Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

શંભુચરણ મલ્લિક

શ્રીયુત શંભુચરણ મલ્લિક (‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’ સાધકભાવમાં શંભુચરણ તથા એ ગ્રંથના ગુરુભાવ, પૂર્વાર્ધમાં શંભુચન્દ્ર નામનો ઉલ્લેખ છે. ઉત્તરાધિકારીઓના દસ્તાવેજોની હસ્તપ્રતોમાં ‘શંભુનાથ’નામ પણ જોવા મળે છે.) મહાશયના પિતાનું નામ સનાતન મલ્લિક હતું, તેઓ પિતાના એકના એક પુત્ર હતા. જ્ઞાતિએ તેઓ સોની વાણિયા હતા. એમનું ઘર કોલકાતાની સિંદુરીયાપટ્ટી મહોલ્લામાં હતું. દક્ષિણેશ્વરના કાલીમંદિરની નજીક એમનું જે બગીચાવાળું મકાન હતું ત્યાં પણ તેઓ ઘણીવાર રહેતા હતા. બ્રાહ્મોસમાજમાં ખાસ કરીને કેશવચન્દ્ર સેન સાથે તેમને ગાઢ સંબંધ-મિત્રતા હતી. તેઓ એક વિદેશી વ્યાપારીની ઓફિસમાં કામ કરતા હતા અને ત્યાં પુષ્કળ ધન કમાયા હતા. તેઓ દાન, ચરિત્ર તથા ભક્તિ માટે લોકોમાં સુપ્રસિદ્ધ હતા. શ્રીમંત હોવા છતાં પણ તેઓ બાગબજારથી પગે ચાલીને દક્ષિણેશ્વરના મકાનમાં જતા. કોઈએે એમને કહ્યું : ‘આટલો દૂરનો રસ્તો છે તો ઘોડાગાડીમાં કેમ નથી આવતા? કદાચ કોઈ અકસ્માત-દુર્ઘટના થાય તો ?’ એથી શંભુબાબુએ આંખ-મોઢું લાલ કરીને જવાબ આપ્યો : ‘શું કહ્યું ? એમનું (ભગવાનનું) નામ લઈને નીકળ્યો છું, પછી અકસ્માત ?’ આવો એમનામાં ઈશ્વર પ્રત્યે દૃઢ વિશ્વાસ હતો. એમનું દાન અસીમ હતું. કોઈ યાચક ખાલી હાથે પાછો કરતો નહીં. બ્રાહ્મસમાજ સાથે સંપર્ક હોવાથી ધર્મની બાબતમાં એમનું મન અત્યંત ઉદાર હતું. તેઓ ઘણીવાર ‘બાઈબલ’ વગેરે વાંચતા. શ્રીયુત કેશવચંદ્ર સાથે તેઓ એક વખત શ્રીરામકૃષ્ણ પાસે ગયા હતા. કાલીમંદિર પાસે રહેતા હતા તેથી ઠાકુરની સાથે એમનો અનાયાસે - સહેજમાં જ પરિચય થઈ ગયો હતો. ઠાકુર ઘણીવાર એમના મકાનમાં જતા અને ત્યાં ઘણો સમય ભગવત્‍ પ્રસંગમાં વિતાવતા. આથી મલ્લિક મહાશયે એક દિવસ શ્રીરામકૃષ્ણને કહ્યું હતું : ‘તમે અહીં આવો છો, મારી સાથે વાર્તાલાપ કરીને આનંદ પામો છો એટલા માટે આવો છો.’ ભક્ત જે રીતે ભગવાનને ચાહે છે, એ રીતે તે વિચારથી પણ આનંદ પામે છે કે ભગવાન પણ એની શોધ કરે છે.

શંભુબાબુ સાથે પરિચય થતાં પહેલાં જ ઠાકુર યોગારૂઢ અવસ્થામાં જાણી ગયા હતા કે જગદંબાની ઈચ્છાથી એક ભાગ્યવાન વ્યક્તિ એમના સેવક કે કોઠારી નિયુક્ત થશે. ‘તેઓ ગોરા રંગના પુરુષ હશે અને તેમના માથા પર તાજ હશે.’

જ્યારે ઘણા દિવસો પછી મલ્લિક મહાશય સાથે પરિચય થયો તો ઠાકુર જાણી ગયા : ‘મેં પહેલાં ભાવાવસ્થામાં આમને જ જોયા હતા.’ શ્રીયુત મથુરાનાથ વિશ્વાસના દિવંગત થયા પછી (૧૮૭૧ ઈ. ૧૬મી જુલાઈ) પાણિહાટી નિવાસી શ્રીયુત મણિમોહન સેન થોડા દિવસ સુધી ઠાકુરનો જરૂરી સામાન મોકલી દેતા હતા. પરંતુ થોડા દિવસો પછી શંભુબાબુએ એ કામ પોતાના હાથમાં લઈ લીધું. તેથી મણિમોહન વધારે દિવસ એ સેવાનો લાભ મેળવી શક્યા નહીં. એ સમયથી લઈને ઈ.સ.૧૮૭૭માં શરીર છોડ્યું ત્યાં સુધી શંભુબાબુ એકનિષ્ઠ ભાવે ઠાકુર અને શ્રીમાતૃદેવીની સેવામાં સમર્પિત રહ્યા. એ લોકોની કોઈ પણ પ્રકારની જરૂરિયાત જેમ કે ભોજનની વસ્તુઓ કે કોલકાતા જવા-આવવાનું ગાડી ભાડું વગેરે જણાતાં તેઓ તુરત જ આપી દેતા. એમણે ઠાકુર પાસેથી જ આધ્યાત્મિક સંપત્તિ મેળવી હતી એ વાતનું સ્મરણ કરીને તેઓ ઠાકુરને ‘ગુરુજી’ કહીને સંબોધન કરતા. એથી ચિડાઈને ઠાકુર કહેતા : ‘કોણ કોનો ગુરુ છે ? તમે જ મારા ગુરુ છો.’ શંભુબાબુ એ સાંભળીને પણ ધ્યાનમાં ન લેતાં, પોતાના ભાવથી જ ગુરુજીની સાથે ભાવનું આદાન-પ્રદાન કરતા હતા. મલ્લિક-પત્ની પણ ઠાકુર અને શ્રી માતૃદેવી પ્રત્યે વિશેષ ભક્તિભાવ રાખતાં હતાં અને દક્ષિણેશ્વરમાં શ્રીમાના વસવાટ દરમિયાન દર મંગળવારે એમને પોતાના ઘરે લઈ જતાં અને દેવીરૂપે એમની ષોડશોપચારથી શ્રીચરણપૂજા કરતાં હતાં.

શ્રીમા કાલિમંદિરમાંના એક નોબતખાનાના એક નાના ઓરડામાં કેટકેટલી તકલીફોમાં દિવસો પસાર કરે છે એ જોઈને શંભુબાબુએ એ કાલીમંદિરના બગીચાની પાસે એક ટુકડો જમીન અઢીસો રૂપિયામાં પટ્ટા પર લીધી. પછીથી એમણે નેપાળ રાજ્ય સરકારના ઉચ્ચપદના અધિકારી તથા શ્રીરામકૃષ્ણના ભક્ત કેપ્ટન શ્રીયુત વિશ્વનાથ ઉપાધ્યાયની મદદથી એ જમીન પર શ્રીમાને રહેવા યોગ્ય એક કુટિર તૈયાર કરી દીધી. ઈ.સ.૧૮૭૬ની ૧૧મી એપ્રિલે એ જમીન અને મકાનનું દાનપત્ર લખી આપ્યું. બીજી રીતે પણ તેઓ શ્રીમાતૃદેવીની સેવા માટે હંમેશાં તૈયાર રહેતા. એક વખત શ્રીમા અતિસારના દર્દથી પીડાતાં હતાં, ત્યારે શંભુબાબુએ એમની સારવાર માટે ખુલ્લા હાથે નાણાં ખર્ચ્યાં હતાં.

શંભુબાબુ ભક્ત અને કર્મયોગી હતા. ઠાકુરના સત્સંગના પ્રભાવથી તેઓ આધ્યાત્મિક માર્ગનો પ્રકાશ જોઈ શક્યા હતા અને એના પ્રભાવથી એમનો ધર્મવિશ્વાસ પૂર્ણ અને સફળ થયો હતો. લોકોના કલ્યાણ માટે તેમણે દાનથી ચાલતું એક ચિકિત્સાલય વગેરેની સ્થાપના કરી હતી અને આવી સંસ્થાઓની સંખ્યા વધારવા માગતા હતા. તેઓ ઠાકુરને કહેતા : ‘મારી ઇચ્છા છે કે રૂપિયા-પૈસાનો શુભ કામ પાછળ ઉપયોગ કરું.’ તો ક્યારેક કહેતા : ‘આર્શીવાદ આપો, જેથી આ ઐશ્વર્ય એમનાં ચરણકમળમાં અર્પીને મરી શકું.’ પરંતુ ઠાકુરે એમને ફક્ત સમાજ સેવાના સ્તર પર ન રહેવા દેતાં ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિના અધિકારી બનાવવા ઇચ્છ્યું હતું.આથી શંભુબાબુની આ પ્રકારની પ્રાર્થનાના ઉત્તરમાં એમણે કહ્યું હતું : ‘ભગવાનનો સાક્ષાત્કાર થાય તો શું તમે એમની પાસે હોસ્પિટલ-ડિસ્પેન્સરી માગશો?’ બીજું પણ કહ્યું હતું : ‘આ તમારા માટે જ ઐશ્વર્ય છે. એમણે તમે શું આપશો? એમના માટે આ લાકડું અને માટી છે.’..‘સામે જે કામ આવી પડ્યું હોય એ ન કરવાથી કામ ન ચાલે એને નિષ્કામ ભાવથી કરવાનું હોય છે. સ્વેચ્છાએ વધુ કામમાં ફસાવું સારું નથી.’ પરંતુ વાસ્તવમાં શ્રીરામકૃષ્ણે શંભુબાબુને એમના દ્વારા ચાલતી સંસ્થાઓને બંધ કરી દેવાનું નહોતું કહ્યું કે એમના કર્મયોગ માર્ગનો ત્યાગ કરવાનો ઉપદેશ નહોતો આપ્યો. માનવજીવનનો સાચો ઉદ્દેશ ભગવાન પ્રાપ્તિ છે. કેવળ એ વિષય પર તેઓ તેમનું ધ્યાન ખેંચતા હતા અને સાથે સાથે આસક્તિયુક્ત કર્મ કરવાના દોષ પણ બતાવી દેતા હતા. ઠાકુર ક્યારેય નિષેધાર્થક ઉપદેશ આપતા  ન હતા. પરંતુ તેઓ નિર્બળ મનુષ્યને ભગવાન પ્રત્યે લઈ જતા હતા. શંભુબાબુને જે પ્રકારનો ઉપદેશ આપતા એ સંદર્ભમાં એમણે પોતે જ કહ્યું હતું : ‘તે મનુષ્ય ભક્ત હતો તેથી મેં એને કહ્યું હતું.’ એમણે એમ પણ એને કહ્યું : ‘આવાં કામ અનાસક્ત રહીને કરવાં સારાં છે. પરંતુ તે ખૂબ જ મુશ્કેલ કામ છે. અવશ્ય યાદ રાખજો કે તમારા માનવજન્મનો ઉદ્દેશ ભગવાન પ્રાપ્તિ છે. હોસ્પિટલ ડિસ્પેન્સરી નહીં...કર્મ આદિકાંડ છે. તે જીવનનું લક્ષ્ય કર્મ નથી.’

શ્રીરામકૃષ્ણનો આ પ્રકારનો અમૂલ્ય ઉપદેશ સફળ થયો હતો એ આપણે શંભુબાબુનાં વાર્તાલાપ અને ચર્ચા પરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. એમણે શ્રીયુત હૃદયને એક દિવસ કહ્યું હતું : ‘હૃદુ, હું પોટલી બાંધીને બેઠો છું.’ આ સાંભળીને ઠાકુરે વિરોધ કરતાં કહ્યું : ‘એવી કુલક્ષણની અશુભ વાત કેમ કરે છે ?’ આથી શંભુબાબુએ કહ્યું : ‘એવું નથી. બોલો, આ બધા પદાર્થોને અહીં છોડીને જઈ શકું.’ ભગવાન પર એમનો એવો વિશ્વાસ હતો કે એક દિવસ એમણે આંખ-મોઢું લાલ કરીને કહ્યું હતું :‘સરળ ભાવે પોકારવાથી તેઓ અવશ્ય સાંભળશે.’

શંભુબાબુના દક્ષિણેશ્વરના બાગવાળા મકાનમાં શ્રીરામકૃષ્ણના જે રીતે લીલાવિલાસ થતા રહ્યા એમાંથી બહુ જ ઓછા પુસ્તકોમાં લખાયા છે. ઈસુખ્રિસ્તનાં દર્શન થયાં તે પહેલાં શ્રીરામકૃષ્ણ શંભુબાબુની પાસેથી બાઈબલ સાંભળીને ઈસુખ્રિસ્તના પવિત્ર જીવન અને સંઘ પ્રવર્તનની વાત જાણી શક્યા હતા.

દક્ષિણેશ્વરમાં શંભુબાબુનું દાનથી ચાલતું એક દવાખાનું હતું. ઠાકુરને એક વખત પેટની બીમારી હતી ત્યારે શંભુબાબુએ એમને એક માત્ર અફીણ ખાવાની સલાહ આપી તથા જતી વખતે તેમને યાદ અપાવીને લઈ જવા કહ્યું. ઠાકુર જ્યારે એ બાગમાં જતા ત્યારે ત્યાં સત્સંગમાં કલાકો પસાર કરતા હતા. એ દિવસે પણ એ ભાવમાં સમય વીતી ગયો. બંને અફીણની વાત જ ભૂલી ગયા. રસ્તામાં ઠાકુરને એ યાદ આવ્યું. તેઓ પાછા ગયા. જોયું તો શંભુબાબુ અંદર ચાલ્યા ગયા હતા. આથી નોકર પાસેથી તે માગીને લઈ લીધું અને તેઓ પાછા મંદિર તરફ ચાલ્યા. પરંતુ તેમણે શંભુબાબુ પાસેથી તે ન માગતાં નોકર પાસેથી માગ્યું એટલે સત્યની ચ્યુતિ થઈ. પરિણામે ઠાકુર મંદિરનો રસ્તો જોઈ જ ન શક્યા. ત્યારે એમને કારણ સમજાયું અને તેઓ અફીણ પાછું આપવા પાછા ગયા. ત્યાં જઈને જોયું તો નોકર પણ નથી અને દરવાજો પણ બંધ છે. લાચાર થઈને એમણે બારણાની અંદર એ દવાની પડીકી ફેંકીને કહ્યું : ‘અરે, તમારી અફીણની પડીકી અહીં મૂકી દઉં છું.’ એ પછી એમણે જોયું તો દૃષ્ટિ સ્વચ્છ થઈ ગઈ હતી અને તેમને પોતાના ઓરડામાં પાછા ફરવામાં કોઈ જ તકલીફ ન પડી.

બીજા એક દિવસે ઠાકુર પોતાના શિષ્યની સાથે તેમજ ગિરિજાબાબુ અને શંભુબાબુ સાથે વાતો કરતા હતા અને તેમાં જ રાત પડી ગઈ. ઠાકુર મંદિરમાં પાછા જવા માટે નીકળ્યા. પરંતુ રસ્તામાં ગાઢ અંધકારમાં તેઓ દિશા નક્કી કરી શક્યા નહીં. એટલામાં ગિરિજાએ પોતાની યોગશક્તિના પ્રભાવથી પીઠમાંથી જ્યોતિ ઉત્પન્ન કરીને બગીચાના પ્રવેશપથ સુધી રસ્તો પ્રકાશિત કર્યો. એની મદદથી ઠાકુર પોતાના સ્થાનમાં પાછા આવી શક્યા.

શંભુબાબુના સંબંધમાં બીજું ખાસ કંઈ જાણી શકાયું નથી. તેઓ ઈ.સ.૧૮૭૭માં દિવંગત થયા હતા. ચાર વર્ષ સુધી શ્રીઠાકુર અને શ્રીમાતૃદેવીની તેમણે સેવા કરી હતી. પછી જ્યારે તેઓ માંદા પડ્યા ત્યારે ઠાકુર તેમને જોવા ગયા હતા.તેમણે પાછા આવીને કહ્યું હતું : ‘શંભુના દીવામાં તેલ નથી.’ બહુમૂત્ર રોગનો વિકાર ઊભો થતાં શ્રીયુત શંભુબાબુ ચાલ્યા ગયા. રોગથી ત્રસ્ત અવસ્થામાં પણ એમના મનની પ્રસન્નતા એક દિવસ માટે પણ નાશ પામી ન હતી . શંભુબાબુનું પૈતૃક મકાન જે રસ્તા પર હતું એ રસ્તાનું નામ હતું કમલનયન સ્ટ્રીટ, પરંતુ પછીથી શંભુબાબુના સ્મરણાર્થે એનું નામ શંભુમલ્લિક લેન રાખવામાં આવ્યું છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda