Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

રાષ્ટ્રીય કાર્યકર્તાઓ માટે પ્રેરણાવાણી

તમારે ઈશ્વરને બીજે ક્યાંય શોધવા જવાની શી જરૂર છે ? આ બધાં ગરીબ, દુ:ખી, અશક્ત દેવો નથી ? પહેલાં એમને જ શા માટે નથી પૂજતા ? ગંગાને કાંઠે કૂવો ખોદવા શા માટે જાઓ છો ? પ્રેમ  સર્વશક્તિશાળી છે, એવી શ્રદ્ધા રાખો. તમારામાં પ્રેમભાવના છે ? જો હોય તો તમે સર્વશક્તિશાળી છો. તમે બિલકુલ નિ:સ્વાર્થી છો ? જો હો તો તમને કોઈ અટકાવી શકે તેમ નથી. આખરે તો શીલની જ બધે કિંમત છે. મધદરિયે ડૂબતાં એનાં બાળકોને ભગવાન પોતે જ બચાવી લે છે. તમારા દેશને નરપુંગવોની જરૂર છે, વીર બનો !

હૃદયનાં ઊંડાણમાંથી સૌ કોઈ માટે લાગણી રાખો. તર્ક અને બુદ્ધિથી શું વળવાનું હતું ? એ બહુ તો એકબે ડગલાં આગળ જઈ શકે, એનાથી આગળ એ ન જઈ શકે. પણ પ્રેરણા તો હૃદયનાં  ઊંડાણમાંથી જ આવે છે. અભેદ્ય દ્વારોના આગળા પ્રેમ ખોલી નાખે છે, વિશ્વનાં સર્વ રહસ્યોનું પ્રવેશદ્વાર પ્રેમ છે. માટે હે  ભાવિ સુધારકો, હે ભાવિ દેશસેવકો ! ઉપર ઉપરની નહિ પણ સાચી લાગણી રાખતાં શીખો. તમને કદી એવી લાગણી થાય છે ખરી ? દેવો અને ઋષિઓના લાખો વંશજો જંગલીઓની લગોલગ જઈને બેસી ગયા છે એથી તમને જરા પણ લાગી નથી આવતું ? લાખો આજે ભૂખે મરે છે, લાખો જમાનાથી ભૂખે મરતા આવ્યા છે એનું તમને દુ:ખ છે ખરું ? કાળાં વાદળની જેમ અજ્ઞાન દેશ પર છવાઈ ગયું છે એ જોઈને પણ તમને કશું નથી થતું ? એથી તમે બેચેન  નથી બની જતા ? તમારી ઊંઘ નથી ઊડી જતી ? એ વેદના તમારા લોહીમાં ભળીને શિરાએ શિરાએ વહેતી થઈ ગઈ છે ખરી ? હૃદયના સ્પન્દે સ્પન્દે એ ધબકે છે ખરી ? એણે તમને પાગલ જેવા બનાવી દીધા છે ? સર્વનાશના દુ:ખના ખ્યાલથી તમે તમારાં નામયશ, પત્ની, સંતાન, અરે, તમારી જાતને સુધ્ધાં ભૂલી ગયા હો એવું બન્યું છે ખરું ? આ તો હજી સ્વદેશપ્રેમી થવાનું પહેલું જ પગથિયું છે

માણસો, માણસો, બસ, મારે તો કાર્ય ઉપાડી લેનારા જવાંમર્દની જ જરૂર છે. બીજું બધું તો મળી રહેશે, પણ તેજસ્વી, સશક્ત, સબળ, શ્રદ્ધાશીલ ને જેની રગેરગમાં સંનિષ્ઠા ઊભરાતી હોય એવા નવલોહિયા યુવાનોની જરૂર છે. આવા સો મળ્યા કે જગતમાં ક્રાંતિ થઈ ચૂકી જ જાણો.

ખાસ જરૂર છે ત્યાગની- ત્યાગની ભાવના વિના બીજાની સેવા માટે કોઈ હૈયું રેડીને કામ કરી શકે નહિ. ત્યાગી બધાને સમદૃષ્ટિએ જુએ છે અને સર્વની સેવામાં પોતાની જાતને સમર્પી દે છે. સત્ય, પ્રેમ અને સંનિષ્ઠાની આડે કશું અવરોધક બની ઊભું રહી શકશે નહિ. તમે સાચા નિષ્ઠાવાન છો ? જીવનની પણ પરવા ન કરો એવા આત્મત્યાગી છો ? અને તમારામાં પ્રેમની લાગણી છે ? તો કશી ભીતિ રાખશો નહિ; મરણથીયે ડરશો નહિ. બીજાની સેવા કરતાં કરતાં તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ તમે જ્ઞાનમાર્ગમાં પણ સમાંતર રેખાએ એકસરખા આગળ વધતા જશો. મારા વીર, ઉદાત્ત, સુચરિત સંતાનો, હંમેશાં કાર્યમાં જ રચ્યાપચ્યા રહો, ભાવનાને કાર્યરૂપે મૂર્ત કરતા રહો-અટકી પડેલા રથચક્રને ચલાવવા તમે ખભેખભા મિલાવીને મંડી પડો ! નામ, કીર્તિ કે એવું કશું તુચ્છ પામવાની લાલચે પાછળ ફરીને જોશો નહિ. સંપૂર્ણ આત્મસમર્પણ કરીને કાર્યમાં ઓતપ્રોત થઈ જાઓ.

પ્રમાદને હાંકી કાઢો, ઐહિક કે પારલૌકિક સુખોપભોગનું નામ ન લો. અગ્નિમાં ઝંપલાવો ને લોકોને ઈશ્વરાભિમુખ કરો. તમે કામમાં ઓતપ્રોત થઈ જશો તો પછી જીરવી પણ ન શકાય એવી પ્રચંડ શક્તિ તમારામાં ઉદ્‍ભવતી તમે અનુભવશો. બીજાને માટે કરેલું નાનું સરખુંયે કામ આપણામાં આવી શક્તિ પ્રગટાવી શકે છે, બીજાનું સહેજ પણ ભલું ઇચ્છીએ તો ધીમે ધીમે આપણા હૃદયમાં સિંહનું બળ આવે છે. તમારા સૌને માટે મારા હૃદયમાં ખૂબ ખૂબ મમતા છે, પણ તમે સૌ બીજાની સેવા કરવામાં ખપી જાઓ એવું જ હું તો ઇચ્છીશ- તમને એવું કરતાં જોઉં  તો એથી ઊલટો મને ઘણો આનંદ થશે.

અસત્ય કરતાં સત્ય અનંતગણું પ્રભાવશાળી ને સમર્થ છે. સૌજન્યનું પણ એવું જ છે. જો એ તમારામાં હશે તો પોતાની મહત્તાને કારણે એ આપોઆપ પોતાનો રસ્તો કાઢી લેશે. વિજય પ્રાપ્ત થતાં પહેલાં દરેક કાર્યને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જે લોકો ખંતથી કાર્યને વળગી રહે છે, તેઓ જ વહેલા કે મોડા જ્યોતિનાં દર્શન કરી શકે છે. અખૂટ ધૈર્ય, અસીમ પવિત્રતા અને અવિરત પરિશ્રમ એ ઈષ્ટ હેતુની સિદ્ધિ માટે અનિવાર્ય છે. દૃઢપણે શ્રદ્ધા અને શક્તિનું અવલંબન લો; સત્યનિષ્ઠ, પ્રમાણિક અને પવિત્ર બનો. આરંભથી મોટા મોટા કાર્યક્રમના નકશાઓ દોરી ન રાખો. ધીમે ધીમે શરૂઆત કરો, જમીનના ખાડાટેકરા જોઈ લો અને પછી આગળ ને આગળ આગેકૂચ કરો.

સત્તા ચલાવવાનો શોખ અને ઈર્ષ્યા : આ બે વસ્તુથી સદા ચેતતા રહેજો. નેતાનો સ્વાંગ સજીને તમે ઊભા રહેશો તો કોઈ તમને મદદ કરશે નહિ. જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો અહમ્‍ભાવને સમૂળગો મારી નાખજો. તમારા ભાઈઓને દોરવાના પ્રયત્નો કરશો નહિ, પણ એમની સેવા જ કરજો. નેતા બનવાની જંગલી ઘેલછાએ જીવનનાં જળમાં કેટલાંય વહાણોને ડુબાડી દીધાં છે, એનાથી ખાસ ચેતતા રહેજો.. શાસક થવાનો કદીયે પ્રયત્ન ન કરશો. જે સારી સેવા કરી જાણે છે તે જ સર્વોત્તમ શાસક બની શકે છે.

દરેકની સાથે ધૈર્યથી વર્તો. તમારે વાદવિવાદમાં શા માટે ઊતરવું જોઈએ? બીજાઓના વિભિન્ન મતને સહન કરી લો. ધૈર્ય, પાવિત્ર્ય ને ખંત જ આખરે તો કામ આવશે,  કાયર કે દંભી બન્યા વિના સૌને પ્રસન્ન રાખો. તમારા પોતાના આદર્શોને પવિત્રતાથી ને સામર્થ્યથી વળગી રહો. તમારા માર્ગમાં અત્યારે ગમે તેટલી આડખીલીઓ ભલેને દેખાતી હોય, આખરે તો જગતને તમારું સાંભળવું જ પડશે. કશુંક સંગીન કરતા રહો. કેવળ બીજાની ટીકા જ ન કર્યા કરો. તમારે જે સંદેશ આપવાનો  છે તે આપો, જે શીખવવાનું છે તે શીખવો; બસ ત્યાં જ તમારું કામ પૂરું થાય છે. પછીનું બધું ભગવાનને હાથ.

મારા ભાઈઓ, આપણે ગરીબ છીએ, સાવ નગણ્ય છીએ, પણ ઈશ્વરનાં સાધનો સદા એવાં જ હોય છે. બીજા કોઈની મદદની પરવા રાખશો નહિ. મનુષ્ય દ્વારા મળતી બધી સહાયના કરતાં ભગવાન અનંતગણો મહાન નથી શું ? પવિત્ર થાઓ. ભગવાનમાં શ્રદ્ધા રાખો, સદા એના પર આધાર રાખો, ને તમે હંમેશાં સન્માર્ગે જ હશો. તમારી આડે કશું આવી શકશે નહિ. આપણે પ્રાર્થીએ : ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવ’અંધકારને ભેદીને એક કિરણ આવશે અને આપણને દોરવાને એક હાથ આપણી તરફ લંબાશે. ભગવાનનો જય થાઓ ! આગેકૂચ કરો, ભગવાન જ આપણો  સેનાપતિ છે. પાછું ફરી જોશો નહિ કે પાછળ કોણ પડે છે - આગળ દૃષ્ટિ રાખી કૂચ કર્યે જાઓ ! આમને આમ જ  આપણે  ડગલાં  ભરતાં જઈશું;  ભાઈઓ ! એક પડી જશે તો તરત જ બીજો તેનું કાર્ય સંભાળી લેશે. સદા કાર્યમાં મચ્યા રહો; વજ્રહૃદયી બંધુઓ, હામ ખોશો નહિ. સર્વ કાર્યોની પાછળ ભગવાન રહ્યો છે. મહાશક્તિ તમારી સાથે છે.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda