Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

સુરેન્દ્રનાથ મિત્ર

‘લીલા પ્રસંગ’ના લેખક શ્રીયુત સ્વામી સારદાનંદજીએ લખ્યું છે : ‘જગદંબાએ એમને (શ્રીરામકૃષ્ણને) બતાવ્યું હતું કે એમના ભોજન વગેરેના પ્રબંધ માટે ચાર ખજાનચી નિમાયેલા છે. આ ચારમાં રાણી રાસમણિના જમાઈ મથુરાનાથ પ્રથમ અને શંભુ મલ્લિક બીજા હતા. સિમલાના સુરેન્દ્રનાથ મિત્ર (જેમને ઠાકુર ક્યારેક સુરેન્દર અને ક્યારેક સુરેશ કહેતા હતા.) અર્ધ ખજાનચી અર્થાત્, પૂરા એક ખજાનચી નહીં, એમ કહેતા (‘બધા ગોરા છે. સુરેન્દ્ર મોટે ભાગે એવા એક ખજાનચી પ્રતીત થાય છે.’ - શ્રીરામકૃષ્ણ કથામૃત ; ‘આ ત્રણ ખજાનચી છે.’ (શંભુ, બલરામ અને સુરેન્દ્ર) - શ્રીશ્રીમાતૃચરણે) ‘ઠાકુરનાં દર્શન કર્યા પછીના થોડા દિવસો પછી જ સુરેન્દ્રે દક્ષિણેશ્વરમાં આવીને ઠાકુરની સેવા કરવા માટે જે ભક્તો દક્ષિણેશ્વરમાં રાત રોકાતા એમના માટે રજાઈ-ઓશીકાં તેમજ દાળરોટીનો પ્રબંધ કરી દીધો હતો.’ (ગુરુભાવ-ઉત્તરાર્ધ ‘સુરેન મિત્ર મહિને મહિને ભક્તોની સેવા માટે માસિક દસ રૂપિયા આપતો.’) - શ્રીમા શારદાદેવી (વિસ્તૃત જીવન ચરિત્ર) ૧૯૮૨ પૃ.સં. ૫૨) કાશીપુરના બાગવાળા મકાનને ભાડે તો લીધું, પણ ભાડું હતું માસિક ૮૦ રૂપિયા. એ જાણીને ઠાકુરે ડસ્ટ કંપનીના વ્યવસ્થાપક પરમ ભક્ત સુરેન્દ્રનાથને બોલાવીને કહ્યું : ‘જુઓ, સુરેન્દર આ લોકો બાલબચ્ચાવાળા સાધારણ માણસો છે. આટલા બધા રૂપિયા દાનથી કેવી રીતે ભેગા કરી શકશે ? આથી ભાડાના બધા રૂપિયા તમે જ આપજો.’ સુરેન્દ્રનાથે હાથ જોડીને ‘જેવી આપની આજ્ઞા’ કહીને આનંદથી એ વાત સ્વીકારી લીધી (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, દિવ્યભાવ).

શ્રીરામકૃષ્ણના લીલાવસાન પછી પણ શ્રીયુત સુરેન્દ્ર શ્રીરામકૃષ્ણના સંઘરૂપી દેહની પરિપુષ્ટ કરવામાં સદા પ્રવૃત્ત રહ્યા હતા. ઠાકુરના દેહ છોડ્યા પછી જ્યારે સંસારી ભક્તોએ નિર્ણય કર્યો કે કાશીપુરના બાગવાળા મકાનને છોડી દેવું જરૂરી છે તેમજ યુવાન સેવકોએ હવે પોતાના ઘરે પાછા જવું જોઈએ. એ સમયે તારક, લાટુ, મોટો ગોપાલ, કાલી વગેરે સેવકોને પાછા જવાની ઇચ્છા કે સુયોગ ન હોવાથી તેઓ બધાં તીર્થસ્થાનોમાં રહીને કોઈ પણ રીતે દિવસો પસાર કરવા લાગ્યા. એ સમય દરમિયાન એક દિવસ ઓફિસેથી ઘરે પાછા આવતાં સુરેન્દ્રને સંધ્યા સમયે પૂજા ઘરમાં એક દિવ્ય દર્શન થયું. એકાએક એમણે જોયું, શ્રીરામકૃષ્ણ સામે પ્રગટ થઈને કહી રહ્યા છે : ‘તું કરે છે શું ? મારા બાળકો જ્યાં ત્યાં ભટકીને જીવન વિતાવે છે. પહેલાં એમના રહેવાની કોઈ વ્યવસ્થા કર.’ સાંભળતાં જ સુરેન્દ્ર પાગલની જેમ દોડ્યા અને એ જ મહોલ્લામાં આવેલા નરેન્દ્રના ઘરે જઈ પહોંચ્યા. નરેન્દ્રને સઘળી હકીકત કહી ને પછી રૂંધાયેલા સ્વરે આંખોમાંથી આંસુ સારતાં એમણે કહ્યું : ‘ભાઈ એક સ્થળ નક્કી કરો, જ્યાં ઠાકુરની છબિ, ભસ્મ અને એમના ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ રાખીને નિયમાનુસાર પૂજા-પાઠ થઈ શકે અને જ્યાં તમે કામ-કાંચન ત્યાગી ભક્તો એક જ સ્થળે રહી શકો. વચ્ચે અમે લોકો પણ ત્યાં આવીને શાંતિ મેળવીશું. હું કાશીપુરના મકાન માટે દર મહિને જે રૂપિયા આપતો હતો તે હજુ પણ આપીશ.’ આ પ્રસ્તાવથી નરેન્દ્રનાથ પણ આનંદથી વિભોર થઈ ગયા અને મકાનની શોધમાં અહીંતહીં ફરવા લાગ્યા આખરે વરાહનગરના ગંગાકિનારે જમીનદાર મુનશીજીનો એક જૂનો બગીચો માસિક રૂપિયા અગિયારના ભાડાથી લીધો. આ રીતે ઈ.સ.૧૮૮૬ના આસો મહિનાના અંતિમ ભાગમાં શ્રીરામકૃષ્ણ મઠના પ્રથમ શ્રીગણેશ થયા. સુરેન્દ્ર પહેલાં બે મહિને ૩૦ રૂપિયા આપતા હતા. ધીમે ધીમે મઠમાં ત્યાગી ભાઈઓ ભેગા થઈને વધવાને પરિણામે ખર્ચ વધવા લાગ્યો. તેમ દાનનું પ્રમાણ પણ વધીને મહિને સો રૂપિયાનું થઈ ગયું. આમાંથી મકાન ભાડું અગિયાર રૂપિયા અને બ્રાહ્મણ રસોઈયાને છ રૂપિયા આપવામાં  આવતા હતા. બાકીના રૂપિયા ભોજન માટે ખર્ચવામાં આવતા હતા. સુરેન્દ્રની આ સમયની ઉદારતાનું સ્મરણ કરીને ‘કથામૃત’ ગ્રંથના લેખકે લખ્યું છે : ‘ધન્ય સુરેન્દ્ર’, આ પ્રથમ મઠ તમારા હાથે જ ઘડાયો છે. તમારી શુભેચ્છાથી આ આશ્રમ બન્યો. તમને જ યંત્રરૂપે રાખીને ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના મૂળમંત્ર કામિની- કાંચન ત્યાગને મૂર્તિમંત બનાવી દીધો છે...ભાઈ, તમારું ઋણ કોણ ભૂલી શકે ? મઠના ભાઈઓ માતૃહીન બાળકોની જેમ રહેતા હતા. તમારી રાહ જોતા કે તમે ક્યારે આવશો, આજે મકાનનું ભાડું આપવામાં બધા રૂપિયા ચાલ્યા ગયા છે. આજે જમવા માટે કંઈ જ નથી. ક્યારે તમે આવશો અને આવીને ભાઈઓના ભોજન અંગેની વ્યવસ્થા કરી દેશો ?’ (શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ -ર)

શ્રીયુત સુરેન્દ્ર જ્યારે શ્રીરામકૃષ્ણ પાસે પહેલવહેલા ગયા ત્યારે એ સમયે એમની ઉંમર લગભગ ૩૦ વર્ષની હશે. શરીર સુગઠિત અને બળવાન હતું. વર્ણ ગૌર હતો. એ વખતે તેઓ ડસ્ટ કંપનીના કામમાંથી મહિને રૂપિયા ૩૦૦-૪૦૦ કમાતા હતા. સ્વભાવે ઉપરથી કઠોર જણાતા હોવા છતાં પણ તેઓ અત્યંત સરળ પ્રકૃતિના મનુષ્ય હતા અને તેમનું મન પણ સુંદર હતું. સ્વધર્મના વિરોધી ન હોવા છતાં પણ તેમને ધર્મમાં વિશ્વાસ ન હતો.. મિજાજ થોડો સાહેબી ભાવવાળો હતો. વધારામાં તત્કાલીન પાશ્ચાત્ય ભાવોના અનુકરણથી : ‘સુરેન્દ્રને સુરાપાનમાં બહુ પ્રીતી હતી.’ બાહ્ય સુખ સગવડોમાં દિવસો પસાર થતા હોવા છતાંય અંતરમાં અગ્નિજ્વાળાની જેમ હૃદયવિદારક યાતનાઓ ભભૂકતી જતી હતી. એનાથી છૂટકારો મેળવવા માટે બીજો ઉપાય ન જણાતાં એ વખત તેઓ ઝેર પીને આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા હતા. એ વખતે એમના પૂર્વપરિચિત મિત્ર રામચંદ્ર અને મનોમોહને એમના અંતરની અશાંતિની વાત જાણીને એમને શ્રીરામકૃષ્ણદેવ પાસે જવાની સલાહ આપી. આ સલાહની પ્રતિક્રિયા કેવી થઈ એ રામચંદ્રની ભાષામાં જોઈએ : ‘એ દિવસે પરમહંસ નામ સાંભળીને તેમણે કહ્યું હતું, ‘જુઓ, તમે લોકો એમના પર શ્રદ્ધા રાખો છો એ સારી વાત છે. પણ મને શા માટે ત્યાં લઈ જાઓ છો ? ‘હંસ મધ્યે બકો યથા’ મેં ઘણું જોયું છે. જો તેમણે કોઈ નકામી વાત કહી તો હું એમનો કાન પકડીશ.’ (બંગાળી પુસ્તક ‘ભક્ત મનોમોહન’) વાચક ધ્યાન દઈને જુએ કે આ ચરિત્રની સાથે ગિરીશબાબુના ચરિત્રનું ઘણું સામ્ય છે. પાછળથી સુરેન્દ્રબાબુ પોતે પણ એ સમજી શક્યા હતા. એ કારણે શ્રીરામકૃષ્ણે એક દિવસ જ્યારે ગિરીશબાબુને બતાવીને હસતાં હસતાં સુરેન્દ્રને કહ્યું : ‘તમે તો શું છો ? આ તમારાથી પણ ...’ વાત પૂરી થયાં પહેલાં જ સુરેન્દ્રે સમર્થનના સ્વરે કહ્યું : ‘જી હા, મારા મોટાભાઈ છે.’ અસ્તુ. એ સમયે વિરોધ હોવા છતાં પણ સુરેન્દ્રને રામચંદ્ર અને મનમોહનની સાથે દક્ષિણેશ્વર જવું પડ્યું. (‘લીલા પ્રસંગ’ (દિવ્યભાવ) ના મત મુજબ આ ઘટના ઈ.સ.૧૮૮૧માં બની હતી. પરંતુ ‘ભક્ત મનમોહન’ ગ્રંથમાં છે. ‘અમે જ્યારે દક્ષિણેશ્વર જવા લાગ્યા હતા એના થોડા મહિના બાદ... અવિચલ વિશ્વાસુ, સ્પષ્ટવક્તા, મહાત્મા સુરેન્દ્રનાથ મિત્ર અમને આવી મળ્યા’ એ જ સ્થળે લખ્યું છે કે ઈ.સ.૧૮૮૧ના પ્રારંભમાં શ્રીરામકૃષ્ણનો પ્રથમ જન્મોત્સવ દક્ષિણેશ્વરમાં સુરેન્દ્રની મહેનતથી એમની હાજરીમાં ઊજવાયો હતો. રામ અને મનમોહન પ્રથમ દક્ષિણેશ્વર ગયા હતા, ઈ.સ.૧૮૭૬ના અંતિમ ભાગમાં(કથામૃત). આથી અનુમાન કરી શકાય છે કે સુરેન્દ્રનું આગમન ઈ.સ. ૧૮૮૦ની શરૂઆતમાં થયું હતું. એ સમયે એમની ઉંમર ૩૦ વર્ષની હશે. એથી એમનું જન્મવર્ષ મોટેભાગે ઈ.સ.૧૮૫૦ હશે.)

શ્રીરામકૃષ્ણ પાસે આવીને સુરેન્દ્ર એમને પ્રણામ કર્યા વગર જ આસન પર બેસી ગયા. એ વખતે ભક્તવૃંદથી વીંટળાયેલા ઠાકુરની અમૃતવાણીનો પ્રવાહ વહેતો હતો. સુરેન્દ્ર તેજસ્વી અને પુરુષાર્થમાં વિશ્વાસ ધરાવનાર હતા તેમજ પાશ્ચાત્ય વિચારધારાથી થોડા પ્રભાવિત થયેલા હતા, છતાંય આજે એમણે આશ્ચર્યપૂર્વક સાંભળ્યું કે ઠાકુર કહી રહ્યા છે કે: ‘લોકો વાંદરાનું બચ્ચું બનવા કેમ ઇચ્છે છે ? બિલાડીનું બચ્ચું બનવું જ સારું છે. વાંદરાનો સ્વભાવ એવો છે કે તે સ્વેચ્છાએ પોતાની માને હાથ પગથી જકડી રાખે છે; તેથી તેને તે બીજી જગ્યાએ લઈ જાય પરંતુ બિલાડીના બચ્ચાનો સ્વભાવ તેવો નથી. એની મા એને જ્યાં રાખે ત્યાં જ તે પડ્યું રહીને મ્યાઉં મ્યાઉં કરતું રહે છે. વાંદરાના બચ્ચાનો સ્વભાવ જ્ઞાનપ્રધાન છે, બિલાડીના બચ્ચાનો સ્વભાવ ભક્તિ પ્રધાન.’ સુરેન્દ્રને એવું લાગ્યું જાણે એના માટે જ આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. પોતાના બુદ્ધિબળ પર અત્યંત નિર્ભર રહીને પણ તેઓ જીવનસમસ્યાનું સમાધાન શોધી શકયા ન હતા. એટલે સુધી કે પોતાની અશક્તિથી હતાશ થઈને અંતે આત્મહત્યાનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ અહીં તો બધો ભાર લઈ લેવાનો ઈશારો કરીને જાણે ઠાકુરે તેમને શાંતિમય એક નવા માર્ગનો રસ્તો બતાવી દીધો. સુરેન્દ્રે અફાટ સાગરમાં કિનારો મેળવી લીધો. તેઓ મગ્ન થઈ ગયા. એ પછીથી તેઓ દર રવિવારે દક્ષિણેશ્વર ગયા વગર રહી શકતા નહીં અને પ્રત્યક્ષરૂપે કહેતા : ‘એમનો કાન પકડીશ એમ કહીને મેં ઘમંડ કર્યો હતો, પરંતુ પાછા ફરતી વખતે તેમણે જ મારો કાન પકડ્યો. શું તેઓ સામાન્ય ગુરુ છે? ’ પહેલે દિવસે પાછા ફરતી વખતે પરાજિત સુરેન્દ્રે શ્રીરામકૃષ્ણદેવને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને એમની ચરણરજ લીધી હતી. ઠાકુરે પણ એમને સ્નેહપૂર્વક ફરી આવવા કહી દીધું.

સુરેન્દ્રબાબુ અવળા માર્ગે ચાલીને જ્યારે પોતાનો લગભગ સર્વનાશ કરી બેઠા હતા, એવે વખતે શ્રીરામકૃષ્ણની કૃપાથી એમને સાચો માર્ગ દેખાયો. હવે તેઓ દરરોજ ઠાકુર ઘરમાં બેસીને ધ્યાન વગેરેનો અભ્યાસ કરવા લાગ્યા. એક દિવસ એમના મનમાં શ્રીરામકૃષ્ણ ભગવાન છે એ બાબતમાં પરીક્ષા લેવાની ઇચ્છા જાગી. એમણે નિશ્ચય કરી લીધો કે પૂજાગૃહમાં ધ્યાન વખતે જો ઠાકુરનો અવિર્ભાવ થાય તો જ હું જાણીશ કે ઠાકુર અવતાર છે. પરંતુ કેવું આશ્ચર્ય છે. ‘થોડી ક્ષણો પછી એમણે જોયું, એમના પ્રભુ ભગવાન ભવનમાં હાજર છે. આવી રીતે ત્રણ વખત પરીક્ષા પછી પ્રભુના ચરણોમાં સુરેન્દ્ર સમર્પિત થઈ ગયા.’

શ્રી સુરેન્દ્રની પાછળની જીવનકથા ખૂબ જ આશ્ચર્યકારક હતી. ગિરીશબાબુની જીવનકથામાં આપણે જોયું છે કે તેઓ શ્રીરામકૃષ્ણની કૃપાથી કેવી નિમ્નસ્તરની ભૂમિકામાંથી ઉચ્ચ નિષ્કામ ભક્તિની ભૂમિકામાં પ્રતિષ્ઠિત થયા હતા. સુરેન્દ્રના જીવનમાં પણ એવું જ બન્યું. નહીં તો ધર્મ પ્રત્યે અશ્રદ્ધાળુ, દારૂડિયા, આત્મહત્યા કરવા પ્રવૃત થયેલા સુરેન્દ્ર કેવી રીતે શ્રીરામકૃષ્ણ ભાવધારાના અનન્ય પરિપોષક બની શક્યા ? આ શ્રીરામકૃષ્ણ દેવનો જ મહિમા છે  કેમ કે ઉત્તમને તો બધા લોકો ઉત્તમમાર્ગે ચલાવી શકે , પરંતુ જે અધમને અન્યના કલ્યાણકાર્યમાં પ્રયોજી શકે એમની જ શક્તિ અસીમ છે . વ્યવહારિક કામ અત્યંત જવાબદારીવાળું હોવાથી કર્તવ્યપરાયણ  સુરેન્દ્રને ફુરસદ ન હતી. દિવસભરમાં પણ એમનાં કામ પૂરાં થતાં ન હતાં પરંતુ, આટલી કર્મવ્યસ્તાની અંદર પણ એમના અંતરમાં રામકૃષ્ણનું સ્મરણમનન ચાલતું રહેતું. કયારેક કયારેક મન એવું અધીર થઈ ઊઠતું કે તેઓ અધૂરું કામ છોડીને જ દક્ષિણેશ્વર જવા નીકળી પડતા. આ રીતે એક વખત ત્રીજા પહોરે તેઓ શ્રીરામકૃષ્ણ પાસે પહોંચ્યા ત્યારે તેમણે આશ્ચર્ય સાથે જોયું કે શ્રીરામકૃષ્ણ પણ તેમને  જ મળવા આવવા માટે કોલકાતા જવા તૈયાર થઈને બેઠા છે. સુરેન્દ્રને જોતાં જ એમણે આ વાત કહી. હવે સુરેન્દ્ર ઠાકુરને પોતાના ઘરે લઈ જવાની તક છોડી શક્યા નહીં. એમને તેઓ પોતાની જ ગાડીમાં બેસાડીને કોલકાતા લઈ આવ્યા.

સુરેન્દ્રબાબુ ફક્ત શ્રીરામકૃષ્ણ - ચિંતનમાં વિભોર રહીને તથા વિવિધ પ્રકારે એમના પ્રેમનો સ્વાદ લઈને અને એમના પ્રત્યે ભક્તિ પ્રગટ કરીને જ સ્થિર બેસી શક્યા નહીં. જે અમૃતનો આસ્વાદ એમણે કર્યો હતો, તેનો ઉત્તમરૂપે ઉપભોગ કરવા તેમજ બીજાને પણ તેનો આસ્વાદ કરાવવા માટે તેઓ હંમેશાં તત્પર રહેતા. પહેલાં વિવેકાનંદ પ્રસંગમાં બતાવવામાં આવ્યું છે કે આ જ સુરેન્દ્રના ઘરમાં શ્રીરામકૃષ્ણ અને એમના પટ્ટશિષ્યનું પ્રથમ મિલન થયું હતું. આ ઘર ઠાકુર અને એમના ભક્તોના સમાગમથી મહોત્સવમાં પરિણમ્યું હતું. ‘કથામૃત’માં આવા જ એક ચિત્રનું નિરૂપણ થયું છે. એમાં એક બાબત નોંધપાત્ર છે. સુરેન્દ્રના ઘરે કીર્તનાનંદમાં મગ્ન રહેવા છતાં પણ ઠાકુર હંમેશાં ભક્તોના હિતચિંતક હતા અને એમના ચિત્તની વાસના-કામનાઓથી પૂર્ણરૂપે પરિચિત રહીને જરૂરિયાત પ્રમાણે એમનું કઠોરતાથી નિયમન કરવાનું પણ ચૂકતા નહીં. તે ઘટના આ પ્રમાણે છે ; ઈ.સ.૧૮૮૧ના અષાઢ મહિનાની એક સંધ્યા પહેલાં સુરેન્દ્રના મકાનના બીજા માળની બેઠકમાં ઠાકુર ભક્તોથી વીંટળાઈને ધર્મ સંબંધી વાતો કરી રહ્યા હતા. એટલામાં સુરેન્દ્ર એક માળા લઈને આવ્યા અને ઠાકુરના ગળામાં પહેરાવવા લાગ્યા, પરંતુ ઠાકુર તે ગળામાં ન પહેરતાં હાથમાં  લઈને દૂર ફેંકી દીધી. ત્યારે સુરેન્દ્ર પશ્ચિમ તરફના વરંડામાં જઈને રડવા લાગ્યા અને રીસાઈ ગયા તથા નજીકના ભક્તોને કહેવા લાગ્યા : ‘રાઢ પ્રદેશના બ્રાહ્મણ આ વસ્તુની કિંમત શું જાણે ? ઘણા રૂપિયા ખર્ચીને હું આ માળા લાવ્યા હતો.’ એમણે ક્રોધથી કહ્યું : ‘બધી માળાઓ બીજાના ગળામાં પહેરાવી દો. હવે હું જાણી ગયો છું કે મારો અપરાધ શો છે ? ભગવાન પૈસાના કોઈ નથી. અહંકારના ય નથી ; હું અહંકારી છું, મારી પૂજા તેઓ કેમ કરી સ્વીકારે ? મને હવે જીવવાની ઈચ્છા નથી.’ આમ કહેતાં કહેતાં તેઓ આંસુઓથી ભીંજાઈ ગયા. શ્રીરામકૃષ્ણને તો જે કરવું હતું તે સિદ્ધ થઈ ગયું. આથી વ્યથિત ભક્તને હવે કૃપાદર્શન જરૂરી છે એમ માનીને એ સમયે કીર્તન, નૃત્ય વગેરે શરૂ થતાં તેમણે એ ફેંકી દીધેલી, માળા એક હાથમાં ઊઠાવી લીધી અને તેને એ હાથમાં ધારણ કરી બીજા હાથને નચાવતા નચાવતા નૃત્ય દ્વારા સર્વને મુગ્ધ કરવા લાગ્યા. અંતે એ માળાને એમણે પોતાના ગળામાં પહેરી લીધી. નૃત્ય પૂરું થતાં સુરેન્દ્રને કહ્યું : ‘મને કંઈ ખવડાવશોને ?’ એટલું કહીને સુરેન્દ્રના કહેવાથી તેઓ ઘરની અંદર જતા રહ્યા. સુરેન્દ્રના હૃદયને પૂર્ણ કરીને એ વખતે એક અનિર્વચનીય પરિતૃપ્તિનો તેને અનુભવ કરાવ્યો.

શ્રીયુત સુરેન્દ્ર ચરિત્રને તથા તેના આધ્યાત્મિક ઉદ્દેશને ઠાકુર પૂર્ણરૂપે જાણતા હોવાથી જે રીતે એમનું નિયમન કરતા હતા એ જ રીતે એમને હિંમત આપીને ધીમે ધીમે ઉચ્ચ આદર્શની પાસે લઈ જતા હતા. એકાએક અશક્ત કાર્યને એમની સામે મૂકીને તેમને નિરાશ કરી દેતા ન હતા. એ દિવસ હતો ઈ.સ.૧૮૮૫ની ૨૨મી ફેબ્રુઆરીનો. દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં બેઠેલા ઠાકુર સ્નેહાળ દૃષ્ટિથી જોતાં સુરેન્દ્રને કહેવા લાગ્યા : ‘વચ્ચે વચ્ચે આવજો. નાગાસાધુ કહેતા હતા કે લોટાને રોજ માંજવો પડે છે..(પરંતુ) તમે લોકો વચ્ચ વચ્ચે એકાંત સ્થળે જજો અને વ્યાકુળ થઈને એમને પોકારજો. તમે લોકો મનથી ત્યાગ કરજો. વીરભક્ત બન્યા વગર (ભગવાન અને સંસાર) બંને બાજુને સંભાળવી મુશ્કેલ છે... તમે ઓફિસમાં જુઠ્ઠી વાત કહો છો, તો પણ તમારી ચીજ હું કેમ લઉં છું ? તમારું દાન-ધ્યાન છે. તમારી જેટલી આવક છે, એથી વધુ દાન છે. બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.’ (કથામૃત) બીજા એક દિવસે (૨૪ ડિસેમ્બર, ૧૮૮૩) સુરેન્દ્રબાબુએ પૂછ્યું: ‘સાધુ મહારાજ, ધ્યાન કેમ જામતું નથી ?’ ઠાકુરે જાણી લીધું કે પોતાની શક્તિ પ્રમાણે સરળ ભાવે સાધના કરવી એ જ પ્રગતિનું રહસ્ય છે. એ ન જાણતાં સુરેન્દ્રનાથ બીજાનું અનુકરણ કરીને, પોતાના અધિકારનું એકાએક અતિક્રમણ કરીને, ઉચ્ચભૂમિકામાં આરોહણ કરવાનો નિરર્થક પ્રયત્ન કરી પોતાની શક્તિ વેડફી રહ્યા છે. છતાં પણ એ કઠોર સત્યને વ્યક્ત કરીને ભક્તનું એની સાચી સ્થિતિ પ્રત્યે ધ્યાન દોરીને, એમને નિરર્થક દુ:ખ આપવું અનુચિત છે એમ માનીને એમણે પહેલાં મેળવેલી સફળતા પ્રત્યે એમનું ધ્યાન દોર્યું. એમને હિંમત આપવી જ ઉચિત છે એમ માનીને એમણે કહ્યું : ‘સ્મરણ-મનન તો થાય છે ને ?’ સુરેન્દ્રબાબુએ ઉત્તર આપ્યો : ‘જી હા; મા, મા, કહેતાં હું સૂઈ જાઉં છું.’ તુરત જ ઉત્સાહ આપતાં ઠાકુરે કહ્યું : ‘ઘણું સારું. સ્મરણ-મનન રહેવાથી જ કામ થઈ જશે.’

સુરેન્દ્રનાથનાં દાન અને ઈશ્વરપરાયણાથી મુગ્ધ થઈને ઠાકુર ક્યારેક ક્યારેક પોતાની ઈચ્છાથી એમના ઘરે પહોંચી જતા. એ રીતે (૨૭ ઓકટોબર ઈ.સ.૧૮૮૨) આ દિવસે એમણે કેશવચંદ્ર સેન સાથે સ્ટીમરમાં વિહાર કર્યા પછી સંધ્યાકાળ થયેલો જોઈને તેઓ ઘોડાગાડીમાં દક્ષિણેશ્વર જતાં માર્ગમાં આવતા સિમુલિયા સ્ટ્રીટમાં સુરેન્દ્રના ભવનમાં ભક્તો સાથે જઈ પહોંચ્યા. એ વખતે સુરેન્દ્ર ઘરમાં ન હતા. આથી ઘોડાગાડીનું ભાડું ચૂકવતી વખતે ભક્તોએ જણાવ્યું કે તેમની પાસે પૈસા નથી. તે સમયે સુરેન્દ્ર પ્રત્યે અનુપમ આસ્થા અને આત્મીયતા દર્શાવવા માટે જ જાણે કહેતા ન હોય તેમ ઠાકુરે નિ:સંકોચ આદેશ આપ્યો કે પરિવારની મહિલાઓ પાસેથી ભાડાના રૂપિયા માગી લેવામાં આવે. ઉપરાંત એમણે એમ પણ કહ્યું : ‘અંત:પુરની મહિલાઓએ એ આપવું જ જોઈએ કેમ કે તેઓ તો જાણે જ છે કે સુરેન્દ્રનાથ દક્ષિણેશ્વર જાય છે.’ કહેવું નહીં પડે કે ભાડાનો પ્રબંધ તો એ જ વચનોથી થઈ ગયો, પરંતુ વધારામાં ઘરના લોકો ઠાકુર અને ભક્તોને શ્રદ્ધાપૂર્વક ઉપર લઈ ગયા અને સુરેન્દ્રની બેઠકમાં બેસાડ્યા. ત્યાં ઠાકુર થોડીવાર સુધી રાહ જોતા બેઠા. સમાચાર સાંભળીને નરેન્દ્ર પણ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ ઘણી મોડી રાત સુધી સુરેન્દ્ર આવ્યા નહીં તેથી ઠાકુર દક્ષિણેશ્વર પાછા આવી ગયા.

સુરેન્દ્રબાબુ પ્રત્યે કૃપા વરસાવવા ઠાકુર કેટલીવાર જે ભાવથી એમના ઘરે પધાર્યા હતા એનો નિર્ણય કરવો મુશ્કેલ છે. તો પણ અમે જાણીએ છીએ કે કાંકુડગાછીમાં રામચંદ્રની નવપ્રતિષ્ઠિત સાધનામૂર્તિનાં દર્શન પછી પાછા વળતી વખતે (૨૬, ડિસે.,૧૯૮૩.ઈ.) ઠાકુર સુરેન્દ્રના ત્યાંના ઉદ્યાનભવનમાં ગયા. ત્યાં એક સાધુ સાથે વાતચીત કરી. પછી એમણે ત્યાં થોડું જલપાન પણ કર્યું. બીજી એક વાર (૧૫ જૂન,૧૮૮૪.ઈ.)તેઓ ત્યાં સુરેન્દ્રના આમંત્રણથી ભક્તોની સાથે ગયા હતા અને ત્યાં કીર્તન વગેરે દ્વારા આનંદની ભરતી લાવી દીધી હતી. એ દિવસે એમણે કહ્યું હતું : ‘સુરેન્દ્ર ક્યાં છે ? અહા ! સુરેન્દ્રનો સ્વભાવ ઘણો જ સારો છે. તે બહુ જ સ્પષ્ટવક્તા અને અત્યંત ઉદાર હાથવાળો છે.’ ઈ.સ.૧૮૮૨ની જગદ્વાત્રી પૂજા નિમિત્તે ઠાકુર શ્રીયુત સુરેન્દ્રના કોલકાતાના ઘરે ગયા હતા અને બીજા વર્ષે અન્નપૂર્ણાની પ્રતિમાનાં દર્શન માટે પણ ત્યાં ગયા હતા અને ત્યાં નૃત્ય અને ભજનો દ્વારા એમના પર કૃપા વરસાવી હતી.

સુરેન્દ્રબાબુ મદિરાપાન કરતા હતા. શરૂઆતમાં તેની માત્રા થોડી વધારે રહેતી. પરંતુ પડોશી મિત્ર રામચંદ્ર વૈષ્ણવ હતા અને આવા પ્રકારના આચરણના ઘોર વિરોધી હતા. તેમણે સુરેન્દ્રને મદિરાપાન છોડી દેવા કહ્યું અને તેમને સમજાવ્યા કે જો તેઓ તેમ નહીં કરે તો તેમના ગુરુ શ્રીરાકૃષ્ણદેવની નિંદા થશે. સુરેશે વચન આપ્યું કે એ અત્યંત કઠિન હોવા છતાં પણ તેઓ એ માટે પ્રયત્ન કરવા તૈયાર છે, તે પણ જો ગુરુદેવની એવી ઈચ્છા હોય તો. એમણે એમ પણ કહ્યું : ‘ભાઈ, જો છોડવું ઉચિત હોય તો શ્રીરામકૃષ્ણદેવે તેમને કહ્યું ન હોત !’ અંતે નક્કી કર્યું કે એમની સલાહ લેવા માટે દક્ષિણેશ્વર જવું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એ સમયે ઠાકુર બકુલના વૃક્ષની નીચે ભાવસ્થ થઈને બેઠા હતા. તેઓ સુરેન્દ્રની સ્થિતિ જાણતા હતા અને તે  માટે તેઓ ચિંતિત પણ હતા. આજે પૂછયા વગર તેમણે પોતે જ મદિરાપાનની બાબતમાં વાત ઉપાડી. પરંતુ એકાએક મદિરાપાનનો ત્યાગ કરવાનો આદેશ ન આપતાં કહ્યું : ‘જુઓ જે પીવું હોય તેને જગદમ્બાને નિવેદન કરીને પીજો અને એટલું ન પીજો કે જેથી માથું અને પગ ન હલે. એમનું ચિંતન રહેવાથી તમને પાન કરવું સારું નહીં લાગે કેમ કે તેઓ કારણાનન્દાયિની છે. (કારણ શબ્દમાં અહીં શ્લેષ છે. કારણ નો અર્થ મદિરા છે અને જગત્ કારણ ઈશ્વર પણ.) એમને પ્રાપ્ત કરતાં સહજાનંદની અવસ્થા આવે છે.’ એ દિવસે આનંદનો પ્રત્યક્ષ પરિચય આપવાને માટે જ જાણે ભાવમાં મત્ત થઈને ઠાકુરે ગાયું : ભાવાર્થ : ‘શિવની સાથે સદારંગ અને આનંદથી મગ્ન થઈને મા સુધાપાનથી ડોલતી ડોલતી ચાલે છે, પરંતુ પડતી નથી’ વગેરે.’

ઠાકુરે બીજું પણ કહ્યું : ‘પ્રથમ કારણાનન્દ (મદિરાપાનનો આનંદ) થશે. એ પછી ભજનાનંદ. એ દિવસથી સુરેન્દ્ર તેમ જ કરવા લાગ્યા. દરરોજ સંધ્યા સમયે બીજાં કામ છોડીને થોડું કારણ (મદિરા) કાલીમાતાને ધરાવીને એ પ્રસાદરૂપે પીતા હતા. આવું કરતાં થોડા દિવસો પછી એમનામાં કારણાનંદ ન આવતાં ભજનાનંદનો ઉદય થવા લાગ્યો. એ સમયે એમનાં નેત્રોમાંથી અવરિત વહેતી અશ્રુધારા જોઈને, તેમજ વચ્ચે વચ્ચે મર્મસ્પર્શી કરુણ સ્વરે મા, માનો આર્તનાદ સાંભળીને તેમજ વચ્ચે વચ્ચે નીરવ ધ્યાનમગ્ન અવસ્થા પ્રત્યક્ષ જોઈને નાસ્તિક દર્શકોના હૃદયમાં પણ ભગવદ્‍ભાવનો સંચાર થતો હતો અને એ સમયે તેઓ ભગવત્કથા સિવાય  બીજી કોઈપણ વાત કહેવી કે સાંભળવી પસંદ કરતા ન હતા. સુરેન્દ્રનાથ લગભગ દર રવિવારે દક્ષિણેશ્વર જતા. એમના મનનું અપૂર્વ પરિવર્તન થયું હતું. છતાં પણ તેઓ પોતાના પહેલાંના સ્વભાવને સંપૂર્ણરીતે સંયત કરી શક્યા ન હતા. આથી એમના મનમાં મિત્રોએ શ્રીરામકૃષ્ણદેવને જણાવ્યું કે તેઓ પહેલાંની જેમ જ ખરાબ માણસો સાથે મળતા રહે છે. સાંભળીને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું : ‘સારું, હજુ પણ ભોગવાસના છે ; થોડા દિવસ ભોગ કરી લે. એ પછી એની ટેવ પણ નહીં રહે. તે નિર્મળ થઈ જશે.’ એ પછીના રવિવારે સુરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા. ત્યાં થોડા સંકોચ સાથે શ્રીરામકૃષ્ણદેવથી થોડા દૂર ખસીને બેસી ગયા. એ જોઈને રામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું : ‘કેમ રે, ચોરની જેમ દૂર ખસીને બેઠા છો. સામે આવી જાઓ ! ’ સુરેન્દ્ર નજીક આવતાં રામકૃષ્ણ દેવનું શરીર ભાવસ્થ થઈ ગયું. (શ્રીરામકૃષ્ણ ચરિત્ર) અને એ જ અવસ્થામાં તેમણે કહ્યું : ‘વારુ, લોકો જ્યારે કયાંય જાય છે તો ‘મા ને સાથે કેમ લઈ જતા નથી ?’ મા સાથે હોવાથી ખરાબ માણસના કામના હુમલાથી મુક્ત રહી શકાય છે.‘...સુરેન્દ્રના હૃદયમાં જ્ઞાનનો સંચાર થયો. આટલા દિવસો સુધી અનેક પ્રયત્નો કરવા છતાં પણ તેઓ પોતાના રોગનો કોઈપણ રીતે સામનો કરી શક્યા ન હતા. આજે રામકૃષ્ણદેવના ઉપદેશથી તેમને સાચી ઔષધિ મળી ગઈ. રોગથી મુક્ત થવાનો ઉત્તમ માર્ગ પ્રાપ્ત કર્યો.’

ભક્તિ, શ્રદ્ધાની વૃદ્ધિની સાથે શ્રીયુત સુરેન્દ્રના ચરિત્રમાં  જેવી ઉન્નતિ થવા લાગી તેવા જ તેઓ જલદી જલદી દક્ષિણેશ્વર આવવા લાગ્યા. ઠાકુર પણ એ જ રીતે વધુ સ્પષ્ટરૂપે એમની ઊણપો બતાવીને એમને સન્માર્ગે લઈ જવા લાગ્યા. એક દિવસ સુરેન્દ્રબાબુ શ્રીરામકૃષ્ણ અને એમના ભક્તોની સામે કહેવા લાગ્યા. તેઓ એક વખત તીર્થદર્શન માટે વૃંદાવન ગયા હતા. ત્યાં પંડાઓ અને ભિખારીઓની ‘પૈસા આપો, પૈસા આપો’ની બૂમો સાંભળીને તેઓ બહુ જ ચિડાઈ ગયા. આવા ભિખારીઓના અત્યાચારોથી મુક્ત થવા એમણે પંડાઓને કહી દીધું કે બીજે દિવસે તેઓ કોલકાતા જતા રહેશે. તો પણ એ જ દિવસે રાત્રે એ લોકોને જણાવ્યા વગર ભાગી આવ્યા. આ સાંભળીને આવું આચરણ કરવા માટે ઠાકુરે એમને ધમકાવ્યા. શરમિંદા થઈને સુરેન્દ્રનાથે બીજો પ્રસંગ ઉપાડ્યો કે વૃંદાવનનાં એકાંત સ્થળોમાં જઈને તેમણે તપસ્યામગ્ન અનેક વૈષ્ણવ સાધુઓનાં દર્શન કર્યાં હતાં. તુરત ઠાકુરે પૂછ્યું કે એમને કંઈ આપ્યું કે નહીં. જ્યારે એમણે જાણ્યું કે એમને કંઈપણ આપવામાં આવ્યું નથી ત્યારે એમણે કહ્યું : ‘તમે સારું ન કર્યું. સાધુ ભક્તોને કંઈક આપવું જોઈએ. જેમની પાસે પૈસા છે, એમણે તેવી વ્યક્તિઓ પાસે આવતાં કંઈક આપવાનું હોય છે.’ નિયમન સાથે સુરેન્દ્રને થોડો સ્નેહસ્પર્શ પણ મળ્યો હતો. કાશીપુરના બગીચામાં એક દિવસ (૧૭ એપ્રિલે,૧૮૮૬ઈ.) રાતના નવ વાગે સુરેન્દ્ર વગેરે ઠાકુરના ભક્તો બેઠા હતા. સુરેન્દ્રનાથે લાવેલી માળા પહેરવાથી ઠાકુર બહુ જ સુંદર દેખાવા લાગ્યા. ભક્તવાંછાકલ્પતરુ ઠાકુરે એ દિવસે સુરેન્દ્ર પર બીજી પણ કૃપા વરસાવવાની ઈચ્છાથી એમને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યા અને પ્રસાદીની માળા એમના ગળામાં પહેરાવી દીધી. સુરેન્દ્રે માળા મેળવી એમને પ્રણામ કર્યા ત્યારે ઠાકુરે એમને પોતાના ચરણો પર હાથ ફેરવવાનું કહ્યું. એ સ્નેહસ્પર્શથી એ દિવસે સુરેન્દ્રની અંદર આનંદનો સ્રોત ખૂલી ગયો. તેઓ ભક્તો સાથે કીર્તનમાં આનંદથી સામેલ થયા અને ભાવાવેશમાં ગાવા લાગ્યા : ભાવાર્થ :‘ મારા પિતા પાગલ છે. મા પણ પગલી છે. હું પણ પાગલ પુત્ર છું; (મારી) માનું નામ શ્યામા (કાલી) છે.’

કાશીપુરમાં બીજા પણ એક દિવસે (૨૨ એપ્રિલ, ૧૮૮૬) ઠાકુરના શ્રી હસ્તે સુરેન્દ્રનાથને બે માળાઓ મળી હતી. એવું સૌભાગ્ય એમને ઘણીવાર પ્રાપ્ત થતું હતું.

અમે લોકોએ જોયું છે - સુરેન્દ્રનાથ પહેલાં પૂજા, ધ્યાન વગેરે પ્રચલિત પદ્ધતિથી વિધિવત્ ભક્તિના માર્ગમાં જ ચાલવા ઈચ્છતા હતા. એમની વિચારધારા પણ ઘણા દિવસોથી તર્ક, અનુમાન વગેરેના આશ્રયથી જ સંચાલિત થતી હતી. એ કારણે એક દિવસ (૨ માર્ચ, ઈ.સ.૧૮૮૪) તેમણે કથાપ્રસંગમાં પ્રશ્ન કર્યો : ‘ઈશ્વર તો ન્યાયપરાયણ છે. તેઓ પોતે સ્વયં જ ભક્તોને જોશે.’ ઠાકુરે આ ચીલાચાલુ વિચારધારાની ખામી બતાવવાના આશયથી કહ્યું : ‘આ સંસારમાં એમની માયા અને માયાનાં કામોમાં અનેક ગરબડ છે. કંઈ સમજવામાં નથી આવતું.’

સુરેન્દ્રને દક્ષિણેશ્વરમાં આવતાં પહેલાં દેવ-દેવીઓમાં વિશ્વાસ ન હતો.એ પછી શ્રીરામકૃષ્ણની કૃપાથી એમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ. પછી તેઓ દરરોજ ઠાકુરની અને પોતાની ઈષ્ટદેવી શ્રી કાલીમાતાની સામે ઘણા સમય સુધી બેસીને પૂજા કરવા લાગ્યા. એ દિવસોમાં ભક્તિના પ્રથમ ઉચ્છ્‍વાસથી એકવાર તેમને ઈચ્છા થઈ કે બીજા ભક્તોની જેમ તેઓ પણ વૈરાગ્યનો આધાર લઈને ઠાકુરની પાસે દક્ષિણેશ્વરમાં ઓછામાં ઓછું રાત રોકાઈને સાધના કરતા રહેશે. એ સંકલ્પ પ્રમાણે તેમણે ત્યાં એક બિછાનું પણ પોતા માટે રાખી દીધું અને તેઓ ત્યાં એકાદ-બે રાત રોકાયા પણ ખરા. ઠાકુર ફક્ત દૃષ્ટાના રૂપે આ બધું જોતા રહ્યા. કંઈ બોલ્યા નહીં. પરંતુ એમની પત્નીએ વિરોધ કરતાં કહ્યું : ‘તમે દિવસે ગમે ત્યાં જાઓ. પરંતુ, રાતે ઘરની બહાર રહેવું નહીં.’ આથી પછી સુરેન્દ્ર માટે ત્યાં રાત રહેવું શક્ય ન બન્યું. આ રીતે નિષ્ફળ થવા છતાં પણ સુરેન્દ્રનાથ હૃદયમાં વિષયકામના ઘટવા લાગી અને તેઓ પોતાના ઉચ્છૃંખલ જીવનને સંયત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એ કારણે કેદારબાબુએ એક વખત (૧૮૮૨ ઈ.સ) જ્યારે શ્રીરામકૃષ્ણને કહ્યું : ‘જો આપે આ (રામ,સુરેન્દ્ર,મનોમોહન) બધાને ચરણોમાં સ્થાન આપ્યું છે તો પછી એમનો નિગ્રહ આપ કેમ કરી રહ્યા છો ? એક વખત સારી રીતે કૃપા કરો, જેથી આ લોકો મુક્ત થઈ શકે.’ એના ઉત્તરમાં ઠાકુરે ઉદાસીનતાથી કહ્યું : ‘હું શું કરી શકું ? મારામાં ક્યાં શક્તિ છે ? જો તેઓ ઈચ્છા કરે તો બધું જ થઈ શકે છે.’ એ પછી થોડીવારે શ્રીરામકૃષ્ણ સંધ્યા પહેલાં પંચવટીમાં જઈને નિ:શ્ચેષ્ટ થઈને બેસી ગયા. બરાબર એ સમયે સુરેન્દ્ર પોતાને સંભાળી ન શકવાને કારણે રડી પડ્યા અને બોલી ઊઠ્યા : ‘મહાશય, એમને આપ અત્યારેય આટલું કષ્ટ શા માટે આપી રહ્યા છો ? અમે  જાણીએ છીએ કે અમે લોકો પાપી છીએ. કેમ કે અમે લોકો મહાપુરુષની પાસે સદા આવીએ છીએ, હરિ-હરિ બોલીને નાચીએ છીએ, ભગવદ્‍ભાવમાં ગદ્‍ગદ થઈએ છીએ. લોકો માને છે કે આ લોકો સાધુ થઈ ગયા છે. પરંતુ જો અમે અમારા હૃદયને પૂછીએ તો કહેશે કે સાધુત્વની બિન્દુ જેટલી હવા પણ મળી નથી. અમારા મનમાં જે કુસંસ્કાર હતા એમાં થોડી પણ કમી થઈ નથી. તો અમે લોકો કેવી રીતે સાધુ થયા? ઊલટું લોકોની આંખમાં ધૂળ નાખતાં ખૂબ શીખી લીધું છે. પહેલાં અમે આ રીતે રડી શકતા ન હતા. હવે સારી રીતે રડી શકીયે છીએ.’ ઠાકુર જોઈ રહ્યા હતા કે આંસુઓ અને આત્મવિશ્લેષણને પરિણામે સુરેન્દ્રના પૂર્વસંસ્કાર ધીમે ધીમે ઓગળી રહ્યા છે. આથી સુરેન્દ્ર વગેરેની ફરી ફરીની આજીજીના ઉત્તરમાં એમણે હૃદય ખોલીને આશીર્વાદ આપતાં કહ્યું : ‘આનંદમયી, કૃપા કરો, તમે લોકો આનંદમાં રહો,’

સત્યસંકલ્પ ઠાકુરના એ આશીર્વાદનું જલદી જ રૂપ મળવા લાગ્યું. સુરેન્દ્ર ભગવત્પ્રેમમાં મગ્ન થયા. ઈ.સ ૧૮૮૫ની દુર્ગાપૂજાના સમયે ઠાકુર માંદગીને કારણે શ્યામપુકુરમાં રહેતા હતા. સુરેન્દ્રના ઘરમાં પૂજા થઈ રહી હતી. પરંતુ ઠાકુર ત્યાં જઈ શક્યા નહીં. વિજયાદશમીના દિવસે (૧૮ ઓકટોબર) મહામાયાના ચાલ્યા જવાનું દુ:ખ સહન નહીં થાય એમ જાણીને સુરેન્દ્ર ઘર છોડીને શ્રીરામકૃષ્ણની પાસે આવીને બેસી ગયા.અને હૃદયના આવેગથી ‘મા’ ‘મા’ પોકારતા પરમેશ્વરી સંબંધી અનેક વાત કહેવા લાગ્યા. એમનો ભાવ જોઈને ઠાકુરનાં નેત્રોમાંથી પ્રેમનાં આંસુ વહેવા લાગ્યાં. એમણે માસ્ટર મહાશય તરફ જોઈને ગળગળા સ્વરે કહ્યું : ‘કેવી ભક્તિ છે! અહા ! આની ભક્તિ કેવી છે !’ આટલું કહીને તેમણે સુરેન્દ્રને કહ્યું કે નવમી પૂજાની રાત્રિના સાત કે સાડાસાત વાગ્યે એમને એક દિવ્ય દર્શન થયું હતું. એમણે સામે જોયું - સુરેન્દ્રના મકાનનું આંગણું, બિરાજમાન દુર્ગાપ્રતિમા, બધું જ્યોતિર્મય. શ્યામપુકુરનું આ નિવાસસ્થાન અને દુર્ગાનું તે સ્થળ બંને એક થઈ ગયાં છે. જાણે પ્રકાશનો પ્રવાહ બંને વચ્ચે વહી રહ્યો છે. સુરેન્દ્રે કહ્યું : ‘એ સમયે સભામંડળમાં દેવતાની સામે હું ‘મા’ ‘મા’ પોકારી રહ્યો હતો. મોટાભાઈઓ બધું છોડીને ઉપર ચાલ્યા ગયા હતા. મને એવું લાગ્યું કે જાણે માએ કહ્યું : ‘હું ફરીથી આવીશ.’

શ્રીરામકૃષ્ણ પ્રત્યે સુરેન્દ્રબાબુના વિશ્વાસનો પરિચય એક બીજા પ્રસંગથી (૧૩ એપ્રિલ, ૧૮૮૬ ઈ.ના દિવસે ) પણ મળે છે. એ સમયે કાશીપુરના બગીચામાં ઠાકુર રોગશય્યા પર સૂતા હતા. સુરેન્દ્ર ઓફિસનું કામ પૂરું કરીને ચાર નારંગી તથા ફૂલની બે માળાઓ લઈ રાતના આઠ વાગ્યે ત્યાં પહોંચ્યા. આવતાં જ ભાવાવેગથી તેઓ કહેવા લાગ્યા : ‘આજે વૈશાખનો પ્રથમ દિવસ છે (બંગાળી વર્ષનો શુભારંભ). વળી મંગળવાર, પણ કાલીઘાટ જવાયું નહીં. મેં વિચાર્યું કે જે સ્વયં કાલી છે અને કાલીને ઓળખી શક્યા છે એમનાં દર્શન કરવાથી જ થશે.’ (કથામૃત) સુરેન્દ્રે વાતના પ્રસંગમાં એમ પણ જણાવ્યું કે આગલા દિવસે સંક્રાન્તિ હતી એથી તેઓ આવી શક્યા નહીં. એટલા માટે પોતાના ઘરમાં જ એમણે ઠાકુરની છબીને ફૂલોથી સજાવી હતી. એમની વાત સાંભળીને ઠાકુરે પાસે બેઠેલા માસ્ટર મહાશયને ઈશારાથી કહ્યું: ‘અહા, કેવી ભક્તિ છે !’

શ્રીરામકૃષ્ણના ખજાનચી સુરેન્દ્રના દાનનું પ્રમાણ કેટલું હતું એ કોઈએ લખી રાખ્યું નથી. તો પણ આ નિબંધના પ્રારંભમાં ‘લીલા પ્રસંગ’ ગ્રંથમાંથી જે વાતોનું નિરૂપણ કર્યું છે એનાથી વાચક થોડું સમજી શકશે. એમ પણ એક અસ્પષ્ટ સંકેતનો અહીં ઉલ્લેખ કરવો આવશ્યક છે. ‘કથામૃત’માં છે, ‘સુરેન્દ્ર થોડા અભિમાની છે.’ ભક્તો એ બગીચાના ઘરના નિભાવખર્ચ માટે બહારના ભક્તો પાસે નાણાં મેળવવા ગયા હતા, એથી એમના મનમાં થોડો આઘાત લાગ્યો હતો. એ ઘરનો મોટાભાગનો ખર્ચ સુરેન્દ્ર જ આપતા હતા. યાદ રાખવું પડશે કે એ સમય દરમિયાન દર મહિને લગભગ બસો રૂપિયા ખર્ચાતા હતા. એ ખર્ચ ઉપરાંત, પણ ઠાકુરની નાની મોટી સુખસગવડની જરૂરિયાત માટે સુરેન્દ્રબાબુ હંમેશાં હાથ છૂટો જ રાખતા. ક્યારેક ગરમીનો તાપ ઓછો કરવા ખસનો પરદો ખરીદી લાવતા, ક્યારેક સેવા માટે ફળો લાવતા, ક્યારેક માળા વગેરે લાવીને ઠાકુરના શ્રીઅંગને પોતાની ઈચ્છા પ્રમાણે સજાવતા. ઉદારહૃદયી સુરેન્દ્રના પાછળના જીવનની ઉદારતાનું નિરૂપણ સ્વામીજીના ‘પત્રાવલી’ નામના પુસ્તકમાં થયું છે : ‘પૂર્વોક્ત બે મહાત્માઓ (સુરેન્દ્ર અને બલરામ)ને ખૂબ જ ઈચ્છા હતી કે ગંગાકિનારે જમીન ખરીદીને ત્યાં શ્રીરામકૃષ્ણનાં અસ્થિ પધરાવવામાં આવે. એ સમયે સુરેશે (સુરેન્દ્રબાબુ) એ માટે એક હજાર રૂપિયા આપ્યા હતા. પછી બીજા પણ આપશે એમ કહ્યું હતું.’

અસ્તુ. હવે આપણે ફરીથી શ્રીરામકૃષ્ણના લીલાકાળમાં પાછા આવીએ છીએ. પોતાની બુદ્ધિ અને શક્તિ મુજબ શ્રીરામકૃષ્ણની ભાવધારાને રૂપ પ્રદાન કરવા માટે સુરેન્દ્ર આગળ પડતા હતા. મનોમોહન અને રામચંદ્રની સલાહથી તેમણે સર્વધર્મસમન્વયનું એક ભાવદ્યોતક, તૈલચિત્ર તૈયાર કરાવ્યું હતું. એમાં શિવ-મંદિર, મસ્જિદ અને દેવળની સાથે ઈસામસીહ, શ્રીચૈતન્ય વગેરે અવતારી પુરુષ તથા જુદા જુદા સંપ્રદાયોના આચાર્ય લોકો વિદ્યમાન હતા. તથા તેઓ સંગીત, વાદ્ય, નૃત્ય વગેરે સાથે આનંદ પ્રગટ કરી રહ્યા હતા. બીજી બાજુ શ્રીરામકૃષ્ણદેવ ઊભા થઈને કેશવચંદ્રને એ અપૂર્વ મિલનોત્સવ બતાવી રહ્યા હતા. આવા ગંભીર ભાવવાહી ચિત્રને જોઈને અત્યંત પ્રસન્ન થયેલા કેશવચંદ્ર સેને સુરેન્દ્રને પત્ર લખી જણાવ્યું હતું: ‘જેમના દ્વારા આ ચિત્રનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે, તે ધન્ય છે.’ મનમોહન અને રામચંદ્રની મદદથી સુરેન્દ્રે સર્વધર્મસમન્વયના એક પ્રતીકનું પણ નિર્માણ કરાવ્યું હતું. - એમાં વૈષ્ણવોનું પ્રતીક, ખ્રિસ્તીઓનો ક્રોસ, મુસલમાનોનો પંજો, વગેરેનો સમાવેશ થયેલો હતો. કેશવબાબુ એ સુમેળભર્યા પ્રતીકની સાથે એક વખત નગરકીર્તનમાં નીકળ્યા હતા. સુરેન્દ્રનું બીજું પણ એક પ્રદાન હતું શ્રીરામકૃષ્ણના જન્મોત્સવનું આયોજન. ભક્ત મનમોહન કહી રહ્યા છે : ‘મહાત્મા સુરેન્દ્રનાથના પ્રયત્ન અને પૈસાથી ઈ.સ.૧૮૮૧માં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિના દિવસે શ્રીરામકૃષ્ણનો પ્રથમ જન્મોત્સવ સંસ્થાપિત થયો હતો...પ્રથમ અને દ્વિતીય વર્ષના ઉત્સવનો સઘળો ખર્ચ ભક્તપ્રવર સુરેન્દ્રનાથે જ આપ્યો હતો. પરંતુ ત્રીજા વર્ષથી શ્રીરામકૃષ્ણ ભક્તમંડળીના પ્રસ્તાવ મુજબ બધા લોકો થોડું થોડું આપવા લાગ્યા, તો પણ ભક્ત સુરેન્દ્રનાથ જ એ મહોત્સવના પ્રાણસ્વરૂપ હતા. મોટા ભાગનો ખર્ચ તેઓ જ ઉપાડતા હતા.’

ઠાકુરને કદાચ એવી ઇચ્છા નહોતી કે એમના ખજાનચી દીર્ઘજીવી રહે. એ કારણે ઈ.સ.૧૮૯૦ને ૨૫મી મેની રાતે લગભગ ચાળીસ વર્ષની ઉંમરે સુરેન્દ્રનાથ પોતાનું કામ પૂરું કરીને ઈચ્છિત લોકમાં ચાલ્યા ગયા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda