Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

નારીઓની ઉન્નતિ

સીતા ભારતનાં સાચાં નારીત્વની પ્રતિનિધિ છે, કારણ કે ભારતના પૂર્ણ નારીત્વના આદર્શો સીતાના જીવનમાંથી જ ઘડાયા છે. આર્યાવર્તની ભૂમિને આવરી લઈને એ પૂજ્યા જનકતનયા હજારો વર્ષોથી નરનારી, આબાલવૃદ્ધ, સૌ કોઈના પૂજનની અધિકારિણી બનીને હજુએ ઊભેલી દેખાય છે. એ ભવ્યોજ્જવલા, પવિત્રતાથીયે પવિત્ર, ધૈર્ય અને તિતિક્ષાનો જ જાણે અવતાર એવી સીતા સદાકાળ એ જ રીતે ભારતવર્ષમાં પ્રતિષ્ઠિત થઈને રહેશે. જીવનભરનાં દુ:ખોને મોઢામાંથી એક અક્ષર સરખો પણ ઉચ્ચાર્યા વિના સહી લેનારી, અભ્રષ્ટશીલા અને સદા પવિત્ર એવી પત્ની, લોકોના અને દેવોના પણ આદર્શરૂપ એવી મહાન સીતા, - એ આપણા રાષ્ટ્રમાં તો સદા રાષ્ટ્રદેવીને સ્થાને પ્રતિષ્ઠિત થઈને જ રહેશે. આપણાં બધાં પુરાણોનો ભલે નાશ થાય, અરે, આપણા વેદો પણ ભલે  ન રહે ને સંસ્કૃત ભાષાનો પણ ભલેને સદાને માટે નાશ થઈ જાય, પણ જ્યાં સુધી માત્ર પાંચ હિંદુઓ પણ અહીં જીવતા હશે - પછી ભલેને તેઓ તદ્દન ગ્રામ્ય ભાષામાં વાતો કરતા હોય - ત્યાં સુધી સીતાની કથા અમર રહેશે; આ મારા શબ્દો ભૂલશો નહિ. સીતા તો આપણા જીવનના મર્મમાં એકરૂપ થઈને સમાઈ ગઈ છે. દરેક ભારતીય નર નારીના લોહીના બિંદુમાં એ ભળી ગઈ છે; આપણે સૌ સીતાનાં જ સંતાનો છીએ.

ભારતના અને પશ્ચિમના આદર્શ વચ્ચે કેટલું અંતર છે ! પશ્ચિમ કહે છે, ‘કાર્ય કરો. કાર્ય કરીને તમારી શક્તિનો પરચો બતાવો.’ ભારત કહે છે, ‘સહીને તમારી શક્તિનો પરિચય કરાવો.’ મનુષ્ય પાસે વધારેમાં વધારે કેટલું હોવું જોઈએ એ કોયડાનો ઉકેલ પશ્ચિમે લાવી દીધો છે. ભારતે માણસ પાસે ઓછામાં ઓછું કેટલું હોઈ શકે એનો નિર્ણય કરી નાખ્યો છે.

સીતાના નારીજીવનના આદર્શમાંથી ચ્યુત કરીને આપણી સ્ત્રીઓને આધુનિક બનાવવાનો થતો કોઈ પણ પ્રયત્ન તરત જ નિષ્ફળ નીવડે છે એ તો આપણે દરરોજ જોઈએ છીએ. ભારતની નારીએ સીતાને પગલે ચાલીને જ વિકસવાનું છે, એમને માટે તો આ એક જ માર્ગ છે.

એમની ઉન્નતિ - અનિવાર્ય આવશ્યકતા : પોતાની નારીઓનું ઉચિત સન્માન કરીને બધાં રાષ્ટ્રોએ મહત્તા પ્રાપ્ત કરી છે. જે દેશે કે રાષ્ટ્રે પોતાની નારીઓની અવગણના કરી છે તે દેશ કે રાષ્ટ્ર કદી મહાન થઈ શક્યા નથી ને ભવિષ્યમાં થઈ શકવાના પણ નથી. આપણી પ્રજાની આટલી બધી અધોગતિ થઈ છે, એનું મુખ્ય કારણ એ છે કે શક્તિની જીવંત મૂર્તિરૂપ નારીઓ માટે આપણા ચિત્તમાં માન નહોતું. મનુ કહે છે : યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા: જ્યાં નારીઓ પૂજાય છે, ત્યાં દેવો આનંદે છે. જ્યાં તેઓ પૂજાતી નથી ત્યાં બધાં કાર્યો ને પ્રયત્ન નિષ્ફળ જાય છે. (મનુસંહિતા, ૩-૫૬) જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓ નગણ્ય બનીને શોકમાં રહે છે તે કુટુંબ કે દેશના ઉદ્ધારની આશા રાખવી જ નહિ.

સાચો શક્તિપૂજક કોણ છે તે તમે જાણો છો ? ઈશ્વરને વિશ્વની સર્વવ્યાપી શક્તિ તરીકે ઓળખનાર અને સ્ત્રીમાં એ શક્તિના આવિષ્કારને જોનાર જ સાચો શક્તિપૂજક છે. તમે તમારી સ્ત્રીઓની સ્થિતિને કંઈક  અંશે સુધારી શકો એમ છો ?  જો એટલું તમારાથી થઈ શકશે તો જ તમારી સ્થિતિ સુધારવાની પણ કશી આશા રહેશે, નહિ તો તમે આજે છો તેટલા જ પછાત રહેવાના છો. સ્ત્રીઓની ઉન્નતિ, સાધારણ જનસમૂહની જાગૃતિ - આ બધું પહેલાં થવું જોઈએ. પછી જ ભારતમાં જેને ખરેખર સાચું કહી શકાય એવું કંઈક થઈ શકશે. ને સ્ત્રીઓની ઉન્નતિ  થશે તો તેમનાં સંતાનો પણ પોતાનાં  ઉદાત્ત કાર્યોથી દેશના નામને દીપાવશે. અને ત્યારે જ સંસ્કાર, જ્ઞાન, સામર્થ્ય અને ભક્તિનો દેશમાં ઉદય થશે.

એમની સમસ્યાનો ઉકેલ શું ? : ‘હું આ સ્ત્રીનો કે બાળકનો ઉદ્ધાર કરીશ,’ એમ કહેવાની તમે ધૃષ્ટતા કરતા હો, તો તે હળાહળ જુઠ્ઠાણું છે. સ્ત્રીઓના પ્રશ્નોને ઉકેલનારા તમે કોણ ? તમે તે કંઈ સ્વયં ભગવાન થોડા જ છો, જે દરેક સ્ત્રીઓ પર ને દરેક વિધવાઓ પર તમારે શાસન ચલાવવું જોઈએ ? તમે અળગા રહો! તેમની સમસ્યાઓનો ઉકેલ તેઓ જ લાવશે.

સમાજનાં સ્ત્રી-પુરુષોને સાચું શિક્ષણ આપવું , ત્યાં જ આપણું કર્તવ્ય પૂરું થાય છે. આ શિક્ષણને પરિણામે જ તે સૌ પોતાને માટે સારું શું ને નરસું શું તેને ઓળખવાની વિવેકબુદ્ધિ પ્રાપ્ત કરી લેશે ને તરત જ આપમેળે નરસાંને છોડી સારાંને ગ્રહણ કરશે. પછી સમાજમાં અમુક વસ્તુને ફરજીયાત સ્થાપવાની કે અમુક વસ્તુને બળપૂર્વક દૂર કરવાની આવશ્યકતા રહેશે નહિ. એમાં માથું મારવાનો આપણો અધિકાર જ્ઞાનવિતરણ કરવા સુધી જ પહોંચી શકે, એથી આગળ નહિ. સ્ત્રીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ પોતાની રીતે આપમેળે જ લાવી શકે એવી સ્થિતિમાં તેમને મૂકવી જોઈએ. એ કામ બીજો કોઈ કરી શકે નહિ, બીજા કોઈએ કરવું પણ ન જોઈએ. ને આપણી ભારતની સ્ત્રીઓમાં એ પ્રશ્નોનો ઉકેલ લાવવાની શક્તિ બીજા દેશની સ્ત્રીઓ કરતાં  લેશમાત્ર ઓછી નથી.

સમસ્યાના ઉકેલ માટેનું ઉપયોગી શિક્ષણ : આપણી હિન્દુ સ્ત્રીઓ શીલ એટલે શું તે તો સહજ રીતે જ સમજી શકે છે, કારણ કે એ સમજ તો એમને ગળથૂથીમાં જ મળી હોય છે, હવે સૌથી પહેલાં તો એ શીલના આદર્શને તેમનામાં દઢમૂળ કરો જેથી એમનું ચારિત્ર્ય સંગીન બને અને એ ચારિત્ર્યના બળથી એમના જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં, પરિણીત કે જો અપરિણીત રહેવું પસંદ કરે તો અપરિણીત અવસ્થામાં, તેઓ શીલ ગુમાવવા કરતાં પોતાના પ્રાણ આપી દેતાં જરા પણ ખચકાય નહીં. પોતે સ્વીકારેલા આદર્શને ખાતર- પછી ભલેને એ આદર્શ ગમે તે હોય- જીવન સમર્પી દેવાની શક્તિ હોવી એમાં શું ઓછી વીરતા છે ?

ઇતિહાસ અને પુરાણ, ધર્મ, કળા, વિજ્ઞાન, ગૃહવ્યવસ્થા, રસોઈ, સીવણ, આરોગ્યવિજ્ઞાન - આ બધા વિષયોનાં આવશ્યક અંગોનું સરળ જ્ઞાન આપણી સ્ત્રીઓને આપવું જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક વાર્તાઓ વાંચે એ બહુ ઇચ્છનીય નથી. પણ નર્યું ઉપાસનાની વિધિઓનું જ શિક્ષણ આપવાથી પણ કશું નહીં વળે; તેમને તો એવું શિક્ષણ મળવું જોઈએ કે જેથી બધા જ વિષયો તરફ એમની દૃષ્ટિ ખૂલી જાય. નિ:સ્વાર્થતાના ઉદાત્ત આદર્શો એમનાં જીવનમાં ઓતપ્રોત થઈ જાય એ માટે આદર્શરૂપ વિભૂતિઓનાં જીવન એમની સમક્ષ સદા રાખવાં જોઈએ. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી અને મીરાંનાં ઉદાત્ત જીવનનાં ઉત્કૃષ્ટ દૃષ્ટાન્તો તેમને સદા મનોગમ્ય થાય એવી રીતે તેમની પાસે રજૂ થવાં જોઈએ, જેથી તેઓ પોતાના જીવનને પણ એટલું જ ઉત્કૃષ્ટ બનાવવા પ્રેરાય. સ્ત્રીઓએ બીજી બધી વસ્તુઓ સાથે શૂરાતન અને હિંમત કેળવવાની પણ જરૂર છે. હાલની પરિસ્થતિમાં આત્મસંરક્ષણનું કામ શીખી લેવું બહુ જરૂરી થઈ પડ્યું છે. ઝાંસીની રાણી કેવી મહાન હતી ! આવું શિક્ષણ પામીને જ સ્ત્રીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે.

તેઓ ઘરની આદર્શ માતા બનીને વિકાસ સાધે એવી કાળજી આપણે રાખવી જોઈએ. એવી માતાનાં સંતાનો જ પોતાની માતાના નામને અજવાળે એવા સદ્‍ગુણો વિકસાવી શકે. સુશિક્ષિત અને પવિત્ર માતાઓને ખોળે જ જગતની મહાન વિભૂતિઓ જન્મે છે.

આધુનિક યુગની આવશ્યકતાઓને જોતાં એમ લાગે છે કે થોડીક સ્ત્રીઓને ત્યાગના આદર્શને અનુરૂપ જીવન ગાળી શકે એવી રીતે કેળવવી અનિવાર્ય છે. એવી સ્ત્રીઓ પ્રાચીનતમ કાળથી એમના લોહીમાં વહી રહેલી શીલની આગ્નેય શક્તિથી પ્રોજ્જવલિત થઈ આજીવન કૌમાર્યવ્રત ધારણ કરી શકે. સાથે સાથે સ્ત્રીઓને વિજ્ઞાનનું તેમ જ કેવળ પોતાને જ નહીં, પણ બીજાનેય ઉપયોગી થઈ પડે એવી બીજી વિદ્યાઓનું શિક્ષણ આપવું જોઈએ. એ વિદ્યાનાં આવાં સ્વરૂપને જાણ્યા પછી એને પ્રાપ્ત કરવામાં એમને ઘણો આનંદ આવશે. આપણી માતૃભૂમિના ઉત્કર્ષ માટે એની કેટલીક પુત્રીઓ પવિત્ર બ્રહ્મચારિણી બને એની જરૂર છે.

તેમના દૃષ્ટાંતથી અને રાષ્ટ્રીય આદર્શ પ્રજાની દૃષ્ટિ સમક્ષ રજૂ કરવાના તેમના પ્રયત્નોથી, વિચારોમાં અને અભિલાષાઓમાં એક મોટી ક્રાન્તિ થઇ જશે... જે લોકો બ્રહ્મચર્યનું પાલન કરશે તેમનું તો પૂછવું જ શું ! એમનામાં કેટલી શ્રદ્ધા, અને કેટલો આત્મવિશ્વાસ હશે ! તેઓ શુભની સિદ્ધિ માટે કેટલાં સબળ સાધનરૂપ બની રહેશે !

આ રીતે જ ભારતને જેની ખાસ જરૂર છે તેવી નિર્ભય નારીઓ સંધમિત્રા, લીલા , અહલ્યાબાઇ, મીરાંબાઇની પરંપરાને અખંડ રાખી શકે એવી નારીઓ  પવિત્ર, નિ:સ્વાર્થ અને ભગવત્ ચરણના સ્પર્શથી શક્તિ પામી નરપુંગવોને જન્મ આપનારી માતાઓ, આપણે ભારતને ચરણે ધરી શકીશું.

સ્વામીજીની યોજના : સ્ત્રીઓ અંબાનાં જ જીવંત પ્રતિરૂપો છે. એમનાં ઇન્દ્રિયગ્રાહ્ય બાહ્ય આવિષ્કારે માણસને ગાંડા બનાવી મૂક્યા છે. પણ એમનાં જ્ઞાન, ભક્તિ, વિવેક અને અનાસક્તિરૂપે થતા આંતરિક આવિષ્કાર દ્વારા માણસ સર્વજ્ઞાતા, કૃતનિશ્ચયી અને બ્રહ્મવિદ્ બને છે. ‘તે જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે મંગલદાયી અને મોક્ષદાયી બને છે.’(ચંડી) માતાને પૂજન અને સમર્પણથી પ્રસન્ન કર્યા વિના તો બ્રહ્મા અને વિષ્ણુમાં પણ એના બંધનમાંથી છટકીને મુક્ત થવાની શક્તિ નથી. તેથી આ ગૃહદેવીઓની પૂજા માટે, એમનામાં રહેલા બ્રહ્મનો આવિષ્કાર થાય એ માટે હું સ્ત્રીઓનો મઠ સ્થાપીશ.

આ મઠ સાથે સંકળાયેલું  એક મહાવિદ્યાલય પણ હશે. એમાં ધર્મશાસ્ત્ર, સાહિત્ય, સંસ્કૃત, વ્યાકરણ અને થોડેઘણે અંશે અંગ્રેજીનું પણ શિક્ષણ આપવામાં આવશે. સીવણકામ, રાંધણકળા, ગૃહવ્યવસ્થાના નિયમો અને બાળઉછેર જેવા બીજા વિષયો પણ  દાખલ કરવામાં આવશે. જપ, પૂજાપાઠ, ઘ્યાન વગેરે શિક્ષણના અનિવાર્ય અંગરૂપ બની રહેશે. શાળાઓમાં શિક્ષણ આપવાનું કર્તવ્ય સંપૂર્ણતયા શિક્ષિત વિધવાઓને અને બ્રહ્મચારિણીઓને જ સોંપવું જોઈએ. આ દેશમાં સ્ત્રીઓની વિદ્યાપીઠોને પુરુષો સાથે કશો સંપર્ક ન રહે એ જ ઇષ્ટ છે. બ્રહ્મચર્યની કેળવણી આપવાનું કામ પુખ્ત વયની બ્રહ્મચારિણીઓના હાથમાં રહેશે.

આવા મઠમાં પાંચ કે છ વર્ષ શિક્ષણ પામ્યા પછી કન્યાઓના વાલીઓ તેમને પરણાવી શકશે. જો એમાંની કોઈકે યોગ માટે કે ધર્મમય જીવન માટે અધિકાર પ્રાપ્ત કર્યો હોય એવું લાગે, તો તેમના વાલીની સંમતિથી તેમની પાસે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવી તેમને મઠમાં રહેવાની અનુમતિ આપવામાં આવશે. આ બ્રહ્મચારિણી સાઘ્વીઓ સમય જતાં મઠની શિક્ષિકાઓ અને ઉપદેશિકાઓનું સ્થાન પ્રાપ્ત કરશે. શહેરોમાં અને ગામડાઓમાં તેઓ આ સંસ્થાનાં કેન્દ્રો ખોલીને સ્ત્રીશિક્ષણ પ્રસરાવવા પ્રયત્નો કરશે. આવી સન્નિષ્ઠ શીલની ઉપદેશિકાઓ દ્વારા દેશમાં સાચું સ્ત્રીશિક્ષણ પ્રસરશે. જ્યાં સુધી વિદ્યાર્થિનીઓ મઠ સાથે સંકળાએલી રહે ત્યાં સુધી તેમણે મઠની મૂળભૂત ભાવનારૂપે બ્રહ્મચર્ય પાળવું પડશે.આઘ્યાત્મિકતા, ત્યાગ અને આત્મસંયમ મઠની વિદ્યાર્થિનીઓના ઘ્યેયમંત્ર બની રહેશે અને સેવાધર્મ એ એમનું જીવનવ્રત બની રહેશે. આવા આદર્શમય જીવનને ચરણે કોણ માથું નહિ નમાવે ? એમાં કોણ શ્રદ્ધા નહિ રાખે ? જો આપણા દેશની સ્ત્રીઓનાં જીવનને આ રીતે ઘડવામાં આવશે, તો જ સીતા, સાવિત્રી અને ગાર્ગી જેવી આદર્શ નારીઓ ફરી આપણે ત્યાં પ્રકટશે. 

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda