Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

અધરલાલ સેન

શ્રી અધરલાલ સેનનો જન્મ કોલકાતાના અહીરીટોલાની ૨૯ નંબરની શંકર હાલદાર લેનમાં સોની વાણિયાના કુળમાં ઈ.સ. ૧૮૫૫ના ૨જી માર્ચે ફાલ્ગુન પૂર્ણિમાએ થયો હતો. એમના પૂર્વજો હુગલી જિલ્લાના સિંધુર ગામમાં રહેતા હતા. પાછળથી તેઓ બાપદાદાનું ઘર છોડી કોલકાતામાં આવી વસ્યા હતા. અધરના પિતા રામગોપાલ અરમાની સ્ટ્રીટમાં રૂના વેપારમાં પુષ્કળ ધન કમાયા હતા. શ્રીમંત હોવા છતાં પણ તેઓ દેવબ્રાહ્મણોનું સન્માન કરતા. તેઓ ધર્મપરાયણ નિષ્ઠાવાન હિન્દુ હતા. એમને છ પુત્ર હતા. અધરલાલ એમાં પાંચમા ક્રમે હતા. મોટાપુત્ર બલાઈચંદ્રે કેળવણી, સાહિત્યપ્રેમ અને ઉદારતા માટે પ્રસિદ્ધિ મેળવી હતી. અધરલાલને બે બહેનો પણ હતી. એમના પિતા રામગોપાલે પાછળથી ૯૭ નંબરની બેનિયાટોલા સ્ટ્રીટમાં નવું મકાન બંધાવ્યું અને તેઓ ત્યાં સપરિવાર રહેવા ગયા. દુર્ગાપૂજા અને કીર્તન વગરેમાં ભાગ લેવા માટે શ્રીરામકૃષ્ણદેવ અનેક વાર એ ઘરમાં પધાર્યા હતા. ‘શ્રીરામકૃષ્ણ કથામૃતના’ લેખકે એ કારણે લખ્યું હતું : ‘એમની બેઠક અને ઓસરી તીર્થસ્થાન બન્યાં છે.’ ‘આજે અધરનો વરંડો શ્રીવાસનું આંગણ બની ગયું છે.’ અને અધરના સંબંધમાં એમણે લખ્યું છે : ‘અધર ઠાકુરના પરમ ભક્ત છે. ઠાકુરે કહ્યું છે - તમે મારા પરમ આત્મીય છો.’

ઈ.સ. ૧૮૬૭માં બાર વર્ષની વયે તેઓ માધ્યમિક અંગ્રેજી વિદ્યાલયની પરીક્ષામાં વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયા અને પછી લગ્ન બંધનમાં બંધાયા. એ પછી ઈ.સ. ૧૮૭૨માં પ્રવેશિકા પરીક્ષામાં આઠમા નંબરે ઉત્તીર્ણ થયા અને સરકારી શિષ્યવૃત્તિ મેળવી. ત્યારબાદ બે વર્ષ પછી પ્રેસિડન્સી કોલેજમાંથી એફ.એ.ની પરીક્ષામાં ચોથો નંબર મેળવીને અંગ્રેજી સાહિત્યની ડેફ સ્કોલરશીપ મેળવી. એ ઉંમરમાં એમના બે કાવ્યસંગ્રહો ‘લલિતાસુંદરી’ અને ‘મેનકા’ પ્રકાશિત થયા. પ્રથમ પુસ્તક છપાયું તો હતું એમની ઓગણીસ વર્ષની ઉંમરે. પણ લખાયું હતું એથી એ બે-ત્રણ વર્ષ પહેલાં. ‘મેનકા’ તેના થોડા મહિના પછી પ્રકાશિત થયા પછી, ત્રણ વર્ષ બાદ (ઈ.સ. ૧૮૭૭માં) ‘નલિની’ અને ‘કુસુમકાનન’ નામના બે કાવ્યસંગ્રહો છપાયા અને એ વર્ષે તેઓ બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. એના બીજા વર્ષે ‘કુસુમકાનન’નો બીજો ભાગ છપાયો. આ પુસ્તકમાં આપણે અધરને મુખ્યત્વે પ્રેમના કવિ તરીકે જ જોઈએ છીએ. આ પ્રેમી અને ભાવુક કવિના કાવ્યનાં નાયક-નાયિકાઓની ઉક્તિઓના આધારે એ સમયના એમના ધર્મભાવનો સ્પષ્ટ ખ્યાલ આપવાનો પ્રયત્ન તર્કસંગત નહીં ગણાય. ફક્ત એટલું કહેવું જ ઉચિત ગણાય કે ઘણું કરીને એક જ સમયે ઈસુ ખ્રિસ્ત અને બ્રાહ્મધર્મના પ્રભાવથી ‘લલિતાસુંદરી’ પુસ્તકમાં તથાકથિત મૂર્તિપૂજા અને બલિદાન પ્રત્યે કટાક્ષ છે. ‘મેનકા’ કાવ્યમાં ઈશ્વરના સંબંધમાં સંદેહ જણાય છે અને ‘કુસુમકાનન’ પુસ્તકના બીજા ભાગમાં, ‘મહાવીર’ કવિતામાં અદ્વૈતની છાયા રહેલી છે.

ઈ.સ. ૧૮૭૯ની ૨૭મી ફેબ્રુઆરીએ અધરલાલ ડેપ્યુટી મેજિસ્ટ્રેટના પદ પર નિમાયા અને તેઓ ચટ્ટગ્રામ ગયા. ત્યાં સીતાકુંડના પ્રાકૃતિક સૌંદર્ય તેમજ હિન્દુ, બૌદ્ધ અને મુસલમાન ધર્મોનાં પ્રાચીન કીર્તિસ્થાનોના દર્શનથી મુગ્ધ થઈને એમણે પુરાતત્ત્વનું જ્ઞાન મેળવવા માટે પુરાણો, પાશ્ચાત્ય ઇતિહાસ, તેમજ પુરાતત્ત્વના ગ્રંથોના અભ્યાસમાં મન પરોવ્યું. આના પરિણામે ઈ.સ. ૧૮૮૦માં તેમણે ’The Shrines of Sitakund’ નામનો એક નિબંધ લખ્યો અને બીજા વર્ષે માર્ચ મહિનામાં એમણે કોલકાતાની ‘રોયલ એશિયાટિક સોસાયટી’માં તેનું વાંચન કર્યું. એ નિબંધ દ્વારા એમના અગાધ પાંડિત્યનો પરિચય મળે છે. ઈ.સ. ૧૮૮૦ની ૧૪મી જુલાઈએ એમની બદલી જૈસોરમાં થઈ. ઈ.સ. ૧૮૮૨ના ૨૬મી એપ્રિલે તેઓ ડેપ્યુટી કલેકટર થઈને કોલકાતા આવી ગયા. ઈ.સ. ૧૮૮૦ના ૧૬મી નવેમ્બરે એમના પિતા સ્વર્ગવાસી થયા.

અમે પહેલાં જ જણાવ્યું છે કે શ્રીયુત અધરના પિતા નિષ્ઠાવાન હિન્દુ હતા અને એમના બનિયાટોલાના મકાનમાં બારે મહિના ઉત્સવ થયા કરતા. યુવાનીમાં અધરબાબુ પોતાના કાવ્યગ્રંથોમાં ઈશ્વરની બાબતમાં સંદેહ પ્રગટ કરતા હોવા છતાં પણ તેઓ પોતાના ઘરમાં હિન્દુ પ્રણાલી મુજબ જ રહેતા. વિશેષરૂપે સીતાકુંડના નિર્જન માધુર્ય અને આધ્યાત્મિક વાતાવરણના પ્રભાવથી એમના મનમાં જે જિજ્ઞાસા પ્રગટી હતી એણે એમને વિશેષ ધર્મપરાયણ બનાવ્યા હતા. શિક્ષિત સમાજમાં પણ એમનો યશ પ્રસરી ગયો હતો. એ દિવસોમાં તેઓ સાહિત્ય સમ્રાટ બંકિમચંદ્ર, સહાધ્યાયી હરપ્રસાદ શાસ્ત્રી, પંડિતાગ્રણી મહેશચંદ્ર, ન્યાયરત્ન પ્રસન્નકુમાર સર્વાધિકારી તથા કૃષ્ણદાસ પાલ વગેરે મહાશયો સાથે એમનો પરિચય થયો હતો. સાથે સાથે તેઓ વૈષ્ણવોના સંપર્કમાં પણ આવ્યા હતા અને તેમણે ચૈતન્ય ચરિતામૃત તેમજ ‘ચૈતન્ય ભાગવત’ વગેરે ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. એક મિત્રનું ઉત્તમ કીર્તન શ્રવણ અને તેના શરીરમાં આવતા ભાવાવેશનું નિરીક્ષણ તેઓ કરતા રહ્યા. પરંતુ એથી એમની શંકાનું સમાધાન ન થયું. એમના મનમાં એવો સંદેહ હતો કે : ‘જો કીર્તન કરતાં અચેતનપણાનો આવેશ થાય અને તેને ભગવત્પ્રેમનો વિકાસ માનવામાં આવે તો એ મિત્રના ચહેરા પર દુ:ખની કાલિમા કેમ જોવામાં આવે છે ?’ આ બાજુ સાહિત્યરસિક અને ધર્મજિજ્ઞાસુ શ્રીયુત અધરલાલે ‘ઈંડિયન મિરર’ અને ‘સુલભ સમાચાર’ વગેરે સમાચાર પત્રો દ્વારા શ્રીરામકૃષ્ણ વિશે જાણ્યું અને તેથી એમનાં દર્શન કરવાની પ્રબળ ઇચ્છા એમના મનમાં જાગી. કોલકાતા આવ્યા પછી એ ઇચ્છા ફળીભૂત થવાની તક મળી.

સંભવત : ઈ.સ. ૧૮૮૩ના ૯મી માર્ચે (કથામૃત) એમને શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન થયાં. એ દિવસથી તેઓ પોતાનાં મન-પ્રાણ એમનાં ચરણોમાં સોંપીને શાંતિના અધિકારી બન્યા. બીજી વખત એમને દર્શન થયાં, એ વર્ષની ૮મી એપ્રિલે (શ્રીરામકૃષ્ણ કથામૃત). એ દિવસે તેમણે પોતાની સાથે વૃદ્ધ સાધક અને પુત્રશોકથી ઘેરાયેલા શારદાચરણને લીધા હતા કેમ કે પ્રથમ દર્શનથી જ અધરના મનમાં વિશ્વાસ જાગ્યો હતો કે શ્રીરામકૃષ્ણ ત્રિવિધ તાપથી પીડાતા મનુષ્યોની દુ:ખજ્વાળા બુઝાવવા સમર્થ છે. શ્રીરામકૃષ્ણ કથામૃતના વાચક જાણે છે કે શ્રીયુત અધરની તે આશા પૂર્ણ થઈ હતી. ઠાકુરે એ પછી પોતાના ઘરના ઉત્તર તરફના વરંડામાં ઊભા રહીને અધરને એકાંતમાં કહ્યું હતું : ‘તમે ડેપ્યુટી છો. એ પદ પણ ઈશ્વરની કૃપાથી મળ્યું છે, એ ભૂલતા નહીં. પરંતુ એ જાણી લેજો કે બધાંને તે એક જ માર્ગે જવાનું છે. આપણે અહીં ફક્ત બે દિવસ માટે આવવાનું થયું છે. આ સંસાર કર્મભૂમિ છે, અહીં કર્મ કરવાને માટે આવવાનું થયું છે... થોડાં કર્મ કરવાં જરૂરી છે, એ સાધના છે... ખૂબ જુસ્સો જોઈએ, ત્યારે સાધના થાય છે.’ એક દિવસ ઠાકુરે અધરની જીભ ઉપર કાંઈક લખી આપ્યું. પરિણામે એમને દિવ્યાનંદનો સ્વાદ મળ્યો. ઉપરાંત સમાધિમગ્ન શ્રીરામકૃષ્ણના આનંદોજ્જવલ મુખમંડળમાં ખરા ભાવ-મહાભાવના અંતર્નિહિત પ્રેમાનંદનો પ્રકાશ જોઈને અધરે વૃદ્ધ શારદાચરણને કહ્યું : ‘તમારા ભાવ-મહાભાવને જોઈને મને એના પર ઘૃણા થઈ ગઈ હતી, તમારો ભાવ જોઈને લાગતું હતું જાણે અંદર બહુ જ યાતના થઈ રહી છે. ભગવાનના નામથી શું ક્યારેય પીડા થાય ખરી? ઠાકુરના આનંદોજ્જવલ મુખમાં મધુર હાસ્ય અને એમના માધુર્યમય ભાવ જોઈને મારી આંખો ખૂલી ગઈ છે.’ બ્રહ્માનંદજીએ આ કારણે કહ્યું હતું : ‘ઠાકુરનું દર્શન ન કરવાથી અને એમના પાસે ન આવ્યા હોત તો અધરબાબુના મનનો સંદેહ દૂર થયો ન હોત !’

શ્રીરામકૃષ્ણ અધરબાબુને વિશેષરૂપે પ્રેમ કરતા હતા અને ઘણીવાર એમના ઘરે જતા. એક દિવસ (૨૦ જૂન, ૧૮૮૪) એમણે માસ્ટર મહાશયને કહ્યું હતું : ‘ભાવની દશામાં મેં જોયું, અધરનું મકાન, બલરામનું મકાન, સુરેન્દ્રનું મકાન એ બધા મારા અડ્ડા-અખાડા છે. એ લોકોને ત્યાં જવામાં મને ‘ઈષ્ટાપત્તિ’ થતી નથી.’ એ કારણે તેઓ વારંવાર એ લોકોના ઘરે પધારતા હતા. તેઓ કોને કોને ત્યાં કેટલીકવાર ગયા હતા એના પૂરેપૂરા સમાચાર મેળવવા મુશ્કેલ છે. તો પણ ‘કથામૃત’થી એ જાણી શકાય છે કે ઈ.સ. ૧૮૮૩ની ૨જી જૂન, ૧૪મી જુલાઈ, ૨૧મી જુલાઈના રોજ અધરના મકાનમાં ઠાકુર પધાર્યા હતા. બીજા વર્ષે ૬ઠ્ઠી સપ્ટેમ્બરે પણ ત્યાં એમનું શુભાગમન થયું હતું. ઈ.સ. ૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે એ જ મકાનમાં બંકિમચંદ્ર સાથે એમની મુલાકાત થઈ હતી.

એક દિવસ શ્રીરામકૃષ્ણ જ્યારે અધરના ઘરે પહોંચ્યા ત્યારે અધરે કહ્યું : ‘આપ ઘણા દિવસથી નહોતા આવ્યા. આજે મેં આપને પોકાર્યા હતા. એટલે સુધી કે આંખોમાં આંસુ ઊમટી આવ્યાં.’ શ્રીરામકૃષ્ણે પ્રસન્ન થઈને હસતાં હસતાં કહ્યું : ‘સારું એમ વાત છે !’ એ દિવસે અધરના ઘરમાં યુગપ્રવર્તક શ્રીરામકૃષ્ણ અને સાહિત્ય સમ્રાટ બંકિમચંદ્રની મુલાકાત થઈ. તે અત્યંત બોધપ્રદ અને ઘણી જ માણવા યોગ્ય હતી. એ દિવસ એ સમયના ભારતીય ભાવરાજ્યનાં અનેક રહસ્યો પ્રગટ થયાં. પરંતુ પ્રસ્તુત નિબંધમાં તે છણાવટનો વિષય નથી. હવે આપણે અધરલાલના જીવનની રૂપરેખા દોરવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છીએ.

તેઓ ચાર-પાંચ વર્ષ સુધી ડેપ્યુટીના પદે રહ્યા. એ પછી તેમણે કોલકાતાની મ્યુનિસિપાલિટીના વાઈસ ચેરમેનના પદ માટે અરજી કરી. ડેપ્યુટી તરીકે તેમને માસિક રૂપિયા ત્રણસોનો પગાર મળતો હતો, જ્યારે આ પદે તેમને માસિક રૂપિયા એક હજારનો પગાર મળે તેમ હતો. આથી એમણે એ જગ્યા મેળવવા માટે મ્યુનિસિપાલિટીના કમિશ્નર શ્રીયુત યદુમલ્લિક વગેરેની સહાયતા માગી હતી. એટલે સુધી કે શ્રીરામકૃષ્ણે પણ માતા જગદંબાને આ બાબત જણાવી હતી. એ કારણે ઠાકુરે એક દિવસ અધર, માસ્ટર અને નિરંજનની હાજરીમાં કહ્યું હતું : ‘હાજરાએ કહ્યું હતું, ‘અધરને તે પદ મળશે, તમે જરા માને કહો.’ અધરે પણ કહ્યું હતું. માને મેં વિનંતી કરી, ‘મા, આ તમારી પાસે આવે-જાય છે. જો થઈ શકે તો કરી દો ને.’ પરંતુ એની સાથે મેં માને એ પણ કહ્યું હતું, ‘મા એની કેવી હીનબુદ્ધિ છે ! જ્ઞાન ભક્તિ ન માગતાં તમારી પાસે આવી તુચ્છ બાબત માગે છે ?’ (અધર તરફ) કેમ તમે આવા હીન બુદ્ધિ મનુષ્યોની પાસે શા માટે આટલી આવ-જા કરો છો ?’ અધરે ઉત્તર આપ્યો : ‘ગૃહસ્થીને માટે આવું કામ કરવું પડે છે. આપે તો મનાઈ નહોતી કરી !’ ઠાકુરે તેમને મનાઈ નહોતી કરી પણ એમના મનોભાવનું વિશ્લેષણ કરીને કહ્યું હતું : ‘આપ લોકોને યોગ અને ભોગ બંને જ છે.’ એ ચર્ચાના દિવસે ઠાકુર શ્રીયુત અધરને ત્યાગની જ વાત સંભળાવવા લાગ્યા. દૃષ્ટાંતરૂપે પોતાના જીવન પ્રત્યે એમણે એમનું ધ્યાન ખેંચ્યું. પરંતુ એથી અધરના મનનો સંદેહ દૂર ન થયો. એટલે સુધી કે મહાપ્રભુ ગૌરાંગ દેવની બાબતમાં પણ તેઓ બોલી ઊઠ્યા : ‘ગૌરાંગદેવે પણ ભોગ કર્યો હતો, એટલા મોટા વિદ્વાન હતા અને એટલું મોટું સન્માન હતું !’ ઠાકુરે એમને સમજાવી દીધું કે મહાપુરુષોની બધી ક્રિયાઓ પરાર્થે હોય છે. કેવળ ભગવાનના ઈશારાથી જ તેઓ ગતિમાન થાય છે. નહીં તો નામ, યશ, પદ વગેરે કોઈની એમને પરવા હોતી નથી. અંતે તેમણે કહ્યું : ‘તમે હાકેમ છો, હું તમને શું કહું ! જે સારું લાગે તે કરો. હું તો મૂર્ખ મનુષ્ય છું.’ સાંભળતાં જ અધરબાબુએ હસીને કહ્યું : ‘આપ મને ‘એકઝામીન’ (પરીક્ષા) કરી રહ્યા છો ?’ ઠાકુરે પણ હસતાં કહ્યું : ‘નિવૃત્તિ જ સારી છે.’ અને અધરને સમજાવી દીધું કે માસિક ૩૦૦ રૂપિયા તથા ડેપ્યુટીનાં માન સન્માન પણ કંઈ સાવ તુચ્છ ન કહેવાય. એથી એમાં જ સંતુષ્ટ રહેવું જોઈએ. આ રીતે અધરને ઠપકો આપવા છતાં પણ શ્રીરામકૃષ્ણે યોગ્ય સમયે યદુમલ્લિકને અધરની વાત યાદ કરાવી દીધી હતી. પરંતુ મલ્લિકે જ્યારે કહ્યું : ‘અધર હજુ યુવાન છે. એના કર્મની ઉંમર હજુ વીતી નથી.’ ત્યાર પછી ઠાકુરે એ બાબતમાં કંઈ બીજું કહ્યું નહીં. પરિણામે અધરલાલ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ જ રહી ગયા. પરંતુ એ પ્રકારની ઘટના - પરંપરાઓથી એમના જીવનમાં કંઈક આધ્યાત્મિક પરિવર્તન થયું હતું.

સાંસારિક જીવનમાં વૈરાગ્યની અનુભૂતિ કંઈ એક જ દિવસમાં દૃઢમૂળ થતી નથી. એ કારણે સદ્‍ગુરુ જુદાં જુદાં ક્ષેત્રોમાં શિષ્યોનું ધ્યાન અંતિમ સત્ય તરફ દોરતા હતા. ઈ.સ. ૧૮૮૪ના માર્ચ મહિનામાં અધરલાલ કોલકાતા વિશ્વવિદ્યાલયના ફેકલ્ટી ઓફ આર્ટસના એક સભ્ય ચૂંટાયા અને ભારત સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં વિશ્વવિદ્યાલયના એક ફેલો તરીકે નીમાયા. એ દિવસોમાં એમને પોતાની ઓફિસના કામ પછી ક્યારેક ક્યારેક સેનેટની સભામાં હાજર રહેવું પડતું હતું. એ સિવાય અન્ય શિક્ષણ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. આથી સભા-સમિતિઓ હોય ત્યારે તેઓ દક્ષિણેશ્વર જઈ શકતા નહીં. એ પર દૃષ્ટિ કરતાં શ્રીરામકૃષ્ણે એમને એક દિવસ કહ્યું : ‘જુઓ, આ બધું અનિત્ય છે. મિટિંગ, સ્કૂલ, ઓફિસ, વગેરે બધું અનિત્ય છે. ઈશ્વર જ સત્ય વસ્તુ છે. બાકી સઘળી અનિત્ય વસ્તુઓ છે. સમગ્ર મન સાથે એમની આરાધના કરવી પડે છે.’ શ્રીયુત અધરને મૌન જોઈને તેઓ કહેતા ચાલ્યા : ‘આ બધું અનિત્ય છે. શરીર અત્યારે છે, પછી નથી. જલદી જલદી કરો. એમને પોકારી લેવાના હોય છે.’ ગૃહસ્થ ભક્તને આ રીતે વિશુદ્ધ અનાસક્તિનું ઉપદેશદાન ઠાકુરના જીવનમાં બહુ જ વિરલ છે. આ બાબતમાં શું તેઓ પોતાનાં દિવ્ય નેત્રોથી ભક્તના આસન્ન મૃત્યુનું ચિત્ર જોઈ રહ્યા હતા ? અધરબાબુ એ પછી બહુ વખત આ સંસારમાં રહ્યા નહીં.

આવું સમજવાથી અધરબાબુ પ્રત્યે અન્યાય થશે કે તેઓ પોતાના કામમાં ઓતપ્રોત બનીને ઠાકુરને ભૂલી ગયા હતા. વાસ્તવમાં તો ઐશ્વર્ય વગેરેની વૃદ્ધિ સાથે એમનું દક્ષિણેશ્વર જવાનું પણ વધી ગયું હતું. ઓફિસેથી ઘરે આવીને થોડું જલપાન કરીને જ તેઓ લગભગ દરરોજ દક્ષિણેશ્વર પહોંચી જતા. ત્યાં ભવતારિણીના મંદિરમાં પ્રણામ કરતા. પછી ઠાકુરના ઓરડામાં આવીને તેમના ચરણોમાં પ્રણામ કરતા. એ પછી આરતી દર્શન કરવા જતા. ત્યારબાદ તેઓ પાછા શ્રીરામકૃષ્ણની પાસે આવતા અને એમની ચરણસેવા કરતા અથવા ઉપદેશ સાંભળતા. પરંતુ દિવસભરના અથાક પરિશ્રમ પછી તેઓ લાંબો સમય સુધી બેસી શકતા નહીં, એથી ઠાકુર એમના માટે ચટાઈ પથરાવી રાખતા અને ક્યારેક તો એમનું થાકેલું શરીર ત્યાં જ નિદ્રાધીન થઈ જતું. ઠાકુર એમને રાતના ૯ કે ૧૦ વાગે ઉઠાડી દેતા. તેઓ શ્રીગુરુનાં ચરણકમળોની વંદના કર્યા પછી ઘોડાગાડીમાં ઘેર આવતા. આ રીતે આવવા-જવામાં એમને લગભગ ૩ કલાકનો સમય લાગતો. આથી બીજા કોઈ આનંદદાયક કાર્યક્રમોમાં સહયોગ આપવાની ફુરસદ એમને મળતી નહીં અને તેની ઇચ્છા પણ થતી નહીં. ક્યારેક ક્યારેક ઠાકુરને પોતાના ઘરમાં તેડી લાવતા અને આનંદોત્સવ કરતા. કોઈ કોઈ વખત ઠાકુર લાંબા સમય સુધી ન આવી શકયા હોય તો તેમને મનમાં એવું થતું કે જાણે ઘરની હવા દૂષિત થઈ ગઈ છે. એ કારણે તેઓ ઠાકુરને કહેતા : ‘આપ ઘણા દિવસથી અમારે ત્યાં નથી આવ્યા, ઘર કલુષિત થઈ ગયું છે.’ અથવા ‘આપ ઘણા દિવસથી આ મકાનમાં નથી આવ્યા. ઘર મલિન થઈ ગયું હતું. જાણે એક પ્રકારની ગંધ ફેલાઈ ગઈ હતી.’ આસોના દુર્ગોત્સવ સમયે ઠાકુર ભક્તો સાથે અધરના મકાનમાં આવતા અને દુર્ગામાતાની મૂર્તિ સામે ભાવમગ્ન થઈ જતા. પછી સમાધિભંગ થતાં કહેતા : ‘આવી હાસ્યમયી પ્રતિમા બીજે ક્યાંય દેખાતી નથી.’ પરંતુ ઠાકુરના ચાલ્યા જવાથી એ આનંદનિકેતન પણ શ્રીયુત અધરને આનંદવિહોણું લાગતું.

શ્રીરામકૃષ્ણના આદેશથી અધરબાબુએ થોડા દિવસો સુધી વૈષ્ણવચરણનાં પદાવલિકીર્તન સાંભળ્યાં અને ઠાકુર પણ વચ્ચે વચ્ચે એમાં હાજર રહેતા તેથી આનંદ અને ભાવગાંભીર્ય અનેક ગણાં વધી જતાં. ભક્તવાંછાકલ્પતરુ ઠાકુર અધરને ત્યાં પ્રસાદ ગ્રહણ પણ કરતા હતા. પરંતુ થોડા બ્રાહ્મણભક્તોને સોની વાણિયાના ઘરે ભોજન કરવામાં આભડછેટ નડતી. આથી તેઓ તક જોઈને ભોજન પહેલાં જ ચાલ્યા જતા. તો પણ ક્યારેક ક્યારેક એવું થતું કે ઠાકુરને પ્રસાદ આરોગતા જોઈને પછી કોઈ કોઈ એટલો વખત પોતાની માન્યતા બદલી નાખતા. આવા જ એક દિવસે કેદારનાથ ચટ્ટોપાધ્યાયે મનમાં દ્વિધા અનુભવતાં અનુભવતાં ત્યાં પ્રસાદ ખાધો. પરંતુ એ પછી ભક્તના ઘરે સંકોચ રાખવો નિરર્થક માનીને તેમણે ઠાકુર પાસે પોતાનો અપરાધભાવ કબૂલ કરી લીધો. એ સમયે ઠાકુરે એમને સમજાવ્યું કે : ‘ભક્ત હોય તો ચાંડાલનું અન્ન પણ ખાઈ શકાય છે.’

અધરલાલ અલ્પાયુ હતા. ઈ.સ. ૧૮૮૫ની ૬ઠ્ઠી જાન્યુઆરી મંગળવારે તેઓ સરકારી કામ માટે ઘોડા પર બેસીને માણિકતલા ડિસ્ટિલરી જોવા ગયા હતા. પાછા ફરતી વખતે શોભાબજાર સ્ટ્રીટમાં ઘોડા પરથી પડવાને કારણે એમના ડાબા હાથનું કાંડું તૂટી ગયું. પરિણામે થોડી જ વારમાં એમને ધનુર્વા શરૂ થયો. ઘણા સમય અગાઉ ઠાકુરે એમને ઘોડેસવારી બાબતમાં સાવધાન કર્યા હતા. પણ બનવાકાળને કોણ રોકી શકે ? એ દુર્ઘટનાના સમાચાર જાણીને ઠાકુર જ્યારે તેમને જોવા ગયા ત્યારે તેમની વાચા બંધ થઈ ગઈ હતી. તો પણ ઠાકુરનાં દર્શનથી તેઓ પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. એમનાં બંને નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ઠાકુર મ્લાન મુખે અને અશ્રુપૂર્ણ નેત્રોએ એમનાં અંગે હાથ ફેરવવા લાગ્યા અને એમને અભયવાણી સંભળાવી. એ પ્રસંગ વિશે ઠાકુરે એકવાર કહ્યું હતું : ‘ઘોડાની પીઠ પર સવાર થઈને જતી વખતે અધરને ‘ઈષ્ટદર્શન’ થયાં હતાં અને એ આનંદથી તેઓ પોતાને સંભાળી ન શકવાથી પડી ગયા હતા.’ ઈ.સ. ૧૮૮૫ની ૧૪મી જાન્યુઆરી, બુધવારે સવારે ૬ વાગે શ્રીયુત અધરલાલ મહાપ્રસ્થાનમાં ચાલી નીકળ્યા. આ દારુણ શોકથી વિહ્વળ થઈને ઠાકુરે રીસથી જગદંબા પાસે પોતાની વેદના જણાવી કહ્યું : ‘મા, તમે મને ભક્તિ આપીને મારી એવી સ્થિતિ કરી દીધી કે આજે આવી અવસ્થા થઈ !’ અહા, ભક્તને માટે ભગવાનની કેવી અચિંતનીય કરુણા હતી ! (‘ઉદ્‍બોધન પત્રિકા, ફાગણ-ચૈત્ર ૧૩૫૬ બંગાબ્દ તથા અષાઢ શ્રાવણ ૧૩૫૭ બંગાબ્દમાં પ્રકાશિત શ્રીયુત કુમુદબંધુ સેન દ્વારા લખેલા નિબંધને આધારે.)

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda