Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

ભારત અને તેનું જીવનકાર્ય

હજારો વર્ષોની યાતનાઓ અને ઝંઝાવાતો સામે ઝીંકાવા છતાં હિંદુજાતિ હજુ મરણશરણ કેમ નથી થઈ ગઈ ? જો આપણા રીતરિવાજો આટલા બધા ખરાબ છે  તો આપણો દેશ હજી સુધી પૃથ્વીના પટ પરથી નિ:શેષ લય કેમ નથી થઈ ચૂક્યો ? જુદા જુદા પરદેશી વિજેતાઓએ આપણને કચડી નાખવામાં કશું બાકી રાખ્યું છે ? તો બીજા અસંસ્કૃત દેશમાં જે બન્યું તે ભારતમાં કેમ ન બની શક્યું ? હિંદુઓનું નામ નિશાન કેમ ન મિટાવી દેવાયું ?ભારતવર્ષને નિર્જન ને વેરાન કેમ ન કરી શકાયો ? એવું થઈ શકયું હોત તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા ને આફ્રિકામાં જેમ પરદેશીઓએ જઈને વસાહત સ્થાપીને એની ફળદ્રુપ જમીનનો કસ ખેંચી લેવાનું શું એમણે બાકી રાખ્યું હોત? પહેલાં એટલું સમજી જ લેજો કે હજુ ભારતમાં શક્તિ છે ને તેની સાથેસાથે એની આગવી પોતાની કહેવાય એવી, હવાઈ નહીં પણ સાચી વાસ્તવિકતા પણ છે. વિશેષમાં, વિશ્વ સંસ્કૃતિના વિકાસમાં એને હજી પોતાનો ફાળો આપવાનો છે માટે એ જીવી રહ્યું છે.

દરેક માણસમાં એક કેન્દ્રરૂપ ભાવના હોય છે; મનુષ્યનું બાહ્ય રૂપ તો એ અંદરની ભાવનાનો બાહ્ય આવિષ્કાર માત્ર, અંદરની ભાવનાનાં ઉચ્ચારણની ભાષારૂપ માત્ર હોય છે. એવી જ રીતે દરેક રાષ્ટ્રને પોતપોતાની રાષ્ટ્રીય ભાવના હોય છે. એ ભાવના વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરી રહી હોય છે. અને તેથી જ વિશ્વને ટકાવી રાખવાને માટે એ અનિવાર્ય બની રહે છે. જ્યારે વિશ્વનાં અસ્તિત્વ માટેની એ ભાવનાની અનિવાર્યતાને જે રાષ્ટ્ર કે જે વ્યક્તિ નહીં સ્વીકારે ત્યારે તે વ્યક્તિ કે રાષ્ટ્રનું તરત જ નિકદંન નીકળી જશે. આટલું બધું દુ:ખ, આટલો બધો સંતાપ, ગરીબાઈ અને બાહ્ય તેમ જ આંતરિક દમન હોવા છતાં પણ આપણે ભારતવાસીઓ હજી જીવતા રહ્યા છીએ એનું કારણ આપણી રાષ્ટ્રીય અસ્મિતા છે. જગતના અવધારણ માટે એની ઘણી જરૂર છે.

આ જગતમાં પ્રત્યેક જાતિને પોતાનું વિશિષ્ટ વલણ હોય છે. પ્રત્યેક જાતિને પોતાની વિશિષ્ટ કર્તવ્યભાવના હોય છે. દરેક પ્રજાએ પોતાના આદર્શ તથા ભાવનાને પૂર્ણ કરવા માટે તેને સાકાર કરવાના રહે છે. રાજકીય વર્ચસ્વ કે લશ્કરી સત્તાને આપણી પ્રજાએ કદી ઘ્યેય તરીકે સ્વીકાર્યાં નથી; અને હું કહું છું તે ભૂલશો નહીં કે એ કદી ભવિષ્યમાં પણ એને લક્ષ્ય તરીકે સ્વીકારશે નહીં.. આપણે માથે એક બીજા કર્તવ્યની જવાબદારી છે. આપણે સમસ્ત જાતિની આઘ્યાત્મિક શક્તિઓનું સંવર્ધન કરીને, સંરક્ષણ કરીને એને એક અતુલ સામર્થ્યમાં પરિણત કરવાની છે અને સંયોગો જ્યારે અનુકૂળ હોય ત્યારે એના પ્રચંડ પ્રવાહને જગતમાં વહાવી દેવાનો છે.

શાસકોના રાજદંડો ધૂળમાં રગદોળાઈને વિસરાઈ ગયા છે; સત્તા એક હાથમાંથી બીજા હાથમાં બદલાતી ગઈ  છે, પણ ભારતમાં રાજાઓ કે રાજાઓના ભપકાભર્યા દરબારોએ બહુ ઓછાને જ આંજ્યાં છે; સામાન્ય જનતાનો વિશાળ સમૂહ તો પોતાની વિધિનિર્મિત કાર્ય દિશામાં વિના અંતરાયે આગળ વધતો જ રહ્યો છે. રાષ્ટ્રજીવનનો પ્રવાહ કદીક ધીરો અને અર્ધજાગ્રતતો કદીક ત્વરિત ગતિએ અને જાગ્રત અવસ્થામાં સદાય વહેતો જ રહ્યો છે.

ઉજ્જવલ શતાબ્દીઓની એ અખંડ શ્રેણીને મારું મસ્તક ગર્વથી નમી પડે છે. એ શતાબ્દીઓની શ્રેણીમાં ક્યાંક એકાદ શૃંખલા બહુ સ્પષ્ટ દેખાતી નથી તો ક્યાંય વળી એ દ્વિગુણિત પ્રકાશથી દેદીપ્યમાન બનીને દેખાય અને એ રીતે હું મારી દૃષ્ટિ સમક્ષ મારી માતૃભૂમિને ગૌરવવંતા પગલે ચાલતી જોઉં છું. એ એનાં ઉજ્જવલ ભાવિને-પશુમાનવને માનવદેવમાં પરિણત કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા આગળ વધી રહી છે. કોઈ પણ પાર્થિવ કે સ્વર્ગીય શક્તિ એને લક્ષ્યમાંથી ચળાવી શકે એમ નથી. મારા બંધુઓ, ઉજ્જવલ ભાવિ આપણી સમક્ષ ઊભું છે. કારણ કે આપણે તો ઉપનિષદના પ્રાચીન સમયથી જગતમાં ઉદ્‍ઘોષ કર્યો કે ‘ન ધનેન ન પ્રજયા ત્યાગનૈકે અમૃતત્વમાનશુ:’- ધનથી નહીં, પ્રજાથી નહીં, કેવળ ત્યાગથી જ અમરતા પ્રાપ્ત કરી શકાય છે. એક પછી એક એમ અનેક પ્રજાએ પેઢી દર પેઢીએ એ ઉદ્‍ઘોષને ઝીલી લીધો છે; આધિભૌતિક વાસનાની ભૂમિકા પર રહીને વિશ્વના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ભૂતકાળમાં એ સર્વ નિષ્ફળ ગયા છે. સત્તા અને સુવર્ણ માટેની લાલસાને પરિણામે આવતા દુષ્ટતા અને દુ:ખના ભાર નીચે કચડાઈને જૂની પેઢી નાબૂદ થઈ ચૂકી છે અને નવી પેઢી પતનોન્મુખ બનીને ઊભી છે. શાંતિ જ સનાતન નીવડશે કે યુદ્ધ, ધૈર્ય ટકી રહેશે કે વ્યાકુળતા, ઈહલોકપરાયણતા ટકશે કે આઘ્યાત્મિકતા, શુભ ચક્રવર્તી બનશે કે અશુભ, સ્નાયુબળ જીતશે કે બુદ્ધિ, સંસારાસક્તિ જીતશે કે આઘ્યાત્મિકતા, એ પ્રશ્નનો ઉત્તર મળવો હજુ બાકી છે. આપણે તો એ કોયડાનો ઉકેલ કેટલાયે જુગો પહેલાં કરી નાખ્યો છે અને એના કપરા કાળમાં પણ સન્નિષ્ઠાથી દૃઢપણે વળગી રહીશું. ત્યાગ, ઈહલોકની વસ્તુઓ માટેની અનાસક્તિ એ આપણો ઉકેલ છે.

માનવજાતિને દેવત્વની પ્રાપ્તિ કરાવવી એ જ ભારતનું જીવનકર્તવ્ય છે, એના શાશ્વત સંગીતનું ધ્રુવપદ છે, એના અસ્તિત્વનો મેરુદંડ છે, એનો પરમોચ્ચ આદર્શ છે. એના આ લક્ષ્યમાંથી એ કદી ચળ્યું નથી- પછી ભલેને તાર્તર રાજ કરતા હોય કે તુર્ક રાજ કરતા હોય, મોગલ રાજ કરતા હોય, કે અંગ્રેજ રાજ કરતા હોય.

સંસ્કૃતિના સંપૂર્ણ વિકાસ માટે દુનિયા ભારતની પ્રજાને વારસામાં મળેલી અદ્‍ભુત આઘ્યાત્મિક સમૃદ્ધિની રાહ જોઈ રહી છે. કારણ કે એ સમૃદ્ધિનું આપણે અધોગતિના અને દારુણ યાતનાના કપરા સમય દરમિયાન પણ છાતી સરસી ચાંપીને જતન કર્યું છે. વિશ્વ એ સમૃદ્ધિને ઝંખી રહ્યું છે. ભારતની બહાર આપણા પૂર્વજોના એ અદ્‍ભુત ભંડાર તરફ લોકો કેવા ક્ષુધાર્ત તૃષાર્ત આતુર બનીને મીટ માંડીને બેઠા છે એની આપણને ખબર નથી.

આપણે અહીં વાતોના તડાકા મારીએ છીએ, એકબીજા સાથે લડીએ ઝઘડીએ છીએ. આપણા પૂર્વજોએ આપણી ભારતવર્ષની ભૂમિમાં સંચિત કરેલા એ અમૃતનું એક નાનકડું બિંદુ પામવાને તલસતા કરોડો માનવીઓની હૃદયવેદનાને આપણે સમજી શકતા નથી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda