Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

બલરામ બસુ

શ્રીયુત્ બલરામ બસુ મહાશયે સ્વનામધન્ય શ્રીયુત્ કૃષ્ણરામ બસુ મહાશયના વંશને ઉજ્જવળ કર્યો હતો. કૃષ્ણરામ બસુ જીવનની શરૂઆતના કાળમાં હુગલી જિલ્લાના આંટપુર - તડાથી વ્યાપાર માટે કોલકાતા આવ્યા અને પુષ્કળ ધન કમાયા હતા. ત્યારબાદ એમણે કોલકાતાના અત્યારના શ્યામબજાર ટ્રામ-ડિપો અને એની પાસેની વિશાળ જમીન પર રાજમહેલ જેવું ભવ્ય મકાન બંધાવ્યું હતું. ત્યાં તેમણે શ્રીશ્રીકાલી તથા શિવજીના મંદિરની સ્થાપના કરી અને ત્યાં તેમણે સ્થાયી વસવાટ કર્યો. તેમણે પાછલી જિંદગીમાં દુષ્કાળનિવારણ માટે લાખો રૂપિયાનું દાન કર્યું. ઉપરાંત બ્રાહ્મણોના પાલન-પોષણ માટે જમીન સંપત્તિનું દાન કરીને તેઓ અશેષ પુણ્યના અધિકારી બન્યા. ટ્રામ ડિપોની પશ્ચિમ તરફ આવેલી કૃષ્ણરામ બસુ સ્ટ્રીટ આજે પણ એમની ગૌરવમય સ્મૃતિની સાક્ષી પૂરી રહી છે.

કૃષ્ણરામ બસુના પુત્ર ગુરુપ્રસાદે વૈષ્ણવધર્મ સ્વીકારીને પોતાના ઘરમાં શ્રીશ્રીરાધાશ્યામજીની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીરાધાશ્યામજીના નામ પ્રમાણે એ મહોલ્લાનું નામ શ્યામ-બજાર રાખવામાં આવ્યું. ગુરુપ્રસાદ એક બાજુ જેવા ભજનશીલ હતા, બીજી બાજુ તેવા જ ઉદાર હાથે દાન આપનાર પણ હતા. પરંતુ કોલકાતાની ઠાકુર બેંકે એકાએક દેવાળું ફૂંકતાં એમના ચૌદ લાખ રૂપિયા કપૂરની જેમ ઊડી ગયા. ગૃહસંપત્તિ ખોઈને, લાચાર બનીને તેમને શ્રીશ્રીરાધાશ્યામજીની પ્રતિમા સાથે શ્રીરામપુર માહેશના ઘરમાં આશ્રય લેવાની ફરજ પડી. ગુરુપ્રસાદે શ્રીધામ વૃંદાવનમાં પણ લાખો રૂપિયાના ખર્ચે એક કુંજ તથા દેવાલયનું નિર્માણ કરીને શ્રીશ્રીરાધાશ્યામસુંદરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. તે આજે પણ ‘કાલાબાબાની કુંજ’ નામથી પ્રસિદ્ધ છે.

ગુરુપ્રસાદના પાંચ પુત્રોમાં બે બિન્દુમાધવ અને રાધામોહન વંશાનુક્રમથી એક જ કુટુંબમાં રહેતા હતા. એમના વખતમાં ભાગ્યલક્ષ્મી ફરીથી પ્રસન્ન થવાથી ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લામાં ફરી જમીનદારી શરૂ થઈ અને કોઠાર ગામમાં તેનું મુખ્ય કાર્યાલય સ્થપાયું. બિન્દુમાધવના પુત્ર નિમાઈચરણ અને હરિવલ્લભ ‘રાયબહાદુર’ની ઉપાધિથી વિભૂષિત થયા હતા. સહુથી મોટા નિમાઈચરણ સંપત્તિની રખેવાળી અને દેખભાળ કરતા હતા, વચલા હરિવલ્લભ કટકમાં વકીલ હતા અને નાનાભાઈ અચ્યુતાનંદ કોલકાતામાં રહેતા હતા.

રાધામોહન સાંસારિક કાર્યથી દૂર રહીને સાધન-ભજન કરતા હતા. તેઓ અત્યંત નિષ્ઠાવાન વૈષ્ણવ હતા અને મોટાભાગનો સમય વૃંદાવનમાં ‘કાલાબાબુની કુંજ’માં એકલા રહીને શ્રીશ્રીરાધાશ્યામસુંદરની મૂર્તિની દેખરેખ રાખવામાં હંમેશાં વિતાવતા હતા. ફુરસદના સમયે તેઓ ‘શ્રીચૈતન્ય ચરિતામૃત’ વગેરે ભક્તિગ્રંથ વાંચતા કે એવા જ અન્ય કોઈ ગ્રંથની નકલ લખતા. ક્યારેક તેઓ વૈષ્ણવોને નિમંત્રણ આપીને ભોજન કરાવતા (શ્રીરામકૃષ્ણ કથામૃત). કોઠારમાં રહેતા ત્યારે પણ એમનું જીવન આ જ ભાવમાં પસાર થતું હતું. કુલપ્રથા પ્રમાણે તેઓ મંદિરના આંગણામાં ઊભા રહીને જપ કરતા અને જપના અંતે એ જ આંગણામાં બેસીને ધ્યાન કરતા. રાધામોહનને ત્રણ પુત્રો હતા - જગન્નાથ, બલરામ અને સાધુપ્રસાદ તથા બે પુત્રીઓ હતી - વિષ્ણુપ્રિયા અને હેમલતા.

બલરામનો જન્મ ઈ.સ. ૧૮૪૨ના ડિસેમ્બર મહિનામાં થયો હતો. વૈષ્ણવ વંશમાં જન્મેલા બલરામ સ્વયં પરમ વૈષ્ણવ હતા. ઠાકુરના પરિચયમાં આવ્યા તે પહેલાં તેઓ ચાર-પાંચ કલાક સવારે પૂજાપાઠમાં ગાળતા. અહિંસાધર્મના પાલન માટે તેઓ એટલે સુધી પ્રયત્ન કરતા કે નાનાં નાનાં જીવડાં કે પતંગિયાને પણ મારતા નહીં. જમીનદારી સંચાલન માટે ઘણીવાર નિર્દય વ્યવહાર અને મારપીટ કર્યા વગર કામ ચાલતું નથી. એ જોઈને તેમણે દુન્યવી સંપત્તિનો ભાર નિમાઈબાબુને સોંપી દીધો અને તેમની પાસેથી પ્રત્યેક મહિને જે કંઈ મળતું તે ઘણીવાર તો ઘર વ્યવહાર ચલાવવા માટે અપૂરતું હોવા છતાં પણ તેનાથી ગમે તેમ કરીને નભાવતા. એમનું શરીર પણ તેવા કામ કરવામાં ઉપયોગી ન હતું. યુવાનીમાં અજીર્ણ રોગને કારણે તેઓ એટલા બધા બીમાર થઈ ગયા હતા કે બાર વર્ષ સુધી એમને અનાજ છોડીને ફક્ત જવનું પાણી અને દૂધ પર રહેવું પડયું હતું. શરીર સુધારવા માટે તેઓ ઘણા સમય સુધી પુરીધામમાં રહ્યા હતા. શ્રીભગવાનનું નિત્યદર્શન, પૂજા પાઠ, જપ, ભાગવત વગેરે ધર્મગ્રંથોમાંથી કથાશ્રવણ તથા સાધુસંગ વગેરે કાર્યોમાં એમના દિવસો પસાર થતા હતા. એ વખતે વૈષ્ણવ સંપ્રદાયની અંદર સારું-નરસું જે કાંઈ હતું એ સઘળું જાણવાની એમને તક મળી હતી.

પ્રથમ પુત્રીના લગ્ન વખતે બલરામને થોડાં અઠવાડિયાં માટે કોલકાતા આવવું પડયું, નહીં તો તેઓ પુરીધામમાં અગિયાર વર્ષ સુધી રહ્યા, તે સમય દરમિયાન તેમના જીવનમાં ક્યારેય શાંતિભંગ થયો ન હતો. આ પ્રસંગના થોડા દિવસ બાદ એમના ભાઈ હરિવલ્લભ બસુએ કોલકાતાની રમાકાંત બસુ સ્ટ્રીટનું ૫૭ નંબરનું મકાન ખરીદી લીધું. સાધુઓ સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે બલરામ ગૃહસ્થી છોડી ન દે તે ભ્રમથી એમના પિતા અને ભાઈઓએ ખાનગીમાં મંત્રણા કરીને એમને એ મકાનમાં રહેવા માટે આગ્રહ કર્યો. આ રીતે સાધુઓનો પવિત્ર સત્સંગ, તથા શ્રીજગન્નાથ દેવનાં નિત્યદર્શનથી વંચિત રહીને બલરામ દુ:ખી મને કોલકાતા આવીને રહેવા લાગ્યા. થોડા દિવસ અહીં રહીને પછી ગમે તેમ કરીને તેઓ પુરીધામ જતા રહેશે એવો મનોભાવ મોટે ભાગે તે વખતે તેમનામાં હતો. પરંતુ શ્રીઠાકુરના દર્શન લાભ પછી એમણે એ સંકલ્પને છોડી દીધો અને ઠાકુરની પાસે કોલકાતામાં જ સ્થાયી રહેવાનો પ્રબંધ કરી લીધો.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, દિવ્યભાવ)

બસુ મહાશયના દક્ષિણેશ્વરના પ્રથમ આગમનના સંબંધમાં શ્રીગુરુદાસ બર્મને લખેલા ‘શ્રીરામકૃષ્ણ ચરિત’ તથા શ્રી અક્ષયકુમાર સેનના ‘શ્રીરામકૃષ્ણ પુંથિ’માં લખેલા વિવરણ સાથે ઉપર લખેલા વિવરણનો થોડો તફાવત હોવા છતાં પણ અમે અહીં એ લખીએ છીએ. કેશવચંદ્ર સેનના સમાચારપત્રથી જ બલરામ પહેલાં જાણી ગયા હતા કે દક્ષિણેશ્વરમાં એવા એક મહાપુરુષનો આવિર્ભાવ થયો છે જેમને વારંવાર સમાધિ આવે છે અને જેમના શ્રીમુખની વાણીથી કોલકાતાનો શિક્ષિત સમુદાય મુગ્ધ છે. એ વખતે બસુ મહાશયના પુરોહિત - વંશના એક બ્રાહ્મણ કોલકાતામાં રહેતા હતા. એમનું નામ રામદયાળ હતું. શ્રીરામકૃષ્ણનો સાક્ષાત્ પરિચય મેળવીને કૃતાર્થ અને ધન્ય બનેલા એ બ્રાહ્મણે બલરામને એમના વિષે ખાસ વિવરણ લખ્યું. આથી બલરામ એમનાં દર્શન માટે ઓરિસ્સાથી તુરત જ કોલકાતા આવી પહોંચ્યા. બીજા દિવસે તેઓ દક્ષિણેશ્વર ગયા. ત્યાં કેશવચંદ્ર સેન પણ આમંત્રણ મેળવીને પોતાના મંડળ સાથે આવ્યા હતા. એ બધા લોકો જમવા માટે મંદિરના આંગણામાં ચાલ્યા ગયા ત્યારે ઠાકુરે બલરામને એકલા જોઈને પ્રેમભર્યા સ્વરે પૂછ્યું : ‘તમારી શું વાત છે ? જણાવો.’ બલરામે પૂછ્યું : ‘મહાશય, શું ભગવાન છે ?’ ઉત્તરમાં ઠાકુરે કહ્યું : ‘તેઓ ફક્ત છે એટલું જ નહીં પણ પોતાના જાણીને એમને બોલાવવાથી તેઓ દર્શન સુદ્ધાં આપે છે. પોતાનાં પુત્ર-પુત્રીઓ પ્રત્યે જે રીતનો મમત્વભાવ છે, તેમને પણ તેમ જ માનીને પોકારવાના હોય છે.’ બલરામને એકાએક નવો પ્રકાશ મળી ગયો કેમ કે જીવનભર જપ-ધ્યાન વગેરેમાં મગ્ન રહેવા છતાં પણ આજ સુધી તેઓ તેમને આવી રીતે પોકારી શક્યા ન હતા. આ કારણે ઠાકુરના મધુર વાર્તાલાપથી આકર્ષાઈને બસુ મહાશય આ વાતને વિચારતા પોતાના ઘરે પાછા આવી ગયા. તે રાત્રિ ગમે તે રીતે પસાર કરીને બીજા દિવસે સવારે ચાલતા જ દક્ષિણેશ્વર પહોંચી ગયા. એ દિવસે ઠાકુરે એમનો સંપૂર્ણ પરિચય મેળવી લીધો. સંપન્ન કુળમાં જન્મ હોવા છતાં પણ ધર્મલાભ માટે આટલો લાંબો રસ્તો પગે ચાલીને આવેલા જોઈને ઠાકુરે તેમને અત્યંત નિકટના સ્વજન માનીને કહ્યું : ‘અરે, માએ કહ્યું છે, તમે પોતાના માણસ છો. તમે તો માના એક ખજાનચી છો. તમારા ઘરમાં અહીંનું ઘણું બધું જમા છે. થોડું ખરીદીને મોકલતા રહેજો.’ બલરામબાબુને પણ ઠાકુરનો ઘનિષ્ઠ પરિચય મળ્યો. એ કારણે ચરણરજ લઈને પાછા ફરતી વખતે એમણે મનમાં નક્કી કરી લીધું કે તેઓ જે કાંઈ મોકલશે તે જાતે જ જોઈ વિચારીને ખરીદશે. ઉપરાંત પોતાના વિચારક મનમાં એમને સમજાઈ ગયું કે આવો મીઠો વ્યવહાર અને વારંવાર ભાવસમાધિ કોઈ માણસને માટે સંભવ નથી. એવું લાગે છે કે શ્રીમહાપ્રભુ ગૌરાંગદેવ જ પ્રેમવિતરણ માટે અહીં અવતર્યા છે. આ રીતે ચિંતનમાં મગ્ન રહીને બસુ મહાશય ઘરે પાછા આવ્યા અને સ્નાન ભોજન પછી પોતે જાતે જ ઇચ્છા મુજબની વસ્તુઓ ખરીદીને દક્ષિણેશ્વર ગયા. જઈને એમણે જોયું કે જાણે ઠાકુર એમના માટે જ બેઠેલા છે. બલરામને જોતાં જ એમણે હૃદયને બધી વસ્તુઓ સંભાળી લેવા આદેશ આપીને કહ્યું : ‘હૃદય, આજ ગૌરાંગદેવની કીર્તન મંડળીના માણસ છે. આમને જ મેં જોયા હતા. તને યાદ છે ને !’ એ દિવસથી અંતરંગ સંબંધ બંધાતાં બલરામ લગભગ દરરોજ નિયમિત રીતે દક્ષિણેશ્વર જવા લાગ્યા અને દર મહિને જરૂરી ચીજવસ્તુઓ ટોપલીઓમાં સજાવીને શ્રીચરણોમાં મોકલવા લાગ્યા.

‘ઠાકુરના મુખેથી સાંભળવામાં આવ્યું હતું કે એક વખત ઠાકુરના મનમાં શ્રીગૌરાંગદેવ પોતાની મંડળી સાથે કીર્તન કરતા કેવી રીતે નગર પ્રદક્ષિણા કરતા હતા એ જોવાની ઇચ્છા જાગી. પરિણામે તેમને તેવા પ્રકારનું દર્શન થયું હતું. તે એક અદ્‍ભુત અપૂર્વ ઘટના હતી. અસંખ્ય લોકોનું હરિનામ સંકીર્તન સાથેનું અવિરત નૃત્ય અને એવા પ્રકારના ઉન્માદનાં મોજાંઓની વચ્ચે ઉન્મત્ત શ્રીગૌરાંગના અદ્‍ભુત નૃત્યનું આકર્ષણ ! તે વિરાટ જનરાશિ દક્ષિણેશ્વરના બગીચાની પંચવટી બાજુથી ઠાકુરના ઘરની સામે થઈને ધીમે ધીમે આગળ ચાલ્યો ગયો. ઠાકુર કહેતા હતા, એમની અંદરના થોડા ચહેરા ઠાકુરની સ્મૃતિમાં અંકિત હતા. બલરામબાબુનું ભક્તિજ્યોતિપૂર્ણ સ્નિગ્ધોજ્જવલ મુખ એમાંનામાંનું એક હતું. બલરામબાબુ જે દિવસે પહેલ વહેલા ઠાકુરનાં દર્શન કરવા માટે દક્ષિણેશ્વરની કાલીવાડીમાં આવ્યા એ દિવસે એમને જોતાં જ તેઓ ઓળખી ગયા હતા કે આ વ્યક્તિ તે જ મનુષ્ય છે. (વટતલાથી બકુલતલા સુધી ચૈતન્યદેવની સંકીર્તન મંડળીને જોઈ. એમાં મેં બલરામને જોયા - નહીં તો મિસરી (સાકર) વગેરે કોણ દેત ?’ ‘લીલાપ્રસંગ’)

‘કોઠારમાં બસુ મહાશયની જમીનદારી તથા શ્યામચાંદ મૂર્તિની સેવા છે. શ્રીવૃંદાવનમાં કુંજ તથા શ્યામસુંદરની સેવા છે અને કોલકાતાના મકાનમાં પણ જગન્નાથદેવની મૂર્તિ અને સેવા છે.’ (આજકાલ આ મૂર્તિ કોઠારમાં છે.)

ઠાકુર કહેતા હતા : ‘બલરામનું શુદ્ધ અન્ન છે. એમનામાં વંશપરંપરાથી જ ઠાકુર-સેવા અને અતિથિ - સાધુ વગેરેની સેવા છે. એમના પિતા બધું છોડીને શ્રીવૃંદાવનમાં બેસીને હરિનામનું સંકીર્તન કરે છે. એમનું અન્ન ઉત્તમ છે. આપણે ખાઈ શકીએ છીએ. મોઢામાં મૂકતાં જ જાણે તે આપોઆપ ઊતરી જાય છે ! સાચે જ ઠાકુર આટલા ભક્તોમાંથી ફક્ત બલરામબાબુનું અન્ન (ભાત) જ વિશેષ પ્રેમથી ખાતા હતા. ઠાકુર જે દિવસે સવારે કોલકાતા આવતા એ દિવસે બપોરનું ભોજન બલરામબાબુના ઘરમાં જ હતું. બ્રાહ્મણભક્તો સિવાય બીજા કોઈને ત્યાં તેઓ જમતા નહીં. પરંતુ, નારાયણ કે બીજા કોઈ દેવ-દેવીઓનો પ્રસાદ ગમે તે જગ્યાનો હોય તો પણ લઈ લેતા.

સાધનાના સમયે એક વખત ઠાકુરે જગદંબાને પ્રાર્થના કરીને કહ્યું હતું : ‘મા, મને નિરસ સાધુ ન બનાવજે. રસબસમાં રાખજે.’ જગદંબાએ એમને એવા જ બનાવ્યા હતા. એમના ભોજન વગેરેની સામગ્રી પૂરી પાડવા માટે ચાર ખજાનચી મોકલવામાં આવ્યા છે.. બલરામબાબુને ઠાકુરે પોતાના ખજાનચીમાંના એક કહીને નિર્દેશ કર્યો હતો એવી વાત અમને યાદ આવતી નથી. પરંતુ એમનો જે રીતનો સેવાધિકાર અમે જોયો છે, તે અમારી સમક્ષ અપૂર્વ હતો અને તે મથુરબાબુ સિવાય બીજા ખજાનચીઓના સેવાધિકારની અપેક્ષા કોઈપણ અંશે ઓછો ન હતો. બલરામબાબુ જે દિવસથી દક્ષિણેશ્વર ગયા હતા એ દિવસથી ઠાકુરના તિરોધાન સુધી એમના ભોજન વગેરે માટે જે કંઈ વસ્તુની જરૂર જણાય તે સઘળી મોટેભાગે તેઓ જ મોકલતા. ચોખા, રવો, સાબુદાણા, જવ, સાકર, ટૈપિયોકા (એક પ્રકારનું કંદમૂલ) વગેરે.

‘પ્રથમ ખજાનચી મથુરાનાથ કોલકાતામાં ઠાકુરના શુભાગમનથી માંડીને તેમની સાધનાવસ્થા પૂરી થવાના થોડા સમય સુધી ચૌદ વર્ષ સુધી એમની સેવામાં નિયુક્ત હતા. બીજી દોઢ વ્યક્તિઓમાં શંભુબાબુ મથુરબાબુના દેહત્યાગના થોડા દિવસો પછીથી તે કેશવચંદ્ર સેન વગેરે કોલકાતાના ભક્તોના ઠાકુર પાસેના આગમનના થોડા દિવસ અગાઉ જીવિત રહીને ઠાકુરની સેવામાં ઉપસ્થિત રહ્યા અને અરધા ખજાનચી સુરેશબાબુ (આ જ ગ્રંથમાં સુરેન્દ્રનાથ મિત્રની જીવનકથા આપેલી છે.) શ્રીરામકૃષ્ણના લીલાસંવરણના છ-સાત વર્ષ પહેલાંથી તે પછીનાં ચાર-પાંચ વર્ષ જીવતા હતા ત્યાં સુધી એમની અને એમના સંન્યાસી ભક્તોની સેવા અને દેખભાળ કરવામાં નિયુક્ત હતા. આપણા પ્રસંગમાં ઉક્ત બલરામબાબુ તથા અમેરિકન મહિલાએ (મિસિસ સારા સી. બુલે) શ્રી વિવેકાનંદ સ્વામીજીને બેલુર મઠની સ્થાપનામાં ખાસ મદદ કરી હતી. શું તેઓ જ આ દોઢ વ્યક્તિ હતા ? શ્રીરામકૃષ્ણદેવ અને વિવેકાનંદ સ્વામીજીના લીલાસંવરણ થઈ જવાથી આ વાતની છણાવટ કોણ કરશે ? (શ્રીરામકૃષ્ણ કથામૃતમાં પાંચ ખજાનચીઓનો ઉલ્લેખ છે. એ બધા ગૌરવર્ણના હતા. પ્રથમ સેજોબાબુ (મથુરબાબુ), એ પછી શંભુ મલ્લિક. બીજા ૩ સેવક હજુ નક્કી થતા નથી. સુરેન્દ્ર પણ થોડા ખજાનચી પ્રતીત થાય છે. ઈ.સ. ૧૯૦૯માં રચાયેલા ‘શ્રીરામકૃષ્ણ ચરિત્ર’માં બલરામને ખજાનચી કહેવામાં આવ્યા છે.)

‘બલરામબાબુએ દક્ષિણેશ્વર જવાનું શરૂ કર્યા પછીથી દરેક વર્ષે રથયાત્રાના સમયે તેઓ ઠાકુરને પોતાને ત્યાં લઈ આવતા. બાગબજારની રમાકાંત બસુ સ્ટ્રીટમાં એમનું મકાન અથવા એમના ભાઈ કટકના પ્રસિદ્ધ વકીલ રાય હરિવલ્લભ બસુ બહાદુરનું મકાન આવેલું છે. બલરામબાબુ પોતાના ભાઈના મકાનમાં જ રહેતા હતા. એ મકાનનો નંબર હતો ૫૭. આ મકાનમાં ઠાકુરનું શુભાગમન કેટલી વાર થયું હતું એ કહી શકાતું નથી. અહીં ઠાકુરનાં દર્શન કરીને કેટલાક માણસો ધન્ય બની ગયા છે એની ગણતરી કરવી મુશ્કેલ છે. ઠાકુર દક્ષિણેશ્વરના કાલીમંદિરને ક્યારેક ક્યારેક ‘મા કાલીનો કિલ્લો’ કહેતા હતા. કોલકાતાના બસુઓના આ મકાનને એમનો ‘બીજો કિલ્લો’ કહેવામાં અતિશયોક્તિ નહીં થાય. ઠાકુર કહેતા હતા : ‘બલરામના કુટુંબના બધા લોકો એક સૂરમાં બંધાયેલા છે. મકાનમાલિક અને તેમનાં પત્નીથી માંડીને નાનાં નાનાં છોકરા-છોકરીઓ સુધી બધાંય ઠાકુરનાં ભક્ત હતાં. એમાંનું કોઈ પણ ભગવાનનું નામ લીધા વગર પાણી પણ પીતું નહીં. પૂજા પાઠ, સાધુ-સેવા વગેરે ઉત્તમ કાર્યો માટે દાન સહાય વગેરેમાં સહુને સરખી પ્રીતિ.’

‘પહેલાં જ કહેવાયું છે કે આ ઘરમાં શ્રીજગન્નાથદેવની સેવા હતી. એ કારણે રથયાત્રાના સમયે એમાં રથ પણ ખેંચવામાં આવતો હતો. પરંતુ આ સઘળું ભક્તિપૂર્ણ હતું, એમાં બાહ્ય આડંબર જરા પણ ન હતો. ઘરની સાજ-સજાવટ, વાજાંનો ઘોંઘાટ, ફાલતુ લોકોની ભીડાભીડ, શોરબકોર, દોડધામ વગેરે કંઈ પણ ન હતું. એક નાનો શો રથ મકાનની બીજા માળની ઓસરીમાં ચારે બાજુ ફરી ફરીને ખેંચવામાં આવતો હતો. કીર્તનકારોની એક મંડળી આવતી. તે સાથે સાથે કીર્તન કરતી અને ઠાકુર અને એમના ભક્તો એમાં સાથ આપતા... કેટલાક કલાકો સુધી આવાં કીર્તન થયા બાદ શ્રીજગન્નાથ દેવને ભોગ ધરાવવામાં આવતો અને ઠાકુરનું પ્રસાદ-ભોજન થઈ ગયા બાદ, બીજા લોકોને પ્રસાદ મળતો હતો. એ પછી મોડી રાતે એ આનંદમેળો વિખેરાતો અને બેચાર ભક્તો સિવાયના બાકીના પોતપોતાને ઘરે ચાલ્યા જતા.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ; ગુરુભાવ, ઉત્તરાર્ધ)

પરિચયની પ્રથમ અવસ્થામાં શ્રીરામકૃષ્ણ અને બલરામના, એક દિવસના મિલનનું જે ચિત્ર ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકે અંક્તિ કર્યું છે, તે જેવું ચિત્તાકર્ષક છે, તેવું જ બલરામનું આચરણ પણ મનમોહક છે. આ એક જ પ્રસંગ પરથી આપણને બલરામના ચરિત્રની અનુપમ ઝલક જોવા મળે છે. ઈ.સ. ૧૮૮૨નો ઓગસ્ટ મહિનો. શ્રીરામકૃષ્ણે વિદ્યાસાગરના ઘરે લાંબો સમય ભગવત્ પ્રસંગમાં ગાળ્યો હતો. ત્યાર બાદ તેઓ દક્ષિણેશ્વર જવા માટે ભક્તો સાથે સીડી પરથી ઊતરી રહ્યા હતા. એક ભક્તે એમનો હાથ પકડયો હતો. વિદ્યાસાગર પોતાના ઘરના લોકોની સાથે આગળ આગળ જઈ રહ્યા હતા. એમના હાથમાં દીવો હતો. શ્રાવણ વદ છઠની તિથિ હતી. ત્યારે હજુ ચંદ્રમા ઊગ્યો ન હતો. અંધકારથી છવાયેલી ઉદ્યાનભૂમિમાં બધા લોકો દીવાના ઝાંખા પ્રકાશના અજવાળે ફાટક તરફ આવી રહ્યા હતા. ફાટકની પાસે પહોંચતાં જ બધા લોકો એક સુંદર દૃશ્ય જોઈને ઊભા રહી ગયા. સામે બંગાળીઓ જેવો પોશાક પહેરીને એક ગૌરવર્ણનો, દાઢીવાળો માણસ ઊભો હતો. ઉંમર આશરે ૩૬-૩૭ વર્ષની હશે. માથા પર શીખના જેવી સફેદ પાઘડી. અંગ પર ધોતી, મોજાં, ઝભ્ભો કે ચાદર ન હતાં. એ પુરુષે શ્રીરામકૃષ્ણને જોતાં જ જમીન પર પાઘડી સહિત મસ્તક રાખીને પ્રણામ કર્યા. પછી એ ઊભા થયા ત્યારે ઠાકુરે કહ્યું : ‘બલરામ, તમે ? આટલી રાતે ?’ બલરામે હસતાં હસતાં કહ્યું : ‘હું આવ્યો છું એને ઘણીવાર થઈ; અહીં ઊભો હતો.’ શ્રીરામકૃષ્ણે પૂછ્યું : ‘અંદર કેમ ન આવ્યા ?’ બલરામે કહ્યું : ‘આપ લોકો વાતચીત કરી રહ્યા હતા. વચમાં આવીને શા માટે વિઘ્ન નાખવું ?’ કહીને બલરામ હસવા લાગ્યા. એ પછી ઠાકુરે મધુર ભાષણથી નિરભિમાની અનુગત ભક્તને વિદાય આપી અને પછી તેઓ ગાડીમાં બેસીને દક્ષિણેશ્વર ચાલ્યા ગયા.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત : ભાગ-૧)

એ પછી આપણે બલરામનો એક બીજો પરિચય મેળવીએ છીએ. ઈ.સ. ૧૮૮૨ની ૨૪મી ઓકટોબરે. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ઓરડાની અંદર એ દિવસના પ્રસંગ વિશે ‘કથામૃત’ ગ્રંથના લેખકે લખ્યું છે ‘બલરામ નવા આવ્યા છે.’ તો પણ એ યાદ રાખવું પડશે કે ખરેખર એમનું આવવાનું શરૂ થયું એ વર્ષની શરૂઆતમાં કે આગલા વર્ષના અંતમાં. એ પણ ‘કથામૃત’ના લેખકે લખ્યું છે. પોતાના વિનયનમ્ર સ્વભાવને કારણે બલરામબાબુ લાંબા સમય સુધી જતા આવતા હતા, તો પણ સાધારણ વ્યક્તિઓની નજર બહાર જ રહેતા હતા. વાસ્તવમાં ઈ.સ. ૧૮૮૨ની ૧૧મી માર્ચના રોજ ઠાકુરને બલરામ ભવનમાં આનંદોત્સવ કરતા જોઈને એ વાતનું સમર્થન મળે છે અને એ દિવસે પોતાની જાતને છુપાવી રાખવાના બલરામના સ્વભાવનો પરિચય પણ મળે છે. ‘કથામૃત’ના લેખકે લખ્યું છે : ‘હવે ભક્તો વરંડામાં બેસીને પ્રસાદ ખાવા લાગ્યા. નોકરની જેમ બલરામ ઊભા હતા. જોવાથી ખ્યાલ નથી આવતો કે તેઓ આ મકાનના માલિક છે.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત : ભાગ-૧)

‘ઠાકુરનાં પુણ્યદર્શન મેળવીને બલરામનું મન અનેક રીતે બદલાઈ ગયું અને આધ્યાત્મિક રાજ્યમાં ઝડપથી આગળ વધવા લાગ્યું. બાહ્યપૂજા વગેરે વૈધીભક્તિની સીમા ઓળંગીને તેઓ થોડા જ દિવસોમાં ઈશ્વર પર સંપૂર્ણ નિર્ભર બની ગયા અને સત્-અસતનો વિવેક દાખવીને સંસારમાં અનાસક્ત રહેવામાં સમર્થ બન્યા હતા. પત્ની, પુત્ર, ધન-જન વગેરેને પ્રભુનાં શ્રીચરણકમળોમાં સમર્પિત કરીને, સેવકની જેમ એમની ગૃહસ્થીમાં રહીને, એમની આજ્ઞાનું પાલન કરવાનો તેમજ ઠાકુરના પવિત્ર સત્સંગમાં શક્ય તેટલો વધુ સમય પસાર કરવાનો બલરામના જીવનનો ઉદ્દેશ્ય નિશ્ચિત થઈ ગયો. ઠાકુરની કૃપાથી પોતે શાંતિના અધિકારી બન્યા હતા. પણ છતાં તેઓ નિશ્ચિંત રહી શક્યા નહીં. પોતાના સ્વજનો-બંધુ-બાંધવો, ઈષ્ટમિત્રો વગેરે બધા લોકો ઠાકુરના સંસર્ગમાં આવીને સાચો આનંદ મેળવીને પરિતૃપ્તિ મેળવી શકે એ માટેની તક શોધીને તેઓ સુયોગ ઊભો કરી દેતા હતા. આ રીતે બલરામના પ્રયત્નથી અનેક વ્યક્તિઓ ઠાકુરનાં શ્રીચરણોનો આશ્રય મેળવીને ધન્ય બની હતી.

‘બલરામના અહિંસાધર્મ પાલન સંબંધી વિચારો બાહ્યપૂજાની જેમ થોડા સમય પછી બદલાઈ ગયા હતા. એ પહેલાં તો અન્ય સમયની વાત તો દૂર રહી પણ ઉપાસનાના સમયે પણ મચ્છરો વગેરેથી ચિત્તમાં વિક્ષેપ પડવા છતાંય તેઓ તેમને મારતા નહીં. તેઓ માનતા કે એથી ધર્મ ભ્રષ્ટ થશે. આવા જ એક સમયે એમના મનમાં એકાએક એવો ભાવ જાગ્યો કે હજારો વિષયોમાં વિક્ષિપ્ત ચિત્તને ભગવાનમાં પરોવવું એ જ ધર્મ છે : મચ્છર વગેરે કીડા-પતંગિયાની જીવનરક્ષા માટે મનને હંમેશાં રોકાયેલું રાખવું એ ધર્મ નથી. આથી બે-ચાર મચ્છરોનો નાશ કરીને પણ જો થોડા સમય માટે ચિત્તને સ્થિર રાખી શકાય તો એથી અધર્મ ન થતાં લાભ જ વધુ થશે. એમણે એક વખત કહ્યું હતું : ‘અહિંસા-ધર્મના પાલન માટે આટલા દિવસોનો મનનો આગ્રહ આ પ્રકારની ભાવનાથી અટકી ગયો છતાં પણ મન એ બાબતમાં સંપૂર્ણ નિ:સંદેહ થયું નહીં. આથી આ બાબતમાં ઠાકુરને પૂછવા માટે હું દક્ષિણેશ્વર ગયો. ત્યાં હું ઠાકુરના ઓરડાના દરવાજે પહોંચ્યો અને અંદર જતા પહેલાં જ દૂરથી મેં તેમને જે કામ કરતા જોયા એથી હું એકદમ સ્તબ્ધ બની ગયો. તેઓ પોતાના તકિયામાંથી માંકડ વીણી વીણીને તેનો નાશ કરી રહ્યા હતા. હું એમની સામે ગયો ને મેં પ્રણામ કર્યા. તેમણે કહ્યું : ‘તકિયામાં ઘણા માંકડ થયા છે. દિવસ-રાત કરડીને ચિત્તમાં વિક્ષેપ અને નિદ્રામાં ખલેલ પહોંચાડે છે આથી એમને મારી રહ્યો છું.’ પૂછવાની કોઈ જરૂર જ ન રહી. ઠાકુરની વાત અને કાર્યથી મન શંકાહીન થઈ ગયું. પરંતુ સ્તબ્ધ થઈને હું વિચારવા લાગ્યો, છેલ્લાં બે-ત્રણ વર્ષથી હું એમની પાસે આવું છું : દિવસે આવ્યો-રાતે પાછો ગયો, સાંજે આવીને રાતના બાર વાગ્યા સુધી રહ્યો, દરેક અઠવાડિયે ત્રણ-ચાર દિવસ આ રીતે આવ્યો અને રહ્યો, પરંતુ ક્યારેક ક્ષણવાર માટે પણ એમને આવું કામ કરતા જોયા નથી. આજ આમ કેમ થયું ? ત્યારે મારા અંતરમાં જ એ વિષયનું રહસ્ય સમજાયું કે આ પહેલાં જો એમને આવું કામ કરતા જોયા હોત તો મારો ભાવ નષ્ટ થઈ જાત અને એમના પ્રત્યે અશ્રદ્ધા જાગત. પરમ કરુણામય ઠાકુરે આ કારણે આ રીતનું આચરણ મારી પાસે પહેલાં ક્યારેય નહોતું કર્યું.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, દિવ્યભાવ).

‘બલરામ તથા તેમના કુટુંબીજનો ઠાકુર પ્રત્યે શ્રદ્ધાભક્તિ રાખતા હતા. એ કારણે એમના સંબંધીઓમાં અનેક લોકો એમનાથી અસંતુષ્ટ હતા. તેવો ભાવ થવાનું કારણ પણ ઉચિત હતું. પહેલું, વૈષ્ણવકુળમાં જન્મ લઈને પ્રચલિત શિક્ષાદીક્ષા મુજબ એમના ધર્મપંથમાં બાહ્યઆચાર નિષ્ઠા અને એકમુખી પ્રવૃત્તિનું હોવું કંઈ આશ્ચર્યકારક ન કહેવાય. આથી બધા જ પ્રકારના ધર્મમતોના સત્યમાં સ્થિર, વિશ્વાસ સંપન્ન, બાહ્યચિહ્ન માત્ર ધારણ કરવામાં અનિચ્છુક ઠાકુરનો ભાવ તેઓ સમજી ન શકે અને એવું સમજવાની જરૂર પણ તેમને જણાતી ન હતી. આથી ઠાકુરના સત્સંગ પ્રભાવથી તથા એમની કૃપા પ્રાપ્ત કરીને બલરામનો સ્વભાવ દિન-પ્રતિદિન ઉદારભાવસંપન્ન થતો જતો હતો તેને તે લોકોએ એમની ધર્મ ભ્રષ્ટતાની નિશાની માની લીધો. બીજું, ધન, માન, જાતિનું અભિમાન વગેરે પાર્થિવ પ્રાધાન્ય લાભની આકાંક્ષા મોટેભાગે મનુષ્યના મનમાં અહંકારને જ પુષ્ટ કરે છે... પોતાના કુળગૌરવને ભૂલીને બલરામ સાધારણ મનુષ્યની જેમ દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં શ્રીચરણો પાસે ધર્મલાભ માટે જ્યારે બેસે છે અને જ્યારે પોતાનાં પત્ની, પુત્રીઓ વગેરેને પણ ધર્મશિક્ષા માટે ત્યાં લઈ જાય છે, ત્યારે તેઓ નાનપ અનુભવતા નથી. આ જાણીને એમના અહંકારને ધક્કો લાગે એ સ્વાભાવિક છે, આથી આ બાબતમાં એમને રોકવા માટે એ લોકોએ ઘણો વિરોધ કર્યો હતો.. કાલનાના ભગવાનદાસ વગેરે વૈષ્ણવોની નિષ્ઠા તથા ભક્તિપ્રેમ વગેરેની મહાનતા બતાવીને તથા પોતાના કુળગૌરવનું વારંવાર સ્મરણ કરાવીને પણ તેઓ જ્યારે બલરામનું ઠાકુર પાસે જવાનું અટકાવી ન શક્યા ત્યારે ઠાકુર પ્રત્યે દ્વેષભાવ તેમને જાગ્યો અને તેઓ તેમની નિંદા કરવામાં પણ પાછા ન પડ્યા... પરંતુ એથી પણ કોઈ પરિણામ ન આવ્યું. અંતે તેઓ ઠાકુર અને બલરામના સંબંધમાં અનેક બાબતોની વિકૃત ટીકાથી એમના બંને પિતરાઈ ભાઈ નિમાઈચરણ અને હરિવલ્લભ બસુની કાન ભંભેરણી કરવા માંડ્યા. આના પરિણામે હરિવલ્લભ બસુ કદાચ બલરામને પોતાનું મકાન ખાલી કરવાનું કહે અને નિમાઈ બાબુ પોતાની જમીન જાગીરની દેખરેખ રાખવા માટે તેમને કોઠારમાં બોલાવીને ઠાકુરના પવિત્ર સંગથી વંચિત કરી દે એ ભયથી બલરામનું હૃદય વારંવાર ખૂબ જ વ્યાકુળ થવા લાગ્યું.’

‘સગાંઓની ગુપ્ત પ્રેરણાથી બંને ભાઈઓ એમના ઉપર અસંતુષ્ટ થયા છે એવો ઈશારો કરીને એ લોકોએ પત્રો મોકલ્યા. વળી હરિવલ્લભબાબુ એમની સાથે ચર્ચા કરવા જલદી કોલકાતા આવવાના છે અને થોડા દિવસ તેમની સાથે રહેશે એ સમાચાર પણ બલરામને તુરત જ મળી ગયા. અનેક ચિંતા અને વિચારો પછી એમણે નિશ્ચય કરી લીધો કે જ્યારે એમણે કંઈ જ ખોટું કામ કર્યું નથી, તો પણ જો તેઓ બીજાઓની વાત સાંભળીને એમને દોષિત માને તો પણ અસ્વસ્થ સ્થિતિમાં ઠાકુરની બીમારીના સમયે તેમને છોડીને પોતે બીજે ક્યાંય નહીં જાય. એ દરમિયાન હરિવલ્લભબાબુ પણ કોલકાતા આવી પહોંચ્યા (ઈ.સ. ૧૮૮૫ના અંતમાં). એમની સાથે રહેવાથી ભાઈને કોઈ પણ જાતની અગવડ ન પડે એ રીતે દરેક બાબતમાં બલરામબાબુએ ઉત્તમ વ્યવસ્થા કરી. પરંતુ પોતાનો સંકલ્પ દૃઢ રાખ્યો અને પોતે નિશ્ચિંત મને સ્થિર રહીને ઠાકુર પાસે જે ભાવથી જતા હતા એ જ ભાવથી એ જ રીતે જવા લાગ્યા.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ. દિવ્યભાવ)

હરિવલ્લભબાબુ જે દિવસે કોલકાતા આવ્યા એ દિવસે બલરામ જ્યારે ઠાકુર પાસે ગયા ત્યારે એમનો ચહેરો જોઈને ઠાકુર જાણી ગયા કે એમના અંતરમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો છે. પછી હરિવલ્લભના આગમનના સમાચાર સાંભળીને એમણે કહ્યું : ‘તે કેવા માણસ છે ? તેને એક દિવસ અહીં લાવી શકશો ?’ બલરામબાબુએ જણાવ્યું કે હરિવલ્લભ બહુ જ સારા માણસ હોવા છતાં પણ બીજાની વાતમાં તુરત જ વિશ્વાસ મૂકી દે છે. બીજાના કહેવાથી બલરામ વિશે એમણે થોડો વિરોધીભાવ દર્શાવ્યો છે. આથી એમના કહેવાથી તેઓ કદાચ અહીં ન પણ આવે. આખરે લાચાર થઈને ઠાકુરે ગિરીશચંદ્રની મદદ લીધી. હરિવલ્લભબાબુ ગિરીશના બાળપણના મિત્ર હતા. બીજા દિવસે ત્રીજા પહોરે શ્રીયુત ગિરીશની સાથે હરિવલ્લભ પણ શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. ઠાકુરે એમને અત્યંત નિકટના સગાની જેમ આવકાર્યા અને મધુર વાતોથી એમને પ્રસન્ન કરી દીધા. એ દિવસે ભગવદીય વાર્તાલાપ પછી મધુર ભજન સંગીત થયું. એના શ્રવણથી ઠાકુરને સમાધિ થઈ ગઈ. ત્યાં હાજર રહેલા બે-ત્રણ યુવાનોમાં પણ ભાવાંતર જોવામાં આવ્યું. એટલે સુધી કે વિરુદ્ધ ધારણાને લઈને આવવા છતાં પણ ઠાકુરની હૃદયસ્પર્શી વાણી સાંભળીને તથા તેમની દિવ્યભાવોજ્જવલ મૂર્તિ જોઈને વ્યાકુળ થવાથી હરિવલ્લભનાં નેત્રોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. વિદાયનો સમય પણ વીતી ગયો. સઘળા સંદેહથી મુક્ત થઈને હરિવલ્લભ સંધ્યા પછી પણ થોડો સમય ઠાકુર પાસે રહ્યા અને અંતે જવાની ઇચ્છા ન હોવા છતાં પણ ઠાકુરની વિદાય લઈને પછી ગયા. ગુણગ્રાહી હરિવલ્લભબાબુ એ દિવસથી ઠાકુરના અનુરાગી ભક્ત બની ગયા. તે એટલે સુધી કે ઠાકુરે મનાઈ કરવા છતાં પણ પોતાની કુળ-મર્યાદા અને પદગૌરવને ભૂલીને પણ એમણે સ્વેચ્છાએ ઠાકુરની ચરણરજ ધારણ કરી. આમ બલરામના જીવનની એક મહાન મુશ્કેલી અનાયાસ ટળી ગઈ.

ઈ.સ. ૧૮૮૨ના પ્રારંભથી ઠાકુરના દેહત્યાગ સુધી બલરામના ઘરના દરવાજા શ્રીરામકૃષ્ણ અને એમના ભક્તો માટે હંમેશાં ખુલ્લા જ રહેતા. ઠાકુર એમના ‘કિલ્લા’માં આનંદથી જતા. એમના શુભાગમનના સમાચાર મળતાં ભક્તોના એકત્ર થવાથી એમનું ભવન આનંદથી ભરાઈ જતું. ઈ.સ. ૧૮૮૫ના રથયાત્રાના દિવસે ઠાકુર ત્યાં એક દિવસ રહી ગયા હતા (કથામૃત). આ બલરામ પ્રત્યેની એમની કૃપાનું જ નિદર્શન હતું કેમ કે સાજા હતા ત્યારે તેઓ ક્યારેય કોલકાતામાં રાત રોકાતા નહીં. પરંતુ પછી ગળામાં દર્દ થયું ત્યારે આ નિયમનું ઉલ્લંઘન થયું હતું. એ સમયે ભક્તોએ ડોકટરોની સલાહથી ઠાકુરને સારવાર માટે કોલકાતા લાવવાનું વિચાર્યું. એ માટે બાગબજારમાં દુર્ગાચરણ મુખરજી સ્ટ્રીટના ઓછા ભાડાના ઘરમાં તેમને લઈ આવ્યા. ઠાકુર તો ગંગાકિનારે કાલીમંદિરના ખુલ્લા બગીચાની મુક્ત હવામાં રહેવાને ટેવાયેલા. એ નાના મકાનમાં પ્રવેશતાં જ તેમને થયું કે તેઓ ત્યાં નહીં રહી શકે. તેઓ તુરત જ ભક્તપ્રવર બલરામના મકાનમાં પગે ચાલીને જતા રહ્યા. બસુ મહાશયે પણ એમને સન્માનપૂર્વક આવકાર્યા અને જ્યાં સુધી ઉત્તમ નિવાસસ્થાન ન મળે ત્યાં સુધી પોતાના ઘરમાં જ રહેવા માટે આગ્રહ કર્યો. એ સમયે ઠાકુર એક અઠવાડિયા સુધી ત્યાં આનંદપૂર્વક રહ્યા. આ દિવસોમાં ભક્તોના અવિરત આવાગમનથી બલરામભવન આનંદધામમાં પલટાઈ ગયું અને એ આનંદની વૃદ્ધિમાં મગ્ન ઠાકુરને ક્ષણવાર માટે પણ આરામ મળતો ન હતો.

શ્રીરામકૃષ્ણની અનેક પ્રકારની લીલાઓની સ્મૃતિથી સભર આ ઘરની પવિત્રતાનું સ્મરણ કરી ‘કથામૃત’ના લેખકે લખ્યું છે : ‘ધન્ય બલરામ ! તમારું જ ઘર આજે ઠાકુરનું મુખ્ય કાર્યક્ષેત્ર બની ગયું છે. તેઓ અનેક નવા નવા ભક્તોને આકર્ષીને, પ્રેમની દોરીથી તેમને બાંધીને, એમની સાથે નાચ્યા, ગાયું અને શ્રીગૌરાંગની જેમ શ્રીવાસના મંદિરમાં પ્રેમનું બજાર ઊભું કરી દીધું. દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં રહીને ઠાકુર રડતા હતા, પોતાના અંતરંગ સાથીઓને જોવા માટે વ્યાકુળ થતા હતા અને માને કહેતા હતા : ‘જો તેઓ ન આવી શકે તો મા મને ત્યાં લઈ જાઓ.’ આથી તેઓ બલરામના ઘરે ચાલ્યા આવતા. જ્યારે તેઓ આવતા ત્યારે બલરામને નિમંત્રણ આપવા માટે મોકલતા અને કહેતા : ‘જાઓ, નરેન્દ્રને, ભવનાથને, રાખાલને નિમંત્રણ આપી આવો.’ આ જગ્યાએ કોણ જાણે કેટલીયે વાર પ્રેમના દરબારમાં આનંદના ખેલ થયા છે.’ સ્વામી અદ્‍ભુતાનંદના મતાનુસાર ઠાકુર આ ઘરમાં સૌથી વધુ વખત આવ્યા હતા. આ રીતે પવિત્ર થયેલું આ ભવન પછીથી શ્રીરામકૃષ્ણ સંઘમાં ‘બલરામ મંદિર’ નામે ઓળખાયું અને મહાપુણ્યતીર્થ રૂપ બન્યું.

બલરામ ઉપર ઠાકુરનો અપૂર્વ સ્નેહ અને વિશ્વાસપૂર્ણ નિર્ભરતા હતાં. એ કારણે એમણે પોતાના માનસપુત્ર રાખાલને એક વખત સ્વાસ્થ્ય લાભ માટે એમની સાથે વૃંદાવન મોકલ્યા હતા (સપ્ટે. ૧૮૮૪). એ સિવાય અન્ય સમયે પણ ઠાકુરના ભક્તો બસુ મહાશયના કોલકાતા ભવનમાં, વૃંદાવનની કુંજમાં કે પુરીના ઘરમાં નિ:સંકોચ નિવાસ કરતા હતા. શ્રીમાતાજીએ પણ ઠાકુરના શરીર છોડ્યા બાદ જુદા જુદા સમયમાં એ ત્રણેય સ્થળે નિવાસ કર્યો. સાચે જ ઠાકુર અને ઠાકુરના ભક્તોની વિવિધ પ્રકારે સેવા કરવામાં પણ બલરામને જાણે પૂર્ણ તૃપ્તિ મળતી ન હતી. મર્યાદિત માસિક આવક પર તેમને નિર્ભર રહેવું પડતું હતું. એ કારણે બહુ જ કરકસરથી તેઓ ખર્ચ કરતા. આથી કેટલાક લોકો તેમને કંજૂસ કહેતા. શ્રીરામકૃષ્ણ તે જાણતા હતા. પણ એથીય અધિક ભક્તના પ્રેમભર્યા હૃદયને પણ તેઓ જાણતા હતા. આથી બલરામની કંજૂસાઈની વાત સાંભળીને તેઓ વિનોદ જ કરતા અને બલરામ પ્રત્યે હસી-મજાક કરતા રહેવાથી એમના પ્રત્યે ઠાકુરનો અધિકાધિક સ્નેહ જ પ્રગટ થતો હતો. જાણે આ સ્નેહપાત્રના ગુણદોષોને લઈને આનંદનો પ્રકાશ રેલાવવો છે ! ઉદાહરણરૂપે કહી શકાય છે કે એક દિવસ નરેન્દ્રને (ઈ.સ. ૧૮૮૫, ૧૪ જુલાઈ) જ્યારે બલરામ મંદિરમાં શ્રીરામકૃષ્ણે ગાવાનો આદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : ‘વાજિંત્ર નથી. ફક્ત ગીત ?’ ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘અમારા લોકોની આવી જ અવસ્થા છે ! બની શકે તો આમ જ ગાઓ ! તેમાંય વળી બલરામની વ્યવસ્થા ! પછી કહેશે : ‘આપે હોડીમાં આવવું, એ જો ન બને તો ગાડી ભાડે કરીને આવવું.’ આજે ખાવા દીધું છે, એટલે આજે નચાવી લેશે.’ આવી વાત સાંભળીને ભક્તો હસવા લાગ્યા. ઠાકુર કહેતા રહ્યા : ‘એ પછી રામ ખોલ બજાવશે અને આપણે નાચવાનું. પણ રામને તાલનું ભાન નહીં (સહુનું હાસ્ય) બલરામનો અંતરનો ભાવ એવો કે તમે જ ગાઓ, તમે જ નાચો ને આનંદ કરો !’ (કથામૃત). બલરામની આ કંજૂસાઈની એક બીજી બાજુ પણ હતી. તેઓ પોતે કરકસરથી રહેવા છતાં પણ સાધુસેવા માટે પૈસા ભેગા કરતા. આથી લાટુએ જ્યારે એમને એક નાની પથારી ઉપર સૂતેલા જોઈને તેમને મોટા બિછાનાનો ઉપયોગ કરવા કહ્યું ત્યારે બલરામે કહ્યું : ‘માટીનું શરીર માટીમાં મળી જશે, પરંતુ પથારીના પૈસા સાધુ-સેવામાં કામ લાગશે.’

બલરામના સ્વજનોમાંથી અનેક લોકો ધીરે ધીરે ઠાકુર પાસે આવી ગયા હતા. આ વાત પહેલાં જણાવવામાં આવી છે. પણ ફક્ત એટલું જ કહેવાથી બલરામના પરિવારનો સાચો પરિચય મળતો નથી. બલરામના અનેક સ્વજન ઠાકુરના ફક્ત ભક્તો જ ન હતા, પરંતુ એમનામાંથી ઘણાની તો ઠાકુરના અંતરંગ ઘનિષ્ઠ પાર્ષદોમાં ગણના થતી હતી. બલરામના સાળા શ્રીયુત બાબુરામ જ આપણા સુપરિચિત સ્વામી પ્રેમાનંદ હતા. ઠાકુર તેમને ઈશ્વર કોટિના અંતર્ભુક્ત કહેતા. બલરામનાં પત્ની શ્રીમતી કૃષ્ણભાવિનીના વિશે ઠાકુરે એકવાર કહ્યું હતું : ‘તે શ્રીમતી (રાધારાણી)ની આઠ સખીઓમાં મુખ્ય છે.’ આ ભાવિનીદેવીના પ્રયત્નથી જ બલરામભવનમાં શ્રીરામકૃષ્ણની પાર્ષદો સાથે સેવા અંગેની વ્યવસ્થા થઈ શકી હતી. બલરામના ભાઈ હરિવલ્લભબાબુની સાથે વાચક પહેલેથી જ પરિચિત છે. પિતા રાધામોહન બસુ મહાશયે અનેક વખત શ્રીરામકૃષ્ણનો દર્શનલાભ કરીને પોતાના જીવનને ધન્ય કર્યું હતું. શ્રીરામકૃષ્ણની કૃપાથી મુગ્ધ બલરામ, પિતા આ અમૃતપાનથી વંચિત ન રહી જાય એ માટે તેમને વૃંદાવનથી લાવ્યા હતા. વૃદ્ધ બસુ મહાશય પણ આ સુયોગનો પૂરો લાભ મેળવીને ધન્ય બન્યા હતા. બલરામને ત્રણ બાળકો હતાં - ભુવનમોહિની, રામકૃષ્ણ અને કૃષ્ણમયી. પ્રથમપુત્રી ભુવનમોહિની ઈ.સ. ૧૮૮૪ના અંત ભાગમાં મૃત્યુ પામી હતી. આ બધાં શ્રીરામકૃષ્ણના દર્શનલાભથી ધન્ય બન્યાં હતાં અને બધાંએ જીવનભર ભક્તસેવાની ધારાને અક્ષુણ્ણ રાખી હતી. વાસ્તવમાં આવો એક સમપ્રાણ ભક્ત પરિવાર સંસારમાં મળવો દુર્લભ છે.

શ્રીરામકૃષ્ણ બલરામના કુટુંબની ભક્તિથી એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા કે એક વખત ભાવિનીદેવીની તબિયત બરાબર ન હતી એ સમાચાર એમને મળ્યા ત્યારે તેમણે શ્રીમાને દક્ષિણેશ્વરથી કોલકાતા જોવા મોકલ્યાં હતાં. લજ્જાશીલા શ્રીમાએ વિચાર્યું કે ભાડાની ગાડી કર્યા વગર જવું ઉચિત નહીં ગણાય કેમ કે ગામડાંમાં પગપાળા જવાની ટેવ હોવા છતાં પણ મહાનગરના રાજપથ પર એ રીતે ચાલવાથી ઠાકુરનું ખરાબ દેખાશે. પરંતુ દુર્ભાગ્યે કોઈપણ ગાડી મળી નહીં. આ સાંભળીને ઠાકુરે થોડા અસંતોષ સાથે કહેલું : ‘કેમ ? તમે પગે ચાલીને જ જાઓ. મારા બલરામનો પરિવાર તૂટતો જાય છે અને તમે સવારી ગાડી વગર નહીં જાઓ ?’ ગમે તેમ પણ છેવટે એક પાલખી મળી ગઈ. શ્રીમા એમાં બેસીને બલરામ મંદિરમાં છેક સુધી પહોંચી ગયાં. ઠાકુર શ્યામપુકુરમાં રહેતા હતા ત્યારે પણ શ્રીમા એક વખત પગે ચાલીને બીમાર ભાવિનીદેવીની ખબર કાઢવા ગયાં હતાં.

જ્યારે શ્રીરામકૃષ્ણનું કાશીપુર જવાનું નિશ્ચિત થયું ત્યારે ખર્ચનો પ્રશ્ન સામે આવ્યો. ગોપાલચંદ્ર ઘોષનું મકાન ૮૦ રૂપિયાના માસિક ભાડાથી લેવામાં આવ્યું. એ ઉપરાંત બીજો પણ ઘણો ખર્ચ હતો. ગરીબ ભક્તો આટલું ધન ક્યાંથી મેળવી શકે ? આથી ઠાકુરે સુરેન્દ્રનાથ મિત્રને મકાન ભાડાના રૂપિયા આપવાનું કહ્યું અને તેમણે આનંદપૂર્વક એ સ્વીકાર્યું. એ પછી બલરામ તરફ જોઈને ઠાકુરે કહ્યું કે તેઓ દાનનું ભોજન પસંદ કરતા નથી એટલે ભોજનનો ખર્ચ બલરામ ઊઠાવે. બલરામે પણ એ આનંદથી સ્વીકાર્યું.

ઠાકુરના અંતર્ધાન પછી એમના ત્યાગી ભક્તો અનેક બાબતોમાં બલરામબાબુ ઉપર જ નિર્ભર રહેતા હતા. સારવારના સમયે અથવા તો બીજાં ઘણાં કારણોથી અનેક ત્યાગી યુવાનો એમના ઘરે રહેતા. ટૂંકમાં તેઓ મઠના નિષ્ઠાવાન મિત્ર હતા. વરાહનગર મઠના પ્રારંભના દિવસોમાં બલરામબાબુએ એક દિવસ મઠમાં જઈને જોયું કે મઠના ભાઈઓ ફક્ત શાક-ભાત ખાઈ રહ્યા છે. એ દિવસે તેમણે ઘરે પાછા આવીને ગૃહિણીને કહ્યું, કે તેઓ પણ તે સિવાય બીજું કંઈ ખાશે નહીં. ગૃહિણીએ વિચાર્યું કે કદાચ અમ્લરોગને કારણે તેઓ સાદું ભોજન લેવા ઇચ્છે છે. પરંતુ બસુ મહાશયે જણાવ્યું કે મઠના સાધુઓની સ્થિતિ જોઈને દાળ-શાક વગેરે અન્ય કંઈ વાનગી ખાવાની એમની રુચિ નથી. એ પછી ઠાકુર સેવા માટે તેઓ દરરોજ એક રૂપિયો મોકલી દેતા હતા અને એમણે બાબુરામ મહારાજને કહી રાખ્યું હતું કે તેઓ દરરોજ એમને મઠના સમાચાર આપતા રહે. એ ઉપરાંત મઠના રસોઈયા પાસેથી માહિતી મેળવીને તેઓ ખૂટતી સામગ્રી મોકલાવી દેતા હતા. જ્યારે તેઓ છેલ્લી વખત બીમાર પડયા ત્યારે આ વાતોનું સ્મરણ કરીને સ્વામી વિવેકાનંદ વારાણસીથી તુરત જ કોલકાતા આવી પહોંચ્યા અને સ્વામી શિવાનંદ વગેરેની સાથે તેમની સેવા કરવા લાગ્યા. પરંતુ બનવા કાળનું ખંડન કોણ કરી શકે છે ? ઠાકુરના બીજા અનેક ઘનિષ્ઠ પાર્ષદોની જેમ બલરામ પણ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા. (ઈ.સ. ૧૮૯૦, ૧૩મી એપ્રિલ)

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda