Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

નાગ મહાશય

નાગમહાશયના નામથી સામાન્ય રીતે ઓળખાતા શ્રીયુત દુર્ગાચરણ નાગ નારાયણગંજ શહેર ( અત્યારે બાંગ્લાદેશમાં આવેલું છે ) થી બે-એક કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલા દેવભોગ ગામમાં દીનદયાળ નાગની પર્ણકુટી અજવાળતા. ઈ.સ ૧૮૪૬ના ૨૧ઓગસ્ટમાં ભાદરવા સુદ એકમના રોજ જન્મ્યા હતા. નાગમહાશય આઠ વર્ષના હતા ત્યારે એમનાં માતા ત્રિપુરાસુંદરી પોતાના પુત્ર દુર્ગાચરણ અને પુત્રી શારદામણિને પોતાની વિધવા નણંદ ભગવતીના ખોળામાં છોડીને સ્વર્ગે સિધાવ્યાં. બાળવિધવા ભગવતી અત્યંત પ્રેમથી ભાઈનાં બંને સંતાનોનું પાલન પોષણ કરવા લાગ્યાં. નાગમહાશય તેમના ફોઈને જ માતા માનતા હતા.

પિતા દીનદયાળ કોલકાતાના કુમારટુલિ મહોલ્લામાં રહેતા શ્રીયુત રાજકુમાર અને શ્રીયુત હરિચરણ પાલ ચૌધરીને ત્યાં નોકરી કરતા હતા. તેઓ એક નળિયાવાળા ઘરમાં રહેતા હતા. પાલબાબુ દીનદયાળ પર ખૂબ જ વિશ્વાસ રાખતા હતા. નિર્લોભી દીનદયાળ એક વખત હોડીમાં બાબુઓનો માલ લઈને કોલકાતાથી નારાયણગંજ આવી રહ્યા હતા. એ સમયે હજુ સ્ટીમર શરૂ થઈ ન હતી. એક દિવસ સંધ્યા થઈ જવાથી વધુ આગળ ન જતાં તેમણે કિનારા ઉપર એક ખૂબ મોટું તૂટેલું ખંડેર જેવું મકાન તથા ખેડૂતોનાં બે ઘર જોઈને તેમણે ત્યાં રાત રોકાવા માટે હોડીનું લંગર નાખવાનું કહ્યું. સવારે ઊઠીને તેઓ શૌચ માટે એ તૂટેલા મકાનની પાછળ ગયા. શૌચ વખતે ટેવ મુજબ તેઓ નખથી માટી ખોતરી રહ્યા હતા. એટલામાં એમને લાગ્યું કે જાણે ચાંદીના રૂપિયા જેવી કોઈ વસ્તુ હાથમાં લાગી રહી છે. કુતૂહલથી એમણે બીજી વધારે માટી ખસેડી. ત્યારે એમણે જોયું - જૂના કાળનો એક સોનામહોરથી ભરેલો ઘડો ત્યાં દાટેલો છે. જાણે ઝેરી સાપ હોય એમ તત્ક્ષણ તેને છોડીને દીનદયાળે હોડી ચલાવવાનો આદેશ આપ્યો. ખલાસીઓ શૌચ  - સ્નાન વગેરે માટે ત્યાં થોડો સમય વધુ રોકાવા ઇચ્છતા હતા પણ તેમણે કહ્યું કે અહીં તો ભય છે. આપણે આ જગ્યા હમણાં જ છોડી દેવી પડશે અને પછી તેમ જ કરવામાં આવ્યું.

મધુરભાષી, સુશીલ, હૃષ્ટપુષ્ટ, લાંબા વાળવાળા બાળક દુર્ગાચરણને દેવભોગ ગામની પડોશણો ખોળામાં ઊંચકીને આનંદ કરાવતી હતી. પરંતુ તેને કોઈ કંઈ ખાવાની વસ્તુ આપે તો કયારેય લેતો નહીં. રાત્રે તારામઢયું આકાશ જોઈને બાળક પોતાની ફોઈબાને કહેતો : ‘ચાલોને મા, આપણે એ દેશમાં ચાલ્યા જઈએ.અહીં રહેવું ગમતું નથી.’ ચંદ્રમા ઊગતાં તે આનંદથી હાથમાં તાળી દઈને નાચવા લાગ્તો. પવનથી ડોલતી વૃક્ષની ડાળીઓ જોઈને તે કહેતો : ‘મા, હું તેમની સાથે રમીશ.’ અને એ સમયે આમતેમ ડોલતી ડાળીઓના જેવું જ પોતાના અંગનું મધુર ડોલન કરીને ફોઈબાનું મન હરી લેતો. ફોઈબા પુરાણની કથાઓ કહેવામાં નિપુણ હતાં. એ વાર્તાઓ સાંભળી સાંભળીને બાળકો સાથે રમવામાં તેને રુચિ ન હતી. તો પણ મિત્રોના આગ્રહથી એ લોકો સાથે કયારેક કયારેક રમતો. પરંતુ પોતાની ટુકડી જીતે એ માટે બાળકો તેને જૂઠું બોલવા કહે તો તેનો કયારેય સ્વીકાર કરતો નહીં. આના પરિણામે કયારેક કયારેક તેને માર ખાવો પડતો. એના શરીરમાંથી લોહી પણ નીકળતું. પરંતુ ઘરમાં આવીને ફોઈબાને આવી કોઈ વાત કયારેય કરતો નહીં. પરંતુ સત્યપ્રિયતા અને શાંત સ્વભાવને કારણે તેણે અનેક ક્ષેત્રોમાં મધ્યસ્થી બનીને ઝગડાનો ન્યાય પણ કરવો પડતો અને એના એ બાબતના ચુકાદાને બધા સ્વીકારી  લેતા.

નારાયણગંજમાં એક જ બંગાળી વિદ્યાલય હતું અને ત્યાં પણ ત્રીજા ધોરણ સુધી જ ભણાવવામાં આવતું હતું. ત્યાં સુધી ભણીને પછી આગળ ભણવા માટે, પોતાની જ્ઞાનપિપાસાની તૃપ્તિ માટે નાગમહાશય ફઈબાને કહ્યા વગર એક દિવસ પોતાની ધોતીનાં છેડામાં થોડા મમરા બાંધીને ત્યાંથી ૧૭ કિલોમીટર દૂર આવેલા ઢાકા શહેરમાં વિદ્યાલયની શોધ કરવા માટે પગે ચાલીને નીકળી પડયા. ત્યાંની નોર્મલ સ્કૂલમાં ભણવાનું નક્કી થયું. આ બાજુ ફઈબાએ એને ન જોતાં આખો દિવસ ચિંતામાં વિતાવ્યો. સંધ્યા સમયે તેઓ ઘરે પાછા આવ્યા. ફઈબાએ બાળકના મુખે સાંભળ્યું કે બીજા દિવસથી જ દરરોજ સવારે આઠ વાગે એને ઢાકા જવું પડશે. તેની ભણવાની ઇચ્છા જોઈને તેઓ રાજી થયાં. તેઓ દરરોજ સવારે સમયસર એના માટે રસોઈ બનાવી દેવા લાગ્યાં. આમ દોઢ વર્ષ સુધી અભ્યાસ ચાલ્યો. આ સમય દરમિયાન ફક્ત બે જ દિવસ નાગમહાશય સ્કૂલે જઈ શક્યા ન હતા. એ લાંબા રસ્તે આવવું, જવું કાંઈ સહેલું ન હતું. સંધ્યા સમયે ઘરે પાછા ફરતાં એક સ્થળે તેમણે ઘણીવાર ભૂત જોયું હતું. પહેલી વખત તેમણે જોયું તે ભૂત પીપળાના વૃક્ષના આશ્રયે પાછળની બાજુએ ફરીને ઊભું હતું. નાગમહાશય ભયભીત થઈને ત્યાં જ બેસી ગયા. પણ પછીથી વિચાર્યું કે ‘મેં જ્યારે એનું કંઈ બગાડયું નથી તો તે મારું શું બગાડશે ?’ આથી હિંમતપૂર્વક આગળ ચાલ્યા અને ભૂતને છોડીને આગળ નીકળી ગયા. એ ભૂતે એમને કંઈ રંજાડ ન કર્યો. પણ પાછળથી એમને બહુ જ મોટેથી અટ્ટહાસ્ય સંભળાયું. પરંતુ એ વખતે પાછું ફરીને જોવા સાહસ, હિંમત ન મળે ! બીજી એક વાર રસ્તામાં વાવાઝોડા સાથે પાણી વરસવા લાગ્યું. રસ્તામાં ખૂબ અંધારું હતું. રહેવા માટે કોઈ આશ્રયસ્થાન ન મળ્યું. એક વળાંકે તેઓ અંધારામાં તળાવમાં પડી ગયા અને ત્યાંથી બહાર નીકળવા માટે એમને ખૂબ તકલીફ થઈ હતી.

થોડા દિવસોમાં જ દુર્ગાચરણ બંગાળી ભાષાઓમાં કૃતિઓ લખવા લાગ્યા. એમના અક્ષર પણ મોતીના દાણા જેવા હતા. પછીથી જ્યારે તેઓ ભણવા માટે કોલકાતા આવ્યા ત્યારે ચરિત્ર ઘડતરના ઉદ્દેશથી લખેલી એ કૃતિઓ એમણે ‘બાળકોને માટે ઉપદેશ’ એ શીર્ષક હેઠળ પોતાના ખર્ચે છપાવી અને વિના મૂલ્યે વહેંચી હતી.

કોલકાતા આવવા અગાઉ ફઈબાના આગ્રહથી એક જ રાતના સંધ્યા સમયે નાગમહાશયનાં અને બીજી રાતના બહેન શારદાનાં લગ્ન થઈ ગયાં. નવી વહુનું નામ પ્રસન્નકુમારી હતું. વહુ ઘરમાં આવી પરંતુ નાગમહાશયના વર્તનથી ફઈબાને આનંદને બદલે દુ:ખ થયું. વહુની સાથે એક પથારીમાં સૂવાના ભયથી નાગમહાશય સંધ્યા થતાં જ ઝાડની ઊંચી ડાળે જઈને બેસતા અને ફઈબા જ્યાં સુધી એમને પોતાના ઓરડામાં સૂવાની આજ્ઞા ન આપે ત્યાં સુધી તેઓ નીચે ઊતરતા નહીં. ફઈબાએ વિચાર્યું કે સમય આવતાં નાગમહાશયના આ અનોખા મનોભાવનું પરિવર્તન થઈ જશે. પરંતુ એ પહેલાં જ વહુ આ સંસારમાંથી ચાલી ગઈ. એ વખતે નાગમહાશય કોલકાતામાં હતા.

કોલકાતામાં નાગમહાશય પિતા પાસે રહેતા હતા. ત્યાં તેમણે કેમ્પબેલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. થોડા દિવસોમાં એ વિદ્યાલય છોડીને તેઓ હોમિયોપેથી શીખવા લાગ્યા. તેઓ ડોકટર ભાદુડી મહાશય પાસે સવાર સાંજ અભ્યાસ કરતા હતા તથા એમની સામે દરદીઓના ઘરે ઘરે જઈને આ શાસ્ત્ર અંગે વિશેષ જાણકારી મેળવતા હતા. આ રીતે તેઓ આ શાસ્ત્રમાં નિષ્ણાત થયા હતા. એક દિવસ દીનદયાળ પુત્રને લઈને પોતાના ગામે આવી ગયા. એમનો હેતુ હતો બીજી વહુ ઘરમાં લાવે.  પણ સારી કન્યા ન મળતાં તેમને પુત્ર સાથે પાછા કોલકાતા આવી જવું પડયું. એ વખતે નાગમહાશયે હોમિયોપેથિક દવાઓનું એક નાનું બોક્સ ખરીદી લીધું અને તેઓ અભ્યાસની સાથે સાથે મહોલ્લે ફરીને દીનદુ:ખીઓની સારવાર વિનામૂલ્યે કરવા લાગ્યા. એમનામાં હંમેશાં પરોપકાર કરવાની ઇચ્છા રહેતી હતી. પિતાના કહેવાથી તેઓ એમને માટે જરૂરી વસ્તુઓ ખરીદીને લાવી આપતા અને ક્યારેક ક્યારેક માથા ઉપર ઊંચકી પણ લાવતા હતા. પ્રેમચંદ મુનશી નામના એક કંજૂસના ભાઈનું અવસાન થયું ત્યારે એના શબના અગ્નિસંસ્કાર માટે એને કોઈની પણ મદદ ન મળી. આખરે તે નાગમહાશય પાસે આવ્યો. છેવટે પિતા - પુત્રે બંનેએ મળીને તેનો અગ્નિસંસ્કાર કરી મુનશી મહાશયને એ આપત્તિમાંથી મુક્ત કર્યા હતા.

એ સમયે શ્રીરામકૃષ્ણના ભાવિ ભક્ત શ્રી સુરેશચંદ્ર દત્ત સાથે નાગમહાશયનો  પરિચય થયો. સુરેશબાબુ એ વખતે ભગવાનના સાકાર સ્વરૂપ વિષે સંદેહ ધરાવતા હતા. પરંતુ નાગમહાશય પૂરા વિશ્વાસથી કહેતા હતા : ‘જે વસ્તુનું અસ્તિત્વ છે,  એ બાબતમાં વિચાર કેમ કરાય ? ’ કયારેક કયારેક નાગમહાશય સુરેશબાબુની  સાથે બ્રાહ્મોસમાજમાં જતા. પરંતુ કેશવચંદ્ર સેનનાં ભાષણોથી મુગ્ધ થવા છતાં એમના સમાજના આચાર - વ્યવહારને તેઓ પસંદ કરતા ન હતા. સમાજ દ્વારા પ્રકાશિત સાધુઓનાં જીવનચરિત્રોને તેઓ પ્રેમપૂર્વક વાંચતા તથા પુરાણોના અનુવાદમાં પણ તેઓ રસ લેતા હતા. તેઓ સ્મશાનઘાટે કે ગંગાકિનારે સાધુ- સંન્યાસીઓ  સાથે ધર્મની બાબતમાં વાર્તાલાપ કરતા. કયારેક તેવાં સ્થળોમાં બહુ વાર સુધી બેસી રહેતા. એક વૃદ્ધ બ્રાહ્મણની સલાહથી તેમણે સ્મશાનમાં બેસીને ગહન રાત્રિમાં જપ કરતાં એક શુભ્ર જ્યોતિનું દર્શન કર્યું અને પછી નિયમિત જપ, ધ્યાન કરવા શરૂ કર્યા હતા. ટૂંકમાં કહી શકાય છે કે નાગમહાશય એ સમયે સંસારને ભૂલીને ધીમે ધીમે ધર્મના પ્રવાહમાં તરતા થઈ રહ્યા હતા.

એ બધું જાણીને પિતા દીનદયાળે તેનો સામનો કરવા માટે દેશમાં એક કન્યાની શોધ કરી અને નાગમહાશયને લગ્ન માટે દેશમાં જવાનો આદેશ આપ્યો. નાગમહાશયના માથા પર જાણે વગર વાદળાએ વ્રજપાત થયો ! એક વખત તો લગ્ન થઈ ગયાં હતાં. તે નવકુસુમ દુષ્કાળમાં મૂરઝાઈ ગયું હતું. પછી બીજાની દીકરી પર આવો અત્યાચાર કેમ ? પરંતુ પિતાએ એ કાંઈ ન સાંભળ્યું. પુત્રની અસંમતિ જોઈને એમણે ખાવાનું છોડી દીધું અને તેઓ એકાંતમાં આંસુ સારવા લાગ્યા. પુત્રે કહ્યું કે પુત્રવધૂ કરતાં પણ તેઓ  વધારે પ્રેમથી શ્રદ્વાપૂર્વક પિતાની સેવા કરશે. પરંતુ વચન આપીને એ પાળી નહીં શકાય અને પૂર્વજોને પિંડ નહીં મળે વગેરે વિચારીને પિતા અત્યંત દુ:ખી થયા. અંતે પિતાની જીત થઈ. ઝેર સમાન હોવા છતાં પણ પિતૃભક્ત નાગમહાશય લગ્ન કરવાનું સ્વીકારીને દેવભોગ ચાલ્યા ગયા અને યોગ્ય સમયે શ્રીમતી શરત્કામિની સાથે લગ્ન કરીને કોલકાતા પાછા આવી ગયા.

નાગમહાશય હવે ગૃહસ્થ હતા. આથી કોલકાતા આવીને પોતાની ઇચ્છા ન હોવા છતાંય ખર્ચ માટે ફી લઈને સારવાર કરવા લાગ્યા. આ નવીન પરસ્થિતિમાં પણ અભ્યાસનો આનંદ, દરદીની સારવાર, સન્મિત્રોનો સંગ તથા ભગવદીય વાર્તાલાપ વગેરેમાં એમના દિવસો સારી રીતે પસાર થતા રહ્યા. આ રીતે સાત વર્ષ વીતી ગયાં. એકાએક સમાચાર આવ્યા કે નાગમહાશયનાં માતા સમાન ફઈબા બીમાર છે. તેઓ તુરત જ દેવભોગ ગયા અને ફઈબાની સારવાર કરવા લાગ્યા. પરંતુ તો પણ એમને બચાવી ન શકયા. રામમંત્રથી દીક્ષિત થયેલાં ફઈબાએ પુત્ર જેવા નાગમહાશયના મસ્તક પર હાથ ફેરવતાં આશીર્વાદ આપ્યા : ‘શ્રીરામચંદ્ર પર તારી મતિ રહે.’ એ પછી ‘રા’ બોલતાં એમનો પ્રાણવાયુ મહાવાયુમાં ભળી ગયો. માતૃશોક શું કહેવાય એનો અનુભવ નાગમહાશયને નાનપણમાં થયો ન હતો. પરંતુ આજે ફઈબાના વિયોગથી તેઓ પાગલની જેમ ઉન્માદિત બની ગયા. ઘરમાં રહેવું અસંભવ લાગતાં તેઓ સ્મશાનભૂમિમાં મોટાભાગનો સમય પસાર કરવા લાગ્યા. આનો બીજો કોઈ રસ્તો ન જોતાં દીનદયાળે દેવભોગ જઈને પુત્રને કોલકાતા લાવવો પડયો.

કોલકાતા પાછા આવીને ફરીથી સારવાર કરવા છતાં પણ શોકસંતપ્ત નાગમહાશય ધનવૃદ્ધિના પ્રયત્નમાં અત્યંત ઉદાસીન જ રહ્યા. ચિકિત્સા - વ્યવસાય માટે પોશાક, દેખાવ વગેરે બાહ્ય આડંબર જરૂરી સમજીને પિતાએ પુત્ર માટે ઉત્તમ વસ્ત્રો ખરીદી આપ્યાં . પરંતુ પુત્રે જણાવ્યું : ‘ મને પોશાકની કોઈ જરૂર નથી. એ રૂપિયાથી ગરીબ દુ:ખીઓની સેવા કરવાથી ઉત્તમ કામ થશે.’ ઊંડો નિ:શ્વાસ નાંખીને પિતાને કહ્યું : ‘તારા માટે મને ઘણી મોટી આશા હતી પણ હવે સમજાયું કે મેં મારી જાતને છેતરી છે. તું તો સાધુ બનતો જાય છે.’ પુત્ર દરદી પાસેથી પૈસા લેતો નહીં પણ પોતાના પૈસાથી દવા, પથ્ય વગેરે આપીને તેની સેવા કરતો. સંસારના અનુભવ વગરના પુત્રનો આવો વ્યવહાર જોઈને પિતા હતાશ થઈ ગયા. એક દિવસ કડકડતી ઠંડીમાં એક દરદીને જોવા ગયા ત્યારે પોતાની ભાગલપુરી ઊનની ચાદર તેને આપી આવ્યા અને એક દરદીને જમીન પર સૂતેલો જોઈને પોતના ઘરમાંથી પલંગ તેને આપી આવ્યા. કોલેરાગ્રસ્ત એક બાળક પાસે બેસીને તેમણે આખો દિવસ સારવાર કરી; પણ બાળકને બચાવી ન શક્યા. સંધ્યા સમયે આંસુ સારતા તેઓ ખાલી હાથે ઘરે પાછા આવ્યા.

ભલે ધન નાગમહાશયના ભાગ્યમાં ન હતું, પણ ચિકિત્સકના રૂપમાં નાગમહાશય તરત જ વિશેષ પ્રસિદ્ધ થઈ ગયા. ધીમે ધીમે એમના પિતાના માલિક પાલબાબુઓએ એમને ગૃહ ચિકિત્સકરૂપે નિયુક્ત કર્યા હતા. તેઓ એ લોકો પાસેથી પણ પૈસા લેતા ન હતા. એક વખત કોલેરાથી પીડાતી એક સ્ત્રીને અત્યંત આશ્ચર્યકારક રીતે સાજી કરી આપી એટલે પાલબાબુઓએ કૃતજ્ઞાપૂર્વક એમને રૂપિયાથી ભરેલું એક ચાંદીનું વાસણ ભેટ આપ્યું. પરંતુ નાગમહાશયે તે ન લીધું. તેથી બાબુઓએ વિચાર્યું કે એ ભેટ એમની ઈચ્છાનુસાર નહીં હોય આથી એ લોકોએ એમાં બીજા પણ પચાસ રૂપિયા ઉમેર્યા, નાગમહાશયે એ પણ ન લીધા અને કહ્યું કે દવાની કિંમત અને મહેતાણું વીસ રૂપિયાથી વધારે થતું નથી. એટલે એટલી રકમ લઈને તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા. પોતાની આવક યાચકોને આપી દઈને એક-બે પૈસાના મમરા ખાઈને દિવસ કાઢવો એ એમના જીવનની કોઈ અસામાન્ય બાબત ન હતી. એવી સ્થિતિમાં જ્યાં પ્રત્યેક મહિને ૩૦૦-૪૦૦ રૂપિયાની કમાણી થઈ શકે તેમ હોય ત્યાં ૩૦-૪૦ રૂપિયાથી વધારે રકમ ઘરમાં આવતી ન હતી.પોતાને માટે ધનસંચય કરવાનું એમના સ્વભાવની વિરુદ્ધ હતું. પ્રયત્ન વગર જે કંઈ આવતું તે બધું તેઓ પિતાને આપી દેતા અને પોતાના ઉપયોગ માટે કંઈ જોઈએ તો પિતા પાસે માગી લેતા. ધર્મ માટે દુન્યવી બુદ્ધિનો સ્વેચ્છાથી ત્યાગ કરી દેવા છતાં પણ તેઓ ધર્મરાજ્યમાં પાખંડપણું સહન કરી શક્તા ન હતા. વૈષ્ણવ-વૈષ્ણવી કે ભૈરવ-ભૈરવીને એક સાથે ભિક્ષા માટે એમની પાસે આવતાં,તેમની કડવી આલોચનાના આઘાતથી તેમને તુરત નસાડી દેતા.

સદ્‍ગૃહસ્થ દીનદયાળ અને ધાર્મિક પુત્ર નાગમહાશય વચ્ચે વિચારધારામાં ભેદ રહેવાથી થોડો મતભેદ થવો સ્વાભાવિક હતો. સારી આવક થવા છતાં પણ દીનદયાળ ઘરમાં રસોઈ માટે બ્રાહ્મણ રાખતા ન હતા. પોતે જ રસોઈ બનાવતા. સુપુત્ર પિતાના સ્વતંત્ર વ્યવહારમાં વિઘ્નરૂપ ન બનતાં તેઓ પોતાનું કર્તવ્ય સમજીને પિતા રસોડામાં જાય એ પહેલાં જ જાતે રસોઈ બનાવી લેતા. આ રીતે બંને તક શોધતા રહેતા હોવાથી જે હારી જાય તે ગુસ્સે થઈને બીજાને કામ કરતાં રોકી દેતા. જો એ વખતે કોઈ ભદ્રપુરુષ ત્યાં હાજર હોય તો એમને બંને વચ્ચે સમાધાન કરાવવું પડતું. છેવટે મતભેદ દૂર કરવાનો અન્ય ઉપાય ન જોતાં નાગમહાશય પોતાની પત્નીને કોલકાતા લાવ્યા. ઓછા ભાડાના ઘરમાં પૂરી જગ્યા નહોતી એટલે સુરેશબાબુના ઘરની પાસે બીજા માળે એક મકાન ભાડે લીધું. વહુ ઘરમાં આવતાં એક બાજુ જેમ દીનદયાળ સુખી થયા તો બીજી બાજુ વિરક્ત પુત્રને ગૃહસ્થીમાં ભેળવી ન શકતાં એમને દુ:ખ પણ થવા લાગ્યું. પત્ની કોલકાતા લાવ્યા છતાં પણ નાગમહાશય પહેલાંની જેમ ભાગવત વગેરે વાંચીને પિતાને સંભળાવતા અને ફુરસદનો સમય પસાર કરતા. કૌટુંબિક આનંદ ભોગવવાની ફુરસદ એમને ન હતી.

એ વખતે સુરેશબાબુએ થોડા બ્રહ્મભક્તો સાથે મળીને ગંગાકિનારે ઉપાસના કરવી શરૂ કરી હતી. ઉપાસનાને અંતે કીર્તન થતાં હતાં. ઉપાસના સમયે નાગમહાશય ધ્યાનમાં મગ્ન રહેતા અને કીર્તનમાં મસ્ત થઈને મધુર નૃત્ય કરતા. ક્યારેક બાહ્ય ભાન ગુમાવીને જમીન પર પડી જતા. આવા જ એક દિવસે ભાવાવસ્થામાં તેઓ ગંગાજળમાં પડી ગયા હતા. તો પણ એ યાદ રાખવું જોઈએ કે તેઓ એ રીતે ધર્મોન્મત્તતા પ્રગટ કરતા નહીં. સ્વભાવથી જ તેઓ પોતાનો ભાવાવેશ છુપાવી રાખતા. તેઓ કહેતા : ‘જેટલું રહે ગુપ્ત એટલું બને સખત, જેટલું હોય વ્યક્ત એટલું થાય ત્યક્ત.’ આવી વ્યક્તિનો ભાવોનો બાહ્ય આવિર્ભાવ ભાવની અધિકતા જ બતાવે છે.

સ્વતંત્રપણે સાધનામાં મગ્ન રહીને ઉન્નતિ પ્રાપ્ત કરવાનું શક્ય હોવા છતાં પણ નાગમહાશય જાણતા હતા કે ઈષ્ટદેવનાં દર્શન કરવા માટે દીક્ષાની આવશ્યકતા છે. આ કારણે જ્યારે તેઓ વિશેષ વ્યાકુળતાનો અનુભવ કરી રહ્યા હતા, બરાબર એ સમયે એમના કુલગુરુ કૌલસંન્યાસી શ્રી કૈલાસચંદ્ર ભટ્ટાચાર્ય મહાશય વિક્રમપુરથી એમના ઘરે આવી પહોંચ્યા. બીજા જ દિવસે નાગમહાશય અને એમનાં પત્નીએ શક્તિમંત્રની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પછી એમની સાધના વધારે ગંભીર બનવા લાગી. જપ-ધ્યાન કરતાં રાત પૂરી થઈ જતી. અમાસની રાત્રિના ઉપવાસ કરીને ગંગાકિનારે જપ કરતાં કરતાં એમનું બાહ્યજ્ઞાન લુપ્ત થઈ જતું. તેઓ એક દિવસ તન્મય બનીને ભગવાનનું ચિંતન કરી રહ્યા હતા. એવામાં તો ભરતીનો પ્રવાહ આવ્યો અને એમના શરીરને તાણી ગયો. જ્યારે બાહ્ય ભાન આવ્યું ત્યારે તેઓ તરીને પાછા કિનારે આવી ગયા. ચંદ્રની કળાનાં ક્ષય-વૃદ્ધિની સાથે સાથે ભોજનની પણ ક્ષય-વૃદ્ધિ કરીને તેમણે થોડા દિવસો સુધી નક્ત-વ્રતનું આચરણ કર્યું હતું. એમની સાધના રાગમાર્ગની હતી. પરંતુ ક્યારેક ક્યારેક તેઓ વૈધી સાધના પણ કરતા હતા એ એનું પ્રમાણ છે. એમણે શ્યામ વિષયક ઘણી પદાવલીઓની રચના કરી હતી.

આવી વ્યક્તિને વ્યવસાયમાં નુકસાન થવું અનિવાર્ય હતું. આ બાજુ દીનદયાળનું શરીર પણ ધીમે ધીમે અશક્ત થઈ જતાં એમની આવક પણ ઘટવા લાગી હતી. તો પણ પિતાનો પરિશ્રમ ઘટાડવા માટે તેમજ પિતા દુન્યવી ચિન્તા છોડીને ધર્મમાં મન પરોવી શકે એ માટે સુવિધા કરી આપવા નાગમહાશય પોતે સાંસારિક બાબતોથી વિમુખ હોવા છતાં પણ પોતાની ફરજ સમજીને પિતાનો વ્યવસાય સ્વીકારવા કટિબદ્ધ થયા. દીનદયાળ પાલબાબુઓને ત્યાં નોંધણીનું કામ કરતા હતા.પુત્રે હવે તે કામ પોતાના હાથમાં લઈ લીધું. પછી તેમણે પત્નીને પણ કહ્યું : ‘મને ભૂલીને તું મહામાયાનું શરણ લે તેથી આલોક અને પરલોકમાં તારું કલ્યાણ થશે.’ પિતા સમજી ગયા કે સ્વતંત્ર રીતે પોતાની ફરજનું પાલન કરવામાં પુત્ર ટસથી મસ નહીં થાય. આ વૃદ્ધ ઉંમરે એ શક્તિ સામે ઊભા રહેવાની તાકાત પણ એમનામાં ન હતી. થોડા દિવસો પછી પુત્રે પિતાને ગામડે મોકલી દેવા આગ્રહ કર્યો તેમજ સસરાની સેવા માટે વહુને પણ સાથે જવાનું કહ્યું. એ વખતે વિરોધ કરવો નકામો છે એમ જાણીને તેઓ વધૂને લઈને દેવભોગ ચાલ્યા આવ્યા. એ પછી નાગમહાશય કોલકાતાના બે માળવાળા મકાનને છોડીને પાછા પહેલાંના નાના ઓરડામાં આવી ગયા.

આ બાજુ બ્રાહ્મોસમાજમાં આવતા-જતા રહેવાથી સુરેશચંદ્રને સમાચાર મળ્યા કે દક્ષિણેશ્વરમાં એક સાધુ છે; તેઓ કામિની- કાંચન ત્યાગી અને સદાય ભગવત્પ્રસંગમાં ઉન્મત રહે છે. બંને મિત્રો વિચારણા કરીને એક દિવસ બપોરે ભોજન પછી આ દુર્લભ સાધુનાં દર્શને ચાલ્યા. દક્ષિણેશ્વર ક્યાં આવ્યું તેની ખબર પણ ન હતી. ફક્ત એટલું જ જાણતા હતા કે તે ઉત્તર બાજુ છે. ઘણા આગળ નીકળી ગયા પછી કોઈ પણ માણસને પૂછતાં ખબર પડી કે દક્ષિણેશ્વર પાછળ રહી ગયું છે અને તેઓ ઘણા આગળ નીકળી આવ્યા છે. ફરી પાછા તેઓ દક્ષિણ તરફ ચાલ્યા અને બે વાગ્યાના સમયે તેઓ દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. અહીં પણ એક બીજી મુશ્કેલી નડી. સાધુ ક્યાં રહે છે, એની તેમને ખબર ન હતી. છેવટે અહીં તહીં ફરતાં એક ઓરડાના પૂર્વદ્વારમાં એક દાઢીવાળા માણસને જોયો. એમને પૂછ્યું કે પરમહંસદેવ ક્યાં છે ? તો તેણે જણાવ્યું કે : ‘પરમહંસદેવ તો ચંદનનગર ગયા છે. આજે મુલાકાત નહીં થાય !’ પાછળથી એમણે જાણ્યું હતું કે એ જ પ્રતાપચંદ્ર હાજરા હતા. હતાશ થઈને તેઓ પાછા જવા લાગ્યા તો નાગમહાશયે જોયું તો ઓરડાની અંદર એક નાની પાટ પર લાંબા પગ કરીને સૂતેલી એક વ્યક્તિ સૂતાં સૂતાં જ એમને અંદર આવવાનો ઈશારો કરી રહી છે. જોતાં જ લાગે છે જાણે પવિત્રતાની સાક્ષાત્ મૂર્તિ ! અંદર જઈને તેઓ બંને બિછાવેલ ચટાઈ પર બેઠા. સુરેશબાબુએ હાથ જોડીને પ્રણામ કર્યા. પરંતુ નાગમહાશય ભૂમિષ્ઠ થઈને પ્રણામ કરીને એમની ચરણરજ લેવા આગળ આવ્યા. પરંતુ તે સાધુએ ચરણસ્પર્શ કરવા ન દીધા. વાતચીત કરતાં તેઓ ઓળખી ગયા કે આ જ તો છે બ્રાહ્મસમાજમાં સુપરિચિત દક્ષિણેશ્વરના મહાપુરુષ. ઠાકુરે એમનો પરિચય પૂછયો અને સંસારમાં કાદવી માછલીની જેમ નિર્લેષ ભાવે રહેવાનો ઉપદેશ આપ્યો. એ પછી એમણે એ બંનેને પંચવટીમાં જઈને ધ્યાન કરવા કહ્યું. અડધા કલાક પછી એમને સાથે લઈને સાધુ શિવમંદિર, વિષ્ણુમંદિર અને કાલીમંદિરમાં ગયા. ત્યાં ભક્તિ સાથે પ્રણામ અને પ્રદક્ષિણા કર્યાં. છેવટે ભવતારિણીના મંદિરમાં જતાં ઠાકુરનું ભાવાન્તર જોઈને બંને આગંતુકોએ અનુભવ્યું કે કાલીમાતાની સાથે એમનો સંબંધ કોઈ સાંસારિક કલ્પિત વસ્તુ નથી. પણ તે દિવ્ય સહજ અવસ્થા છે. પાંચ વાગે તેઓ વિદાય લઈને ઘરે પાછા આવ્યા. જતી વખતે ઠાકુરે કહ્યું : ‘પાછા આવજો, આવવા-જવાથી જ પરિચય થશે,’

ઈશ્વરપ્રાપ્તિની ઈચ્છાથી પાગલની જેમ નાગમહાશય એક જ અઠવાડિયા પછી શ્રીયુત સુરેશની સાથે ફરીથી દક્ષિણેશ્વર પહોંચી ગયા. એમને જોતાં જ ઠાકુર ઘણા દિવસો પછી આવેલા કોઈ મિત્રને જોતાં જેવું થાય એવા આનંદિત થઈને બોલી ઊઠ્યા : ‘તમે લોકો આવ્યા છો. સારું કર્યું. હું તો તમારા જ માટે અહીં આટલા દિવસો સુધી બેઠો છું.’ એ પછી નાગમહાશયને પાસે બેસાડીને તેમણે કહ્યું : ‘ભય શા માટે ? તમારી તો બહુ ઊંચી ભૂમિકા છે.’ એ દિવસે પણ ઠાકુરના આદેશથી તેઓ બંને પંચવટીમાં ધ્યાન કરવા બેઠા. થોડા સમય પછી ઠાકુર પાસે આવતાં ઠાકુર જાણે નાગમહાશયની સેવાની અતૃપ્ત આકાંક્ષા પૂરી કરવા માટે કહેતા ન હોય તેમ ‘અંગૂછો લાવો, પાણી ભરી લાવો.’ વગેરે કામ કરાવવા લાગ્યા. એ દિવસે નાગમહાશયના આનંદની સીમા ન રહી. ફક્ત દુ:ખ એ વાતનું હતું કે ઠાકુરે ચરણરજ ન આપી. ઠાકુરે પણ યોગ્ય ભક્ત મેળવીને આનંદથી પ્રફુલ્લિત થઈને સુરેશબાબુને કહ્યું : ‘જોયું, આ માણસ જાણે અગ્નિ છે, પ્રજ્વલિત અગ્નિ!’

ત્રીજી વખત નાગમહાશય એકલા જ દક્ષિણેશ્વર પહોંચ્યા. એ દિવસે ઠાકુર ભાવાવસ્થામાં અસ્પષ્ટ સ્વરે કંઈક બોલતા ઊભા થયા અને નાગમહાશયને કહ્યું : ‘અરે, તમે તો ડોકટર છો. જુઓ તો મારા પગમાં શું થયું છે ?’ ડોકટર નાગમહાશયે તપાસીને કહ્યું : ‘ક્યાં ? અહીં તો ક્યાંય કંઈ જ જણાતું નથી.’ ઠાકુરે કહ્યું : ‘જરા ઝીણવટથી તપાસો. જુઓ, શું થયું છે ?’ ઝીણવટથી તપાસવાની જરૂર જ ન પડી, એમની ચરણરજ લેવાની જે ઈચ્છા ભક્ત નાગમહાશયમાં હતી એને જ એમણે પૂરી કરી આપી. એ સમયથી તેઓ જાણી ગયા કે શ્રીરામકૃષ્ણ ‘વાંછાકલ્પતરુ ભગવાન’ છે. એ દિવસે પરીક્ષા લેવા માટે ઠાકુરે પોતાનું શ્રીઅંગ બતાવીને એમને પૂછ્યું : ‘તમને આ બાબતમાં શું લાગે છે ?’ નાગમહાશયે કંઈ પણ દ્વિધા રાખ્યા વગર જવાબ આપ્યો : ‘ઠાકુર ! મને વધુ કંઈ કહેવું નહીં પડે. હું આપની જ કૃપાથી જાણી ગયો છું કે આપ તે જ છો.’ ઠાકુરે એ સમયે સમાધિસ્થ થઈને પોતાના બંને ચરણ એમના વક્ષ પર રાખી દીધા. નાગમહાશયને એવો અનુભવ થયો, જાણે ચારેબાજુ એક દિવ્ય જ્યોતિ ફેલાયેલી છે.

આ રીતે આવવા-જવાનું થતું રહ્યું. એક ભયંકર ગરમીના દિવસે બપોરે નાગમહાશય દક્ષિણેશ્વર પહોંચ્યા. જોયું તો ઠાકુર બપોરના ભોજન પછી આરામ કરી રહ્યા છે. નાગમહાશયને સામે જોતાં જ એમના હાથમાં પંખો આપીને ઠાકુર સૂઈ ગયા. આ બાજુ સતત પવન નાખતાં નાગમહાશયના હાથમાં પીડા થવા લાગી છતાં તેમણે પંખો નાખવાનું બંધ ન કર્યુ કેમ કે  તેમણે વિચાર્યુ કે જો તેઓ પંખો નાખવાનું બંધ કરી દે તો એમની ઊંઘમાં ખલેલ પહોંચશે .બીજી બાજુ આદેશ મેળવ્યા વગર બંધ થઈ જ કેમ શકે ! પણ ધીમે ધીમે પીડા એટલી વધી ગઈ કે હવે હાથ હલવાને જ તૈયાર થાય નહીં. બરાબર એ વખતે અંતર્યામી ઠાકુરે એમનો હાથ પકડીને રોકી લીધા. કોઈ એક બીજા દિવસે નાગમહાશય ઠાકુરના ઓરડામાં બેઠા હતા. એટલામાં ‘चिदानंद रूपः शिवोऽहं शिवोऽहम्‍’ વગેરે શંકરાચાર્ય રચિત સ્તોત્રોનો પાઠ કરતા કરતા નરેન્દ્રનાથ ત્યાં પ્રવેશ્યા. તે એક અભૂતપૂર્વ દૃશ્ય હતું.-એક બાજુ શરણાગત ભક્ત અને બીજી બાજુ વિચારપરાયણ અદ્ધૈતવાદી અને વચ્ચે સમન્વયાવતાર શ્રીરામકૃષ્ણ ! ઠાકુરે નાગમહાશયને બતાવીને નરેન્દ્રને કહ્યું, ‘આનામાં પૂરેપૂરી દીનતા છે. જરાપણ અહંકાર નથી.’ નરેન્દ્રે નિ:શંક માની લીધું અને કહ્યું : ‘આપ જ્યારે કહો છો ત્યારે તેમ જ હશે.’ બન્ને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. ભક્તે કહ્યું: ‘એમની ઇચ્છા ન હોય તો ઝાડનું એક પાંદડું પણ હલી શકતું નથી.’ જ્ઞાનીએ કહ્યું: ‘હું એમને ઓળખતો નથી. હું પ્રત્યક્ષ આત્મા છું. મારી ઇચ્છાથી જ આ વિરાટ બ્રહ્માંડ યંત્રની જેમ ચાલી રહ્યું છે.’ આ રીતે વાર્તાલાપ થવા લાગ્યો. અંતે દલીલની સમાપ્તિ કરવા માટે હસતાં હસતાં નાગમહાશયને ઠાકુરે કહ્યું :‘ જાણી લો, આ મ્યાનમાંથી નીકળેલી તલવાર છે. એના મુખે તેવી જ વાત શોભા આપે છે. નરેન તેવી વાત કહી શકે છે.’ એ વખતે નાગમહાશય જાણી ગયા કે ઠાકુરના લીલા સહાયકરૂપે અવતર્યા છે. નરેન્દ્ર મનુષ્ય નથી. એ પછી તેઓ શિવાવતાર નરેન્દ્રને પ્રણામ કરીને મૌન થઈ ગયા.

એક દિવસ દક્ષિણેશ્વરમાં બેઠા હતા ત્યારે નાગમહાશયે ઠાકુરના શબ્દો સાંભળ્યા: ‘ડોકટર, વકીલ, દલાલ વગેરેને પૂરેપૂરો ધર્મલાભ થઈ શક્તો નથી. આટલી અમથી દવામાં મન પડયું રહેશે તો વિરાટ બ્રહ્માંડની ધારણા કેવી રીતે કરી શકશે ?’ આ સાંભળતાં જ નાગમહાશયે નક્કી કરી લીધું કે ઘરે પાછાં ફરતાં જ તેઓ દવાની પેટી, ડોકટરી વિદ્યાનાં પુસ્તકો વગેરે ગંગાજળમાં ફેંકી દેશે, હંમેશ માટે સંસારના એક બંધનમાંથી મુક્ત થઈ જશે. હવે બાકી રહી ગયું સ્વેચ્છાએ લીધેલું પિતાના દફતરનું કાર્ય. એમાં એમને વધારે મહેનત કરવી પડતી ન હતી. તો પણ કામ પડતાં ખિદિરપુર કે બાગબજારની નહેરોમાં હાજર રહેવું પડતું હતું. જે  દિવસે કામ માટે જેટલો સમય જરૂરી હોય એથી વધારે ક્ષણવાર પણ ત્યાં ન રોકાતા; નહેરની એક બાજુ એકાંત સ્થળે બેસીને તેઓ જપ કરતા. બાકીના દિવસો દરમિયાન પોતાના ઘરના ગંગાજળના ઘડા પાસે બેસીને જપ ચાલતો.

એ સમયે નાગમહાશયના હૃદયમાં ત્યાગનો અગ્નિ પ્રજ્વલિત રહેવા છતાં પણ ઠાકુરના આદેશ સિવાય એનું બહાર પ્રગટવું અસંભવ હતું. દક્ષિણેશ્વર જતાં ઠાકુર એમને કહેતા : ‘તમે જનકની જેમ ગૃહસ્થાશ્રમમાં રહેશો. તમને જોઈને બીજા ગૃહસ્થો સાચો ગૃહસ્થધર્મ શીખશે.’ આથી નાગમહાશય ઠાકુરની ઇચ્છા વિરુદ્ધ સંસાર છોડી શક્યા નહીં. પરંતુ કામિની-કાંચનમાં મનને અનાસક્ત કેવી રીતે રાખી શકે ? કેમ કે આસક્તિ ધર્મના માર્ગમાં વિઘ્ન છે. પત્નીથી દૂર રહેવાથી એક વિઘ્ન તો આ સમયે નથી. પરંતુ ધન ? વિચારીને એમણે નિશ્ચય કરી લીધો કે દફતરનું કામ પણ છોડી દેશે. એમના એ કામમાં રણજિત હાજરા નામનો એક ધર્મભીરુ માણસ સહાય કરતો હતો. હવે એ કામ કરવાનું રણજિતને સમજાવીને તેઓ ધનોપાર્જનથી એકદમ નિવૃત્ત થઈ ગયા. હવે એમના આધાર હતા કેવળ ભગવાન. પાલબાબુઓએ જ્યારે સઘળું સાંભળ્યું ત્યારે એ લોકોએ નાગમહાશયને સમજાવવા પ્રયાસ કરી જોયો. પણ બધી સમજાવટ નિષ્ફળ ગઈ. તો પણ એક ધાર્મિક પરિવારને નિર્વાહની મુશ્કેલીમાં મુકાવાની શક્યતા જોઈને એ લોકોએ રણજિતને બોલાવીને સમજાવ્યો કે તેણે આવકનો અડધો ભાગ નાગમહાશયને આપવો પડશે. રણજિત નાગમહાશયનો સ્વભાવ જાણતો હતો. આથી તે આવકનો અડધો ભાગ પોતાની પાસે રાખીને બાકીનો અડધો ભાગ દેવભોગમાં દીનદયાળને મોકલી દેતો હતો.

આ બનાવ પહેલાં એક વખત નાગમહાશય દેશમાં ગયા હતા. એ વખતે એક બાજુ દીનદયાળ પુત્રના ઉદાસીન ભાવની વૃદ્ધિ જોઈને ચિંતિત થઈ ગયા હતા તો બીજી બાજુ પુત્ર પણ પિતાને કેવળ ભગવાનનું જ સ્મરણ મનન કરવા માટે સતત આગ્રહ કરી રહ્યો હતો. તે એક અપૂર્વ લીલા હતી ! એક બાંધેલી ગાયે દૂધીના વેલાને ખાવા માટે મોઢું લંબાવીને ખૂબ પ્રયત્ન કર્યો પણ તે પહોંચી ન શકી. એટલે પુત્રે ગાયને છોડી દીધીને કહ્યું : ‘ખાઓ, માતા ખાઓ.’ ગાય દૂધીનો આખો વેલો ખાઈ ગઈ. એ જોઈને પિતાએ કહ્યું : ‘ગૃહસ્થને લાભ થાય એવું કરવું તો દૂર રહ્યું પણ તેં આવું ખોટું કેમ કર્યું ? ડોકટરી તો છોડી દીધી. હવે શું ખાઈને દિવસો કેવી રીતે કાઢીશ ?’ પુત્રે જવાબ આપ્યો. ‘જે થાય તે ભગવાન કરશે.’ પિતાએ ચિડાઈને કહ્યું : ‘હા, હું જાણું છું કે હવે નાગો થઈને ફરીશ ને દેડકાં ખાઈને રહીશ.’ પુત્રે કાંઈ જવાબ ન આપ્યો. પણ પહેરેલાં કપડાં ફગાવી દીધાં અને આંગણામાં પડેલું એક મરેલું દેડકું લઈને ખાતાં ખાતાં કહ્યું : ‘આ જુઓ, આપના બંને આદેશો પાળ્યા છે. હવે હું આપના ચરણ પકડીને કહું છું. આ ઉંમરે ગૃહસ્થીની ચિંતા આપ ન કરો. બેઠા બેઠા ભગવાનના નામનો જપ કરો.’

દેશમાંથી પાછા આવ્યા બાદ નાગમહાશય બંધનમુક્ત થઈ જવાથી વારંવાર દક્ષિણેશ્વર જવા લાગ્યા. ઠાકુરના વિદ્વાન અને બુદ્ધિમાન ભક્તોમાં આવા મૂર્ખની હાજરી અયોગ્ય ગણાય એમ માનીને વિનમ્રતાની મૂર્તિ નાગમહાશય પહેલાં તો રજાના દિવસોમાં દક્ષિણેશ્વર જતા નહીં. પરંતુ હવે એ દિવસોમાં પણ જવા લાગ્યા અને ધીમે ધીમે બધાથી પરિચિત થવા લાગ્યા. આ બાજુ તપસ્યા પણ વધુ ને વધુ ઉગ્ર બનવા લાગી. શરીર પર એક માત્ર ચાદર હતી. પગમાંથી ચંપલ ચાલ્યાં ગયાં. દિવસના અંતે બે કોળિયા ખાઈને તેઓ રહેવા લાગ્યા. ભોજનમાં પણ મીઠું કે ગળ્યા પદાર્થો લેતા નહીં કેમ કે તેઓ કહેતા હતા કે : ‘એથી જીભની સુખની ઇચ્છા વધશે.’ એમના મકાનનો અડધો ભાગ મેદિનીપુર જિલ્લાના કૃતિવાસ નામના એક ચોખાના વેપારીએ ભાડે રાખ્યો હતો. એક મકાનમાં ઘણું બધું ડાંગરનું ભૂંસું પડ્યું રહેતું. નાગમહાશયે નિશ્ચય કર્યો કે તેઓ આ સહેલાઈથી મળતું ભૂંસું ખાઈને જ નિર્વાહ કરી લેશે. તેને ગંગાજળમાં પલાળીને બે દિવસ ખાધું. પણ પછી કૃતિવાસ તે જાણી ગયો. એ પછી પાપ લાગશે એ ભયથી તે ઘરમાં ભૂંસું રાખતો ન હતો. તે માણસ સાધુ સ્વભાવનો હતો. એ કારણે દરિદ્ર નાગમહાશયની પાસે ભિખારીઓ આવતા અને તેમને ખાલી હાથે પાછા જતા જોઈને તે ભિક્ષા આપી દેતો. ક્યારેક ક્યારેક તેની પણ જરૂર રહેતી નહીં કેમ કે તેઓ પોતાના ભોજન માટે રાખેલા મુઠ્ઠીભર ભાત પણ ભિખારીના હાથમાં આપી દેતા. બાહ્ય સંયમ આચરવામાં એમને માથાનો દુ:ખાવો પણ મદદરૂપ થયો હતો. એ દર્દને કારણે એમને બાકીના જીવનમાં સ્નાન કરવાનું બંધ કરવું પડ્યું હતું. એથી એમનું શરીર રુક્ષ દેખાતું હતું. ‘જીભની સુખેચ્છા વધશે’ એમ માનીને તેઓ કંઈ પણ સારું ખાવાનું ખાતા નહીં. પરંતુ પ્રસાદની બાબતમાં અપવાદ રહેતો. પ્રસાદ કરીને જો કોઈ કંઈ આપતું તો તેઓ તે વિચાર્યા વગર લઈ લેતા. એમાં વિશેષતા તો એ હતી કે પ્રસાદની સાથે પતરાળું પણ પ્રસાદરૂપે ખવાઈ જતું. આ કારણે કોઈ પણ માણસ એમને પાતળ પર પ્રસાદ આપતો નહીં., નહીં તો આપતી વખતે એ ધ્યાન રાખવામાં આવતું કે પ્રસાદ ખાવાનો પૂરો થતાં જ પાતળ ખેંચીને લઈ લેવામાં આવે. સાંસારિક બાબતોની વાતોથી એમને કષ્ટ થતું. કોઈ એ પ્રકારની વાત ઉપાડતું તો કહેતા : ‘જય શ્રીરામકૃષ્ણની. ઠાકુરનું નામ લો. શ્રીમાનું નામ લો.’ એમના મુખેથી કોઈની નિંદા સાંભળવા મળતી નહીં. એક વખત ભૂલથી કોઈની વિરુદ્ધ ચર્ચા એમના મોઢેથી થઈ ગઈ કે તુરત જ તેઓ પોતાને સજા કરવા માટે બાજુમાંથી એક પથ્થર લઈને પોતાના માથા ઉપર મારવા લાગ્યા, જેથી ચામડી કપાઈને લોહી વહેવા લાગ્યું અને એ ઘા રૂઝાતાં ઘણો સમય લાગ્યો હતો. પોતાના મનમાં આવો કોઈ વિચાર આવતાં તેઓ બીજી રીતે એનો સામનો કરતા. એક વખત રિપુ-જયને માટે ઘણા દિવસ નિર્જળ ઉપવાસ કર્યા ને પછી તેઓ રસોઈ બનાવી રહ્યા હતા. એટલામાં સુરેશબાબુ ત્યાં આવ્યા. જોગાનુજોગ એ વખતે સુરેશબાબુ વિરુદ્ધ કોઈ વિપરીત વિચાર મનમાં આવેલો, એ કારણે નાગમહાશયે ભાતની હાંડીને ચૂલા ઉપરથી ઉતારીને તોડી નાખી અને તેઓ સુરેશબાબુને વારંવાર પ્રણામ કરીને દિલગીરી વ્યક્ત કરવા લાગ્યા. એ દિવસે પણ ભોજન ન થયું. આ રીતે ઘરમાં રહીને પણ નાગમહાશય વનવાસી યોગીઓની જેમ બધી બાબતોમાં સંયમની પરાકાષ્ટા દાખવવા લાગ્યા. વાસ્તવમાં એ સમયે તેઓ યમનિયમમાં સિદ્ધ થઈ ગયા હતા. ધ્યાન ચિંતન વગેરેમાં પણ અત્યંત ઉચ્ચ ભૂમિકા હાંસલ કરી લીધી હતી. ગિરીશબાબુએ એ જોઈને એક દિવસ કહ્યું હતું : ‘અહં સાલાને લાઠી મારી મારીને નાગમહાશયે એનું માથું એકદમ ફોડી નાંખ્યું હતું - હવે એ સાલો ક્યારેય માથું ઊંચકી શકશે નહીં.’ શ્રીરામકૃષ્ણે ઉલ્લેખ કરેલ, ‘नाहं नाहं’ તૂં હું તૂં હું’ની સાધનાના તેઓ મૂર્તિમંત પ્રતીક હતા.

શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શન બાદ આ રીતે ચાર વર્ષ પસાર થઈ ગયાં. ધીમે ધીમે ઠાકુરની લીલા સમાપનનો સમય નજીક આવવા લાગ્યો. ત્યારે એમની રોગયાતના જોવાનું તો ઠીક પણ સ્મરણ કરવામાં પણ નાગમહાશયનું અંતર ચૂરેચૂરા થઈ જતું. આથી તેઓ કાશીપુર બહુ જતા ન હતા. ઘણું કરીને ઠાકુર એ જાણી ગયા હતા. એ કારણે એક દિવસ જ્યારે એમના શરીરમાં અસહ્ય બળતરા થતી હતી ત્યારે નાગમહાશય ત્યાં આવતાં ઠાકુરે એમના શીતળ શરીરના સ્પર્શથી પોતાના શરીરનો દાહ-બળતરા શાંત કરવા માટે ઇચ્છા પ્રગટ કરીને નાગમહાશયને પોતાની પાસે બેસવાનું કહ્યું. જ્યારે તેઓ પાસે બેઠા ત્યારે ઠાકુર ઘણીવાર સુધી એમના શરીરનું આલિંગન કરીને બેસી રહ્યા. બીજા એક દિવસે ઠાકુરના મનમાં સંકલ્પ જાગ્યો. રોગ મટતો નથી એ જોઈને એમણે સારવાર માટે નાગમહાશયને બોલાવી લાવવા કહ્યું. તેઓ આવ્યા ત્યારે પૂછ્યું : ‘અરે, તમે આવી ગયા ? સારું કર્યું. વૈદ્ય-ડોકટરે તો હાર માની લીધી છે. હવે તમે જુઓ, જો કંઈ ઉપકાર કરી શકો.’ નાગમહાશય અસમંજસમાં પડી ગયા. પરંતુ ક્ષણવાર સ્તબ્ધ રહીને એમણે ઉપાય વિચારી લીધો. પોતાની ઇચ્છા દ્વારા ઠાકુરના શરીરનો રોગ પોતાના શરીરમાં લઈ લેવાના હેતુથી તેઓ ઠાકુર પાસે જવા લાગ્યા. એ સમયે એમના મનમાં દૃઢ સંકલ્પ હતો. સમગ્ર શરીરમાં અપૂર્વ ઉત્તેજના હતી અને તેઓ મોઢેથી કહી રહ્યા હતા : ‘જી હા, આપની કૃપાથી હું સાજા કરી શકું છું. હવે આપનો રોગ સારો થઈ જશે.’ ઠાકુરે એમનો ઉદ્દેશ જાણીને એમને દૂર ધકેલી દીધા અને કહ્યું : ‘હા ! એવું તમે કરી શકો છો. રોગ સારો કરી શકો છો.’

ઠાકુરની મહાસમાધિના પાંચ-છ દિવસ પહેલાં તેઓ ઠાકુરને જોવા ગયા હતા ત્યારે સાંભળ્યું કે ઠાકુર મોઢામાં સ્વાદ બગડી જવાથી આંબળાં શોધી રહ્યા છે. એ ઋતુ આંબળાંની નહોતી. તો પણ નાગમહાશય જાણતા હતા કે સત્ય-સંકલ્પ પુરુષની ઇચ્છા વ્યર્થ થતી નથી. ક્યાંક ને ક્યાંક આંબળાં મળી જ જશે, આથી તેઓ ભોજન છોડીને બગીચાઓમાં ફરવા લાગી ગયા અને ત્રીજે દિવસે દૈવયોગે આંબળાં મેળવીને ઉત્સાહપૂર્વક ઠાકુર પાસે આવ્યા. ઠાકુર પણ આંબળાં હાથમાં લઈને બાળકની જેમ આનંદ કરવા લાગ્યા. પછી તેમણે નાગમહાશયને ભોજન કરાવવાનું કહ્યું. એમની આજ્ઞા મુજબ શશી મહારાજ એમને નીચે લઈ ગયા ને એમની સામે ભોજન મૂક્યું; પણ એ દિવસે એકાદશી હતી. નાગમહાશય કંઈ પણ ખાધા વગર ચૂપચાપ બેઠા રહ્યા. ઠાકુરની પાસે સમાચાર પહોંચાડ્યા. ઠાકુરે ભોજનની થાળીને પોતાની પાસે મગાવી તેમાંથી થોડું લીધું. એ પછી નાગમહાશયને કોઈ જ વાંધો રહ્યો નહીં. ‘પ્રસાદ, પ્રસાદ, મહાપ્રસાદ.’ કહીને એમણે દંડવત્ પ્રણામ કર્યા અને પછી એ પ્રસાદ ખાધો.

ઠાકુરના તિરોધાનના અસહ્ય શોકથી નાગમહાશય આહાર-નિદ્રા એટલે સુધી કે શૌચાદિનો પણ ત્યાગ કરીને પથારીમાં પડી ગયા. એ જાણીને હરિ અને ગંગાધર સાથે નરેન્દ્રનાથ એમને ત્યાં ભિક્ષા લેવા આવ્યા. નાગમહાશય તુરત ઊઠ્યા. રસોઈ બનાવી. તેમને જમવા બેસાડ્યા. પણ અનેકવાર કહેવા છતાં પણ તેઓ પોતે ચૂપચાપ બેસી રહ્યા અને ઠાકુરનાં પ્રિય સંતાનોને ભોજન કરાવીને ગૃહસ્થનું કલ્યાણ સાધવા માટે આર્તભાવે પ્રાર્થના કરવા લાગ્યા. નરેન્દ્રનાથે જણાવ્યું કે જો નાગમહાશય નહીં ખાય તો તેઓ પણ ખાધા-પીધા વગર ત્યાં બેસી રહેશે. છેવટે એમને એ લોકો સાથે થોડું ખાવું પડ્યું.

પોતાના શરીર પ્રત્યે ઉદાસીન રહેવા છતાં પણ પિતૃભક્ત નાગમહાશય જ્યારે દેશમાં જતા ત્યારે પિતાની બધી રીતે સેવા કરતા. દીનદયાળ ધીમે ધીમે અશક્ત થઈ ગયા હતા. આથી પુત્ર એમને પકડીને લઈ જતા ને સ્નાન શૌચાદિ કરાવતા. સુંદર પથારી પાથરીને એમને સુવડાવતા. તેઓ જે દિવસે જે કંઈ ખાવાની ઇચ્છા કરતા તે લાવી આપતા. એ દિવસ એમણે અન્યના મુખે સાંભળ્યું કે પિતા દુ:ખ પ્રગટ કરતાં કહે છે કે દુર્ગાચરણે તો ધનોપાર્જન ન કર્યું, નહીં તો બીજાઓની જેમ અમે પણ દુર્ગામાતાની પૂજા કરી શકત. એ દિવસથી નાગમહાશય દર વરસે દુર્ગાપૂજા, કાલીપૂજા, જગદ્ધાત્રી પૂજા, સરસ્વતી પૂજા વગેરેનું આયોજન કરતા હતા. એક વખત અર્ધોદય યોગના સમયે તેઓ કોલકાતાથી ગામમાં પાછા આવ્યા ત્યારે દીનદયાળે ખેદ પ્રગટ કરતાં કહ્યું : ‘આ તારો કેવો ધર્મ છે, હું સમજી નથી શકતો. ક્યાં લોકો આ સમયે ગંગાસ્નાન માટે કોલકાતા જાય છે અને ક્યાં તું ત્યાંથી અહીં આવતો રહ્યો ! હજુ પણ ત્રણ-ચાર દિવસનો સમય છે. તું મને ગંગાકિનારે લઈ જા.’ નાગમહાશયે ફક્ત એટલું જ કહ્યું : ‘શ્રદ્ધા વિશ્વાસ હોય તો મા ગંગા ભક્તના ઘરમાં ઉપસ્થિત થાય છે.’ આશ્ચર્યની વાત એ છે કે એ યોગના દિવસે બપોરે એમના આંગણાના એક ખૂણામાંથી પાણી નીકળ્યું ને ઉપર આવીને પ્રબળ વેગથી આંગણાને તરબોળ કરતું વહેવા લાગ્યું. લોકોની બૂમોથી નાગમહાશય બહાર આવીને જોવા લાગ્યા અને આનંદથી ઊછળીને તેમણે કહ્યું : ‘મા પતિત પાવની મા ભાગીરથી’, એટલું કહીને ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરીને તેઓ અંજલિ ભરી ભરીને ગંગાજળ માથા પર નાખવા લાગ્યા. ગામના બીજા માણસો પણ ‘ગંગા માતાની જય’ કહેતાં નાગમહાશયના ઘરના આંગણામાં આવીને ગંગાસ્નાન કરવા લાગ્યા. દીનદયાળ પણ એ પવિત્ર જળમાં સ્નાન કરીને સંતુષ્ટ થયા. એ પ્રવાહનો વેગ લગભગ એક કલાક સુધી રહ્યો.

એકાએક દૈવયોગે યોગશક્તિના આ સ્વરૂપે પ્રગટ થવા છતાંય શ્રીરામકૃષ્ણના પરમભક્ત શ્રી નાગમહાશય સિદ્ધિ પસંદ કરતા ન હતા. પૂર્વ બંગાળમાં એ દિવસોમાં વૈષ્ણવો અને તાંત્રિકોનું મહત્ત્વ વિશેષ હતું. વામાચાર અને સિદ્ધિને ધર્મનું નામ આપવામાં આવ્યું હતું. નાગમહાશય એ જાણતા હતા એટલા માટે તેઓ સિદ્ધિની નિંદા અને શુદ્ધ ભક્તિ શ્રદ્ધાની પ્રશંસા કરતા હતા. આથી બારદી ગામના બ્રહ્મચારી સાધક વગેરે એમની વિરુદ્ધમાં હતા. નાગમહાશય એ પ્રકારના સાધકોની પાસે ક્યારેય જતા નહીં. પરંતુ એક દિવસ બ્રહ્મચારીના એક ભક્તે આગ્રહ કર્યો એટલે તેઓ ત્યાં ગયા. બ્રહ્મચારીએ શ્રીરામકૃષ્ણની નિંદા કરવી શરૂ કરી. એથી નાગમહાશયના હૃદયમાં ક્રોધ ઉદ્‍ભવ્યો. તેઓ તેનો સામનો કરવા તત્પર બન્યા. પણ પછી એકાએક પોતાનો સ્વાભાવિક શાંત ભાવ ધારણ કરીને કહ્યું : ‘હાય ઠાકુર, તમારી આજ્ઞા ન માનતાં શા માટે હું સાધુદર્શન માટે આવ્યો ? શા માટે મારો આવો મતિભ્રમ થયો ?’ આટલું કહીને તેઓ પોતાને સજા કરવા માટે માથું ફોડવા લાગ્યા. પછીથી ‘હાય રામકૃષ્ણ, હાય રામકૃષ્ણ’ કહેતાં કહેતાં દોડીને ત્યાંથી ભાગી ગયા. ઘરે પાછા આવ્યા પછી એમણે એક માણસ પાસેથી સાંભળ્યું કે બ્રહ્મચારીએ શાપ આપ્યો છે કે એક વર્ષની અંદર જ તેમને લોહીની ઊલટી કરીને શરીર છોડવું પડશે. પરંતુ નાગમહાશયે એ લક્ષમાં ન લેતાં કહ્યું કે ‘એથી મારો એક વાળ પણ વાંકો નહીં થાય.’ વાસ્તવમાં એ પછી નાગમહાશય ઘણા સમય સુધી જીવ્યા હતા.

નાગમહાશય સહેલાઈથી વિચલિત થતા નહીં. પરંતુ ઠાકુરની નિંદા સાંભળતાં તે દીનથી પણ દીન મનુષ્ય અગ્નિપુરુષ બની જતા. એક વખત દેવભોગમાં એક પ્રતિષ્ઠિત માણસ એમના ઘરે આવ્યો. તે ઠાકુરની નિંદા કરવા લાગ્યો. નાગમહાશયે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે મહાશય ધીમે ધીમે નિંદાની ભાષા વધારવા લાગ્યો. એથી અધીર બનીને નાગમહાશયે એની પીઠ પર ચપ્પલ મારતાં કહ્યું : ‘સાલા, અહીંથી નીકળી જા. અહીં બેસીને ઠાકુરની નિંદા !’ તે માણસ કહેતો ગયો કે આનો બદલો તે જરૂર લેશે. પરંતુ વાસ્તવમાં તેણે તેમ ન કર્યું. તેને પોતાની ભૂલ સમજાઈ અને થોડા દિવસ પછી તે પાછો આવ્યો અને એમની માફી માગવા લાગ્યો. એથી નાગમહાશયનો ક્રોધ શાંત થયો. ગિરીશબાબુએ આ ઘટનાની વાત સાંભળીને એમને પૂછ્યું હતું : ‘આપ તો ચપ્પલ પહેરતા નથી તો આપે એ ક્યાંથી મેળવ્યું ?’ નાગમહાશયે જવાબ આપ્યો : ‘કેમ ? તેનું જ ચપ્પલ તેની પીઠ પર !’ ઠાકુરના મઠની નિંદા પણ તેઓ સહી શકતા ન હતા. એક વખત હોડીમાં તેઓ બેલુર મઠ પાસે આવ્યા ત્યારે તેને જોઈને દૂરથી પ્રણામ કરવા લાગ્યા. એ જોઈને બીજો એક માણસ મઠની નિંદા કરવા લાગ્યો. ત્યારે તેઓ અગ્નિમૂર્તિ બની ગયા અને એની સામે પોતાના બંને હાથના અંગૂઠા ફેરવીને દૃઢ સ્વરે બોલી ઊઠ્યા કે ભોગમાં આસક્ત ગૃહસ્થે આ રીતે અજાણતાં સાધુનિંદા કરવી અનુચિત છે. પરિસ્થિતિ સમજીને તે માણસ ત્યાં હોડી રોકીને ઊતરી પડ્યો.

ફૂલ ખીલે એટલે ભમરો આપમેળે આવી જાય છે. નાગમહાશય પાસે એ દિવસોમાં ઘણા પ્રતિષ્ઠિત માણસો આવતા હતા. પરંતુ નિરાભિમાની નાગમહાશય ક્યારેય ગુરુનું આસન ગ્રહણ કરતા નહીં. તેઓ સદ્‍ગૃહસ્થની રીતે અતિથિ સત્કારમાં મગ્ન રહેતા. અતિથિને તમાકુ સળગાવીને આપતા, ઊભા રહીને પંખો નાખીને પવન નાખતા. બજારમાંથી જરૂરી ભોજન સામગ્રી ખરીદીને પોતાના માથા પર ઉપાડી લાવતા. વરસાદના દિવસે બધાંથી શ્રેષ્ઠ ઓરડો અતિથિને આપતા, જ્યારે પોતે પત્ની સાથે એક તૂટ્યા ફૂટ્યા નળિયાંવાળા મકાનમાં આખી રાત બેઠા બેઠા પસાર કરતા. આવાં કાર્યોમાં તેઓ અતિથિઓની મનાઈ કે વિરોધ પર ધ્યાન આપતા નહીં. તેઓ દરિદ્ર હતા તો પણ કોઈ અતિથિ ભોજન કર્યા વગર પાછા જઈ શકતા નહીં. નાગમહાશયને શૂળનું દર્દ હતું. ક્યારેક ક્યારેક એથી હરવું ફરવું પણ મુશ્કેલ બની જતું. એક દિવસ તેઓ અતિથિઓ માટે ચોખાની પોટલી મસ્તક પર મૂકીને બજારમાંથી આવતા હતા. એટલામાં શૂળનું દર્દ શરૂ થયું. તેઓ ચાલી શકવા અશક્ત બની ગયા. ત્યાં બેઠા બેઠા જ વિલાપ કરવા લાગ્યા : ‘હાય, હાય, રામકૃષ્ણદેવે આવું કેમ કર્યું ? ઘરમાં અતિથિ આવેલા છે, એમની સેવામાં વિલંબ થઈ રહ્યો છે.’ થોડીવાર પછી પીડા ઓછી થતાં તેઓ ઘરે પાછા આવ્યા અને સેવાપરાધ માટે અતિથિઓની ક્ષમા માગવા લાગ્યા. એક વખત વધારે વરસાદને લઈને ચારેબાજુ જળબંબાકાર થઈ ગયું હતું. એ વખતે રેલગાડીથી નારાયણગંજ ઊતરીને દેવભોગ જવા માટે બીજો કોઈ ઉપાય ન જોતાં એક ભક્ત નદી તરીને રાતના નવ વાગે નાગમહાશયના ઘરે પહોંચ્યો. નાગમહાશયે એ ભક્તનો સ્નેહથી સત્કાર કરીને તુરત જ એના ભોજનની વ્યવસ્થા કરી. નળિયામાંથી પાણી ટપકતું હતું એટલે ઘરમાં સૂકાં લાકડાં ન હતાં. આથી લાચાર બનીને એમણે ઘરના એક લાકડાના થાંભલાને કાપીને રસોઈ માટે બળતણની વ્યવસ્થા કરી. પત્ની તથા અતિથિની મનાઈ પર એમણે ધ્યાન જ ન આપ્યું.

સત્યવાદી નાગમહાશય બીજાને પણ સત્યવાદી માનતા હતા. દુકાનદાર જે ભાવ કહે તે આપીને વસ્તુ ખરીદી લેતા. પરચૂરણના બાકી પૈસા પણ કોઈ પાસે માગતા નહીં. લોકો તેમને પાગલ માનતા હતા. આથી તેમને બાકીના પૈસા પાછા આપતા નહીં. તો વળી કોઈ માનતું કે આ સાધુ છે. એ કારણે બાકીના પૈસા તો પાછા આપી જ દેતા પણ ઉપરથી બધી વસ્તુઓ ઓછા ભાવે આપતા. પરંતુ નાગમહાશય એમને સાવધાન કરી કહેતા : ‘બીજાને જેટલું આપો છો, મને પણ એટલું જ આપજો. વધુ ન આપશો.’

આ રીતે ખર્ચ વધારે થવાને કારણે નાગમહાશયને દેવાદાર થવું પડ્યું. મિત્રો તેમને દેવું યાદ કરાવીને ભવિષ્યમાં ચોક્કસ રહેવા કહેતા ત્યારે તેઓ તેમને કહેતા: ‘નહીં મળે તો નહીં ખાઉં, પણ ગૃહસ્થનો ધર્મ છોડી શકું નહીં !’ શ્રીરામકૃષ્ણે એમને ઘરમાં રહીને ઉચ્ચ આદર્શવાળા ગૃહસ્થ બનવા માટે કહ્યું હતું. આથી એમના વચનથી વિરુદ્ધ જવાની એમની શક્તિ ન હતી. તે એટલે સુધી કે એક દિવસ બલરામબાબુએ એમને પુરીધામ લઈ જવા માટે જિદ્દ કરી ત્યારે એમણે કહ્યું હતું : ‘ઠાકુર ઘરમાં રહેવા માટે કહી ગયા છે. એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું મારી શક્તિ બહારનું છે.’ એ આદર્શરૂપ ગૃહસ્થનું ઋણ ચૂકવવા માટે સ્વામી વિવેકાનંદ આગળ આવ્યા ત્યારે નાગમહાશયે એમને જણાવી દીધું કે સંન્યાસીનું ધન તેઓ નહીં લઈ શકે.

તેઓ બીજાની સેવા પણ લેતા ન હતા. એટલે સુધી કે તૂટેલા મકાનની મરામત માટે નીમેલા મજૂરને પણ તેઓ કામ કરવા દેતા નહીં. પણ એ માટે પોતે જ દુ:ખ વેઠતા. એક વખત એમનાં પત્નીએ છાપરાની મરામત કરવા એક મજૂરને રોક્યો હતો. તેને જોઈને નાગમહાશય પોતાનું કપાળ કૂટતાં હાય હાય કરવા લાગ્યા : ‘હાય ઠાકુર, તમે શા માટે મને આવા ગૃહસ્થાશ્રમમાં રાખ્યો ? મારા સુખ માટે બીજો માણસ મહેનત કરશે ? એ પણ મારે જોવું પડ્યું.’ પરિસ્થિતિ સમજીને મજૂર છાપરા પરથી ઊતરી આવ્યો. નાગમહાશયે તેને બેસાડ્યો. પછી તમાકુ સળગાવીને પિવડાવી અને પૂરી મજૂરી આપીને ઘરે મોકલી દીધો. આવી સ્થિતિમાં કાં તો તેમને તૂટેલા ઘરમાં રહેવું પડતું, નહીંતર એમની ગેરહાજરીમાં ઘરની મરામત કરવામાં આવતી. હોડીમાં બેસીને ક્યાંય જવાનું થતું તો તેઓ પોતે હોડી ચલાવતા, ખલાસીને ચલાવવા દેતા નહીં. કોઈ ધર્મભીરુ વ્યક્તિ સાધુને પરિશ્રમ કરવા દઈને પાપ કમાવા કરતાં તેમને હોડીમાં બેસાડતી જ નહીં. આ રીતે આ અદ્‍ભુત સાધુના જીવનમાં હંમેશાં આવી જટિલ સમસ્યા આવ્યા જ કરતી.

અહિંસામાં તેઓ એવા સ્થિત હતા કે પક્ષી પણ ડર્યા વગર એમના હાથ પર બેસીને દાણા ચણી લેતાં હતાં. એક વખત આંગણામાં એકાએક એક સાપ દેખાયો. નાગમહાશયની પત્નીએ એને મારી નાખવા નિશ્ચય કર્યો. પણ નાગમહાશય ચપટી વગાડતા વગાડતા એ સાપને રસ્તો દેખાડીને આગળ ને આગળ લઈ ગયા અને તે સાપ પણ અવાજની પાછળ પાછળ દૂર દૂર ચાલ્યો ગયો. એક વખત ઘરની પાછળની જાળીમાં ઊધઈ લાગી ગઈ હતી. એક ભક્તે તે જોરથી હલાવીને તેનો રાફડો તોડી નાખ્યો. નાગમહાશય તુરત જ વ્યથિત થઈને બોલી ઊઠ્યા : ‘હાય, હાય, આપે આવું કેમ કર્યું ?’ એ પછી ઊધઈ પાસે જઈને બોલવા લાગ્યા : ‘આપ લોકો ફરીથી રાફડો બાંધી લો.’ થોડાક જ દિવસમાં તે જાળી ઊધઈ દ્વારા ખવાઈ જવાથી તૂટી ગઈ. તો પણ તેઓ કોઈનેય એમાં હાથ લગાવવા દેતા ન હતા. મચ્છર, માખી, માંકડ વગેરેને મારવાં તો દૂરની વાત છે, પણ શ્વાસની સાથે નાના નાના અદૃશ્ય જીવો મરી જાય એ ભયથી તેઓ હંમેશાં સાવધ રહેતા અને રસ્તે ચાલતાં એટલી કાળજી રાખતા કે જેથી કોઈ નાનાં જીવડાં વગેરે ચગદાઈ ન જાય. એક વખત પક્ષીઓના શિકાર માટે કેટલાક અંગ્રેજો દેવભોગમાં આવ્યા હતા. પહેલાં તો તેમણે તેઓને શિકાર કરવાની મનાઈ કરી. વારંવાર મનાઈ કરવા છતાં પણ એ લોકોએ બંદૂક ઉપાડી એટલે તેમણે એકાએક ઝાટકો મારીને બંદૂક ઝૂંટવી લીધી. પણ પછી એક મિત્ર મારફત એ પાછી મોકલાવી. આથી એ સાહેબ લોકો થોડા શાંત તો થયા; પણ એમને સજા કરવા અંગે વિચાર કરવા લાગ્યા. અંતે સદ્‍ભાગ્યે એમનો સાચો પરિચય મેળવીને તેઓ વધારે આગળ ન વધ્યા. એટલું જ નહીં, પણ એ બાજુ જવાનું પણ એ લોકોએ બંધ કરી દીધું.

શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી નાગમહાશયે દેશમાં આવીને જુદી કુટિર બનાવીને એકાંતવાસ સેવવાની કલ્પના કરી હતી. પરંતુ એમની પત્નીએ જણાવ્યું કે તેમણે એમની ઇચ્છા વિરુદ્ધ ક્યારેય કંઈ કર્યું નથી, તો એ કારણે જુદું ઘર બનાવવાની જરૂર નથી. ખાતરી મેળવીને નાગમહાશય પોતાના જ ઘરમાં રહી ગયા. આ બાજુ દીનદયાળે વંશલોપના ભયથી વ્યાકુળ થઈને ગુરુવંશના નવીનચંદ્ર ભટ્ટાચાર્ય મારફત પુત્રને એ બાબતમાં આગ્રહ કરાવ્યો. સાંભળતાં જ નાગમહાશય ઈંટ લઈને પોતાના માથા પર ઠોકતાં કહેવા લાગ્યા : ‘ગુરુકુળના સાધક થઈને આપ આવો અનુચિત આદેશ આપી રહ્યા છો ?’ ઘા લાગવાથી કપાળની ચામડી કપાતાં લોહી વહેવા લાગ્યું. આ જોતાં જ નવીનચંદ્રે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો. નાગમહાશયના દેહાવસાન પછી એમની પત્નીએ કહ્યું હતું : ‘એમના શરીર કે મનમાં ક્યારેય કોઈ પ્રકારનો માનવીય વિકાર જોવામાં આવ્યો ન હતો. તેઓ આગમાં રહેતા હતા ખરા, પણ ક્ષણભર માટે પણ એમનું શરીર દાઝ્યું નથી.’ નાગમહાશય પોતે આ બાબતમાં ક્યાં સુધી સાવધાન હતા એની ઝલક એક પ્રસંગ દ્વારા મળે છે. એમની પાસે ઘણીવાર એક પ્રૌઢ વિધવા આવતી હતી. થોડા દિવસોમાં જ નાગમહાશય સમજી ગયા કે એનો હેતુ ખરાબ છે. તુરત જ તેમણે પોતાની પત્નીને કહ્યું : ‘હાય, હાય, કાગડાં, કૂતરાં પણ આ હાડમાંસની ઠાઠડી ખાવા ઇચ્છતાં નહીં હોય અને એના પર એને આવો ભાવ કેવી રીતે થયો ?’ નાગમહાશયની પત્નીએ એ સ્ત્રીને ત્યાં આવવાની મનાઈ કરી દીધી. પહેલાં જ કહેવામાં આવ્યું છે કે પુત્રનો વૈરાગ્ય જોઈને દીનદયાળ ક્યારેક ક્યારેક તેમને ધમકાવતા હતા. એક દિવસ તિરસ્કારનું પ્રમાણ વધી જવાથી નાગમહાશયે જણાવી દીધું કે સ્ત્રી-સંગ એમણે ક્યારેય કર્યો નથી અને કરશે પણ નહીં કેમ કે સંસારના સુખથી તેઓ પૂર્ણ રીતે વિરક્ત છે. એટલું કહેતાં કહેતાં તેઓ વસ્ત્રો કાઢીને ‘नाहं’ ‘नाहं’ મંત્ર બોલતાં ઘરમાંથી નીકળી ગયા. આ બાજુ એમની સાધ્વી પત્ની રડવા લાગી. એ પછી બીજા લોકો એમને સમજાવી પટાવીને ઘરે લાવ્યા.

સાધન-રાજ્યની જેમ અનુભૂતિ રાજ્યમાં પણ તેઓ ઉચ્ચભૂમિ પર આરૂઢ થયા હતા. એક વખત સરસ્વતી પૂજાના દિવસે તેઓ એક ભક્તની સાથે દેવ-દેવીઓ અને એમની કૃપાથી થતા સિદ્ધિલાભની વાત કરી રહ્યા હતા. સાંભળીને શ્રોતાએ વિચાર્યું : ‘આમની અનુભૂતિ ફક્ત દેવ-દેવીઓના રાજ્યમાં જ સીમાબદ્ધ છે. તે સસીમને ઉલ્લંઘીને અસીમ નિર્ગુણ ભાવમાં પહોંચી શકી નથી.’ એટલામાં કોઈ કામ માટે નાગમહાશય બહાર નીકળી ગયા. એમને પાછા ફરવામાં મોડું થયેલું જોઈને પૂર્વોક્ત ભક્ત પણ બહાર નીકળી આવ્યા. એમણે મકાનની પાછળ જઈને જોયું કે રસોડાની પાછળ આંબાના ઝાડની નીચે નાગમહાશય ઊભા ઊભા ભાવાવેશમાં કહી રહ્યા છે : ‘શું મારી મા, માટીની (સરસ્વતી પૂજનને માટે પરાળ ઉપર માટી લગાવીને મૂર્તિ બનાવવામાં આવે છે.) મૂર્તિમાં બંધાયેલી છે ? તે તો અનંત સચ્ચિદાનંદમયી, મહાવિદ્યાસ્વરૂપિણી છે.’ એટલું કહેતાં તેઓ એકદમ બેભાન થઈને પડી ગયા. અરધા કલાક પછી સમાધિ છૂટી. ભક્તની શંકા નિર્મૂળ થઈ ગઈ. તેની પાસેથી આ વર્ણન સાંભળીને નાગમહાશયનાં પત્નીએ તેમને કહ્યું : ‘બેટા, તમે તો આજે આવી અવસ્થા જોઈ છે. પણ રોજે રોજ બેત્રણ પ્રહર વીતવા છતાં પણ એમની ચેતના પાછી નથી આવતી.’

નાગમહાશય કોલકાતા આવતા ત્યારે આલમબજાર મઠમાં જઈને સાધુઓને મળતા અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપમાં ઘણો સમય ગાળતા. એક વખત બેલુરમાં નીલામ્બરબાબુના બગીચાની અંદર જઈને તેમણે શ્રીમાતાજીનાં ચરણદર્શન કર્યાં હતાં. કેળાનાં પાંદડાંની જેમ કંપતાં એમના શરીરને પકડીને સ્વામી પ્રેમાનંદજી શ્રીમા પાસે લઈ ગયા હતા. એ દિવસે એમણે લાવેલું મિષ્ટાન્ન (સંદેશ) શ્રીમાએ ગ્રહણ કર્યું હતું અને પોતાના હાથેથી એમને પ્રસાદ પણ ખવડાવ્યો હતો. એ કારણે પાછા ફરતી વખતે નાગમહાશય ભાવમાં વિભોર થઈને વારંવાર કહેતા હતા : ‘બાપ કરતાં મા દયાળુ છે, બાપ કરતાં મા દયાળુ છે.’ ઠાકુરની મહાસમાધિ પછી પણ તેઓ દક્ષિણેશ્વર જતા હતા. પરંતુ ઠાકુરના ઓરડામાં ફક્ત એક જ વાર ગયા હતા અને ત્યારે પૂર્વસ્મૃતિ જાગતાં તેઓ વિરહથી અત્યંત વ્યાકુળ થઈ ગયા હતા. એ કારણે એ ઘરમાં તેઓ ફરી ક્યારેય જઈ ન શક્યા. તેઓ દૂરથી પ્રણામ કરીને ચાલ્યા જતા. કાશીપુરના ઉદ્યાનગૃહ બાગવાળા જે મકાનમાં ઠાકુર મહાસમાધિમાં લીન થઈ ગયા હતા, એનાં દર્શનથી પણ એવો ભાવ એમનામાં જાગી જતો, આથી તેઓ એ રસ્તે પણ ચાલી શકતા ન હતા. ગિરીશબાબુએ એક વખત એમને એક કામળો આપ્યો હતો. પરંતુ ભક્તના તે દાનનો સાધારણ રીતે ઉપયોગ કરી અશ્રદ્ધા પ્રદર્શિત કરવાને બદલે તેને મસ્તક પર ધારણ કરી લેવો જ સારો એમ તેઓ માનતા હતા. શ્રીમાએ આપેલું એક વસ્ત્ર પણ એ રીતે એમનું શિરોભૂષણ બન્યું હતું. એક વખત તેઓ શ્રીમા માટે બાગબજારમાં મીઠાઈ અને વસ્ત્ર લઈ જતા હતા ત્યારે રસ્તામાં શૂળદર્દ શરૂ થતાં તેઓ બે કલાક સુધી એક ચબૂતરા પાસે હાય હાય કરતા પડ્યા રહ્યા. તો પણ મા માટે લાવેલી વસ્તુઓ તેમને આપ્યા વગર ઘરે પાછા ગયા નહીં. એ દિવસે ઘરે પાછા ફરતાં રાતના નવ વાગી ગયા હતા.

નાગમહાશય જેવા ભક્ત હતા એવા સેવાપરાયણ પણ હતા. કોલકાતામાં પ્લેગની મહામારી ફેલાવાથી પાલબાબુઓ એમના પર મકાનનો ભાર સોંપીને સ્વદેશ ચાલ્યા ગયા હતા. એક રસોઈયો બ્રાહ્મણ, એક બ્રાહ્મણ કર્મચારી અને એક નોકર સાથે નાગમહાશય એ મકાનમાં રહેવા લાગ્યા. થોડા દિવસોમાં એ બ્રાહ્મણ કર્મચારીને પ્લેગ થઈ ગયો. નાગમહાશયે એની ખૂબ સેવા કરી. મૃત્યુ પહેલાં બ્રાહ્મણે ગંગાયાત્રાની ઇચ્છા પ્રગટ કરી. કોઈ બીજો માણસ ન મળતાં તેઓ એકલા જ તેને ગંગાઘાટ પર લઈ ગયા. તેને ગંગાપ્રાપ્તિ થઈ પછી પોતે જ એના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરી. એ કામમાં એમના લગભગ પચીસ રૂપિયા ખર્ચાયા. એ સમયે એમનું કામ જોઈને એક સજ્જને કહ્યું હતું : ‘આ એકદમ પાગલ છે.’ એ પછીના પ્રસંગથી પણ એમના પાગલપણાની સાબિતી મળે છે.

એક વખત પાલબાબુ એમને ભોજેશ્વર ગામમાં લઈ ગયા હતા. પાછા વળતી વખતે એમને આઠ રૂપિયા સ્ટીમરનું ભાડું અને એક કામળો આપ્યાં. નાગમહાશય સ્ટેશન પર ટિકિટ ખરીદવા ગયા ત્યારે એક ભિખારણ ત્રણ-ચાર બાળકોને લઈને ભીખ માગવા ત્યાં આવી. તેની દુર્દશા જોઈને નાગમહાશયે પોતાની પાસે રહેલા ટિકિટના આઠ રૂપિયા અને કામળો તે ભિખારણને આપી દીધાં અને તેઓ પગે ચાલીને કોલકાતા જવા નીકળી પડ્યા. ત્યારે એમની પાસે કુલ સાડાસાત આના હતા. નદીઓ પાર કરવા તેઓ હોડીમાં બેસતા. એનાય પૈસા જ્યારે ખલાસ થઈ ગયા તો તરીને નદી પાર કરવા લાગ્યા. રસ્તામાં કોઈ મંદિર મળી જતું તો ત્યાં પ્રસાદ લઈ લેતા અને નહીં તો મમરા-ધાણી ખાઈને ચલાવી લેતા. આ રીતે તેઓ ૨૯ દિવસે કોલકાતા પહોંચ્યા. બીજી વખતે તેઓ નોંધણી કામ માટે ખિદિરપુર ગયા હતા. ત્યાં પરિશ્રમ કરીને, ભૂખ્યા રહીને તેર આના ભેગા કર્યા હતા. એ પણ કિલ્લાના મેદાનમાં એક માણસને આપી દીધા અને પોતે ખાલી હાથે ઘરે પાછા આવ્યા હતા.

ગૃહસ્થની આકરી કસોટી તો મુશ્કેલીમાં થાય છે. એક વખત ચૈત્ર મહિનામાં બાજુના મકાનમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ નાગમહાશયના મકાનના છાપરા પર પડવા લાગી. પડોશીઓ એમને બચાવવા પ્રયત્ન કરવા લાગ્યા. નાગમહાશયની પત્ની ભયભીત થઈને કપડાંલત્તાં વગેરે જલદી જલદી બહાર કાઢી લાવ્યાં. એ વખતે નાગમહાશય ‘ઠાકુરની જય, ઠાકુરની જય’ બોલતાં બોલતાં પોતાના આંગણામાં તાલ દઈને નાચવા લાગ્યા અને કહેવા લાગ્યા. ‘હજુ પણ અવિશ્વાસ ? બ્રહ્મા સ્વયં આજે ઘરની પાસે આવ્યા છે. એમની તો પૂજા કરવી જોઈએ. એવું ન કરતાં મામૂલી વસ્તુઓ લઈને તમે લોકો ગભરાઈ રહ્યા છો !’ ‘જાકો રાખે સાઈયા મારિ ન સકે કોઈ’ રામ રાખે તેને કોણ ચાખે - ભાગ્ય યોગે અગ્નિદેવ પાસેનું ઘર બાળીને જ શાંત થઈ ગયા - નાગમહાશયના ઘરના તણખલાને પણ એમણે સ્પર્શ કર્યો નહીં.

નાગમહાશયનું શુભનામ ચારેબાજુ ફેલાઈ ગયું હતું. પરંતુ તેથી તેમનામાં લેશ પણ અભિમાન આવ્યું ન હતું. આંગણામાં કીર્તન થતાં ત્યારે તેઓ હાથ જોડીને ખૂણામાં ઊભા રહેતા કે તમાકુ સળગાવી - સળગાવીને લોકોને પિવડાવતા. ગિરીશબાબુ ઘરે આવે તો તેઓ સમાન આસન પર ન બેસતાં જમીન પર નીચે બેસી જતા. એક વખત સ્વામી નિરંજનાનંદે ઠાકુરની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું હતું: ‘કોઈ મનુષ્ય જો પોતાને હીન માનવા લાગે તો તે હીન જ થઈ જાય છે. એ કારણે નાગમહાશયે તેવું વિચારવું અયોગ્ય છે.’ આના જવાબમાં નાગમહાશયે કહ્યું હતું : ‘જો જંતુ પોતાને જંતુ માને તો તેમાં સત્યની મર્યાદા લોપાતી નથી. આ રીતે પોતાને નાના માનવાથી સત્યનો વિરોધ થતો નથી. એ કારણે કોઈપણ દોષ લાગતો નથી.’ મહાકવિ ગિરીશચંદ્રે એ કારણે કહ્યું હતું : ‘નરેન અને નાગમહાશયને બાંધવા જતાં મહામાયા મોટી મુશ્કેલીમાં પડી ગઈ છે. નરેનને તે જેટલો બાંધે તેટલો જ તે મોટો થઈ જાય છે અને માયાની દોરી ટૂંકી પડી જાય છે. અંતે નરેન એટલો મોટો થઈ ગયો કે માયાને હતાશ થઈને એને છોડી દેવો પડ્યો. એ પછી મહામાયા નાગમહાશયને પણ બાંધવા લાગી. પરંતુ તેમને તે જેટલા બાંધતી હતી તેટલા જ નાગમહાશય નાના થતા જતા હતા. ધીમે ધીમે તેઓ એટલા બધા નાના થઈ ગયા કે માયાજાળનાં છિદ્રોમાંથી તેઓ બહાર નીકળી આવ્યા.’ નાગમહાશયની કૃપાથી અનેક મનુષ્યો આધ્યાત્મિક જીવનમાં વિશેષ ઉન્નત થયા હતા. પરંતુ તેઓ કોઈનેય દીક્ષા આપતા ન હતા. કોઈ તેમને ગુરુ તરીકે સંબોધન કરતું તો કહેતા : ‘હું ક્ષુદ્ર છું, ક્ષુદ્ર છું, શું જાણું?’ એમ કહીને માથું ફોડવા લાગતા. તેઓ કહેતા હતા : ‘આપ બધા ચરણરજ દઈને મને પવિત્ર કરવા આવ્યા છો. ઠાકુરની કૃપાથી મને આપ બધાનું દર્શન થયું.’

દીનદયાળના અંતિમ સમયે નાગમહાશય દેવભોગમાં જ હતા. પુત્રના એકનિષ્ઠ પ્રયત્નોથી એમના જીવનના અંતિમકાળમાં સંસારની આસક્તિ દૂર થઈ ગઈ હતી. તેઓ સંધ્યા-વંદન, પૂજા પાઠ જ કરતા રહેતા તેમજ તુલસીની માળાથી જપ કરતા રહેતા. એંશી વર્ષની ઉંમરે તેઓ પક્ષઘાતના રોગથી મૃત્યુ પામ્યા. પિતાનાં શ્રાદ્ધ વગેરે કાર્યો માટે નાગમહાશયને તત્પર જાણીને એમના ગુણમુગ્ધ લોકો ધન એકઠું કરવાના પ્રયત્નો કરવા લાગ્યા. પરંતુ એમણે એ લોકોને મનાઈ કરી દીધી. તેમણે પોતે જ પૈસા ઉછીના લઈને, મકાન ગીરવે મૂકીને યોગ્ય રીતે શ્રાદ્ધ વગેરે ક્રિયા પૂરી કરી. પછી ગયાધામ જઈને પિંડદાન પણ કર્યું હતું. પરંતુ પોતાના અંતિમ દિવસો સુધી તેઓ બધું દેવું ચૂકતે કરી શક્યા ન હતા.

એ પછી ત્રણ વર્ષ બાદ એમનો પણ જવાનો સમય આવ્યો. શૂળદર્દ ને અતિસારને કારણે એમને લાચાર થઈ જવું પડ્યું; તો પણ શિયાળાની રાતેય તેઓ વરંડામાં આખી રાત પડ્યા રહેતા. રોગ વધ્યા પછી તેઓ ઘરની અંદર સૂતા જ નહીં. કોઈની સેવા પણ તેઓ લેતા નહીં. છેવટના કેટલાક દિવસો સુધી તેઓ ધર્મપ્રસંગ તથા ગીતા-ઉપનિષદ વગેરેની ચર્ચા સાંભળવામાં મગ્ન રહેતા. તેમ છતાં પણ અતિથિ આવતાં રોગશય્યા પર પડ્યા રહીને પણ એમની દેખરેખ તથા સેવા વગરેની વ્યવસ્થા કરતા હતા. ધર્મની ઊંચી વાતો કે સંગીત સાંભળતાં તેઓ ભાવાવેગને કારણે બાહ્યભાન ખોઈ બેસતા. એ વખતે સ્વામી સારદાનંદજી ઢાકામાં હતા. તેઓ ઘણીવાર નાગમહાશયને મળવા આવતા. એક દિવસ તેમણે ‘શિવ સંગે સદા રંગે’, ‘મજલો આમાર મન ભ્રમરા’ તથા ‘ગયા ગંગા પ્રભાસ આદિ’ આવાં ત્રણ ભજન ગાયાં હતાં. નાગમહાશય એ સાંભળતાં જ સમાધિસ્થ થઈ ગયા. એક દિવસ નાગમહાશયના મનમાં રક્ષાકાલીની પૂજા કરવાની ઇચ્છા જાગી. તેની મૂર્તિ તૈયાર થતાં મગાવવામાં આવી અને સ્વામી સારદાનંદજીની સૂચનાથી નાગમહાશયનાં દર્શન માટે એમની સન્મુખ પ્રતિષ્ઠિત કરવામાં આવી. એ મૂર્તિને જોતાં જ તેઓ ‘મા મા’ કહેતાં ભાવસમાધિમાં મગ્ન થઈ ગયા. એ રાતે એ સમાધિ ઊતરતાં બે કલાકનો સમય લાગ્યો હતો.

દેહત્યાગના ત્રણ દિવસ અગાઉ તેમણે પંચાંગ મગાવ્યું અને જાણી લીધું કે પોષ માસની ૧૩ તારીખના ૧૦ વાગ્યા પછી યાત્રા માટે શુભ મુહૂર્ત છે. એ જાણીને એમણે પંચાંગ વાંચી સંભળાવતાં શ્રીયુત શરત્‍ચંદ્ર ચક્રવર્તીને કહ્યું : ‘જો આપ આજ્ઞા આપો તો હું એ દિવસે મહાયાત્રામાં પ્રસ્થાન કરીશ.’ શુભ મુહૂર્ત નક્કી થઈ જવાથી તેઓ નિશ્ચિંત બની ગયા. મૃત્યુના બે દિવસ અગાઉ રાતે બે વાગ્યે એમણે આંખો ખોલી અને એકાએક શરદ્‍બાબુને કહ્યું : ‘આપે જે જે તીર્થોનાં દર્શન કર્યાં છે, તેનાં એક એક કરીને નામ કહો. હું પણ દર્શન કરું.’ શરદ્‍બાબુએ ધીમે ધીમે એક એક કહેતાં હરિદ્વાર, પ્રયાગ, સાગરસંગમ, કાશીધામ, જગન્નાથ વગેરે ક્ષેત્રોનાં નામ જણાવ્યાં. નાગમહાશય ભાવવિભોર બનીને એ તીર્થોનું વર્ણન કરવા લાગ્યા જાણે સાચેસાચ તેઓ તેમને પ્રત્યક્ષ જોઈ રહ્યા છે; અને સાથે સાથે બાહ્યભાન ખોઈ બેઠા. એ પછી ઈ.સ. ૧૮૯૯ના ૨૭મી ડિસેમ્બર સવારે નવ વાગે નાભિશ્વાસ શરૂ થયો. એમની આંખો થોડી લાલ દેખાવા લાગી. હોઠ કંપવા લાગ્યા. જાણે કોઈ ઉચ્ચારણ કરી રહ્યા છે. અડધા કલાક પછી એમની દૃષ્ટિ નાસિકાગ્રમાં સ્થિર થઈ ગઈ. શરીરમાં રોમાંચ થવા લાગ્યો. નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. ધીમે ધીમે ૧૦ વાગ્યા પછી થોડી મિનિટો બાદ તેમનો પ્રાણવાયુ નીકળી ગયો, નાગમહાશય મહાસમાધિમાં લીન થઈ ગયા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda