Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

શ્રી રામકૃષ્ણ અને ભારતનો પુનરુદ્ઘાર

એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા અને હૃદયની વિશાળતાનો સમન્વય થયો હોય; એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્‍ભુત વિશાળ હૃદય હોય, જે દરેક સંપ્રદાયમાં એ જ ચૈતન્યને - એ જ ઈશ્વરને કાર્ય કરી રહેલો જુએ, જે ભૂતમાત્રમાં ઈશ્વર જુએ, જેનું હૃદય ગરીબ, દુર્બળ, અછૂત, પદદલિત આ વિશ્વમાં ભારતની અંદરના અને ભારતની બહારના સૌ કોઈને માટે દ્રવતું હોય; સાથે સાથે જ જેની ભવ્ય તેજસ્વી બુદ્ધિ એવા ઉદાત્ત વિચારોને પ્રકટ કરે કે ભારતની અંદરના ભારતની બહારના સર્વ ધર્મસંપ્રદાયોનો સમન્વય સાધી શકે અને એક આશ્ચર્યજનક સુમેળભર્યો, મેધા અને હૃદય બંનેના સામંજસ્યથી રચાયેલો વિશ્વવ્યાપી ધર્મ અસ્તિત્વમાં લાવી શકે. આવો પુરુષ પ્રગટ્યો અને એનાં ચરણે વરસો સુધી બેસવાનું મને સદ્‍ભાગ્ય સાંપડ્યું. સમય પરિપક્વ થઈ ચૂક્યો હતો; આવા એક પુરુષે જન્મ લેવો એ આવશ્યક થઈ ચૂક્યું હતું. અને એ આવ્યો...આ રામકૃષ્ણ પરમહંસ એક અદ્‍ભુત પુરુષ હતા.

મારા ગુરુદેવના સહવાસમાં રહીને મેં એ જાણી લીધું કે આ શરીરમાં પણ મનુષ્ય પૂર્ણાવસ્થાએ પહોંચી શકે છે. તેમના મુખમાંથી કદી કોઈને માટે શાપના શબ્દો નીકળ્યા નથી, કે નથી તેમણે કદી કોઈનામાં કોઈ દોષ જોયો, તેમની આંખો કોઈ બૂરી ચીજને જોઈ જ શકતી નહિ, કે ન તો તેમના મનમાં કદી કોઈ બૂરા વિચારો પ્રવેશી શકતા. તેમણે જે જોયું, તે સારું જ જોયું. મહાન પવિત્રતા અને મહાન ત્યાગ - આઘ્યાત્મિક જીવનનું આ જ રહસ્ય છે. કામ અને કાંચન પર તેમણે સંપૂર્ણ વિજય મેળવી લીધો હતો; આ બાબતમાં તેઓ પ્રત્યક્ષ ઉદાહરણ રૂપ હતા. અરે ! આ બંને પ્રકારની કલ્પનાથી પણ તેઓ પર હતા; અને અત્યારના દિવસોમાં આવા જ મહાપુરુષની આવશ્યકતા છે.

જેમના જીવનમાંથી કામવાસના તદ્દન લોપ પામી ગઈ છે, જેઓ દરેક નારીનું ભક્તિભાવે દર્શન કરી શકે છે તથા જેમની દૃષ્ટિમાં પ્રત્યેક નારીનું મુખ એક એવું રૂપ ધારણ કરી લે છે કે જ્યાં સાક્ષાત્ આનંદમયી ભગવતી જગદ્ધાત્રીના મુખનું જ પ્રતિબિંબ પડે છે, એવા મનુષ્યના જીવન કેટલા ધન્ય હશે તેનો વિચાર કરો !... જો સાચી આઘ્યાત્મિકતા મેળવવી હોય તો આ જાતની પવિત્રતા અત્યંત આવશ્યક છે.

મારા ગુરુદેવના જીવનનું બીજું એક મહાન તત્ત્વ-બીજાઓ પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ હતો. જીવનનો પૂર્વાર્ધ તેમણે ધર્મનું ઉપાર્જન કરવામાં અને ઉત્તરાર્ધ તેના વિતરણમાં ગાળ્યો... માનવજાતિ પ્રત્યે તેમને એવો અગાધ પ્રેમ હતો કે તેમની કૃપા મેળવવા આવનારા હજારો મણાસોમાંથી અતિ સામાન્ય માણસ પણ વંચિત રહેતો નહિ.

કોઈ પણ પ્રજાનો ઉત્કર્ષ થાય તે માટે તેની સામે એક ઉચ્ચ આદર્શ હોવો જોઈએ. હવે આવો આદર્શ અલબત્ત અતિસૂક્ષ્મ બ્રહ્મ છે. પણ તમે બધા એવા અતિસૂક્ષ્મ આદર્શથી પ્રેરણા ન મેળવી શકો તેથી તમારો આદર્શ એક વ્યક્તિ રૂપ આદર્શ હોવો જોઈએ. શ્રીરામકૃષ્ણમાં તે તમને મળ્યો છે.

ઇતિહાસમાં કોઈનું પણ વ્યક્તિત્વ શ્રીરામકૃષ્ણ જેવું પૂર્ણ ન હતું અને એમને કેન્દ્રમાં રાખીને સૌએ એકત્રિત થવું જોઈએ. સાથે ને સાથે દરેકેદરેકને એમને પોતાની દૃષ્ટિએ ઈશ્વર રૂપે, પોતાના તારણહાર રૂપે, ઉપદેશક કે શિક્ષક રૂપે, આદર્શ રૂપે કે એક મહાપુરુષ રૂપે પોતાની રાજીખુશી પ્રમાણે જોવાની છૂટ હોવી જોઈએ.

અનુદાર સમાજમાં આઘ્યાત્મિકતાની ગહનતા અને ઉત્કટતા રહે છે. સાંકડો પ્રવાહ ઘણો ત્વરિત ગતિવાળો હોય છે. પોતાની દૃષ્ટિની વિસ્તૃતિ હોવા છતાં ઉદાર મતવાદી સમાજમાં પ્રમાણમાં આઘ્યાત્મિકતાની ગહનતા અને ઉત્કટતાની ઊણપ જોવા મળે છે. પરંતુ શ્રીરામકૃષ્ણનું જીવન ઇતિહાસના બધા વૃત્તાંતોને ઊંધા વાળી દે છે. નોંધનીય વિલક્ષણતા તો એ છે કે શ્રીરામકૃષ્ણમાં સાગરથી પણ વધારે ગહન એવા આદર્શો અને આકાશથી પણ વધુ વિશાળ આદર્શો સંમિલિત થયા છે.

આવી અનન્ય વ્યક્તિમત્તા અને આવું સર્વોત્તમ જ્ઞાન, યોગ, ભક્તિ અને કર્મનું સંશ્લેષણ માનવ જાતમાં ક્યારેય દેખાયું નથી. શ્રીરામકૃષ્ણનું જીવન એ સાબિત કરે છે કે વિસ્તૃતિની શ્રેષ્ઠતા એટલે કે સર્વોત્કૃષ્ટ ઉદારતા અને આત્યંતિક ઉત્કટતા એક જ વ્યક્તિમાં સાથે ને સાથે રહી શકે છે અને સમાજ પણ એવી જ રીતે રચાવો જોઈએ કારણ કે સમાજ એટલે વ્યક્તિઓના સરવાળા સિવાય બીજું કંઈ નથી. જેમનું વ્યક્તિત્વ કે ચારિત્ર્ય પૂર્ણ હોય અને ઉપર વર્ણવ્યા પ્રમાણે સર્વલક્ષી હોય તે રામકૃષ્ણનો સાચો શિષ્ય અને સાચો અનુયાયી છે. આવા પૂર્ણ વ્યક્તિત્વનું ઘડતર એ જ આ યુગનો આદર્શ છે અને દરેકેદરેકે આ એક માત્ર આદર્શ માટે ઝઝૂમવું જોઈએ.

પ્રાચીન સમયમાં કેટલીક સારી વસ્તુઓ પણ હતી, જ્યારે કેટલીક ખરાબ વસ્તુઓ પણ હતી. સારી વસ્તુઓ ચાલુ રહેવી જોઈએ; પરંતુ ભવિષ્યનું ભારત પ્રાચીન ભારત કરતાં ઘણું વધારે મહાન હોવું જોઈએ. શ્રીરામકૃષ્ણના જન્મથી આધુનિક ભારત અને તેના સુવર્ણયુગની તારીખ શરૂ થાય છે. આ સુવર્ણયુગ લાવનાર કાર્યકરો તમે છો. હૃદયમાં આવી ખાતરીથી કાર્ય કરો !

તમારા બધામાં અનહદ શક્તિ છે. નાસ્તિકમાં તો કચરા સિવાય કશું હોતું નથી. જેઓ આસ્તિક છે તેઓ જ વીર છે. તેઓ અનહદ શક્તિ પ્રદર્શિત કરશે. જગત તેમની પાસે નમી પડશે.‘ગરીબોને સહાનુભૂતિ અને મદદ આપો.’ ‘માનવ ઈશ્વર છે. તે જ નારાયણ છે;’ ‘સ્ત્રી કે પુરુષ, બ્રાહ્મણ કે ક્ષત્રિય એવા ભેદ આત્મામાં નથી.’ ઈશ્વરથી માંડીને ઘાસના તણખલા સુધીનું બધું નારાયણ છે.’ ઈશ્વર જંતુમાં ઓછો અભિવ્યક્ત છે. ઈશ્વરમાં વિશેષ પ્રકાશિત છે. જે કાર્ય પ્રાણીના દિવ્ય સ્વભાવને પ્રગટાવવામાં સહાય કરે તે ‘પુણ્ય’, જે કાર્ય તેને અવરોધે તે ‘પાપ’. આપણી દૈવી પ્રકૃતિને અભિવ્યક્ત કરવાનો એક જ રસ્તો છે, તે એ કે બીજાને તેમ કરવામાં મદદ કરવી.

કોઈ પણ દેશની સંસ્કૃતિમાં બધા ધર્મના, આઘ્યાત્મિક વિચારોના મૂળમાં, કેન્દ્રમાં મુખ્ય સ્રોત ત્યાગ છે. જેટલા પ્રમાણમાં ત્યાગ ઓછો, ત્યાગ અધૂરો રહે, તેટલા પ્રમાણમાં ધર્મમય જીવનમાં વિલાસિતા પ્રવેશે; એટલી જ માત્રામાંઆપણી આઘ્યાત્મિકતા લુપ્ત થાય. શ્રીરામકૃષ્ણદેવ ત્યાગનું મૂર્તસ્વરૂપ હતા... જગતના સમગ્રસુવર્ણ-સંપત્તિનું મૂલ્ય એમને મન એક તણખલાને તોલે પણ નથી. આવા મનુષ્યો હયાત છે. શ્રીરામકૃષ્ણદેવ જેવી ત્યાગશીલ મહાવિભૂતિની વિશ્વને જરૂર હતી. અને આવો જ ત્યાગ આજનો જમાનો ઝંખે છે.

અરે, ઓ વર્તમાન યુગના માનવ બંધુઓ ! તમારામાંથી જે કોઈ પુષ્પ સમા પવિત્ર, અનાઘ્રત ફૂલ જેવા હોય, તેઓ પોતાની જાતનું પ્રભુના શ્રીચરણે સમર્પણ કરો. તમારામાંથી જે યુવાન અને સંસારના માયામોહમાં પાછા ફસાવા ન માગતા હોય તેઓ સંસાર છોડીને પ્રસ્થાન કરે. સાચા ત્યાગી બને. આ ત્યાગનો ભાવ જ છે આઘ્યાત્મિકતાનું અસલ મૂળ, રહસ્ય ! દરેક સ્ત્રીમાં માતૃરૂપનાં દર્શન કરો. આ સર્વ સંપત્તિને ત્યજી દો ! એ ત્યજી દેવાથી આપણે શું ગુમાવીએ છીએ ? ત્યાગના માર્ગે જ્યાં હશો ત્યાં, પ્રભુ તમારું રક્ષણ કરશે. પ્રભુ તો એનાં બાળકોની સંભાળ લે જ છે. એટલે આ ત્યાગનું અનુશીલન કરવા કટિબદ્ધ થાઓ. આ માટે પૂરતાં સાહસ-હિંમત કેળવો. આવાં મહાન બલિદાનોની જરૂર છે. આધુનિક પશ્ચિમના દેશોમાં જડવાદ અને મૃત્યુના પ્રલયકારી સર્વનાશી મોજાં છવાઈ જતાં શું તમે જોતાં નથી ? ક્યાં સુધી અવળા પાટા તમારી આંખે બાંધી રાખશો ? માનવસમાજની પ્રાણશક્તિઓને ભીતરથી કોરી ખાતાં, ભરખી જતાં, મલિનતાનાં, વિષય-લાલસાનાં પરિબળો તમે નજરોનજર જોઈ શકતાં નથી ? મારી વાત માનો, આ બધી નિર્બળતાઓને દૂર કરો; ચર્ચા કરવાથી કે સુધાર-આંદોલનોથી કંઈ નહિ વળે. પરંતુ પ્રલય અને મૃત્યુની વચ્ચે ત્યાગને આધારે, હિંમતથી ઊભા થઈને, સત્યના મેરુદંડની માફક અડગ ઊભા રહીને આપણે તેને નાથી શકીશું. એટલે જ કહું છું કે માત્ર વાતો ન કરો પણ તારી નસેનસમાંથી ત્યાગની મહાશક્તિનું તેજ પ્રકટાવો. જેઓ ધનસંપત્તિના વૈભવ માટે દિવસરાત મથે છે, એમની વચ્ચે ત્યાગની ભાવના એવી રીતે ઝંકૃત થવા દો કે જેથી વિલાસિતાની છોળોમાં આળોટતાં હોય, તેમને એક એવો પણ માનવ મળી રહે, જેને મન આ ધનદોલતનું મૂલ્ય એક કાણી કોડી બરાબર પણ નથી. વિષય-વિલાસિતાની જડને સમૂળગી દૂર કરો. કામ-કાંચનને દૂર રાખો. તમારી જાતની, તમારા પ્રાણની આહુતિ દો.

પણ એવો કોઈ મર્દ છે કે આ કાર્ય કરશે ? ડોસા-ડગરાં, જીર્ણ-ઘસાયેલા-કાટ ખાઈ ગયેલ, સમાજે એક ખૂણે ફેંકી દીધેલાંનું આ કાર્ય નથી. પરંતુ આ કાર્ય તો છે, ધરતીના નવલોહિયા, શ્રેષ્ઠ, બલિષ્ઠ, તેજસ્વી યુવાનોનું. આવા જ માનવો શ્રીભગવાનનાં ચરણકમળમાં અંજલિરૂપે અર્પણ કરશે; એમનાં ત્યાગ-બલિદાનથી આ વિશ્વ ઊગરશે. તમારાં જીવન સુધ્ધાં સમર્પણ કરો. માનવજાતના સેવક બની રહો. તમે જીવંત સંદેશ બનો. આ જ ત્યાગ છે. સદાચારથી વિહોણી ચર્ચા-વાર્તા ત્યાગ નથી. માટે ઊભા થાઓ; યાહોમ કરીને ખાબકી પડો ! તમારા ત્યાગના તેજથી ભૌતિક સુખોની પાછળ દોટ મૂકનારાં, ધનદોલતની શોધમાં રચ્યાંપચ્યાં મનુષ્યો ધ્રૂજી ઊઠશે. પોકળ વાણી વિલાસ વ્યર્થ છે. કોરા ઉપદેશથી કંઈ વળતું નથી. ધનની તૃષ્ણામાં તરબોળ વિચારકોનાં પુસ્તકો ભલે બહાર પડ્યાં કરે, પરંતુ તેમનું કંઈ ઉપજવાનું નથી; કારણ કે એમના શબ્દોની પાછળ સદાચારની શક્તિનો સદંતર અભાવ છે.

ઊભા થાઓ અને ઈશ્વરનાં દર્શન કરો ! જો તમે સંપૂર્ણ કામ-કંચનનો ત્યાગ કરો, તો વાણી-વિલાસ કરવાની જરૂર નહિ પડે. તમારું આત્મકમળ એની મેળે ખીલી ઊઠશે; આઘ્યાત્મિકતા સર્વત્ર પ્રસરી જશે. તમારા આઘ્યાત્મિક તેજથી જેઓ તમારા સંપર્કમાં આવશે, તેમનામાંયે જ્યોતિ પ્રગટશે... આધુનિક વિશ્વને શ્રીરામકૃષ્ણદેવનો આ સંદેશ છે : ‘તત્ત્વના ટૂંપણા, અંધશ્રદ્ધાભર્યા ખ્યાલો, સંપ્રદાયો કે મંદિર-ગિરિજાઘરની ચિંતા ન કરશો. દરેકમાં રહેલ અને આઘ્યાત્મિકતાને નામે જાણીતા અસ્તિત્વના સારભૂત તત્ત્વની સરખામણીમાં આ બધાની કોઈ ગણતરી નથી. તમે માનવમાં આ આઘ્યાત્મિકતાને જેટલા વધુ પ્રમાણમાં વિકસાવો તેટલા પ્રમાણમાં તે હમેશાંને માટે શક્તિમાન બનશે. જેમની પાસે આ શક્તિ વધુમાં વધુ પ્રમાણમાં હશે તે પોતાના માનવબંધુઓનું સૌથી વધુ કલ્યાણ કરી શકશે. એટલા માટે સૌ પ્રથમ તો આ આઘ્યાત્મિકતાને સાધો.

એટલા માટે મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણનો સંદેશ છે : ‘બધાં આઘ્યાત્મિક બનો, તમે સૌ પ્રથમ આત્માનો સાક્ષાત્કાર કરો!’

મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પોકારીને કહે છે : ‘એ ત્યાગનો સમય પાકી ગયો છે. સમગ્રમાનવજાત માટે સર્વસ્વનો ત્યાગ કરો. ત્યાગધર્મનું આચરણ કરવાની ઘડી આવી છે. હવે તો એક જ આહ્વાન છે: ‘યાહોમ  કરીને પડો’ વિશ્વને ઊગારી લો!’ 

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda