ઇચ્છામાત્રથી તેનું અતિક્રમણ કરી શકશે. પરંતુ વ્યવહારમાં એથી ઊલટું જોવા મળ્યું. યોગોદ્યાનના જે સેવકો ધન કમાવવામાં મગ્ન હતા એમનામાંથી ઘણા એક એક કરીને ગૃહસ્થીમાં જોડાઈ ગયા, ત્યારે પોતાનો ભ્રમ ભાંગી ગયો તેથી તેઓ બાકી રહેલા યુવકોને સંન્યાસાશ્રમ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવા લાગ્યા. કોઈ પણ વિષયને સત્યરૂપે સમજી જતાં એને પૂર્ણરૂપે સ્વીકારવાનો જ હતો રામચંદ્રનો સ્વભાવ. એ કારણે જે રામચંદ્રે શ્રીરામકૃષ્ણ લીલાવસાન બાદ ઠાકુરના યુવાન ભક્તોને પોતપોતાના ઘરે પાછા જવાનો ઉપદેશ આપ્યો હતો, તેઓ જ પોતાના જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષ સુધી સંન્યાસ મહિમાના પ્રચારમાં તત્પર રહ્યા. એમના બે શિષ્યોએ એ વખતે સંન્યાસ આશ્રમ ગ્રહણ કર્યો હતો.

લીલા સમાપનના થોડા દિવસ પહેલાં એક દિવસ ત્રીજા પહોરે શ્રીરામકૃષ્ણે પાસે બેઠેલા રામચંદ્ર વગેરે ભક્તોને કહ્યું હતું : ‘જુઓ, મેં એક દિવસ માને કહ્યું હતું, કે હું એ લોકોની સાથે વધુ વાતચીત કરી શકતો નથી; રામ, મહેન્દ્ર, ગિરીશ, વિજય, કેદાર વગેરેને તમે થોડી શક્તિ આપો. એ લોકો ઉપદેશ આપીને સાચા મનુષ્યો તૈયાર કરશે. હું એક વખત તેમને સ્પર્શ કરી દઈશ.’ પ્રાર્થનારૂપે ઠાકુરનો આ આશીર્વાદ રામચંદ્રનું અવલંબન લઈને પ્રચારક્ષેત્રમાં કેવી રીતે કાર્યાન્વિત થયો એ આપણે જોયું. એ સિવાય રામબાબુના અંતિમ જીવનમાં બીજાઓમાં ભાવસંક્રમણ કરવાની શક્તિ પણ પ્રગટ થઈ હતી. સાબિતીરૂપે કહી શકાય કે એમની પાસે આવનારાઓમાં એક માણસ એમને વારંવાર કહ્યા કરતો: ‘મહાશય, આપ જો થોડી અલૌકિક વાત દેખાડી શકો તો આપની વાત પર વિશ્વાસ રાખીને શ્રીરામકૃષ્ણને અવતારરૂપે માની શકું.’ સાંભળીને રામચંદ્ર એકાએક ઉત્તેજિત થઈને બોલી ઊઠ્યા : ‘આજથી ત્રણ દિવસની અંદર તમને જરૂર થોડી અલૌકિક બાબત દેખાશે.’ આ ઘટના પછી ઘરે પાછા જતાં રસ્તામાં જ એ વ્યક્તિના અંતરમાંથી એક અદમ્ય હાસ્ય પ્રસ્ફુરિત થયું. એનું સતત હાસ્ય જોઈને પરિચિત લોકોએ માન્યું કે એને ભૂત-પ્રેત વળગ્યું છે. પણ પછી થોડા દિવસ બાદ રામચંદ્રના ઉપદેશમાં શ્રદ્ધાળુ થતાં એ માણસે પોતાની સ્વાભાવિક સ્થિતિ પાછી મેળવી લીધી હતી. કાર્યાલયના જે એકાંત ઓરડામાં બેસીને રામબાબુ ફુરસદના સમયે શ્રીરામકૃષ્ણ- પ્રસંગની ભક્તોને વાતો કરતા, એ જ ઓરડામાં એક વકીલબાબુએ એ જ રીતે કહ્યું : ‘આવી ખાલી વાતોથી હું માની શકતો નથી. આપ જો મારા જેવા પાખંડીના મનને ભગવાનને માટે રોવડાવી શકો તો હું આપની વાત પર વિશ્વાસ કરીશ.’ રામબાબુએ કહ્યું : ‘ઠાકુરની ઇચ્છાથી બધું તો થઈ શકે છે.’ વકીલસાહેબે એ પોતાને પણ મજાકની રીતે ઊડાવી દઈને પ્રત્યક્ષ પ્રમાણ માગ્યું. ત્યારે રામચંદ્રે આવેગથી કહ્યું : ‘આપ ત્રણ દિવસની અંદર જ ચોક્કસ ઠાકુર માટે રડશો.’ ત્રણ દિવસની જરૂર ન પડી. ત્રણ મિનિટની અંદર જ વકીલબાબુ એક જ સ્વરે રડવા લાગ્યા.

જોત જોતામાં ઈ.સ. ૧૮૯૭ના શિયાળની ઋતુ આવી ગઈ. રામચંદ્રના પ્રત્યેક અંગમાં રોગનો હુમલો થવા લાગ્યો. હૃદય નબળું પડી ગયું અને એમાં દમનો હુમલો થયો. તેમાં શ્વાસની પીડા ક્યારેક ક્યારેક એટલી બધી અસહ્ય બની જતી કે તેઓ પથારીમાં બેઠાં બેઠાં અનેક રાતો જાગતા પસાર કરતા. તો પણ એવી સ્થિતિમાંય તેઓ પ્રત્યેક શ્વાસ સાથે શ્રીરામકૃષ્ણનું નામ લેતા. આ દર્દમાં થોડી રાહત થતાં તેઓ ફરી પાછા કામમાં જોડાઈ ગયા. પરંતુ થોડા દિવસમાં જ તેમને પાછું પથારીવશ થવું પડ્યું. સિમુલિયાના મકાનમાં એમણે આ રીતે દોઢ મહિનો પીડા ભોગવી અને એમને ખબર પડી ગઈ કે હવે આ જીવન વધારે નહીં ટકે. હવે શ્રીરામકૃષ્ણ-લોકમાં જવા રવાના થવું પડશે. આથી બાકીના દિવસો કાંકુડગાછીના યોગોદ્યાનમાં શ્રીગુરુના અંતિમ સ્મૃતિચિહ્ન પાસે વિતાવવા જરૂરી છે. પરંતુ સગાંસંબંધીઓ અને મિત્રો આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. આથી રામચંદ્ર અત્યંત ઉત્તેજિત થઈ ગયા. પરંતુ તે સમયે એમનું શરીર માત્ર હાડપિંજર જેવું હતું. ઊઠવાની કે પડખું ફરવાની શક્તિ પણ ન હતી. પરંતુ એ દિવસે તેઓ યોગોદ્યાન જવાના તીવ્ર આવેગમાં સિંહવિક્રમની જેમ ઊઠ્યા. નાછૂટકે પાલખી મગાવીને એમને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવી પડી. (સૌર પોષ ૨૮) યોગોદ્યાનમાં તેઓ કેવળ પાંચ દિવસ જ રહ્યા. ત્યાં જઈને શ્રીમંદિરના સેવકોને તેમણે કહ્યું : ‘ગુરુદેવની પાસે હું શાંતિ મેળવવા માટે આવ્યો છું. મારે કારણે તમારી એક દિવસની મંગળ આરતી બંધ રહેશે. શું કરું કહો? ફક્ત એક જ દિવસની વાત છે.’ બેલુર મઠના સાધુઓ એમને જોવા દરરોજ આવતા હતા. ચિરવિદાય લેવાના એક કલાક પહેલાં નાભિશ્વાસ શરૂ થતાં એમણે ગંગાકિનારે જવાની ઇચ્છા પ્રગટ કરી. પરંતુ કોઈ એમની વાત ન સમજ્યું. એ જોઈને એમણે કહ્યું : ‘શ્રીરામકૃષ્ણ-કુંડ જ મારી ગંગા છે.’ ત્યાં જ પ્રભુના ચરણોમાં વિલીન થઈ ગયા. (૧૮૯૯ ઈ.સ. ૧૭ જાન્યુઆરી મંગળવાર રાત્રે ૧૦ ને ૪૫ મિનિટે) એમના પવિત્ર દેહને વિધિવત્ અગ્નિસંસ્કાર આપ્યો અને પછી ચિતા-ભસ્મને એ જ યોગોદ્યાનના શ્રીરામકૃષ્ણ મંદિરની પાસે પધરાવવામાં આવી.

વૈષ્ણવ કુલભૂષણ રામચંદ્રને એમના બાળપણના સંસ્કાર મુજબ સમજી શકયા છતાં પણ એ જ્ઞાનની અંદર એક સાર્વભૌમિક ભાવ પણ હતો કેમ કે શ્રીરામકૃષ્ણની પાસે જે લોકો આવ્યા હતા એ લોકોએ એમના ઉદાર ભાવના થોડા અંશ ગ્રહણ કર્યા હતા. એથી રામચંદ્રની કાર્યપદ્ધતિ અને ભાવધારાની સાથે બીજા ભક્તો હંમેશાં સહમત ન હોવા છતાં પણ બધા લોકો એમની એકનિષ્ઠ ઊર્જિતા ભક્તિની પ્રશંસા કરતા હતા અને શ્રીરામકૃષ્ણ ગોષ્ઠિમાં એમને ઉચ્ચ સ્થાન આપતા હતા. એમનામાં જે ભાગવત્ જીવનનો આવિર્ભાવ થયો હતો તે સર્વકાળમાં સર્વ માનવો માટે શ્રદ્ધેય છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda