Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Swami Vivekananda

આપણી માતૃભૂમિ ભારત અને તેનો મહિમા

આ પૃથ્વી પર કલ્યાણમયી પુણ્યભૂમિ તરીકે જેને ઓળખાવી શકાય, જ્યાં સર્વ જીવાત્માઓને પોતાનાં કર્મોના હિસાબ ચૂકવવા આવવું જ  પડે, ઈશ્વરોન્મુખ થયેલા દરેક આત્માને માટે જે અંતિમ ધામરૂપ બની રહે, જ્યાં માનવજાતિ સૌજન્યની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની પરમોચ્ચ કક્ષાએ પહોંચી હોય; સૌથી વિશેષ તો  જે અંતર્મુખતા અને આઘ્યાત્મિકતાનું પરમ ધામ બની રહી હોય એવી જો કોઈ ભૂમિ હોય, તો તે ભારતવર્ષ જ.

આ ભૂમિ તત્ત્વજ્ઞાન, આઘ્યાત્મિકતા, સદાચાર, માધુર્ય, નિરહંકારિતા અને પ્રેમની જનેતા છે. આ સહુ આજે પણ, આ ભૂમિમાં છે. જગતના મારા પરિભ્રમણમાં મને જે અનુભવ થયા છે તે પરથી જરાય ખચકાયા વિના કહી શકું છું કે ભારતવર્ષ હજુય આ સંબંધમાં વિશ્વમાં સૌથી મોખરે છે.

આ જ ભારતવર્ષે કેટલીય સદીઓ સુધી હજારો પરદેશી આક્રમણોના તથા રીતરિવાજના અનેક પરિવર્તનો આઘાતો ઝીલ્યા છે. આ જ ભૂમિ પોતાનાં અક્ષય સામર્થ્ય અને અવિનાશી પ્રાણશકિત લઈને જગતના કોઈપણ પર્વત કરતાં વિશેષ સુદૃઢ રહી શકી છે.એનું જીવન પણ આત્માના જેવા જ ગુણવાળું, અનાદિ, અનંત તથા અમર છે; આપણે સૌ એ ભૂમિનાં સંતાનો છીએ.

આખાય જગતનો ઇતિહાસ જુઓ તો તમને જણાશે કે કોઈ પણ સ્થળે દેખાતા ઉચ્ચ આદર્શનું ઉદ્‍ભવ સ્થાન ભારત જ છે. સ્મરણાતીત કાળથી ભારત જ માનવ સમાજને માટે અમૂલ્ય વિચારોની ખાણસમું બની રહ્યું છે, ભારતે જ ઉચ્ચ ભાવનાઓને જન્મ આપીને  એનો આખાય જગતમાં નિર્બન્ધ પ્રસાર કર્યો છે.

આ જ ભૂમિમાંથી આઘ્યાત્મિકતા ને દર્શને ભરતીની ઉન્નત ઊર્મિમાળાની જેમ ફરી ફરી વહી જઈને સમસ્ત વિશ્વને આપ્લાવિત કરી દીધું છે; અને આ જ ભૂમિમાંથી ફરીથી ક્ષયગ્રસ્ત માનવપ્રજાઓમાં જીવન અને શક્તિનો સંચાર કરવા માટે એવી ભરતીઓ આવવી જ જોઈએ

વિશ્વની ચિંતનસમૃદ્ધિમાં ભારતવર્ષનું અર્પણ અદૃષ્ટ રહીને નીરવ સરતાં છતાં સુંદરતમ ગુલાબને પ્રફુલ્લાવનારા નમ્ર ઝાકળના બિંદુ જેવું  છે. શાંત, અદૃશ્ય અને છતાં એનાં પરિણામોમાં સર્વશક્તિશાળી ભારતે વિશ્વની તવવિચારણામાં ક્રાન્તિ લાવી દીધી છે. ને છતાં એણે એ બધું ક્યારે કર્યું તેની કોઈને ખબર સરખી પણ પડી નથી.

બીજી ભૂમિમાં લાખોનાં હૃદયમર્મને બાળનારી જડવાદની ભભૂકી ઊઠેલી આગને શમાવનારું સુધાવારિ અહીં જ છે. આપણી આ પુણ્યભૂમિમાં તો કેવળ ધર્મ જ મેરુદંડ, આધારભૂત પાયો અને જીવનકેન્દ્ર છે. હિંદના રાષ્ટ્રજીવનના સમસ્ત સંગીતનો પ્રધાન સૂર ધર્મમય જીવન છે.

જો કોઈ રાષ્ટ્ર પોતાના જીવનને માટે પ્રાણદાયક બની રહેલા સત્ત્વને, શતાબ્દીઓથી અપનાવેલા માર્ગને છોડી દેવાના પ્રયત્નમાં કદાચ સફળ નીવડે, તો એનો વિનાશ જ થાય; જો તમે ધર્મને ફગાવી દઈને રાજકીય સત્તા કે સમાજ કે એવા કશાંકને રાષ્ટ્રના પ્રાણરૂપ સત્ત્વ તરીકે સ્થાપવાના પ્રયત્નમાં સફળ થશો, તો પરિણામે સર્વનાશને આવકારવા જેવું જ એ લેખાશે.

કેવળ ધર્મ જ ભારતનું પ્રાણરૂપ તત્ત્વ છે અને એ જ્યારે ચાલ્યું જશે, ત્યારે ભારતવર્ષને એની, રાજનીતિ કે સામાજિક સુધારણા જીવાડી શકશે નહિ - પછી ભલેને એનાં પ્રત્યેક સંતાનો પર કુબેરની સંપત્તિનો વરસાદ વરસતો હોય. એથી હું એમ નથી કહેવા માગતો કે રાજકીય અથવા સામાજિક સુધારણાની આવશ્યકતા નથી. હું તો એટલું જ કહેવા માગું છું; વળી તમને પણ સદા યાદ રાખવાનું કહું છું કે એ બધું આપણા દેશમાં ગૌણસ્થાને છે. પ્રધાનસ્થાને તો કેવળ ધર્મ જ છે.

જ્યારે લોહી શુદ્ધ અને સત્ત્વશીલ હોય છે ત્યારે કોઈપણ રોગના જંતુ શરીરમાં ટકી શકતાં નથી. આપણા જીવનને ટકાવી રાખનારું લોહી તે આઘ્યાત્મિકતા છે. એનો પ્રવાહ જો અજસ્ત્ર, સત્ત્વશીલ અને શુદ્ધ હશે, તો બધું જ રૂડું થશે. એ લોહી જો શુદ્ધ હશે તો રાજકીય, સામાજિક; આધિભૌતિક ઊણપો જ માત્ર નહીં પણ દેશની સમસ્ત દારિદ્રતાઓનો પણ નાશ થશે.

ધર્મ પાસેથી જ પ્રાણપોષક તત્ત્વ પામીને જીવનનાં બધાં કાર્યો થાય એવું તમારે કરવું જોઈએ. તમારી સર્વ શિરાઓ ધર્મના મેરુદંડનો આધાર પામીને જ ધબકી રહેવી જોઈએ. ભારતવર્ષના રાષ્ટ્રીય જીવનના આદર્શો ત્યાગ ને સેવા છે. એ દિશામાં થતું કાર્ય જેમ જેમ વધુ સંગીન સ્વરૂપનું થતું જશે, તેમ તેમ બીજું બધું આપમેળે સુધરતું જશે. આ દેશમાં આઘ્યાત્મિક સાધનાનો ઝંડો ઊંચે ફરકાવો એમ ભાર મૂકીને કહેવાનું આવશ્યક નથી, કારણ કે એમાં જ આપણી મુક્તિ રહેલી છે એ આપણે સહુ સારી પેઠે સમજીએ છીએ. 

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda