Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

સદાસુહાગિની

‘એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી’ એમ કોઈકે ગાયું છે, એ સૌના જીવનમાં સાચું છે. સુખ કે દુ:ખ ક્યારેય શાશ્વત હોતું નથી, અવતારી પુરુષોના જીવનમાં સુદ્ધાં.

ઈ.સ. ૧૮૮૫ના ઉનાળામાં શ્રીરામકૃષ્ણને ગળાની વેદના શરૂ થઈ. ડૉક્ટરોએ કેન્સરનું નિદાન કર્યું. ઉપાયો કરવા છતાં એ મટવાનાં ચિહ્નો જણાયાં નહિ. શ્રીરામકૃષ્ણની સતત સંભાળ રાખવી પડે એવી સ્થિતિ હતી. એટલે એમને સારવાર માટે પ્રથમ શ્યામપુકુરમાં અને પછી હવાફેર માટે કાશીપુરના ઉદ્યાનભવનમાં ફેરવ્યા. માતાજી અહીં શ્રીરામકૃષ્ણ માટે અને એમની સેવામાં રહેતા શિષ્યો માટે રસોઈ કરતાં. નરેન્દ્ર (ભાવિ સ્વામી વિવેકાનંદ) અને બીજા કેટલાક શિષ્યો દિવસ ને રાત ગુરુદેવની સેવામાં રહેતા. પરંતુ શ્રીરામકૃષ્ણે જાણે કે અંતર્ધાન થવાનો નિર્ણય કરી લીધો હતો. પોતાના મહાસમાધિ-કાળની સૂચક આગાહીઓ તેમણે પાંચ વરસ પૂર્વે જ કરી રાખી હતી. તેમણે કહ્યું હતું, ‘જ્યારે તમે જુઓ કે હું જેના તેના હાથનું ખાઉં છું, કોલકાતામાં રાત્રિ ગાળું છું, ખાવાની ચીજના અગ્રભાગ પહેલાં બીજા કોઈને આપીને પછી હું ખાઉં છું તથા જ્યારે જુઓ કે ઘણા લોકો મને દેવતારૂપે માને છે, શ્રદ્ધાભક્તિપૂર્વક મારી પૂજા કરે છે, ત્યારે જાણજો કે આનો (પોતાનો) અંતર્ધાન થવાનો સમય આવી ગયો છે.’

શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વર છોડ્યું તે પહેલાં જ ત્રણ બાબતોની તો સાબિતી મળી ગઈ હતી. કોલકાતામાં બલરામબાબુને ઘેર ક્યારેક રાત્રિવાસ પણ થવા લાગ્યો હતો અને કાશીપુરમાં રહેતી વખતે ચોથી આગાહીની ખાતરી મળી. તે આ પ્રમાણે છે: એક વખતે કેટલાક ભક્તો દક્ષિણેશ્વર ગયા. ત્યારે તેમને ખબર પડી ‘ઠાકુર તો સારવાર માટે કાશીપુર પધાર્યા છે.’ એટલે એ ભક્તોએ સાથે આણેલી મીઠાઈ દક્ષિણેશ્વરના તેમના ઓરડામાં શ્રીરામકૃષ્ણના ફોટા આગળ ધરાવીને પ્રસાદ લીધો. એ સમાચાર કાશીપુર પહોંચ્યા એટલે શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા : ‘એ લોકોએ ત્યાં કાલીને ભોગ ન ધરાવતાં (મારી) છબીને શા માટે ધરાવ્યો ?’

એ સાંભળીને શ્રીશારદાદેવી વગેરેને અમંગળ થવાની બીક લાગી. એટલે શ્રીરામકૃષ્ણ બોલ્યા: ‘અરે, તમે કોઈ ચિંતા કરો મા. હવેથી ઘેર ઘેર મારી પૂજા થશે. સાચું કહું છું-સમ ખાઈને કહું છું.’ શ્રીરામકૃષ્ણે આ પ્રથમ વાર ‘મારી પૂજા’ શબ્દનો પ્રયોગ કર્યો ! શ્રીશારદાદેવીને સમજવામાં બાકી રહ્યું નહીં કે શ્રીરામકૃષ્ણ હવે આ મૃત્યુલોક છોડવાની તૈયારી કરી રહ્યા છે !

પરંતુ માણસને આશા છોડતી નથી. શ્રદ્ધા જાય તોય આશા ન જાય. અને એ કારણસર નિરાધારના આધારનું શરણ લીધા વિના કોઈ માણસ રહી શકે નહીં. વૈદ્ય-ડૉક્ટરોના હાથ હેઠા પડ્યા, હવાફેરથીયે કાંઈ ફેર પડ્યો નહીં. સારામાં સારી સારવાર સામે પણ જ્યારે રોગે મચક આપી નહીં, ત્યારે શ્રીશારદાદેવીએ છેલ્લો દેવતાઈ ઉપાય - હત્યાદાનનો - અજમાવવાનો નિર્ણય કર્યો. શ્રીરામકૃષ્ણે તેમાં વાંધો ન લીધો.

શ્રીશારદાદેવી ગયાં તારકેશ્વર. ત્યાં શિવજીની સામે અન્નજળનો ત્યાગ કરીને સાથરો કરીને સૂતાં. કાં તો પ્રાણત્યાગ કરવા ને કાં તો શિવજી ઉપાય બતાવે ! એક દિવસ ગયો, બે દિવસ ગયા; ત્રીજે દિવસે મઘ્યરાત્રિ વીત્યા પછી ગોઠવીને મૂકેલાં માટલાંના ઢગલામાંના એક પર દંડો મારીને ફોડી નાખવાનો જેવો અવાજ આવે તેવો વિચિત્ર અવાજ આવ્યો. એથી શ્રીશારદાદેવી જાગી ગયાં અને તેમના મનમાં થયું : ‘અરે, આ જગતમાં કોણ કોનો સ્વામી ? આ સંસારમાં કોણ કોનું છે ? કોને માટે અહીં હું દેહ ત્યાગ કરવા આવી છું ?’ એ વિચારની સાથે જ શ્રીશારદાદેવીના અંતરમાં તીવ્ર વૈરાગ્ય આવી ગયો. એ ઊભાં થઈ ગયાં અને શંકરની જળધારીમાંથી વહેતું અભિષેકનું જળ લઈને તેનું આચમન કરીને તરસે સુકાતું ગળું સહેજ ભીનું કર્યું. બીજે દિવસે સવારમાં એ તારકેશ્વરથી પાછાં કાશીપુર ચાલ્યાં આવ્યાં. આવતાં જ મજાકમાં માથું હલાવીને શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘કાં કાંઈ વળ્યું ? કાંઈ નહીં.’

કાશીપુરમાં જ એક દિવસ શ્રીશારદાદેવી શ્રીરામકૃષ્ણનું જ ભોજન લઈને ઉપર આવ્યાં. જુએ છે તો શ્રીરામકૃષ્ણ આંખો બંધ કરી પડ્યા છે. શ્રીશારદાદેવીએ કહ્યું : ‘હવે જમી લો, ઊઠો !’ શ્રીરામકૃષ્ણ જાણે કે કોઈક દૂર દૂરના દેશમાંથી આવીને ભાવની તંદ્રામાં શારદાદેવીની સામે તાકી રહ્યા હોય એમ તાકી રહ્યા. તેમને એમ તાકી રહેલા જોઈને માતાજીએ પૂછ્યું : ‘તમે કેમ આજે ઉદાસ દેખાઓ છો ? તમારા મનમાં જે કંઈ હોય તે મને કહોને ?’

આગ્રહભર્યે સ્વરે શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યા : ‘તમારે બસ કંઈ કરવાનું જ નથી ? બસ, બધું મારે જ કરવાનું છે ? જુઓ, જગતના લોકો જાણે કે અંધકારમાં કીડાની પેઠે ખદબદ ખદબદ કરી રહ્યા છે. તમે તેમને સંભાળો.’ શ્રીશારદાદેવી બોલ્યાં: ‘પણ હું એક સાવ સામાન્ય સ્ત્રી છું. મારાથી શું થઈ શકે ?, તરત શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો : ‘ના, ના, તમારે કેટલુંય કરવું પડશે. (પોતાને બતાવીને) આણે તે વળી શું કર્યું છે ? તમારે એથી ઘણુંય વધારે કરવું પડશે.’ એ વાતને વાળવા શ્રીશારદાદેવી બોલ્યાં: ‘એ જ્યારે થવાનું હશે ત્યારે થઈ રહેશે. તમે હવે જમી લો તો ?’ ઠાકુરે આ રીતે સૂચવ્યું કે શ્રીશારદાદેવીને એ લોકોના ઉદ્ધારની, શિષ્યોની સંભાળ રાખવાની છે. ભાવિ જવાબદારીની સોંપણી કરીને પછી ઊઠીને બેઠા.

ઈ.સ. ૧૮૮૬નો શ્રાવણ મહિનો લગભગ પૂરો થવા આવ્યો. શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથમાં શક્તિસંચાર કરીને ભાવિ કાર્યની સૂચનાઓ આપી દીધી. છેલ્લે દિવસે શ્રીશારદાદેવીને કહ્યું : ‘હવે જુઓ, બ્રહ્મભાવનું ઉદ્દીપન થાય છે, જાણે કે, હું ક્યાંય જઈ રહ્યો છું - પાણીની અંદર અંદર થઈને ખૂબ ખૂબ દૂર.’ શ્રીશારદાદેવી રડવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણ બોલ્યા: ‘તમને ચિંતા શી ? આ નરેન્દ્ર વગેરેએ મારી જેવી સંભાળ રાખી છે, તેવી જ તમારી પણ રાખશે.’

એ જ રાત્રે, શ્રાવણ વદ અમાસની મહાનિશા; ઈ.સ. ૧૮૮૬ના ઑગસ્ટની ૧૬મી તારીખની મધરાતે શ્રીરામકૃષ્ણે મહાસમાધિમાં પ્રવેશ કર્યો.

કાશીપુરના સ્મશાનમાં તેમના દેહને અગ્નિદાહ આપીને ચિતા ઠાર્યા પછી લઈ લીધેલી ભસ્મ તથા અસ્થિ એક તામ્રપાત્રમાં ભરીને તેમને શ્રીરામકૃષ્ણની પથારીમાં મૂકવામાં આવ્યાં.

સંઘ્યા સમયે શ્રીશારદાદેવી શરીર પરથી અલંકારો એક પછી એક કાઢવા લાગ્યાં. છેવટે જ્યાં સોનાનાં કંકણ કાઢવા જાય છે, ત્યાં એકદમ શ્રીરામકૃષ્ણ પ્રગટ થયા અને શ્રીશારદાદેવીનો હાથ પકડીને કહ્યું : ‘શું હું મરી ગયો છું, તે તમે સૌભાગ્યવતીનાં ચિહ્નો હાથમાંથી કાઢી નાખો છો ? હું તો એક ઓરડામાંથી હવે બીજા ઓરડામાં ગયો છું. બસ, એટલું જ !’

ત્યાર પછી શ્રીશારદાદેવીએ એ કંકણ કોઈ દિવસ કાઢ્યાં નહીં. ત્યારથી એ બે કડાં (ચિત્રોમાં તેમના હાથ ઉપર જુઓ છો તે) અને બારીક લાલ કિનારની સફેદ સાડી હમેશાં પહેરતાં. સદાસુહાગિની શ્રીમતી શારદાદેવીના ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ સદા વર્તમાન.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda