Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Swami Vivekananda: Agnimantra

સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર - ૩

*  આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવન જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં મરેલા વિશેષ છે.
*  કરુણાજન્ય પરોપકાર ઉત્તમ છે, પરંતુ શિવજ્ઞાને જીવસેવા - સર્વજીવસેવા તો એનાથીયે શ્રેષ્ઠ છે.
*  જે સમગ્ર વિશ્વનો વિભુ છે, તે જ જન જનમાં પણ છે.
*  પ્રત્યેક જીવ સર્વોચ્ચ પ્રભુનું મંદિર છે.
*  ભારતના રાષ્ટ્રીય આદર્શ છે : ત્યાગ અને સેવા.
*  આઘ્યાત્મિકતા જ આપણું જીવન-રક્ત છે.
*  આ દેશ દર્શન, ધર્મ, આચારશાસ્ત્ર, મધુરતા, કોમળતા અને પ્રેમની માતૃભૂમિ છે.
*  હિન્દુઓ રાજનીતિ, સમાજશાસ્ત્ર કે એવું બીજું જે કંઈ છે તે બધું ધર્મ દ્વારા જ શીખે છે.
*  હિન્દુ ધર્મનાં ત્રણ સારભૂત તત્ત્વ છે : ઈશ્વરમાં, શ્રુતિરૂપ વેદોમાં, કર્મવાદ અને જન્મજન્માંતરવાદના સિદ્ધાંતોમાં શ્રદ્ધા-વિશ્વાસ.
*  હિન્દુઓ અતીતનું જેટલું અઘ્યયન કરશે તેટલું જ એમનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે.
*  ભારતનું પુનરુત્થાન થશે પણ જડ-શક્તિથી નહીં પણ આત્માની શક્તિથી.
*  જાતિ પ્રથાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
*  બ્રાહ્મણનો જન્મ ઈશ્વરોપાસના માટે થયો છે.
*  ક્ષાત્રતેજ કે ક્ષત્રિયત્વ - વીરતા, આત્મસંતુષ્ટિ અને પ્રભુત્વમાં નથી પણ એ તો છે આત્મત્યાગમાં.
*  સતીત્વ જ નારી જાતિની જીવન-શક્તિ છે.
*  એ ભૂલશો નહીં તમારી નારીઓનો આદર્શ છે : સીતા, સાવિત્રી, દમયંતી.
*  સામાન્ય જન અને સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રસાર કર્યા વિના આપણી ઉન્નતિનો બીજો કોઈ ઉપાય નથી.
*  સંગઠન અને મેળ-મિલાપ જ પાશ્ચાત્ય દેશવાસીઓની સફળતાનું રહસ્ય છે.
*  મન-વચન-કર્મની એકતા હોય તો મુઠ્ઠીભર લોકો દુનિયાને પલટી નાખે.
*  વિશ્વમાં એક માત્ર એવો દેશ છે જે ધર્મને પૂરેપૂરો સમજે છે - જાણે છે અને તે દેશ છે ભારત.
*  ભારતમાં આપણા સૌમાં જે એક વસ્તુનો અભાવ છે તે છે મેળમિલાપ અને સંગઠનશક્તિ. અને એને પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય છે આજ્ઞાપાલન.
*  અરસપરસ વાદ-વિવાદ કરવા અને એકબીજાની નિંદા કરવી એ આપણો જાતીય સ્વભાવ છે.
*  ઈર્ષ્યા જ આપણા ગુલામી માનસવાળા રાષ્ટ્રીય ચારિત્ર્યનું કલંક છે.
* અહીં દરેક વ્યક્તિ નેતા બનવા ઇચ્છે છે પણ આજ્ઞાપાલન કરનાર કોઈ નથી.
*  ઈર્ષ્યા અને સ્વાર્થભાવના તમને આભડી ગયાં ન હોય તો જ તમે સાચા નેતા બની શકો.
*  જે સાચી સેવા કરી શકે છે તે જ સાચો શાસક કે નેતા બની શકે.
*  ‘શિર સમર્પે તે સરદાર’: આપણે તો દગાબાજીથી નેતા બનવાનો પ્રયાસ કરીએ છીએ; એનાથી કંઈ વળતું નથી. અરે, એને કોઈ માનતું નથી.
*  મહાન વિશ્વ-સંગીતમાં ત્રણ ભાવોનો પ્રકાશ વિશેષ પ્રગટી ઊઠે છે : સામ્ય, બળ અને સ્વાધીનતા.
*  વિકાસની પહેલી શરત છે : સ્વાધીનતા.
*  નિયમોની અધિકતાનો અર્થ છે મૃત્યુ.
*  વિશાળતા જ જીવન છે અને સંકુચિતતા મૃત્યુ છે; પ્રેમ એ જ જીવન છે અને દ્વેષ એ મૃત્યુ છે.
*  કલા સૌંદર્યની અભિવ્યક્તિ છે. પ્રત્યેક વસ્તુ કલાપૂર્ણ હોવી જોઈએ.
*  ભાષાનું રહસ્ય છે સરળતા.
*  મનની શક્તિથી શરીરને સ્વસ્થ અને સબળ રાખી શકાય છે.
*  ભોજન એવું હોવું જોઈએ કે માત્રામાં ઓછું પણ પોષણક્ષમ હોય.
*  જાણે તમે એક વિદેશી પથિક, પર્યટક હો એ  રીતે તમે જગતમાં કાર્ય કરો.
*  આ દુનિયા એક મોટી વ્યાયામશાળા છે જ્યાં આપણે પોતાની જાતને બળવાન બનાવવા આવીએ છીએ.
*  સંસાર-જગત ન તો સત્ય છે કે નહીં અસત્ય. તે સત્યનો પડછાયો છે.
*  મારી દૃષ્ટિએ આ સંસાર એક ખેલ સિવાય બીજું કંઈ નથી.
*  હું માત્ર એટલું જ શિક્ષણ આપું છું જેને મેં મારા અનુભવથી સત્યરૂપે જોયું છે.
*  સત્ય જ મારો ઈશ્વર છે અને સમગ્ર વિશ્વ જ મારો દેશ છે.
*  પક્ષપાત જ બધા અનર્થોનું મૂળ છે.
*  બલિદાન વિના કોઈ પણ મહાન કાર્ય કરી ન શકાય.
*  હજારો ઠોકર ખાધા પછી ચારિત્ર્યનું ઘડતર થાય છે.
*  પૂર્ણ પ્રેમ તેમજ વ્યર્થ પ્રતિકાર વિનાના અને દૃઢ શક્તિવાળા હૃદય દ્વારા ચારિત્ર્ય ઘડતર થાય છે.
*  ફરિયાદો અને ઝઘડાથી શું વળવાનું છે ? હંમેશા બડબડાટ કરવાથી તમારું જીવન દુ:ખમય બની જશે અને બધે અસફળતા જ સાંપડશે.
*  એકમાત્ર ઇચ્છાશક્તિથી જ બધું થઈ રહેશે.
*  બીજી બધી વસ્તુ કરતાં ઇચ્છાશક્તિ વધુ બળવાન છે.
*  ઇચ્છાશક્તિની સમક્ષ બીજું બધું શિર ઝુકાવે છે કારણ કે, ઇચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા. પવિત્ર, પ્રબળ ઇચ્છાશક્તિ સર્વશક્તિમાન છે.
*  ચિત્તશુદ્ધિ અને મૌનથી જ વાણીમાં શક્તિ આવે છે.
*  મનુષ્યે વિચારવું જોઈએ. માનવની ગરિમા એની વિચારશીલતાને લીધે જ છે.
*  આપણામાંના દરેકે કાં તો ‘મૌલિક’ બનવું પડશે અથવા તો કંઈ નહીં.
*  શક્તિ જ એક આવશ્યક વસ્તુ છે. બળ એ ભવરોગનું ઔષધ છે.
*  ગાળો દેવાથી કે નિંદા કરવાથી ઉન્નતિ થતી નથી.
*  દુ:ખ-દારિદ્ર્ય સિવાય વધુ સારો શિક્ષક બીજો કોઈ નથી.
*  તમે દુ:ખી છો એવું જાણ્યા વિના દુ:ખને સહન કરો.
*  ધર્મનો અર્થ છે : હૃદયના અંતરતમમાં સત્યની પ્રાપ્તિ.
*  સૌથી મહાન ધર્મ છે પોતાના આત્મા પ્રત્યે સાચું બનવું.
*  વાસનારૂપી મદિરાનું પાન કરીને આખું જગત મત્ત બન્યું છે.
*  ત્યાગનો અર્થ છે : ‘મૃત્યુ માટે પ્રેમ.’
*  સુખ અને હર્ષ નાશ પામે છે.
*  આ સદૈવ પરિવર્તનશીલ જગતમાં સત્ય શું છે એની ખોજ કરો.
*  કાલે વિજય થાય કે પરમ દિવસે કે યુગો પછી, પણ સત્યનો અવશ્ય વિજય થાય છે.
*  મન, વચન અને કર્મથી બાર વર્ષો સુધી, પૂર્ણ સત્યનું અનુષ્ઠાન કરવાથી માનવ જે ઇચ્છે તે પામી રહે.
*  વ્યાવહારિક રૂપે વેદાન્ત જ હિન્દુઓનો ધર્મગ્રંથ છે. આધુનિક ભૌતિક-વિજ્ઞાન એ જ નિષ્કર્ષો સુધી પહોંચ્યું છે. વેદાંત તો આ નિષ્કર્ષો સુધી યુગો પહેલાં પહોંચી ચૂક્યું હતું.
*  અદ્વૈત વેદાન્તની મુખ્ય વિશિષ્ટતા છે : પૂર્વવર્તી મતોનો સમન્વય સ્થાપવો.
*  સંસારનો ઈતિહાસ અલ્પ સંખ્યાના માનવોએ જ રચ્યો છે.
* જગતનો ઈતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માનવીઓનો ઈતિહાસ કે જેને પોતાનામાં શ્રદ્ધા હતી.
*  રાષ્ટ્ર કે માનવ જેવી પોતાની આત્મશ્રદ્ધા ગુમાવે કે તેનું મૃત્યુ અનિવાર્ય છે.
*  પ્રત્યેક જીવાત્મા એક નક્ષત્ર છે અને એ બધાં નક્ષત્રો ઈશ્વરરૂપી આ આનંદ, નિર્મલ, નીલાકાશમાં ગોઠવાયેલાં છે.
*  ઈશ્વરની ઉપાસના જ્ઞાનયુક્ત ભક્તિથી કરો.
*  પ્રત્યેક કાર્યમાં પોતાની સમસ્ત શક્તિનો પ્રયોગ કરો.
*  તમારા પોતાના દ્વારા ઈશ્વરને કાર્ય કરવા દો. તે એમનું જ કાર્ય છે. એમને જ કરવા દો.
*  ઐક્ય જ પ્રેમની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.
*  જ્યાં સાચો પ્રેમ છે ત્યાં ભૌતિક આકર્ષણ જરાય રહેતું નથી.
*  મૂર્તિ પણ ઈશ્વર છે. માત્ર એ વિચાર કરવાની ભૂલથી બચવું જોઈએ કે ઈશ્વર પ્રતિમા-મૂર્તિ છે.
*  જેટલું તમે ઘ્યાન કરશો એટલો જ તમારો વિકાસ થશે.
*  એકાગ્રતા એ સર્વજ્ઞાનનું સારભૂતતત્ત્વ છે.
*  એકાગ્રતાના વિકાસ સાથે આપણે અનાસક્તિભાવ કેળવવો જ જોઈએ.
*  એકાગ્રચિત્ત જાણે કે એક પ્રદીપ છે જેના દ્વારા આત્માનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
*  સમગ્ર સંગીતમાં ‘સોહમ્, સોહમ્’ એક એ જ સ્વર-સૂર વહી રહ્યો છે. બીજા બધા સૂર તો એનાં ભિન્ન ભિન્ન રૂપો છે.
*  હું અજન્મા, અવિનાશી, આનંદમય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિત્ય, જ્યોતિર્મય આત્મા છું. - દિવસરાત આનું જ ચિંતન મનન કરો, જ્યાં સુધી તમારા જીવનનું અવિચ્છેદ્ય અંગ ન બની જાય ત્યાં સુધી એનું જ ચિંતન મનન કરો.
*  તમે કોઈને સહાય ન કરી શકો પણ તેની માત્ર સેવા કરી શકો.
*  એ જ લોકો ધન્ય છે જેમણે પોતાનાં જીવન બીજાની સેવા કાજે હોમી દીધાં છે.
*  જ્યાં સુધી આપણે બીજાની સેવાઓ લઈએ છીએ ત્યાં સુધી બીજાની સેવા કરવા આપણે બંધાયેલા છીએ.
*  ભૌતિકતા જાય નહીં ત્યાં સુધી કદી આઘ્યાત્મિકતા પ્રાપ્ત ન થાય.
*  ત્યાગ કરવા સમર્થ થવું હોય તો, આપણે લાગણીવેડાથી પર થવું જોઈએ.
*  આપણે હંમેશા આપણી નિર્બળતાને બળ તરીકે, આપણી લાગણીઓને પ્રેમ તરીકે અને આપણી કાયરતાને હિંમત તરીકે ખપાવવા પ્રયત્ન કરીએ છીએ.
*  આપણે સત્યનો એકરાર કરીએ : આપણે જે નથી તેવા લોકો આપણને માને એ માટેની કોશિશમાં આપણી જિંદગીની નવદશાંશ શક્તિ ખર્ચાય છે.
*  એક વિચારને પકડીને તેની જ ઉપાસના કરો, તમારા પુરુષાર્થમાં ધીરજપૂર્વક આગળ ધપો, એટલે તમારા માટે સૂર્યોદય થશે.
*  પ્રેમ, સહૃદયતા અને ધીરજ આ સિવાય બીજું કંઈ જરૂરી નથી. ઊઠો, જાગો; તમારી જાતને જગાડો અને બીજાને પણ જાગ્રત કરો.
*  મારા પુત્રો, તમે સૌ મનુષ્ય થજો. હું એ માગું છું ! તમને થોડી પણ સફળતા મળશે તો મારું જીવવું મને સાર્થક લાગશે.
*  લોકોએ વ્યવહારુ અને શારીરિક રીતે બળવાન બનતાં શીખવું જોઈએ. આવા મુઠ્ઠીભર નર-સિંહો જગત જીતશે, લાખો ઘેટાં નહીં.
*  ઇચ્છાઓ આપણને ભિખારી બનાવી દે છે અને આપણે તો મહારાજાનાં સંતાન છીએ, નહીં કે ભિખારીનાં.
*  કદી ‘ના’ન કહો, ક્યારેય એમ ન કહો કે ‘હું ન કરી શકું’ કારણ કે તમે અનંત શક્તિશાળી છો.
*  કદી ‘મારું’ ‘મારું’ ન કરો. જ્યારે જ્યારે આપણે ‘મારું’ ‘મારું’ કરીએ છીએ ત્યારે આપણા પર આપત્તિ ખાબકે છે.
*  ગરીબોને તો જ્ઞાનપ્રકાશ આપો પણ અમીરોને જરા વધારે જ્ઞાનપ્રકાશ આપો કારણ કે એમને તેની ગરીબો કરતાં વધારે જરૂર છે.
*  અજ્ઞાની સામે જ્ઞાનદીપ ધરો પણ કહેવાતા શિક્ષિત સામે જરા વધુ તેજસ્વી જ્ઞાનદીપ ધરો કારણ કે કહેવાતા શિક્ષણનો દંભ વધારે ભયંકર છે.
*  ‘મારું શું થશે ?’ એવો ભય ક્યારેય ન રાખો અને પરાવલંબી ન બનશો. પરાશ્રય એ જ દુ:ખનું મૂળ છે.
*  હે મહાન આત્માઓ ! ઊઠો, જાગો ! આ દુનિયા દુ:ખના દાવાનળમાં ભડકે બળે છે ત્યારે તમે સૂઈ શકો ખરા ?
*  જ્યાં સુધી સમગ્ર વિશ્વ પ્રભુમય ન બની જાય ત્યાં સુધી હું માનવીઓને સર્વત્ર પ્રેરણા આપતો રહીશ.
*  મારો ધર્મ શીખવે છે કે ભય એ સૌથી મોટું પાપ છે.
* મને નિર્ભયતા અને અદમ્ય સાહસ ગમે છે અને મારા દેશ બાંધવો પણ આ જ જુસ્સો કેળવે એ મને આવશ્યક લાગે છે.
* દુનિયામાં હું એક જ વસ્તુને ધિક્કારું છું અને તે છે દંભ.
* મને અનુસરનારો એક જ માનવી હશે તો ચાલશે પરંતુ, તે મરણપર્યંત સત્યપ્રિય અને નિષ્ઠાવાન હોવો જ જોઈએ.
* હું સુધારણામાં માનતો નથી; હું પ્રગતિમાં માનું છું.
*  હું બીજાઓની સેવા માટે નરકમાં જવા પણ તૈયાર છું.
*  હું મારું કાર્ય વિદ્યુતના ચમકારાની ગતિથી કરવા માગું છું અને તે પણ એક ખડકની જેમ અડગ હોવું જોઈએ.
*  મારો સંકલ્પ આ છે : આદર્શને પામવો કે તે માટે પોતાનું જીવન હોમી દેવું.
*  હું ગરીબ છું અને ગરીબોને ચાહું છું.
*  કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વિચારમાંથી આવે છે. એટલે મસ્તકને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને દિનરાત તમારી દૃષ્ટિ તરફ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.
*  ‘મારા શબ્દો પ્રાણ છે અને એ જીવન છે.’ ઈશુના આ શબ્દો તમે સાંભળ્યા છે. એ જ રીતે મારા શબ્દો પણ પ્રાણ છે અને જીવન છે; તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે કદી છટકી નહીં શકો.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda