Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

મથુરાનાથ વિશ્વાસ

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં વિસ્તારપૂર્વક મથુરાનાથ (‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં મથુરાનાથ નામનો વધારે ઉપયોગ જોવા મળે છે. પરંતુ કોઈ કોઈ સ્થળે મથુરામોહન નામનો પણ ઉલ્લેખ છે.) ના જીવનવૃત્તાંતથી સહેલાઈથી જાણી શકાય છે કે શ્રીરામકૃષ્ણ- જીવનવેદનું જે લોકો અનુસરણ કરવા ઇચ્છે છે, એમને માટે આ ભક્તપ્રવરનો પરિચય કરવો અત્યંત જરૂરી છે. અમે એ ‘લીલા પ્રસંગ’ના આધારે સંક્ષેપમાં એમની જીવનકથાનું નિરૂપણ કરવામાં આગળ વધી રહ્યા છીએ.

સાધનાકાળમાં એક વખતે ઠાકુરના મનમાં શ્રીજગદંબા પાસે પ્રાર્થના ઊઠી હતી : ‘મા, મને શુષ્ક સાધુ ન બનાવતી. મને રસ- બસમાં રાખજે.’ મથુરાનાથની સાથે ઠાકુરનો જે અનુપમ સંબંધ બંધાયો હતો, લાગે છે કે તે એ પ્રાર્થનાનું જ પરિણામ છે કેમ કે એ પ્રાર્થનાના જવાબમાં જગન્માતાએ ઠાકુરને બતાવ્યું હતું કે એમની શરીરરક્ષા વગેરે માટે ચાર ખજાનચી એમની સાથે મોકલવામાં આવ્યા છે અને એમનામાંથી મથુરનાથ પ્રથમ અને મુખ્ય છે. એમનો સંબંધ બહુ જ મધુર અને આશ્ચર્યકારક હતો. ‘લીલાપ્રસંગ’ના પૂજ્યપાદ ગ્રંથકારે જણાવ્યું છે કે એક બાજુ જે રીતે મથુર ઠાકુરની દેવશક્તિ ઉપર નિર્ભર રહેતા હતા, બીજી બાજુ એ જ રીતે તેઓ ઠાકુરને અબોધ બાળકની જેમ જાણીને એમનું રક્ષણ કરવા સદાય તત્પર રહેતા. ટૂંકમાં કહી શકાય છે કે મથુરમાં ઠાકુર પ્રત્યે આ લોક અને પરલોકની ગતિ તેમજ પાથેય અંગે દૃઢ વિશ્વાસ હતો. બીજી બાજુ મથુર પ્રત્યે ઠાકુરની કૃપા પણ અસીમ હતી. સ્વાધીન ચિત્તવાળા ઠાકુર મથુરના કોઈ કોઈ અયોગ્ય વ્યવહારથી ઘણી વાર અસંતુષ્ટ બની જતા; છતાંય થોડી વારમાં તે ભૂલીને તેમના આગ્રહને માન આપીને તેમના આ લોક અને પરલોકના કલ્યાણ માટે પ્રયત્ન કરતા રહેતા. ખરેખર આ બંનેનો સંબંધ દૈવનિર્દિષ્ટ, ખૂબ જ પ્રેમપૂર્ણ અને અવિચ્છેદ્ય હતો. દૈવનિર્દિષ્ટ હોવાને કારણે જ દક્ષિણેશ્વરની મંદિર પ્રતિષ્ઠાના થોડાં અઠવાડિયાં પછી ઠાકુરની સુંદર મૂર્તિ, કોમળ પ્રકૃતિ, ધર્મનિષ્ઠા અને નાની ઉંમરે મથુરબાબુને આકર્ષ્યા હતા.

મથુરબાબુએ રાણી રાસમણીની ત્રીજી પુત્રી કરુણામયી સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ રાણીના ઘરમાં ઘરજમાઈ રૂપે રહેતા હતા. પરંતુ થોડા સમય બાદ એક માત્ર પુત્ર ભૂપાલને છોડીને કરુણામયી સ્વર્ગે સીધાવી. પછી રાણીએ આ યોગ્ય જમાઈનો પોતાના કુટુંબ સાથે ચિરસંબંધ જળવાઈ રહે તે માટે પોતાની નાની પુત્રી શ્રીમતી જગદંબાને એમના હાથમાં સોંપી હતી. ત્યારબાદ રાણીના પતિ શ્રીયુત રાજચન્દ્રદાસનું થોડા સમયમાં અવસાન થયું. આથી જમીનદારી વગેરેના સઘળા વહીવટના સંચાલન માટે મથુરબાબુ રાણીના મુખ્ય મદદનીશ બની ગયા. પરંતુ આ નિબંધમાં અમે મથુરબાબુની સાંસારિક પ્રગતિ પર ભાર ન દેતાં મુખ્યત્વે તેમના ધર્મજીવન પર જ દૃષ્ટિ રાખીશું.

મથુરબાબુ શ્રીરામકૃષ્ણને જેટલા જોતા એટલા જ વધુ એમના પ્રત્યે આકર્ષાતા. એક દિવસ ઠાકુરના પોતાના હાથે ઘડેલી એક સુંદર શિવમૂર્તિને જોતાં મથુરબાબુ એટલા બધા મુગ્ધ બન્યા કે તેમણે એ લઈને રાણીને બતાવી. એ દિવસથી એમના મનમાં સંકલ્પ ઊઠયો કે શ્રીરામકૃષ્ણને દેવ-પૂજામાં રોકવામાં આવે. ત્યારે મથુરના જ આગ્રહથી એમને ભવતારિણીના પૂજારીના પદ પર નિયુક્ત કર્યા. એ પછીથી તેઓ કેવી રીતે રાધાગોવિંદના મંદિરમાં પૂજારી પદે અધિષ્ઠિત થયા હતા, એ અમે રાસમણિના પ્રસંગમાં બતાવીશું.

લગ્ન પછી પૂર્ણ યુવાન ઠાકુર દક્ષિણેશ્વરમાં પાછા આવીને જે રીતે ઘરનો સંબંધ ભૂલીને દિવ્ય ઉન્માદથી સાધનામાં ડૂબી ગયા હતા એ જોઈને પણ મથુરબાબુ મુગ્ધ થયા. એ પ્રકારની આધ્યાત્મિક વ્યાકુળતાનો અર્થ ન સમજતા મંદિરના કર્મચારીઓએ ફરીયાદ કરી : ‘નાના ભટ્ટાચાર્યે બધું બગાડી નાખ્યું છે ! માની પૂજા, ભોગ, રાગ વગેરે કાંઈ પણ થતાં નથી. આ રીતે અનાચાર કરવાથી શું મા કયારેય પૂજા-ભોગ ગ્રહણ કરે છે ?’ એથી પણ મથુરબાબુ વિચલિત ન થયા. એમણે આંખ-કાનના વિરોધની છણાવટ માટે એક દિવસ આડશમાં ઊભીને ઠાકુરની ભાવ-વિહવળતા જોઈ અને પાછા ફરતાં તેમણે કર્મચારીઓને જણાવ્યું : ‘નાના ભટ્ટાચાર્ય જે રીતે, જે કંઈ કરે તેમાં તમે વિઘ્ન ન નાખો. પહેલાં મને બતાવજો. પછી હું જેમ કહું તેમ કરજો.’ એ પછી પણ બીજા થોડા દિવસ ઠાકુર પૂજા કરતા રહ્યા, પણ પછી પોતાના ભાવાવેગને વિધિપૂર્વકની ભક્તિપૂજાની સીમામાં રોકી રાખવા અસમર્થ બની ગયા. આથી એક દિવસ એમણે પોતાના ભાણેજ હૃદયને પૂજાના આસન પર બેસાડીને મથુરબાબુને કહ્યું : ‘આજથી હૃદય પૂજા કરશે. માએ કહ્યું છે. મારી પૂજાની જેમ હૃદયની પૂજા તેઓ સમાન ભાવે ગ્રહણ કરશે.’ વિશ્વાસુ મથુરે ઠાકુરની એ વાતને દેવના આદેશરૂપે સ્વીકારી લીધી અને સાધના વગેરે માટે શ્રીરામકૃષ્ણને કર્તવ્યકર્મથી મુક્ત જોઈને આનંદિત થયા.

ફક્ત એટલું જ નહીં પણ ઠાકુરની જરૂર અનુસાર એમના માટે સાકરના શરબતની વ્યવસ્થા કરી આપી તથા બીજી અનેક રીતે પણ તેઓ તેમના સાધના - જીવનમાં મદદરૂપ બન્યા હતા. પરંતુ ઠાકુરે જે દિવસે રાણી રાસમણિના શરીર પર પ્રહાર કર્યો હતો, (‘રાણી રાસમણિ’ નિબંધમાં વર્ણવેલું છે.) એ દિવસે મથુરના મનમાં પણ શંકા જાગી કે ઠાકુરની આધ્યત્મિકતાની સાથે ઉન્માદ ભળેલો છે. એ કારણે તેમણે વૈદ્યરાજ ગંગાપ્રસાદ સેન દ્વારા એમની સારવારની વ્યવસ્થા પણ કરાવી અને પછી તેઓ દલીલો દ્વારા ઠાકુરના મનને વધુ કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ આ બાબતમાં મથુરનો જ પરાજય થયો. એક દિવસ તકવાદી મથુરબાબુએ કહ્યું : ‘ઈશ્વરને પણ કાયદો માનીને ચાલવું પડે છે.એમણે જે નિયમ એકવાર બનાવી દીધો છે એને ઉલ્લંઘવાની શક્તિ કોઈમાં નથી.’ શ્રીરામકૃષ્ણે એનો ઉત્તર આપતાં કહ્યું : ‘એ કેવી વાત છે તમારી ? જેનો કાયદો છે, તે ઇચ્છે તો તેને તે બદલી શકે અને એના સ્થાને નવો કાયદો બનાવી શકે છે.’ મથુરબાબુએ એ વાત ન માનતાં કહ્યું : ‘લાલ ફૂલના વૃક્ષમાં લાલ ફૂલ જ થાય છે, સફેદ ફૂલ ક્યારેય થતું નથી કેમ કે એમણે એવો નિયમ બનાવ્યો છે, લાલ ફૂલના વૃક્ષમાં સફેદ ફૂલ બનાવી તો આપે?’ બીજા દિવસે શૌચ જતી વખતે ઠાકુરે જોયું, એક લાલ રંગના જાસુદના ઝાડમાં એક જ ડાળીની બે ડાળખીમાં બે ફૂલ ખીલ્યાં છે : એક લાલ અને બીજું એકદમ સફેદ. તુરત એ આખી ડાળી તોડીને તેમણે એ જ સમયે મથુરને બતાવીને કહ્યું : ‘આ જોઈ લો.’ મથુરે પણ સ્વીકાર્યું : ‘હા, બાબા, મારી હાર થઈ છે.’

આ ઉપાયો ઉપરાંત મથુરબાબુએ બીજી રીતે પણ ઠાકુરના કહેવાતા રોગની સારવારનો પ્રયત્ન કર્યો હતો. એક વખતે એમને એવી ધારણા થઈ કે અખંડ બ્રહ્મચર્ય પાલનના ફળ રૂપે ઠાકુરનું મસ્તિષ્ક વિકૃત થઈ ગયું છે. આથી એમનું બ્રહ્મચર્ય ભંગ કરવા માટે તેમણે એક દિવસ ઠાકુરને કોલકાતાના મછુઆબજાર મહોલ્લાના એક મકાનમાં લઈ જઈને રૂપજીવનીઓ વચ્ચે છોડી દીધા. પરંતુ ઠાકુર એમને જોતાં જ ‘મા, મા’ કહેતા બાહ્ય ચેતના ગુમાવી બેઠા અને એમની પવિત્રતા જોઈને એ સ્ત્રીઓનાં હૃદય દ્રવી ગયાં. તેઓ ભયથી એ મહાપુરુષ પાસે ક્ષમાયાચના કરીને ત્યાંથી ખસી ગઈ.

મથુરબાબુ ધનિક હોવા છતાં પણ ઉચ્ચ હૃદયવાળા હતા. વિષયી હોવા છતાં પણ ભક્ત હતા. જિદ્દી હોવા છતાં પણ બુદ્ધિમાન હતા. ક્રોધી હોવા છતાં પણ ધૈર્યશીલ અને દૃઢપ્રતિજ્ઞ હતા. તેઓ અંગ્રેજી ભણેલા તથા તાર્કિક હતા. જો કોઈ તાર્કિક રીતે એમને કોઈ વાત સમજાવી દે તો તેઓ માની જતા. તેઓ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ અને ભક્ત હતા. પરંતુ એટલા માટે ધર્મની બાબતમાં કોઈ પણ કંઈ કહી દે તો તેઓ વગર વિચાર્યે સ્વીકારી લેતા નહીં. પછી ભલે ઠાકુર હોય, બીજા ગુરુ હોય કે બીજા કોઈ પણ હોય. આ પ્રકારના સ્વતંત્ર પ્રેમિક વ્યક્તિનાં ધર્મ વિશ્વાસ, ભક્તિની અભિવ્યક્તિ અને પરિપુષ્ટિનો ઈતિહાસ અત્યંત શિક્ષાપ્રદ છે. ઠાકુર વિશેની તેમની માન્યતા પણ આ પ્રકારના મનોભાવથી જ રૂપાંતર પામી હતી. એમના સંબંધમાં મથુરબાબુને ધારણા થઈ હતી કે શ્રીજગદંબાની કૃપા પ્રાપ્ત થવાના કારણે જ એમની એવી ઉન્માદ જેવી અવસ્થા થઈ છે. પરંતુ ધીમે ધીમે તેઓ ઠાકુરને ઈશ્વરાવતાર રૂપે જાણી શકયા હતા. પૂર્વોક્ત અને બીજી ધારણાઓ આ બાબતમાં ઘણી સહાયક બની હતી.

એક દિવસ ઠાકુર શિવમંદિરમાં જઈને શિવમહિમ્ન: સ્રોતનો પાઠ કરતાં કરતાં એકદમ વિહ્વળ બની ગયા અને ભાવાવેગને કારણે સ્રોતપાઠ કરવાનું અશક્ય બન્યું. તેઓ આંસુ વહાવતાં વારંવાર ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા : ‘હે મહાદેવ, તમારા ગુણોની વાત હું કેવી રીતે કહીશ ?’ મંદિરના કર્મચારીઓએ વિચાર્યું : ‘નાના ભટ્ટાચાર્યનું પાગલપણું શરૂ થઈ ગયું છે. કદાચ હવે તેઓ શિવજી ઉપર ચઢી બેસશે. એથી હાથ પકડીને એમને ખસેડી લેવા જ સારા.’ ઘોંઘાટ સાંભળતાં જ મથુરબાબુ ત્યાં આવી પહોંચ્યા. ઠાકુરનો ભાવ જોઈને એકદમ મુગ્ધ બની ગયા. એમણે કર્મચારીઓને કહ્યું : ‘જેના માથા ઉપર માથું હોય તે ભટ્ટાચાર્ય મહાશયને સ્પર્શ કરવા જાવ.’ ફક્ત આટલું જ નહીં ઠાકુરને કોઈ હેરાન ન કરે એટલા માટે એમની બાહ્ય ચેતનામાં તેઓ પાછા ન ફરે ત્યાં સુધી મથુરબાબુ ત્યાં ઊભા રહ્યા.

દિવસે દિવસ ઠાકુરના ગુરુભાવનો વધુ ને વધુ વિકાસ થઈ રહ્યો છે. ભૈરવી બ્રાહ્મણીની મદદથી તેમણે વિવિધ તાંત્રિક સાધનાઓમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. આ જોઈને અને શાસ્ત્રોમાં લખેલાં બધાં લક્ષણોને મેળવીને પછી એમને દૃઢ વિશ્વાસ થઈ ગયો કે ઠાકુર અવતાર છે. બ્રાહ્મણીની પાસે એ સાંભળીને બાળક સ્વભાવવાળા શ્રીરામકૃષ્ણે મથુરબાબુને કહ્યું : ‘બ્રાહ્મણી કહે છે કે અવતારનાં જે લક્ષણ હોય છે, તે બધાં આ શરીર-મનમાં છે.’ મથુરબાબુએ સાંભળીને હસતાં હસતાં કહ્યું : ‘તેઓ જે ઇચ્છે તે કહી શકે છે. બાબા, અવતાર તો દસથી વધુ નથી. એ કારણે એમની વાત કેવી રીતે સાચી હોય ? તો પણ આપની ઉપર કાલીમાતાની કૃપા થઈ છે એ વાત સાચી છે.’ આટલું કહ્યું ત્યાં તો ભૈરવી ત્યાં આવી ગયાં. સરળતાની પ્રતિમૂર્તિ ઠાકુરે એ વખતે મથુરના અવિશ્વાસની વાત તેમને જણાવી દીધી. ભૈરવીએ ભાગવત વગેરે શાસ્ત્રોનાં વચન ટાંકીને સાબિત કરી આપ્યું કે અવતારોની કોઈ નિશ્ચિત સંખ્યા નથી. એમણે વળી એમ પણ કહ્યું છે કે શ્રીચૈતન્યદેવ સાથે ઠાકુરના શરીર અને મનનાં પ્રકાશિત લક્ષણોની સમાનતા છે. શાસ્ત્ર પ્રમાણની વાત સાંભળીને એ દિવસે મથુરબાબુ ચૂપ થઈ ગયા. પરંતુ ઠાકુર એથી પણ અટક્યા નહીં. એ બાબતમાં શાસ્ત્રજ્ઞ પંડિતોનો અભિપ્રાય જાણવાનો તેમણે આગ્રહ કર્યો. આથી લાચાર થઈને મથુરબાબુએ પંડિતોની એક મોટી સભા બોલાવી. એમાં વૈષ્ણવચરણ વગેરે પ્રસિદ્ધ પંડિતોની સામે બ્રાહ્મણીએ શાસ્ત્ર અને તર્ક દ્વારા એ રીતે પોતાના પક્ષનું સમર્થન કર્યું કે છેવટે એમની જ જીત થઈ. મથુરબાબુ જેવી બુદ્ધિમાન વ્યક્તિને સમજવામાં બાકી ન રહ્યું કે એમની વાતનું ખાસ મહત્ત્વ છે. એને સહજમાં ઉડાવી શકાય તેમ નથી.

મથુરબાબુના મનમાં કેવળ પરીક્ષા દ્વારા કે દલીલોમાં પરાજિત થઈને કે જ્ઞાનીઓ અને સિદ્ધોની વાત સાંભળીને ઠાકુર પ્રત્યે ઉચ્ચ ધારણા થઈ ન હતી. પરંતુ ઠાકુરના અસાધારણ ત્યાગ-વૈરાગ્યે પણ એમના મન પર વિશેષ પ્રભાવ પાડ્યો હતો. તેઓ ઠાકુર સાથે વધારે સમય રહી શકાય એ માટે વચ્ચે વચ્ચે ઠાકુરને પોતાના ઘરે લઈ જતા અને વિવિધ પ્રકારે એમની સેવા કરતા. એક દિવસ એમણે એમને સોના-ચાંદીનાં વાસણમાં ભોજન અને પાણી આપ્યું તથા કિંમતી વસ્ત્રો પહેરાવ્યાં અને કહ્યું : ‘બાબા, આપ જ આ સઘળી સંપત્તિના (મિલકતના) માલિક છો. હું તો કેવળ આપનો દીવાન માત્ર છું.’ એક વખત એમણે એમના માટે હજારો રૂપિયાની એક કાશ્મીરી શાલ ખરીધી લીધી.આવી સરસ વસ્તુ કોને દઉં ! એમ વિચારીને પોતાના હાથે ઠાકુરના શ્રીઅંગ પર એને લપેટી અને એ જોઈને તેઓએ સ્વર્ગીય સુખ અનુભવ્યું કે એ શાલ લઈને ઠાકુર બાળકની જેમ આનંદથી અહીંતહીં ફરે છે. પરંતુ બીજી જ ક્ષણે બાળકની જેમ તેઓ વિચારવા લાગ્યા કે શાલ પંચભૂતોના વિકાર સિવાય બીજું કંઈ જ નથી. એનાથી સચ્ચિદાનંદ લાભ નહીં થાય. પરંતુ એથી તો અહંકાર વધવાથી મન ઈશ્વરથી દૂર ખસી જાય છે. તુરત જ તેમણે તે જમીન પર ફેંકી દીધી અને એના પર થૂંકી દીધું તેમજ એને માટીમાં રગડી દીધી. એટલે સુધી કે એને બાળી નાંખવાં પણ તેઓ તૈયાર થયા હતા. એ વખતે એક વ્યક્તિ આવી ચઢી અને તેને લઈ લીધી. મથુરબાબુને એ સમાચાર મળતાં તેમણે જરાપણ દુ:ખી થયા વગર કહ્યું : ‘બાબા, આપે સારું જ કર્યું છે.’તેઓ સંસારી હોવા છતાં પણ ઠાકુરના સત્સંગથી વૈરાગ્યની મહત્તા સમજી શક્યા હતા.

મથુરબાબુ અને તેમનાં પત્નીએ ઠાકુરના ગુરુભાવની અપાર કરુણાનો હૃદયપૂર્વક અનુભવ કર્યો હતો અને એમને દેવતા માનીને એમનાં ચરણોમાં ક્યાં સુધી આત્મસમર્પણ કર્યું હતું એની વાત આપણને ઠાકુર સમક્ષ પોતાની કોઈ પણ વાત છુપાવતા નહીં એ દ્વારા જાણવા મળે છે. તેઓ બંને જાણતાં અને કહેતાં : ‘બાબા મનુષ્ય નથી. એમનાથી છુપાવવાની શી જરૂર છે ? તેઓ બધું જાણી જાય છે. અંતરની વાત સમજી લે છે.’ તેઓ બંને આ રીતે ફક્ત કહેવા ખાતર જ વાત કરતાં ન હતાં. પરંતુ આચરણમાં પણ એ વાતનું પૂરેપુરું પાલન કરતાં હતાં. એ લોકોએ બાબાની સાથે આહાર-વિહાર અને એક પથારી પર શયન પણ કર્યું હતું. મથુરબાબુનો શ્રીરામકૃષ્ણ પ્રત્યેનો આ પ્રકારનો અત્યંત વિશ્વાસ ગંભીર આધ્યાત્મિક અનુભૂતિના ફળરૂપે જ ઉત્પન્ન થયો હતો. આ પ્રકારની અનુભૂતિનો ઈતિહાસ ‘લીલા પ્રસંગ’ના લેખકની નિપુણ કલમ દ્વારા બહુ જ સુંદરરૂપે લખાયેલો છે.

ઈ.સ.૧૮૬૧ના પ્રથમ ભાગમાં પુણ્યવતી રાણી રાસમણિના દેહાવસાન થયા બાદ ભૈરવી યોગેશ્વરીનું દક્ષિણેશ્વર કાલીવાડીમાં આગમન થયું હતું. એ સમયથી ઈ.સ. ૧૮૬૩ના પ્રારંભિક ભાગમાં ઠાકુરે તંત્રોક્ત અનેક સાધનાનું અનુષ્ઠાન કર્યું હતું. એ સમયથી મથુરબાબુએ ઠાકુરની સેવાનો અધિકાર પૂર્ણરૂપે મેળવીને પોતાનું જીવન ધન્ય કર્યું હતું. એ અગાઉ વારંવાર જુદી જુદી રીતે પરીક્ષા કરીને ઠાકુરના અપૂર્વ ઈશ્વરાનુરાગ, સંયમ, ત્યાગ અને વૈરાગ્યની બાબતમાં તેઓ દૃઢનિશ્ચય પ્રાપ્ત કરી શક્યા હતા, પરંતુ આધ્યાત્મિક ભાવની સાથે એમનામાં ઉન્માદરૂપી વ્યાધિનો સંયોગ થયો છે કે નહીં એ અંગે કોઈ ચોક્કસ સિદ્ધાંત એ સમયે પણ તેઓ મેળવી શક્યા ન હતા. ઠાકુરની તંત્રસાધનાના સમયે તે સંદેહ પણ મથુરબાબુના મનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો. ફક્ત એટલું જ નહીં પણ એ સમયે અલૌકિક વિભૂતિઓના પ્રકાશ જોઈને એમના મનમાં દૃઢ ધારણા જાગી હતી કે એમની ઈષ્ટદેવી એમના પર પ્રસન્ન થઈ છે અને શ્રીરામકૃષ્ણ દ્વારા એમની સેવા ગ્રહણ કરી રહી છે. સાથે સાથે તેમની સંગાથે રહીને દરેક બાબતમાં તેમનું રક્ષણ કરી રહી છે. તદુપરાંત એમનું પ્રભુત્વ અને વિષયાધિકારને દરેક પ્રકારે અખંડ રાખીને તેમને દિનપ્રતિદિન મહાનતા અને ગૌરવના અધિકારી બનાવી રહી છે. નિમ્નલિખિતિ દર્શન મથુરના મનમાં આ જાતનો વિશ્વાસ ઉત્પન કરવામાં સહાયરૂપ બન્યું હતું.

એ સમયે પણ વૈદ્યરાજ ગંગાપ્રસાદ સેન દ્વારા ઠાકુરની સારવાર થઈ હતી. તો પણ રોગ ધીમે ધીમે વધતો જ જતો હતો. છેવટે લાચાર થઈને કવિરાજે કહી દીધું : ‘આમની દિવ્યોન્માદની અવસ્થા છે. આ યોગસંબંધી વ્યાધિ છે. દવાથી આરામ નહીં થાય.’ એ વખતે ઠાકુર એક દિવસ પોતાના ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં જે લાંબો વરંડો પૂર્વ-પશ્ચિમ ફેલાયેલો છે, ત્યાં તેઓ પોતાની ભાવાવસ્થામાં લટાર મારી રહ્યા હતા. બીજી બાજુ કોઠીના એક ઓરડામાં એકાગ્ર ચિત્તે બેસીને મથુરબાબુ દુન્યવી હિસાબ-કિતાબ જોઈ રહ્યા હતા. ક્યારેક ઠાકુર પણ ત્યાંથી દેખાતા હતા. એકાએક તેઓ દોડતા આવ્યા ને ઠાકુરનાં ચરણો પકડી લીધાં. ઠાકુરે એમને શાંત કરવા માંડ્યા પરંતુ મથુરબાબુ આંસુ વહાવતાં કહેવા લાગ્યા : ‘બાબા, તમે અહીં લટાર મારી રહ્યા હતા, પરંતુ મેં સ્પષ્ટ જોયું કે જ્યારે તમે આ બાજુ આવી રહ્યા હતા ત્યારે તમે નહીં પણ મારા મંદિરનાં મા હતાં અને જેવા તમે પાછા ફરીને એ બાજુ જવા લાગ્યા તો મેં સાક્ષાત્ મહાદેવને જોયા. પહેલાં મેં વિચાર્યું કે દૃષ્ટિનો ભ્રમ છે.પણ આંખો સરખી રીતે લૂછીને ફરીથી જોયું તો જેવું જોયું એવું જ દૃશ્ય એ હતું. આમ જેટલી વખત જોયું તે જ દૃશ્ય જોવામાં આવ્યું.’ ઠાકુરે એમને ઘણા સમજાવ્યા પરંતુ મથુર એના એ જ રહ્યા. એ દિવસે ઘણો પ્રયત્ન કરીને એમને શાંત કરવા પડ્યા. એ પ્રસંગનો ઉલ્લેખ કરીને ઠાકુરે કહ્યું : ‘મથુરની જન્મકુંડળીમાં લખ્યું હતું કે એના ઈષ્ટદેવની કૃપાદૃષ્ટિ એના પર બરાબર રહેશે અને શરીર ધારણ કરીને સાથે સાથે તેઓ તેની રક્ષા પણ કરતા રહેશે.’

આગળ નિરૂપેલાં અપૂર્વ દર્શનના દિવસથી શ્રીયુત મથુરાનાથ ઠાકુરના દૈનિક જીવનની અનેક ઘટનાઓ સાથે વિશિષ્ટ રીતે એકરૂપ બની ગયા હતા. એક વખત ઠાકુરના મનમાં શ્રીજગદંબાનો ઉત્તર-પશ્ચિમ પ્રદેશની સ્ત્રીઓની જેમ પગપાન વગેરે ઘરેણાં પહેરાવવાની ઇચ્છા જાગી. એ સાંભળતાં જ મથુરબાબુએ એવાં ઘરેણાં બનાવડાવી દીધાં હતાં. બીજા વખતે વૈષ્ણવ તંત્રોક્ત સખીભાવની સાધના સમયે ઠાકુરના મનમાં સ્ત્રીઓની જેમ વેશ પહેરવાની ઇચ્છા જાગતાં મથુરાનાથે વિના વિલંબે બનારસી સાડી, ઓઢણી, એક સેર ડાયમંડ કટનાં (હાથ-પગના) ઘરેણાં વગેરે મગાવી દીધાં હતાં. ઠાકુરને પાણિહાટીનો ઉત્સવ જોવા જવાની ઇચ્છા છે એ જાણીને તેમણે એ જ સમયે બધી વ્યવસ્થા કરાવી આપી હતી અને ભીડમાં એમને કંઈ અસુવિધા ન થાય તે માટે તેઓ પોતે ગુપ્તરૂપે દરવાનોને સાથે લઈને એમના શરીરનું રક્ષણ કરવા ગયા હતા. આ રીતે દરેક બાબતમાં એમની અપૂર્વ સેવાની વાત જે રીતે આપણને આશ્ચર્યચક્તિ કરી દે છે, બીજી બાજુ એ જ રીતે વારાંગનાઓને ઠાકુરની પાછળ મોકલીને એમના મનમાં દુર્ભાવ જાગે છે કે નહીં એની પરીક્ષા લેવાની વાત, ઠાકુરવાડીની બધી દેવોત્તર સંપત્તિ ઠાકુરના નામે લખી આપવાનો પ્રસ્તાવ મૂકતાં ઠાકુર ભાવાવસ્થામાં : ‘શું ! તું મને દુન્યવી બનાવવા માગે છે ?’ કહીને મથુર ઉપર ગુસ્સે થઈને એમને મારવા જવાની વાત, જમીનદારી બાબતમાં ઝઘડા-ટંટા થતાં નરહત્યાના અપરાધથી દરબારમાં વિશિષ્ટ દંડ થવાના ભયથી એ વિપત્તિમાંથી મુક્તિ મેળવવાની ઇચ્છાથી ઠાકુર સમક્ષ પોતાનો ગુનો સ્વીકારતાં એમના શરણાગત થઈને શ્રીયુત મથુરની એ વિપત્તિમાંથી મુક્ત થવાની વાત વગેરે અનેક બાબતો આપણને આશ્ચર્યચક્તિ કરી દે છે.

ઠાકુરમાં સાધના દ્વારા આધ્યાત્મિક શક્તિપ્રકાશ દિવસે દિવસે જેટલો વધી રહ્યો હતો એટલાં જ એમના શ્રીચરણાશ્રિત મથુરના બધી બાબતોમાં ઉત્સાહ, સાહસ અને શક્તિ પણ વધી રહ્યાં હતાં. મથુર જાણી ગયા હતા કે ઠાકુર જ તેમનાં બળ, બુદ્ધિ, વિશ્વાસ, આલોક અને પરલોકનું પાથેય, એમની સાંસારિક ઉન્નતિ તથા પદપ્રાપ્તિનું મૂળ કારણ છે.

ઠાકુરની કૃપા પામીને મથુરબાબુ પોતાને વિશેષ ગૌરવશાળી બનાવી શકયા હતા. એ વિશે આપણે એ સમય દરમિયાન એમણે જે અનુષ્ઠિત કાર્યો કર્યાં છે તે દ્વારા જાણી શકીએ છીએ. આ સમય (ઈ.સ. ૧૮૬૩) દરમિયાન એમણે પુષ્કળ ધન ખર્ચીને કરી શકાય એવા અન્નમેરુ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. એ વ્રતમાં પુષ્કળ સોના ચાંદીના દાન ઉપરાંત ૧ હજાર મણ ચોખા, ૧ હજાર મણ તલ બ્રાહ્મણ પંડિતોને દાનમાં આપ્યાં હતાં. તે ઉપરાંત સહચરી નામની પ્રસિદ્ધ ગાયિકાનાં કીર્તન, રાજનારાયણનું ચંડીગાન તથા યાત્રાભિનય વગેરેથી દક્ષિણેશ્વર કાલીમંદિર થોડા સમય માટે ઉત્સવ ક્ષેત્રમાં ફેરવાઈ ગયું હતું. એ ગાયક, ગાયિકાઓનાં ભક્તિરસથી સભર સંગીત સાંભળીને ઠાકુર વારંવાર ભાવસમાધિમાં મગ્ન થઈ જતા હતા. ઠાકુરની એ સંતુષ્ટતાને જ મથુરબાબુએ એ લોકોની કલાના ગુણના માપદંડ તરીકે સ્વીકારીને એ પ્રમાણે એમને બહુમૂલ્ય ખેસ, રેશમી વસ્ત્ર અને પુષ્કળ ધન વગેરે પારિતોષિકો વગેરે આપ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણના શિક્ષણથી મથુરબાબુ દેવ-દેવીઓની સેવાની જેમ સાધુ-સંતોની સેવામાં પણ વધુ આનંદ મેળવતા હતા. એ કારણે ઠાકુરે આ સમયે સાધુભક્તોને અન્નદાનની સાથે શરીર રક્ષણ માટે ઉપયોગી વસ્ત્ર, કામળા તથા નિત્ય કામ આવતાં કમંડળ, જલપાત્ર દાન વગેરેની દાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું, ત્યારે તેમણે આ બધી વસ્તુઓ સારી રીતે ખરીદીને કાલીવાડીનો એક ઓરડો ભરી દીધો. તેમજ એ નવા ભંડારની ચીજોનું વિતરણ ઠાકુરની આજ્ઞા મુજબ જ થાય એવી સૂચના કર્મચારીઓને આપી દીધી. એ પછી થોડો સમય પસાર થતાં ઠાકુરના મનમાં બધા સંપ્રદાયોના સાધુ-ભક્તોની સાધનાને અનુકૂળ વસ્તુઓ આપીને તેમની સેવા કરવાની ઇચ્છા જાગી. તો મથુરબાબુએ એની પણ વ્યવસ્થા કરી આપી. ઘણું કરીને સન ૧૮૬૩-૬૪ ઈ.સ.ની સાલમાં જ એ પ્રકારની સાધુ-સેવાનું વિશાળ અનુષ્ઠાન થયું હતું.

ભક્તિની એ સંક્રામક શક્તિ પણ છે. ઠાકુરની સાથે રહીને અને ભાવસમાધિમાં એમના અસીમ આનંદનો અનુભવ જોઈને વિષયી મથુરબાબુને એવી ઇચ્છા થઈ કે તેઓ પણ એવો અનુભવ કરે કે આ કઈ વસ્તુ છે. એમના મનમાં આવા ભાવનો ઉદય થતાં જ તેઓ ઠાકુર પાસે પહોંચ્યા અને બોલ્યા : ‘બાબા, મને પણ જેનાથી ભાવસમાધિ થાય તેવું તમારે કરી દેવું પડશે.’ ઠાકુરે કહ્યું : ‘થોભો, સમય આવતાં થશે. પછી થશે. એક બીજ જમીનમાં દાટી દેવાથી જ શું તે વૃક્ષ થઈને ફળ દેવા લાગશે ? કેમ, તમે તો ખૂબ મજામાં છો. અહીંતહીં બંને બાજુનાં કામ બરાબર ચાલી રહ્યાં છે. તેવો ભાવ થતાં અહીંથી મન ઊઠી જશે, એ વખતે તમારા દુન્યવી પદાર્થોની રક્ષા કોણ કરશે ? લોકો બધું લૂંટીને ખાઈ જશે. ત્યારે તમે શું કરશો ?’ ઠાકુરે ઘણા સમજાવ્યા પણ મથુરે એમને છોડ્યા નહીં. છેવટે ઠાકુરે કહ્યું : ‘હું શું જાણું બાબુ ? માને કહીશ, તે જેવું ઇચ્છશે તેવું કરશે.’ એના થોડા જ દિવસ પછી શ્રીયુત મથુરને ભાવસમાધિ થઈ અને ઠાકુરે કહ્યું હતું : ‘મને બોલાવવામાં આવ્યો. મેં જઈને જોયું તો તે માણસ તેવો ન રહ્યો. આંખો લાલ, આંસુ વહે છે, ઈશ્વરની વાત કરતાં રડી પડ્યો ! છાતી ધડકવા લાગી. મને જોઈને બંને હાથે મારા પગ પકડી લીધા ને બોલ્યા : ‘બાબા, બહુ થયું, ઘણું થયું. માફ કરી દો. આજ ત્રણ દિવસથી આવા જ હાલ થઈ રહ્યા છે. સાંસારિક કર્મો પ્રત્યે પ્રયત્ન કરવા છતાં પણ મન જતું નથી. બધું જ બગડી ગયું, આપ આપનો ભાવ પાછો લઈ લો. મને નથી જોઈતો.’ ત્યારે ઠાકુર હસતાં હસતાં બોલ્યા : ‘તમને તો મેં પહેલાં કહ્યું હતું.’ ઉત્તરમાં મથુરબાબુએ કહ્યું: ‘જી, હા. પરંતુ એ વખતે હું જાણતો ન હતો કે તે ભૂતની જેમ ખભા પર સવાર થઈને દબાવી બેસશે અને એના જ વશમાં રહીને મારે ચોવીસ કલાક ફરવું પડશે. ઇચ્છા થવા છતાં પણ બીજું શ્રમ નહીં કરી શકું.’ ત્યારે ઠાકુરે તેમની છાતી પર હાથ ફેરવીને તેમને સ્વાભાવિક સ્થિતિમાં લાવી દીધા.

બીજી એક વખત પણ શ્રીયુત મથુરબાબુ ભાવવિહ્વળ અવસ્થામાં જોવામાં આવ્યા હતા. એ વખતે દુર્ગાપૂજાના સમયે ઠાકુર તેમના ઘરે આવ્યા હતા અને જગદંબા દાસી દ્વારા સ્ત્રીઓની જેમ વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને સંધ્યા આરતીના સમયે તેઓ ચામર હાથમાં લઈને દેવીને ચામર ઢોળવા લાગ્યા. ઠાકુરના શરીરમાં એ વખતે પ્રકૃતિભાવ એવો પ્રસ્ફૂટ થયો હતો કે મથુરબાબુ સુદ્ધાં તેમને ઓળખી શકયા નહીં. અહીં કહી રાખવું આવશ્યક છે કે સખીભાવની સાધના વખતે ઠાકુર ક્યારેક ક્યારેક સ્ત્રીવેશમાં મથુરનાથના મકાનના અંત:પુરમાં રહેતી સ્ત્રીઓ સાથે મળીને એવી રીતે રહેતા હતા અને સ્ત્રીઓના આચાર-વ્યવહારમાં પણ સાથ આપતા હતા કે એમને એકાએક જોતાં પુરુષ તરીકે ઓળખી ન શકાય અને એમના રહેવાથી સ્ત્રીઓનાં મનમાં પણ કોઈ સંકોચ થતો ન હતો. અસ્તુ, એ વખતે પૂજામાં ખૂબ ઉત્સવ થયો હતો. મથુરબાબુએ પણ ખૂબ આનંદ કર્યો હતો. આ બાજુ વિજયાદશમીના નિશ્ચિત સમયે પ્રતિમા વિસર્જનનું આયોજન થવા લાગ્યું. એથી પુરોહિતે કહેવડાવ્યું: ‘બાબુને નીચે આવી પ્રણામ વંદન કરવા કહો.’ મથુરબાબુને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતાના આનંદચિંતનમાં એવા તો લીન હતા કે પહેલાં તો તેઓ સમજી જ ન શક્યા. પણ પછીથી સમજાયું, તો પણ એમણે વિચાર્યું : ‘નહીં. આવું આનંદ-બજાર હું વિખેરી નહીં શકું. માનું વિસર્જન યાદ આવતાં પણ હૃદય વ્યાકુળ થઈ જાય છે.’ તો પણ પુરોહિતનું કહેણ વારંવાર આવવાથી એમણે નારાજગીથી કહ્યું : ‘હું માનું વિસર્જન ક્યારેય નહીં કરવા દઉં. જેવી પૂજા ચાલી રહી હતી, તેવી જ પૂજા ચાલતી રહેશે. મારી અનિચ્છા છતાં જો કોઈ વિસર્જન કરશે તો અનર્થ થઈ જશે. ખૂન-ખરાબી સુદ્ધાં થઈ શકે છે.’ આટલું કહીને તેઓ ગંભીર થઈને બેસી ગયા. ઘરના વડીલો એક એક કરીને એમને સમજાવવા આવ્યા પરંતુ તેઓ અચલ, અટલ બેઠા રહ્યા. એમની સ્થિતિ જોઈને ઘણાંએ માન્યું કે બાબુનું માથું ફરી ગયું છે. પરંતુ જિદ્દી મથુરના ભયથી કોઈ કાંઈ જ કરી ન શક્યું. છેવટે મથુરબાબુની પત્ની ઠાકુર પાસે આવીને રડી પડી. ઠાકુરે જઈને જોયું. મથુરનો ચહેરો ગંભીર, આંખો લાલ અને પાગલની જેમ તેઓ ઘરમાં આંટા મારી રહ્યા હતા. ઠાકુરને જોઈને મથુરે પાસે આવીને જણાવ્યું કે : ‘દુર્ગામાતાને હું જલમાં વિસર્જિત નહીં કરી શકું. જીવતાં તો નહીં જ.’ ઠાકુરે એમની છાતી પર હાથ ફેરવતાં કહ્યું : ‘ઓહ ! તમને એમનો ડર છે. તમારે માને છોડીને રહેવું પડશે એવું કોણે કહ્યું ? અને વિસર્જન કરતાં પણ મા ક્યાં જશે ? પુત્રને છોડીને શું મા ક્યારેય રહી શકે ? આ ત્રણ દિવસો સુધી માએ બહારની ઓસરીમાં બેસીને તમારી પૂજા સ્વીકારી છે. આજથી તેઓ તમારી વધુ નજીક રહીને - હંમેશાં તમારા હૃદયમાં રહીને તમારી પૂજા સ્વીકારશે.’ એ અદ્‍ભુત મોહિનીશક્તિથી મથુરબાબુ જલદી પોતાની સ્વાભાવિક અવસ્થામાં પાછા આવી ગયા અને પ્રતિમા વિસર્જન કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત થયું.

ઠાકુર પાસે મથુરબાબુ જે રીતે કોઈ પણ બાબત ખાનગી રાખતા નહીં; ઠાકુર પણ મથુરબાબુ પાસે એ જ રીતે ભાવસમાધિ સિવાય, બીજા સમયે બાળક માતાની પાસે કે મિત્રની પાસે મિત્ર જે રીતે સરળ ભાવે (મોકળા મનથી) નિખાલસપણે બધી વાતો કરે, મતામત સ્વીકારે, સલાહ લે તથા પ્રેમ ઉપર નિર્ભર રહે એ રીતે ભાવ પ્રગટ કરતા હતા. ઠાકુર અને મથુરબાબુ વચ્ચે ખૂબ જ મધુર સંબંધ હતો. સાધના દરમિયાન કે પછીથી ક્યારેય કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તેઓ નિ:સંકોચ મથુરને કહેતા. સમાધિ સમયે કે બીજા સમયે જે કોઈ દર્શન વગેરે ભાવ જાગતા તે બધું જ મથુરને પૂછતા : ‘આવું કેમ થયું ? બતાવો તો’, ‘એ બાબતમાં તમે શું માનો છો ? કહો તો ?’ વગેરે. આ રીતે પ્રશ્ન પૂછતા રહેતા. ભાવાવસ્થામાં રહેતા, વરાભયવાળા ઠાકુર મથુરબાબુના આરાધ્ય હોવા છતાં પણ બાળક સહજ સરળતા અને નિર્ભરતાના પ્રતીક ઠાકુરને મથુરબાબુ સમયે સમયે ફોસલાવતા અને સમજાવતા રહેતા. બાબાની જિજ્ઞાસાના વિષયોને સમજાવવાની કલ્પનાશક્તિ પણ પોતાના પ્રેમને કારણે મથુર હૃદયમાંથી જ મેળવતા હતા. એક દિવસ એમની સાથે વાત કરતાં કરતાં ઠાકુર એકાએક બહાર જઈને કરમાયેલા મુખે પાછા ફરીને બોલ્યા : ‘આ ક્યો રોગ થયો બતાવો તો ? મેં જોયું કે પેશાબના ક્ષારમાંથી જાણે એક કીડો નીકળી ગયો, કોઈ બીજાના શરીરમાં તો આવો કીડો રહેતો નથી. મને શું થઈ ગયું બતાવો.’ સાંભળતાં જ મથુરે કહ્યું : ‘તે તો સારું જ થયું છે, બાબા. બધાના અંગમાં કામકીડો રહે છે. એનાથી જ એમના મનમાં ખરાબ ભાવ જાગે છે. પરિણામે લોકો કુકર્મો કરે છે. માની કૃપાથી આપના શરીરનો તે કામકીડો નીકળી ગયો છે. એને માટે ચિંતા શું છે ?’ આ સાંભળતાં જ ઠાકુરે બાળકની જેમ શાંત થઈને કહ્યું : ‘સાચું કહ્યું છે તમે. દૈવયોગે મેં તમને આ વાત કહી હતી અને પૂછ્યું હતું.’ એટલું કહીને તેઓ બાળકની જેમ આનંદ પ્રગટ કરવા લાગ્યા. એક વખત ઠાકુરે વાતવાતમાં મથુરબાબુને કહ્યું : ‘જગદંબાની કૃપાથી મને જણાયું છે કે ઈશ્વર વિશે જાણવા માટે તથા પ્રેમભક્તિ મેળવવા માટે અનેક અંતરંગ ભક્તો મારી પાસે આવશે.’ એટલું કહીને એમણે પૂછ્યું : ‘તમે શું કહો છો ? આ બધો મનનો ભ્રમ છે કે મેં સાચું જ જોયું છે. બતાવો તો.’ મથુરબાબુએ કહ્યું : ‘મનનો ભ્રમ શા માટે હોય ? બાબા, માએ જ્યારે અત્યાર સુધી આપને ક્યારેય ભ્રમમાં નથી નાખ્યા તો આ ભ્રમ કેમ હોઈ શકે ? આ પણ સાચું જ છે. પરંતુ અત્યારે તો લોકો મોડું કેમ કરી રહ્યા છે ? જલદી આવી જાય તો એમની સાથે હું પણ આનંદ કરું.’

એ દરમિયાન શ્રીયુત મથુરબાબુના મનમાં તીર્થદર્શનની ઇચ્છા જાગી. ઠાકુર લગભગ સાત મહિના સુધી કામારપુકુર રહ્યા. ઈ.સ. ૧૮૬૮ના માગશરમાં તેઓ જ્યારે દક્ષિણેશ્વર પાછા આવ્યા ત્યારે તેમનું શરીર સ્વાસ્થ્ય ઘણું જ સારું થઈ ગયું હતું. આથી મથુરબાબુએ નિશ્ચય કર્યો કે પોતાના પૂર્વસંકલ્પિત તીર્થદર્શનમાં તેઓ ઠાકુરને પણ સાથે લઈ જશે. આ બાબતમાં ઠાકુર પણ સંમત થયા.અને ઠાકુર પોતાના ભાણેજ હૃદયને સાથે લઈને મહા મહિનાના મધ્યભાગમાં (ઈ.સ.૧૮૬૮, ૨૭મી જાન્યુઆરી) તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. (‘ઠાકુર બે વખત તીર્થોમાં ગયા હતા. પ્રથમ વખત, પોતાનાં માતાજીને સાથે લઈને ગયા હતા. (ઈ.સ.૧૮૬૩) બીજી વખત, તીર્થગમન ઈ.સ.૧૮૬૮માં મથુરબાબુ અને એમનાં પત્ની જગદંબા દાસી સાથે.’ બીજા વર્ગનો એક અને ત્રીજા વર્ગના ત્રણ ડબ્બા આરક્ષિત કરાવ્યા હતા. મથુરબાબુ, પોતાનાં પત્ની અને ૧૦૦થી પણ વધારે સગાસંબંધીઓની સાથે બાબાને લઈને રેલગાડીમાં તીર્થદર્શને નીકળ્યા.)

તે લોકો પહેલાં થોડા દિવસ વૈદ્યનાથ ધામમાં દર્શન-પૂજા વગેરે માટે રોકાયા. અહીં એક ખાસ પ્રસંગ બન્યો હતો. દેવઘરના એક દરિદ્ર કસબાનાં સ્ત્રીપુરુષોની દુર્દશા જોઈને ઠાકુરનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે મથુરબાબુને કહ્યું : ‘તમે તો માના કારભારી છો. આ લોકોને માથામાં નાખવાનું તેલ, એક એક વસ્ત્ર અને એક ટંક ભરપેટ ભોજન આપો.’ પરંતુ મથુરબાબુ સહમત ન થયા અને બોલ્યા : ‘બાબા, તીર્થમાં ઘણો ખર્ચ થશે અને આ તો ઘણા બધા લોકો છે. એમને ખવડાવવા- પિવડાવવામાં ઘણા રૂપિયા ખર્ચાઈ જશે. પછી તંગી ઊભી થશે. આપ આવી સ્થિતિમાં આ શું કહો છો ?’ પણ આ વાત કોણ સાંભળે ? એ સમયે ગ્રામ્યવાસીઓનું દુ:ખ જોઈને બાબાનું હૃદય કરુણાથી છલકાઈ ગયું. આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી અને તેઓ બોલી ઊઠ્યા : ‘ત્યારે તું જા. હું તારી કાશી નહીં જાઉં. હું આમની પાસે રહીશ. આ લોકોનું કોઈ નથી. હું આમને છોડીને નહીં જાઉં,’ આટલું બોલીને તેઓ બાળકની જેમ હઠ કરીને એ ગરીબોની વચ્ચે જઈને બેસી ગયા. એમની એ કરુણા જોઈને મથુરબાબુએ એ જ ઘડીએ એક માણસને કોલકાતા મોકલ્યો અને ત્યાંથી કાપડની ગાંસડીઓ મગાવી. એમના કહેવા મુજબ બધાં કાર્યો કર્યાં. એ ગ્રામવાસી દરિદ્રોનો આનંદ જોઈને બાબા પણ આનંદિત થયા અને એ લોકોની વિદાય લઈને હસતાં હસતાં મથુરબાબુ સાથે કાશી ગયા.

વૈદ્યનાથ ધામથી તેઓ બધા સીધા વારાણસી પહોંચ્યા. ત્યાં મથુરબાબુએ કેદારનાથની ઉપર પાસે પાસે બે મકાન ભાડે લીધાં. પૂજા, દાન વગેરે બધી બાબતોમાં તેમણે અહીં પુષ્કળ ખર્ચ કર્યો. એ કારણે જ ઘરની બહાર જતાં ચાંદીનું છત્તર, છડી, આગળ પાછળ ચાલતા છડીદારો વગેરે જોઈને લોકો એમને કોઈ રાજા મહારાજા માનતા હતા. કંજૂસ હોવા છતાં પણ મથુરે ઠાકુરના કહેવાથી કાશીમાં કલ્પવૃક્ષ બનીને ખુલ્લે હાથે દાન કર્યું હતું. જેણે જે કંઈ માગ્યું તેને બધું એમણે આપ્યું. એ વખતે એમણે ઠાકુરને પણ કંઈ માગવા કહ્યું ત્યારે ઠાકુરે કોઈ ચીજનો અભાવ ન બતાવ્યો. તો પણ એમણે જ્યારે કહ્યું : ‘સારું, એક કમંડળ આપો.’ એમનો ત્યાગ જોઈને મથુરબાબુ રડી પડ્યા. કાશીમાં રહેતા હતા ત્યારે મથુરબાબુએ વ્યવસ્થા કરાવી આપી હતી. એટલે ઠાકુર દરરોજ હોડીમાં બેસીને વિશ્વનાથજીનાં દર્શન માટે જતા હતા. એ સિવાય અન્ય દેવી-દેવતાઓનાં દર્શનની વ્યવસ્થા પણ મથુરબાબુએ કરાવી આપી હતી.

પાંચ- સાત દિવસ કાશીમાં રહ્યા પછી ઠાકુર મથુરબાબની સાથે પ્રયાગ ગયા. ત્યાં ત્રણ રાત રોકાયા અને પુણયસંગમમાં સ્નાન કર્યું. પ્રયાગથી મથુરબાબુ ફરી પાછા કાશી આવ્યા અને ત્યાં પંદર દિવસ રોકાયા. ત્યાંથી ઠાકુરને સાથે લઈને વૃંદાવન ધામ ગયા. વૃંદાવનમાં મથુરબાબુ નિધુવનની નજીક એક મેદાનમાં ઊતર્યા હતા. ત્યાં એમણે પત્ની સાથે અનેક દેવસ્થાનોનાં દર્શન કર્યાં અને દરેક મંદિરમાં પ્રણામીરૂપે કેટલીક ગીની ધરી હતી. અહીં પણ તેઓ લગભગ પંદર દિવસ રોકાયા અને પાછા કાશી આવ્યા. કાશીમાં વિશ્વનાથજીનો વિશેષ વેશ જોવા માટે ઈ.સ.૧૮૬૮ના વૈશાખ મહિના સુધી રોકાઈ ગયા. મથુરબાબુને વારાણસીથી ગયાધામ જવાની ઇચ્છા હતી. પરંતુ ઠાકુરે ખાસ વાંધો લેતાં તેઓ એ સંકલ્પને છોડીને કોલકાતા પાછા આવી ગયા. આમ ચાર મહિના સુધી તીર્થભ્રમણ કરીને એ વર્ષે જેઠ મહિનાના મધ્યભાગમાં ઠાકુર મથુરબાબુ સાથે ફરીથી દક્ષિણેશ્વર પાછા આવી ગયા. વૃંદાવનથી રાધાકુંડ અને શ્યામકુંડમાંથી ઠાકુર રજ લાવ્યા હતા. દક્ષિણેશ્વર આવીને તેમણે તેનો થોડો ભાગ પંચવટીની ચારે બાજુ વેરી દીધાં અને બાકીનો ભાગ પોતાની સાધના કુટિરની અંદર પોતાના હાથે ભંડારી દીધો અને કહ્યું: ‘આજથી આ સ્થળ શ્રી વૃંદાવનની સમાન દેવભૂમિ બની ગયું.’ આના થોડા દિવસો બાદ ઠાકુરે અને મથુરબાબુએ જુદાં જુદાં સ્થળના વૈષ્ણવ ગોસ્વામી અને ભક્તોને આમંત્રીને પંચવટીમાં મહોત્સવનું આયોજન કર્યું હતું. બધાને ભોજનથી સંતુષ્ટ કરીને મથુરબાબુએ દરેક ગોસ્વામીઓને સોળ સોળ રૂપિયા અને દરેક વૈષ્ણવોને એક એક રૂપિયાની દક્ષિણા આપી હતી.

ઉપર વર્ણવેલાં તીર્થો સિવાય પણ ઠાકુર મથુરબાબુની સાથે કાલના તથા નવદ્વીપ ગયા હતા. કાલનામાં ઠાકુરે એક દિવસ ભગવાનદાસ બાવાજીની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની ઘણી પ્રશંસા કરી. એ સાંભળીને મથુરબાબુ પણ બાબાજીનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં એમણે આશ્રમના મંદિરની સેવા માટે તેમ જ એક દિવસના ભંડારા માટે ખાસ વ્યવસ્થા કરી આપી હતી. ઘણું કરીને આ ઈ.સ.૧૮૭૦ની વાત છે.

ઠાકુરના ભત્રીજા અક્ષયના મૃત્યુ પછી થોડા દિવસ બાદ મથુરબાબુ ઠાકુરને લઈને પોતાની જમીનદારીની વહીવટી કચેરી તથા પોતાના ગુરુગૃહે ગયા હતા. મથુરબાબુની જમીનદારી હેઠળના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા અને દરિદ્રતા જોઈને ઠાકુર બહુ જ દુ:ખી થઈ ગયા અને એમણે મથુરબાબુને કહીને એમના સૂકા વાળમાં નાખવા તેલ અને એક એક ધોતી અપાવ્યાં અને ભરપેટ ભોજન કરાવ્યું. એ વખતે મથુરબાબુ ઠાકુરને ચૂર્ણીની નહેરમાં હોડી દ્વારા લઈ ગયા હતા. સાતક્ષિરાની પાસે આવેલા સોનાબેડે નામના ગામમાં એમનું બાપદાદાનું નિવાસસ્થાન હતું. એ ગામની આજુબાજુનાં બધાં ગામડાં એમની જમીનદારી હેઠળ હતાં. ઠાકુરને સાથે લઈને તેઓ એ બધાં સ્થળે ગયા હતા. ત્યાંથી એમનું ગુરુગૃહ બહુ દૂર ન હતું. ધનસંપત્તિના ભાગ માટે ગુરુના ઘરમાં તેમના વંશજો વચ્ચે ઝઘડા ચાલતા હતા. એ ઝઘડો નિવારવા માટે એ લોકોએ મથુરબાબુને બોલાવ્યા હતા. એ ગામનું નામ તાલામાગરો હતું. મથુરબાબુ જ્યારે ત્યાં ગયા ત્યારે ઠાકુર અને હૃદયને પોતાના હાથી ઉપર બેસાડીને લઈ ગયા હતા અને પોતે પાલખીમાં બેઠા હતા. મથુરબાબુના ગુરુપુત્રોની પ્રેમપૂર્વકની સેવામાં થોડાં અઠવાડિયાં વિતાવીને ઠાકુર દક્ષિણેશ્વર પાછા આવી ગયા.

અવિરત ચૌદ વર્ષો સુધી ઠાકુરની હૃદયપૂર્વકની સેવા કર્યા પછી મથુરબાબુનું મન કયાં સુધી નિષ્કામ ભાવમાં ઓતપ્રોત થયું હતું એના ઉદાહરણ માટે આ એક પ્રસંગ જ પૂરતો થશે. એ વખતે મથુરબાબુને શરીરના સાંધાના કોઈ ભાગમાં ગૂમડું થયું હતું. તેથી તેઓ પથારીમાં સૂતા રહેતા. ઠાકુરનાં દર્શન માટે તેઓ અત્યંત આતુર હતા. એમનો અત્યંત આગ્રહ જોઈને હૃદયે ઠાકુરને એ વિષે જણાવ્યું. ઠાકુરે એ સાંભળીને કહ્યું : ‘હું જઈને શું કરીશ ? એનું ગૂમડું મટાડી દેવાની શક્તિ મારામાં નથી.’ ઠાકુર આવ્યા નહીં તેથી મથુરબાબુ અત્યંત દુ:ખી થઈ ગયા અને તેઓ વારંવાર માણસ મોકલીને આર્તસ્વરે પ્રાર્થના કરવા લાગ્યા. એમની આવી વ્યાકુળતા જોઈને આખરે ઠાકુરને જવું પડ્યું. એમનાં દર્શન થતાં મથુરબાબુ અત્યંત આનંદમાં આવી ગયા. તકિયો રાખીને તેઓ અત્યંત કષ્ટપૂર્વક બેઠા થયા અને બોલ્યા : ‘બાબા, જરા ચરણરજ આપો.’ ઠાકુરે કહ્યું : ‘મારા પગની રજ લેવાથી શું થશે ? શું એથી તમારું ગૂમડું મટી જશે ?’ આ સાંભળી મથુરબાબુએ કહ્યું ‘બાબા, શું હું એવો છું ? શું હું આપની ચરણરજ ગૂમડું મટાડવા માટે માગું છું ? એને માટે તો ડોકટર છે. હું સંસારસાગર પાર કરવા માટે આપની ચરણરજ માગું છું.’ આટલું સાંભળતાં જ ઠાકુર ભાવાવેશમાં આવી ગયા. આ દરમિયાન મથુરબાબુ એમનાં ચરણ પોતાના મસ્તક પર રાખીને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા અને એમનાં બંને નેત્રોમાંથી આંસુ વહેવાં લાગ્યાં.

એક દિવસ ભાવાવેશમાં ઠાકુરે મથુરને કહ્યું : ‘મથુર, તમે જીવો છો ત્યાં સુધી જ હું અહીં રહીશ.’ મથુરબાબુ એ સાંભળીને ભયથી ધ્રૂજી ઊઠ્યા અને દીનભાવે ઠાકુરને આજીજી કરી : ‘એવું કેમ, બાબા ? મારી પત્ની અને પુત્ર દ્વારકાનાથ પણ આપની ભક્તિ કરે છે.’ મથુરબાબુને દુ:ખી જોઈને ઠાકુરે કહ્યું : ‘સારું, ત્યારે તમારી પત્ની અને દ્વારિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જ હું રહીશ.’ અને બન્યું પણ એમ જ.

સંપત્તિ-વિપત્તિ, સુખ-દુ:ખ, મિલન-વિયોગ, જીવન-મૃત્યુરૂપી તરંગમાલાના વહેતા પ્રવાહથી સમય બદલાતાં ધીમે ધીમે ઈ.સ.૧૮૭૧નો સમય આવ્યો. મથુરબાબુનો ઠાકુર સાથેનો ઘનિષ્ઠ સંબંધ ૧૫મા વર્ષમાં પહોંચ્યો. વૈશાખ, જેઠ અને અષાઢનો પણ અર્ધો મહિનો પસાર થઈ ગયો. બરાબર એ વખતે મથુરબાબુ તાવમાં પટકાયા. તાવ ધીમે ધીમે વધવા લાગ્યો અને આઠ દિવસમાં તો તે વિકારમાં પરિણમ્યો. પરિણામે મથુરબાબુનું ગળું બંધ થઈ ગયું. ઠાકુર પહેલેથી જ જાણી ગયા હતા કે મા જગદંબા પોતાના ભક્તને પોતાની સ્નેહમયી ગોદમાં ધારણ કરી રહી છે. મથુરના ભક્તિવ્રતના ઉથાપનનો સમય હવે આવી પહોંચ્યો છે. એ કારણે તેઓ દરરોજ હૃદયને મથુરબાબુની ખબર કાઢવા મોકલતા હતા પરંતુ તેઓ પોતે એક વાર પણ ત્યાં ગયા નહીં. આખરે મથુરબાબુના ઈહલોકનો અંતિમ દિવસ આવી પહોંચ્યો. અંતિમકાળ સમીપ આવ્યો હોવાથી મથુરબાબુને કાલીઘાટના ગંગાકિનારે લઈ જવામાં આવ્યા. એ દિવસે ઠાકુરે હૃદયને પણ તેમને જોવા માટે ન મોકલ્યા. પરંતુ બપોરે ત્રીજા પહોરે તેઓ બે ત્રણ કલાક ગંભીર ધ્યાનમાં મગ્ન થઈ ગયા અને જ્યોતિર્મય માર્ગે દિવ્યશરીર ધારણ કરીને ભક્તની પાસે પહોંચી ગયા અને એમને કૃતાર્થ કરી બહુપુણ્યે મેળવેલા લોકમાં પહોંચાડી દીધા. મહાભાવ શમી જતાં ઠાકુરે હૃદયને પાસે બોલાવ્યો. તે વખતે પાંચ વાગી ગયા હતા. તેમણે કહ્યું : ‘જગદંબાની સહચરીઓએ મથુરને આદર સાથે દિવ્ય રથ પર આરૂઢ કરાવ્યો. તેનું તેજ દેવીલોકમાં પહોંચી ગયું.’ પછી મોડી રાત્રે કાલીઘાટથી કર્મચારીઓ પાછા આવ્યા અને એમણે હૃદયને સમાચાર આપ્યા કે મથુર બાબુ ત્રીજા પહોરે પાંચ વાગ્યાના સમયે દિવંગત થઈ ગયા છે. (૧૬ જુલાઈ, ઈ.સ.૧૮૭૧).

પાછળથી એક દિવસ ઠાકુરના મુખે મથુરબાબુની અપૂર્વ વાત સાંભળીને એક ભક્તે એમના મહાન ભાગ્ય વિષે વિચારતાં સ્તબ્ધ અને વિભોર થઈને ઠાકુરને પૂછ્યું : ‘મહારાજ, મૃત્યુ પછી મથુરબાબુની કેવી ગતિ થઈ હશે? લાગે છે કે ચોક્કસ એમનો પુનર્જન્મ તો નહિ જ થયો હોય !’ સાંભળીને ઠાકુરે ઉત્તર આપ્યો: ‘ક્યાંક કોઈ રાજા બનીને જન્મ ધારણ કર્યો હશે. બીજું શું ! એનામાં ભોગવાસના હતી.’ આટલું કહીને ઠાકુર બીજા વિષયમાં વાત કરવા લાગ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda