Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

ભારતની સમસ્યાઓનું નિવારણ

સાંસ્કૃતિક ભ્રમ અને ધર્મઝનૂન : આજે એવા પણ માણસો છે જે પાશ્ચાત્ય વિદ્વત્તાનું પાન કરીને એમ માને છે કે પોતાને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આપણા પ્રાચીન ઋષિઓની એ હાંસી ઉડાવે છે. હિંદુઓએ જે કાંઈ વિચાર્યું છે તે એમને મન તૃણવત્ તુચ્છ ભાસે છે; હિન્દુઓનાં દર્શનો એમને મન કેવળ બાળકોનો બડબડાટ લાગે છે; હિન્દુઓનો ધર્મ એમને મન મૂર્ખાઓનો વહેમ જ લાગે છે.

ત્યારે બીજી બાજુ શિક્ષિત છતાં અમુક પ્રકારની ઘેલછા જેને વળગી હોય એવો પણ એક વર્ગ છે જે દરેક વસ્તુના શુકન, અપશુકન જોવા બેસે છે. એની જાતિના, ખાસ દેવો વિશેના તથા એના અમુક ગામના વહેમોને એ તત્વજ્ઞાનની, અઘ્યાત્મવિદ્યાની ને ભગવાનની જાણે કેવાયે પ્રકારની બાલિશ દલીલો કરીને સાર્થક ઠરાવવા મથે છે. ગામડામાં પ્રવર્તી રહેલો દરેક તુચ્છ વહેમ પણ એને મન વેદવાક્ય છે, અને એનું પાલન કરવાથી જ જાણે દેશનું અસ્તિત્વ ટકી રહે છે એમ એ માનતો હોય છે. આ સૌથી તમારે ચેતતા રહેવું ઘટે. સાચી વાત એ છે કે આપણે ઘણા વહેમોને પોષ્યા છે, આપણા શરીર ઉપર ઘણાં ડાઘ અને વ્રણ છે. એ બધાંને છેદી નાખવાની-નષ્ટ કરવાની જરૂર છે. પણ એનાથી આપણા ધર્મનો, રાષ્ટ્રજીવનનો કે આપણી આઘ્યાત્મિકતાનો નાશ થતો નથી. એથી ધર્મના કોઈપણ સિદ્ધાંતને જરા સરખી આંચ આવતી નથી.અને એ કાળા ડાઘને જેટલા સત્વર આપણે દૂર કરી નાખીશું, તેટલા સત્વર જ ધર્મના શ્રેષ્ઠ સિદ્ધાંતો વધુ તેજસ્વી બની ઝળકી ઊઠશે. એ સિદ્ધાંતોને તો તમે વળગી જ રહેજો.

શારીરિક દુર્બળતા : આપણે ઉપનિષદોની મહત્તા ભલે ગાઈએ, આપણા ઋષિપૂર્વજોને વિશે ભલે ઘણાં બણગાં ફૂંકીએ, પણ જો આપણને બીજી અનેક જાતિઓ સાથે સરખાવીશું તો આપણે નિર્બળ, બહુ જ નિર્બળ છીએ એમ મારે જરૂર કહેવું પડશે. સૌથી પહેલું તો આપણે શારીરિક રીતે નિર્બળ છીએ. એ નિર્બળતા કંઈ નહીં તો આપણાં દુ:ખોના એક તૃતીયાંશ ભાગનું કારણ બની રહે છે. આપણા યુવકોએ શારીરિક સામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. ધર્મ તો એની પાછળ ચાલ્યો આવશે. મારા યુવાન મિત્રો, બળવાન બનો ! મારી તો તમને એ જ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલની રમત રમવાથી તમે સ્વર્ગની વધુ નજીક જઈ શકશો. તમારા સ્નાયુ સુગઠિત હશે તો તમે ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારામાં શક્તિને છંદે નાચતું લોહી વહેતું હશે તો જ તમે શ્રીકૃષ્ણની મહાન પ્રતિભા અને પ્રચંડ સામર્થ્યને સમજી શકશો. તમે જો તમારા દેહને તમારા પગ ઉપર ટટ્ટાર રાખી શકતા હશો, તમારા પૌરુષને તમે સંપૂર્ણપણે અનુભવતા હશો તો ઉપનિષદોને અને આત્માના ગૌરવને વધારે સારી રીતે સમજી શકશો. મારે જે જોઈએ છે તે તો પોલાદી સ્નાયુઓ, પોલાદી જ્ઞાનતંતુઓ; એમાં વસતું વજ્રમાંથી સરજેલું મન, શક્તિ,પૌરુષ; ક્ષાત્રવીર્ય અને બ્રહ્મ તેજ.

આત્મશ્રદ્ઘાનો અભાવ : તમારામાં શ્રદ્ધા રાખો અને એ શ્રદ્ધાનું આલમ્બન લઈને ઊભા થઈ સામર્થ્ય પામો; અને એની જ આપણને જરૂર છે. ‘આપણે અમર, મુક્ત અને સ્વભાવથી પવિત્ર એવા આત્મા છીએ. આપણે કદી પાપ આચરી શકીએ ? અસંભવ !’ આપણને આવી શ્રદ્ધાની જરૂર છે. આવી શ્રદ્ધા જ આપણને સાચા માનવી બનાવી શકે, આપણામાંથી દેવો સરજી શકે. તમે કશુંક મહાન કરવાને માટે જ જનમ્યા છો એવી શ્રદ્ધા રાખો. બીજા સૌ કોઈ તો પોતાનું કામ કરી ચૂક્યા છે; આપણે જ કરવાનું છે એમ દરેકે માનવું જોઈએ. આ જવાબદારી આપણે માથે લઈ લેવાની છે. આપણી પ્રજાના લોહીમાં ઘૂસતા જતા, બધી જ વસ્તુની ઠેકડી કરવાના, ગાંભીર્યના અભાવના ભયંકર વ્યાધિને જડમૂળથી કાઢી નાખો. શક્તિશાળી થાઓ અને સદા આવી શ્રદ્ધા રાખો તો એની પાછળ બધું જ આપમેળે ચાલી આવશે.

સ્વાશ્રયનો અભાવ : બીજાના આધારની આશા રાખીને બેસી રહેવાની બાલિશતા એ આપણા દેશનું એક લક્ષણ થઈ પડ્યું છે. અન્નનો કોળિયો કોઈ મોઢામાં મૂકી જાય તો ખાવા સૌ કોઈ તૈયાર છે; કેટલાક તો વળી એવું ઇચ્છતા હોય છે કે કોઈ કોળિયો ગળે ઉતારી આપે તો  વધારે સારું ! જો તમે સ્વાશ્રયી ન થઈ શકો તો તમને જીવવાનો કશો જ અધિકાર નથી. ઘ્યાનમાં રાખો કે દરેક રાષ્ટ્રે પોતે જ સ્વરક્ષણ કરવાનું છે. અને તે જ પ્રમાણે દરેક મનુષ્યે પણ બહારની મદદ પર આધાર રાખવાનો જ નથી. વ્યક્તિઓની જેમ પ્રજાઓએ પણ આત્મનિર્ભર થવાનું છે. આનું નામ જ સાચો સ્વદેશ પ્રેમ. જો કોઈ પ્રજા આટલું ન કરી શકે તો માનવું કે હજુ એના ઉદ્ધારનો સમય આવ્યો નથી. એને હજી રાહ જોવી પડશે.

આજ્ઞાપાલનનો અભાવ : દરેકને આદેશ દેવાનું ગમે છે, કોઈને આદેશનું પાલન કરવાનું ફાવતું નથી; આ આપણી પુરાણી, અપૂર્વ બ્રહ્મચર્યની પ્રથાના અભાવને આભારી છે. તો સૌથી પહેલાં આજ્ઞાને માથે ચડાવતાં શીખો. સદાય પહેલાં સેવક થતાં શીખો, તો જ તમે સ્વામી બનવાની યોગ્યતા મેળવી શકશો. તમારો ઉપરી જો તમને નદીમાં ઝંપલાવીને મગરને પકડવાનું કહે તો એ કામ પૂરું કરો અને પછી જ એ સંબંધમાં દલીલ કરો. આજ્ઞા અયોગ્ય હોય તો પણ પ્રથમ એનું પાલન કરો અને પછી જ એનો વિરોધ કરો. આજ્ઞાધીનતાના સદ્‍ગુણને ભલે કેળવો, પણ તમારી શ્રદ્ધા કદી હોમી દેશો નહિ. ઉપરીઓની આજ્ઞાનું પાલન નહિ થાય ત્યાં સુધી શક્તિઓનું કેન્દ્રીકરણ શક્ય જ નથી. વ્યક્તિગત શક્તિઓનાં આવાં કેન્દ્રીકરણ વિના કોઈ પણ મોટું કાર્ય સિદ્ધ થાય એ અશક્ય છે.

પ્રમાદ, સ્વાર્થપરાયણતા અને ઈર્ષ્યા : વાતો, વાતો, વાતો-બસ, જ્યાં જુઓ ત્યાં વધારે પડતી વાતો જ છે. આપણે મહાન છીએ, આપણે મહાન છીએ ! કેવું હડહડતું જૂઠાણું ! આપણે નિર્બળ છીએ એ જ સાચી વાત છે ! પોપટની જેમ આપણે બોલીએ છીએ તો ઘણું, પણ કરતા કશું નથી; બોલવું ઘણું અને કરવું કશું પણ નહિ જેનાથી આપણે ટેવાઈ ગયા છીએ. આવું નમાલું માનસ કશું કરી શકશે નહિ, એને શક્તિશાળી બનાવવું પડશે. આપણે પ્રમાદી છીએ; આપણે ઉદ્યમ કરી શકતા નથી; આપણે નર્યા સ્વાર્થી છીએ; આપણામાંના ત્રણ જણ જો એકઠા થાય તો એકબીજાને તિરસ્કાર્યા અને ઈર્ષ્યા કર્યા વિના રહી શકતા નથી. સાવ હતાશ કરી મૂકે એવા અનિયંત્રિત ટોળાં રૂપે રહેનારા, નર્યા સ્વાર્થાન્ધ, કપાળમાં અમુક જાતનું તિલક આ રીતે કરવું કે પેલી રીતે એ સંબંધમાં સદીઓથી એકબીજા સાથે ઝઘડનારા, અમુક માણસની નજર મારા અન્ન પર પડે તો એ વર્જ્ય બની જાય કે નહિ એવા ક્ષણિક તુચ્છ પ્રશ્નોની ચર્ચામાં થોથાં ભરનારા-આ છે આપણી દશા!

વ્યવસ્થાશક્તિનો અભાવ : આપણા સ્વભાવમાં વ્યવસ્થાશક્તિનો સંપૂર્ણ અભાવ જ છે; પણ એ તો પ્રાપ્ત કરી લેવી જોઈએ. ઈર્ષ્યાનો અભાવ એ જ એને પામવાનું મોટું  રહસ્ય છે. તમારા ભાઈઓના મતને ઉદારતાથી સહી લેવાને સદા તત્પર રહેજો. હંમેશાં સમાધાન કરવાની વૃત્તિ રાખજો. વ્યવસ્થિત સંગઠન કેમ વધારે સમર્થ બને છે ? ઉદાહરણ તરીકે પૂછું કે, આપણા ત્રીસ કરોડ હિન્દુઓ પર ચાર કરોડ અંગ્રેજો કેમ રાજ ચલાવી શકે છે ? તમે માનવ સ્વભાવની દૃષ્ટિએ તેનો શો ખુલાસો આપી શકશો ? એ ચાર કરોડ પોતાની સંકલ્પશક્તિ વડે કેન્દ્રિત થઈને કામ કરે છે, ને એટલે જ એ શક્તિ વિરાટ બની રહે છે. અને આપણા ત્રીસ કરોડમાં તો દરેકની પોતપોતાની જુદી ઈચ્છાઓ હોય છે. આથી જ ભારતનું ભાવિ ઉજ્જવલ બનાવવું હશે તો વ્યવસ્થાશક્તિ, શક્તિસંચય અને ઇચ્છાશક્તિના સુમેળની ખાસ જરૂર પડશે. મારાં મન:ચક્ષુ સામે અત્યારે પણ અથર્વવેદ સંહિતાની આ અદ્‍ભુત ઋચા ખડી થાય છે: ‘તમે બધા એક-મના બનો, સમાન વિચારના બનો, પ્રાચીન કાળમાં દેવો એક મનના થયા હતા માટે જ હવિના અધિકારી બની શક્યા હતા. દેવો એક-મના છે માટે જ પૂજનના અધિકારી બની શક્યા  છે.’ એક-મના થવું એમાં જ સમાજવ્યવસ્થાનું સાચું સૂત્ર સમાયેલું છે. જેમ જેમ તમે ‘હું આર્ય અને તું દ્રાવિડી’, ‘હું બ્રાહ્મણને તું અબ્રાહ્મણ’, એમ એક બીજાને કહીને લડ્યાઝઘડ્યા કરશો તેમ તેમ તમે શક્તિ અને સામર્થ્યના સંચયથી વધારે ને વધારે વંચિત બનીને ભારતના ઉજ્જવલ ભાવિને પાછું ઠેલ્યા કરશો, કારણ કે આટલું ઘ્યાનમાં રાખજો કે ભારતનું ભાવિ એના પર જ અવલંબીને રહ્યું છે. ઇચ્છાશક્તિનો સંચય ને પરસ્પરનો સહકારી સુમેળ- આ બધાંનું કેન્દ્રીકરણ એ જ સાચી ચાવી છે.

વેપારમાં પ્રામાણિકતાનો અભાવ : હિન્દુઓમાં વેપારના સંબંધમાં પણ બરાબર પદ્ધતિસર કામ ન કરવાની, ચોક્કસ હિસાબ નહીં રાખવાની વગેરે એક પ્રકારની લાક્ષણિક શિથિલતા છે. ભારતના બધા સંગઠિત પ્રયત્નો એક અનાવડતના ભારથી ડૂબી જાય છે. આપણે હજુ વેપારના ચોક્કસ સિદ્ધાંતો વિકસાવ્યા નથી. વેપારનો તમે ઊંચામાં ઊંચો અર્થ ભલે ને કરો, આખરે વેપાર એટલે તો વેપાર જ. એમાં ભાઈબંધી કે હિન્દુઓ જેને ‘આંખની શરમ’ કહે તે ન હોવી જાઈએ. પોતાના હવાલામાં જે કાંઈ હોય તેનો ચોખ્ખો હિસાબ દરેકે રાખવો જોઈએ, પછી ભલે ને એમ કરવામાં કોઈને ભૂખે મરવાનું આવે. આનું નામ જ ધંધાની પ્રામાણિકતા. બીજી જરૂરિયાત છે અખૂટ પરિશ્રમની. જે કાંઈ તમે કરો તે તે સમયપૂરતું તો તમારે મન પૂજાનાં કાર્ય જેટલું મહત્ત્વનું બની રહો.

પ્રેમનો અભાવ : કોઈ પણ મનુષ્ય કે કોઈ પ્રજા બીજાને તિરસ્કારીને જીવી શકે નહીં. જે દિવસે ‘મ્લેચ્છ’ શબ્દ શોધી કાઢ્યો અને બીજા સાથેના સંપર્કને તોડ્યો તે દિવસથી જ ભારતનું આવી બન્યું. પ્રેમ કદી નિષ્ફળ નીવડતો નથી; આજે નહીં તો કાલે, કાલે નહીં તો યુગો પછી, આખરે તો સત્યનો  જ જય થવાનો છે. પ્રેમ જ વિજયને વરશે. તમે તમારા માનવબંધુઓને ચાહો છો ?

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda