Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

બુદ્ધિશાળી પત્ની

‘ધન્યો ગૃહસ્થાશ્રમ:’ - શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધન્ય ગૃહસ્થાશ્રમનું મુખ્ય લક્ષણ એ કે પતિ અને પત્ની બંનેનો આદર્શ અને વિચારોમાં મેળ હોય તો સંસારનું ગાડું સરસ અને સરળ ચાલે. બંનેની બુદ્ધિમાં સામંજસ્ય જોઈએ. શારદાદેવી સ્કૂલ-કોલેજના ઉંબરા ઘસી નાખીને ભણ્યાં ન હતાં, પણ ગણ્યાં’તાં બહુ. કોઠાજ્ઞાન ને હૈયાઉકલતમાં એ પહેલો નંબર હતાં. તેમનામાં ભણતર કરતાં ગણતર કેટલી બધી વધુ માત્રામાં હતું! સાધારણ વાક્યમાંથી બોલનારનું મન પારખી લેવાની કળા કેવી અદ્ભુત રીતે તેમણે હસ્તગત હતી, એ દર્શાવનારી એકાદ બે ઘટનાઓ આપણે જોઈશું.

શ્રીશારદાદેવી જન્મ્યાં હતાં ગામડામાં, છતાં બુદ્ધિ ગામડિયા જેવી ન હતી. એમને માટે, પ્રસંગ આવ્યે પરમહંસદેવ કહેતા: ‘એ ભારે બુદ્ધિમતી.’ તેમના એ શબ્દો એમને એમ, માત્ર એ પોતાની પત્ની હતી એટલા માટે જ નથી નીકળ્યા, પરંતુ પોતાની પરીક્ષામાં પાસ થયા પછી જ એ ‘ડિગ્રી’ તેમને આપી છે. ઘટના આવી છે:

કોલકાતાથી કેટલાક માઈલ ઉત્તરે, ગંગાને પૂર્વ કિનારે, પાણિહાટિ નામના ગામમાં શ્રી ગૌરાંગ મહાપ્રભુના ત્યાં થયેલા આગમનની સ્મૃતિમાં, દર સાલ જેઠ સુદ તેરશની તિથિએ ‘રાઘવ પંડિતનો પૌંઆનો મહોત્સવ’ નામનો ગૌડીય સંપ્રદાય વૈષ્ણવોનો એક મોટો ઉત્સવ થાય છે. તે પ્રસંગે ત્યાં અનેક નામાંકિત સાધકો, ભક્તો, કીર્તનકારો વગેરે આવીને એકઠા થાય છે અને લોકોનો મોટો મેળો ભરાય છે.

અગાઉ તો શ્રીરામકૃષ્ણ દર વરસે એ ઉત્સવમાં જતા, પણ તેમના અંગ્રેજી ભણેલા ભક્તોનું આગમન શરૂ થયા પછી કેટલાંક વરસથી ત્યાં જવાનું બન્યું નહોતું. એટલે ઈ.સ. ૧૮૮૫ની સાલનો ઉત્સવ આવ્યો એટલે ઠાકુરે ભક્તોને કહ્યું : ‘ત્યાં તે દિવસે આનંદનો મેળો ભરાશે, હરિનામનું બજાર ભરાશે, તમે બધા ‘‘યંગ બેંગાલ’(બંગાળના નવયુવકો) એ તો કદી એવું દીઠું નહીં; માટે ચાલો, આ વખતે જોઈ આવીએ.’

યોજના પ્રમાણે આશરે પચીસેક ભક્તો ઉત્સવને દિવસે સવારના નવ વાગ્યા પહેલાં બે નૌકાઓ ભાડે કરીને દક્ષિણેશ્વર એકઠા થયા. શ્રીરામકૃષ્ણ માટે એક અલગ હોડી ઘાટે બાંધી રાખી હતી. કેટલીક સ્ત્રી-ભક્તો પણ વહેલી સવારમાં આવી જઈને શ્રીશારદાદેવીની સાથે મળીને આખી મંડળીની રસોઈ કરવાની વ્યવસ્થામાં લાગી ગઈ હતી. દસેક વાગ્યે બધાં જમી પરવારીને તૈયાર થઈ ગયાં.

આ બાજુ શ્રીરામકૃષ્ણે જમી લીધું. શ્રીશારદાદેવીએ એક સ્ત્રીભક્તની મારફત તેમને પુછાવી જોયું કે પોતે આવે કે નહીં, એ સાંભળીને સ્ત્રીભક્તને શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘તમે બધાંય તો આવો છો. જો એની ઇચ્છા હોય તો એ આવે.’ તે સ્ત્રીભક્તે જઈને શારદાદેવીને એ કહ્યું. એ સાંભળીને તે બોલ્યાં: ‘જુઓ ને, અહીંથી કેટલાંય માણસો સાથે જાય છે. વળી ત્યાં અતિશય ભીડ થવાની. એટલી બધી ભીડમાં નાવમાંથી ઊતરીને ઉત્સવ જોવાનું મારે માટે બહુ મુશ્કેલ થઈ પડે, એટલે હું આવવાની નથી.’

એટલે પછી તેમની રજા લઈને બીજી બધી સ્ત્રીભક્ત શ્રીરામકૃષ્ણવાળી નાવમાં બેસીને મહોત્સવ જોવા ચાલી ગઈ. આખો દિવસ ભજન-કીર્તન વગેરેનો આનંદ માણીને રાત્રે સાડા આઠ વાગ્યે સૌ પાછાં દક્ષિણેશ્વર આવી ગયાં. બીજે દિવસે પૂનમની સ્નાનયાત્રા તથા કાલીમંદિરની દેવીપ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હોવાથી તે જોવા માટે સ્ત્રીભક્તોએ રાત સુધી શારદાદેવી પાસે રોકાઈ જવાનું નક્કી કર્યું.

રાત્રે શ્રીરામકૃષ્ણ જમવા બેઠા ત્યારે પાણિહાટિનો પ્રસંગ નીકળ્યો. એટલે શ્રીરામકૃષ્ણ જમતાં જમતાં સ્ત્રી ભક્તોને કહેવા લાગ્યા: ‘ત્યાં એટલી બધી ભીડ, તેમાં વળી મને ભાવસમાધિ થાય એટલે સઘળા લોકો મને તાકીતાકીને જોયા કરે. એ (શારદાદેવી) સાથે ન આવ્યાં એ સારું જ કર્યું. એમને સાથે જોત તો લોકો ‘‘એલા, હંસ-હંસી આવ્યાં છે!’’ એ ભારે બુદ્ધિમતી !’’

શ્રીરામકૃષ્ણ જમી રહ્યા પછી સ્ત્રીભક્તોએ જઈને શ્રીશારદાદેવીને એ વાત કહી સંભળાવી. એટલે એ બોલ્યાં: ‘સવારે એમણે જે રીતે મને સાથે જવાનું કહેવરાવ્યું તેનાથી જ હું સમજી શકી હતી કે એ ખુલ્લે દિલે મને એ બાબતમાં અનુમતિ આપતા નથી. નહિતર તો એમ બોલત કે: ‘‘હા હા, જરૂર આવે એમાં વળી પૂછવાનું શું ’’ પરંતુ એમ ન કરતાં એ બાબતનો નિર્ણય કરવાનો ભાર મારા ઉપર મૂકીને બોલ્યા : ‘‘એની ઇચ્છા હોય તો આવે,’’ એટલે મેં નક્કી કર્યું કે જવાનો સંકલ્પ છોડી દેવો એ જ સારું.’

પોતાના પતિના આદર્શને પોતાનો કરવો, અને એમના જ શરીરની સગવડ તથા આરામને માટે અનાયાસે મળતી મોટી રકમનો માત્ર તેમના આદર્શને ખાતર ત્યાગ કરવો એ સ્ત્રીસ્વભાવને માટે સહેલું નથી. તેમાંય એનો સ્વીકાર કરવાની બાબતમાં પતિ તરફથી અનુમતિના આભાસ જેવું હોય તો તો એ એથીયે વધુ મુશ્કેલ બને.

પરંતુ મોઢાના શબ્દો પાછળનો ભાવ પારખવામાં શારદાદેવીની બુદ્ધિ ઘણી જ પારંગત હતી, એ દર્શાવનારી એક ઘટના શ્રીરામકૃષ્ણના શબ્દોમાં જ રજૂ કરીએ. શ્રીરામકૃષ્ણ કહે છે :

‘મારવાડી ભક્તે (બડા બજારના લક્ષ્મીનારાયણે) જ્યારે દશ હજાર રૂપિયા આપવાની ઇચ્છા દર્શાવી ત્યારે મારે માથે, જાણે કે, કરવત મૂકી દીધી હોય એવું મને થયું. મેં જગન્માતાને કહ્યું : ‘‘મા, આટલા બધા દિવસે વળી તું લક્ષ્મીથી લલચાવવા આવી ?’’

એ સાંભળીને મારવાડી બોલી ઊઠ્યો : ‘ત્યારે તો હજી આપને ત્યાજ્ય અને ગ્રાહ્ય છે.’

‘કોણ જાણે બાપુ, પણ હું તો જે તજું છું, તે કાયમને માટે જ.’ શ્રીરામકૃષ્ણ હળવેથી બોલ્યા.

એટલે તે મારવાડી ભક્તોએ તે રકમ ‘માતાજી’- (શ્રીશારદાદેવી)ના નામ પર મૂકવાની ઇચ્છા દર્શાવી અને હજાર હજારની દશ નોટોનું બંડલ કાઢીને નીચે મૂકી દીધું.

પરમહંસદેવ કહે છે :

‘એ વખતે એનું (શ્રીશારદાદેવીનું) મન જાણવા માટે મેં એમને તેડાવીને કહ્યું : ‘‘આમ જુઓ, આ (મારવાડી) રૂપિયા આપવા માગે છે. હું તો લઈ શકતો નથી એમ મેં કહ્યું, એટલે એ તમારે નામે આપવા માગે છે. તો તમને એમાં શું હરકત છે ? બોલો, શું કહો છો ?’’

સાંભળીને શ્રીશારદાદેવી બોલ્યાં: ‘એ કેમ બને ? રૂપિયા લેવાય નહીં. હું રૂપિયા લઉં એ તમારા લેવા બરાબર જ થાય ! કારણ કે હું રાખું એટલે તમારી સેવા અને બીજી જરૂરી બાબતોમાં વપરાયા વગર રહે જ નહીં, પરિણામે એ તમે લીધા બરોબર જ થાય. લોકો તમારા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ રાખે છે તે તમારા ત્યાગ માટે; માટે રૂપિયા કોઈ રીતે લેવાય જ નહીં.’

‘એ (શ્રીશારદાદેવી)નાં વચનો સાંભળીને મેં હા.... આશ કરીને છુટકારાનો શ્વાસ લીધો,’ પરમહંસદેવ પ્રસન્ન થઈને બોલ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda