Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

વિશ્વમાતા

પરમહંસદેવે સ્વધામગમન કર્યું અને સાથે સાથે પોતે સૂક્ષ્મ શરીરે અહીં જ છે એવો પરિચય આપતા ગયા. છતાં સ્થૂલ શરીરે તેમના મૃત્યુના આઘાતની અસર શ્રીશારદાદેવી પર ક્યારેક ક્યારેક પ્રબળ બની જતી. એટલે મનને શાંત કરવા શ્રીમા કેટલાંક ભક્ત સ્ત્રી-પુરુષોને લઈને તીર્થયાત્રાએ નીકળ્યાં. એ વખતે શ્રીમાનું વય તેત્રીસ વરસનું હતું. લગભગ એક વરસ વૃંદાવનમાં ગાળ્યું. વચ્ચે હરદ્વાર તથા જયપુરના ગોવિંદજીનાં દર્શન કરી આવ્યાં. પછી પાછાં કોલકાતા થઈને કામારપુકુરમાં આવ્યાં.

હવેથી તેમના કષ્ટપૂર્ણ અને તપસ્વી જીવનનો આરંભ થયો. કામારપુકુરના ઘરમાં બીજું કોઈ નહોતું. કારણ કે ભત્રીજો રામલાલ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પૂજારી હતો એટલે એ ત્યાં રહેતો. તેની મા વગેરે (શ્રીશારદાદેવીનો વચેટ જેઠાણી તથા તેમનો પરિવાર) તેની સાથે દક્ષિણેશ્વરમાં રહેતાં. એટલે અહીં કામારપુકુરના ઘરમાં શ્રીમાને સંગાથ આપવાવાળું કોઈ નહોતું અને તેમને બહુ જ એકલું લાગતું. પરંતુ અહીં તેમને અવારનવાર પરમહંસદેવ શ્રીરામકૃષ્ણનાં દર્શન થતાં. એ અરસામાં જ એક દિવસ શ્રીરામકૃષ્ણે દર્શન દઈને કહ્યું: ‘કામારપુકુરમાં રહેજો, ઘરના આંગણાની ખાલી જગામાં શાક-ભાજી વાવજો. એ શાક-ભાત ખાજો અને હરિનામ લેજો.’ ભત્રીજા રામલાલે એ વખતે તેમને કંઈ પણ મદદ કરવાનું તો દૂર રહ્યું, પણ વૃંદાવનની યાત્રાએ ગયાં એ દરમિયાનમાં કાલીમંદિરના ખજાનચીને તેણે એવું સમજાવ્યું : ‘કાકી (શ્રીમા)ને તો ભક્તો પાસેથી ઘણુંય મળે છે.’ પરિણામે શ્રીરામકૃષ્ણના પૂજારીપદના પગારના જે સાત રૂપિયા ચાલુ રાખીને શ્રીમાને આપવામાં આવતા, તે બંધ કરવામાં આવ્યા. કેટલાક ભક્તોને એ ખબર પડતાં તેમણે ઠરાવ્યું કે ગુરુપત્ની તરીકે માતાજીને મહિને દસ રૂપિયા એકઠા કરીને આપવા. પરંતુ એ ઠરાવમાં જ રહ્યું. એનો અમલ ન થયો. એ અરસામાં માતાજીના દિવસો એવા ગયા કે ભાતમાં ભેળવીને ખાવા ઘરમાં મીઠું ન મળે! આમ કષ્ટમય દિવસો પસાર થવા લાગ્યા, પરંતુ મન વધુ ને વધુ સાધનાપરાયણ થવા લાગ્યું અને શ્રીમા દિવસનો મોટો ભાગ જપ-ઘ્યાનમાં વિતાવતાં.

સમયના જવા સાથે પરમહંસદેવના ભક્તોને માતાજીનો ખ્યાલ આવવા લાગ્યો અને કોલકાતાથી કેટલાક ભક્તોનાં અતિ આગ્રહભર્યાં તેડાં આવવા લાગ્યાં. એટલે શ્રીમા કોલકાતા આવીને ભક્ત બલરામબાબુને ઘેર આવીને રહ્યાં. ત્યાં એક દિવસ અગાસી ઉપર માતાજી ઘ્યાન કરતાં કરતાં સમાધિસ્થ થઈ ગયાં. બાહ્યભાનમાં આવ્યા પછી બોલ્યાં, ‘જોયું, કયાંય ચાલી ગઈ છું. ત્યાંનાં બધાં મારી કેટલી આગતા-સ્વાગતા કરી રહ્યાં છે. મારું સ્વરૂપ પણ અતિશય સુંદર થઈ ગયું છે. ઠાકુર (શ્રીરામકૃષ્ણ) ત્યાં જ રહેલા છે. મારું સ્વાગત કરીને મને તેમની બાજુમાં બેસાડી. એ વખતના આનંદનું વર્ણન હું કરી શકતી નથી. થોડુંક ભાન આવતાં મેં જોયું કે આ શરીર અહીં પડેલું છે. ત્યારે વિચાર આવ્યો કે આવા ગંદા શરીરમાં કઈ રીતે પ્રવેશ કરવો ? એની અંદર પ્રવેશ કરવાની જરાય ઇચ્છા થતી નહોતી. કેટલીય વારની મનની આનાકાની પછી એમાં પ્રવેશ કરી શકી, અને આ શરીરમાં ચેતના આવી.’

ત્યાર પછી થોડા દિવસોમાં ભક્તોએ નીલાંબર બાબુનું મકાન ભાડે લીધું અને માતાજીને ત્યાં રાખ્યાં. ત્યાં છએક માસ રહ્યાં. એ મકાનમાં રહેતાં હતાં ત્યારે એક દિવસે શ્રીમા નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યાં ગયેલાં. એ અવસ્થામાંથી સહેજ નીચી ભૂમિએ આવતાં બોલી ઊઠ્યાં : ‘અરે યોગીન, મારા હાથ ક્યાં ? પગ ક્યાં ?’ યોગીનમાએ તેમના હાથપગ દાબી દાબીને દેખાડ્યા કે : ‘આ રહ્યા તમારા પગ, આ રહ્યા તમારા હાથ.’ છતાંય તે દિવસે માતાજીને દેહભાન પાછું આવતાં બહુ જ સમય લાગેલો.

માતાજી કહેતાં કે ‘એ દિવસોમાં મને દિવ્ય દર્શનો થતાં, મન જ્યોતિમાં લીન થતું. જો બેચાર દિવસ વધારે એ ભાવ રહ્યો હોત, તો શરીર ટકત નહીં.’

અહીં જ એક વખતે શ્રીમાએ પંચતપા કરેલ. એ ઘટના આવી છે: પરમહંસદેવના અંતર્ધાન થયા પછી શ્રીમા જ્યારે કાશીયાત્રાએ ગયેલાં ત્યારે એક ભૈરવી તેમની પાસે આવતી; એ જાતજાતનાં વ્રત-અનુષ્ઠાનોમાં કુશળ હતી. માતાજીની માનસિક અવસ્થા જોઈને તેણે એક દિવસે સલાહ આપી, ‘શોકનિવારણ માટે તમે પંચતપા કરો.’ આ સાંભળીને માતાજીને એમ થવા લાગ્યું કે કઠોર તપ કરવાથી મનની અંદરનો શોકાગ્નિ ઓછો થઈ જશે. વળી જાણે કે શ્રીરામકૃષ્ણના શબ્દો પણ કાનમાં સંભળાવા લાગ્યા ‘તમારે હજી જીવતાં રહેવાનું છે !’

એ પછી શ્રીમા યાત્રાએથી પાછાં કામારપુકુર આવ્યાં. ત્યાં તેઓ રોજ જોતાં કે માથે રૂક્ષ કેશ, ગળામાં રુદ્રાક્ષની માળા અને અંગે ભગવાં વસ્ત્રધારી એક બારેક વરસની કન્યા તેમની આગળ-પાછળ ક્યારેક ક્યારેક સાથે ફર્યા કરે છે. વળી જટા તથા દાઢી મૂછવાળા સુવર્ણવર્ણ પ્રશાંત એક સંન્યાસીનાં દર્શન ઘણી વાર થતાં. તેણે પણ વારંવાર કહેવા માંડ્યું : ‘પંચતપા કરો.’

એ વખતે માતાજીએ એ વાત પર ખાસ ઘ્યાન ન આપ્યું, પરંતુ નીલાંબર બાબુના મકાનમાં રહેતી વખતે એ અચાનક સ્ફુરી આવ્યું. એટલે તે વિષે તેમણે પોતાનાં સાથીદાર યોગીનમાને પૂછ્યું. તેમણે કહ્યું ‘છ છ ફૂટને અંતરે ગાયના છાણથી લીંપીને એક મોટો ચતુષ્કોણ તૈયાર કરવો. તેના પર રંગોળી કરીને સુશોભિત કરવો. પછી તેના ચારે ખૂણે અડાયાં-છાણાંના ચાર અગ્નિ સળગાવવા અને ગ્રીષ્મકાળનો સૂર્ય હોય ત્યારે સવારમાં ગંગા સ્નાન કરીને તેની વચમાં બેસી જવું, તે ઠેઠ સંઘ્યાકાળ સુધી. આને પંચાગ્નિ તપ કહે છે.’ માતાજીએ એ અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું અને એક પછી એક સાત દિવસ સુધી ભરઉનાળામાં એ તપ કર્યું. બાજુમાં યોગીનમા પણ બેસતાં. એ તપને પરિણામે માતાજીનું શરીર સાવ રૂક્ષ થઈ ગયું. પરંતુ હૃદયમાં એમને પરમશાંતિનો અનુભવ થયો. ચહેરો તપની જ્યોતિથી તેજસ્વી દેખાતો. નવાઈ જેવું કે પેલી ભગવાં વસ્ત્રવાળી કિશોરી સંન્યાસિની તથા વૃદ્ધ સંન્યાસી પણ ત્યાર પછી દેખાતાં બંધ થઈ ગયાં.

આ દિવસોમાં જ એક દિવસ માતાજીને એક અદ્ભુત દિવ્ય દર્શન થયેલું. તેમણે જોયું કે પરમહંસદેવ ચાલ્યા આવીને ગંગામાં ઊતર્યા તથા તેમની પાછળ પાછળ સ્વામી વિવેકાનંદ વગેરે તેમના સંન્યાસી શિષ્યો પણ આવ્યા. પરમહંસદેવનો દેહ ગંગાના જળમાં ઓગળી ગયો અને સ્વામી વિવેકાનંદ એ ગંગાજળ લઈને ખોબા ભરી ભરીને આજુબાજુ અસંખ્ય લોકો પર ‘જય શ્રીરામકૃષ્ણ’ ‘જય શ્રીરામકૃષ્ણ’ એમ બોલીને છાંટી રહ્યા છે તેમજ એ લોકોના ચિત્તમાંથી પાપ દૂર થતાં જાય છે. એ દિવ્યદર્શને માતાજીના મન પર એટલી બધી અસર કરેલી કે કેટલાય દિવસ સુધી તો માતાજી ગંગામાં પગ મૂકી શકતાં નહીં અને કહેતાં ‘એ ઠાકુરનો દેહ, એમાં પગ શી રીતે મૂકું !’

એ ઉપરાંત તીર્થયાત્રા તથા બીજી અનેક જાતની તપસ્યાને પરિણામે અઘ્યાત્મ માર્ગની આંટીઘૂંટીઓ બરાબર જાણીને ભવિષ્યમાં શ્રીમાએ જે આઘ્યાત્મિક નેતૃત્વ સંભાળવાનું હતું, એ માટે તૈયાર થયાં અને પરમહંસદેવે આરંભેલા લોકકલ્યાણના મહાન કાર્યનો ભાર સંભાળી લેવાને સમર્થ થયાં.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda