Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

આઘ્યાત્મિક આદર્શોની વૃષ્ટિથી દેશને તરબોળ કરો

કાયદો, હકૂમત, રાજકારણ - આ બધાં તો માત્ર જુદાં જુદાં પાસાં છે, આખરી વસ્તુ નથી. એમાં તો સૌ કોઈને સંમત થવું જ પડશે. એ સર્વથી પર એવું કશુંક લક્ષ્ય રહ્યું છે, જ્યાં કાયદાની કશી જરૂર રહેતી નથી. ઈશુ ખ્રિસ્તને સમજાયું હતું કે કાયદો એ મૂળભૂત વસ્તુ નથી, સદાચાર ને પવિત્રતા એ જ કેવળ સાચી શક્તિ છે. તમારામાં કહેવત છે કે ધારાસભાના કાયદાથી કોઈપણ માણસને સદાચારી બનાવી શકાતો નથી. આ જ કારણે ધર્મનું રાજનીતિ કરતાં વિશેષ મહત્ત્વ છે. ધર્મ દરેક વસ્તુમાત્રનાં મૂળ સુધી વ્યાપેલો છે ને વર્તનનાં મૂળભૂત તત્ત્વો સાથે અનિવાર્યતયા સંકળાયેલો છે.મારું કહેવું એ છે કે હિન્દુ સમાજની સુધારણા માટે ધર્મનો નાશ કરવાની કશી જરૂર નથી. આજે પ્રવર્તી રહેલ પરિસ્થિતિ માટે ધર્મ કોઈ પણ રીતે જવાબદાર નથી. એથી ઊલટું, ધર્મ જે રીતે સમાજજીવનમાં પ્રયોજાવો જોઈએ તે રીતે પ્રયોજાયો નથી એ જ એનું કારણ છે. આ બધું આપણા પ્રાચીન ગ્રંથોમાંથી શબ્દશ: પુરવાર કરવા હું તૈયાર છું. હું તો હંમેશાં એ જ શીખવતો આવ્યો છું  એ સિદ્ધ કરવા માટે જ આપણે આજીવન ઝૂઝવાનું છે. આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં,  ઉપનિષદોમાં સંઘરાયેલ અત્યંત અદ્‍ભુત સત્યોને તેમાંથી બહાર લાવી દેશભરમાં ફેલાવી દેવાના કર્તવ્ય પ્રત્યે આપણે સૌથી પ્રથમ લક્ષ આપવું જોઈએ. ભારતમાં થતી કોઈપણ પ્રકારની સુધારણા માટે પહેલાં તો ધાર્મિક ક્રાન્તિની અપેક્ષા રહે છે. ભારતમાં સામાજિક કે રાજનૈતિક આદર્શો રેલાવતાં પહેલાં દેશમાં આઘ્યાત્મિક વિચારો ફેલાવવા જોઈએ. આ ભૂમિમાં દાનનો મહિમા અનેરો  ગણાય છે. એટલે આપણે સૌથી પહેલાં આઘ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવાની શક્તિ પ્રાપ્ત કરીએ. પણ એ  પ્રસાર ભારતની સીમામાં જ બદ્ધ ન થઈ જવો જોઈએ. આઘ્યાત્મિક જ્ઞાનના ઉપદેશ સાથે જ સાંસારિક જ્ઞાન અને બીજા સર્વ પ્રકારનું જ્ઞાન આપમેળે ચાલી આવશે. પણ ધર્મને પડતો મૂકીને જો તમે સાંસારિક જ્ઞાન પ્રાપ્ત કરવા મથશો તો, હું સ્પષ્ટ જણાવીશ કે અહીં ભારતમાં તમારો પ્રયત્ન એળે જવાનો છે ; લોકોને તમારા એવા પ્રયત્નોમાં જરા સરખોય વિશ્વાસ  બેસવાનો નથી.

ભવિષ્યના આર્યાવર્તનું નિર્માણ કરવામાં કાળના ખડકમાંથી નવી મૂર્તિનું નિર્માણ કરવામાં ધર્મની એકતા એ પહેલું પગથિયું છે. આપણે બધાએ એ પાઠ શીખવાની જરૂર છે કે આપણી હિંદુઓની વિચારસરણીમાં અમુક સર્વસાધારણ એવા અંશો રહેલા છે; આપણાં તથા આપણી પ્રજાના શ્રેય માટે આપણી બધી તુચ્છ તકરારો અને નજીવા ભેદોને દૂર કરવાનો વખત હવે આવી પહોંચ્યો છે. ભારતવર્ષની પ્રજાકીય એકતા એટલે  એનાં વિક્ષિપ્ત આઘ્યાત્મિક બળોનું કેન્દ્રીકરણ. ભારતીય પ્રજા એટલે એકજ આઘ્યાત્મિક સૂર ને તાલે જેમનું હૃદય ધબકતું હોય એવાઓનું સંગઠિત એકમ.

ભારતની આમજનતાને જાગ્રત કરવાનાં એકમાત્ર કર્તવ્યને ખાતર સર્વસ્વ અર્પી દેનારા યુવાનોની સાથે રહીને કામ કરો. એમને જાગ્રત કરો, એમનું સંગઠન કરો, એમનામાં ત્યાગની ભાવના પ્રેરો; બધું જ ભારતના યુવાનો પર અવલંબી રહ્યું છે. પવિત્રતાની આરઝૂવાળા, ઈશ્વર પ્રત્યેની અનંત શ્રદ્ધાના કવચથી રક્ષાયેલા, દીનહીન અને દલિત માટેની સહાનુભૂતિથી સિંહ જેટલું બળ ધરાવનારાં એક લાખ સ્ત્રી અને પુરુષો મુક્તિનો, સહાયનો, સામાજિક  પુનરુત્થાનનો, સમાનતાનો મંત્ર ઉદ્‍બોધતા દેશને ચારે ખૂણે ઘૂમી વળે એમ હું ઇચ્છું છું. મારે તો હવે જેને કશુંક કરવાની લગની લાગી છે એવા થોડાક પ્રચારકોનાં દળની જ જરૂર છે. આપણાં શાસ્ત્રોએ ઉદ્‍બોધેલાં સત્યોનો ભારતમાં અને ભારત બહાર પ્રચાર કરનારા યુવાનોને તાલીમ આપવા ભારતમાં સંસ્થાઓ કરવાની યોજના મારા મનમાં રમી રહી છે.

મારે તો પુન: એ જ કહેવાનું છે કે આપણને કેવળ શક્તિની, સામર્થ્યની જ જરૂર છે; ઉપનિષદો શક્તિના મહાભંડાર જેવા છે. સમસ્ત વિશ્વમાં શક્તિનો સંચાર કરવાનું એમનામાં સામર્થ્ય છે, એમનાથી આખું વિશ્વ સબળ, શક્તિથી થનગનતું બનાવી શકાય છે; તેઓ સર્વ જાતિઓના, ધર્મો સંપ્રદાયોના અને નિર્બળ, દુ:ખી અને દલિતોને બુલંદ અવાજે પોતાના પગ ઉપર ઊભા રહીને મુકત થવાનો આદેશ આપે છે; મુક્તિ શારીરિક, માનસિક ને આઘ્યાત્મિક મુક્તિ-એ જ ઉપનિષદનો પ્રધાન સૂર છે.

તમારી જાતને, સર્વ કોઈને એના સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવો. સુષુપ્ત આત્માને જાગ્રત કરો અને જુઓ કે તે કેવો જાગી ઊઠે છે ! જો સુષુપ્ત આત્માને જગાડીને સભાનપણે ક્રિયાશીલ બનાવાયો હશે તો શક્તિ આવશે, સાધુતા આવશે, પવિત્રતા આવશે અને જે કાંઈ ઉત્કૃષ્ટ છે તે સર્વ પણ આપમેળે ચાલ્યું આવશે.

સમાજ સુધારણા અને એની પદ્ઘતિ : હું સુધારામાં માનતો નથી. હું તો વિકાસમાં માનું છું. ઈશ્વરની કક્ષાએ મારી જાતને બેસાડીને સમાજને ‘તારે આ માર્ગે ચાલવું, પેલે માર્ગે નહિ’ એવો આદેશ દેવાની ધૃષ્ટતા હું કરતો નથી. મારો આદર્શ તો વૃદ્ધિ, વિસ્તાર અને રાષ્ટ્રીય દૃષ્ટિએ થનારા સર્વાંગી વિકાસનો છે, પ્રત્યેક વ્યક્તિએ આપમેળે પોતાની મુક્તિને માટે ઝઝૂમવાનું છે; એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્રજાઓ માટે પણ એવું જ છે. ત્યાં સુધી ઉચ્ચ કક્ષાની સંસ્થાઓને તોડી પાડવાના પ્રયત્નો કરવા એ વિનાશને નોતરવા જેવું જ ગણાશે. વિકાસ હંમેશાં ધીમે ધીમે જ થતો આવે છે. માણસ જ્યાં ઊભો હોય ત્યાંથી જ તેની આંગળી ઝાલો અને એને ઊંચે ચઢવા માટે ટેકો આપો.

તમારે પ્રત્યેક વસ્તુના હાર્દ સુધી ઊંડે ઊતરવું જોઈએ. એને જ હું જડમૂળનો સુધારો કહું છું. ત્યાં અગ્નિ પ્રકટાવો ને એની ઊર્ઘ્વગામી શિખાઓમાંથી ભારતના રાષ્ટ્રનું નિર્માણ થવા દો. હું તો રોગને કેવળ દબાવી દેવાની નહિ પણ એને જડમૂળથી ઊખેડી નાખવાની રીતમાં જ માનું છું. બધાં જ નિરામય સામાજિક પરિવર્તનો અંદર રહેલાં આઘ્યાત્મિક બળોના આવિષ્કારરૂપ જ હોય છે; જો એ બળો સમર્થ અને સુગઠિત હોય તો સમાજ પણ એને અનુરૂપ એવી રીતે આપોઆપ વ્યવસ્થિત થઈ જશે. કહેવાતા સામાજિક સુધારાની બહુ પંચાતમાં પડશો નહિ. કારણ કે આઘ્યાત્મિક સુધારણા વિના કોઈ પણ પ્રકારની સામાજિક સુધારણા સંભવી જ શકે નહિ.

તમારે જો સાચા સુધારક થવું હોય તો તમારામાં ત્રણ વસ્તુઓ હોવી  જરૂરી છે. પહેલી વસ્તુ તે સમભાવ, તમારા ભાઈઓ માટે તમારા હૃદયમાં સાચી લાગણી છે ખરી ? જગતમાં આટલું બધું દુ:ખ, અજ્ઞાન અને વહેમ છે એમ તમને ખરેખર લાગે છે ? એ લાગણી તમારા અણુએ અણુમાં વ્યાપી ગઈ છે ખરી ? એ તમારા લોહી સાથે વહેતી  થઈ  ગઈ છે  ખરી ? એ તમારી શિરાઓમાં ઝણઝણી ઊઠી છે ખરી ? એ તમારા શરીરની પ્રત્યેક શિરા-ઉપશિરાઓમાં વહી રહી હોય એવું તમે અનુભવો છો ? સહાનુભૂતિની એ લાગણીથી તમારું હૃદય છલકાઈ ઊઠે છે ખરું ? જો એમ હોય તો એ તો હજુ પહેલું જ પગથિયું છે. એનો તમે કંઈ ઉપાય શોધી કાઢ્યો છે કે નહિ એનો તમારે પછી વિચાર કરવાનો રહે છે. પુરાણા વિચારો બધા જ વહેમ કે કુરૂઢિ જેવા હોય, પણ એ વહેમના પુંજની આજુબાજુ સત્યની સુવર્ણરજો રહેલી છે. અશુદ્ધિને બિલકુલ ગાળી નાખીને સુવર્ણને પામી લેવાનું રસાયણ તમે શોધી કાઢ્યું છે ખરું ? એક બીજી વસ્તુની પણ જરૂર છે; તમારો હેતુ શો છે ? તમે ધન, યશ કે સત્તાના લોભથી પ્રેરાઈને કશું કરતા નથી, એની તો પૂરેપૂરી ખાતરી છે ખરીને ?

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda