Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

ગિરીશચંદ્ર ઘોષ

શ્રીયુત અક્ષયકુમાર સેન દ્વારા રચિત ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’ અનુસાર શ્રીરામકૃષ્ણ કહે છે : ભાવાર્થ : ‘એક દિવસ જ્યારે હું કાલીના મંદિરમાં મારા મનથી બેઠો હતો, તો એ વખતે જોયું, એક મૂર્તિ નાચતી નાચતી આવી. જ્યારે મેં તેને પૂછ્યું કે ‘તમે કોણ છો ?’ તો તેમણે કહ્યું : ‘હું ભૈરવ છું, અહીં આવ્યો છું.’ પછી પૂછ્યું : ‘તમારું આવવાનું શું પ્રયોજન છે ?’ ઉત્તર મળ્યો : ‘હું તમારું જ કાર્ય કરીશ.’ ગિરીશ મારી પાસે આવતાં મેં જોયું કે એના ઉપર તે જ ભૈરવ છે.’ ગિરીશને ભૈરવ રૂપમાં જોવાનો ઉલ્લેખ ‘લીલાપ્રસંગ’ ગ્રંથમાં પણ છે (ગુરુભાવ-પૂર્વાર્ધ). તેમાં લખ્યું છે  ‘શ્રીરામકૃષ્ણદેવે દક્ષિણેશ્વરની કાલીમાતાના મંદિરમાં ભાવસમાધિમાં એક દિવસ એમને એવા જ જોયા હતા.’

શ્રીયુત ગિરીશચંદ્ર ઘોષ મહાશય બંગાળી સમાજમાં મુખ્યત્વે મહાકવિ, નાટ્યકાર કે અભિનેતા તરીકે જ પ્રસિદ્ધ હતા. પરંતુ શ્રીરામકૃષ્ણ સંઘમાં તેઓ એકનિષ્ઠ અનન્ય ભક્તિ અને ઠાકુરની અહૈતુકી કૃપાના અપૂર્વ દૃષ્ટાંતરૂપ હતા. શ્રીરામકૃષ્ણના આધારે ગિરીશનું જીવન જે રીતે ગૌરવવંતુ થયું હતું, એ જ રીતે ગિરીશના આધારે શ્રીરામકૃષ્ણલીલા પણ જીવકલ્યાણને માટે અપૂર્વ શક્તિદાયિની બની હતી. જે રીતે ગિરીશનું જીવન સમજવા માટે શ્રીરામકૃષ્ણને અલગ કરી શકાતા નથી, એ જ રીતે શ્રીરામકૃષ્ણની લીલા સમજવા માટે ગિરીશના જીવનને છોડી દઈ શકાતું નથી.

ઈ.સ. ૧૮૪૪ની ૨૮મી ફેબ્રુઆરી સોમવારે ગિરીશનો જન્મ થયો હતો. એમના પિતા નીલકમલ ઘોષ કોલકાતાના ૧૩ નંબરના બસુ પાડા લેનમાં રહેતા હતા. ગિરીશના પ્રપિતામહ રામલોચન ઘોષે એ મકાન ખરીદી લીધું હતું અને તેઓ તેમાં સ્થાયી રહેવા કોલકાતા આવી ગયા હતા. આ જ ઘરમાં ગિરીશનો જન્મ થયો હતો. નીલકમલ વ્યાપારી પેઢીમાં હિસાબની દેખરેખનું કામ કરતા હતા. એ કાર્યમાં વિશેષ બુદ્ધિપ્રતિભા દાખવીને તેમણે પેઢીના અંગ્રેજ માલિકનો વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. એ દિવસોના હિસાબથી એમની આવક સારી જ હતી. પારિવારિક બુદ્ધિમત્તા, ઉદારતા, પરોપકાર તથા બીજા સદ્‍ગુણોને લઈને તેઓ પડોશીઓનાં શ્રદ્ધા-વિશ્વાસ અને આદરના અધિકારી બન્યા હતા. વૈષ્ણવકુળમાં જન્મેલાં ભક્તિમતી જનની રાઈમણિ પણ બીજા અનેક ગુણો સાથે વંશપરંપરાના ધર્મભાવવાળાં હતાં. તેમને દેવતાઓની કથા સાંભળવામાં તેમજ સ્તવન સ્તુતિપાઠમાં ખૂબ જ આનંદ મળતો. જ્યારે વૈષ્ણવ યાચકો ઘરમાં આવતા ત્યારે તેઓ તેમને પૈસા આપીને પદો ગવડાવીને સાંભળતાં. ગિરીશના મામા નવીનકૃષ્ણ ભાવુક, વિદ્યાનુરાગી અને અધ્યયનશીલ હતા. દલીલબાજીમાં એમની શક્તિ અપૂર્વ હતી. તેમના મોટા કાકા રામનારાયણ ઉદાર અને રમૂજી હોવા છતાં પણ મદિરાસક્ત હતા. કુટુંબના વડીલ સભ્યોના એ બધા ગુણો-અવગુણો ગિરીશને વારસામાં મળ્યા હતા. એમનાં પર-દાદીમાનો પ્રભાવ પણ વિશેષ હતો. દાદીમાની કથાશૈલી એટલી સુંદર હતી કે તેમણે કહેલી રામાયણ, મહાભારત અને પુરાણકથાઓ ગિરીશ સામે જીવંત બની જતી. એકવાર તે વૃદ્ધાએ શ્રીકૃષ્ણના વૃંદાવનત્યાગનું વર્ણન કર્યું. મથુરાગમનનું એ ચિત્ર એવું હૃદયસ્પર્શી વર્ણવ્યું; ગોપગોપીઓનાં આંસુ, મૂક પ્રકૃતિનું ક્રંદન અને માતા યશોદાનો પાગલની જેમ હાહાકાર, આ સર્વની ઉપેક્ષા કરીને અક્રૂર શ્રીકૃષ્ણને વૃંદાવનમાંથી મથુરા લઈ ગયા. આ સાંભળીને આર્ત સ્વરે બાળક ગિરીશે પૂછ્યું : ‘શું શ્રીકૃષ્ણ ફરીથી પાછા આવ્યા હતા ?’ દાદીમાએ કહ્યું : ‘ના.’ પછી પ્રશ્ન થયો ‘પાછા આવ્યા જ નહીં ?’ ‘નહીં.’ ત્રીજીવાર પણ તેવો જ પ્રશ્ન પૂછ્યો અને તેનો એવો જ ઉત્તર મેળવીને બાળક અત્યંત દુ:ખી થઈને ત્યાંથી ચાલ્યો ગયો. તે વિરહ વ્યથા દૂર કરવામાં તેને ત્રણ દિવસ લાગ્યા હતા. કોમળ હૃદયી બાળક એ ત્રણ દિવસ સુધી બીજી કથા સાંભળવા માટે દાદીમાની પાસે ગયો ન હતો.

ગિરીશ રાઈમણિના આઠમા ગર્ભનો પુત્ર હતો. માતાની સ્નેહદૃષ્ટિ વધારે હોવાથી કદાચ પુત્રનું અમંગલ થઈ જાય તો, એ કારણે માતા ગિરીશને વધુ લાડપ્યાર કરતાં ન હતાં. તેમ છતાં પણ તે માતાના સ્નેહથી જેટલો વંચિત હતો એથી અધિક પ્રેમ તે પોતાના પિતા પાસેથી મેળવતો હતો. આ પછી એક પ્રસંગ એવો બન્યો કે એથી ગિરીશ જાણી ગયો કે તેની મંગલકામના માટે જ માતાએ આવો અપૂર્વ ત્યાગ સ્વીકાર્યો છે. એક દિવસ બાળક ગિરીશનું ગાલ તથા ગળું ફૂલી ગયું અને તે તાવમાં પટકાઈ પડ્યો. તાવને લઈને બેભાન થઈ ગયો, એ સમયે રાઈમણિએ નીલકમલ બાબુને વ્યાકુળ થઈને કહ્યું : ‘તમે કોઈ પણ રીતે આને બચાવો.’ એકાએક આ રીતે પ્રેમની વૃદ્ધિ થયેલી જોઈને નીલકમલ બાબુએ કારણ પૂછ્યું, ત્યારે રાઈમણિએ કહ્યું: ‘રાક્ષસી એવી મેં એક સંતાન તો ગુમાવી દીધું છે. કદાચ મારી દૃષ્ટિથી આનું અમંગળ થાય એ કારણે હું એને પાસે આવવા દેતી ન હતી... મારી અવજ્ઞાથી એણે કોણ જાણે કેટલાંય કષ્ટ સહન કર્યાં છે - વિચારીને મારી છાતી ફાટી જાય છે.’ આ પહેલાં બાવીસ વર્ષની ઉંમરમાં ગિરીશના મોટાભાઈનું મૃત્યુ થયું હતું. માતાના પ્રેમથી વંચિત રહેવાનું બીજું પણ એક કારણ હતું. પુત્રજન્મ પછી રાઈમણિ સુવારોગથી પીડાતાં હતાં. આથી માતાના ધાવણથી વંચિત ગિરીશ એક બાગદી મહિલાનું દૂધ પીતો હતો. એ પછી માતા વધુ વધારે દિવસ આ જગતમાં રહ્યાં નહીં. ગિરીશની ૧૦ વર્ષની ઉંમરમાં તેઓ આ લોક છોડીને ચાલ્યાં ગયાં.

ગિરીશના બાળપણમાં શિક્ષણ સાધારણ ગતિથી જ આગળ ચાલતું હતું. ખાસ તો પિતાના વધુ પડતા માનને કારણે ઉંમર વધવાની સાથે સાથે ગિરીશ બહુ જ હઠીલો અને ઉદ્ધત બની ગયો. જ્યાં ક્યાંય પણ એને મુશ્કેલી ઊભી થતી ત્યાં તે અત્યંત ગુસ્સે થઈ જતો. રાક્ષસનો ભય દેખાડતાં જ તે તેને મળવા દોડી જતો. પુત્રની આવી પ્રકૃતિની જાણ થતાં પિતા શક્ય હોય ત્યાં સુધી તેને અટકાવતા નહીં. ગૃહદેવતા શ્રીધરને ભોગ ધરવાના સંકલ્પથી તેના મોટાકાકીએ બગીચામાંથી ઊતરેલી પહેલવહેલી કાકડી ઘાસમાં સંતાડીને રાખી. ગિરીશને તે જ ખાવાની ઇચ્છા થઈ. આથી પિતા ઘરે આવે એ પહેલાં જ તેણે રડવાનું શરૂ કરી દીધું અને રડતાં રડતાં કહેવા લાગ્યો : ‘તરસ લાગી છે’ - ‘પાણી પીવાની તરસ નહીં.’ ‘બજારની કાકડી ખાવાની પણ તરસ નહીં. આ તો પાછળના બગીચાની કાકડી ખાવાની તરસ છે.’ પિતાના આદેશથી એ કાકડી ગિરીશના હાથમાં મૂકવામાં આવી. મોટાં કાકીએ મનાઈ કરતાં નીલકમલે કહ્યું : ‘બાળક જેને માટે રડે છે, એ શું શ્રીધર સંતોષથી ખાઈ શકશે ?’

છ વર્ષની ઉંમરે ગિરીશ વિદ્યાલયમાં જવા લાગ્યો. પરંતુ મનમોજી બાળકને સ્નેહમય પિતા ધીમે ધીમે એક વિદ્યાલયથી બીજા વિદ્યાલયમાં ખસેડતા રહ્યા. આથી પુત્રનો વિદ્યાભ્યાસ ખૂબ ધીમી ગતિએ આગળ ધપતો રહ્યો. સદ્‍ભાગ્યની વાત એ છે કે વિદ્યાલયમાં ભણતી વખતે જ ગિરીશનો સાહિત્યપ્રેમ જાગ્રત થયો હતો. કવિ ઈશ્વરચંદ્રનું નામ સાંભળીને તે કાવ્યરચના કરવા લાગ્યો અને ગુપ્ત કવિના સમાચારપત્ર ‘સંવાદ-પ્રભાકર’નો ગ્રાહક પણ બની ગયો. પુરાણકથા, રામાયણગાન, શૌકીન નાટક વગેરે પ્રત્યે એના મનમાં સહજ આકર્ષણ હતું. ‘કવિકંકણ ચંડી’, ‘અન્નદામંગલ’ તથા પુરાણ વગેરે ગ્રંથો તે ઘરમાં બેસીને વાંચતો. સામાન્ય રીતે કહી શકાય કે તે સમયે તે હિન્દુધર્મજીવન અને ધર્મભાવથી ધીમે ધીમે સારી રીતે પરિચિત થઈ રહ્યો હતો. પરંતુ એવું લાગે છે કે જાણે એનાથી તેની કવિકલ્પના પરિપુષ્ટ થવા છતાં પણ તે તેના આધ્યાત્મિક આહ્વાન માટે આત્મસમર્પણ કરવા તૈયાર ન હતો.

ભાવિ જીવન માટે જ્યારે ગિરીશ આ રીતે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે એની ચૌદ વર્ષની ઉંમરમાં એના પિતા નીલકમલ એકાએક સ્વર્ગે સીધાવ્યા. કિશોર અને યૌવનના સંધિકાળમાં ગિરીશ સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયો. પિતાની દૂરદૃષ્ટિના પરિણામે તેમજ મોટીબહેન કૃષ્ણકિશોરીના પ્રયત્નથી સંપત્તિનું રક્ષણ થઈ શક્યું પણ ગિરીશને બચાવવો બહેન માટે મુશ્કેલ બની ગયું. ભાઈની માનસિક દશા જોઈને બુદ્ધિશાળી કૃષ્ણકિશોરીએ પિતાના અવસાન પછી એક વર્ષ બાદ નવીનચંદ્ર સરકારની પુત્રી શ્રીમતી પ્રમોદિની સાથે ભાઈનાં લગ્ન કરી દીધાં. નવીનબાબુ ગિરીશના પિતાના મિત્ર હતા અને તેઓ અત્યંત મેઘાવી સજ્જન પ્રકૃતિવાળા હતા. તેઓ એટકિન્સન ટિલ્ટન કંપનીમાં ‘બુકકીપર’ હતા. મોટીબહેને વિચાર્યું કે એમની મદદથી ગિરીશને કાબૂમાં રાખી શકાશે પણ આનું ખાસ કોઈ પરિણામ આવ્યું નહીં. પિતાના મૃત્યુને પરિણામે થોડા દિવસ ગિરીશના ભણવાના પાઠ બંધ રહ્યા પણ પછી ફરી અભ્યાસ શરૂ કરતાં તેઓ પાછા નિશાળો બદલવા લાગ્યા. છેવટે ઈ.સ. ૧૮૬૨માં સરકારી મદદથી ચાલતા પાઈકપાડાના વિદ્યાલયમાંથી તેમણે પ્રવેશિકા પરીક્ષા આપી પણ તેમાં તેઓ નાપાસ થયા. વિદ્યાલય સાથેનો સંબંધ અહીં સમાપ્ત થયો. તો પણ પહેલાંના અભ્યાસ મુજબ પોતાના ઘરમાં એમની સાહિત્ય ચર્ચા ચાલવા લાગી.

એ દિવસોમાં અંગ્રેજી કેળવણીનો વધુ આદર હતો. ગિરીશને લગ્નમાં જે ભેટ રકમ મળી હતી એને ભોગવિલાસ ને વ્યસનોમાં ઉડાડી ન દેતાં એમાંથી ઘણાં સારાં સારાં અંગ્રેજી પુસ્તકો ખરીદ્યાં અને તેઓ ખૂબ જ ધ્યાનપૂર્વક એ વાંચવા લાગ્યા. ગિરીશ જ્યારે જે વસ્તુમાં લાગતા, તેમાં ડૂબી જતા. અંગ્રેજી પુસ્તકોના વાંચનમાં એમનો ઘણોખરો સમય ઘરમાં જ પસાર થતો, મિત્ર સાથે બેસીને એમને ગપ્પાં મારવાની ફુરસદ મળતી નહીં. એ સમયે તેઓ બંગાળી ભાષામાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરવાની કોશિશ કરવા લાગ્યા અને પોતાના ઘરમાં બેસીને ઉત્તમ અંગ્રેજી કવિતાનો અનુવાદ બંગાળીમાં કરતા હતા. પોતાની પાસે સંગ્રહેલાં પુસ્તકોથી સંતુષ્ટ ન થતાં પછી તેઓ એશિયાટિક સોસાયટીના સભ્ય બન્યા.

યુવાનીના આરંભમાં નિરંકુશ ગિરીશની સાહિત્ય ચર્ચાની સાથે સાથે થોડા દોષો પણ વધી ગયા હતા. મદ્યપાન, ઉચ્છૃંખલતા અને જિદ્દીપણું ધીમે ધીમે વધતાં જતાં હતાં અને બધાંનું ધ્યાન ખેંચતાં હતાં. તેને લઈને ધીમે ધીમે આવારાઓની એક ટોળકી બની ગઈ. એ ટોળીના નાયક ગિરીશ ક્યારેક તુંબડીવાળા મદારીની સાથે બીનના ખેલ કરતા તો ક્યારેક મહોલ્લામાં આવેલા પાખંડી સાધુઓને સજા આપતા. ક્યારેક માણસોની તંગી હોય તો શબના અગ્નિસંસ્કાર કરવા આગળ આવતા તો ક્યારેક ફાળો એકઠો કરી ગરીબોની સારવાર અને પથ્યની વ્યવસ્થા કરતા. પડોશીઓ એ સમયમાં ગિરીશ અને તેમની ટોળીની વણમાગી મદદથી ઉપકૃત થતા તેમજ ભવિષ્યમાં પણ એવી મદદની અપેક્ષા રાખતા. પરંતુ તેમ છતાંય આ ઉપદ્રવી ટોળીને તેઓ સારી દૃષ્ટિથી જોતા નહીં. જમાઈની વર્તણૂક જોઈને સસરા નવીનબાબુએ એમને પોતાની વ્યાપારી પેઢીની ઓફિસમાં દંડનાયક તરીકે રાખી લીધા. એ પછી ત્યારથી લગભગ પંદર વર્ષ સુધી ગિરીશબાબુએ જુદી જુદી ઓફિસોમાં નોકરી કરી હતી.

બંગાળનાં શ્રીમંત ઘરોમાં એ સમયે પાશ્ચાત્ય અનુકરણને પરિણામે નાટક અભિનયની ચાલ શરૂ થઈ હતી. પરંતુ સાધારણ ગૃહસ્થોને એ જોવાનું સદ્‍ભાગ્ય મળતું નહીં. આથી સામાન્ય માણસો માટે સાર્વજનિક થિયેટર શરૂ થયું. એવાં મંડળોમાં ગિરીશબાબુ અભિનેતા કે સંગીતકાર તરીકે સેવા આપતા. ઈ.સ. ૧૮૬૭માં એમની પ્રેરણાથી ‘શર્મિષ્ઠા’ નાટક ભજવાયું.’ તેમાં તેમણે થોડાં ગીતો રચ્યાં હતાં એથી એમને એ મંડળીમાં વિશેષ ખ્યાતિ મળી હતી. છેવટે સમયની માગ પ્રમાણે એ સાર્વજનિક થિયેટર માટે ટિકિટ લેવાની વ્યવસ્થા થઈ. આથી ગિરીશબાબુએ એમનો સંપર્ક છોડી દીધો; પણ છતાંય મિત્રોના આગ્રહ અને પોતાની અભિનય ઇચ્છાને કારણે તેઓ ક્યારેક ક્યારેક એમાં ભાગ લેતા હતા. ધીમે ધીમે સમય જતાં આવાં થિયેટરોમાં વારાંગનાઓનો પ્રવેશ શરૂ થયો અને તે સાર્વજનિક નાટકનું મંડળ પણ ધંધાદારી મંડળ બની ગયું. આ બંને પ્રકારનાં પરિવર્તનો માટે ગિરીશબાબુ જવાબદાર ન હોવા છતાં પણ એ વાત સાચી છે કે બંગાળની રંગભૂમિની પૂર્ણ રીતે પરિણમેલી સ્થિતિના તેઓ જ અધ્યક્ષ, મુખ્ય અભિનેતા, નાટ્યાચાર્ય અને નાટકકાર રૂપે જુદા જુદા સમયે જુદાં જુદાં નાટ્યમંડળોના સંચાલનનો ભાર ગ્રહણ કરીને બંગાળની રંગભૂમિમાં સર્વોચ્ચ સ્થાને બિરાજતા હતા અને આગળ પર એનું નિયંત્રણ પણ તેમણે જ કર્યું હતું. પ્રારંભમાં તો દીનબંધુ અને માઈકલ મધુસૂદન દત્ત વગેરેનાં લખેલાં નાટકો ભજવાતાં કે સાહિત્ય સમ્રાટ બંકિમચંદ્રની નવલકથા કે કવિ નવીનચંદ્રનાં કાવ્યોનું નાટકમાં રૂપાંતર કરવામાં આવતું હતું. ગિરીશબાબુ શરૂઆતમાં તો ગીતો અને નવલકથા વગેરેને રંગમંચને યોગ્ય બનાવવામાં અને પોતાનો અભિનય આપવામાં જ વ્યસ્ત રહેતા હતા. પરંતુ પછીથી દર્શકોનો આગ્રહ વધતાં તેમના સંતોષ માટે તેઓ મૌલિક નાટકો લખવા માટે પ્રવૃત્ત થયા.

એ દિવસોમાં તેઓ વ્યાપારી પેઢીમાં નોકરી કરતા હતા. આથી પૈસા માટે અભિનય ઉપર આધાર રાખવો પડતો ન હતો. તેમને અભિનયમાં રસ હતો તેથી જ તેમણે આ ક્ષેત્રમાં યોગદાન આપ્યું હતું. આથી જોવામાં આવ્યું કે ‘કૃષ્ણકુમારી’ નાટકના અભિનયમાં (૨૨મી ફેબ્રુ. ઈ.સ. ૧૮૭૩) તેમણે ભીમસિંહનું પાત્ર ભજવીને સમગ્ર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે નાટોરના મહારાજાએ એમને પુરસ્કાર રૂપે રાજવેશ અને તલવાર આપ્યાં હતાં. એમણે એ બંને વસ્તુઓ પોતે ન રાખી અને એ રંગભૂમિને દાનમાં આપી દીધી. આ રીતે બીજાં થોડાં વર્ષો સુધી એમણે રંગભૂમિ અને નોકરી બંને સાથે ચલાવ્યાં. ઈ.સ. ૧૮૮૧ની પહેલી જાન્યુઆરીથી એમણે પોતાનું જીવન સંપૂર્ણપણે રંગભૂમિની ઉન્નતિ માટે અર્પણ કરી દીધું. એ દિવસથી તેઓ પ્રતાપચંદ્ર જૌહરીના આગ્રહથી માસિક સો રૂપિયાના પગારે એમના થિયેટરના મેનેજર બન્યા.

એ પછી તેઓ અનેક જગ્યાએ અધ્યક્ષપણે રહ્યા. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં નવા થિયેટરના બિનહરીફ નેતા અને પ્રાણ હતા. આથી બધાં નાટ્ય મંડળો એમને મેળવવા ઉત્સુક રહેતાં. પરંતુ નિર્લોભી ગિરીશબાબુ પોતાના સ્વભાવને લઈને કોઈ મંડળને છોડતા નહીં તેમજ કોઈ સાથે વિવાદ પણ કરતા નહીં. તેઓ બધાંના મિત્ર હતા. બધાં ક્ષેત્રોમાં એમની નિ:સ્પૃહતા સર્વનું ધ્યાન ખેંચતી. અમૃતલાલ વગેરે મિત્રો જ્યારે એમના જ ઉત્સાહથી સ્ટાર થિયેટરના ઉપરી થઈને એના માટે ગૃહનિર્માણ કરી રહ્યા હતા ત્યારે એમરાલ્ડ થિયેટરના સંસ્થાપક ગોપાલલાલ શીલે ગિરીશબાબુને કહ્યું કે જો તેઓ વીસ હજાર રૂપિયાનું બોનસ (વધારાનું પારિતોષિક) અને સાડાત્રણસો રૂપિયાનો માસિક પગાર સ્વીકારીને એમરાલ્ડના અધ્યક્ષ બનવાનું નહીં સ્વીકારે, તો તેઓ સ્ટાર થિયેટરનો સત્યાનાશ કરી દેશે. આવા સંકટમાં પડીને ગિરીશબાબુએ પોતાના બોનસમાંથી સોળ હજાર રૂપિયા સ્ટાર થિયેટરને આપીને પોતે એમરાલ્ડ થિયેટરના સંચાલનની જવાબદારી સ્વીકારી લીધી. (ઈ.સ. ૧૮૮૭) પછી તેઓ ફરીથી સ્ટાર થિયેટરમાં આવ્યા. (ઈ.સ. ૧૮૮૯).

શ્રીયુત ગિરીશની નાટ્યપ્રતિભા કેવી રીતે દશે દિશાઓમાં ખીલી ગઈ હતી એનું સવિસ્તાર વર્ણન કરવું અમારા માટે શક્ય નથી કેમ કે અમે ભક્ત ગિરીશને વર્ણવવા માગીએ છીએ. અમે અહીં અમૃતલાલના શબ્દોમાં ફક્ત એટલું જ કહીને આ વિષય સમાપ્ત કરીશું કે : ‘ગિરીશચંદ્ર બંગાળી રંગમંચના જનક હતા... બંગાળી નાટ્યશાળાના પિતૃત્વના ગૌરવના અધિકારી એકલા ગિરીશચંદ્ર જ હતા... બીજા કોઈ પણ એમના કાકા, દાદા વગેરે એ સમયે ન થયા.’

ભક્ત ગિરીશના ચરિત્રના અનુસરણ પહેલાં અમે એમના જીવનનું એક બીજું પાસું પણ અહીં બતાવવા ઇચ્છીએ છીએ. પડોશીઓનાં દુ:ખ, દરિદ્ર, રોગ વગેરે જોઈને તેઓ ખૂબ જ દુ:ખી થઈ જતા. આથી એક સમયે એમનાં કષ્ટ દૂર કરવાના હેતુથી એમણે હોમિયોપેથી સારવાર આપવી શરૂ કરી હતી. પરંતુ અભણ લોકો એની પરેજી પાળતા નહીં આથી ચિડાઈને એમણે એ વ્યવસાય છોડી દીધો. તેઓ પરોપકારી હોવા છતાં પણ યૌવનમાં સ્વેચ્છાચારી હતા. ખાસ કરીને એ યુગની હવાના પ્રભાવથી એમણે ધર્મમાં શ્રદ્ધા ગુમાવી દીધી હતી. પરંતુ એમને પોતાના પિતા પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી તેને પરિણામે તેઓ પિતૃતર્પણ કરતા હતા અને કહેતા કે : ‘હું જલ આપું છું કેમ કે કોણ જાણે એનાથી ખરેખર મૃત પિતાને કોઈ લાભ થતો હોય તો !’ એક વખત શરત્કાલીન દુર્ગાપૂજાના આગલા દિવસે કેટલાક લોકો એમના ઘરના આંગણામાં દુર્ગામૂર્તિ મૂકીને સરકી ગયા. બીજા દિવસે સવારે તમાશો જોવા થોડા પડોશીઓ ત્યાં ભેગા થયા. નીચે કોલાહલ થતો સાંભળીને ગિરીશબાબુ જાગી ગયા અને શું છે તે વાત જાણી ગયા. તેઓ મદિરાપાન કરી, ‘કાળા પહાડ’ની વેશભૂષામાં સજ્જ હાથમાં કુહાડી લઈને નીચે ઊતરી આવ્યા અને એમણે એ મૂર્તિના ટુકડે ટુકડા કરી નાખ્યા. મોટી બહેનનો આર્તનાદ અને પડોશીઓનો વિરોધ કોઈ તેમને અટકાવી શક્યું નહીં. પછી દિવસભરના પરિશ્રમને અંતે એ મૂર્તિઓનો ધ્વંસાવશેષને માટીના ખાડામાં દાટીને તેઓ નિવૃત્ત બન્યા. પણ તે રાત્રે તેમને તાવ આવી ગયો અને મોઢું સુજી ગયું. મોટીબહેને માનતા કરી કે તેઓ ચાર વર્ષ સુધી દુર્ગાપૂજા કરશે અને સમય આવતાં તેણે એનું પાલન પણ કર્યું હતું. પરંતુ ગિરીશની અંદર કોઈપણ જાતનો પશ્ચાત્તાપ જણાયો ન હતો. સાંભળ્યું છે કે અવિશ્વાસના ધુમાડાથી છવાયેલી બુદ્ધિવાળા ગિરીશ એ દિવસોમાં રસ્તે ચાલતાં એકાંતમાં શિવલિંગનું અપમાન કરીને જોતા કે શિવ કોઈ સજા કરે છે કે નહીં. એ દિવસોની માનસિક દશા બાબતમાં તેમણે લખ્યું હતું કે : ‘ઈશ્વરને ન માનવા એ ત્યારે વિદ્વત્તા ગણાતી. પરંતુ હિન્દુઓના દેશમાં... કોઈ પણ હિન્દુના પ્રાણ સમાન ઈશ્વરને ઉડાવી દઈ શકાતો નથી. મિત્રોમાં જે લોકો વિદ્વાન હતા એમની સાથે ક્યારેક ક્યારેક હું ઈશ્વર વિશે દલીલ કરતો. બ્રાહ્મસમાજમાં પણ હું ક્યારેક ક્યારેક આવતો જતો રહેતો. પરંતુ જે અંધકાર પહેલાં હતો એ જ અંધકાર આગળ પણ રહ્યો... ધીમે ધીમે એવું ભાન થવા લાગ્યું કે આ બધું ખોટું છે... ભૌતિકવાદી લોકો વિદ્વાન છે, જ્ઞાની છે. તેઓ જે કંઈ કહે છે તે જ સાચું છે.’ ગિરીશનો એ દિવસોનો દાર્શનિક વિશ્વાસ એમણે રચેલી કવિતામાં પ્રગટ થાય છે. ભાવાર્થ : ‘મહાકાલ પંચભૂતોને હાથમાં લઈને નાચી રહ્યા છે. દરરોજના સંયોગ-વિયોગ એમને માટે બાળકોની રમત જેવા છે. જ્યારે તેઓ એમને એક સાથે બાંધી દે છે ત્યારે પાંચેય ભૂત હસે છે ને રડે છે. ખોલી દેતાં તેઓ ભાંગી જાય છે, પછી ક્યાંક મળી જાય છે.’

‘બધા જ દિવસો એકરૂપે આવતા નથી.’ ભાવિમાં લોકચરિત્રનું અંકન કરીને જે મહાકવિરૂપે ઓળખાશે એમનું વ્યક્તિગત જીવન આઘાત-પ્રત્યાઘાતોથી બહુ જ વિચિત્રતાપૂર્ણ બન્યું હતું. ઈ.સ. ૧૮૬૮માં એમણે પોતાની બીજી મોટીબહેન કૃષ્ણકામિની અને એ પછી થોડા દિવસમાં જ અપરિણિત નાનાભાઈ કાનાઈલાલને ગુમાવી દીધા. એમની ૨૩ વર્ષની ઉંમરે એક પુત્ર જન્મીને મહિના બાદ તે પણ ચાલી નીકળ્યો. એ પછી સાત વર્ષ બાદ નાનોભાઈ ક્ષીરોદચંદ્ર સ્વર્ગવાસી થયો. શોકાનલનું શમન થાય એ પહેલાં જ એમની બીજી એક બહેનનું મૃત્યુ થયું. છેવટે પત્ની પણ એક વર્ષ સુધી સુવારોગથી પીડાઈને, ગિરીશની પ્રાણપણે સેવા કરવા છતાંય શરીર છોડીને ચાલી નીકળી. (ઈ.સ. ૧૮૭૪-૭૫) દુ:ખ સામાન્ય માણસને ઈશ્વરનું સ્મરણ કરાવે છે. પરંતુ ગિરીશબાબુ સ્વેચ્છાએ એ કૃપાથી વંચિત રહ્યા હતા. એથી દુ:ખ ભૂલવા માટે તેઓ સાહિત્યચર્ચા, કાવ્ય રચના અને મદિરાપાનમાં ડૂબી ગયા.

વિધુર ગિરીશબાબુએ ફરીથી લગ્ન કરી લીધાં. નવી પત્નીના સંનિષ્ઠ પ્રયત્નથી ઘરની શોભા વધી ગઈ. તેઓ પણ થોડા સંયમી બન્યા અને થિયેટરના કામમાં સહયોગ આપવા લાગ્યા. રસ-પ્રાપ્તિ અને આનંદપ્રદાન સિવાય આ કાર્યમાં એમને બીજો કોઈ ઉદ્દેશ હતો કે નહીં, તેની અમને જાણ નથી. પરંતુ આ રંગભૂમિ જ એમના જીવનને એક મધુર પરિણામ તરફ લઈ ગઈ. તેઓ કઠોર અને દલીલથી પુષ્ટ અવિશ્વાસના સંકીર્ણ તટોની અંદર જ પોતાના જીવનપ્રવાહને સીમિત રાખવા ઇચ્છતા હતા. પરંતુ ઘટના-પરંપરાઓના આકર્ષણથી તે પ્રવાહ ધીમે ધીમે વધુ વિશાળ અને શક્તિશાળી બનીને ક્યારે કેવી રીતે અસીમ સમુદ્રમાં આવી મળ્યો તે તેઓ પોતે પણ જાણી શક્યા નહીં. એ સમયે એમનું મન બુદ્ધિ અને વિશ્વાસના ઘોર દ્વંદ્વમાં વિક્ષુબ્ધ હતું. દુ:ખ આવી પડતાં તેઓ ક્યારેક બીજાના અનુકરણથી ઈશ્વરને પોકારતા ખરા પણ પછી વિપત્તિ દૂર થતાં તુરત જ કાર્યકારણનો સંબંધ શોધી કાઢીને કહેતા : ‘આ પ્રકૃતિના નિયમથી જ થયું છે.’ આનું ઉદાહરણ આપી શકાય છે કે પ્રથમ પત્નીના અવસાન પછી તેઓ ફ્રાઈબર્જર કંપનીના કામ માટે ભાગલપુર હતા. ત્યારે ત્યાં તેઓ એક દિવસ મિત્રો સાથે ફરવા ગયા અને તેઓ એક અંધારી ગુફામાં ઊતરી પડ્યા. બહાર નીકળવાનો રસ્તો જ તેમને મળ્યો નહીં. આથી મિત્રો કહેવા લાગ્યા કે નાસ્તિક ગિરીશ સાથે છે, એટલે આવી આપત્તિ આવી પડી. હવે દુ:ખભંજન મધુસૂદનને પોકાર્યા વગર બીજો ઉપાય નથી. મિત્રોએ હઠ કરી આથી નાછૂટકે એમણે પણ એ પ્રાર્થનામાં ભાગ લીધો અને એ સમયે સામે રસ્તો દેખાયો. પરંતુ બહાર નીકળતાં જ તેમણે કહ્યું : ‘ભાઈ, આજે દુ:ખમાં પડીને જ મેં એમને પોકાર્યા છે. પરંતુ જો વિશ્વાસપૂર્વક એમનું નામ ક્યારેય લઈ શકીશ તો લઈશ. નહીંતર દુ:ખ તો શું, મૃત્યુના ભયથી પણ નહીં લઉં.’

ગિરીશબાબુ પહેલાં ઐતિહાસિક નાટક લઈને રંગમંચ પર ઊતરી આવ્યા હતા. પરંતુ ધીમે ધીમે એમને સમજાયું કે બંગાળી દર્શકોને આકર્ષવા, રંગમંચને સફળ બનાવવા પૌરાણિક અને ધાર્મિક નાટકોની રચના કરવી જરૂરી છે. મોટેભાગે આ હેતુથી તેઓ દેવ-દેવીઓ અને અવતારોનાં ચરિત્ર ચિત્રણ કરવામાં પ્રવૃત્ત થયા હતા. નહીંતર પહેલાં નિર્દેશ કરેલી મનોવૃત્તિવાળા ગિરીશબાબુ એકાએક એમની પૂજામાં આત્મસમર્પણ કરી દે એ વાત એકદમ તર્કસંગત નથી. વાસ્તવમાં જે રીતે અભિનેતા નાટકના પાત્રને જાણી સમજીને સ્વીકાર કરવા છતાં પણ એની સાથે તદ્રૂપ થતો નથી તે રીતે ગિરીશ પણ પોતાની કલમ દ્વારા દેવચરિત્રો વગેરેને કંડારવા છતાં પણ એના દૃષ્ટા અને સાક્ષી જ રહ્યા. એમનો ઉદ્દેશ હતો - દર્શકોનું મનોરંજન તથા પ્રયોજન હતું - પ્રસંગોપાત્ત નામ-યશ અને આજીવિકા મેળવવાં.

એ સાથે બાળપણમાં શુભ સંસ્કાર તેમને બિલકુલ મળ્યા ન હતા એવું નથી. ઉપરાંત તેઓ અતિશય ધનલાલચુ પણ ન હતા. તેઓ આર્ત હતા, શોકનાં અનેક વાદળ એમના ઉપરથી વહી ગયાં હતાં. બીજીવાર લગ્ન કર્યા પછી છ જ મહિના બાદ એમને કોલેરા થવાથી પ્રાણ ભયમાં આવી પડ્યો. જ્યારે મૃત્યુ ઓશીકે આવીને ઊભું હતું ત્યારે એકાએક એમણે જોયું કે એક અદૃષ્ટપૂર્વ માતૃમૂર્તિ ઊભી છે. એમના મસ્તક પર સિંદૂર હતું, એમનાં નેત્રો સ્નેહપૂર્ણ હતાં, એમણે લાલ કિનારવાળી સાડી પહેરી હતી. એ દેવીએ તેમને મહાપ્રસાદ આપ્યો ને કહ્યું : ‘ખા.’ એ મહાપ્રસાદ એમણે ખાધો. પછી ભાન આવતાં તેમણે અનુભવ કર્યો કે એ મહાપ્રસાદનો સ્વાદ હજુ પણ તેમના મુખમાં હતો. એ પછી તેઓ સાજા થઈ ગયા. આ દિવ્યરૂપથી તેમને પુનર્જીવન પ્રાપ્ત થયું અને તેમની દૃષ્ટિ બીજા વિષય પ્રત્યે ખૂલી ગઈ. એમણે જોયું કે ‘પોતાની ચોતરફ શત્રુઓ છે.’ એટલે સુધી કે મિત્રો પણ પોતાપોતાના સ્વાર્થ માટે ફરી રહ્યા છે. પુરુષાર્થથી ઉન્નતિ પ્રાપ્ત કરીને આજે તેઓ ડગલે ને પગલે વિપત્તિગ્રસ્ત બની ગયા છે. તે ઉપરાંત કોલેરામાંથી તેઓ સાજા તો થઈ ગયા પણ એમના નષ્ટ થઈ ગયેલા આરોગ્યમાં કોઈ સુધારો જણાયો નહીં. ના છૂટકે એમણે સર્વવ્યાધિહારક તારકનાથ મહાદેવનું શરણું લીધું અને દાઢી ને કેશ રાખ્યાં, રોજ ગંગાસ્નાન કરવું શરૂ કર્યું તેમજ શિવપૂજા અને હવિષ્યાન્ન ભોજનમાં મન લગાડ્યું. એ વખતે તેઓ દર વર્ષે શિવરાત્રીનું વ્રત કરતા હતા અને તે દિવસે તારકનાથના દર્શને જતા હતા. ક્યારેક કાલીઘાટ જઈને હવનકુંડ પાસે આસન પાથરીને રાતભર જગદંબાને પોકારતા. સાંભળવા મળ્યું છે કે સકામ ભક્તની પ્રાર્થનાને જગદંબાએ આંશિકરૂપે પૂરી કરી હતી. એ વખતે ગિરીશ દવા લીધા વગર ફક્ત પોતાની ઇચ્છાશક્તિથી જ રોગ નાબૂદ કરી શકતા હતા. એમના ચિત્તમાં એ સમયે ઈશ્વર માટે વ્યાકુળતા પણ જાગી હતી. એમના મુખમાંથી એ સમયે શબ્દ નીકળતા : ‘મા, મા.’ અને તારકનાથ મહાદેવની પાસે તેઓ પ્રાર્થના કરતા હતા : ‘પ્રભુ મારો સંદેહ દૂર કરો. જો ગુરુના ઉપદેશ વગર સંદેહ નિર્મૂળ ન થાય તો તમે જ મારા ગુરુ બની જાઓ.’

એ દિવસોમાં ગિરીશબાબુ સાહિત્યક્ષેત્રમાં પૌરાણિક નાટકોની રચના કરવા લાગ્યા હતા. તેમને એક પછી એક નાટકમાં સફળતા મળવા લાગી. ઈ.સ. ૧૮૮૪ના ઓગસ્ટના એક શુભદિવસે શુભ મુહૂર્તે રંગમંચ પર એમનું ‘ચૈતન્યલીલા’ નાટક ભજવાયું. આ નાટકે વિકૃત રુચિ ધરાવનાર નૂતન બંગાળને પુરાતનનો અવિસ્મરણીય આસ્વાદ કરાવીને ઘેલું કરી દીધું. શું ગિરીશ એ સમયે ભક્તિથી તરબોળ હતા ? એમની દશા જોતાં એવું લાગતું ન હતું. ‘ચૈતન્યલીલા’ના રસાસ્વાદથી મુગ્ધ બનેલા એક વૈષ્ણવ બાબાજી પોતાનો સ્નેહભાવ દર્શાવવા અને અભિનંદન આપવા ગિરીશના ઘરે ગયા. તેમણે જોયું, કવિવર હાથમાં મદિરાની બોટલ લઈને બેઠા છે. પોતાની આંખો પર વિશ્વાસ ન ફરી શકવાથી બાબાજીએ પૂછ્યું : ‘શું આપ દવા પીઓ છો ?’ નિંદા અને સ્તુતિની પરવા ન કરવાવાળા કવિએ કહ્યું : ‘આ બોટલમાં દવા નથી પણ દારૂ છે.’ ગૌરલીલાની સાથે આવા વર્તનનો વિરોધાભાસ જોઈને બાબાજી તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા.

બાબાજી તો ચાલ્યા ગયા પણ એ ‘ચૈતન્યલીલા’એ જ અયાચિત ભાવથી ગિરીશની નજીક શ્રીરામકૃષ્ણને લાવી દીધા. ‘ચૈતન્યલીલા’ના અભિનયની ખ્યાતિ સાંભળીને ઠાકુર સ્વયં એક દિવસ (૨૧ સપ્ટે. ઈ.સ. ૧૮૮૪) ભક્તો સાથે થિયેટરમાં આવ્યા. સમાચાર સાંભળીને ગિરીશબાબુ એમનું સ્વાગત કરવા દ્વાર પર આવ્યા. તો ઠાકુરે ગિરીશને પહેલાં પ્રણામ કર્યા. ગિરીશે સામે નમસ્કાર કર્યા. ઠાકુરે ફરી તેમને નમસ્કાર કર્યા. આમ ઘણીવાર ચાલ્યું. પછી ગિરીશે જોયું કે ઠાકુરના ભાગે એક નમસ્કાર વધુ આવે છે. ગિરીશબાબુએ પાછળથી કહ્યું હતું : ‘રામના અવતારમાં ધનુષ્યબાણ લઈને જગત-વિજય થયો હતો, કૃષ્ણના અવતારમાં વિજય થયો હતો વાંસળીના સૂરથી અને રામકૃષ્ણ અવતારમાં વિજય થશે પ્રણામ અસ્ત્રથી.’ ગિરીશે પરાજિત થઈને ઠાકુરને મનમાં જ અંતિમ નમસ્કાર કર્યા અને ઠાકુરને ઉપર લઈ જઈ બેસાડી દીધા અને એક પંખાવાળાને ત્યાં પંખો નાખવા માટે મૂકયો. તેમની તબિયત અસ્વસ્થ હોવાને કારણે તેઓ ઘરે ચાલ્યા ગયા. પરંતુ આ કંઈ એમનું પહેલું દર્શન ન હતું. પણ ત્રીજું દર્શન હતું.

પ્રથમ દર્શન થયું હતું - બસુપાડા મહોલ્લાના દીનાનાથ બસુના ઘરમાં. (મોટેભાગે ઈ.સ. ૧૮૭૭માં) ગિરીશબાબુએ ‘ઈંડિયન મિરર’ પત્રિકામાં દક્ષિણેશ્વરના પરમહંસદેવ શ્રીરામકૃષ્ણની વાત વાંચી હતી. બરાબર એ જ સમય દરમિયાન દુ:ખી અને જિજ્ઞાસુ ગિરીશ દિવ્યકૃપાથી કોલેરાના રોગમાંથી ચમત્કારિક રીતે ઊગરી ગયા હતા અને તેમણે એ પછી ધર્મમાં મન પરોવ્યું હતું. પરંતુ ઉચ્ચભાવનો વિશ્વાસ એ સમયે પણ એમના મનમાં સ્થાન જમાવી શક્યો નહીં. ‘મિરર’ વાંચતાં એમના મનમાં થયું કે ‘બ્રાહ્મોએ શું ફરી એક પરમહંસ ઊભા કર્યા ?’ જે કંઈ પણ હોય, પરંતુ તેઓ એ મહોલ્લામાં આવ્યા હોવાથી ગિરીશ ત્યાં કુતૂહલવશ ગયા અને ત્યાં એમણે જોયું કે પરમહંસ મહારાજ ઉપદેશ આપી રહ્યા છે અને કેશવચંદ્ર સેન વગેરે આનંદથી સાંભળી રહ્યા છે. સંધ્યા થતાં એક માણસે દીપક પ્રગટાવ્યો. એ દીપકને જોઈને તેમણે પૂછ્યું : ‘શું સંધ્યા થઈ ગઈ છે ?’ એ સાંભળીને ગિરીશે વિચાર્યું કે ‘સારું બહાનું છે ! સામે દીવો જોઈને પણ એ જાણી નથી શકતા કે સંધ્યા થઈ ગઈ છે.’ આથી અહીં વધારે બેસવું નિરર્થક છે એમ માનીને તેઓ ત્યાંથી ઘરે ચાલ્યા આવ્યા.

એનાં થોડાં વર્ષ બાદ બલરામ મંદિરમાં બીજાં દર્શન થયાં હતાં. ઠાકુરના શુભાગમનના ઉપલક્ષ્યમાં ભક્ત-શિરોમણિ બલરામે મહોલ્લાના થોડા લોકોને આમંત્રણ આપ્યું હતું. શ્રીયુત ગિરીશને આમંત્રણ મળતાં તેઓ પણ ત્યાં ગયા. એમની માન્યતા હતી કે યોગી અને પરમહંસ લોકો કોઈ સાથે વાત કરતા નથી અને કોઈને નમસ્કાર પણ કરતા નથી. બહુ વિનંતી કરવામાં આવે તો ચરણસેવા કરવા દે છે. પરંતુ આ પરમહંસ તો એનાથી જુદા જ હતા. ‘તેઓ આગ્રહપૂર્વક મિત્રભાવે વાતો કરે છે અને નમ્રભાવે ભૂમિ સ્પર્શ કરીને વારંવાર પ્રણામ કરે છે.’ પૌરાણિક ચિત્ર અંકિત કરવામાં કુશળ નાટ્યકારે જોયું - વાસ્તવિકતાની સામે કાલ્પનિક ચિત્ર ઝાંખું બની રહ્યું છે. તેઓ ચોંકી ઊઠ્યા. પરંતુ તે એકાએક દર્શન પરિચયમાં પરિણમ્યું નહીં. એ દિવસે ત્યાં ‘અમૃતબજાર પત્રિકા’ના સંપાદક શિશિરકુમાર ઘોષ હાજર હતા. એમણે કહ્યું : ‘ચાલો, બીજું શું જોશો ?’ પરંતુ શ્રીયુત ગિરીશ બીજું  પણ જોવા માગતા હતા. એમ છતાં પણ શિશિરબાબુ એમને પરાણે પોતાની સાથે લઈ ગયા. ત્રીજા દર્શનના સમયે ઠાકુર સ્વેચ્છાએ પાસે આવ્યા હતા છતાં પણ ત્યારે ય તેમના મનમાંથી સંદેહ અને અહંકારનું ધુમ્મસ હટ્યું નહીં. એ કારણે ગિરીશબાબુએ જોઈને પણ એમને ઓળખ્યા નહીં.

ચોથા દર્શન પહેલાં એમણે જગદંબાને પોકારી હતી અને દેવતાની અલૌકિક શક્તિ પર શ્રદ્ધા જાગી હતી. પરંતુ પરલોકના પથપ્રદર્શક ગુરુનું અનુસંધાન હજુ થયું ન હતું. શાસ્ત્રમાં લખ્યું છે ખરું. ‘ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ’ વગેરે પરંતુ ભગવાનને ગુરુરૂપે સ્વીકારતાં તો મનુષ્યને ગુરુનું આસન આપી ન શકાય. અહંકાર પ્રત્યેક પગલે વિઘ્ન નાખે છે.’ બરાબર એ દરમિયાન એક વૈષ્ણવે એમને કહ્યું કે તેઓ દરરોજ ભગવાનને ભોગ ધરાવે છે અને ભગવાન પણ તેનો સ્વીકાર કરે છે. ક્યારેક ક્યારેક રોટલીમાં દાંતનાં નિશાન રહી જાય છે. પરંતુ ગુરુ મળ્યા નહીં હોવાથી એવો સાક્ષાત્કાર અસંભવ છે. પ્રસંગ ભલે ગમે તે હોય પરંતુ ગુરુપ્રાપ્તિ વિશે આવું વાક્ય સાંભળીને નિ:સહાય ગિરીશબાબુ બંધ ઓરડામાં બેસીને આંસુ સારવા લાગ્યા. એ પછી થોડા દિવસ બાદ તેઓ મહોલ્લાના ચાર રસ્તા પરના એક ચબૂતરામાં બેઠા હતા. બરાબર એ જ વખતે ઠાકુર ભક્તોની સાથે બલરામબાબુના ઘરે જવા એ રસ્તેથી નીકળ્યા. ગિરીશની સાથે નેત્રોથી મિલન થતાં જ એમણે નમસ્કાર કર્યા. ગિરીશે તેમને પ્રતિનમસ્કાર કર્યા. પણ ઠાકુરે પાછા નમસ્કાર ન કરતાં પોતાના રસ્તે ચાલવા લાગ્યા. ત્યારે ગિરીશને એવું લાગ્યું કે કોઈ અદૃશ્ય દોરી એમના હૃદયને ખેંચીને લઈ જાય છે. થોડીવાર બાદ એક ભક્ત આવ્યો ને એમને કહ્યું : ‘શ્રીરામકૃષ્ણદેવ બોલાવી રહ્યા છે.’ તેઓ બલરામમંદિરમાં પહોંચ્યા પછી થોડી ક્ષણો બાદ ઠાકુર એકાએક બોલી ઊઠ્યા : ‘બાબુ, હું મજામાં છું. બાબુ, હું મજામાં છું.’ આટલું બોલતાં કોણ જાણે એમની કેવી દશા થઈ ગઈ ! એ પછી ઠાકુરે કહ્યું : ‘નહીં, નહીં, આ ઢોંગ નથી. નહીં, ઢોંગ નથી.’ શું આ ગિરીશના સંદેહનો ઉત્તર હતો ? થોડીવાર પછી જ ગિરીશની સાથે એમનો આવો વાર્તાલાપ થયો - ગિરીશ : ‘ગુરુ શું છે ?’ ‘ગુરુ શું છે જાણો છો ? જેમ (વિવાહની જોડી લગાવવા વાળા) મધ્યસ્થ. તમારા ગુરુ થઈ ગયા છે.’ ગિરીશ : ‘મંત્ર શું છે ?’ ‘ઈશ્વરનું નામ.’ બીજી પણ થોડી વાતચીત કર્યા બાદ પાછા વળતી વખતે ગિરીશને અનુભવ થયો, ‘જાણે એમના અભિમાનનો બંધ તૂટતો જાય છે. - આખરે એક દિવસ આ દેવમાનવની પાસે એમણે માથું નમાવવું જ પડશે.’

પાંચમા દર્શન સમયે પણ એ તૂટેલા અભિમાનનું માળખું હજુ ઊભું હતું. એ દિવસે ભક્ત પ્રવર દેવેન્દ્રનાથ મજુમદાર થિયેટરના સાજઘરમાં આવ્યા અને કહ્યું : ‘ઠાકુર નાટક જોવા આવ્યા છે.’ ત્યારે પોતાની જગ્યાએ જ ઊભા રહીને ગિરીશે કહ્યું... ‘સારું છે તો બોકસમાં લઈ જઈ બેસાડો.’ દેવેન્દ્રબાબુએ જ્યારે કહ્યું : ‘શું આપ જાતે જ સ્વાગત કરીને નહીં તેડી લાવો ?’ તો એમણે ચિડાઈને ઉત્તર આપ્યો: ‘શું હું નહીં જાઉં તો તેઓ ગાડીમાંથી નહીં ઊતરે ?’ પરંતુ તો પણ તેઓ ચાલીને ગાડીની સામે પહોંચી ગયા. એ દિવસે ઠાકુરની સામે હાજર થતાં એમના સૌમ્ય મુખકમળનાં દર્શનથી ગિરીશનું પથ્થર હૃદય પણ પીગળી ગયું. એમણે ઠાકુરને ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા. નાટકના મધ્યાંતર સમયે શ્રીરામકૃષ્ણદેવ બે માળના એક ઓરડામાં જઈને બેઠા. દેવેનબાબુ વગેરે ભક્તો ગિરીશના આગ્રહ છતાં પણ બેઠા નહીં. પણ તેઓ બધા ઊભા જ રહ્યા. સાહિત્યકાર ગિરીશને એ સમયે પણ ખબર ન હતી કે વાસ્તવમાં સંસારમાં શિષ્ય ગુરુને કેવી શ્રદ્ધાથી જુએ છે. જે કોઈ પણ હોય પરંતુ ગિરીશ સાથે ઠાકુરની વાતચીત થવા લાગી અને ગિરીશને અનુભવ થવા લાગ્યો કે જાણે કોઈ નવીનધારા એની અંદરથી વહી રહી છે. એટલામાં ઠાકુર ભાવાવસ્થામાં એક નાના બાળક સાથે રમવા માંડ્યા. ગિરીશના મનમાં પ્રબળ વિજાતીય ભાવનો ઉદય થયો. તુરત જ ઠાકુરે કહ્યું : ‘તમારું મન કુટિલ છે.’ આ મનનો ભાવ જાણી લે છે, એ જાણીને ગિરીશે આશ્ચર્યથી પૂછ્યું : ‘આ કુટિલતા કઈ રીતે જાય ?’ ઉત્તર આવ્યો : ‘વિશ્વાસ રાખવાથી.’

છઠ્ઠું દર્શન થયું - મધુરાયની ગલીમાં શ્રીરામચંદ્ર દત્તના મકાનમાં. એ દિવસે અચાનક ગિરીશબાબુને એક પત્ર મળ્યો કે ત્યાં શ્રીરામકૃષ્ણદેવ આવી રહ્યા છે. અજાણ્યા ઘરમાં જવું યોગ્ય ગણાય કે નહીં એવી વિચાર બુદ્ધિ એ એમને રોકયા છતાં પણ એક અદૃશ્ય ખેંચાણથી તેઓ ત્યાં ગયા અને તેમણે જોયું કે સંધ્યા વેળાએ રામબાબુના આંગણામાં નૃત્યપરાયણ ઠાકુરને ઘેરીને ભક્તો નૃત્ય કરતા કરતા ગાઈ રહ્યા છે : ગીતનો ભાવાર્થ : ‘ગૌરાંગદેવના પ્રેમ પ્રવાહની ભરતીથી નદિયા નગરીમાં ઉથલપાથલ મચી ગઈ છે.’ નાચતાં નાચતાં શ્રીરામકૃષ્ણદેવ એકાએક સમાધિસ્થ થઈને બેસી ગયા. ભક્તો એમના પગની રજ લેવા લાગ્યા. શ્રીયુત ગિરીશની અંદર અહંકાર અને ભક્તિનું દ્વંદ્વ ચાલી રહ્યું હતું. તેઓ પણ એમ કરશે કે નહીં એની દ્વિધા હતી. એ સમયે ઠાકુર સમાધિમાંથી જાગીને એમની સમીપ આવ્યા અને ફરી સમાધિસ્થ થઈ ગયા. હવે તો ગિરીશે બહુ જ આગ્રહપૂર્વક એમની ચરણરજ લીધી. સંકીર્તન પછી બેઠકમાં બેસીને ગિરીશબાબુએ ફરીથી પૂછ્યું : ‘મારા મનની કુટિલતા જશે ને ?’ આશ્વાસનની વાણી આવી : ‘જશે.’ બીજીવાર પૂછતાં પણ એમને એક જ ઉત્તર મળ્યો, બે વખત એ જ પૂછવાના કારણે એ દિવસે મનમોહનબાબુએ એમને આ અવિશ્વાસને માટે કઠોર સ્વરે ધમકાવ્યા. અપમાનથી અસહિષ્ણુ ઘમંડી ગિરીશે એ દિવસે પોતાની પ્રકૃતિની વિરુદ્ધ હોવા છતાં પણ વિરોધ ન કર્યો. થોડીવાર પછી તેઓ થિયેટરમાં જવા માટે ઊઠ્યા ત્યારે દેવેન્દ્રબાબુ એમની સાથે થોડે દૂર સુધી ગયા અને એમને દક્ષિણેશ્વર જવાની સલાહ આપી.

ગિરીશનું મન એક એક સ્તર ઉપર ઊઠી રહ્યું હતું. દક્ષિણેશ્વરમાં સાતમી વખતના દર્શન સમયે તેમને એવું લાગ્યું કે જાણે ગુરુ જ જીવનનું સર્વસ્વ છે. એ દિવસે એમણે ઠાકુરનાં ચરણકમલોમાં પ્રણામ કર્યા અને મનમાં ને મનમાં ‘ગુરુર્બ્રહ્મા’ વગેરે મંત્રનો પાઠ પણ કર્યો. ઠાકુરે એમને બેસવા કહ્યું ને ઉપદેશ આપવો શરૂ કર્યો. પરંતુ ગિરીશે તેમને રોકતાં કહ્યું : ‘હું ઉપદેશ નહીં સાંભળું. મેં પોતે અનેક ઉપદેશ લખ્યા છે. એથી કંઈ નથી થતું. જો આપ મારા માટે કંઈક કરી શકો તો કરી આપો.’ ઠાકુરે રામલાલદાદાને એક શ્લોકનો પાઠ કરવાની આજ્ઞા આપી. એનો ભાવાર્થ છે: ‘વિશ્વાસ જ બધું છે.’ ગિરીશે પૂછ્યું : ‘આપ કોણ છો ?’ ઉત્તર આવ્યો : ‘મને કોઈ કહે છે, હું રામપ્રસાદ છું અને કોઈ કહે છે રાજા રામકૃષ્ણ, હું અહીં રહું છું.’ પાછા ફરતી વખતે ગિરીશે જાણવા ઇચ્છ્યું :  ‘મેં આપનાં દર્શન કર્યાં છે; તો પણ હું જે કહું છું શું તે જ કામ કરવાનું રહેશે ?’ જે ઠાકુરે ગિરીશને કંઈ પણ છોડવાનો ઉપદેશ ન આપતાં એમને વિશ્વાસના રાજમાર્ગ પર ચાલવા માટે કહ્યું.

ઠાકુર ગિરીશને કોઈપણ બાબતમાં મનાઈ કરતા ન હતા. એક ભક્તે એક વખત એમને કહ્યું : ‘તે તો દારૂડિયો માણસ છે.’ એથી ઠાકુરે જવાબમાં કહ્યું હતું : ‘નહીં રે, એને કંઈ પણ કહેવું નહીં પડે. તે પોતે જ પોતાને સંભાળી લેશે.’ એ બાબતમાં ગિરીશે પણ કહ્યું હતું : ‘આ જે પરમ આશ્રયદાતા છે એમની પૂજા મેં કરી નથી, મદિરા પીને મસ્તદશામાં મેં એમને ગાળો આપી છે. એમણે શ્રીચરણસેવા કરવાનું કહેતાં મેં એની ઉપેક્ષા કરી છે. મેં વિચાર્યું - આ કેવી આફત છે !’ એક દિવસ ગિરીશ મદહોશ દશામાં ઘોડાગાડીમાં દક્ષિણેશ્વર પહોંચ્યા. ઠાકુરે લાટુને કહ્યું: ‘જા, જઈને ગાડીમાં જોઈ આવ, કંઈ ભૂલી તો નથી આવ્યો ને ?’ લાટુએ એવું જ કર્યું. બીજા કોઈ એક દિવસે ગિરીશ જ્યારે કાશીપુરમાં આવ્યા હતા ત્યારે ઠાકુરે લાટુને તમાકુ સળગાવવા માટે કહ્યું હતું અને ફાગુની દુકાનમાંથી ગરમ કચોરી મગાવીને તેમણે ગિરીશને ખવડાવી અને પોતાના હાથેથી એક ગ્લાસ પાણી પીવા માટે આપ્યું. એક રાતે ગિરીશ પોતાના મિત્રો સાથે વારાંગનાઓના ઘરમાં આનંદ-પ્રમોદમાં મત્ત હતા. એટલામાં હૃદયમાં દક્ષિણેશ્વરનું આકર્ષણ જાગી ઊઠ્યું. તુરત જ બે મિત્રોને સાથે લઈને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ઘોડાગાડીમાં દક્ષિણેશ્વર પહોંચ્યા. એ સમયે મંદિરના બાગનું ફાટક બંધ થઈ ગયું હતું. બધા લોકો સૂઈ ગયા હતા. ગિરીશનો અવાજ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણદેવ બહાર નીકળ્યા અને તેમણે મદિરાપાનથી ચકચૂર બનેલા ગિરીશનો હાથ પકડી લીધો ને તેઓ આનંદથી હરિનામ બોલતા નૃત્ય કરવા લાગ્યા. સ્નેહના એ સ્પર્શથી ગિરીશનું હૃદય દ્રવીભૂત થઈ ગયું. શ્રીરામકૃષ્ણદેવના સંબંધમાં ગિરીશે પછીથી કહ્યું હતું : ‘મને એ જ્ઞાન ન હતું કે તેઓ પુરુષ છે કે પ્રકૃતિ... તેઓ માતાની જેમ પ્રેમથી મને ખવડાવતા હતા, પછી પિતાની જેમ જ્ઞાની અને ભક્તના આદર્શ પણ હતા... શાસ્ત્રોમાં ઈશ્વર કોને કહે છે તેનું મને જ્ઞાન નથી. પણ મારી માન્યતા હતી કે હું મને પોતાને જે રીતે પ્રેમ કરું છું, જો તેઓ પણ મને એ રીતે પ્રેમ કરે તો જ તેઓ ઈશ્વર છે અને તેમણે મને મારી રીતે જ પ્રેમ કર્યો છે. મને અત્યાર સુધી કોઈ મિત્ર મળ્યો નથી. પરંતુ તેઓ મારા પરમ મિત્ર હતા કેમ કે મારા દોષોને તેઓ ગુણમાં બદલી નાખતા હતા. તેઓ મને પોતાના કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા.’

એક દિવસ ઠાકુર નાટક જોવા ગયા ત્યારે દારૂના નશામાં ગિરીશબાબુ જિદ્દ કરીને કહેવા લાગ્યા : ‘તમે મારા પુત્ર થશો ? કહો જોઈએ.’ ઠાકુરે કહ્યું કે એમના પિતાજી શુદ્ધ સત્ત્વગુણી બ્રાહ્મણ હતા એટલે તેઓ ગિરીશના પુત્ર કેવી રીતે બની શકે ? આથી ગિરીશબાબુ ગુસ્સે થઈ ગયા અને તેમણે ઠાકુરને ઘણી ગાળો આપી. એથી હાજર રહેલા ભક્તો ખૂબ જ દુ:ખી થઈ ગયા. એ લોકોએ ઠાકુરે આવા પાખંડી માણસ પાસે ફરીથી ન જવા કહ્યું. ઠાકુર ચૂપચાપ બધું સાંભળતા રહ્યા. બીજા દિવસે દક્ષિણેશ્વરમાં પણ એ જ પ્રસંગની વાત થતી રહી. એવામાં ત્યાં ભક્તવીર રામચંદ્ર દત્ત આવ્યા. ઠાકુરે તેમને પૂછ્યું : ‘ રામ, તમારો શો મત છે ?’ રામબાબુએ ઉત્તર આપ્યો : ‘જુઓ, કાલીયનાગે જે રીતે કૃષ્ણને કહ્યું હતું : ‘પ્રભુ ! તમે મને વિષ જ આપ્યું છે, તો હું અમૃત ક્યાંથી લાવું ?’ ગિરીશબાબુની પણ એ જ દશા છે. તેઓ અમૃત ક્યાંથી મેળવશે ?’ રામબાબુની વાત સાંભળતાં જ ઠાકુરે કહ્યું : ‘તો પછી ચાલો રામ, તમારી ગાડીમાં જ એક વખત ત્યાં જઈ આવું.’ આ બાજુ સ્વસ્થ થતાં ગિરીશને પોતાના અપરાધની યાદ આવતાં પશ્ચાત્તાપને કારણે તેમણે અન્ન છોડી દીધું હતું. ઠાકુરને જોતાં જ તેઓ તેમના ચરણોમાં આળોટી પડ્યા અને આર્ત સ્વરે કહેવા લાગ્યા : ‘આજે જો તમે ન આવ્યા હોત તો ઠાકુર મેં માની લીધું હોત કે તમે નિંદા અને સ્તુતિને સમાન ગણી શકતા નથી, પરમહંસનો અધિકાર તમને મળ્યો નથી. પરંતુ આજે હું ઓળખી ગયો કે તમે તે જ છો; તમે તે જ છો. તમે હવે મને છેતરી નહીં શકો. હવે હું તમને છોડીશ નહીં કહો, તમે મારો ભાર લેશો અને મારો ઉદ્ધાર કરશો ?’

આ રીતે ઘણીવાર આવન-જાવન કર્યા બાદ ગિરીશબાબુએ એક દિવસ ઠાકુરના ચરણોમાં સર્વભાવે આત્મસમર્પણ કરતાં કહ્યું : ‘હવે પછી હું શું કરું ?’ ઠાકુરે જવાબ આપ્યો : ‘જે કરતા હતા તે જ કરો. હવે અહીં - ત્યાં બંને બાજુનું રક્ષણ કરતા રહો. એ પછી જ્યારે એક બાજુનો ભાવ તૂટી જશે ત્યારે જે થવાનું હશે તે જ થશે. તો પણ સવાર-સાંજ એમનું સ્મરણ-મનન કરતા રહેજો.’ ગિરીશબાબુએ વિચાર્યું કે મારું સ્નાન, ભોજન, નિદ્રા કશું જ નિયમિત નથી તો પછી ગુરુદેવના શબ્દો સ્વીકાર્યા પછી મારી અશક્તિને કારણે મારે દોષભાગી જ બનવું પડશે. વળી તેઓ એ પણ જાણતા હતા કે ‘કોઈ પ્રકારના વ્રત કે નિયમથી હું ચિરકાળ માટે બંધાઈ ગયો છું’ એ વાત યાદ આવતાં જ તેઓ અધીર બની જતા હતા. એથી પોતાની આ નબળાઈ જાણીને તેઓ મૌન થઈ ગયા. ઠાકુરે એમના મનનો ભાવ જાણીને કહ્યું : ‘સારું, જો એમ ન કરી શકો તો ખાતાં અને સૂતાં પહેલાં એકવાર એમનું સ્મરણ કરજો.’ ત્યારે પણ ગિરીશ મૌન જ રહ્યા કેમ કે એમના ભોજનનો કોઈ નિશ્ચિત સમય જ ન હતો. વળી ક્યારેક દુન્યવી જંજાળમાં તેઓ ભોજન પણ ભૂલી જતા હતા. ઊંઘનું પણ એમ જ હતું. પોતાની આવી અસહાય દશાને લઈને ગુરુઆજ્ઞાનું પાલન ન કરી શકવાની લાચારીનો અનુભવ કરીને ગિરીશના મનમાં પોતાના ભવિષ્ય વિષે નિરાશાની આંધી ચાલી રહી હતી. આથી ઠાકુરે એમને ફરીથી કહ્યું : ‘તમે કહેશો કે જો હું એ પણ ન કરી શક્યો તો ? તો સારું મને તમારું મુખત્યારનામું આપી દો.’ એ સમયે ઠાકુર અર્ધબાહ્ય અવસ્થામાં હતા. એ વાત પોતાના મનને અનુકૂળ હોવાથી ગિરીશનું હૃદય શાંત થયું. એમણે વિચાર્યું, કે બધી જવાબદારી ઠાકુર ઉપર છોડીને તેઓ નિશ્ચિંત થઈ ગયા. પરંતુ ધીમે ધીમે એમની સામે જવાબદારીનો ગૂઢ અર્થ પ્રગટ થવા લાગ્યો, જેથી એમને કઠિન સાધન-સંગ્રામમાં ઊતરવું પડ્યું. કોઈ કાર્યમાં પછી તેમને ‘હું’ ‘મારું’ કહેવા સુધીનો અધિકાર રહ્યો નહીં. સુખ-દુ:ખમાં એમના હર્ષ-શોક વ્યક્ત કરવાનો અવકાશ જ રહ્યો નહીં. એટલે સુધી કે તેઓ જાણી ગયા કે ‘જે મનુષ્યે જવાબદારી બીજાને આપી દીધી હોય એના સાધન-ભજન કે જપ-તપ વગેરે કામોની સીમા રહેતી નથી. તેને દરેક પગલે તથા દરેક શ્વાસે જોવું પડે છે. એમના પર ભાર દઈને જ્યારે પગલું માંડવામાં આવે કે શ્વાસ છોડવામાં આવે ત્યારે આ નકામો ‘હું’ માથું ઊંચું કરી લે છે.’ થોડાક જ દિવસોમાં એ જવાબદારી સોંપી દીધાની પરીક્ષા આપવી પડી. બીજી પત્નીએ એમને બે પુત્રીઓ અને એક પુત્રની ભેટ આપી હતી. દુકાળમાં તે બે પુત્રીઓ કાળની ગર્તામાં સમાઈ ગઈ અને પત્ની પણ પુત્રજન્મ પછી સુવારોગથી પથારીવશ થઈ ગઈ. પછી તે ઊઠી ન શકી. વ્યથિત ગિરીશબાબુએ લખ્યું : ‘શૂન્ય છે પ્રાણ, શૂન્ય છે આ સંસાર.’ પરંતુ જવાબદારી સોંપીને તેમણે તો અશેષપણે આત્મદાન કરી દીધું હતું ! એથી અંત સુધીનો એમણે નિશ્ચય કરી લીધો અને કહ્યું : ‘હે કરુણામય સ્વામી ! તમારી જ ઇચ્છા પૂર્ણ થાય !’

ધીમે ધીમે એવો સમય આવ્યો જ્યારે શ્રી ગિરીશે પહેલાં જેમનો સંસારસમુદ્ર પાર કરાવનાર કર્ણધાર ગુરુમૂર્તિ સ્વરૂપે દર્શન કર્યાં હતાં. એમને જ હવે પૂજાના આસન પર બેસાડી દીધા. શ્યામપુકુરમાં દિવાળીના અવસરે  કાલીપૂજાના ઉપલક્ષ્યમાં ભક્તોએ જે રાતે શ્રીઠાકુરની પૂજા કરી હતી એમાં પ્રથમ પુષ્પાંજલિ ગિરીશે જ આપી હતી. એ પછી ઈ.સ ૧૮૮૬ ના શુભ પ્રથમ દિવસે જ્યારે ઠાકુર ‘કલ્પતરુ’ બન્યા હતા, એ દિવસે પણ ગિરીશના અંત:સ્તલમાંથી ઊઠેલી અપૂર્વ સ્તવન - સ્તુતિઓએ ઠાકુરની ઐશ્વર્ય શક્તિને જગાડી હતી. કલ્પતરુ બનવાના થોડા સમય પહેલાં ઠાકુરે ગિરીશને પ્રશ્ન પૂછયો હતો : ‘ગિરીશ, તમે જે આટલી વાતો (અવતાર તત્ત્વના સંબંધમાં) કહેતા ફરો છો, તો બતાવો તમે શું જોયું અને શું જાણ્યું છે ?’ એ વખતે ગિરીશ કંઈપણ ન વિચારતાં એમના ચરણોની સામે ઘુંટણ ટેકવીને બેસી ગયા અને ઊર્ધ્વમુખે હાથ જોડીને રૂંધાયેલા કંઠે બોલી ઊઠ્યા હતા : ‘વ્યાસ, વાલ્મીકિ જેમનો પાર પામી શક્યા ન હતા, તો મારા જેવો તુચ્છ માણસ એમના સંબંધમાં બીજું વધારે શું કહી શકે ?’ જ્યારે શ્રીયુત ગિરીશનેતો સવા સોળ આની વિશ્વાસ હતો. રોગને લઈને એક દિવસ ઠાકુરના ગળામાંથી લોહી-પરુ નીકળ્યાં હતાં અને જ્યારે ગિરીશ ત્યાં આવ્યા, ત્યારે હજુ એ વાસણ સાફ થયું ન હતું. ઠાકુરે ઈશારાથી ગિરીશને એ વાસણ દેખાડ્યું અને કહ્યું : ‘એ પછી પણ કહે છે અવતાર.’ ગિરીશે જરાપણ આનાકાની કર્યા વગર કહ્યું : ‘અત્યારે આ પણ ખાઈને કીડા-પતંગિયા વગેરેનો ઉદ્ધાર થઈ જશે. એથી આવો રોગ થયો છે.’ ઠાકુરે બીજા લોકો તરફ મોઢું ફેરવીને એમને બતાવીને કહ્યું : ‘સવા સોળ આના !’

ગિરીશબાબુ જાણતા હતા કે એવાં કોઈ પાપ નથી કે જે આ પ્રજવલિત દેવચરિત્રના સ્પર્શમાં આવીને તુરત જ ભસ્મ ન થઈ જાય. એ કારણે ગર્વ સાથે તેઓ કહેતા હતા : ‘તમે આવશો એ જો અમે પહેલાં જાણી લીધું હોત તો બીજા પણ વધુ અત્યાચાર કરી લેત.’ પછી કહેતા  હતા : ‘ઠાકુરની પાસે બીજા બધા શુદ્ધ સાત્ત્વિક છોકરાઓ આવ્યા હતા પરંતુ એવું કોઈપણ પાપ નથી કે જે મેં ન કર્યું હોય, તો પણ એમણે મને અપનાવી લીધો અને મને કોઈ બાબતમાં મનાઈ પણ કરી નહીં. બધું પોતાની મેળે છૂટી ગયું છે.’ આ બધું સાચું છે. પણ કેવળ પાપવિમોચન દૃષ્ટિથી ગિરીશને જોતાં અન્યાય થશે. શ્રીરામકૃષ્ણે એમને એ દૃષ્ટિથી જોયા ન હતા. એમણે જોઈ હતી એમની ભૈરવમૂર્તિ - એક હાથમાં અમૃતપાત્ર અને બીજા હાથમાં સુરાપાત્ર લઈને તે માના મંદિરમાં હાજર છે. ગિરીશે ‘ચૈતન્યલીલા’ વગેરે જે અમૃતની વહેંચણી ઠાકુરના સાંનિધ્ય પછી વધુ ને વધુ પ્રમાણમાં થવા લાગી અને એનો સ્વાદ પણ વધારે રુચિકર બન્યો. ‘ચૈતન્યલીલા’ વગેરેમાં જે અંકુર ફૂટયો હતો તે શ્રીરામકૃષ્ણના પ્રેમજલસિંચનથી ફળફૂલોથી લચેલા વિશાળ વૃક્ષમાં ફેરવાઈ ગયો. એ પછી ‘બિલ્વમંગલ’, ‘પાંડવ ગૌરવ’, ‘નસીરામ’ વગેરે નાટકોની પ્રત્યેક પંક્તિ શ્રીરામકૃષ્ણની ભાવવધારાને રેલાવતી હતી. ઠાકુરે ગિરીશને કહેલું : ‘ તમે જે કરો છો તે જ કરો. એથી પણ લોકોને કેળવણી મળશે ’ બીજા એક દિવસે તેમણે જગન્માતાને પ્રાર્થના કરી હતી કે જેથી ગિરીશ વગેરે થોડી વ્યક્તિઓને લોકશિક્ષણ માટે શક્તિ પ્રાપ્ત થાય કેમ કે એકલા ઠાકુરને માટે આટલું કામ કરવું અસંભવ હતું. જગન્માતાએ તે પ્રાર્થના સાંભળી હતી.

શ્રીરામકૃષ્ણ સંઘને દૃઢતાપૂર્વક પ્રતિષ્ઠિત કરવામાં પણ ગિરીશનું પ્રદાન અમૂલ્ય છે. જ્યાં સુધી તેઓ જીવતા હતા ત્યાં સુધી એમનું ઘર ત્યાગી ભક્તો માટે આનંદનું એક ધામ હતું. દાન આપીને, સલાહ આપીને, રોગમાં સેવા કરીને એમ દરેક પ્રકારે ગિરીશે સંઘનું રક્ષણ અને પાલન પોષણ કર્યું હતું. એથી પણ વધારે એ નાનાભાઈઓ ઉપર એમના હૃદયનો અગાધ વિશ્વાસ અને પ્રેમ હતો. વિવેકાનંદ જ્યારે પ્રથમ વખત વિદેશથી પાછા આવ્યા (૧૮૯૭) ત્યારે એ વખતે તેઓ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ જન્મોત્સવમાં સામેલ થયા હતા. એ દિવસે ગિરીશ પંચવટી નીચે શાંતભાવે બેઠા હતા. ત્યાં આવીને એમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને સ્વામીજી જતા હતા ત્યારે કોઈએ એમની બાબતમાં કંઈ નિંદા કરી. એ ગિરીશના કાને પડતાં જ તેઓ ચિડાઈને બોલી ઊઠ્યા : ‘સાલા, પોતાના જ ઠાવકા નહીં હોય અને બીજાની ભલાઈ પણ જોતા નથી... ઠાકુર કહેતા હતા : ‘તેઓ (નરેન વગેરે) છે સૂર્યોદય પહેલાં કાઢી લીધેલું માખણ. તેઓ ક્યારેય પાણી સાથે ભળી શકતા નથી.’ જો તેમને કંઈક અનુચિત કામ કરતા જોઉં તો હું કહીશ કે એ લોકોએ અનુચિત નથી કર્યું, કરી જ ન શકે. મારી પોતાની આંખોનો એ દોષ થયો હશે. મારી આંખોને ઉખેડીને ફેંકી દેવા સંમત થઈ શકું પણ એ લોકોએ અનુચિત કામ કર્યું છે એ હું કહી શકતો નથી.’

આ ફક્ત મોઢાની વાત નથી. ઈ.સ. ૧૮૮૬માં ઠાકુર જ્યારે કાશીપુર બાગમાં રહેતા હતા ત્યારે જૂના ભક્તો એકાએક વિચારવા લાગ્યા કે નરેન્દ્ર વગેરે યુવાનો સેવાના નામે ગૃહસ્થોની મહેનતથી કમાયેલાં નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ સાબિતી ન હતી; છતાં એ લોકોએ હિસાબ જોવા માગ્યો. તેમાં બેચાર પૈસાની ભૂલચૂક જોઈને તેઓ ગુસ્સે થઈને ધમકાવવા લાગ્યા અને કહી દીધું કે હવેથી તેઓ પૈસા નહીં આપે. આ વાત જ્યારે ઠાકુરે સાંભળી ત્યારે એમણે સ્નેહપૂર્વક યુવાનોને કહ્યું : ‘તમારે ચિંતા કરવાનું કંઈ કારણ નથી. તમે લાવશો એ ભિક્ષાન્નથી મને સંતોષ થશે.’ પછી શ્રીયુત ગિરીશને બોલાવીને એમણે તેમને બધું જણાવી દીધું. આ સાંભળીને ગિરીશ કંઈ પણ બોલ્યા વગર નીચે ઊતરી ગયા. યુવાનો પણ એમની સાથે સાથે ગયા ને એમને હિસાબ બતાવવા લાગ્યા. તુરત જ એ શૂરવીર ભક્તે હિસાબનો કાગળ ફાડીને ગર્જના કરતાં કહ્યું : ‘તમારે કોઈની પાસે જવું નહીં પડે. હું મારા મકાનની એક એક ઈંટ વેચીને બધો ખર્ચ પૂરો પાડીશ.’ વાસ્તવમાં એવું કરવું ન પડ્યું કેમ કે ભક્તો તુરત જ પોતાની ભૂલ સમજી ગયા.

ઈ.સ. ૧૮૯૧માં ગિરીશની બીજી પત્નીના વહાલા પુત્રનું અકાળે અવસાન થયું. ગિરીશબાબુએ શ્રીરામકૃષ્ણની હૃદયપૂર્વક સેવા કરવા માટે પુત્રરૂપે એમને પ્રાપ્ત કરવા ઇચ્છ્યું હતું. એ પુત્રનું વર્તન જોઈને એમને એવી શ્રદ્ધા જાગી હતી કે ઠાકુર જ એમના ઘરમાં પુત્રરૂપે આવ્યા છે. આથી એ જ દૃષ્ટિથી પુત્રની સેવા કરવામાં આવતી હતી. પણ આ કુસુમકળી અકાળે ખરી પડવાથી તેઓ અસહ્ય શોકથી ભાંગી પડ્યા. પરંતુ ઠાકુરને એમણે બધી જ જવાબદારી સોંપી દીધી હતી એટલે એમને શોક -સંતાપ પ્રગટ કરવાનો અવકાશ જ ન હતો. તેઓ પોતાના અંતરમાં જ વેદના અનુભવી રહ્યા હતા. આ શોકના થોડા શમન માટે એમણે પોતે જ એક અદ્‍ભુત ઉપાય શોધી કાઢ્યો. પ્રવીણકવિ નવા વિદ્યાર્થીની જેમ સ્લેટ અને પેન લઈને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરવા લાગી ગયા. હોમિયોપથી સારવાર આપવાની પણ એમણે ફરીથી શરૂ કરી દીધી. ઉપરાંત નાટક વગેરે રોજિંદાં કાર્યોમાંથી ફુરસદ મેળવીને ભગવત્ચર્ચામાં તેઓ સમય પસાર કરવા લાગ્યા. પરંતુ બહાર અપ્રગટ રહેલો શોક અંતરમાં અંત:સ્રોતા ફલ્ગુ નદીની જેમ વહેતો હતો અને એમના અંતરને વિષાદથી ભરી દેતો હતો. એ સમજવામાં કોઈને ય વાર ન લાગી. આથી એક દિવસ સ્વામી નિરંજનાનંદે તેમને કહ્યું : ‘ઠાકુર તમને સંન્યાસી બનાવી ગયા છે. ચાલો, આપણે બંને ક્યાંક ચાલ્યા જઈએ.’ ગિરીશે થોડું વિચારીને કહ્યું : ‘તમે લોકો જે કહેશો તેને હું ઠાકુરની વાત માનીને સ્વીકારીશ અને તેમ કરીશ. પણ મારી પોતાની ઇચ્છાથી સંન્યાસી થવાનો પણ મને અધિકાર નથી કેમ કે મેં એમને સઘળી જવાબદારી સોંપી દીધી હતી.’ નિરંજને કહ્યું : ‘હું કહું છું, ચાલો.’ ગિરીશ કંઈ પણ કહ્યા વગર એમની સાથે ચાલી નીકળ્યા. નિરંજન જાણતા હતા કે ગિરીશની આ જ્વાળા શાંત કરવાનું યોગ્ય સ્થળ છે ઠાકુરનું જન્મસ્થાન શ્રીધામ કામારપુકુર અને શ્રીમાનું નિવાસસ્થાન જયરામવાટી. તેઓ તેમને એ જ બે પુણ્ય તીર્થમાં લઈ ગયા. એ સ્થળે ગિરીશ શ્રીમાનો આદર પામીને અને શ્રીઠાકુરની કૃપાનો અનુભવ કરીને ઘણા મહિનાઓ સુધી આનંદથી રહ્યા. એ પછી શાંત હૃદયે પાછા ફર્યા. પછી તેઓ મુક્ત કંઠે સ્વીકાર કરતા હતા કે નિરંજનની કૃપાથી જ તેમને આવું સૌભાગ્ય સાંપડ્યું હતું.

ઈ.સ. ૧૯૦૭માં આસો મહિનાની દુર્ગાપૂજા માટે ગિરીશે શ્રીમાને આમંત્રણ આપ્યું. આથી શ્રીમા જયરામવાટીથી બલરામ મંદિરમાં આવ્યાં અને ગિરીશને ત્યાં પ્રતિમાનાં દર્શન કરી ભક્તોની ઇચ્છા પૂરી કરી. ગિરીશબાબુ શ્રીમાની સાક્ષાત્ જગદંબા સ્વરૂપે પૂજા કરતા હતા અને અજાણતાં પણ એમના પ્રત્યે લેશ પણ અવજ્ઞાનો ભાવ પ્રગટ થઈ જાય તો અત્યંત દુ:ખી થઈ જતા. એક દિવસ સંધ્યા સમયે તેઓ પોતાના ઘરની અગાસી પર લટાર મારતા હતા. તે સમયે તેમનાં પત્નીએ પાસેના જ બલરામ મંદિરની અગાસી પર રહેલાં શ્રીમા પ્રત્યે ધ્યાન ખેંચ્યું. તુરત જ ગિરીશ નીચે ઊતરી આવ્યા અને પોતાની પત્નીને એમણે કહ્યું : ‘નહીં, નહીં, મારાં પાપ-નેત્ર છે. એ રીતે છુપાઈને માને નહીં જોઉં.’

ઈ.સ ૧૯૦૬ થી એમને દમરોગ થયો હતો. દર શિયાળે આ રોગ પીડા આપતો. તેઓ ખૂબ જ ધ્યાન રાખવા હોવા છતાં પણ ધીમે ધીમે એમનો રોગ વધતો જ ગયો. ઈ.સ ૧૯૦૯-૧૦માં એમણે કાશીધામમાં રામકૃષ્ણ મિશન સેવાશ્રમ પાસે એક ભાડે મકાનના ચાર મહિના રહીને તેમણે આશાતીત શરીરની સ્વસ્થતા મેળવી હતી. એ દિવસોમાં તેઓ સેવાશ્રમમાં આવતા રોગીઓને હોમિયોપેથિક દવાઓ આપતા હતા. આ પ્રકારની સારવારે એમને એ નગરમાં ઘણી પ્રસિદ્ધિ અપાવી. પરંતુ તેમને ઠાકુર વિષે વાર્તાલાપ કરવો વધુ પસંદ હતો. એ વખતે સ્વામી પ્રેમાનંદે કાશીમાં ગિરીશને જોઈને મુગ્ધ થઈને લખ્યું હતું : ‘શ્રીયુત ગિરીશબાબુ કાશીમાં જ છે. એમનું શરીર હવે ઘણું બધું સ્વસ્થ છે. અમે લોકો એમની પાસે દરરોજ જઈએ છીએ. અહા ! એમનો સ્વભાવ કેવો ઉત્તમ થયો છે ! શ્રીપ્રભુએ કહ્યું હતું : ‘તમને જોઈને લોકો આશ્ચર્યચકિત થશે ’- બરાબર એ જ ભાવ ખીલી રહ્યો છે. એમની પાસેથી હું કેવી સારી વાતો સાંભળું છું ! જેવો ઉદાર ભાવ, તેવી જ શ્રી પ્રભુ પ્રત્યે નિષ્ઠા. અહંકાર, લોકપ્રસિદ્ધિ એમના માટે ત્યાજ્ય બની ગઈ છે. અસંખ્ય સાધુઓમાં પણ આવો નમ્ર સ્વભાવ જોવામાં આવતો નથી. પારસમણિનો સ્પર્શ કરીને જાણે સોનું બની ગયા છે. તે જ પ્રત્યક્ષ જોઈ રહ્યો છે. આપણા બધા પર અપૂર્વ સ્નેહ અને પ્રેમ છે.ઉંમર ૬૮ વર્ષની થઈ ગઈ છે, પણ બાળકની જેવો ભાવ જોઉં છું. ઠાકુરની વાત અને સ્વામીજીની વાત કહેવામાં તેઓ ઉન્મત થઈ જાય છે. એમના નોકર ચાકર સુદ્ધાં ઠાકુરના ભક્ત બની ગયા છે. બધો પ્રભુનો મહિમા છે.’

કાશીમાં એમણે પોતાનું અત્યંત શ્રેષ્ઠ નાટક ‘શંકરાચાર્ય’ રચ્યું. એ વખતે એમનું મન હંમેશાં ધર્મભાવથી પરિપૂર્ણ રહેતું હતું. આથી એ ગ્રંથમાં એ ભાવ પૂર્ણ રીતે પ્રગટ્યો છે. કૃતિ પૂરી થતાં તેઓ  શંકરટીલા પર ગયા અને ત્યાં શંકરાચાર્યની પ્રતિમા સામે આખું નાટક વાંચી ગયા. તેમજ એ નાટકના પ્રથમ શોમાંથી જે આવક થઈ તે બધી જ એમણે શંકરમઠને આપી દીધી હતી.

તેમના જીવનની સંધ્યા ધીમે ધીમે આગળ આવતી જતી હતી, તો પણ વારાણસીથી આવીને એમણે નવા ઉત્સાહથી રંગાલયના કામમાં યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૧૧ના ૩૦ અષાઢના છાપામાં જાહેર થયું કે ગિરીશબાબુ ‘બલિદાન’ નાટકમાં કરુણામયની ભૂમિકામાં ઊતરશે. એ આંધી-પાણીની રાત્રે કોઈને આશા ન હતી કે દર્શકો આવશે. પરંતુ શ્રીયુત ગિરીશના જાદુમય નામથી અસંખ્ય લોકો આવ્યા હતા. એ આંધી-પાણીની રાત્રે મિત્રોએ એમને અભિનય કરવાની મનાઈ કરી. પરંતુ આટલા બધા લોકો આગ્રહપૂર્વક આવ્યા અને પોતે અભિનય નહીં કરે એ કેવી વાત ? એ કારણે એ રાતે કરુણામયની ભૂમિકામાં એમને કેટલીક વાર ઉઘાડા શરીરે રંગમંચ પર ઊતરવું પડ્યું. વધુ ઉત્તેજનાને કારણે એમનું દમનું દર્દ વધી ગયું. એ જ એમનું અંતિમ દર્દ બની ગયું કેમ કે જીવનમાં બાકીના દિવસોમાં એમને ફરીથી પહેલાંનું સ્વાસ્થ્ય ન મળ્યું. આ રીતે આઠ મહિના સુધી આ અસાધ્ય દર્દથી પીડાતા હોવાથી લોકોએ માની લીધું કે હવે જીવનની આશા નથી. છેલ્લા ત્રણ દિવસ દર્દની પીડાથી રાતભર જાગતાં તેમણે ફક્ત શ્રીરામકૃષ્ણના ચિંતનમાં જ રાત્રી વિતાવી. મૃત્યુની આગલી રાત્રે ત્રીજા પહોરે સઘન નિ:સ્તબ્ધતાનો ભંગ કરતાં એમણે ત્રણ વખત રામકૃષ્ણ નામનું ઉચ્ચારણ કર્યું અને કહ્યું : ‘પ્રભુ ! શાંતિ આપો, શાંતિ આપો.’ એમનું રોગથી જર્જરિત થયેલું શરીર વધુ કષ્ટ સહન કરી શક્યું નહીં. બીજા દિવસે ઈ.સ. ૧૯૧૨ની ૮મી ફેબ્રુઆરી ગુરુવારે રાત્રે ૧ ને ૨૦ મિનિટે મહાકવિએ મહાપ્રસ્થાન કર્યું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda