Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

જગજ્જનની

ભાઈઓમાં સસરાના નાના ઘરના અંદરોઅંદર ભાગ પડી ગયા. વળી ગામમાં મૂર્ખ લોકોની અકારણ ટીકાઓ તથ કુટુંબકલેશ વગેરેને કારણે કામારપુકુરમાં રહેવાનું ‘મા’ને આકર્ષણ રહ્યું નહોતું. એટલે માતાજીનો નિવાસ જયરામવાટી અને કોલકાતામાં વહેંચાઈ જતો. તેમાંય કોલકાતામાં માતાજીનો નિવાસ હોય ત્યારે લોકોને તેમની પાસે જવું વધુ અનુકૂળ પડતું. ભારતના દૂર દૂરના પ્રાંતોમાંથી જ નહીં પરંતુ અમેરિકા, ઈંગ્લેન્ડથી પણ નરનારીઓ દર્શનાર્થે તથા દીક્ષા લેવા માટે આવતાં. એટલે પ્રથમ માતાજીના કોલકાતા નિવાસનું એક રોજિંદું ચિત્ર રજૂ કરીશું.

શ્રીમા દક્ષિણેશ્વરમાં રહેતાં ત્યારથી સવારના ત્રણ વાગ્યે વહેલાં બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાની ટેવ પડી ગયેલી, તે આખી જિંદગી સુધી ટકેલી. શરીર સારું ન હોય તો પણ ત્રણ વાગે ઊઠીને હાથમોઢું ધોઈને પથારીમાં પડ્યાં પડ્યાં હરિનામ સ્મરણ કરતાં. શરીર સારું હોય ત્યારે શય્યાત્યાગ કરીને સૌથી પ્રથમ શ્રીરામકૃષ્ણની છબીનાં દર્શન કરતાં. ઊઠતી વખતે ઈશ્વરનાં નામોનો ઉચ્ચાર કરતાં, ત્યાર પછી શૌચ-સ્નાન વગેરે પ્રાત:કર્મ પતાવીને દેવને જગાડતાં. એ વખતે ક્યારેક વળી સૂર કાઢીને ગાતાં:

‘ઊઠો લાલજી, ભોર ભયો સુર-નર-મુનિ-હિતકારી;

સ્નાન કરો, દાન દેહું, ગો-ગજ-કનક-સુપારી.’

પછી દેવતાને ધૂપ તથા બાલ્યભોગ ધરાવીને પોતે જપ તથા ઘ્યાન કરવા બેસતાં.

સવાર સુધી જપ-ઘ્યાન કરીને પછી પૂજા માટેનાં ફૂલ ગોઠવીને થાળમાં મૂકવાં; બીલીનાં પાન, તુલસીદળ ધોવાં; કોઈ ઘસી આપનારું ન હોય ત્યારે ચંદન ઘસવું તથા પૂજાની અન્ય સામગ્રીઓ તૈયાર કરી રાખવી વગેરે કામ કરતાં.

પછી આઠેક વાગ્યે મા પૂજામાં બેસતાં. કલાકેક પૂજા કરીને નૈવેદ્ય ધરાવીને પછી ભક્તોને પ્રસાદ વહેંચવા માટે પતરાળીઓના ટુકડા નાના કરીને તેમાં પ્રસાદનાં ફળ, મીઠાઈ વગેરે ગોઠવીને સૌને પ્રસાદ આપતાં. તેમની પ્રસાદ વહેંચણીમાં ઘણી વખતે એવું જોવામાં આવતું કે પ્રસાદ લેનારને ગમતું ફળ કે મીઠાઈનો ટુકડો તેના પાંદડાંમાં હોવાનો. ત્યાર પછી જમવાની ઘંટી પડે ત્યાં સુધી ખાસ અંગત અને બહુ જ પરિચિત ભક્તો મા પાસે બેસીને સાધના સંબંધે અથવા શ્રીરામકૃષ્ણના જીવનની વિવિધ બીનાઓ વિષે પૂછતાં, અને મા સાદી વાતોમાં તેમના ઉત્તર આપતાં, તથા ક્વચિત્ અન્ય વ્યાવહારિક બાબતોની સૂચનાઓ પણ આપતાં.

બપોરે જમ્યા પછી આરામ લેવા માટે મા પથારીમાં આડાં પડતાં પણ ઊંઘવાનું ઓછું જ બનતું કારણ કે એ વખતે પોતપોતાનાં ઘરકામથી પરવારેલી સ્ત્રી ભક્તો આવતી. તેમને પાછું ચાર સાડાચાર વાગ્યે ઘેર પહોંચી જવાનું હોય, એટલે એ વખતે મા બિછાનામાં પડ્યાં પડ્યાં જ સૌની સાથે વાતો કરતાં.

સાડા ત્રણ વાગે એટલે મા ઊઠીને પોતાનાં વસ્ત્રો ધોઈ આવતાં, પછી હાથપગ ધોઈને દેવને જગાડતાં. ત્યાં તો બીજી સ્ત્રીભક્તો આવવા લાગતી. મા પોતે માળા લઈને જપ કરવા બેસતાં. ક્વચિત્ કોઈકના પ્રશ્નનો ખુલાસો કરતાં.

સાડા પાંચ વાગ્યે પુરુષ ભક્તોને માનાં દર્શન માટે બોલાવવામાં આવતા. એ વખતે મા વસ્ત્ર વડે આખું શરીર ઢાંકીને પાટ પર બેસતાં, પગ નીચે ખુલ્લા ને ઝૂલતા રાખતાં. એ વખતે સ્ત્રીભક્તોને ત્યાંથી ચાલ્યા જવું પડતું.

પ્રણામ કરતી વખતે કોઈ કોઈ ભક્તોએ પૂછેલા ‘મા, કેમ છો ?’ વગેરે કુશળ પ્રશ્નોના ઉત્તર મોટે ભાગે માથું હલાવીને આપતાં અથવા સાવ ધીમે સાદે એકબે શબ્દોમાં આપતાં. જે ભક્તને ખાસ કંઈક અંગત પૂછવાનું હોય તે સૌથી છેલ્લા રહેતા. ત્યારે જો તે ભક્ત બહુ પરિચિત હોય તો મા પોતે ધીમે અવાજે વાત કરતાં અને જો અપરિચિત હોય તો મા ધીમેથી જે બોલતાં તે બાજુમાં રહેલ સેવક મોટે અવાજે બોલી સંભળાવતા.

સંઘ્યાકાળ થાય એટલે મા પાછાં જપ કરવા બેસતાં. જપ પૂરો કર્યા પછીથી તે છેક દેવતાને રાત્રિનો ભોગ ધરવાનો સમય થાય ત્યાં સુધી જમીન પર ચટાઈ જેવું કંઈક પાથરીને આરામ કરતાં. માને વાનું ઓછુંવત્તું દરદ હંમેશાં રહ્યા કરતું, એટલે એ વખતે કોઈ સ્ત્રીભક્ત વાનું તેલ માલિશ કરી આપતી. રાત્રે શ્રીરામકૃષ્ણની છબિને ભોગ ધરાવીને શયન કરાવતાં દસનો સુમાર થઈ જતો. અને ભોજન કરીને સૂવા જતાં અગિયાર, ક્યારેક સાડા અગિયાર પણ વાગી જતા.

શ્રીમા જ્યારે જયરામવાટીમાં હોય ત્યારે તેમની સાથે વાતચીતોનો તથા ઘર જેવા વાતાવરણનો સુયોગ કોલકાતા કરતાં વધારે મળતો. જયરામવાટીમાં હોય ત્યારે ભક્ત-સંતાનોના ઉતારાની તથા ખાવાપીવા વગેરેની વ્યવસ્થા મા પોતે જ કરતાં. સવારમાં જપઘ્યાનથી પરવારે એટલે સાત વાગ્યાથી તે નવ વાગ્યા સુધી ઓસરીમાં બેઠાં બેઠાં મા શાકભાજી સમારતાં હોય. એ વખતે માનું સ્વરૂપ એવું તો સ્નેહમાધુર્યથી ભર્યું લાગતું કે જેઓને એક વાર એવી રીતે તેમના સાન્નિઘ્યમાં બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું તેઓ માનો નિવાસ કોલકાતામાં હોય ત્યારે પત્ર દ્વારા ‘મા દેશમાં પાછાં ક્યારે પધારવાનાં છે ?’ એમ પુછાવતા.

નવેક વાગ્યે મા પોતાના ગામની બહારની નાની નદી ‘આમોદર ગંગા’માં સ્નાન કરી આવીને પૂજામાં બેસતાં. પૂજા પૂરી થયે પ્રસાદ વહેંચતાં. ત્યાં પ્રસાદ તથા નાસ્તામાં સામાન્ય રીતે મમરા, પૌંઆ, ગામડામાં બનતી કોઈક સાધારણ મીઠાઈ હોય, તો કેટલીક વખત વળી શીરો કરી આપતાં; કદીક વળી ગામડામાં મળતું ઋતુ પ્રમાણેનું ફળ-મૂળ પણ હોય, અથવા ભક્તો લાવ્યા હોય તે કંઈક હોય.

જયરામવાટીમાં રસોઈ ઘણી વાર મા પોતે જ કરતાં. તેમની રસોઈની એક વિશેષતા હતી કે મીઠું, મરચું, મસાલો વગેરે જરાક ઓછું હોય. પાકી કેરી ‘સહેજ ખટુંબરી-મીઠી’ માને વધુ પસંદ હતી. પોતાને ત્યાં આવેલાં ભક્ત-સંતાનોને જમાડીને પછી પોતે જમવા બેસતાં. કોઈક વાર ભક્તને નજીકના ગામમાં કંઈક જરૂરી કામે મોકલ્યો છે અને કંઈક કારણસર સૂર્યાસ્ત થવા આવ્યો છતાં તે ભક્ત આવી પહોંચે નહીં, તો શ્રીમા તેની વાટ જોતાં આખો દિવસ જમ્યા વગર બેસી રહે ! મા અંતરથી પોતાનાં ભક્ત-સંતાનો પર આવો ગાઢ સ્નેહ રાખતાં છતાં બહારથી બધી બાબતમાં મલાજો, ગંભીરતા અને મર્યાદાપૂર્વક જ વર્તતાં. સામાન્ય રીતે સ્ત્રીભક્તોની હાજરીમાં પુરુષ ભક્તો રહે એ માને પસંદ નહોતું.

શ્રી રામકૃષ્ણ સંઘના પ્રચાર અને પ્રસારની સાથે શ્રીમા પાસે વિવિધ દેશનાં, વિવિધ ધર્મોમાં જન્મેલાં અનેક નરનારીઓ દીક્ષા લઈને ધન્ય થવા માટે આવતાં. તેમાં માત્ર હિંદુ જ નહીં, પરંતુ ખ્રિસ્તી, પારસી તેમજ મુસલમાન ભક્તો સુઘ્ધાં મા પાસેથી દીક્ષામંત્ર લઈને ઈશ્વરને માર્ગે આગળ વઘ્યા છે. નવાઈ તો ત્યારે લાગતી કે મા પોતે ગ્રામ્ય બંગાળી સિવાય બીજી ભાષા બોલી શકતાં નહીં, જ્યારે દીક્ષા લેવા આવનાર બંગાળી ભાષાથી તદ્દન અપરિચિત હોય, તામિલ કે પોતાની પ્રાંત ભાષા સિવાય બીજી ભાષા પણ ન જાણતા હોય ! પરંતુ દીક્ષા લેનારના શબ્દો પાછળનો ભાવ મા બરાબર સમજી જતાં અને પોતે બંગાળીમાં બોલતાં છતાં માના કહેવાનો મર્મ શિષ્યને બરાબર હૃદયંગમ બની જતો. એ વિષે મા કહેતાં : ‘કોણ સારું, કોણ ખરાબ, કોણ કેવું એ હું બધું જાણું.’ દીક્ષા લેવા આવનારના મનની અંદરના સંસ્કારો માતાજીની પાસે કાચના કબાટની અંદરની રહેલી વસ્તુ જેવા હતા. ખૂબ સત્ત્વગુણી અંત:કરણવાળી વ્યક્તિને જોઈને, પછી ભલે તેની ઉંમર નાની હોય અને એ વ્યક્તિએ પોતે દીક્ષા માગી પણ ન હોય, તો પણ ક્વચિત્ માતાજીએ પોતે જ પોતાની મેળે તેને દીક્ષા આપીને સાધનામાર્ગે ચડાવેલ છે. જ્યારે કોઈ કોઈ વાર તો દીક્ષા લેવા આવેલ વ્યક્તિની ઘણી વિનંતી તથા બીજા પરિચિત ભક્તોની ભલામણોને લીધે ન છૂટકે માએ દીક્ષા આપી છે, અને દીક્ષાર્થીને કહ્યું છે : ‘જપ, ઘ્યાન, સાધન, ભજન કરતાં રહેજો; જોજો મને ડુબાડતાં નહીં !’

પરંતુ જેનું સહાયક બનવા આ દુનિયામાં કોઈ જ તૈયાર ન હોય એવી દુરાચારી, પાપી વ્યક્તિઓ અંતરના પસ્તાવાપૂર્વક જ્યારે મા પાસે આવીને રડી છે, ત્યારે તેમને તો માએ દીક્ષા પણ આપી છે અને આમ કહ્યું પણ છે : ‘તમારાં બધાં પાપ મને આપી દો.’

વળી વહેવારનાં લફરાંમાં ગૂંચવાઈ પડીને જપઘ્યાન નિયમિત ન કરી શકવાને લીધે ઢીલાં, ઉત્સાહરહિત તથા નિરાશ થઈ પડેલાં ભક્તસંતાનોને અભયદાન આપીને માએ કહ્યું છે : ‘બીવું શાને ? હંમેશાં યાદ રાખજો કે તમારી પાછળ એ મહાશક્તિ રહેલી છે !’

આમ એ મહાશક્તિનો શક્તિસંચાર કેટકેટલાં વરસ સુધી એકધારો ચાલુ રહ્યો. અનેક લોકો આઘ્યાત્મિક માર્ગે ચડ્યા, કેટલાય મુક્ત થયા, અસંખ્યને સંસારમાં શાંતિ સાંપડી.

પરંતુ અઘ્યાત્મરાજ્યનો એ અવિચળ નિયમ છે કે દીક્ષા વખતે ગુરુની આઘ્યાત્મિક શક્તિ શિષ્યમાં જાય અને શિષ્યનાં પાપ દીક્ષા લેનાર ગુરુમાં આવે. શ્રીમાએ તો શિષ્યોનાં પાપ સ્વેચ્છાએ ખોળો પાથરીને લીધેલાં. એ બધાં એમના શરીર પર રોગોરૂપે ભોગવાતાં ગયાં. એક પછી એક મંદવાડો માતાજીના શરીરને ઘસતા ગયા અને દેહ જીર્ણશીર્ણ થતો ગયો. એ આવી રીતે લોકોને ઈશ્વરાભિમુખ કરવાના કલ્યાણયજ્ઞનો હોમ કરતાં કરતાં જ્યારે શરીરમાં કંઈ જ ન રહ્યું ત્યારે માયાનાં સર્વ બંધન છોડી દીધાં. કોઈ પણ સગાંવહાલાંને પોતાની પાસે આવવાની કડક મનાઈ કરી દીધી. પોતાના ભક્તોના આઘ્યાત્મિક કલ્યાણનો ભાર પોતાના અનન્ય પાર્ષદ સ્વામી સારદાનંદજીના હાથમાં સોંપીને શ્રીમા ઈ.સ. ૧૯૨૦ના જુલાઈની ૨૧મી તારીખે મહાસમાધિમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવ સાથે મળી ગયાં.

આખા જીવન દરમ્યાન જે આદર્શનું પોતે પાલન કર્યું હતું તે જ આદર્શનો માનવજાતને સંદેશ આપતા શ્રીમાના અંતિમ શબ્દો આ હતા:

‘જો શાંતિ ઇચ્છતાં હો તો કોઈના દોષ જોતાં નહિ, દોષ જોજો પોતાના. જગતને પોતાનું કરી લેતાં શીખો. કોઈ પારકું નથી, જગત છે તમારું.’

બેલુર મઠમાં માતાજીના દેહનો જ્યાં અગ્નિસંસ્કાર થયો હતો એ સ્થળ ઉપર આજે એક શુભ્ર, સુંદર મંદિર ઊભું છે. હજારો યાત્રીઓ દર્શને આવે છે. માતાજીનું ચૈતન્ય સ્વરૂપ આ મંદિરમાં વસે છે ને આશીર્વાદ આપીને કહે છે : ‘આ જગતમાં કોઈ પરાયું નથી. કોઈ અપરિચિત નથી.’

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda