Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

ભારતના સંસ્કારજીવનમાં શક્તિસંચાર

સાંસ્કારિક અખંડતાનું સંરક્ષણ : આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો કે બીજા રાષ્ટ્રોનાં બીબામાં આપણને બળજબરીથી ઢાળવાનું હંમેશાં અશક્ય જ રહ્યું છે. હું બીજી જાતિઓની સંસ્થાઓને તિરસ્કારતો નથી; એ સંસ્થાઓ તેમને માટે હિતકર છે, આપણે માટે નથી. આજની પાશ્ચાત્ય જીવનપ્રણાલી પાછળ ભિન્ન પ્રકારનાં વિજ્ઞાનો, સંસ્થાઓ, અને રૂઢિઓ રહેલાં છે. આપણી પાછળ પણ આપણી રૂઢિઓ અને હજારો વર્ષોનાં કર્મો છે. એટલે આપણું પણ એક આગવું લક્ષણ છે, અનોખો ચીલો છે. આપણે તો એને જ અનુસરવાનું છે અને એ આપણે કરવું જ પડશે.

આપણે યુરોપવાસીઓ બની શકવાના નથી ને તેથી પશ્ચિમનું અનુકરણ કરવું નકામું છે. યુરોપવાસીઓનું  અનુકરણ કરવું શક્ય હોય એમ માનો તો પણ એ અનુકરણથી તમારામાં રહેલું જીવન્ત તવ તો ચાલ્યું જ જશે, તમે જડવત્ જ બની રહેશો. સમયના પ્રારંભમાં દૂરસુદૂર જેનું મૂળ છે એવું નિર્ઝર માનવઇતિહાસના લાખો યુગોને આપ્લાવિત કરતું વહેતું આવે છે. તમે તેના પર કાબૂ મેળવી તેને પાછું તેના મૂળ તરફ - હિમાલયની ખીણમાં વહાવી દેવા ધારો છો ? એ શક્ય હોય તો પણ આચારવિચારમાં સંપૂર્ણ તથા યુરોપીય થઈ જવાનું તમારાથી બની શકવાનું નથી. થોડીક જ સદીઓથી પ્રાપ્ત થયેલી જે કાંઈ સંસ્કૃતિ પશ્ચિમમાં છે તેને ફગાવી દેવાનું જો યુરોપવાસીઓ માટે અશક્ય છે એમ તમને લાગતું હોય તો કેટલીય ઉજ્જવલ શતાબ્દીઓથી પ્રાપ્ત થયેલી સંસ્કારિતાને ફગાવી દેવાનું શું તમારાથી બની શકશે ? તેમ થઈ શકે એમ નથી. તેથી ભારતવર્ષને યુરોપીય બનાવવાનો પ્રયત્ન અશક્ય અને મૂર્ખાઈભર્યો છે.

સાંસ્કારિક દૃષ્ટિબિંદુને વિશાળ કરવું : ભારત બહારના જગત વિના આપણે ચલાવી શકવાના નથી; એના વિના ચાલશે એમ આપણે માન્યું તે આપણી મૂર્ખાઈ જ હતી; હજાર વર્ષનું દાસત્વ સહીને આપણે એનો દંડ ભરી આપ્યો છે. હવે ક્યાં સુધી દંડ ભર્યા કરશો ? હવે તો બંધ કરો. હિન્દીઓએ ભારત બહાર જવું ન જોઈએ એ પ્રકારના બધા મૂર્ખાઈભર્યા વિચારો બાલિશ જ છે. એવા વિચારો સેવનારની સાન ઠેકાણે લાવવી જ જોઈએ. જેમ જેમ તમે વધારે બહાર જશો, જગતના બીજા દેશોમાં ફરશો, તેમ તેમ એ તમારા દેશને વધારે લાભદાયી જ નીવડશે. છેલ્લા કેટલાય શતકોથી તમે જો એ કર્યું હોત, તો આજે તમને કચડી નાખનારી હરકોઈ પ્રજાનાં ચરણ ચૂમવાની અવદશા ન થઈ હોત; જીવનના આવિર્ભાવનું પ્રથમ લક્ષણ વિસ્તાર છે. જો જીવવું હોય તો વિસ્તાર કરવો જોઈએ. જે ક્ષણે આ વિસ્તાર અટકી જશે, તે ક્ષણે તમારું આવી બન્યું જ જાણજો - એ ભય ઝઝૂમી રહ્યો છે એટલું સમજી લેજો.

આપણા માર્ગમાં ઘણાં ભયસ્થાનો છે. જગતમાં માત્ર આપણે જ એક વસીએ છીએ એવું માનવું તે એમાંનું જ એક ભયસ્થાન છે. મને ભારતવર્ષ માટે પ્રેમ છે, હું પણ દેશભક્ત છું. મને પણ આપણા પૂર્વજો પ્રત્યે પૂજ્યભાવ છે, છતાં પણ આપણે બીજી પ્રજાઓ પાસેથી ઘણું શીખવાનું છે એ વાત મારા મનમાં નિરંતર રહ્યા કરે છે. એ સહુ કોઈને ચરણે બેસીને શીખવા આપણે સદા તત્પર રહેવું જોઈએ. એટલું ઘ્યાનમાં રાખજો કે દરેક આપણને મહાન પાઠ શીખવી શકે એમ છે. આપણા મહાન સ્મૃતિકાર મનુ કહે છે : ‘ક્ષુદ્ર અને ક્ષુદ્રતમ પાસેથી પણ કંઈક સારું જ્ઞાન પ્રાપ્ત કરો, સેવાથી જ સ્વર્ગ માર્ગનું જ્ઞાન પામો.’ મનુના સાચા સંતાનો તરીકે આપણે એના આદેશનું પાલન કરવું જ જોઈએ અને આ જીવનના કે બીજા જીવનના પાઠો જે કોઈ શીખવી શકે, તેની પાસે શીખવાને તત્પર રહેવું જોઈએ.

પશ્ચિમ પાસેથી આપણે ઘણું ઘણું શીખવાનું છે. આપણે પાશ્ચાત્ય વિજ્ઞાન અને કળાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ભૌતિક વિજ્ઞાનો, વ્યવસ્થા શક્તિ, શક્તિઓનું નિયંત્રણ કરવાની કુશળતા, નાનામાં નાનાં સાધનોથી સરસમાં સરસ પરિણામ લાવી શકાય એવી રીતે શક્તિઓનું સંચાલન કરવાની કુનેહ પણ શીખવાનાં છે. આ બધું થોડેઘણે અંશે પશ્ચિમ પાસેથી આપણે શીખી શકીએ.

આપણે પ્રવાસ ખેડવો જ જોઈએ, પરદેશમાં ફરવું જ જોઈએ. જો આપણે સાચે જ એક પ્રજા તરીકે ફરી ઊભા રહેવા ઇચ્છતા હોઈએ, તો બીજા દેશનું સમાજ વ્યવસ્થાતંત્ર કેમ ચાલે છે, તેનું નિરીક્ષણ કરીને બીજી પ્રજાઓનાં મનમાં ચાલી રહેલા વિચારો સાથે મોકળા મનનો મુક્ત સંપર્ક રાખવો જોઈએ. તમે પગભર રહો અને જે કાંઈ પામી શકો તેને આત્મસાત્‍ કરો.દરેક પ્રજા પાસેથી કશુંક શીખો. જે કાંઈ તમારે ખપનું હોય તે ગ્રહણ કરી લો. પણ એટલું કદી ન ભૂલશો કે હિન્દુઓ તરીકે રાષ્ટ્રના આદર્શ પાસે બીજાં બધાંને જ ગૌણ લેખવાનું છે. પાશ્ચાત્ય વિજ્ઞાન અને વિદ્યા, પોતાની  સંપત્તિ, મોભો, યશ - આ બધું જ પ્રજાની પવિત્રતા ને આઘ્યાત્મિકતાની આગળ સાચા હિન્દુને મન ગૌણ છે. એમાં જ હિન્દુના શુદ્ધ શીલનું રહસ્ય સમાયેલું છે.

બે દૃષ્ટિબિંદુ- પાશ્ચાત્ય અને પૌર્વાત્ય : આપણાં દુ:ખોનો સર્વદા નાશ કરી શકે એવી જો કોઈ વસ્તુ હોય તો તે આઘ્યાત્મિક જ્ઞાન જ છે; બીજું બધું જ્ઞાન તો અમુક સમય માટે જ સંતોષ આપી શકે છે. આત્મજ્ઞાનથી જ સર્વદુ:ખનો સદાને માટે ક્ષય થાય છે. યંત્રોએ માનવજાતને કદી સુખી કરી નથી અને કદી કરી શકવાનાં પણ નથી. જે કોઈ આપણને એવું મનાવવાનો પ્રયત્ન કરતો હોય તે દાવો કરશે કે સુખ યંત્રોમાં જ છે, પણ સુખ તો સદા આપણા મનમાં જ વસતું હોય છે. પોતાના મનનો સ્વામી હોય એવો મનુષ્ય જ સુખી થઈ શકે છે, બીજો કોઈ નહિ.

માનવી પ્રકૃતિ પર વિજય મેળવવાને જ જન્મ્યો છે એ વાત સત્ય છે; પરંતુ પાશ્ચાત્યો ‘પ્રકૃતિ’શબ્દથી કેવળ ભૌતિક કે બાહ્ય પ્રકૃતિ જ સમજે છે. એ ખરું છે કે પહાડો, સમુદ્રો, નદીઓ તથા વિવિધ પ્રકારની અનંત શક્તિઓથી ભરેલી આ બાહ્યપ્રકૃતિ અત્યંત મહાન છે; પરંતુ મનુષ્યની આંતરપ્રકૃતિ એનાથી પણ વધારે મહાન છે, સૂર્ય, ચંદ્ર તથા નક્ષત્રાદિથી પણ એ ચડિયાતી છે; આપણી આ પૃથ્વીથી, સમગ્રજડ જગતથી પણ તે વધારે ઊંચી છે; આપણા આ ક્ષુદ્ર જીવનોથીયે તે પર છે. અને એ જ આપણી શોધનું વિશિષ્ટ ક્ષેત્ર છે. જેમ પશ્ચિમની જાતિઓએ બહિર્જગતની શોધમાં સરસાઈ મેળવી છે, તેમ પૂર્વની જાતિઓએ આંતર્જગતની શોધમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે.

માનવવિકાસ અર્થે બંનેની આવશ્યકતા : પશ્ચિમના લોકોને મન ઇન્દ્રિયજગત જેટલું વાસ્તવિક છે તેટલું જ પૂર્વને મન આઘ્યાત્મિક જગત છે. પૂર્વવાસીને આઘ્યાત્મિકતામાં પોતાની બધી ઇચ્છાવાસનાઓની પૂર્તિ દેખાય છે; જેને કારણે જીવન સાચા અર્થમાં જીવન બની રહે છે, એ બધું પણ એને એમાંથી જ મળી રહે છે. પશ્ચિમવાસીને મન પૂર્વના લોકો તરંગી છે; પૂર્વવાસીને મન પશ્ચિમના લોકો ક્ષણભંગુર રમકડાં સાથે રમનારા સ્વપ્નસેવીઓ છે, અને ત્યાંના પુરુષો મૂઠીભર ભૌતિક સિદ્ધિઓ જેને આખરે તો અહીં જ મૂકી જવાની છે - તેને આટલું બધું મહત્ત્વ શા માટે આપતા હશે એ વિચારે તેને હસવું આવે છે. બંને એક બીજાને તરંગી કહે છે, પણ જેટલી પૌર્વાત્ય વિચારસરણી માનવવિકાસ અર્થે આવશ્યક છે, તેટલી જ પાશ્ચાત્ય વિચારસરણી પણ આવશ્યક છે, અને મને લાગે છે કે એની તો તેથી પણ વિશેષ જરૂર છે.

તેથી જ્યારે પણ આઘ્યાત્મિક સમન્વયની આવશ્યકતા ઊભી થાય છે ત્યારે તેની શરૂઆત પૂર્વમાંથી થાય, એ યોગ્ય જ છે. સાથે ને સાથે એ પણ યોગ્ય જ છે કે જ્યારે પણ પૂર્વને યંત્રો સંબંધી શીખવું હોય ત્યારે તેણે પશ્ચિમની પાસે બેસીને એ શીખવું જોઈએ; અને જો પશ્ચિમની પાસે બેસીને એ શીખવું જોઈએ; અને જો પશ્ચિમની પ્રજાઓને ઈશ્વર, આત્મા તથા વિશ્વનાં રહસ્યો જાણવાની ઇચ્છા થાય, તો તે માટે તેમણે પૂર્વની પ્રજાઓને ચરણે બેસવું જોઈએ.

તે જ રીતે જે પ્રજા ભૌતિક શક્તિમાં આગળ પડતી હોય છે, તે એમ ધારે છે કે મેળવવા જેવી વસ્તુ માત્ર એ એક જ છે, તથા ઉન્નતિ કે સંસ્કૃતિનો અર્થ તે સિવાય બીજો કંઈ નથી; એટલું જ નહિ પણ જો કોઈ પ્રજાઓ એવી હોય કે જેમનામાં એ શક્તિ ન હોય, અથવા તો જે એવી શક્તિની પરવા કરતી ન હોય તેઓ જીવવા માટે લાયક નથી, તેમનું સમગ્રઅસ્તિત્વ જ નિરર્થક છે ! બીજી બાજુએ જોતાં અન્ય પ્રજા એમ પણ માનતી હોય કે માત્ર ભૌતિક સંસ્કૃતિ સાવ નિરર્થક છે. વળી કોઈ વ્યક્તિની પાસે દુનિયાની સર્વ સંપત્તિ હોય, પરંતુ આઘ્યાત્મિકતા ન હોય તો એ બધું નકામું છે એવું સમગ્રદુનિયાને સંભળાવી દેનારો અવાજ તો પૂર્વના દેશોમાંથી જ ઊઠ્યો હતો. આ ભાવના છે પૂર્વની; બીજી છે પશ્ચિમની.

ભારતીય સંસ્કૃતિનો પ્રચાર : ભારતીય તત્ત્વવિચારણા વડે જગત પર વિજય મેળવવાથી જ એક પ્રબુદ્ધ અને સમર્થ રાષ્ટ્ર તરીકે જીવવાનું આપણે માટે શક્ય બનશે. ભારતની દાર્શનિક અને આઘ્યાત્મિક વિચારણાએ ફરી એક વાર બહાર નીકળી જગતમાં પોતાની વિજયપતાકા ફરકાવવી પડશે. જગતમાં વિજયી પ્રજાઓ ઘણી થઈ ગઈ છે. આપણે પણ એક મોટી વિજેતા પ્રજા હતા. આપણી વિજયગાથાને ભારતના ઉદારચરિત સમ્રાટ અશોકે ધર્મ  અને આઘ્યાત્મિકતાના વિજય તરીકે જ ઓળખાવી છે. ફરી એક વાર ભારતે જ જગતને જીતવાનું છે.

ભારત, જાગ્રત થા ! તારી આઘ્યાત્મિકતાથી જગત પર વિજય પ્રાપ્ત કર ! આ ભૂમિ ઉપર સૌથી પ્રથમ કહેવાયું હતું તેમ પ્રેમે જ વિદ્વેષ પર વિજય પ્રાપ્ત કરવો પડશે, વિદ્વેષ કદી વિજયી નીવડી શકે નહિ. જડવાદ અને એને પરિણામે નીપજતાં સર્વ દુ:ખો જડવાદથી કદી જીતી શકાવાનાં નથી. આઘ્યાત્મિકતાએ પશ્ચિમના લોકો ઉપર વિજય મેળવવો જ જોઈએ. ધીમે ધીમે એમને પણ સમજાતું જાય છે કે એક રાષ્ટ્ર તરીકે જીવંત રહેવાને એમને જે  તત્ત્વની જરૂર છે તે તત્ત્વ આઘ્યાત્મિકતા જ છે. એટલે એની તેઓ પ્રતીક્ષા કરી રહ્યા છે, એને માટે ઉત્સુક બન્યા છે. પણ એ કયાંથી પ્રાપ્ત થશે ? જગતના દેશેદેશ ફરી વળી ભારતના મહર્ષિઓની આર્ષવાણી ફેલાવનાર સ્વયંસેવકો કયાં છે ? એ આર્ષવાણીને જગતને ખૂણે ખૂણે ફેલાવવા પોતાનું સર્વ હોમી દેનારા નરવીરો કયાં છે ? સત્યના અર્થે આવા નરપુંગવોની જરૂર છે. વેદાન્તનાં  મહાન સત્યોનો પ્રચાર કરવા પરદેશ જવા તત્પર શૂરવીરોની આપણને જરૂર છે.

વિશ્વને એની અત્યંત આવશ્યકતા છે; એના વિના જગત ટકી શકવાનું નથી. પશ્ચિમનું આખું જગત જ્વાળામુખીના શિખર પર જઈને ઊભું છે, તે જો કાલે ફાટી ઊઠે તો બધું ક્ષણવારમાં છિન્ન ભિન્ન થઈ જશે. તેઓ જગતના ખૂણેખૂણા શોધી વળ્યા છે, પણ તેમને કયાંય શાન્તિ કે સ્વસ્થતા લાઘ્યાં નથી. વિલાસના શરાબનું તેમણે આકંઠ પાન કર્યું છે અને એની વ્યર્થતા તેમને સમજાઈ ગઈ છે. પશ્ચિમના ખૂણેખૂણામાં ભારતની તત્ત્વવિચારણા પ્રસરાવવાનો સમય હવે જ આવી પહોંચ્યો છે.

તેથી હવે આપણે બહાર નીકળવું પડશે. આઘ્યાત્મિક સમૃદ્ધિ આપીને ભૌતિક સમૃદ્ધિ લઈશું. આપણને હંમેશાં વિદ્યાર્થી રહેવું નહિ પાલવે, આપણે ગુરુ પણ થવું પડશે. સમાનતા વિના મૈત્રી સંભવી શકે નહિ. એક પક્ષ સદાકાળ શિષ્ય બની ચરણ જ સેવતો હોય અને બીજો પક્ષ ગુરુને ઉચ્ચાસને બેસી રહેતો હોય ત્યાં આવી સમાનતા શી રીતે સંભવી શકે ? તમારે શીખવું પડશે ને શીખવવું પણ પડશે. હજુ તો કેટલીયે શતાબ્દીઓ સુધી શીખવો અને તો પણ ન ખૂટે એટલું બધું તમારે જગતને શીખવવાનું છે. જગતને આઘ્યાત્મિકતાથી જીતવું એનો કયો અર્થ મને અભિપ્રેત છે, તે તમે ભૂલશો નહિ. જગતમાં સંજીવક તત્ત્વસિદ્ધાન્તોનો જ આપણે પ્રચાર કરવાનો છે, આપણી છાતી સરસી ચાંપી રાખેલી કુરૂઢિઓનો નહિ. એને તો આપણી ભૂમિ પરથી પણ ઉખેડી નાખી સદાને માટે દૂર કરવાની છે.

વેદાન્તના  અર્થગૂઢ રહસ્યો પાશ્ચાત્ય જગતને શીખવી એમની પાસેથી સાચી સહાનુભૂતિ પામી શકીશું ને આઘ્તાત્મિકતાના વિષયમાં આપણું ગુરુપદ જાળવી રાખી શકીશું. જે દિવસે આઘ્યાત્મિક સિદ્ધિને હેઠે મૂકી દઈ પશ્ચિમના લોકોને ચરણે આપણે ધર્મનો પાઠ શીખવા બેસીશું, તે દિવસે આપણી રાષ્ટ્રીય અસ્મિતા સદા માટે નાશ પામી જાણજો.

‘અમને આ આપો, અમને પેલું આપો,’ તેમની પાસે રાત-દિવસ એવી આજીજી કર્યા કરવાથી કશું વળવાનું નથી. પરસ્પરના વિનિમયથી જ્યારે બંને પ્રજાની વચ્ચે સહાનુભૂતિની શૃંખલા ગાઢ બનશે ત્યારે આવી આજીજીની જરૂર રહેશે નહિ. તેઓ આપમેળે જ બધું કરશે. મને તો શ્રદ્ધા છે કે ધર્મના વિકાસથી અને વેદાન્તના  બહોળા પ્રચારથી પૂર્વ તથા પશ્ચિમના લોકોને બંનેને ઘણો લાભ થશે. આની સરખામણીમાં રાજનીતિની સાધના મને તો ગૌણ સાધનારૂપ જ લાગે છે. મારી આ શ્રદ્ધાને ચરિતાર્થ કરવા હું મારું જીવન સમર્પી દઈશ.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda