Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

ભારતની જરૂરિયાતો અને સ્વામીજીની યોજના

આપણી વિદ્યાની અનેકવિધ શાખાઓનો અને એની  સાથે અંગ્રેજી ભાષા તથા પાશ્ચાત્ય વિજ્ઞાનનો અભ્યાસ કરવો એની આજે આપણને ખાસ જરૂર છે. હુન્નરઉદ્યોગને ખીલવવામાં સહાયભૂત નીવડે એવા શિક્ષણની પણ આપણને ખાસ જરૂર છે. એવું શિક્ષણ મળ્યા પછી નોકરી માટે ફાંફાં મારવાને બદલે માણસ સહેજે પોતાનો રોટલો  મેળવવા પૂરતું રળી શકશે, એટલું જ નહિ, આપત્તિના સમયની શક્યતાને સ્વીકારી એને માટે થોડી બચત પણ કરી શકશે. નાનાં  બાળકોને યોગ્ય એવું એકેય પુસ્તક હજી સુધી આપણી પાસે નથી. રામાયણ, મહાભારત તથા ઉપનિષદોમાંની આખ્યાયિકાઓ ચૂંટીને, તેમને અત્યંત સાદી અને સરળ ભાષામાં મૂકી, એક પુસ્તકનું સંપાદન કરી આપણાં બાળકોના હાથમાં મૂકવું જોઈએ.

મારા જીવનની એકમાત્ર મહત્ત્વાકાંક્ષા સર્વસામાન્યને માટે ઉદાત્ત વિચારસરણી સહજલભ્ય કરી, સ્ત્રી અને પુરુષોને એને આધારે પોતાનું ભાવિ ઘડતાં કરી દેવાય એવી યોજનાને ગતિશીલ બનાવવાની છે. આપણા પૂર્વજોએ તથા બીજી પ્રજાઓએ જીવનના અતિ મહત્ત્વના પ્રશ્નો પર શો વિચાર કર્યો છે તેનાથી એમને પરિચિત થવા દો, ને ખાસ તો બીજાઓ અત્યારે શું કરી રહ્યા છે તે એમને જોવા દો, અને પછી આપમેળે એમને પોતાનો નિર્ણય કરી લેવા દો. આપણે તો બધાં રાસાયણિક દ્રવ્યોને માત્ર ભેગાં કરવાનાં છે; એમાંથી પાસાદાર આકાર બાંધવાની ક્રિયા તો કુદરત પોતાના નિયમાનુસાર કરી લેશે. આઘ્યાત્મિક અને વ્યાવહારિક, સર્વ પ્રકારનાં શિક્ષણનું સૂત્ર આપણા હાથમાં જ રહેવું જોઈએ. એનાં જ સ્વપ્નો, એનો જ વિચાર, એની જ ધૂન તમારા મન પર સવાર થવી જોઈએ, એને તમારે કાર્યરૂપે મૂર્ત કરવું જોઈએ. ત્યાં સુધી પ્રજાની મુક્તિ નથી. શક્ય તેટલો એનો વિકાસ રાષ્ટ્રના વિકાસની દૃષ્ટિને અનુકૂળ એવી રીતે અને આપણી રાષ્ટ્રીય પદ્ધતિએ જ વિચાર કરવો જોઈએ. અલબત્ત, આ બહુ મોટી યોજના છે, બહુ મોટો કાર્યક્રમ છે. એ કાર્ય રૂપે પૂરેપૂરો મૂર્ત થશે કે કેમ તેની મને ખબર નથી. પણ આપણે કાર્યનો આરંભ તો કરી જ દેવો જોઈએ.

આપણું  એક મંદિર પણ હોવું જોઈએ; કારણ કે, હિન્દુને મન ધર્મ એ સૌથી અગત્યની વસ્તુ છે. એ મંદિર કોઈ પણ વિશિષ્ટ સંપ્રદાયનું નહિ હોય એમાં પ્રતીક તરીકે માત્ર  ૐકાર, હરકોઈ સંપ્રદાયનું સર્વશ્રેષ્ઠ પ્રતીક, જ રહે. આપણા ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં રહેલા સમાન અંશોનું અહીં શિક્ષણ અપાય અને સાથે સાથે દરેક સંપ્રદાયને પોતાના વિશિષ્ટ અંશોનું શિક્ષણ આપવાની પૂરી છૂટ અપાય, પણ એમાં શરત એ જ કે એમ કરતાં એમણે એક-બીજા સાથે આથડી પડવું જોઈએ નહિ. બીજું, આ મંદિર સાથે સંકળાયેલી એક શિક્ષણસંસ્થા સ્થાપવી. જનસમૂહમાં ધાર્મિક અને વ્યાવહારિક જ્ઞાનનું વિતરણ કરનારા શિક્ષકોને એમાં કેળવણી આપીને તૈયાર કરવા. ધર્મને તો આપણે આજ સુધી ઘેર ઘેર જઈને (આપણા ભિક્ષુઓ, સંન્યાસીઓ અને શ્રમણો દ્વારા) ઉપદેશ્યો છે, હવે સંસારવ્યવહારના જ્ઞાનનું પણ એવી જ રીતે વિતરણ કરવાની જરૂર છે. એ તો બહુ સરળતાથી થઈ શકશે. પછીથી એ કાર્ય શિક્ષકો અને ઉપદેશકોના શ્રમથી વિસ્તરતું જશે અને ધીમે ધીમે આવાં મંદિરોની સંખ્યા દેશભરમાં વધતી જશે. આખરે આખો દેશ એવાં મંદિરોથી છવાઈ જશે. આવી મારી યોજના છે. એ અત્યારે બહુ જ મોટી લાગશે, પણ એની ઘણી જરૂર છે.

આમજનતાની ઉન્નતિ : ભારતના એ ઉપેક્ષિત નીચલા થરના લોકો - ખેડૂતો, વણકરો અને પરદેશીઓથી જિતાઈને પોતાની જાતના લોકોને હાથે જ હડધૂત થનારા લોકો જ કાંઈ કેટલાયે યુગોથી કશું બોલ્યાચાલ્યા વિના શાંતિથી કામ કરતા રહ્યા છે.  એમને એમના શ્રમનો બદલો પણ મળ્યો નથી ! ખેડૂત, મોચી, ભંગી અને નીચલા વર્ગના બીજા લોકોમાં કાર્ય કરવાની શક્તિ તથા આત્મવિશ્વાસ તમારા કરતાં વધુ છે. કેટલાય યુગોથી તેઓ શાંતિથી કામ કરતા આવ્યા છે, કશી પણ ફરિયાદ કર્યા વિના રાષ્ટ્રની સમૃદ્ધિ ઉત્પન્ન કરતા આવ્યા છે.

એ લોકોએ તમારી જેમ બેચાર ચોપડીઓ નહિ ઉથલાવી હોય, તો તેથી છેડાઈ પડશો નહિ. એ બધાનું શું મહત્ત્વ છે? દરેક દેશમાં એ લોકો જ રાષ્ટ્રના મેરુદંડ હોય છે. જો આ નીચલો વર્ગ કામ કરવાનું બંધ કરી દે તો તમે તમારો ખોરાક અને કપડાં ક્યાંથી મેળવશો ? જો શહેરના ભંગીઓ એક દિવસ પૂરતું જ કામ બંધ કરી દે તો આખા શહેરમાં હોહા થઈ જાય, ને જો તેઓ ત્રણેક દિવસ હડતાલ પર ઊતરે તો તો આખું શહેર કદાચ ચેપી રોગ ફાટી નીકળવાથી ખાલી થઈ જાય. જો મજૂરો કામ બંધ કરે તો તમને ખોરાક ને વસ્ત્ર મળતાં પણ બંધ થઈ જાય. ને તેમ છતાં તમે એમને નીચા વર્ણના લોકો કહીને તમારી સંસ્કારિતાનાં બણગાં ફૂંક્યા કરો છો ! હે ભારતવર્ષના શ્રમજીવીઓ ! તમારા મૂક પરિશ્રમના પ્રભાવથી બેબિલોન, ઈરાન, એલેક્ઝાંડ્રિયા, યુનાન, રોમ, વેનિસ, જીનેવા, બગદાદ, સમરકન્દ, સ્પેન, પોર્ટુગાલ, ફ્રાન્સ, ડેન્માર્ક, હોલેન્ડ અને ઇંગ્લેન્ડે ધીમે ધીમે સર્વોપરિતા અને સત્તા પ્રાપ્ત કર્યાં છે ! અને તમે ? તમારી કોને પડી છે ? જેના હૃદયનાં રકતનાં બલિદાનથી જગતમાં થતી  બધી પ્રગતિ શક્ય બની છે તેને વખાણવાની પણ કોને પડી છે ?

એમની આજની સ્થિતિ અને એનું કારણ : સમાજનું નેતૃત્વ જ્ઞાનનો ઇજારો રાખી બેઠેલાના હાથમાં હોય, ધનની સત્તા ભોગવનારાના હાથમાં હોય કે શસ્ત્રનું બળ ધરાવનારાના હાથમાં હોય, પણ એમનામાં આવતી શક્તિનું મૂળ તો પરાધીન આમજનતા જ છે. જેટલે અંશે શાસક આ મૂળથી વેગળો રહેશે તેટલે અંશે એ જરૂર વધારે નિર્બળ બનશે. પણ વક્ર વિધિની ગતિ જ એવી છે, માયાની લીલા એવી તો વિચિત્ર છે કે જેમની પાસેથી સીધી કે આડકતરી રીતે, પ્રવંચના, ચાલાકી, જોહુકમી કે ઐચ્છિક ભેટ આપીને, સારાં કે ખોટાં સાધનો વાપરીને આ શક્તિ ખેંચવામાં આવે છે - તેને સમાજનો અગ્રણી વર્ગ તરત જ નગણ્ય લેખતો થઈ જાય છે.

આપણા અભિજાત્યની ખુમારીવાળા પૂર્વજો આપણા દેશના સામાન્ય જનસમૂહને પગ નીચે કચડતા જ રહ્યા. આખરે એ બિચારા ગરીબો લાચાર બની ગયા અને એમણે ગુજારેલા જુલમને કારણે પોતે મનુષ્ય છે એ વાતને પણ ભૂલી બેઠા. એમને લાકડાં કાપનારા કઠિયારા તથા પાણી ભરનાર ભિસ્તી તરીકે જ જીવન ગુજારવાની ફરજ પાડવામાં આવી. ભારતમાં દીન, હીન અને કચડાયેલો વર્ગને નથી હોતા મિત્રો કે નથી મળતી કશી મદદ  - ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તેઓ કદી ઊંચે આવી શકતા નથી. દિનપ્રતિદિન તેઓ નીચે ને નીચે દટાતા જાય છે. ક્રૂર સમાજના પ્રહારો તેમના પર વરસી રહ્યા હોય એવું તેમને લાગે છે. પણ એ પ્રહારો ક્યાંથી વરસે છે તેની તેમને ખબર હોતી નથી. પોતે મનુષ્ય છે એ વાત જ તેઓ ભૂલી ગયા હોય છે. આને કારણે તેમને ગુલામી સેવવી પડે છે.

આમજનતા પ્રત્યે આપણી જવાબદારી : દેશની આમજનતામાં શિક્ષણ અને બુદ્ધિશક્તિનો જેટલે અંશે વિકાસ વધારે થયો હોય તેટલે અંશે જ કોઈ પણ રાષ્ટ્ર પ્રગતિમાં આગળ વધી શકે; આ હકીકત તો હું મારી આંખે જોઈ રહ્યો છું. મૂઠીભર માનવોએ જ રાષ્ટ્રનાં સમસ્ત જ્ઞાન અને બુદ્ધિશક્તિનો ઈજારો રાજસત્તાની ઓથ લઈને તુમાખીથી પોતાના હાથમાં લઈ લીધો એ જ આપણા દેશના વિનાશનું એક મુખ્ય કારણ છે. જો આપણે ફરી ઊભા થવું હોય  તો સામાન્ય જનસમૂહમાં જ્ઞાનનો પ્રચાર કરવો પડશે. શિક્ષણનો પ્રચાર એ જ હવે તો આ રોગનો ઇલાજ છે. ભારત અને ભારતની બહાર માનવજાતિએ વિકસાવેલી ઉદાત્ત ભાવનાઓને નિમ્નાતિનિમ્ન ને ક્ષુદ્રાતિક્ષુદ્રોને માટે સહજ લભ્ય બનાવીને એના પર તેમને વિચાર કરતા કરી મૂકવા એવી મારી તો યોજના છે.

કોણ એમને આંગણે પ્રકાશ રેલાવશે ? કોણ ઘરઘર ભટકીને શિક્ષણને હરકોઈ  માટે સુલભ બનાવશે ? જનતાને જ તમે તમારા ભગવાન તરીકે સ્થાપો. એમનો વિચાર કરો, એમના માટે કાર્ય કરો, સતત એમના માટે પ્રાર્થના કરો, ભગવાન તમને માર્ગ બતાવશે. ગરીબો માટે જેમનું હૃદય દ્રવી જાય છે તેને જ હું તો મહાત્મા કહું... ચાલો, આપણે આપણા ચિત્તને સતત એમના કલ્યાણ અર્થે પ્રાર્થનામાં જોડીએ...જ્યાં સુધી લાખો મનુષ્યો, અજ્ઞાન ને દરિદ્રતામાં સબડતા હોય ત્યાં સુધી એમને જ ભોગે શિક્ષણ પામીને એમની જ બિલકુલ અવગણના કરનાર દરેકને હું તો શાપરૂપ જ લેખીશ ! ગરીબોને કચડી ધનનો ઢગલો કરી ભભકાબંધ વસ્ત્રાલંકારનો ઠઠારો કરી ફૂલણજી થઈને ફરનારા જ્યાં સુધી ભૂખ્યાં જંગલીની અવદશાને પામેલા વીસ કરોડ ગરીબો માટે કશું જ નહિ કરે ત્યાં સુધી હું તો તેમને નરાધમ જ કહીશ !

આપણે એમને વ્યવહારોપયોગી શિક્ષણ આપવાની જરૂર છે. આપણા પૂર્વજોએ ઘડેલી યોજના આપણે અનુસરવાની છે - બધા આદર્શોનું આમજનતામાં અવતરણ કરાવવાનું છે. ધીમે ધીમે જનસમૂહને ઊંચે લઈ જાઓ અને આખરે સમાનકક્ષ બનાવી મૂકો. વ્યવહારોપયોગી જ્ઞાન પણ ધર્મ દ્વારા આપો. દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં, એક ગામડામાંથી બીજા ગામડામાં જઈને લોકોને સમજાવો કે હાથ જોડીને બેસી રહેવાનું પાલવશે નહિ. આ તમારું આજનું કર્તવ્ય છે. તેમને તેમની સાચી દશાનું ભાન કરાવો અને કહો કે, ‘ભાઈઓ, જાગો ! ઊઠો ! તમે ક્યાં સુધી નિદ્રાના ઘેનમાં પડ્યા રહેશો ?’ તેમની પાસે જઈને તેમને પોતાની સ્થિતિ સુધારવાની સલાહ આપો અને આપણાં શાસ્ત્રોમાંનાં ભવ્ય સત્યોને સાદી સરળ લોકગમ્ય ભાષામાં મૂકી તેમને ઉપલબ્ધ થાય એવું કરો.

યાદ રાખજો કે આપણો દેશ તો ઝૂંપડાંઓમાં વસે છે. પણ અફસોસ એ છે કે કદી પણ કોઈએ એમને માટે કશું કર્યું નહિ ! તમે એમનો ઉદ્ધાર કરી શકશો ? તેઓ તેમની અંતર્ગત દૈવી સંપત્તિ ગુમાવ્યા વિના તેમણે ખોઈ નાખેલી વ્યક્તિમત્તાને ફરી પામી શકે એવું તમે કરી શકશો ? સમાનતા, સ્વતંત્રતા ને કાર્યક્ષમતાની વાતમાં કોઈ પણ નવમતવાદીને ટપી જાય એવા ને છતાં ધાર્મિક  સંસ્કાર અને વૃત્તિઓની બાબતમાં ચુસ્ત હિન્દુ જેવા બની શકશો ? આપણે એ કરવાનું છે, ને એ આપણે કરીને જ  જંપીશું.

વર્ણવ્યવસ્થા અને વિશેષાધિકારોની અસમાનતા : જુદા જુદા સમૂહમાં પોતાને વિભકત કરવો એ સમાજનો સ્વભાવ છે. જો કશું નષ્ટ થવાનું હશે તો તે આ વિશિષ્ટ અધિકારો જ છે ! વર્ણવ્યવસ્થા એ તો સ્વાભાવિક વ્યવસ્થા છે. હું એક પ્રકારનું સામાજિક કર્તવ્ય કરી શકું, તમે બીજા પ્રકારનું. તમે આખા દેશનું તંત્ર ચલાવી શકવાને શક્તિમાન હો અને મારામાં જૂનાં જોડાં સાંધવાની જ શક્તિ હોય, પણ એથી તમે મોટા છો એમ કહેવાને કશું કારણ નથી. તમે મારાં જોડાં સાંધી શકશો ખરા ? મારાથી દેશનું તંત્ર ચલાવી શકાય ખરું ? હું જોડાં સાંધવામાં કુશળ છું, તમે વેદાભ્યાસમાં પ્રવીણ છો, પણ એથી તમારે મારા માથા પર પગ મૂકીને જ ચાલવું જોઈએ એવું કાંઈ નથી. ખૂન કરે તો તેની સ્તુતિ ગાવી અને ચીભડાના ચોરને ફાંસીએ ચઢાવવો, એવું શા માટે ? આવું હવે વધારે વખત નભશે નહિ... તમે માછીમારને વેદાન્ત શીખવશો તો એ પણ કહેશે, ‘હું પણ તમારા જેવો મનુષ્ય છું, હું માછીમાર છું ને તમે દાર્શનિક છો, પણ તમારામાં જે ઈશ્વર વસે છે તે જ મારામાં પણ વસે છે.’; આપણને આની જ જરૂર છે. કોઈને ખાસ અધિકાર જેવું કશું નહિ, બધાને સરખી તક; દરેકને શીખવો કે આપણામાં દૈવી અંશ રહ્યો છે. પછી સૌ કોઈ મુક્તિ માટે મથશે. ભારતભૂમિમાંથી વિશિષ્ટ અધિકારના દિવસો તો સદાને માટે જ ગયા જ ગણજો.

અસ્પૃશ્યતા - કુરૂઢિનો ફણગો : અમે પણ ચુસ્ત સનાતની હિન્દુઓ છીએ, પરંતુ આ ‘અભડાવશો મા’ની સાથે અમને કશું લાગતું-વળગતું નથી. એ હિન્દુ ધર્મ જ નથી; આપણાં કોઈ પણ શાસ્ત્રોમાં એવું લખ્યું નથી; એ કેવળ સનાતન ધર્મને અસંમત એવી પુરાણી કુરૂઢિ જ છે. કેટલાયે સમયથી એણે રાષ્ટ્રની કાર્યસાધક શક્તિને કુંઠિત કરી છે. આ ‘અભડાવશો મા’એ માનસિક રોગનો જ એક પ્રકાર છે. એનાથી સાવધ રહેજો ! વિકાસ એટલે જીવન, સંકોચ એટલે મૃત્યુ. પ્રેમમાં વિકાસ હોય છે, સ્વાર્થવૃત્તિમાં સંકોચ હોય છે. આ કારણે પ્રેમ એ જ જીવનનો એક માત્ર નિયમ છે.

આપણે રાત દિવસ એને તુચ્છકારીને કહીએ છીએ, ‘અભડાવશો મા ! અભડાવશો મા !’ આ દેશમાં અનુકંપા કે સાચી ભલાઇ જેવું કશું છે  ખરું ? આપણે ત્યાં તો ‘અમને સ્પર્શશો નહિ’કહેનારો વર્ગ જ છે. આવી રૂઢિઓને લાત મારી હાંકી કાઢો ! મને કેટલીક વાર અસ્પૃશ્યતાની કાંટાવાડ તોડી પાડી ‘સર્વ દીન, હીન, દલિત, ચાલ્યા આવો’એમ પુકારીને બધાને એકત્ર કરવાની પ્રેરણા થઇ આવે છે. એ લોકો જ્યાં સુધી જાગશે નહિ ત્યાં સુધી જગદંબા પણ જાગવાની નથી.

સૌ હિંદુ એકબીજાના ભાઈઓ છે, અને ‘સ્પર્શશો નહિ, સ્પર્શશો નહિ’ની બૂમો પાડી પાડીને આપણે જ એમને નીચે પાડ્યા છે. આથી આપણો આખો દેશ નીચતા, કાયરતા, અજ્ઞાનની ઊંડી ગર્તામાં સબડતો પડ્યો છે. આ બધા માણસોનો ઉદ્ધાર કરવાનો છે. આશાના વિશ્વાસના શબ્દો તેમની આગળ ઉચ્ચારવાની જરૂર છે. ‘તમે પણ અમારા જેવા જ માનવીઓ છો અને તમને પણ અમારા જેવા જ અધિકારો છે.’ એમ એમને કહેવાની જરૂર છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda