Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Teachings Of Shri Ma Saradadevi

સ્ત્રીઓને

* લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપર કરમાઈ જાય એ જ ઇચ્છવા યોગ્ય છે. આવાં ફૂલોનો ગજરો બનાવી હું કોઈ અક્કડને સૂંઘતાં અને ‘વાહ! કેવી સુગંધ છે’, એમ કહેતાં સાંભળું છું, ત્યારે મને ખૂબ જ દુ:ખ થાય છે.

* સ્ત્રીઓએ આમ સહેલાઈથી મિજાજ ગુમાવી બેસવો ન જોઈએ. તેમણે સહનશીલ થતાં શીખવું જોઈએ. નાનપણમાં મા-બાપ તેમનાં રક્ષણકર્તા છે અને યુવાનીમાં તેમના પતિ. મોટે ભાગે સ્ત્રીઓ બહુ લાગણીપ્રધાન હોય છે. એકાદ શબ્દથી તેઓ મન પરનો કાબૂ ખોઈ બેસે છે. અને આ જમાનામાં શબ્દો તો બહુ સસ્તા થઈ ગયા છે! સ્ત્રીઓએ ધીરજ કેળવવી જોઈએ અને મુશ્કેલીઓ હોય છતાં માબાપ અથવા પતિ સાથે સમાધાનથી વર્તવું જોઈએ.

* એક દિવસ એક સ્ત્રીભક્તે પોતાની કન્યાને પરણવાની આજ્ઞા કરવા માતાજીને વિનંતી કરી. આ સાંભળી માતાજીએ જવાબમાં કહ્યું : જિંદગીભર બીજાની ગુલામી કરવી અને તેની મરજી અનુસાર નાચવું, એ શું દુ:ખરૂપ નથી? એ ખરું છે કે બ્રહ્મચારિણી તરીકેના જીવનમાં થોડું જોખમ રહેલું છે, તેમ છતાં જો કોઈને સંસારી જીવન ગાળવાની ઇચ્છા ન હોય, તો તેના પર બળજબરી કરી તેને જિંદગીભરની દુનિયાદારીમાં ધકેલી ન દેવી જોઈએ. જે કન્યાઓને સંપૂર્ણ ત્યાગના આદર્શ ઉપર અનુરાગ થયો હોય તેને બ્રહ્મચારિણીનું જીવન ગાળવાનો ઉત્સાહ આપવો જોઈએ.

* બેટા! તું ખૂબ નસીબદાર છે કે તને માનવજન્મ મળ્યો છે. ઈશ્વર ઉપર પ્રગાઢ ભક્તિ રાખીને ખૂબ મહેનત કરવી જોઈએ. પ્રયત્ન વિના કંઈ કેવી રીતે મેળવી શકાય? ઘરનું કામકાજ દિવસભર હોય તો પણ પ્રાર્થના માટે થોડો સમય ફાજલ પાડવો જોઈએ. હું દક્ષિણેશ્વરમાં રહેતી એ દિવસોમાં કામનો પાર ન હતો; તેમ છતાં મારાં પ્રાર્થના, ધ્યાન ચાલુ જ રહેતાં.

* પતિ, પુત્ર અને દેહ - બધું માયા છે. એ બધાં માયાનાં બંધન છે. જ્યાં સુધી તમે એમાંથી છૂટો નહીં, ત્યાં સુધી તમને મોક્ષ મળે નહીં. દેહ પરનો મોહ, દેહાત્મભાવ પણ છેવટે જવો જ જોઈએ. બેટા! આ શરીર શું છે? (બળી ગયા પછી) એ તો માત્ર ત્રણ શેર રાખ જ છે, તો પછી તેને માટે આટલો ગર્વ શો? શરીર ગમે તેટલું સારું હોય, પરંતુ તેનું છેલ્લું પરિણામ તો માત્ર ત્રણ શેર રાખ જ છે. અને તેમ છતાં તેના પર માણસોના મોહનો પાર નથી!

* અમુક માણસને સાધુ થઈ જવાનું ઉત્તેજન આપવા માટે કોઈ બાઈ માતાજી ઉપર દોષારોપણ કરવા લાગી અને કહેવા લાગી : ‘પરણવું અને ગૃહસ્થ તરીકે ઠરીઠામ થવું એ પણ ધર્મનું જ અંગ છે.’ તેને શ્રીમાએ કહ્યું: ‘ધ્યાન રાખ, મ.., આ બધાં દેવશિશુઓ છે. વણસૂંઘેલ પુષ્પોની માફક એ બધાં સંસારમાં પૂર્ણપવિત્ર રહેવાનાં છે. એનાં કરતાં બીજું વધારે સારું શું? તેં પોતે તો જોયું છે કે સંસારી જીવનમાં કેવુંક સુખ છે? આ બધા દિવસોમાં મારી પાસેથી તું શું શીખી છે? ગૃહસ્થજીવન માટે આટલું બધું આકર્ષણ શા માટે? પશુભાવ માટે આટલી બધી લોલુપતા શા માટે? તેમાંથી તને કેવું સુખ મળે છે? સ્વપ્નમાં પણ તને જીવનના પવિત્ર આદર્શનો વિચાર આવી શકતો નથી? હજી પણ તારા ધણી સાથે તું ભાઈબહેનની જેમ રહી શકતી નથી? ભૂંડની જેમ રહેવાની હજી પણ તને કેમ ઇચ્છા થાય છે? સંસારનાં આ દુ:ખો મને તો હાડોહાડ લાગી જાય છે.’

* એક દિવસ કોઈ સંન્યાસીની માએ માતાજીને કહ્યું કે, તમે મારા દીકરાને કહો કે તે સંસારમાં પાછો જાય. માતાજીએ તેને જવાબ આપ્યો: ‘સંન્યાસીની મા થવું એ તો ભારે મોટું ભાગ્ય છે. માણસોને પિત્તળનાં ઠોબારાંનો પણ મોહ છૂટતો નથી. સંસાર છોડવો એ શું સહેલી વાત છે? શા માટે તું ચિંતા કરે છે?’

* એક સ્ત્રીશિષ્યાને દીક્ષા આપ્યા પછી માએ કહ્યું હતું : ‘દીકરી! જો, સાધારણ રીતે તાજી વિધવા થયેલી બાઈને હું દીક્ષા આપતી નથી, પણ તારા સંબંધમાં મેં અપવાદ કર્યો છે. કારણ કે, તારામાં આધ્યાત્મિક ભાવ છે. જોજે કે આમ કરવા માટે મારે પસ્તાવું ન પડે. શિષ્યે કરેલાં પાપ ગુરુને ભોગવવાં પડે છે. નિયમસર મંત્રનો જપ કરતી રહેજે.’

* સાસરે જતી એક બાઈને માતાજીએ કહ્યું હતું: ‘કોઈની સાથે બહુ પરિચયમાં આવતી નહીં. કુટુંબના સામાજિક પ્રસંગોમાં બહુ ભાગ લેતી નહીં. એમ કહેતી રહેજે કે ‘હે મન! તું તારામાં જ મગ્ન રહે.’ બીજાની પંચાતમાં પડવું નહીં. ધીમે ધીમે ધ્યાન અને પ્રાર્થનાનો સમય વધારતી જજે.’

* બીજી એક સ્ત્રી ભક્તને માતાજીએ નીચે પ્રમાણે ચેતવણી આપી હતી:

‘કોઈ પુરુષની સાથે કદી ગાઢ સંપર્કમાં આવવું નહીં - તારા બાપ કે ભાઈની સાથે પણ નહીં. તો પછી બીજાના સંબંધમાં તો કહેવું શું? જો હું તને ફરીથી કહું છું, તારે કોઈ પુરુષ સાથે ગાઢ પરિચયમાં આવવું નહીં. ભલેને સ્વયં ઈશ્વર એ વેશ ધરીને આવે.’

* એક બાઈ કોઈ છોકરાને ખોળે લેવા ચાહતી હતી તેને શ્રીમાએ કહ્યું :

‘એવું પગલું ભરતી નહીં. બીજા પ્રત્યે પોતાની ફરજ બજાવવી, પણ પ્રેમ તો બસ ઈશ્વર ઉપર જ રાખવો. સાંસારિક પ્રેમનું પરિણામ અપાર દુ:ખ સિવાય બીજું કશું જ આવતું નથી.’

* જો કોઈ માનવીને ચાહશો તો તેને માટે દુ:ખ ભોગવવું પડશે. જે માત્ર ઈશ્વરને જ ચાહે તેનું જીવતર ધન્ય છે. ઈશ્વરને ચાહે તેમાં દુ:ખ નથી.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda