Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

રાષ્ટ્રીય એકતા

અહીં આપણી વચ્ચેના ભેદો શોધી કાઢવા સારુ નહિ,પરંતુ આપણું મિલનસ્થાન ક્યાં છે તે શોધવા સારુ હું ઊભો થયો છું. આપણે કઈ ભૂમિકા ઉપર સદાને માટે બંધુ તરીકે ઊભા રહી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરવા હું અહીં આવ્યો છું. જે પાયાને આધારે અનંતકાળથી આવી રહેલો આપણો પ્રાચીન અવાજ વધુ ને વધુ જોરદાર બનતો જાય, તેની ખોજ કરવાના મારા પ્રયત્નો છે. અહીં હું તમારી સમક્ષ કંઈક વિનાશક નહિ પણ રચનાત્મક કાર્ય રજૂ કરવાનો પ્રયાસ કરવા માગું છું... હું કોઈ પક્ષનો કે કોઈ સંપ્રદાયનો નથી. મારે મન એ બધા મહાન અને કીર્તિવાળા છે, હું તેમને બધાને ચાહું છું, અને આખા જીવન દરમિયાન તેમાં શું સારું અને સાચું રહેલું છે તો જ શોધવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું.

એકતામાં અનેકતા : પ્રજા, ધર્મ, ભાષા, રાજસત્તા, આ બધું મળીને રાષ્ટ્ર બને છે. એક પછી એક પ્રજાઓને લઈએ તો આપણા દેશની સરખાણીએ દુનિયાની અન્ય પ્રજાઓને રચનારાં તત્ત્વો બહુ જ ઓછાં છે. અહીં તો આર્યો, દ્રાવિડો, તાર્તરો, તુર્કો, મુગલો, યુરોપિયનો: જાણે કે દુનિયાની બધી પ્રજાઓ પોતાનાં રક્ત આ ભૂમિમાં રેડતી આવી છે. ભાષાઓનો તો અદ્‍ભુતમાં અદ્‍ભુત શંભુમેળો અહીં છે; રીતભાતો અને રિવાજોની બાબતમાં તો પશ્ચિમ અને પૂર્વની પ્રજાઓ કરતાં બે ભારતીય પ્રજાઓ વચ્ચે વધુ તફાવત છે. આપણી પવિત્ર પરંપરાઓમાં કોઈ એક સામાન્ય ભૂમિકા આપણા માટે હોય તો તે આપણો ધર્મ છે. એ એક જ સામાન્ય ભૂમિકા છે, અને એના ઉપર જ આપણે ચણતર કરવાનું છે. યુરોપમાં રાજકીય વિચારો રાષ્ટ્રિય એકતા લાવે છે; એશિયામાં ધાર્મિક વિચારો રાષ્ટ્રિય એકતા લાવે છે. એટલે ભારતના ભાવિ માટે પહેલી શરત તરીકે ધાર્મિક એકતા અનિવાર્ય રીતે જરૂરી છે.

એકતાનું રહસ્ય : ખ્રિસ્તીધર્મીએ હિંદુધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી, પણ એકબીજાએ એકબીજાનાં તત્ત્વ પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના વિકાસના નિયમાનુસાર વિકાસ મેળવવાનો છે.

આપણે જાણીએ છીએ કે આપણા બધા સંપ્રદાયોમાં, ભલે તે દરેકના સિદ્ધાંતો ગમે તેટલા અલગ અલગ હોય, ભલે તેમના દાવાઓ ગમે તેટલા જુદા જુદા હોય, છતાં બધામાં અમુક સર્વસામાન્ય ભૂમિકાઓ રહેલી છે... આપણે બધા ઓછામાં ઓછું આપણામાંથી જેમણે વિચાર કર્યો છે તે બધા આ જાણે છે. અર્થાત્ જેની આપણે જરૂર છે તે એ કે આપણા ધર્મના આ જીવનદાયી સામાન્ય સિદ્ધાંતોને બહાલ લાવવા, દેશને ખૂણે ખૂણે દરેકેદરેક સ્ત્રીપુરુષ તથા બાળકને તે સમજાવવા, તેની માહિતી આપવી, અને તેમના જીવનમાં તે ઉતારવા પ્રયાસ કરવો.

સર્વધર્મસમન્વય : અમે કેવળ સમગ્રવિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ; એટલું જ નહિ, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવયવોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા, એ વાતની આપને યાદ આપતાં હું ગૌરવ અનુભવું છું.

બધા ધર્મોમાં ઈંદ્રિયાતીત અવસ્થા તો સરખી જ છે. હિંદુઓ, ખ્રિસ્તીઓ મુસલમાનો, બૌદ્ધો અને જેઓ કોઈ પણ સંપ્રદાયોમાં ન હોય તેવા લોકો પણ જ્યારે દેહભાનથી પર જાય છે, ત્યારે તેમને એ એક જ અનુભવ થાય છે. પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ઘ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ‘સહાય; પરસ્પર વેર નહિ.’ ‘સમન્વય; વિનાશ નહિ’, ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહિ.’

જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમજ ઈશુના અનુયાયીઓ ઉપર, સંત તેમજ પાપી બંને ઉપર એક સરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહિ હોય, એ બૌદ્ધધર્મ નહિ હોય, એ ખ્રિસ્તી ધર્મ પણ નહિ હોય, એ ઇસ્લામ પણ નહિ હોય; એ સર્વનો સરવાળો હશે. અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે. એમાં પશુથી બહુ ઊંચા નહિ એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન મળશે અને સમગ્રમાનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વોચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવપણા વિશે જ શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન હશે. આ વિશ્વધર્મના બંધારણમાં ત્રાસવાદને સ્થાન નહિ હોય, અસહિષ્ણુતાને સ્થાન નહિ હોય. આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલ દિવ્યતાનો સ્વીકાર કરશે. આ વિશ્વધર્મ માનવજાને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમ જ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે. આવો કોઈ વિશ્વધર્મ તમે રજૂ કરો, અને જુઓ કે સમગ્રમાનવજાત તમને અનુસરશે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda