Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

માસ્ટર મહાશય

શ્રીયુત મહેન્દ્રનાથ ગુપ્ત રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શ્રી ‘મ’ ‘માસ્ટર’, ‘મણિ’, ‘મોહિનીમોહન’ કે ‘એક ભક્ત’ આ રીતે ગુપ્તનામ કે અધુરા પરિચયના આવરણમાં પોતાને ગુપ્ત રાખવાની કોશિશ કરવા છતાંય અસફળ રહ્યા કેમ કે એમની અનુપમ કીર્તિસૌરભ એની મેળાએ જ સર્વત્ર પ્રસરી ગઈ હતી. ઈ.સ. ૧૮૮૨માં શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન થયાં. તે વખતે તેઓ મેટ્રોપોલિટન વિદ્યાલયની શ્યામબજારમાં આવેલી શાળામાં મુખ્ય શિક્ષક હતા. શ્રીરામકૃષ્ણ ભક્ત મંડળીના સુપ્રસિદ્ધ રાખાલ, બાબુરામ, સુબોધ, પૂર્ણ, તેજચંદ્ર, પલ્ટુ, ક્ષીરોદ, નારાયણ વગેરે જુદા જુદા સમયે આ વિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા. આથી જ તેઓ માસ્ટર મહાશયના નામથી જ ઓળખતા હતા. તે એટલે સુધી કે ઠાકુર પણ ક્યારેક તેમને ‘માસ્ટર’ કહીને બોલાવતા હતા.

‘કથામૃત’ના આરંભમાં શ્રીમદ્ ભાગવતમાંથી આ શ્લોક (હે પ્રભુ ! તમારી લીલાકથા અમૃત સ્વરૂપ છે, તાપથી બળ્યાઝળ્યા જીવો માટે શીતલ જીવન સ્વરૂપ છે. ઋષિઓ દ્વારા એનું ગાન કરવામાં આવ્યું છે અને બધાં પાપોનો નાશ કરવાવાળી આ કથાનું શ્રવણ સર્વ પ્રકારે માંગલ્ય અને શ્રીની વૃદ્ધિ કરે છે. તમારી આવી લીલાકથાનું ગાન કરવાવાળા જ આ જગતમાં સર્વથી ઉત્તમ દાતા છે. ‘ભાગવત ૧૦-૩૧-૬’) લેવામાં આવ્યો છે:

तव कथामृतं तत्पजीवनं कविभिरीडितं कल्मषापहम्‍ ।

श्रवण मंगलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जनाः ॥

 ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો પ્રચાર કરીને માસ્ટર મહાશયે સાચે જ સેંકડો ધર્મપિપાસુ જનોના ઘરની સમીપ અમૃતગંગાની ધારા વહેવડાવીને તેઓ સર્વોત્તમ પુણ્યના અધિકારી થયા છે. ગુજરાતીમાં બે ભાગમાં વિભાજીત એવા આ અનુપમ ગ્રંથે શ્રીરામકૃષ્ણની ભાષાની સહજ સરળ ગતિ, ભાવગાંભીર્ય, તેમના વાર્તાલાપનું સજીવ ચિત્રાંકન, સર્વ પ્રત્યેની અનુકંપા, અસીમ ઉદારતા અને અબાધ અંતરદૃષ્ટિના નિર્મલ દર્પણરૂપે સંસારના સર્વશ્રેષ્ઠ સાહિત્યોમાં ઉચ્ચપદ ગ્રહણ કરીને લેખકને અમર બનાવી દીધા છે. એક જીવનને માટે આ જ પર્યાપ્ત હોવા છતાં પણ માસ્ટર મહાશયે એનાથી સંતુષ્ટ ન રહેતાં પોતાના ચિત્તાકર્ષક અને પ્રેરણાપૂર્ણ મૌખિક ઉપદેશોના પ્રભાવથી સેંકડો દુર્બળ ધર્મપથચારીઓ સમક્ષ શ્રીરામકૃષ્ણ જીવનનો ઉજ્જવળ આલેખ રજૂ કરીને નવીન દૃષ્ટિ અને અભીપ્સા તેમનામાં જાગ્રત કરી દીધા છે. જ્યારે તેઓ વાત કરતા ત્યારે અતુલનીય સ્મૃતિશક્તિ દ્વારા પરિપુષ્ટ, કવિત્વપૂર્ણ ગુણોના વર્ણનથી શ્રીરામકૃષ્ણનાં અંતિમ કેટલાંક વર્ષોનું ચિત્ર શ્રોતાઓ સમક્ષ જીવંતરૂપે પ્રગટ થતું. શ્રીઠાકુરના પવિત્ર સાંનિધ્યથી ધન્ય બનેલા એ દિવસોના અનુભવના પ્રકાશથી ઉજ્જવળ બનેલું એ ચિત્ર અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જતું અને હાજર રહેલા સહુ ધર્મપિપાસુઓના ચિત્તને અનાયાસે એ સજીવ પુરાતન લીલાક્ષેત્રમાં ખડું કરી દેતું. તેમજ શાંતિ અને વિશ્વાસની શુભ્ર પવિત્ર જ્યોતિમાં નિમજ્જન કરાવી દેતું. માસ્ટર મહાશય જાણે હંમેશાં દક્ષિણેશ્વર અને કામારપુકુરના સ્મૃતિરાજ્યમાં જ વસતા હતા. બહાર કોઈ પણ શબ્દ બોલાયો કેમ ન હોય, તેઓ એ રાજ્યની જ કોઈ ઘટનાનું ચિત્ર પ્રગટ કરીને એનું એની સાથે અનુસંધાન કરીને ગતજીવનની પુનરાવૃત્તિમાં જકડી રાખતા. કોઈ શ્રોતા આવીને કોઈપણ વિષયનો પ્રશ્ન પૂછે તો તેઓ તુરત જ શ્રીરામકૃષ્ણ-ચરિત્રના થોડા ભાગનું વર્ણન ઉજ્જવળ ભાવે એની સમક્ષ કરતા. ઈ.સ. ૧૯૩૨ની ૪થી જૂનના રોજ શરીરત્યાગ કર્યા પહેલાંની આખરી ક્ષણ સુધી તેમણે પોતાના સ્વેચ્છાએ ગ્રહણ કરેલા વ્રતનું જ પાલન કર્યું હતું.

ઈ.સ. ૧૮૫૪ની ૧૪મી જુલાઈ, શુક્રવાર - નાગપંચમીના દિવસે મહેન્દ્રનાથ કોલકાતાના સિમુલિયા મહોલ્લાની શિવનારાયણ દાસ લેનના પિતૃગૃહમાં જન્મ્યા હતા. એ પછી થોડા દિવસ બાદ એમના પિતા શ્રીમધુસૂદન ગુપ્તે ૧૩-૨ ગુરુપ્રસાદ ચૌધરી લેનનું મકાન ખરીદ્યું અને ત્યાં રહેવા ચાલ્યા ગયા. આ મકાન હજુ પણ મોજૂદ છે અને એ મહોલ્લામાં તે મકાન ‘ઠાકુરવાડી’ નામથી ઓળખાય છે. પિતા મધુસૂદન અને માતા સ્વર્ણમયી બંને સૌજન્ય, મધુર વ્યવહાર અને ધર્મનિષ્ઠા માટે જાણીતાં હતાં. એમના ચાર પુત્રો અને ચાર પુત્રીઓમાં મહેન્દ્રનાથ ત્રીજું સંતાન હતા. માતાના સ્નેહ અને સદ્‍ગુણોએ મહેન્દ્રને આજીવન માતૃભક્ત બનાવ્યા હતા. માતાની સાથે એમની અનેક અપૂર્વ સ્મૃતિઓ જડાયેલી હતી. એમાંની એક અહીં ખાસ ઉલ્લેખનીય છે. એક દિવસ ચાર વરસનો બાળક મહેન્દ્ર માતાની સાથે હોડીમાં બેસીને માહેશના રથનો મેળો જોવા ગયો હતો. પાછા વળતાં બધા લોકો દક્ષિણેશ્વર ઊતર્યા અને ભવતારિણી કાલીમાતાનાં દર્શને ગયા. જ્યારે બધા લોકો નવા બનેલા બગીચા અને મંદિરની આજુબાજુ ફરતા હતા ત્યારે આ બાળક કાલીમંદિરની સામે ઊભા રહીને તે પોતાની માથી એકાએક વિખૂટો પડી ગયેલો જોઈને રડવા માંડયો. તે વખતે મંદિરમાંથી એક શાંત મૂર્તિ સમા બ્રાહ્મણ બહાર નીકળ્યા. તેમણે બાળકના મસ્તક પર હાથ મૂક્યો અને તેને સાંત્વના આપી. બાળક સ્વસ્થ થઈને તેમને અપલક નેત્રોથી જોતો રહ્યો. પાછળથી માસ્ટર મહાશય એ પુરુષ - પ્રવરની બાબતમાં કહેતા હતા, ‘કદાચ તેઓ ઠાકુર જ હશે કેમ કે એ અગાઉ ચાર વર્ષ પહેલાં રાણી રાસમણિએ દક્ષિણેશ્વરમાં કાલીવાડીની સ્થાપના કરી હતી અને ઠાકુર એ સમયે કાલીમાતાના પૂજારીના પદે હતા.’ બીજા એક સમયે પાંચ વર્ષની વયે તેઓ માતાની સાથે અગાસીમાં હતા ત્યારે અસીમ નીલાકાશનું દર્શન કરતાં તેમનામાં અનંતની અનુભૂતિ જાગી હતી. આકાશમાંથી પાણી વરસતું ત્યારે મહેન્દ્ર નિ:સ્તબ્ધ બની પૃથ્વી પર ઊભો રહેતો અને અવિરત થતી જલવર્ષામાં અનંતના ચિંતનમાં ડૂબી જતો. કાલીઘાટના મંદિરી સામે બકરાઓ કાપવામાં આવતા. એ જોઈને મહેન્દ્રના હૃદયમાં તીવ્ર દુ:ખ થતું. એક વખત મા સાથે એણે એ ભયંકર દૃશ્ય જોયું અને બાળક મહેન્દ્રે ત્યારે પ્રતિજ્ઞા કરી કે ભવિષ્યમાં આવા પશુબલિ બંધ કરાવવા પડશે. પરંતુ જ્યારે એ ભવિષ્યનો સમય આવ્યો ત્યારે માસ્ટર મહાશયની વિચારધારામાં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. એ કારણે એ બાબતમાં કાંઈ ન થઈ શક્યું. સ્નેહમયી જનની એમને કિશોરાવસ્થામાં જ છોડીને સ્વર્ગવાસી થયાં હતાં. એ દિવસે રડતાં રડતાં બાળકે ઊંઘમાં સ્વપ્ન જોયું, જાણે માતા સ્નેહપૂર્વક કહી રહ્યાં છે : ‘અત્યાર સુધી હું તારું પાલન-પોષણ કરતી આવી હતી. હજી પણ કરીશ પણ તું મને નહીં જોઈ શકે.’ સાચે જ પછી સ્વયં જગદંબાએ એમના લાલન-પાલનનો ભાર લઈ લીધો હતો.

મહેન્દ્રનાથના જીવનમાં હંમેશાં ધર્મભાવનો પ્રવાહ વહેતો હતો. શ્રીરામકૃષ્ણે જ્યારે એમને પૂછ્યું : ‘શું તમને અશ્વિન (૫ ઓકટોબર ઈ.સ. ૧૮૬૪)ની આંધી યાદ આવે છે ?’ ત્યારે મહેન્દ્રે ઉત્તર આપ્યો : ‘જી, હા ! એ વખતે મારી ઉંમર ૯-૧૦ વર્ષની હતી. એક ઓરડામાં હું એકલો ઈશ્વરને પોકારી રહ્યો હતો.’ કોઈ દેવમંદિરની પાસેથી નીકળતાં તેઓ ઊભા રહી જતા અને ભક્તિભાવથી પ્રણામ કરતા. આસો મહિનાની દુર્ગાપૂજા વખતે તેઓ કેટલીયવાર સુધી ભક્તિભાવપૂર્વક દેવીની સામે બેઠા રહેતા. ગંગાસ્નાન કે કોઈ ઉત્સવ નિમિત્તે કે તીર્થયાત્રા માટે કોલકાતામાં સાધુઓ આવતા તો તેઓ તેમના દર્શન, સ્પર્શન વગેરે માટે વ્યાકુળ બની જતા. પાછળથી તેઓ કહેતા કે આ સાધુસંગની અભીપ્સાએ જ એમને સર્વોત્તમ સાધુ શ્રીરામકૃષ્ણના ચરણોમાં પહોંચાડીને જીવન સાર્થક કરાવી દીધું હતું. વિદ્યાલય અને કોલેજમાં ભણતા હતા ત્યારે તેમણે રામાયણ, મહાભારત, પુરાણ, ‘શ્રીચૈતન્ય ચરિતામૃત’ વગેરે ધર્મગ્રંથો સારી રીતે વાંચ્યા હતા. પાઠ્યપુસ્તકોમાં પણ ધર્મભાવ જગાડનાર ફકરાઓને તેઓ મોઢે કરી લેતા. ‘કુમારસંભવ’ ગ્રંથનો એ અંશ, જેમાં શિવના ધ્યાનનું વર્ણન કરતાં જણાવેલું છે કે ગુફાની અંદર મહાદેવ સમાધિમગ્ન છે અને ગુફાના દરવાજે નંદી હાથમાં દંડ લઈને ઊભા છે અને સમસ્ત જીવો તેમજ પ્રકૃતિને સર્વ પ્રકારની ચંચળતાનો ત્યાગ કરવાનો આદેશ આપી રહ્યા છે. આ અલંઘ્ય આદેશથી વૃક્ષો નિષ્કંપ, ભ્રમરો ગુંજનરહિત, પક્ષી મૂક, પશુવૃંદ નિશ્ચલ અને સમસ્તકાળ નિ:સ્તબ્ધ થઈ ગયા કે ‘શાકુંતલ’ ગ્રંથનો એ ભાગ કે જેમાં કણ્વમુનિના આશ્રમનું વર્ણન છે, અથવા પછી ‘ભટ્ટિકાવ્ય’માં જ્યાં રામ અને લક્ષ્મણ તાડકારાક્ષસીના વધ માટે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞ સ્થાનમાં આવીને વૃક્ષવેલીઓને યજ્ઞના ધુમાડાથી શ્યામ રંગમાં રંગાયેલા જુએ છે, આવાં વર્ણનોને તેઓ કંઠસ્થ કરી લેતા હતા. ‘શ્રીચૈતન્ય ચરિતામૃત’ ગ્રંથ  વિષે એમણે એક વખત કહ્યું હતું : ‘શ્રીઠાકુરની પાસે ગયા તે પહેલાં હું એ ગ્રંથ પાગલની જેમ વાંચતો હતો.’ બાઈબલના ‘ન્યુ ટેસ્ટામેન્ટ’થી તેઓ એટલા બધા માહિતગાર હતા કે પાછળથી ધર્મ અંગે પ્રવચન આપતી વખતે પોતાના વિષયવસ્તુને સમજાવવા માટે તેઓ બાઈબલનાં ઉદાહરણોને પોતાના ધારાપ્રવાહમાં મેળવી દેતા હતા. કાયદાના અભ્યાસ વખતે એમણે મનુ, યાજ્ઞવલ્કય વગેરેના સ્મૃતિગ્રંથોમાંથી હિન્દુઓની સમાજનીતિની માર્મિક વાતો શીખી લીધી હતી. પાછળથી તેઓ કહેતા : ‘વકીલાત કરો કે ન કરો, પણ કાયદો વાંચજો કેમ કે એમાંથી ઋષિઓનો આચાર-વ્યવહાર તથા નિયમ-કાનૂન ઘણું બધું જાણી શકશો.’

વિદ્યાલયમાં તેઓ અત્યંત બુદ્ધિશાળી ગણાતા હતા. તેઓ હેયર સ્કૂલમાંથી પ્રવેશિકા પરીક્ષામાં બીજા નંબરે પાસ થયા હતા. એફ.એ. પરીક્ષામાં એમણે પાંચમો નંબર મેળવ્યો હતો. એ પછી ઈ.સ. ૧૮૭૪માં તેઓ પ્રેસિડન્સી કોલેજમાં ત્રીજો નંબર મેળવીને ‘ઓનર્સ’ સાથે પદવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. વિદ્યાર્થીકાળમાં તેમણે દર્શન, ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, વિજ્ઞાન વગેરેનો ખૂબ ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજી ભાષાના અધ્યાપક ટોની સાહેબના અત્યંત પ્રિય પાત્ર હતા.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પહેલાં જ એમણે શ્રીયુત ઠાકુર ચરણ સેનની પુત્રી તથા શ્રીયુત કેશવચંદ્ર સેનની બહેન શ્રીમતી નિકુંજદેવી સાથે લગ્ન કર્યું હતું. (ઈ.સ. ૧૮૭૩) ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાથી તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહીં. કાયદાની પરીક્ષા આપવા માટે તેઓ તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ઘર-ગૃહસ્થીનો ખર્ચ ઉપાડવા માટે એમણે એ સંકલ્પ છોડી દેવો પડયો અને વ્યાપારી દફતરમાં નોકરી સ્વીકારવી પડી. પાછળથી તેઓ અધ્યાપન કાર્યમાં જોડાયા અને અનેક ઉચ્ચ વિદ્યાલયોમાં મુખ્ય શિક્ષક તરીકે કામગીરી બજાવી. તેઓ જુદી જુદી કોલેજોમાં પણ અધ્યાપન કરતા હતા. ક્યારેક ક્યારેક એક જ દિવસે એકથી વધુ વિદ્યાલયોમાં કામ કરતા હોવાથી તેઓ પાલખીમાં આવતા-જતા. વિદ્યાર્થીઓ એમનાં ગાંભીર્ય, ધર્મભાવ અને સહજ અધ્યાપન પ્રણાલીથી આકર્ષાતા. આથી અધ્યાપન સમયે એમને શિસ્ત જાળવવા માટે નકામી શક્તિનો વ્યય કરવો પડતો ન હતો. આ રીતે એમણે બધાં કાર્યો દ્વારા સુયશ પ્રાપ્ત કર્યો હતો.

શ્રીરામકૃષ્ણનાં દર્શન પહેલાં તેઓ બ્રાહ્મોનેતા કેશવચંદ્ર સેનના ભાષણથી આકર્ષાયા હતા અને સમાજમંદિર તેમજ ‘કમલકુટિર’ વગેરે સ્થળે જતા હતા. શ્રીરામકૃષ્ણની સાથે ઘનિષ્ઠ પરિચય પ્રાપ્ત કર્યા પછી એમણે કેશવચંદ્ર સેનની અપૂર્વ આકર્ષણશક્તિનું કારણ જણાવતાં એકવાર કહ્યું હતું : ‘ઓહ ! એમને હું દેવતા જેવા માનતો હતો કેમ કે તેઓ એ સમયે પોતાના મિત્રોને લઈને ઠાકુર પાસે આવતા રહેતા અને ઠાકુરના અમૃતમય ઉપદેશોનો પ્રચાર એમના નામનો ઉલ્લેખ કર્યા વગર કરતા હતા.’ બ્રાહ્મસમાજના જાણીતા પોતાના સંબંધી શ્રી નગેન્દ્રનાથ ગુપ્ત પાસેથી ઈ.સ. ૧૮૮૧માં એમણે શ્રીરામકૃષ્ણનો પ્રથમ પરિચય મેળવ્યો હતો. એ વખતે લગ્નના થોડા દિવસ બાદ સાંસારિક આઘાત-પ્રત્યાઘાતની અચાનક જ શરૂઆત થઈ. એમાંથી મુક્તિ મેળવવા માટે ઈ.સ. ૧૮૮૨ના ફેબ્રુઆરીના એક દિવસે મહેન્દ્રનાથે વરાહનગર મહોલ્લાના તેમના બનેવી શ્રીયુત ઈશાનચંદ્ર કવિરાજના ઘરમાં આશ્રય લીધો. એ મકાનમાં રહેતા હતા ત્યારે તેઓ (૨૬મી ફેબ્રુ.ના) એક દિવસ સંધ્યાકાળે શ્રીયુત સિદ્ધેશ્વર મજમુદારની સાથે દક્ષિણેશ્વર કાલીમંદિરમાં ગયા. ત્યાં તેમણે જોયું, સંધ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ ભક્તોની વચ્ચે બેસીને ભગવત્પ્રસંગનો વાર્તાલાપ કરી રહ્યા હતા. મંદિરનું સુંદર પવિત્ર વાતાવરણ હતું. એવું લાગ્યું જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવત સંભળાવી રહ્યા છે ! અથવા જાણે જગન્નાથના ક્ષેત્રમાં શ્રીગૌરાંગદેવ, રામનંદ, સ્વરૂપ વગેરે ભક્તો પાસે બેસીને ભગવદ્ ગુણાનુકીર્તન કરી રહ્યા છે. આ છોડીને બીજે સ્થળે જઈ જ નહીં શકાય. તો પણ માસ્ટર મહાશયનું કુતૂહલવાળું કવિ-સુલભ મન એ દેવોદ્યાનનો પૂર્ણ પરિચય મેળવવા માટે એમને બહાર લઈ આવ્યું. ઉદ્યાનનું નિરીક્ષણ કરીને તેઓ ફરીથી ઠાકુરના ઓરડામાં આવીને બેસી ગયા. એમનો પરિચય પૂછતાં ઠાકુર અન્યમનસ્ક થઈ રહ્યા છે. એ જોઈને માસ્ટર મહાશયે વિચાર્યું કે તેઓ હવે ઈશ્વર ચિંતન કરશે. આથી તેઓ વિદાય લઈને ત્યાંથી ઊઠી ગયા. જતી વખતે ઠાકુરે એમને કહ્યું : ‘પાછા આવજો.’

બીજી વખત દર્શન થયાં બીજા દિવસે સવારે આઠ વાગે. ઠાકુરે એમનો પરિચય પૂછયા પછી અવિવાહિત જીવનની પ્રશંસા કરતાં જાણવા ઇચ્છ્યું કે એમનાં લગ્ન થયાં છે કે નહીં ?’ માસ્ટર મહાશયે કહ્યું : ‘જી હા.’ એ વખતે ઠાકુરે પોતાના ભત્રીજાને બોલાવીને કહ્યું : ‘અરે, રામલાલ, આણે તો લગ્ન કરી લીધાં છે !’ એ પછી એમણે પ્રશ્ન પૂછીને જાણી લીધું કે માસ્ટરને એક પુત્ર પણ છે. બંને રીતે ઠાકુરની પ્રતિક્રિયા જોઈને માસ્ટર મહાશયને એવું લાગ્યું જાણે અત્યાર સુધી તેમણે ઘણી ધર્મચર્ચા અને ઉપાસના કરી છે છતાં પણ તેઓ આદર્શ ધાર્મિક જનની દૃષ્ટિએ સાંસારિક સ્તરથી વધુ ઊંચે જઈ શક્યા નથી. આ રીતે એમનો અહંકાર પ્રત્યેક વાતે ચૂર્ણ થઈ જતો હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણે એમને એકદમ હતાશ ન કરતાં જાણે સાંત્વના દેતાં કહ્યું : ‘જુઓ, તમારાં લક્ષણ સારાં છે. હું લલાટ, નેત્ર વગેરે જોઈને જાણી શકું છું.’ આથી તેઓ થોડા આશ્વસ્ત થયા. છતાં પણ પછી તુરત જ બીજા કેટલાક આઘાતો પણ એમને લાગ્યા હતા. પરિણામે એમણે પૂર્ણ આત્મસમર્પણ કરી દીધું. કાન્ટ, હેગલ, હર્બર્ટ સ્પેન્સર વગેરે પાશ્ચાત્ય દાર્શનિકોનાં મંતવ્યોના જાણકાર માસ્ટર મહાશયની એ માન્યતા હતી કે માનવજીવનમાં બુદ્ધિ જ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે,જેણે વિદ્યા પ્રાપ્ત કરી છે એ જ ખરા અર્થમાં જ્ઞાની છે. પરંતુ આજે એ પ્રકારના શિક્ષણથી વંચિત ઠાકુરની પાસે એમને જ્ઞાન થયું કે ઈશ્વરને જાણવો એ જ જ્ઞાન છે. બાકી બધું અજ્ઞાન છે. પછી બીજો પ્રશ્ન પુછાયો કે તેઓ સાકારમાં શ્રદ્ધા ધરાવે છે કે નિરાકારમાં ? માસ્ટર મહાશયે ઉત્તર આપ્યો, કે નિરાકાર જ એમને સારું લાગે છે. ત્યારે ઠાકુરે જણાવ્યું કે નિરાકારમાં શ્રદ્ધા હોવી ઉત્તમ છે ખરી; તો પણ સાકાર પણ સત્ય છે. આ પરસ્પર વિરોધી વિશ્વાસદ્વય કેવી રીતે સાચાં હોઈ શકે ? એનો નિર્ણય કરવા અસમર્થ હોવાથી માસ્ટર મહાશયનો અહંકાર ત્રીજી વખત ચૂરેચૂરા થઈ ગયો, પરંતુ એથીય એનો અંત ન આવ્યો. એમણે ફરીથી સાંભળ્યું કે આ મંદિરની મૃણ્મયી નથી, ચિન્મયી છે. માસ્ટરે કહ્યું : ‘જો આ જ સત્ય હોય તો જે લોકો મૂર્તિમાં ઉપાસના કરે છે, એમને સમજાવી દેવું જરૂરી છે કે વાસ્તવમાં માટીની મૂર્તિ એ ઈશ્વર નથી. મૂર્તિમાં ઈશ્વરના ઉદ્દેશ્યથી પૂજા કરવામાં આવે છે.’ તુરત શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા : ‘તમારા કોલકાતાના લોકોમાં આ એક ટેવ, ફક્ત લેકચર - ભાષણ આપવાં અને બીજાને સમજાવી દેવું ! જો સમજાવવાની જરૂર પડશે તો તે જ સમજાવી દેશે. તમને માથું કેમ દુ:ખે છે ? તમારા પોતાના હૃદયમાં જેથી જ્ઞાન મળે, ભક્તિ મળે, એના માટે જ પ્રયાસ કરોને ?’ માસ્ટરના અહંકારનો મહેલ એકદમ જમીનદોસ્ત થઈ ગયો. એમને એમ લાગ્યું કે જાણે ધર્મ અનુભૂતિની વસ્તુ છે, બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. બુદ્ધિરૂપી દુર્બળ સાધનની મદદથી નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મતત્ત્વનો આવિષ્કાર થઈ શકતો નથી. આવા પ્રકારના તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે તત્ત્વદર્શી સાધુઓનો સત્સંગ જરૂરી છે. એ સિવાય અત્યંત શુદ્ધ બુદ્ધિ પણ આપણને ભગવાનની પાસે લઈ જવા માટે સમર્થ નથી. એ પછી તેઓ પોતાની જાતને પૂર્ણપણે શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં સોંપીને ઘરે પાછા આવી ગયા.

એ પછી બીજા પણ થોડા દિવસો સુધી માસ્ટર મહાશય વરાહનગરમાં રહેવાનો સુયોગ મેળવીને ઘણીવાર દક્ષિણેશ્વર આવતા. તેથી તેઓ થોડા દિવસોમાં જ શ્રીરામકૃષ્ણના અંતરંગ મંડળીનું અંગ બની ગયા અને ઠાકુરનો અંતરંગભાવ પણ માસ્ટરના પ્રત્યેક કાર્ય અને વાત દ્વારા સહજપણે પ્રગટ થવા લાગ્યો. એ રીતે થોડા દિવસ પછી એ વર્ષની પાંચમી માર્ચે માસ્ટર મહાશય જેવા શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ્યા કે ઠાકુરે ત્યાં ઉપસ્થિત રહેલા બાળભક્તોને આશ્ચર્યથી કહ્યું : ‘અરે, જુઓ, આ પાછો આવી ગયો !’ આટલું કહીને એમણે અફીણના બંધાણી એક મોરની વાર્તા સંભળાવી. એ મોરને દરરોજ નિશ્ચિત સમયે અફીણ આપવામાં આવતું હતું અને મોર પણ એ નશીલી ચીજના પ્રભાવથી દરરોજ બરાબર એ જ સમયે એ જ જગ્યાએ પહોંચી જતો. માસ્ટર મહાશયને પણ ખરેખર નશો લાગી ગયો હતો. તેઓ ઘરમાં રહીને પણ દક્ષિણેશ્વરનું જ ચિંતન કરતા હતા. લાંબો વિરહ અસહ્ય થતાં તેઓ દોડતા શ્રીગુરુ ચરણમાં હાજર થઈ જતા. એક વખત વૈશાખ મહિનાના પ્રચંડ સૂર્યતાપમાં પગે ચાલીને પરસેવે નીતરતા મહેન્દ્રનાથને કોલકાતાથી દક્ષિણેશ્વર આવેલા જોઈને ઠાકુરે કહ્યું : ‘આમાં (પોતાના શરીરને બતાવીને) શું છે જેના આકર્ષણથી ઈંગ્લીશમેન (અંગ્રેજી ભણેલા લોકો) સુદ્ધાં દોડીને આવે છે ?’ આ આકર્ષણનું કારણ બતાવતાં ઠાકુરે એક દિવસ માસ્ટર મહાશયને કહ્યું હતું : ‘તમારી અંદર આ સ્થળ માટે આટલું આકર્ષણ કેમ ? કોલકાતામાં તો અસંખ્ય માણસો રહે છે. એમનામાંથી કોઈને પ્રીતિ ન થઈ અને તમારી કેમ થઈ ? એનું કારણ છે - જન્માન્તરના સંસ્કાર.’ બીજા કોઈ સમયે તેમણે કહ્યું હતું : ‘જુઓ, તમારું ઘર, તમે કોણ છો, તમારી અંદર અને બહાર શું છે, તમારો ભૂતકાળ શું છે અને ભાવિ શું હશે તે બધું હું જાણું છું.’ બીજા કોઈ સમયે વધુ સ્પષ્ટતા કરતાં એમણે કહ્યું હતું : ‘ખુલ્લી આંખોએ મેં ગૌરાંગના સાંગોપાંગ આદિને જોયા હતા. એમાંથી કદાચ તમને પણ જોયા હતા... તમારું ચૈતન્ય-ભાગવતનું વાંચન સાંભળીને હું તમને ઓળખી ગયો છું. તમે તો પોતાના માણસ છો. એક સત્તા છે. જાણે પિતા અને પુત્ર.’

આવા પ્રકારના સંસ્કારયુક્ત ઉચ્ચ અધિકારીને ઠાકુર અનુભૂતિના ઊંચા ને ઊંચા સ્તરમાં લઈ ગયા. ત્રિકાળજ્ઞાની ઠાકુર માસ્ટર મહાશયના અંતરને જાણતા હોવાથી એમને સદ્‍ગૃહસ્થ થવાનો ઉપયોગી ઉપદેશ આપતા હતા. તેમજ એમના મનમાં ક્યારેય વૈરાગ્યનો ભાવ દેખાય તો ગૃહસ્થાશ્રમની ઉત્તમ દિશા પ્રત્યે ધ્યાન દોરીને તે દૂર કરાવી દેતા હતા. એક દિવસ એમણે જગદંબા પાસે પ્રાર્થના કરી : ‘આનું બધું જ ન છોડાવતી મા, જો ગૃહસ્થાશ્રમમાં જ રાખવો હોય તો એકાદવાર દર્શન આપજે, નહીં તો તે કેવી રીતે રહેશે ? એક વાર પણ દર્શન નહીં થાય તો ઉત્સાહ ઓસરી જશે. મા ! સારું, અંતે જે સારું હોય તે કરનજે.’ જુદી જુદી પરિસ્થિતિમાં ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહી શકાય, એ અંગે તેઓ ઉપદેશ આપતા.‘પુત્ર થયો છે, એ સાંભળીને મેં તમને ધમકાવ્યા હતા. હવે ઘરે જઈને રહો. એ લોકોને એવું બતાવી દેજો કે તમે એમના પોતાના માણસ છો, અંદર જાણી લેજો તમે એમના કોઈ નથી અને તેઓ પણ તમારા પોતાના માણસ નથી. ‘પિતા સાથે પ્રેમભર્યો વર્તાવ કરો. હવે ઊડતાં શીખીને પિતાને સાષ્ટાંગ પ્રણામ નહીં કરી શકો ?’... ‘માતા અને જનની, જે જગતરૂપે રહેલી છે, સર્વવ્યાપી થયેલી તે જ સાચી જનની છે.’... ‘જે ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે છે, તેને અવિદ્યા પત્ની કહે છે... એવી સ્ત્રીનો ત્યાગ કરજો.’ એ પછી થોડીવારમાં જ આવો કઠોર આદેશ સાંભળીને ચિંતાતુર બનેલા માસ્ટર પાસે જઈને તેમણે તત્ત્વની વાત સંભળાવી... ‘પરંતુ જેમને ઈશ્વર પ્રત્યે ભક્તિ છે, બધાં એના વશમાં આવી જાય છે. ભક્તિ રહેવાથી પત્ની પણ ઈશ્વરના માર્ગમાં આવી શકે છે. બધાં કામ કરતા રહેજો. પરંતુ મન ઈશ્વરમાં લગાવી રાખજો.’ તેમણે બીજો પણ ઉપદેશ આપ્યો : ‘ઈશ્વરનાં નામ અને ગુણગાન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ-ઈશ્વરના ભક્ત ને સાધુ એમની પાસે વચ્ચે વચ્ચે જવું જોઈએ. ગૃહસ્થીમાં તથા સાંસારિક કર્મોમાં રાતદિવસ લાગ્યા રહેવાથી ઈશ્વર પ્રત્યે મન જતું નથી. વચ્ચે વચ્ચે એકાંત સ્થળે જઈને ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. પ્રારંભમાં ક્યારેક ક્યારેક નિર્જન સ્થળે ન જવાથી ઈશ્વર પ્રત્યે મન રાખવું બહુ જ મુશ્કેલ બની જાય છે... ઈશ્વર પ્રત્યે ભક્તિલાભ ન કરતાં જો ગૃહસ્થીના કામ કરતા રહેશો તો એમાં વધુ ને વધુ ફસાઈ જશો... હાથમાં તેલ લગાવીને ફણસ કાપવું પડે છે... ઈશ્વરની ભક્તિરૂપી તેલ લગાવીને ગૃહસ્થીનાં કામોમાં હાથ દેવાનો હોય છે.’

ઠાકુર માસ્ટર મહાશયને શુદ્ધ ભક્તિનો જ વિશેષરૂપે ઉપદેશ આપતા હતા. એક દિવસ એમણે કહ્યું : ‘જુઓ, તમે જે વિચાર કર્યો છે એ બહુ થઈ ગયો. હવે વધુ નહીં કરો, ફરીથી એવું નહીં કરો.’ માસ્ટર મહાશયે હાથ જોડીને કહ્યું : ‘જી, નહીં કરું.’ માસ્ટર સ્વભાવથી જ શરમાળ પ્રકૃતિના હતા. કીર્તનના સમયે નાચતા ઠાકુરે એક દિવસ એમને ચૂપચાપ ઊભેલા જોઈને બળપૂર્વક ખેંચીને કહ્યું : ‘એ સાલા ! નાચ.’ એમણે શીખવ્યું હતું કે હંમેશાં ભગવાન વિશે વાતચીત કરવી જ ઉચિત છે. એક દિવસ માસ્ટર અને નરેન્દ્રને વિદ્યાલયના વિદ્યાર્થીઓની નૈતિક અધોગતિ વિશે ટીકા કરતા જોઈને એમણે માસ્ટરને કહ્યું હતું : ‘એવી વાતો સારી નથી. ઈશ્વરની વાત સિવાય બીજી વાતચીત સારી નથી.’ આ રીતે સાધુસંગ, ભગવત્પ્રસંગ અને એકાંતવાસ સાથે એમના હૃદયમાં ઈશ્વર માટેની વ્યાકુળતા દૃઢપણે અંકિત કરીને ઠાકુરે કહ્યું હતું : ‘બહુ વ્યાકુળ થઈને રડવાથી તેમને જોઈ શકાય છે.’ આવા સ્થળે વ્યાકુળતાનો ઉલ્લેખ જોઈને અને અગાઉના વિચારોમાંનાં વચન સાંભળીને પાઠક એમ ન સમજી લે કે ઠાકુરે માસ્ટર મહાશયને ભાવુકતામાં ડુબાડી રાખવા ઇચ્છ્યું હતું. પરંતુ પાશ્ચાત્ય શિક્ષણના ફળરૂપે આપણા મનમાં જે નિરર્થક તર્કચાતુર્ય આવે છે અને ભગવત્-સંબંધ-રહિત બુદ્ધિમત્તા પ્રત્યે શ્રદ્ધા અને આગ્રહ જાગે છે, તેમાંથી માસ્ટર મહાશયને મુક્ત કરીને ઈશ્વરાભિમુખ સંભળાય છે : ‘સાથે સાથે વિચાર કરવો બહુ જ જરૂરી છે. કામિની-કાંચન અનિત્ય છે. ઈશ્વર જ એકમાત્ર સત્ય વસ્તુ છે. રૂપિયાથી શું મળે ? દાળ-રોટી મળે. બસ, ત્યાં સુધી, ભગવાન પ્રાપ્તિ થતી નથી. આથી રૂપિયા જીવનનો ઉદ્દેશ નથી બની શકતા. એનું નામ વિચાર છે. સમજ્યા ?’

મહેન્દ્રનાથ ઠાકુરની પાસે જવા લાગ્યા. તેઓ ચૂપચાપ બધું સાંભળતા અને જોતા રહ્યા. તથા બધી વાતો અને ત્યાંના વાતાવરણને સ્મૃતિમાં મુદ્રિત કરીને ઘરમાં પાછા આવીને પહેલાંની ટેવ પ્રમાણે રોજનીશીમાં ક્યારેક સંક્ષેપમાં અને ક્યારેક વિસ્તારથી બધું લખતા રહ્યા. આ રીતે સમય આવતાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ગ્રંથ તૈયાર થયો હતો.

માસ્ટર મહાશય પહેલાં નિરાકારમાં જ અનુરક્ત હતા અને ઠાકુર પણ એમને એ મુજબ ઉપદેશ આપતા હતા. એકવાર મોતીશીલની તળાવડીમાં રમતી માછલીઓને બતાવીને તેમણે કહ્યું : ‘નિરાકાર બ્રહ્મમાં આ પ્રમાણે મનને ડુબાડીને એમનું ચિંતન કરવાનું હોય છે.’ માસ્ટર એ માર્ગે ચાલી રહ્યા હતા. અંતે એક દિવસ (ઈ.સ. ૧૮૮૨, ૨૨ ઓકટોબર) એમણે સ્વીકાર્યું : ‘મેં અનુભવ્યું છે કે પહેલાં નિરાકારમાં મન સ્થિર રાખવું સહજ નથી.’ તરત જ ઠાકુરે ઉત્તર આપ્યો : ‘જોયું ને! તો પછી સાકારનું ધ્યાન જ કેમ નથી કરતા ?’ માસ્ટર માથું નમાવીને સ્વીકાર કરતા એમની સૂચના મુજબ ધ્યાન ભજન કરવા લાગ્યા. દક્ષિણેશ્વરમાં આવવાનું પણ ધીમે ધીમે વધવા લાગ્યું. ક્યારેક ક્યારેક તક મેળવીને તેઓ ત્યાં બેચાર દિવસ રહી પણ જતા. આ રીતે ઈ.સ. ૧૮૮૩માં આખો ડિસેમ્બર મહિનો તેઓ ઠાકુરની પાસે જ રહ્યા.

આ બાજુ સાધના અને આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે શ્રીરામકૃષ્ણ વિશે માસ્ટર મહાશયની ધારણા બદલાવા લાગી હતી. ઈ.સ. ૧૮૮૨ના માર્ચ મહિનામાં જ માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણના સંબંધમાં કહ્યું હતું : ‘આવાં જ્ઞાન, પ્રેમ, ભક્તિ, વિશ્વાસ, વૈરાગ્ય અને ઉદારભાવ મેં ક્યારેય કોઈનામાં ક્યાંય જોયાં ન હતાં.’ પછી તેમણે જ ઈ.સ. ૧૮૮૩ના જુલાઈમાં સ્વીકાર્યું : ‘આપને ઈશ્વરે સ્વયં પોતાના હાથે બનાવ્યા છે અને બીજા મનુષ્યોને તેમણે યંત્રમાં નાખીને બનાવ્યા છે, જેમ કે કાયદા મુજબ આખી સૃષ્ટિ બની છે.’ અને એમણે જ ઈ.સ. ૧૮૮૫ના જુલાઈમાં જણાવ્યું હતું : ‘મને એવું લાગે છે કે ઈસામસીહ, ગૌરાંગદેવ અને આપ એક જ છો.’ ઠાકુરના એક ઉપદેશની નકલ કરીને માસ્ટરે જ્યારે કહ્યું : ‘અવતાર જાણે એક મોટું છિદ્ર છે. એની અંદરથી અનંત ઈશ્વરને જોઈ શકાય છે.’ એ પરથી ઠાકુરે પૂછ્યું : ‘બોલો તો, તે છિદ્ર કોણ છે ?’ માસ્ટરે ઉત્તર આપ્યો : ‘તે છિદ્ર આપ છો.’ તુરત ઠાકુરે એમના પીઠ પર શાબાશી આપતાં કહ્યું : ‘તમે એ બરાબર જાણી લીધું, સારું થયું.’

શ્રીરામકૃષ્ણ જ્યારે કાશીપુરના બાગમાં અસ્વસ્થ હતા ત્યારે માસ્ટર મહાશય એકવાર કામારપુકુરનાં દર્શને ગયા હતા. સાથે બળદગાડી હતી છતાં પણ તેઓ બર્દવાનથી પગે ચાલીને ગયા હતા. એ દિવસોમાં એ રસ્તે ડાકુઓની રંજાડ હતી. આથી મુસાફરો હંમેશાં ભયભીત રહેતા. એ સમયે માસ્ટરનાં નેત્રોમાં નવીન અનુરાગનું અંજન હતું. દૂરથી જ કામારપુકુર ગામ જોઈને એમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા. સઘળે ઠાકુરની સ્મૃતિ છવાયેલી છે એ જાણીને પુલકિત ચિત્તે તેઓ સઘળું દર્શન-સ્પર્શન કરવા લાગ્યા. રોગશય્યામાં પડેલા ઠાકુરે જ્યારે આ વાત જાણી ત્યારે એક ભક્તને કહ્યું હતું : ‘જુઓ, એનામાં કેવી પ્રેમભક્તિ છે. કોઈએ એમને જણાવ્યું ન હતું. ભક્તિની પ્રબળતાને કારણે પોતાની જાતે જ આટલું કષ્ટ વેઠીને એ સ્થળે ગયા હતા. કારણ કે હું એ સ્થાનોમાં હંમેશાં આવતો જતો હતો. આમની ભક્તિ વિભીષણના જેવી છે. વિભીષણ માણસ જોતાં જ એને સારી રીતે સજાવીને એની પૂજા આરતી કરતો અને કહેતો કે આ જ મારા પ્રભુ શ્રીરામચંદ્રની મૂર્તિ છે.’ પછી જ્યારે માસ્ટર મહાશય કામારપુકુરથી પાછા આવી ગયા ત્યારે તેમણે તેમને કહ્યું હતું : ‘તમે કેવી રીતે ડાકુઓના દેશમાં ગયા હતા ? હું સાજો થઈ જાઉં પછી આપણે સાથે જઈશું.’ એ શરીરથી સાથે જવાનું ન થયું પરંતુ, માસ્ટર મહાશયના હૃદયમાં બિરાજીને તેઓ તેમને પછી આઠ-નવ વખત કામારપુકુર લઈ ગયા હતા. કામારપુકુરનું આકર્ષણ માસ્ટર મહાશયને એક સમયે એટલું તીવ્ર થયું હતું કે ત્યાં કાયમ રહી જવા માટે તેમણે શ્રીમા પાસે પોતાની ઇચ્છા પ્રગટ કરી હતી. પરંતુ શ્રીમાએ હસતાં હસતાં કહ્યું : ‘બેટા, તે સ્થાન મેલેરિયાનો ડિપો છે. ત્યાં રહી ન શકાય.’ આખરે માના આદેશનું જ પાલન કર્યું.

બાળપણની જેમ યૌવનમાં પણ માસ્ટર મહાશય પ્રાકૃતિક સૌંદર્ય, ગાંભીર્ય અને અસીમતાની અંદર ભગવાનના ગુપ્ત હસ્તનો આભાસ જોતા હતા. ઠાકુરના લીલાકાળમાં તેઓ એક વખત કાંચનજંઘા શિખરે ગયેલા. ત્યાં આનંદથી તરબોળ અને ભક્તિથી પુલકિત બની ગયા હતા. પાછા આવ્યા ત્યારે ઠાકુર પૂછ્યું : ‘કેમ રે, હિમાલયનું દર્શન કરતાં ઈશ્વરનું સ્મરણ થયું હતું ?’

દક્ષિણેશ્વરમાં ઠાકુર નરેન્દ્ર સાથે માસ્ટરની જ દલીલ પ્રયોજીને આનંદ કરતા હતા. એ વખતે સ્વભાવે શરમાળ માસ્ટરના મુખે વાત જ નીકળતી નહીં. એ કારણે ઠાકુરે એક વખત કહ્યું હતું : ‘(પરીક્ષાઓ) પાસ કરવાથી શું થાય ? માસ્ટરનો સ્ત્રી ભાવ છે. વાત કહેતાં આવડતી નથી.’ બીજા એક દિવસે તેમને ગીત ગાવાનું કહેતાં માસ્ટર સંકોચના માર્યા ગાઈ જ ન શક્યા ત્યારે ઠાકુરે કહ્યું : ‘તે નિશાળમાં દાંતિયાં કાઢશે અને અહીં ગીત ગાવામાં શરમાય છે !’ ક્યારેક કહેતા : ‘આનો સખી ભાવ છે.’

આ નમ્ર સ્વભાવવાળા મનુષ્યની સાથે પુરુષસિંહ નરેન્દ્રની પ્રગાઢ પ્રીતિનો સંબંધ સ્થાપિત થવામાં કોઈ વિઘ્ન ન નડ્યું. પિતાના સ્વર્ગવાસ બાદ નરેન્દ્રને આર્થિક વિટંબણાઓ ઊભી થતાં માસ્ટર મહાશયે એમને મેટ્રોપોલિટન વિદ્યાલયમાં શિક્ષકનું કામ સોંપ્યું હતું. એક વખત તેમણે નરેન્દ્રના ઘરનો ત્રણ મહિનાનો ખર્ચ ચલાવવા માટે સો રૂપિયા આપ્યા હતા. એ ઉપરાંત નરેન્દ્રનાં માતાના હાથમાં છાની રીતે રૂપિયા આપીને તેઓ કહેતા કે નરેન્દ્રને આની જાણ ન થાય; નહીં તો, એ પાછા આપી જશે. શ્રીરામકૃષ્ણના દેહાવસાન પછી જ્યારે યુવાન ભક્તો સહાય સંપત્તિ વગરના થઈ ગયા ત્યારે એ સમયે બે-ચાર ગૃહસ્થ ભક્તોની સાથે માસ્ટર મહાશય એ લોકોની સહાયમાં ઊભા રહ્યા અને તેમને આર્થિક સહાય અને ઉપયોગી સલાહ આપીને વરાહનગર મઠના સંગઠન અને સંરક્ષણમાં સહયોગ આપ્યો હતો. રજાના દિવસોમાં તેઓ ઘણીવાર મઠમાં રાત રોકાતા. એ વાતોનું સ્મરણ કરીને સ્વામી વિવેકાનંદજીએ એક પત્રમાં લખ્યું હતું : ‘રાખાલ, ઠાકુરના શરીર ત્યાગ પછી તમને યાદ હશે, કે બધાંએ આપણને છોડી દીધા હતા, ગરીબ છોકરાઓ સમજીને. ફક્ત બલરામ, (સુરેન્દ્ર મિત્ર) સુરેશ, માસ્ટર અને ચુનીલાલ - આ લોકો જ મુશ્કેલીના સમયે આપણા મિત્ર હતા. આ લોકોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નહીં શકીએ.’

ઠાકુરના લીલાસંવરણ પછી સાંસારિક દૃષ્ટિએ વિચ્છિન્ન બની ગયેલા માસ્ટર મહાશય તીર્થદર્શન, સાધુસંગ અને તપસ્યામાં લાગી ગયા. એ સમયે તેઓ પુરી, કાશી, વૃંદાવન, પ્રયાગ, અયોધ્યા, હરિદ્વાર વગેરે તીર્થોનાં દર્શન કરીને તેમજ ત્રૈલંગસ્વામી, ભાસ્કરાનંદ સ્વામી અને રઘુનાથદાસ બાબાજીનાં દર્શન કરીને ધન્ય બન્યા. એમની સાધનાનો ઇતિહાસ ખૂબ જ અદ્‍ભુત છે. એક વખત તેઓ દક્ષિણેશ્વરમાં પંચવટીની કુટિરમાં તપસ્યામાં રત રહ્યા હતા. પરંતુ ભીની અને ભેજવાળી જગ્યામાં કઠોર જીવન જીવવાને પરિણામે તેઓ અસ્વસ્થ અને અશક્ત બની ગયા. તેથી સ્વામી પ્રેમાનંદજી તેમને પોતાના ઘેર લઈ ગયા. માસ્ટર મહાશયની વરાહનગર મઠમાં રહેવાની વાત તો પહેલાં જ જાણવામાં આવી છે. એ સિવાય દક્ષિણેશ્વરમાં નોબતના ઘરમાં પણ તેઓ ક્યારેક ક્યારેક રાત ગાળતા. બીજો પણ એક અદ્‍ભુત ખ્યાલ એમનામાં હતો. પોતાના ઘરમાં જ્યારે તેઓ રહેતા ત્યારે તેઓ અંધારી રાતે ઊઠીને કોલકાતા વિશ્વવિદ્યાલયના સેનેટ હોલમાં વરંડામાં આવતા અને ત્યાં ઘરબાર વગરના ગરીબોની વચ્ચે સૂઈ જતા. એ રીતે તેઓ અસહાય, નિરાધાર અને નિરાશ્રિત વ્યક્તિની અવસ્થાને પોતાની અંદર આરોપવાની કોશિશ કરતા. પછી જો કોઈ આ ગુપ્ત સંન્યાસીને પૂછતું : ‘આટલી કઠોરતા આપ શા માટે કરો છો ?’ તો તેઓ ઉત્તર આપતા : ‘ઘર અને કુટુંબનો ભાવ મનમાંથી નીકળતો નથી. ગુંદરની જેમ ચીટકેલો રહે છે.’ તહેવારના દિવસે અંધારી રાતે તેઓ ગંગાકિનારે એકઠા થયેલા સાધુઓ પાસે જતા અને જોતા કે મુક્ત આકાશની નીચે, પ્રજવલિત અગ્નિની પાસે બેસીને સાધુઓ કેવી રીતે ધ્યાનમગ્ન કે જપ કરતા બેઠા છે. ક્યારેક હાવડા સ્ટેશન પર જતા અને ત્યાં જગન્નાથ ધામથી આવેલા યાત્રિકોના પ્રસન્ન ચહેરાઓનું નિરીક્ષણ કરતા કે તેમની પાસેથી મહાપ્રસાદ માગીને ખાતા. એની પાછળ એમનો ઉદ્દેશ હતો કે આ રીતે એ મહાન તીર્થમાં જવાનું કંઈક તો ફળ મળશે જ. શ્રીરામકૃષ્ણનું સાંનિધ્ય સતત મળતું રહે એ માટે તેઓ દિવસે પણ તક મળતાં પોતાના ઓરડામાં જતા રહેતા અને ડાયરી ખોલીને શ્રીમુખ-નિ:સૃત ‘કથામૃત’નો પાઠ અને ધ્યાન કરતા.

ઈ.સ. ૧૯૧૨ની દુર્ગાપૂજા પછી તેઓ શ્રીમાની સાથે કાશીધામ ગયા અને ત્યાં થોડા દિવસ રહીને તેઓ આખું વર્ષ તીર્થાટન કરતા રહ્યા. આ દરમિયાન તેઓ એક મહિના સુધી કનખલ સેવાશ્રમથી થોડે દૂર એક કુટિરમાં રહીને તપસ્યા કરતા હતા. એ સમયે સ્વામી તુરીયાનંદજી કનખલ સેવાશ્રમમાં હતા. એમની સાથે ભ્રમણ અને વાર્તાલાપ કરવામાં માસ્ટર મહાશયને અત્યંત આનંદ મળતો હતો. એ પછી તેઓ વૃંદાવન ગયા. ત્યાં ઝૂલણાનો ઉત્સવ જોયો. રાસધારીઓએ ભજવેલા ‘કૃષ્ણ-સુદામા’નો અભિનય જોઈને તેઓ અત્યંત આનંદિત થયા.

પ્રગટ રૂપે થયેલી આ પ્રકારની સાધનાઓ સિવાય નિરાડંબરી માસ્ટર મહાશયની તપોનિષ્ઠા જુદી જુદી ગુપ્ત ધારાઓમાંથી પ્રવાહિત થતી હતી. ઋષિઓનો ભાવ પોતાનામાં આરોપવા માટે તેઓ ક્યારેક હવિષ્યાન્ન ભોજન લેતા અને પર્ણકુટિમાં રહેતા. ક્યારેક કોઈ મોટા વૃક્ષ નીચે એકલા બેસી રહેતા અને વિશાળ આકાશ, ગગનચૂંબી પર્વત, અપાર સમુદ્ર, પ્રકાશિત તારામંડળ, દિગંત સુધી પ્રસરેલાં મેદાનો, સુંદર અને ગાઢી વનરાજી, સુકોમળ, સુગંધિત પુષ્પો વગેરે સઘળું તેમના ચિત્તમાં ઈશ્વરીય ચિંતન જગાડતું અને તેમને વારંવાર ઋષિઓની તપોભૂમિમાં લઈ જતું. તક મળતાં જ તેમના અંતરમાં રહેલી સાધનાની અભિપ્સા પ્રજવલિત થઈ ઊઠતી. આ રીતે તેઓ ઈ.સ. ૧૯૨૩માં મિહિજામમાં નવ મહિના સુધી, પોતાનું પાકું મકાન હોવા છતાં પણ તેઓ ઝૂંપડામાં રહ્યા હતા. ઈ.સ. ૧૯૨૫ના અંતમાં પુરીક્ષેત્રમાં ચાર મહિના સુધી એકાંતમાં રહીને એમણે સાધન-ભજન કર્યાં હતાં. એ દિવસોમાં એમનું મન ઉચ્ચ ભાવોમાં બંધાયેલું હતું. પ્રાત:કાળે સૂર્યોદયનાં દર્શન કરતાં જ એમના મનમાં દિવ્યભાવ જાગતો અને મુખેથી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ થવા લાગતું. આ રીતે હંમેશાં વૃદ્ધો જેવી ચિંતનધારાઓમાં ડૂબેલા રહેતા માસ્ટર મહાશયનાં શરીર-મનમાં વાર્ધક્યની એક સ્પષ્ટ છાપ પડી ગઈ હતી. એ કારણે જ્યારે તેઓ એકાગ્રચિત્તે ઉપનિષદના કોઈ મંત્રની વ્યાખ્યા કરતા ત્યારે લોકોને એવું લાગતું કે જાણે હિમાલય જેવા શુભ્ર, દેદીપ્યમાન લલાટ અને સૌમ્યવપુવાળા પ્રશાંત વૃદ્ધ વૈદિક ઋષિ આ મૃત્યુઘાટમાં ઊતરી આવ્યા છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગીના બીજા પ્રશ્નની તેઓ અત્યંત પ્રશંસા કરતા. એક વખત (ઈ.સ. ૧૯૨૧) એ ભાગની વ્યાખ્યા કરતાં તેઓ આવેગથી એટલા બધા અભિભૂત થઈ ગયા કે પોતાને સંભાળી ન શક્યા તેથી તેમની પથારીમાં સૂઈ જવું પડ્યું. ઘણીવાર સુધી પંખો નાંખ્યા બાદ તેઓ સ્વાભાવિક સ્થિતિમાં આવ્યા.

ઘરમાં રહેતા ત્યારે પણ એમના સાધુ જેવા અનેક સદ્‍ગુણ જોઈને લોકો આકર્ષાતા. સવારે સ્નાનબાદ, મધ્યાહ્ન અને સંધ્યા સમયે તેઓ દરરોજ નિયમિત રૂપે ધ્યાનમાં બેસતા. તેઓ પોતાના મનમાં હંમેશાં એ ભાવ જગાવી રાખતા કે આ સંસાર અસાર છે અને સઘળા પદાર્થો ઉપર મૃત્યુની કરાલ છાયા મોજૂદ છે. તેઓ કહેતા : ‘મૃત્યુનું ચિંતન રહેવાથી ક્યારેય અસ્થાને પગ નથી પડતો અને નથી કોઈ વસ્તુમાં આસક્તિ રહેતી.’ ગૃહસ્થીના કામમાં પણ તેઓ કોઈને ધમકાવી શકતા નહીં. કોઈનું અયોગ્ય કાર્ય જોઈને તેઓ કહેતા : ‘ઈશ્વરે જેને જેવો સ્વભાવ આપ્યો છે, તે તેવું જ કહે છે. મનુષ્યનો આમાં દોષ શો ?’ તેઓ બધી જ બાબતોમાં સ્વાવલંબી હતા. પાસે નોકરો રહેવા છતાં પણ તેઓ એમની સેવા લેતા નહીં. એટલે સુધી કે ૭૮ વર્ષની વયે સાંધાના દુ:ખાવાની પીડા ઓછી કરવા માટે તેઓ પોતાના હાથે પોટલી ગરમ કરીને શેક કરતા. આટલા બધા સદ્‍ગુણો તેમનામાં હોવા છતાં પણ તેઓ પોતાની પ્રશંસા સાંભળીને થોડા અસંતોષ સાથે કહેતા : ‘Mutual admiration (પાસ્પારિક પ્રશંસા) છોડી દો.’ અભિમાનરહિત માસ્ટર મહાશય ક્યારેય ‘હું’, ‘મારું’ વગેરે શબ્દોનું ઉચ્ચારણ કરી શકતા ન હતા. આથી તેઓ કાં તો બહુવચનનો પ્રયોગ કરતા અથવા તો ગૌણરૂપે વાત કરતા. એમના મકાનનું જાણીતું નામ હતું, ‘ઠાકુરવાડી’. તેઓ ક્યારેક ક્યારેક ભવાનીપુરના ગદાધર આશ્રમમાં જઈ રહેતા હતા. એક વખત ઘણો વખત ત્યાં રહ્યા પછી કોઈ જરૂરી કામ માટે ઉત્તર કોલકાતામાં પોતે સ્થાપેલા વિદ્યાલયમાં ગયા ત્યારે કહ્યું : ‘હું આજે અહીં નહીં જમું. એક ભક્તને ઘરે જાઉં છું.’ એ ભક્ત બીજા કોઈ નહીં તેઓ પોતે હતા.

ઈ.સ. ૧૯૦૫ સુધી જુદાં જુદાં વિદ્યાલયોમાં અધ્યાપનનું કાર્ય કર્યા પછી તેમણે ઝામાપુકુરમાં આવેલું માર્ટન ઈન્સ્ટિટ્યૂટનું મકાન ખરીદી લીધું હતું. પછીથી વિદ્યાલય ૫૦ નંબરની આર્મહર્સ્ટ સ્ટ્રીટમાં ફેરવવામાં આવ્યું હતું. તેઓ આ મકાનના ચોથા માળના એક ઓરડામાં રહેતા હતા. થોડા ફૂલના છોડ અને તુલસીના છોડથી સજાવેલી અગાસીમાં બેસીને તેઓ સવાર-સાંજ ધર્માલાપ કરતા. તે નાનો ઓરડો જ તેમનું નિવાસસ્થાન કે આશ્રમ હતો. તેઓ દિવસમાં એક વખત ગુરુપ્રસાદ ચૌધરી લેનમાં પોતાના ઘરે જઈને ઘરગૃહસ્થીનાં કાર્યોનો પ્રબંધ કરતા. ધીમે ધીમે ગૃહસ્થી સાથેનો આ સંપર્ક પણ છૂટી ગયો. જેથી તેમને ભગવત્પ્રસંગમાં દિવસ-રાત ડૂબી જવાની મુક્તિ મળી ગઈ. ‘કથામૃત’ ગ્રંથ પ્રકાશિત થતાં દેશ-વિદેશોથી અસંખ્ય ભક્તો પોતાની ધર્મપિપાસા બુઝાવવા માટે એમની પાસે આવવા લાગ્યા અને માસ્ટર મહાશય પણ પોતાનું પાત્ર ઉલેચીને શ્રીરામકૃષ્ણની વાતો સંભળાવતા.

અંતિમ જીવનમાં જે લોકોએ માસ્ટર મહાશયનું દર્શન કર્યું હતું તેઓ જાણે છે કે એમનું નિવાસસ્થાન જાણે પ્રાચીન ઋષિઓની તપોભૂમિમાં ફેરવાઈ ગયું હતું. સંસારના પ્રબળ તરંગોથી આંદોલિત જીવનપ્રવાહ નીચેની બાજુએ વહે છે અને રાજમાર્ગના કોલાહલથી બહુ જ ઊંચે હિમાલયની નીરવતા વિરાજિત છે ! જ્યારે કોઈ જતું ત્યારે માસ્ટર મહાશય ફક્ત જ્ઞાન અને ભક્તિની ચર્ચામાં મગ્ન જોવા મળતા. ભક્તો અને સાધુઓના સત્સંગથી તેમને અસીમ આનંદ મળતો. અવિરામ ભગવત્પ્રસંગમાં લાંબો સમય વ્યતીત કરવાનો અને ભક્તો સાથે વધુમાં વધુ મિલનનો આગ્રહ કોઈ નજરોનજર જોયા સિવાય સમજી શકે નહીં. એ મધુર આલાપનો સ્વાદ લેવા માટે અનેક ધાર્મિકજનો દરરોજ એ આધ્યાત્મિક તીર્થમાં સ્નાન કરવા માટે જતા અને ત્યાં પહોંચતા જ જોતા કે ક્યારેક કોઈ સદ્‍ગ્રંથનો પાઠ ચાલી રહ્યો છે અને માસ્ટર મહાશય વચમાં વચમાં પોતાનું મંતવ્ય પ્રગટ કરીને મુશ્કેલ ભાગને સરસ અને સરળ બનાવી રહ્યા છે. અથવા તેઓ શ્રીરામકૃષ્ણ જીવન કે વાણી વિશે અવિરત અમૃતધારા વહાવી રહ્યા છે. તથા બાઈબલ, કુરાન, ઉપનિષદ વગરે ધર્મગ્રંથોમાંથી અવતરણો ટાંકીને અથવા તો ઈસામસીહ, શ્રીગૌરાંગદેવ, શ્રીકૃષ્ણ વગેરેના જીવનની એ પ્રકારની ઘટના બધાંને કહીને બધાંને મંત્રમુગ્ધ કરી બેસાડી રાખ્યા છે. જો કોઈ બીજા વિષયનો ઉલ્લેખ કરતું તો તેઓ કુશળતાથી ચર્ચાના પ્રવાહને ભગવાનની તરફ વાળી દેતા. એક દિવસ દક્ષિણેશ્વરમાં માસ્ટર મહાશયને ગૃહસ્થી છોડવાની ચિંતામાં ડૂબેલા જોઈને ઠાકુરે કહ્યું : ‘જેટલા દિવસો સુધી તમે અહીં આવ્યા ન હતા, એટલા દિવસો સુધી તમે આત્મવિસ્મૃત રહ્યા. હવે તમે પોતાને જાણી શકશો. જે લોકો ભગવાનની વાણીનો પ્રચાર કરશે તેમને તેઓ થોડા દિવસ સુધી થોડા બંધનમાં બાંધીને ગૃહસ્થીમાં રાખે છે. નહીં તો એમની વાત કોણ જણાવશે ? એ કારણે માએ તમને ગૃહસ્થીમાં રાખ્યા છે.’ શ્રીજગદંબાના મહિમાના પ્રચાર માટે ઠાકુર જે લોકોને ‘અધિકાર પ્રાપ્ત’ સમજતા હતા. માસ્ટર મહાશય તેમનામાંના એક હતા.

શ્રીરામકૃષ્ણના ત્યાગી સંતાનો પ્રત્યે માસ્ટર મહાશયના પ્રેમ-સંબંધનો થોડોક પરિચય પહેલાં આપવામાં આવ્યો છે. એમનામાંથી કોઈ કોઈનો ફોટો પોતાના ઘરમાં રાખીને તેઓ સવાર-સાંજ પૂજા કરતા હતા. સ્વામી બ્રહ્માનંદજીની અંતિમ અવસ્થા સમયે તેઓ એમની પથારી પાસે લાંબા સમય સુધી બેસી રહેતા હતા. એમના મૃત્યુ પછી પણ પોતાની પથારીમાં પડ્યા રહીને એમના વિરહમાં રડ્યા કરતા હતા.

ઈ.સ. ૧૮૯૦માં કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ) વગેરે યુવાનો જો કે રિપન કોલેજમાં એમની પાસે ભણતા હતા, તો પણ એમના ધર્મભાવને તેઓ જાણતા ન હતા. તેઓ રામબાબુના આકર્ષણથી કાંકુડગાછી આવતા હતા. એમના બધાની અંદર ત્યાગનો ભાવ પ્રબળ હતો. પરંતુ રામબાબુની એ સમયની માન્યતા જુદા પ્રકારની હતી. તેઓ કહેતા હતા : ‘બિલે (વિવેકાનંદ) તો ઠાકુરનું માનતો જ નહીં. ફક્ત તર્ક કરતો રહેતો.’ ‘જો ઠાકુરમાં જ ભગવાનરૂપે વિશ્વાસ હોય, તો એમની વાત જ તો શાસ્ત્ર છે. બીજાં શાસ્ત્રોની જરૂર જ શું છે ? ઠાકુરને મુખત્યારનામું આપવાથી જ કામ થઈ ગયું. પછી બીજા સાધન ભજનનો અર્થ જ નથી રહેતો. ગૃહસ્થીમાં રહીને ઠાકુરને પોકારવાથી જ તેઓ કૃપા કરશે’ વગેરે. કાંકુડગાછીમાં તેઓ વરાહનગર મઠ કે મઠવાસી સાધુઓના કોઈ સમાચાર મેળવી શકતા નહીં. પરંતુ એમનાં આગ્રહયુક્ત નેત્રોએ શોધી કાઢયું કે ગંભીર સ્વભાવવાળા તથા સાદી વેશભૂષાવાળા માસ્ટર મહાશય કોલેજનો ફુરસદનો સમય વ્યર્થ ન ગુમાવતાં મકાનની અગાસી ઉપર બેસીને પોતાની નોટબુક (કથામૃત) ધ્યાન દઈને વાંચતા હતા. એમની સાધારણ રીતભાત પણ થોડી અસાધારણ હતી. આથી એ લોકોએ એમનો ઘનિષ્ઠ સંપર્ક સાધીને એમનો સાચો પરિચય મેળવી લીધો અને એ પછી તેઓ આમંત્રિત થઈને માસ્ટર મહાશયના ઘરે પણ જવા લાગ્યા. તેઓ ઘરે ગયા ત્યારે માસ્ટર મહાશયે ચટાઈ પાથરીને તેમને બેસાડયા અને પોતે પણ એમની પાસે બેસી ગયા. અધ્યાપક અને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય રીતે જે શિષ્ટાચાર જોવામાં આવે છે તે અહીં ન હતો. આ રીતે એ યુવકોના હૃદય જીતીને માસ્ટર મહાશયે કહ્યું : ‘જુઓ, ઠાકુર પૂર્ણ રીતે કામિની-કાંચન ત્યાગી હતા. એમને સમજવા માટે એમની યથાર્થ વાણી મેળવવા માટે એમના શિષ્યો કામિની-કાંચન ત્યાગી છે એમનો સંગ કરવો જોઈએ. ગૃહસ્થ લોકો ગમે તેવા ત્યાગી કેમ ન હોય પણ ઠાકુરનો ભાવ બરાબર બતાવી શકતા નથી.’ આ ઉપદેશને પરિણામે તે યુવાન વિદ્યાર્થીઓ મઠમાં જવા લાગ્યા અને સમય આવતાં એ લોકોએ સંન્યસ્ત ગ્રહણ કરી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું નામ ઉજ્જવળ કર્યું.

માસ્ટર મહાશય ગૃહસ્થ હોવા છતાં પણ ત્યાગનો મહિમા એવા મુક્ત કંઠે પ્રગટ કરતા કે એમની પ્રેરણાથી અનેક વ્યક્તિઓએ સંન્યસ્ત ગ્રહણ કર્યું હતું. એક ભક્તને એમણે કહ્યું હતું : ‘સાધુસંગ કરવાથી શાસ્ત્રનો અર્થ બરાબર સમજાય છે.’ કોઈ બીજાને કહ્યું હતું : ‘બની શકે તો કાં તો સાધુસંગ કરો, નહીં તો નિ:સંગ રહો, વિષયી લોકોનો સંગ કરવાથી પતન.’ પછી કહેતા : ‘જ્યારે સાધુસંગ ન મળે તો સાધુઓની છબી ઘરમાં રાખીને ધ્યાન કરવું જોઈએ.’ આ પ્રકારનો ઉપદેશ આપીને તેઓ એમ પણ કહેતા કે : ‘શ્રીરામકૃષ્ણના ઉપદેશની માર્મિક વાત હતી - ત્યાગ. એટલે સુધી કે સદ્‍ગૃહસ્થોને તેઓ જે ઉપદેશ આપતા એમાં પણ ત્યાગનું બીજ છુપાયેલું રહેતું અને વિશેષ અનુકૂળ ભૂમિમાં એ બીજ અંકુરિત થઈને પત્ર-પુષ્પ અને ફૂલોથી સુશોભિત બનતું. ઓછી અનુકૂળ ભૂમિમાં એવી પરિણતિ આગામી જન્મમાં ચોક્કસ થવાની. એક દિવસ એમણે એક ભક્તને કહ્યું હતું : ‘જુઓને, તેઓ સૂર્ય-ચંદ્રને પ્રકાશ અને ગરમી આપવા માટે હંમેશાં મોકલે છે. એ જોઈને આપણે અવાક્‍ બની જઈએ છીએ. લોકોને સાવધાન કરવા માટે તેઓ સાધુઓને મોકલી આપે છે. તેઓ જ શ્રેષ્ઠ માનવ છે. સાધુ લોકો જ ઈશ્વરને ઉત્તમરૂપે પકડી શકે છે. તેઓ સીધા રસ્તે ઉપર ચાલ્યા ગયા હોય છે. એ કારણે તેઓ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.’ ભક્તે મુશ્કેલી જણાવી : ‘આજે બધા સાધુઓ આવે છે તે બધા શું સર્વોચ્ચ આદર્શ લઈને આવે છે ?’ માસ્ટર મહાશયે ક્ષણનાય વિલંબ વગર જવાબ આપ્યો : ‘એમને જોવાથી ઉદ્દીપન થાય છે. એમનામાં કેટલો મોટો ત્યાગ છે ? બધું જ છોડી - છોડીને બેઠા છે. ગૌરાંગદેવે ગધેડાની પીઠ ઉપર ભગવું વસ્ત્ર જોઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ગૃહસ્થ લોકો કલંકસાગરમાં ડૂબેલા રહીને વધુ કલંકનું ઉપાર્જન કરે છે. સાધુઓ જો ક્યારેક પણ અનુચિત કાર્ય કરી નાખે તો તેઓ પાછા તેને ફેંકી દઈ પણ શકે છે... સત્સંગમાં જે કંઈ મળે છે તે જ લાભ છે.’ કોઈ સાધુ સામે આવતા તો તેઓ બહુવાર સુધી એમની પાસે બેસીને સત્ચર્ચા કરતા અને કહેતા : ‘સાધુ આવ્યા છે. ભગવાન જ સાધુના વેષમાં આવ્યા છે. એમના માટે મારે સ્નાન-ભોજન બંધ રાખવાં પડશે. જો હું એવું ન કરી શકું તો એથી વધુ દુ:ખની વાત બીજી કઈ હોઈ શકે ?’ સાધુઓને તેઓ ભૂખ્યા પેટે પાછા વાળી શકતા નહીં. કાંઈક ને કાંઈક જરૂર ખવડાવતા અને કહેતા : ‘હું ભગવાનને ભોગ ધરાવી રહ્યો છું. હું પૂજા કરી રહ્યો છું અને એને જોઈ રહ્યો છું.’ વાસ્તવમાં તો એમનો સત્સંગ મેળવીને તેમજ એમના મુખેથી નીકળેલી સાધુઓના ઉચ્ચ આદર્શની પ્રશંસા સાંભળીને સાધુઓ પણ પોતાના આદર્શની બાબતમાં સાવધાન બની જતા અને પોતપોતાના જીવનમાં એ આદર્શને ચરિતાર્થ કરવા માટે વધુ પ્રયત્ન કરતા.

જો કોઈ ઘટના કે વિષયના અવલંબનથી ભગવાનનું સ્મરણ મનન થાય તો એમના સંસ્પર્શમાં આવવા માટે તેઓ પોતે જે રીતે વ્યાકુળ બની ઊઠતા એ રીતે એમના સર્વ પરિચિતજનોને પણ એ બાબતોનો ઉત્સાહ આપતા. કોઈ ઉત્સવમાં પોતાની જાતે જવાનું શક્ય ન હોય તો અનુરાગી ભક્તોને ત્યાં મોકલતા અને એમના મુખે ઉત્સવનું વિગતવાર વર્ણન સાંભળતા. એક દિવસ તેમણે એક ભક્તને કહ્યું : ‘વચ્ચે વચ્ચે દક્ષિણેશ્વર જજે. કાલે ત્યાં ગંગાદશેરા છે. ત્યાં પૂજા જોજે. હનુમાને રામચંદ્રને પૂછ્યું  હતું : ‘હંમશાં આપનું સ્મરણ કેવી રીતે કરીશ ?’ ઉત્તરમાં રામચંદ્રે કહ્યું : ‘ઉત્સવ જેવાથી મારું સ્મરણ થશે.’ આ કારણે ઉત્સવ વગેરેમાં ભળવું સારું છે.’ પ્રસાદમાં એમને ઘણી શ્રદ્ધા હતી. એ ગ્રહણ કર્યા પહેલાં તેઓ હાથમાં લઈને ભક્તિપૂર્વક મસ્તકે અડાડી લેતા. પ્રસાદની બાબતમાં એમની માન્યતા અનોખી હતી. તેઓ કહેતા : ‘ગુરુજન જે કંઈ આપે એ લેવું જોઈએ. પ્રસન્ન થઈને જે આપે છે, તે જ પ્રસાદ છે.’ સહુથી વિશેષ તો એમની નમ્રતા હતી. તેઓ કોઈ સાધુના પ્રણામ સ્વીકારી શકતા નહીં. ભલેને સાધુ ઉંમરમાં બહુ જ નાના કેમ ન હોય ! એક દિવસ એક વૈષ્ણવ બેસતા પહેલાં તેમને પ્રણામ કરવા લાગ્યા, તો તેઓ બોલી ઊઠ્યા : ‘એવું ન કરો’ ‘तृणादपि सुनीचेन’ એને રહેવા દો. શ્રી ઠાકુર કહેતા, આના શરીરની અંદર ભગવાન છે. એ કારણે એને આસન પર બેસાડવાનું હોય છે. જ્યારે આટલી ભક્તિ કરે છે તો વાત પણ માનવી પડે છે.’

સ્વયં ભગવત્ કૃપાલાભથી ધન્ય બનેલા તથા શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ કેશવચંદ્ર સેન વગેરેનું ઘનિષ્ઠ સાંનિધ્ય અને સ્નેહ પ્રાપ્ત કરીને કૃતાર્થ બનવા છતાં પણ માસ્ટર મહાશય હંમેશાં બીજાની જ સેવા કરવા માટે તૈયાર રહેતા હતા. તેઓ પોતાને બધાના સેવક માનતા હતા. તેઓ ક્યારેય ગુરુનું આસન સ્વીકારતા નહીં. કોઈનેય દીક્ષા આપતા નહીં. એમના પ્રભાવમાં આવીને જે લોકો ઘણા દિવસોથી આવતા હતા, એમના પ્રત્યે પણ તેઓ ઉપદેશકનો વ્યવહાર કરતા નહીં, પોતાનો ઉપદેશ આપતા નહીં. તેઓ ઠાકુરની ભાષા દ્વારા જ પોતાનું વક્તવ્ય પ્રગટ કરતા. તેઓ કોઈના પર હુકમ કરતા નહીં. એમના ચહેરા ઉપર અલૌકિક જ્યોતિ હતી અને એમની જીભમાં હૃદયના આશીર્વાદ હતા. તેઓ ભક્તોના સત્સંગથી આનંદ મેળવતા અને કહેતા, ‘ભક્તો સાથે વાતો ન થતી હોત તો જીવન વ્યર્થ હોત.’ પરંતુ નિરર્થક સ્નેહ પ્રદર્શન કરીને તેઓ પોતાનો શક્તિક્ષય કે અનુરાગીઓને કષ્ટ આપવાનું પસંદ કરતા નહીં. બધી અવસ્થાઓમાં તેઓ શાંત રહેતા. સુખ દુ:ખ એમને ક્યારેય વિચલિત કરી શકતાં નહીં. એમનું જીવન સંપૂર્ણપણે આડંબરરહિત હતું. આર્થિક પરિસ્થિતિ વિશેષ ખરાબ ન હોવા છતાં પણ તેઓ આહાર-વિહાર, રહેણી-કરણી, વેષભૂષા વગરેમાં બહુ જ સાધારણ ભાવે રહેતા. એમના મત પ્રમાણે ઠાકુરનો ઉપદેશ જ એવો હતો કે આડંબર વગરનું જીવન જીવવાનું રહેશે. જીવન ધારણ માટે અનિવાર્ય થોડું ઘણું ભોજન અને લજ્જા નિવારણ માટે મામૂલી વસ્ત્ર ધારણ કરવાને પરિણામે એમના અંતરમાં રહેલ ભગવદ્ ભક્તિ વધારે ઉજ્જવળ થઈને આગંતુક સામે પ્રગટ થતી. ઠાકુરે એક દિવસ એમને કહ્યું : ‘મનમાં ત્યાગ હોવાથી જ થયું. અંત:સંન્યાસ જ સાચો સંન્યાસ છે.’ માસ્ટર મહાશયે તેવી સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની રચના એમના જીવનની સર્વશ્રેષ્ઠ કીર્તિ છે. આ બાબતમાં તેઓ કહેતા : ‘બાળપણથી જ મને ડાયરી લખવાની ટેવ હતી. જ્યારે જ્યાં ઉત્તમ ભાષણ કે ઈશ્વરીય પ્રસંગ સાંભળતો ત્યારે હું એ વિશે વિસ્તારથી લખી લેતો હતો. એ ટેવને કારણે ઠાકુરની સાથે જે દિવસે જે પણ વાર્તાલાપ થતો એ વાર, તિથિ, નક્ષત્ર, તારીખ સાથે હું લખી રાખતો.’ એમણે બીજું પણ કહ્યું હતું : ‘મારા રોજનાં કામકાજોમાં વ્યસ્ત રહેવાના કારણે હું ઇચ્છા મુજબ એમની પાસે જઈ શકતો નહીં. એ કારણે દક્ષિણેશ્વરમાં જે કંઈ મળ્યું હતું, એના ઉપર સાંસારિક કાર્યોનું દબાણ આવતાં બધું અસ્તવ્યસ્ત ન થઈ જાય એ ભયથી હું એમની વાતો તથા ભાવ લખી રાખતો; અને જતાં પહેલાં હું એ ફરીથી વાંચી જતો અને મનમાં તેની ધારણા કરતો. એ રીતે મારા જ કલ્યાણ માટે મેં પહેલેથી જ લખવું શરૂ કર્યું હતું, જેથી હું એમના ઉપદેશોને વધુ સારી રીતે મારા પોતાના જીવનમાં ઊતારી શકું.’ આ ડાયરીના આધારે ઠાકુરના શરીર છોડયા બાદ લખાયેલી Gospel of Sri Ramkrishna (શ્રીરામકૃષ્ણના ઉપદેશ) ઈ.સ. ૧૮૯૭માં નાની પુસ્તિકારૂપે પ્રકાશિત થતાં સ્વામી વિવેકાનંદ વગેરે બધાંએ એની ઘણી બધી પ્રશંસા કરી અને આવા બીજા ઉપદેશો પણ પ્રકાશિત કરવા માટે તેમને ઉત્સાહ આપવા લાગ્યા. ઈ.સ. ૧૯૦૭માં તે ગ્રંથ બૃહત્ પુસ્તકરૂપે પ્રકાશિત થયો. આ બાજુ રામચંદ્ર દત્ત મહાશયના આગ્રહથી માસ્ટર મહાશયે બંગાળી ભાષામાં કથામૃત રચવાની શરૂઆત કરી. ઈ.સ. ૧૯૦૨માં સ્વામી ત્રિગુણાતીતાનંદ દ્વારા એનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો. એ પછી ધીમે ધીમે ઈ.સ. ૧૯૦૪માં બીજો, ઈ.સ. ૧૯૦૮માં ત્રીજો ભાગ, ઈ.સ. ૧૯૧૦માં ચોથો ભાગ છપાયો. ઈ.સ. ૧૯૩૨માં એમના શરીર છોડવાના થોડા મહિના બાદ પાંચમો ભાગ પ્રગટ થયો. એ ભાગના થોડા અંશનું મુદ્રણ તેમણે જોયું હતું.

શ્રીમાતાજી પ્રત્યે તેઓ આરંભથી જ અત્યંત ભક્તિપરાયણ હતા. એ કારણે તેઓ અનેક વખત એમને પોતાને ત્યાં રાખીને એમની સેવા કરી શકયા હતા. તેમણે બીજી રીતે પણ આર્થિક સહાયતા આપીને એમની સેવા કરી હતી. શ્રીરામકૃષ્ણાશ્રિત ભક્તોની સહાયતા માટે અને તપસ્વી સાધુઓની આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે પણ તેઓ ગુપ્ત આર્થિક સહાયતા આપતા હતા. એ ખર્ચનો હિસાબ અજ્ઞાત રહેવા છતાં પણ અનુમાન થાય છે કે એમના જેવા મધ્યમવર્ગના માણસ માટે એ દાનનું પ્રમાણ સારું એવું હતું.

શ્રીરામકૃષ્ણ દર્શન લાભ પછી લગભગ ૫૦ વર્ષ સુધી સર્વજનહિતકારી શ્રીગુરુમહિમા તથા એમની વાણીનો પ્રચાર કરીને તેઓ ફલહારિણી કાલિપૂજાના બીજા દિવસે ઈ.સ. ૧૯૩૨ની ચોથી જૂનના સવારે ૬-૩૦ વાગ્યાના સમયે શ્રીગુરુ ચરણકમળોમાં ભળી ગયા. એની આગલી રાતે ૯ વાગ્યા સુધી પાંચમા ભાગનાં પ્રૂફ જોતાં જોતાં જ એમના હાથમાં સ્નાયુશૂલની અસહ્ય પીડા શરૂ થઈ અને બીજા દિવસે સવારે ‘મા, ગુરુદેવ, મને ખોળામાં લઈ લો.’ કહેતાં ચિરનિદ્રામાં એમનાં નેત્રો બંધ થઈ ગયાં. શ્રીગુરુની વાણીના પ્રચાર માટે જીવન સમર્પિત કરી દેનાર માસ્ટર મહાશયે અંતિમ ક્ષણ સુધી એ જ કાર્યમાં રત રહીને પોતાના વ્રતનું સમાપન કરી લીધું.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda