Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Householder Disciples Of Shri Ramakrishna

પૂર્ણચંદ્ર ઘોષ

શ્રીરામકૃષ્ણ જેમને ‘ઈશ્વરકોટિ’ કહીને ઉલ્લેખ કરતા હતા , એમાં પૂર્ણચન્દ્રનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણ સંઘના ઈતિહાસમાં તેઓ ઈશ્વર કોટિ રૂપમાં જ સ્વીકારાયેલા હતા. સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ ઈશ્વરકોટિમાં આ છ વ્યક્તિઓની ગણના કરતા હતા. સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી યોગાનંદ, સ્વામી નિરંજનાનંદ અને શ્રીયુત પૂર્ણચન્દ્ર ઘોષ.‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની જુદી જુદી ઉક્તિઓમાં ઉચ્ચાધિકારનું જ સમર્થન મળે છે : ‘ઠાકુરે અમને લોકોને કહ્યું હતું, પૂર્ણ નારાયણનો અંશ છે, સત્ત્વગુણી આધાર છે. નરેન્દ્રની નીચે જ આ બાબતમાં પૂર્ણનું સ્થાન ગણી શકાય છે. અહીં આવીને ધર્મલાભ કરવા ઉત્સુક જેમને બહુ પહેલાં મેં જોયા હતા, પૂર્ણના આગમનથી એ શ્રેણીના ભક્તોનું આગમન પૂરુ થયું ; એ શ્રેણીનો બીજો કોઈ હવે પછી અહીં નહીં આવે.’ (લીલા પ્રસંગ : શ્રીરામકૃષ્ણદેવનો દિવ્યભાવ અને નરેન્દ્રનાથ ) ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં પણ છે : ‘પૂર્ણનો જન્મ વિષ્ણુના અંશથી થયો છે.’‘કેવળ અંશ જ નહીં, કલા છે’ ‘એમનો કેવો ભાવ જાણો છો ? પહેલાં ફળ એ પછી ફૂલ. પહેલાં દર્શન, એ પછી મહિમાશ્રવણ, એ પછી મિલન.’

અહીં ઈશ્વરકોટિના સંબંધમાં થોડું કહી દેવું જરૂરી છે. ઠાકુર ભક્તોને બે વિભાગમાં વહેંચતા હતા : ઈશ્વરકોટિ. ઈશ્વરકોટિ - જેવા કે શ્રીગૌરાંગ ચૈતન્યદેવ વગેરે અવતારી પુરુષ કે પ્રહ્લાદ વગેરે શુદ્ધ સત્ત્વગુણી ભક્ત કે લીલાસહચર. ઈશ્વરકોટિ થયા વગર મહાભાવ કે પ્રેમ થતો નથી : તેઓ ઇચ્છા થતાં જ મુક્ત થઈ શકે છે. તેઓ પ્રારબ્ધને આધીન નથી. એમનો વિશ્વાસ પણ સ્વત:સિદ્ધ છે - જેમ કે પ્રહ્લાદનો હતો અને એમના દ્વારા કોઈ અપરાધ પણ થતો નથી. ઈશ્વરકોટિ તો પ્રેમ થતાં જગત્ મિથ્યાનો અનુભવ તો કરે જ છે, એ ઉપરાંત જે શરીર આટલું પ્રિય છે, તેને પણ ભૂલી જાય છે. (શ્રીરામકૃષ્ણ કથામૃત : ‘નરેન્દ્ર, ભવનાથ, રાખાલ આ બધા નિત્યસિદ્ધ છે. એમની શિક્ષા માત્ર વધારાની છે.) ‘જે લોકો પહેલાં બંધાયેલા હતા અને પછીથી જેમણે સાધના કરીને સિદ્ધિલાભ મેળવ્યો અને બાકીનું જીવન કોઈ પ્રકારના ભગવદ્‍ભાવમાં પસાર કર્યું છે તેમને જીવન્મુક્ત કહેવાય છે. જે લોકો ઈશ્વર સાથે એ પ્રકારના વિશિષ્ટ સંબંધનો ભાર લઈને જન્મ્યા છે અને આ જન્મમાં કોઈ સમયે સાધારણ મનુષ્યની જેમ બંધનયુક્ત થયા નથી. એમને માટે જ શાસ્ત્રમાં ‘આધિકારિક પુરુષ’ ‘ઈશ્વરકોટિ’ કે ‘નિત્યમુક્ત’ વગેરે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બીજી પણ એક શ્રેણીના સાધકો ય છે કે જેઓ અદ્વૈતભાવ પ્રાપ્ત કર્યા પછી આ જન્મમાં કે આગલા જન્મમાં સંસારમાં લોકકલ્યાણ કરવા માટે પણ પાછા આવ્યા નથી - આ જ જીવનકોટિ નામથી ઓળખાય છે. (લીલા પ્રસંગ ગુરુભાવ-પૂવાર્ધ) લીલાપ્રસંગ (દિવ્યભાવ) માં પણ લખ્યું છે કે ઠાકુર છ વિશેષ વ્યક્તિઓને ઈશ્વરકોટિ રૂપે જગદંબાની કૃપાથી જાણી શક્યા હતા. (શ્રીરામકૃષ્ણ પુંથિ (મૂળ બંગાળીમાં લખાયેલ)નું વિવરણ છે : (પાના ૬૦૪)

ભાવાર્થ : ‘ઈશ્વરકોટિના કોણ કોણ ભક્ત છે, એમનાં નામ સાંભળો. શ્રીપ્રભુના આવિર્ભાવમાં જે એમની લીલામાં ઉપસ્થિત હતા. નિરંજન, બાબુરામ, છોટા નરેન, રાખાલ, યોગીન્દ્ર અને પૂર્ણચંદ્ર. ભવનાથ જેનું ઘર વરાહનગરમાં છે. તારક જેનું ઘર છે બેલઘરિયામાં. પ્રભુના નરેન્દ્ર જે સર્વશ્રેષ્ઠ વીર છે. ઈશ્વરકોટિથી પણ તેઓ અતિ ઉચ્ચ શ્રેણીના છે.’

પૂર્ણચંદ્ર પૂર્ણજ્ઞાન લઈને જ જન્મ્યા હતા. એ કારણે બલરામ બસુ મહાશયે ઠાકુરને જ્યારે એક દિવસ પૂછ્યું : ‘મહારાજ સંસાર મિથ્યા છે, એવું જ્ઞાન પૂર્ણને કેવી રીતે પ્રાપ્ત થયું ?’ ત્યારે ઠાકુરે ઉત્તર આપેલો : ‘જન્મ -જન્માંતરથી. પૂર્વજન્મોમાં બધું કરેલું છે. શરીર જ નાનું હોય છે. પછી વૃદ્ધ પણ થાય છે. આત્માને આવું થતું નથી.’પૂર્ણના પ્રેમનો પરિચય દેતાં ઠાકુરે બીજા એક દિવસે કહ્યું હતું : ‘પૂર્ણનું ઉચ્ચ સાકાર ઘર છે; વિષ્ણુના અંશથી જન્મ થયો છે; વિષ્ણુના અંશથી જન્મ થયો છે. અહા ! એનામાં કેવો અનુરાગ છે !’ કોઈ બીજા દિવસે તેમણે માસ્ટર મહાશયને કહ્યું હતું: ‘પૂર્ણનો અનુરાગ કેવો છે ? જોયું ને ?’ માસ્ટર મહાશયે તેનું અનુમોદન કરતાં કહ્યું : ‘જી, હા. હું ટ્રામ ગાડીમાં જઈ રહ્યો હતો. છત પરથી મને જોતાં જ તે રસ્તા પર ઊતરી આવ્યો અને વ્યાકુળભાવે ત્યાંથી જ મને નમસ્કાર કર્યા.’ એ સાંભળતાં વેંત ઠાકુર તુરત જ આંસુભર્યાં નેત્રો સાથે બોલી ઊઠ્યા :‘અહા ! અહા ! એટલા માટેને કે એમણે મારો પરમાર્થની સાથે સંયોગ કરી દીધો છે. ઈશ્વરને માટે વ્યાકુળ થયા વગર આવું ક્યારેય થતું નથી. આ ત્રણ વ્યક્તિઓની પુરુષસત્તા છે : નરેન્દ્ર, છોટો નરેન અને પૂર્ણ... પૂર્ણની જો આવી સ્થિતિ થઈ છે એથી સંભવ છે કે તુરત એનો દેહનાશ થઈ જશે ; ઈશ્વરપ્રાપ્તિ થઈ પછી શા માટે રાખવો ? કે પછી થોડા દિવસમાં શરીર ફાડીને નીકળી પડશે. દૈવી સ્વભાવ અને દેવતાની પ્રકૃતિ છે. એમનામાં લોકભય ઓછો રહે છે. જો એના ગળામાં માળા, શરીર પર ચંદન અને ધૂપની સુગંધ આપવામાં આવે તો સમાધિ થઈ જશે. બરાબર અનુભવ થાય કે અંતરમાં નારાયણ જ દેહ ધારણ કરીને આવ્યા છે.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત) પૂર્ણ પાછા લીલાસહચર પણ હતા. ઠાકુરે એક બીજા દિવસે કહ્યું હતું : ‘શા માટે હું પૂર્ણ અને નરેન્દ્ર વગેરેને આટલો પ્રેમ કરું છું ? જગન્નાથની સાથે મધુરભાવથી આલિંગન કરવા જતાં હાથ ભાંગી ગયો હતો, (એમણે) જણાવી દીધું કે તમે શરીર ધારણ કર્યું છે. હવે નરરૂપની સાથે સખ્ય, વાત્સલ્ય એવા ભાવ લઈને રહો.’

ઉપરના અવતરણમાં પૂર્ણચન્દ્રના જીવનની બે ખાસ ઘટનાઓનો ઉલ્લેખ છે. પ્રથમ છે - માસ્ટર મહાશયની મદદથી તેમનું શ્રીરામકૃષ્ણ સાથેનું મિલન અને બીજી છે - શ્રીરામકૃષ્ણે કરેલો એમનો સાદર સ્વીકાર. હવે આપણે એ બંને ઘટનાઓની ચર્ચા કરીશું. પૂર્ણ જ્યારે ઠાકુરની પાસે પહેલવહેલા આવ્યા ત્યારે એમની ઉંમર ૧૩ વર્ષની હતી. એ વખતે તેઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મહાશય દ્વારા સ્થપાયેલી મેટ્રોપોલિટન વિદ્યાલયની શ્યામબજારની શાખાની તૃતીય શ્રેણી (આઠમું ધોરણ)માં ભણતા હતા. વિદ્યાલયના મુખ્ય શિક્ષક મહેન્દ્રનાથ ગુપ્ત મહાશય અનેક ભક્તિમાન વિદ્યાર્થીઓને શ્રીરામકૃષ્ણનાં ચરણોની સમીપ લઈ જતા. આથી એમને પહેલેથી જ ‘છોકરા પકડવાવાળા માસ્તર’ કહેવામાં આવતા. હવે પૂર્ણચંદ્રની મીઠી વાણી, મધુર સ્વભાવ, તેજસ્વી આંખો, સુગઠિત શરીર અને સુંદર શ્યામ કાંતિ જોઈને તેના પ્રત્યે પણ તેઓ આકર્ષાયા. તો પણ વાર્તાલાપ કરીને જાણી લીધું કે બાળક નાનપણથી જ ભગવદ્‍ભક્ત છે. ત્યારે એમણે તેને ‘શ્રી ચૈતન્ય ચરિતામૃત’ વાંચવાનો ઉપદેશ આપ્યો અને એકાંતમાં બોલાવીને ધર્મની અનેક વાતો સંભળાવવા લાગ્યા. અંતે આધાર તૈયાર જોઈને એક દિવસ એમણે કહ્યું: ‘ચૈતન્યદેવ જેવા જ એક મહાપુરુષને જોવા જો તું ઇચ્છતો હોય તો મારી સાથે ચાલ.’ પૂર્ણચન્દ્રનું મન તો આ માટે જ વ્યાકુળ હતું. તેથી તેઓ આગ્રહપૂર્વક તૈયાર થયા. પણ બીજી જ ક્ષણે પૂછતાં જાણવા મળ્યું કે મહાપુરુષ દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં રહે છે અને ત્યાં આવવા જવામાં એક દિવસ નીકળી જાય. આથી તેઓ ખૂબ જ ચિંતિત બન્યા કેમ કે પૂર્ણચન્દ્રના પિતા રાયબહાદુર દીનાનાથ ઘોષ મહાશય ભારત સરકારના નાણા વિભાગમાં ઉચ્ચ પદે અધિકારી હતા. પારિવારિક શિસ્તના તેઓ ખાસ આગ્રહી હતા. એમનામાં મોટા માણસ હોવાનું ગૌરવ પણ ઓછું ન હતું કેમ કે સિમુલિયાના પ્રસિદ્ધ ઘોષ-વંશમાં એમનો જન્મ થયો હતો તથા રાજ્ય સરકારમાં સન્માનીય હોદ્દો પ્રાપ્ત થવાના કારણે એ દિવસોમાં કોલકાતાની મુખ્ય વ્યક્તિઓમાં તેમની ગણના થતી. આવા સન્માનીય પિતાના પુત્ર પૂર્ણચન્દ્ર સ્વચ્છંદી વ્યવહાર કરે એવું ન બની શકે. પિતાનો આવો મનોભાવ પૂર્ણ જાણતા હતા. એ કારણે તેઓ ચિંતિત થઈ ગયા. પછી એમને યાદ આવ્યું કે દક્ષિણેશ્વરમાં એમના એક સંબંધી છે. એમના આધારે ત્યાં જઈ શકાય. કારણ મળી આવ્યું. આવી ભારે વિપત્તિમાંથી આત્મરક્ષાનો ઉપાય જડ્યો. તેઓ ફાગણ મહિનાના એક શુભ દિવસે માસ્ટર મહાશયની સાથે શ્રીરામકૃષ્ણની સામે હાજર થયા. (‘પૂર્ણ જ્યારે પહેલવહેલા ઠાકુરની પાસે આવ્યા ત્યારે તેમને બાળક કહી શકાતા હતા. ઘણું કરીને એ સમયે એમની ઉંમર ૧૩ વર્ષ પૂરાં કરી ચૂકી હતી.’ (લીલા પ્રસંગ- દિવ્યભાવ) આ ઈ.સ.૧૮૮૫ના ફેબ્રુઆરી- માર્ચની વાત છે. એથી પૂર્ણનો જન્મ ઈ.સ.૧૮૭૧ના અંતમાં કે ઈ.સ.૧૮૭૨ના પ્રારંભમાં કહી શકાય છે.)

દક્ષિણેશ્વરના વિશાળ મંદિરનું દર્શન કરીને પૂર્ણ મુગ્ધ બન્યા તથા દિવ્યપુરુષના સાક્ષાત્કારનો લાભ લઈને કૃતાર્થ બનેલા પૂર્ણચન્દ્રે ભક્તિવિહ્વળ ચિત્તે શ્રીરામકૃષ્ણ દેવનાં શ્રીચરણોમાં દંડવત્ પ્રણામ કર્યા. જગદંબાએ આ ઉચ્ચકોટિના ભક્તના આગમનની વાત ઠાકુરને પહેલેથી જ જણાવી દીધી હતી. એથી હવે એમણે પૂર્ણને પ્રેમથી બેસાડ્યા. ફળ,મીઠાઈ, વગેરે ખાવા માટે દીધું. સ્નેહમુગ્ધ પૂર્ણચન્દ્ર ચિત્રમાંના પૂતળાની જેમ ચૂપચાપ બેસીને એકીટશે એ સૌમ્ય, શાંત, માધુર્યઘન, પ્રેમમય મહાપુરુષને જોતા રહ્યા. એમના ચિત્તમાં એ સમયે એકાએક પૂર્વસ્મૃતિ જાગી અને તેમને અતીન્દ્રિય ભાવરાજ્યમાં લઈ ગઈ અને લોકોત્તર મહામાનવની સાથે તેમનો દિવ્ય સંબંધ બતાવવા લાગી. એકાગ્રર ચિત્તે જોતા રહેવાનો કારણે તેઓ અલૌકિક આનંદથી વિભોર થઈ ગયા. એમનાં નેત્રોમાંથી નીકળેલાં પ્રેમાશ્રુ ગાલ પર વહેવાં લાગ્યાં. એ અપાર્થિવ લીલાથી પ્રસન્ન માસ્ટર થોડા વખત સુધી એ અપૂર્વ દૃશ્યને જોતા રહ્યા. અંતે પૂર્ણને કહ્યું કે હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે. પાછા જવા માટે પૂર્ણ સૂતેલો માણસ જેમ ઊભો થાય એ રીતે ઊભા થયા ત્યારે ઠાકુરે એમની ચીબુક પકડીને સ્નેહાર્દ્ર સ્વરે કહ્યું : ‘તને જ્યારે પણ તક મળે, અહીં ચાલ્યો આવજે; ગાડીનું ભાડું અહીંથી લેજે.’ કોઈ પણ રીતે પોતાને સાંભળીને ધીરે ધીરે અનિચ્છુક પગને ખેંચતાં ખેંચતાં પૂર્ણ ગાડીમાં બેઠા અને સમયસર ઘરે પહોંચ્યા. પિતા જાણી ન શક્યા કે આજે પુત્રના નવીન જીવનનો આરંભ થઈ ગયો છે.

એ પછી પૂર્ણચંદ્ર ક્યારેક માસ્ટર મહાશય સાથે તો ક્યારેક એકલા દક્ષિણેશ્વર જવા લાગ્યા. પ્રથમ પરિચય પછી ઠાકુરને મળવા માટે પૂર્ણનું મન એ પ્રકારે બેચેન થવા લાગ્યું કે ઘરના શાસન કે ધમકીનો ડર એકાએક અદૃશ્ય થઈ જતો. સહપાઠીનો સંગ ઝેર જેવો લાગતો અને હંમેશાં એકાંતમાં ભગવાનનું નામ લેવું સારું લાગતું. ઠાકુર પણ એ રીતે પૂર્ણને મળવાને માટે વ્યાકુળ બની જતા. તક મળતાં ગૂપચૂપ ખાવાની થોડી વસ્તુઓ મોકલી દેતા. ક્યારેક ક્યારેક એમનાં નેત્રોમાંથી આંસુ વહેવાં લાગતાં. તેમનું આવું વર્તન જોઈને કોઈએ આશ્ચર્ય પ્રગટ કર્યું ત્યારે એમણે જણાવ્યું: ‘પૂર્ણની ઉપર (મારું) આટલું આકર્ષણ જોઈને તમને લોકોને આશ્ચર્ય થાય છે. નરેન્દ્રને માટે શરૂઆતમાં મારું મન જે રીતે વ્યાકુળ થતું હતું અને જે રીતે હું તરફડતો તે જોઈને તો કોણ જાણે તમને શુંય થઈ જાત.’ અથવા તેઓ કહેતા :‘પૂર્ણને ફરી એકવાર જોવા માત્રથી વ્યાકુળતા થોડી ઓછી થઈ જશે. કેવો આતુર છે ! મારા પ્રત્યે બહુ જ ખેંચાય છે ! પૂર્ણ કહે છે : ‘મારું પણ હૃદય કોણ જાણે કેવું થઈ જાય છે, આપને મળવા માટે હૃદયમાં પ્રબળ ઇચ્છા થાય છે.’

એક દિવસ પૂર્ણચંદ્ર દક્ષિણેશ્વરમાં આવ્યા. ઠાકુર એમને નોબતખાનામાં શ્રી શ્રીમાતૃદેવીની પાસે લઈ ગયા. કહ્યું : ‘પૂર્ણને માળા ચંદન વગેરેથી સુશોભિત કરો અને તેને ભોજન કરાવો.’ માતૃદેવીએ પણ બરાબર એ જ રીતે કર્યું. પૂર્ણચંદ્રે આ પ્રસંગનું આ પ્રકારે વર્ણન કર્યું છે : ‘મને નોબતમાં લઈ ગયા. ત્યાં એક સ્ત્રીને કહ્યું.‘આ પૂર્ણ છે. આને ખવડાવવાની વાત મેં કરી હતી.’ તે સ્ત્રી બરાબર મારી માતાની જેમ પ્રેમથી મને પાસે બોલાવી, આસન પર બેસાડીને જમાડવા લાગ્યાં. ઠાકુર એકવાર બહાર જતા અને પછી જલદીથી પાછા આવીને એમને કહેતા : ‘અરે, તે શાક એને વધારે આપજો.’ પછી ચાલ્યા જતા, ફરી પાછા આવતા ; ઊભા ઊભા વિચારતા, જાણે કંઈક જોઈ રહ્યા છે ! મારું ભોજન સમાપ્ત થયું. ઠાકુરે તેમને મારા હાથમાં મોઢું ધોવા માટે પાણી આપવાનું કહ્યું. પછી ઊંચા સાદે બોલી ઊઠ્યા, ‘અરે, સોળ આના દેજો,’ એ સ્ત્રીએ મારા હાથમાં એક રૂપિયો મૂકી દીધો. મેં વિચાર્યું કે તે સ્ત્રી કદાચ ઠાકુરની કોઈ ભક્ત હશે. પછી જ્યારે શ્રીમાને પ્રણામ કરવા ગયો ત્યારે જોયું કે તેઓ જ સૌની મા છે.’ પૂર્ણના ના કહેવા છતાં પણ ઠાકુરની પૂર્વોક્ત વાતથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે માળા- ચંદનથી વિભૂષિત પૂર્ણચંદ્ર એ દિવસે એકદમ ભાવ-વિહ્વળ થઈ ગયા હતા.

એક દિવસ ઠાકુરે પૂર્ણચંદ્રના સંબંધમાં એક અલૌકિક દર્શનનો ઉલ્લેખ કર્યો હતો : ‘આટલા સમય સુધી હું ભાવાવસ્થામાં શું જોઈ રહ્યો હતો, જાણો છો ? જે સિહડ જવાનો ત્રણ-ચાર કોસ લાંબો રસ્તો હતો તેમાં હું એકલો જઈ રહ્યો હતો. એ વખતે એક ૧૫-૧૬ વર્ષના છોકરાની જેમ પરમહંસને વડની નીચે જોયા હતા. પછી આજે એ રીતે જોયા. ચારે તરફ આનંદનું ઘુમ્મસ છવાયેલું હતું. એની અંદરથી તેર-ચૌદ વર્ષનો એક છોકરો ઊઠીને આવ્યો. તેનું ફક્ત મુખ જ દેખાતું હતું. ચહેરો પૂર્ણના જેવો હતો. બંને દિગમ્બર હતા. એ પછી એ બંને આનંદથી દોડતાં દોડતાં રમવા લાગ્યા ! લાંબો સમય દોડવાથી પૂર્ણને તરસ લાગી. એણે એક પ્યાલામાં પાણી લઈને પીધું. પછી મને પણ આપવા આવ્યો. મેં કહ્યું : ‘ભાઈ, તારું એંઠું પાણી હું નહીં પીઉં.’ત્યારે તેણે હસતાં હસતાં જઈને એ પ્યાલો ધોયો અને પછી મને પાણી પીવા આપ્યું.’

પૂર્ણ પિતાના ભયને લીધે પોતાની ઇચ્છા મુજબ દક્ષિણેશ્વર જઈ શક્તા ન હતા. એટલે એમના આકર્ષણથી ઠાકુર સ્વયં જ કોલકાતા આવી જતા હતા. ઠાકુરને એક વખત કોઈ ભક્તના ઘરે પૂર્ણ મળ્યા ત્યારે તેમણે તેને પોતાના હાથેથી ખવડાવ્યું અને પૂછ્યું : ‘કહે તો ખરો હું તને કેવો લાગું છું?’ અપૂર્વ પ્રેરણાથી ભક્તિભાવપૂર્વક ગદ્‍ગદ કંઠે પૂર્ણ બોલી ઊઠ્યા : ‘આપ ભગવાન છો. સાક્ષાત્ ઈશ્વર છો.’ વિચારતાં આશ્ચર્ય થાય છે કે બાળક પૂર્ણ પ્રથમ જ પરિચય પછી ઠાકુરને કેવા સર્વોચ્ચ આધ્યાત્મિક આદર્શરૂપે ગ્રહણ કરી શક્યા હતા ! એનો ઉત્તર ઠાકુર જ્યારે દક્ષિણેશ્વર પાછા ફર્યા ત્યારે તેમણે પોતે જ આપ્યો હતો: ‘વારુ, પૂર્ણ તો હજુ બાળક છે. બુદ્ધિ પણ હજુ પરિપક્વ થઈ નથી. બતાવો તો, તે કેવી રીતે એવું સમજી શક્યો ! નક્કી પૂર્વજન્મના સંસ્કાર જ છે. આવા લોકોના શુદ્ધ સાત્ત્વિક અંત:કરણમાં સત્યનું સંપૂર્ણ ચિત્ર જાતે પ્રગટ થઈ જાય છે.’

એક દિવસ બલરામ મંદિરમાં પૂર્ણને પોતાની પાસે બોલાવીને શ્રીરામકૃષ્ણે પૂછ્યું : ‘સ્વપ્નમાં તેં શું જોયું ?’ પૂર્ણે ઉત્તર આપ્યો : ‘જી, આપને જોયા - બેઠા હતા, કાંઈક કહી રહ્યા હતા.’ ઠાકુરે સાંભળીને ઉત્સાહથી કહ્યું : ‘બહુ સારું. તારી ઉન્નતિ થશે. તારી ઉપર મારું આકર્ષણ છે.’ એક રાત્રે પૂર્ણચંદ્ર અભ્યાસખંડમાં એકલા વાંચી રહ્યા હતા. તે સમયે એકાએક માસ્ટર આવીને દરવાજા સામે ઊભા રહી ગયા. તુરત જ પૂર્ણચંદ્ર બહાર આવ્યા. માસ્ટરે ધીમા સ્વરે કહ્યું : ‘શ્યામપુકુર રસ્તાના વળાંક પર ઠાકુર તારી રાહ જુએ છે. ચાલ મારી સાથે.’ પૂર્ણચંદ્ર કોર્નવોલિસ સ્ટ્રીટમાં રહેતા હતા. ત્યાંથી તેઓ માસ્ટરની સાથે શ્યામપુકુર અને કોર્નવોલિસ સ્ટ્રીટના વળાંક પર આવ્યા, ત્યારે ઠાકુરે તેમને આલિંગન કરતાં પ્રેમથી કહ્યું : ‘તારા માટે મીઠાઈ લાવ્યો છું, તું ખા.’ એટલું કહીને એમના મોઢામાં મીઠાઈ આપી. પછી ત્રણેય મહોલ્લામાં માસ્ટરના ઘરે આવ્યા. ત્યાં ઠાકુરે પૂર્ણને સાધના વિષે ઉપદેશ આપ્યો. બીજા એક દિવસે તેમણે દેવેન્દ્ર મજુમદાર સાથે પૂર્ણ માટે થોડી કેરી મોકલાવીને કહ્યું કે તેને ખવડાવવાથી લાખ બ્રાહ્મણના ભોજનનું ફળ મળશે.

વળી એક દિવસે માસ્ટરની સાથે વાતચીતના પ્રસંગમાં ઠાકુરે જાણવા ઇચ્છ્યું કે : ‘દક્ષિણેશ્વર આવ્યા પછી પૂર્ણની કંઈ ઉન્નતિ થઈ છે કે નહીં ?’ માસ્ટરે જણાવ્યું કે : ‘તે ચાર- પાંચ દિવસથી કહે છે કે ઈશ્વરનું ચિંતન કરતાં જ આંખમાંથી આંસુ વહેવા લાગે છે. શરીરમાં રોમાંચ થાય છે.’ એ પછી ઠાકુરે કહ્યું : ‘બહુ સારો આધાર છે. નહીં તો એણે મારી પાસે પોતાને માટે જપ કરાવી લીધા તે તો એ જાણતો નથી.’ પછી એકાએક પૂછ્યું : ‘સારું, પૂર્ણની સ્થિતિ કેવી લાગી ? ભાવનો આવેશ ક્યારેય થાય છે ?’ માસ્ટરે જણાવ્યું કે : ‘બહારથી એનામાં કોઈ ભાવ નહીં હોય. એની શ્રેણી જુદી છે. બીજાં લક્ષણ સારાં છે.’

પૂર્ણ વિદ્યાલયમાંથી ભાગીને દક્ષિણેશ્વર જાય છે અને એમાં મુખ્ય શિક્ષકનો ટેકો છે એ સમાચાર પિતાથી અજ્ઞાત રહ્યા નહીં. એથી પૂર્ણનું વિદ્યાલય બદલાયું. તો પણ જોવામાં આવ્યું કે બીજી બધી બાબતોમાં પિતાની આજ્ઞાનું પાલન કરવા છતાં પણ ઠાકુરના કોલકાતા આવવાના સમાચાર મળતાં જ પૂર્ણ છાનામાના પણ એમને મળે છે તથા પોતાના ઘરે પાછા આવીને એકાંતમાં સાધના કરે છે. એ ઉપરાંત ઠાકુરના શરીર ત્યાગ પછી યુવાન ભક્તોને સંન્યાસી બનતા જોઈને તેમના પિતાના મનમાં ભય થવા લાગ્યો. એ કારણે ઉંમરલાયક થતાં પહેલાં જ પુત્રના લગ્નનું આયોજન થવા લાગ્યું. ઠાકુરના શરીરના ત્યાગના બે વર્ષ પછી ૧૬ વર્ષની ઉંમરમાં એક પ્રકારની બળજબરીથી જ તેમને ગૃહસ્થ બનાવવામાં આવ્યા. સમય આવ્યે ભારત સરકારની નોકરીનો પણ પ્રબંધ થઈ ગયો. હવે પૂર્ણ પૂરા ગૃહસ્થ બની ગયા. સ્વભાવથી જ ગંભીર પ્રકૃતિવાળા પૂર્ણના આધ્યાત્મભાવના વિકાસનો માર્ગ એકાએક સાંકડો બની ગયો. જે બધા પ્રકારની અદ્‍ભુત સંભાવના લઈને આવેલા, જે ઈશ્વરકોટિના મહાપુરુષ હતા, સત્ત્વગુણની વૃદ્ધિમાં સ્વામી વિવેકાનંદ પછી જ સ્થાન મેળવવા યોગ્ય નિર્દિષ્ટ થયા હતા, તેમનાં હૃદય- માધુર્યની અભિવ્યક્તિનું ક્ષેત્ર આ રીતે સંકુચિત થઈ ગયેલું જોઈને માનવું પડે છે કે ‘આ કેવી દૈવી માયા છે ! શું એ ચારેબાજુના વિરુદ્ધ વાતાવરણની વચ્ચે અન્ત:શક્તિનો પરાજય છે કે પછી એવું માની લેવું કે ભગવદ્લીલાનો સમગ્ર અંશ મનુષ્યબુદ્ધિથી પર છે ? ‘શાસ્ત્રાધ્યયનથી જાણી શકાય છે કે જે સમયે અવતાર યુગધર્મના પ્રવર્તન માટે મૃત્યુલોકમાં આવે છે ત્યારે બે પ્રકારના નિત્યસિદ્ધ ભક્ત તેમના અનુગામી થાય છે. એક સમૂહ તેમના યુગધર્મના પ્રચારને માટે વ્રતી બને છે; બીજા લોકો કેવળ લીલાનો સ્વાદ ગ્રહણ કરે છે કે લીલાવિલાસને મદદરૂપ થાય છે. કીર્તનની મંડળીની જેમ પોતાના મનથી નાચતા- ગાતા ચાલ્યા જાય છે ! શું પૂર્ણ આ બીજી શ્રેણીમાં છે?

અસ્તુ, પૂર્ણનું પછીનું જીવન ભક્તો માટે પ્રેરણાત્મક છે, એ જ રીતે સદ્‍ગૃહસ્થો માટે શિક્ષણપ્રદ પણ છે. ‘લીલા પ્રસંગ’ના લેખકે લખ્યું છે : ‘નિયતિચક્રથી પૂર્ણને પત્નીનો સ્વીકાર કરી સામાન્ય માણસની જેમ ગૃહસ્થજીવન ચલાવવું પડ્યું હતું. પરંતુ જેઓ એમને ગાઢ રીતે ઓળખતા હતા તેઓ એમનાં અલૌકિક વિશ્વાસ, ઈશ્વરનિર્ભરતા, સાધનપ્રિયતા અને સર્વ પ્રકારના આત્મત્યાગના સંબંધમાં એક સૂરે સાક્ષી આપે છે.’ (લીલાપ્રસંગ દિવ્યભાવ) એમના દેહત્યાગના સમાચાર વખતે ‘ઉદ્‍બોધન’ પત્રિકાના સંપાદકે લખ્યું હતું : ‘જેઓ સંન્યાસરત અંતર લઈને જન્મ ધારણ કરે છે અને જેમને સંજોગોથી ગૃહસ્થાશ્રમનું કામ કરવું પડે છે, તેઓ ક્યારેય ગૃહસ્થજીવનમાં સુખ મેળવી શકતા નથી. ઈશ્વરની અકલ્પ્ય અકળ ઈચ્છાથી પૂર્ણચંદ્રને તે જ પ્રમાણે કામ કરવું પડ્યું હતું અને ફળ પણ એને અનુરૂપ જ મળ્યું હતું. સમસ્ત ચિત્તવૃત્તિઓ ઈશ્વરને સમર્પીને તેઓ હંમેશાં સ્થિર રહી શક્યા નહીં. એ કારણે જીવનભર તેઓ બધાંની સામે કુંઠિત અને લજ્જિત રહ્યા હતા.’ (ઉદ્‍બોધન,પોષ, બંગાબ્દ ૧૩૨૦).

પૂર્ણચંદ્ર અંગ્રેજ સરકારના નાણાવિભાગના કર્મચારી હતા. એટલે વરસનો અર્ધો સમય તેમને સિમલા પર્વત પર રહેવું પડ્યું હતું. પછી ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી ફેરવાઈ જવાથી પૂર્ણચંદ્રનું કાર્યાલય પણ ત્યાં ચાલ્યું ગયું. દિલ્હીમાં રહેતા હતા ત્યારે તેમને તાવ આવવા લાગ્યો. પણ પછી સિમલા પહાડની વિશુદ્ધ ઠંડી હવાથી તાવ ન ઘટતાં દિવસે દિવસે વધવા જ લાગ્યો. સિમલાથી તેમને કોલકાતા લાવવામાં આવ્યા. લગભગ છ મહિના પથારીવશ રહ્યા પછી તેઓ દિવંગત થઈ ગયા. અંતરથી સંન્યાસી પૂર્ણચંદ્રે પોતાની માંદગી સમયે પત્નીને દુ:ખી જોઈને કહ્યું: ‘શું આપણે સાધારણ માણસો જેવાં છીએ ? આપણે તો સર્વ પ્રકારે ઠાકુરનાં છીએ. મારા જન્મ પહેલાં જ જેમણે તમારું રક્ષણ અન્નજળ આપીને કર્યું છે, મારા મૃત્યુ પછી પણ તેઓ જ તમારી રક્ષા કરશે અને તમારું ધ્યાન રાખશે.’ તીવ્ર રોગ યાતનામાં પણ એમનાં દેહ-મનમાં અપૂર્વ શાંતિ રહેલી જણાતી હતી. તેઓ કહેતા હતા : ‘મારી પથારી પાસે ઠાકુર હંમેશાં બેઠેલા છે.’

ગૃહસ્થ જીવનનાં કર્તવ્યોનું પાલન એમણે નિયમાનુસાર કર્યું હતું. પુત્ર- પુત્રીઓનું પાલન-પોષણ તથા શિક્ષણ, પુત્રીઓનું સત્પાત્રને સમર્પણ, મિત્રોને યથાયોગ્ય સહાય અને એમની સાથે સદ્વ્યવહાર, નાનાભાઈઓ પ્રત્યે સ્નેહભાવનું દર્શન, વગેરે સઘળાં કાર્યો એમણે સુંદર રીતે પૂરાં કર્યાં હતાં. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અનેક પ્રકારનાં કામમાં વ્યસ્ત રહેવા છતાં પણ તેઓ શ્રીરામકૃષ્ણ અને પોતાના ગુરુભાઈઓને ભૂલ્યા ન હતા. શ્રીયુત કુમુદબન્ધુ સેન મહાશયે લખ્યું છે : ‘મેં સવાર- સાંજ કલાકો સુધી એમની પાસે બેસીને જોયું છે કે તેઓ ઠાકુરના પ્રસંગો લઈને જ સમય પસાર કરતા હતા. મોટાભાગના સમયે તેઓ ગંભીરભાવે શ્રોતાની જેમ રહેતા. વચ્ચે વચ્ચે એકાદ- બે વાત કહીને પ્રસંગની મધુરતા વધારતા. કોલકાતામાં રહેતા ત્યારે પૂર્ણબાબુ દર રવિવારે બેલુર મઠ જતા. ત્યાં ઘણીવાર તેઓ એકલા બેસીને મોજથી ચીરુટ પીતા રહેતા કે વચ્ચે કોઈની સાથે એકાદ - બે વાતો કરતા. તે ઉપરની વાતો રહેતી. ધ્યાન દેતાં ખ્યાલ આવતો કે જાણે તેઓ અંતર્મુખ થઈને બેઠા છે. એમના ઘરમાં ખાસ કરીને જે લોકો આવતા તેઓ બધા મોટેભાગે ઠાકુરના ભક્તો હતા. શ્રીયુત માસ્ટર મહાશય અનેક યુવાન વિદ્યાર્થી ભક્તોને તેમની પાસે મોકલી દેતા હતા અને પૂર્ણબાબુને એમની સાથે વાતચીત કરવામાં આનંદ મળતો. ખાસ કરીને જે યુવકો ગૃહસ્થી છોડીને શ્રીરામકૃષ્ણ મઠમાં સંન્યાસી થવા માટે દૃઢ મનોબળ ધરાવતા હોય એમને જોતાં એમના આનંદની સીમા રહેતી નહીં.’ (ઉદ્‍બોધન, ૧૩૫૪ બંગાબ્દ).

ઠાકુરના અંતરંગ સંન્યાસી શિષ્યો પૂર્ણબાબુ પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખતા હતા અને નવાગંતુકો સમક્ષ એમનો પરિચય આપતી વખતે પહેલાંની વાતોનું સ્મરણ કરી તેઓ પ્રભાવિત થતા હતા. સ્વામીજીના અમેરિકા-વિજયના સમાચારથી જ્યારે દેશ ઉલ્લાસ અનુભવતો હતો ત્યારે પૂર્ણબાબુ દરરોજ ત્રીજા પહોરે બલરામ-મંદિરમાં જતા અને વર્તમાનપત્રોના સમાચારો સ્વામી બ્રહ્માનંદ વગેરેને આગ્રહપૂર્વક વાંચી સંભળાવતા હતા. તે લોકો પણ તેમને સ્વામીજીના પત્રો વગેરે વાંચી સંભળાવતા હતા, એ વખતે ઘણું કરીને પૂર્ણબાબુ કંઈક કહી રહ્યા હતા, એટલામાં બીજી કોઈ વ્યક્તિએ પોતાનું મંતવ્ય રજૂ કરવા ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તુરત મહારાજે તેને રોકીને કહ્યું : ‘પૂર્ણ જ્યારે વાત કરે, ત્યારે તમે બધા ચૂપચાપ સાંભળો.’

ઈ.સ ૧૮૯૭માં જ્યારે સ્વામીજી કોલકાતા પાછા આવ્યા ત્યારે પૂર્ણબાબુ સવારે સિયાલદાહ સ્ટેશને ગયેલા. ત્યાં ભીડમાં તેઓ એકબાજુ ઊભા રહ્યા. સ્વાગતની શોભાયાત્રા જોઈ, સ્વામીજીનાં દર્શન કરી ઘરે પાછા આવી ગયા. તેમને શોભાયાત્રા સાથે અસંખ્ય લોકો લઈ જતા હતા. તે સમયે તેમણે કોર્નવોલિસ સ્ટીટમાં પૂર્ણબાબુના ઘરની સામે ગાડી થોભાવી અને પૂર્ણબાબુને ઘરમાંથી બોલાવવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદને મોકલ્યા. ત્યારે તેઓ ઓફિસ જતાં પહેલાં સ્નાન કરી રહ્યા હતા. સ્વામીજીના બોલાવવાથી તેઓ એ જ સ્થિતિમાં બહાર આવ્યા. સ્વામીજીએ એમને સસ્નેહ કુશળ મંગળ પૂછીને વિદાય આપી.

દિલ્હી અને સિમલામાં તેઓ રહેતા હતા ત્યારેય પૂર્ણ મઠના ગુરુભાઈઓ સાથે સંબંધ રાખતા હતા. એક વખત કાશ્મીર પ્રવાસ પછી સ્વામી તુરીયાનંદ સિમલામાં એમના ઘરે અતિથિ બન્યા હતા. એ સિવાય બીજા સાધુ-ભક્તો પણ ત્યાં જતા. તથા અનેક સાધુ સાથે એમનો પત્રવ્યહાર પણ થતો હતો. કોઈ કોઈને થોડા પૈસા મોકલીને પણ તેઓ મદદ કરતા. ગિરીશબાબુના દેહ - ત્યાગ પૂર્વે થોડા સમય પહેલાં પૂર્ણચન્દ્ર એમની પથારી પાસે આવ્યા ત્યારે ગિરીશે હાથ જોડીને કહ્યું: ‘ભાઈ, આર્શીવાદ આપો કે જેથી હું ઠાકુરનું પ્રત્યેકક્ષણે સ્મરણ કરી શકું, જય શ્રીરામકૃષ્ણની .’ પૂર્ણે કોમળ સ્વરે જવાબ આપ્યો : ‘ઠાકુર હંમેશાં જ આપની સંભાળ લે છે. આપ અમને આશીર્વાદ આપો.’

વિવેકાનંદ સમિતિના સભ્યોના આગ્રહથી ઈ.સ ૧૯૦૭માં તેમણે તેના સચિવનું પદ સ્વીકાર્યું હતું. કોલકાતામાં રહેતા ત્યારે તેઓ દરરોજ સંધ્યા સમયે શંકરઘોષ લેનમાં આવેલા સમિતિના ભવનમાં જતા. ત્યાં ઠાકુરના મંદિરમાં ધ્યાન કરવા બેસતા તેમજ બીજા બધાને પણ એ માટે ઉત્સાહ આપતા. તેઓ એ પદે હતા ત્યારે માદામ કાલ્વે કોલકાતા આવ્યાં હતાં. પૂર્ણબાબુ એ સમિતિના અધ્યક્ષ હોવાને નાતે સભ્યો સાથે તેઓ તેમને મળવા ગ્રાન્ડ હોટલમાં ગયા હતા અને તેમને સ્વામીજીના વિવિધ ભાવોવાળા અનેક ફોટાઓ ભેટ આપ્યા હતા. તેઓ એ પદ પર એક વર્ષ સુધી રહ્યા. એ પછી સિમલા જવાને કારણે તેમણે એ છોડી દેવું પડ્યું.

સિમલામાં ઓફિસ છૂટયા બાદ તેઓ પહાડના કોઈ એકાંત સ્થળમાં જતા અને ત્યાં ધ્યાનમગ્ન થઈ બેસતા. ઘરે પાછા ફરતાં રાત ઘણી વીતી જતી. ત્યાં નહોતા ગુરુભાઈઓ કે નહોતો આશ્રમ. આથી શ્રીગુરુના સ્મરણ-મનનનો ઉપાય એ સિવાય બીજો શો હોઈ શકે ? બહાર ભાવ પ્રગટ ન થવા છતાંય અંતરમાં તે સદાય ફલ્ગુ નદીની જેમ પ્રવાહિત થતો રહેતો હતો અને કોઈ કારણે ઉપરનું આવરણ થોડું હટી જતાં જ સ્વચ્છ જલધારા નીકળી પડતી હતી. ઉદાહરણ રૂપે કહી શકાય કે એક દિવસ પ્રફુલ્લકુમાર બેનરજી મહાશય સિમલાના ભવનમાં હાજર હતા. તેમણે જોયું કે શ્રીયુત પુલિન મિત્ર ભગવત્‍ સંબંધી ગીત ગાઈ રહ્યા છે અને પૂર્ણબાબુનાં બંને નેત્રોમાંથી આંસુંની ધારા વહી રહી છે. એ પછી પણ બહુ વાર સુધી એમની આંખો લાલ હતી. બીજા એક દિવસે ફરવા જતી વખતે એમને અન્યમનસ્ક જોઈને પાસેની એક વ્યક્તિએ પૂછ્યું કે એમનામાં દેહ-ભાવ છે કે નહીં ? એના જવાબમાં પૂર્ણબાબુએ પોતાના ગળામાં હાથ મૂકીને કહ્યું હતું કે ઉપરનો કેવળ અંશ જ છે. નીચેનો કોઈ દેહબોધ નથી. વાસ્તવમાં તેઓ અધ્યાત્મભૂમિ પર સદા પ્રતિષ્ઠિત હતા. પરંતુ હા, વ્યાવહારિક દૃષ્ટિબિન્દુથી એમના દૈનિક જીવનમાં પણ એક નિયમબદ્ધતા હતી. અવકાશ સમયે તેઓ યથાયોગ્ય અભ્યાસ કરતા અને ઉતમ નિબંધ પણ લખી શક્તા. નિયમિત વ્યાયામ કરવાથી એમનું શરીર બહુ જ સબળ અને સુદૃઢ હતું. સિમલા પહાડ પરના ગોરાઓના અન્યાયજનક અત્યાચરનો સામનો કરવા માટે એમને એક -બે વખત બળ-પ્રયોગ પણ કરવો પડ્યો હતો અને એમાં એમનો વિજય થયો હતો.

૩૫-૩૬ વર્ષની ઉંમરે અસાધ્ય રોગને પરિણામે પૂર્ણબાબુનું જીવન ભયમાં આવી પડ્યું. તે વખતે સ્વામી પ્રેમાનંદ એમની પથારી પાસે બેસીને એક દિવ્યભાવમાં ડૂબી ગયા હતા. એ દિવસથી રોગની ગતિ બદલાવા લાગી અને તેઓ જલદી સ્વસ્થ થઈ ગયા. પ્રેમાનંદજી મહારાજે પછીથી કહ્યું હતું : ‘એમનાં બાલબચ્ચાં બહુ જ નાની ઉંમરનાં હોવાને કારણે ઠાકુરે એમનું આયુષ્ય વધારી દીધું હતું.’

પૂર્ણ દેશપ્રેમી હતા. તેઓ સ્વાતંત્ર સંગ્રામનું મહત્ત્વ સમજતા હતા. જે લોકો દેશ માટે સ્વેચ્છાએ કેદ સ્વીકારી લેતા હતા તેમને તેઓ સંન્યાસી સમાન માનતા હતા. એમનામાં બીજો એક સદ્‍ગુણ હતો કે તેઓ કોઈનો દોષ જોતા ન હતા. પરંતુ ગુણોને જ ગ્રહણ કરતા હતા. શ્રીમંત, જમીનદાર અને સજ્જન શ્યામ બસુ મહાશયનાં વૈષ્ણવોની જેમ બધા પ્રકારનાં બાહ્ય આચરણોની સાથે ચરિત્રની દુર્બળતા પણ હતી. તેઓ પૂર્ણબાબુ પાસે આવતા અને તેમને ‘ગુરુજી’ કહીને સંબોધન કરતા. એક વખત એક તર્કવાદી વ્યક્તિએ જ્યારે પૂર્ણબાબુને એ પ્રકારના વિરોધાભાસની વાતનું સ્મરણ કરાવ્યું ત્યારે તેમણે ઉત્તર આપ્યો : ‘શ્યામ બાબુમાં દોષ છે ખરો, પરંતુ તેઓ જે કંઈ કરે છે, એકલા જ કરે છે, મંડળી લઈને કરતા નથી. પરંતુ એમનામાં જે ગુણ છે તે બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે - તે છે સત્યાનુરાગ (સત્ય પ્રત્યેનો પ્રેમ). જો તેઓ કોઈ બાબતમાં કોઈ વચન આપી દે છે તો તે તેઓ પાળે છે - હિમાલયની જેમ અચલ અટળ રહીને. કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય, કે કોઈને કષ્ટ થાય તો તેઓ તેમને સહાયતા આપે છે, અવગણના કરતા નથી.’ પૂર્ણબાબુના સત્સંગથી આ ગુણસંપત્તિ વધી અને શ્યામબાબુના ચરિત્રમાં અપૂર્વ પરિવર્તન થયું હતું. એથી તેઓ શ્રીરામકૃષ્ણ પ્રત્યે વધુ આકર્ષાયા હતા.

પૂર્ણબાબુના સંબંધમાં ઠાકુરે કહ્યું હતું : ‘પૂર્ણ નાની ઉંમરમાં દેહત્યાગ કરશે. જો એમ નહીં થાય તો તે સંન્યાસ લઈને ગૃહસ્થી છોડી દેશે,’ ‘જો તેને ગૃહસ્થીમાં બાંધી લેવામાં આવશે તો તે વધુ દિવસો સુધી નહીં જીવી શકે.’ ઈ.સ.૧૯૧૩ના ૧૬ નવેમ્બર કાર્તિક સંક્રાંતિના દિવસે રાત્રે ૧૦ વાગ્યે ફક્ત ૪૨-૪૩ વર્ષની ઉંમરમાં તેઓ દિવંગત થઈ ગયા. એ અગાઉ એક વર્ષ પહેલાં તાવને કારણે એમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું. પરિણામે તેમને પરાણે પથારીવશ થવું પડ્યું. એ વખતે એમની ઓફિસના તેમની નીચેના કર્મચારી આશુબાબુ એક દિવસ આવ્યા. એમનું રોગથી ઘેરાયેલું શરીર જોઈને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું : ‘ઠાકુર જો આ સમયે હોત તો આપની આ અવસ્થા જોઈને તેઓ કોણ જાણે શું એ કરત !’ એ વાત સાંભળતાં જ પૂર્ણબાબુ પથારીમાંથી ઊઠીને બેઠા થયા અને આશુબાબુ સામે પોતાનાં બન્ને મોટાં મોટાં પ્રજ્વલિત નેત્રો રાખીને જોરથી બોલી ઊઠ્યા : ‘તેઓ ગયા છે જ ક્યાં ?’ સંકોચ સાથે આશુબાબુએ જલદીથી એમને પકડીને સુવડાવી દીધા, ત્યારે તેઓ થોડા શાંત થયા. ત્યાર બાદ પૂર્ણબાબુએ ધીમા સ્વરે કહ્યું : ‘જુઓ, કાલે રાતે હું દીવાલ પકડી પકડીને કોઈ રીતે વરંડામાં પેશાબ કરવા ગયો હતો. ઘરમાં માણસ હતો. પણ તે સૂઈ ગયો હતો એટલે મેં તેને જગાડ્યો નહીં. એકલો જ હું એ રીતે વરંડામાં ગયો. પરંતુ પાછા ફરતી વખતે ઊભા થતાં જ ચક્કર આવ્યાં. હું પડવાનો જ હતો; પરંતુ બરાબર એ સમયે ઠાકુર મને પકડીને સુવડાવીને ચાલ્યા ગયા.’

ખૂબ જ શાંતભાવે તેઓ શરીર છોડીને ચાલ્યા ગયા. ઘરનું કોઈ માણસ જાણી પણ ન શક્યું. એમના ચહેરા ઉપર દિવ્ય કાંતિ અને શાંતિ હતાં. બ્રહ્મરન્ધ્ર ત્યારે પણ ગરમ હતું. ડોકટરે આવીને તપાસતાં કહ્યું : ‘બે ત્રણ કલાક પહેલાં દેહત્યાગ થયો છે.’ જે રીતે ઠાકુરની લીલા અદ્‍ભુત છે, એ રીતે એમના સહચરોનાં જીવન અપૂર્વ અને મનુષ્ય-બુદ્ધિને અગમ્ય છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda