Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Life Of Shri Ma Saradadevi

રસભર્યો સંસાર

‘પરમહંસદેવ તો ચોવીસે કલાક સમાધિમાં રહેતા, તેમને સંસારવહેવાર કે સ્ત્રી વગેરે સાથે શી નિસબત ? તેમને સંસારમાં વળી રસ શું હોય ?’ એવો ખ્યાલ કેટલાક લોકોનો હોય છે. એ ખ્યાલ કેટલો ભ્રામક છે અને શ્રીરામકૃષ્ણ તથા શ્રીશારદાદેવીનો સંસાર કેવો રસભર્યો હતો એ દર્શાવવા તેમના જીવનના કેટલાક પ્રસંગો જોઈએ.

દક્ષિણેશ્વર કાલીમંદિરમાં શ્રીરામકૃષ્ણના ઓરડાથી થોડેક અંતરે નોબતખાનાની નાની ઓરડીમાં શ્રીશારદાદેવી રહેતાં. એ જમાનામાં ઓઝલ પડદાનો રિવાજ હતો. એટલે ઓરડીની આજુબાજુની ઓસરીમાં ચક નાખીને ઘેરી લીધી હતી. એ ઓરડીને શ્રીરામકૃષ્ણ ‘માળો’ (પંખીનો) કહેતા. એ ‘માળા’માં શ્રીશારદાદેવીની સાથે તેમની ભત્રીજી લક્ષ્મી પણ અવારનવાર આવીને રહેતી. એ બંનેને શ્રીરામકૃષ્ણ ‘શુક-સારિકા’ (પોપટ-મેના) કહેતા. મંદિરમાંથી પૂજારી તરીકેનો પોતાના ભાગનો માતાજીનો પ્રસાદીનો થાળ જેવો ઓરડામાં આવતો કે તરત શ્રીરામકૃષ્ણ ભત્રીજા રામલાલને બૂમ મારીને કહેતા : ‘અરે રામનેલો ! ત્યાં માળામાં પોપટ-મેના છે; આ ફળફૂલ, પલાળેલા ચણા વગેરે લઈ જઈને તેમને આપી આવ.’

અપરિચિત લોકો જાણતા કે ખરેખર શ્રીરામકૃષ્ણે બે પક્ષી પાળેલાં છે. અરે, તેમની પાસે રહીને આખો દિવસ સત્સંગ કરનાર ‘માસ્ટર’ મહાશય પણ શરૂઆતમાં એ જ ભ્રમમાં પડ્યા હતા.

વળી કોઈક ભક્ત-મહિલાને માધ્યમ બનાવીને શ્રીરામકૃષ્ણ શ્રીશારદાદેવીની સાથે કેવો રંગ જમાવતા એ નીચેની ઘટનાથી જણાશે.

એ વખતે એક સ્ત્રી-ભક્ત ગૌરીદાસી ત્યાં નોબતખાનામાં શ્રીશારદાદેવીની સાથે કેટલાક દિવસથી રહેતાં હતાં. એ દરમિયાન એક દિવસ ત્યાં આવીને શ્રીરામકૃષ્ણ બોલ્યા : ‘કહે તો ગૌરીદાસી, તું અમારા બેમાંથી વધારે કોને ચાહે છે ?’ ગૌરીદાસી પણ કાંઈ ગાંજ્યાં જાય તેવાં નહોતાં. તેમણે તરત ગીત ઉપાડ્યું :

રાધાથી ન મોટા તમે, બાંકે બંસીધારી

જન પડે દુ:ખે જ્યારે,

બોલે મધુસૂદન ત્યારે,

તમ દુ:ખે, બંસી બોલે, ‘રાધા કિશોરી ?’

ગીતનો અર્થ સ્પષ્ટ જ છે. શ્રીશારદાદેવીએ તો શરમાઈ જઈને ગૌરીદાસીનો હાથ પકડીને દાબી રાખ્યો. શ્રીરામકૃષ્ણ પોતાની હાર કબૂલીને હસતાં હસતાં ચાલ્યા ગયા.

બીજો એક સરસ પ્રસંગ જોઈએ : એક દિવસ એક વ્યક્તિ (શ્રીયુત કાલીપદ ઘોષ)ની પત્ની અતિશય દુ:ખી અને વ્યથિત અંત:કરણે દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણ પાસે આવી. તેનો પતિ દારૂની લતે ચડી જઈને સર્વ પ્રકારે દુરાચારી અને દુષ્ટ બની ગયેલો હતો. આ મહિલાએ તો સાંભળેલું કે દક્ષિણેશ્વરમાં એક દેવી સાથે વાતો કરનારો સાધુ રહે છે. એ વખતે હજી કોલકાતાના લોકો શ્રીરામકૃષ્ણને વિશેષરૂપે જાણતા ન હતા. તે સ્ત્રીએ આવીને શ્રીરામકૃષ્ણ પાસે વિનંતી કરી : ‘મહારાજ, મારો સંસાર સળગી ગયો છે. ઘરવાળો અવળે રસ્તે ચડી ગયો છે. આપ દયા કરીને જો કંઈ ઔષધિ કે એવું કંઈક આપો કે જેથી એનું મન ફરી જાય, તો અમારું ઘર ચાલે.’

આવા કામમાં પડવું શ્રીરામકૃષ્ણના સ્વભાવની વિરુદ્ધ હતું અને ચોખ્ખી ના જ પાડી દેતા. પરંતુ એ વખતે એમના મનમાં જરા વિનોદની ઇચ્છા થઈ કે પછી એ સ્ત્રીની કાકલૂદીથી પીગળી ગયા, પણ તેને પાછી ન કાઢતાં શ્રીશારદાદેવી રહેતાં હતાં તે નોબતખાનાની ઓરડી બતાવીને બોલ્યા: ‘ત્યાં એક સ્ત્રી રહે છે; તેને તમારી બધી વાત પેટ ખોલીને કરજો; એ બરાબર ઔષધિ આપશે. મંત્ર, તાવીજ વગેરે બધું એ જાણે છે. એ બાબતમાં તેની શક્તિ મારા કરતાં વધારે છે.’ એમ કહીને બાઈને ત્યાં મોકલી. એ ત્યાં ગઈ.

શ્રીશારદાદેવી ત્યારે પૂજામાં બેઠાં છે, તેમનું મન સાંસારિક બાબતોથી પર અતિ ઉચ્ચ કરુણાપૂર્ણ ભાવરાજ્યમાં વિચરી રહ્યું છે. પેલી બાઈએ ત્યાં આવીને પોતાની કહાણી કહી સંભળાવી, અને શ્રીરામકૃષ્ણ બોલ્યા હતા તે કહ્યું. એ સાંભળીને શ્રીશારદાદેવી સમજી ગયાં કે ઠાકુરે વિનોદ કર્યો છે, પરંતુ તેમનાથી પણ એ દુ:ખી બાઈને ના પાડી નિરાશ કરીને ઘેર જવા કહેવાનું ન બન્યું. એટલે તેમણે કહ્યું : ‘હું તે વળી શું જાણું છું ? બેટા, એ જ બધી ઔષધિ ને ઉપાય જાણે છે; તું તેમની પાસે જા.’ પેલી બાઈ બિચારી સરળ હૃદયે ત્યાંથી પાછી શ્રીરામકૃષ્ણ પાસે આવી.

શ્રીરામકૃષ્ણ સમજી ગયા અને બોલ્યા : ‘ના રે ના, મારી પાસે આવવું નકામું છે. જે કાંઈ કરવાનું હોય છે તે બધું એ જ કરે છે, માટે તું ત્યાં જા.’

ગરજવાનને અક્કલ ન હોય, તેમ તે બિચારી દુખિયારી બાઈ વળી પાછી ધક્કો ખાઈને શ્રીશારદાદેવી પાસે ગઈ.

શ્રીરામકૃષ્ણે તેને પાછી પોતાની પાસે મોકલી જોઈને તથા ત્રણ ત્રણ ધક્કા ખાધા પછી બાઈની દયામણી અવસ્થા જોઈને શ્રીશારદાદેવીનું હૃદય પીગળી ગયું અને હવે તે બાઈના દુ:ખી અંતરને વધુ દુ:ખી ન થવા દેવું એમ થઈ ગયું. એટલે એ બાઈને પોતાની પાસે બેસાડીને આશ્વાસન આપ્યું અને પૂજામાં ચડાવેલું એક બીલીપત્ર લઈને તેના હાથમાં આપીને કરુણાભર્યા સ્વરે બોલ્યાં : ‘બેટા, આ લઈ જા, આનાથી જ તારી ઇચ્છા પૂર્ણ થશે.’

બાઈ એ આશીર્વાદ માથે ચડાવીને ઘેર ગઈ. એ અમોઘ આશીર્વાદને પ્રભાવે તેનો પતિ (તેને ‘દાનવકાલી’પણ કહેતા) પાછળથી શ્રીરામકૃષ્ણનો મહાન ભક્ત થયો.

પ્રસંગોપાત આવો રંગ-રસ જમાવવા છતાં શ્રીશારદાદેવી તરફ શ્રીરામકૃષ્ણ મશ્કરીમાં સુઘ્ધાં તોછડાઈ કદી પણ દર્શાવતા નહીં. તેમને તેઓ કેટલા બધા માનની દૃષ્ટિએ  જોતા તે શ્રીશારદાદેવીના શબ્દોમાં જ જોઈએ : ‘હું એવા સ્વામીની સાથે જોડાઈ હતી કે એમણે મને કદી ‘તું’કહીને બોલાવી નથી. ઠાકુરે મારા તરફ ફૂલનો ય ઘા કર્યો નથી; કદીયે ‘તમે’સિવાય બોલાવી નથી.’

એક દિવસ દક્ષિણેશ્વરમાં રાતને વખતે શ્રીરામકૃષ્ણનું ખાવાનું - પૂરી, રવાની ખીરનો વાટકો વગેરે થાળમાં મૂકીને શ્રીશારદાદેવી તેમના ઓરડામાં મૂકવા ગયાં. શ્રીરામકૃષ્ણનું એ બાજુ ઘ્યાન નહોતું. તેમણે જાણ્યું કે, તેમની ભત્રીજી આવી હશે, એટલે બોલ્યા : ‘કમાડ વાસતી જજે.’ શ્રીશારદાદેવી બોલ્યાં: ‘હા, બારણું બંધ કર્યું છે.’

તેમનો અવાજ કાને પડતાં જ શ્રીરામકૃષ્ણ સંકોચ પામીને બોલી ઊઠ્યા : ‘અરે, તમે છો ? મેં જાણ્યું કે લક્ષ્મી છે. તમે મનમાં કાંઈ લાવશો મા, હોં !’ અજાણતાં ‘દેતી જજો’ બોલાઈ ગયું તેમાંય આટલો સંકોચ ! બીજે દિવસે સીધા નોબતખાનાની ઓરડી સામે જઈને તેમણે શ્રીશારદાદેવીને કહ્યું : ‘જુઓ, કાલ આખી રાત મને ઊંઘ નથી આવી, એ જ ચિંતા થયા કરતી હતી કે શા માટે એવું તોછડું વચન કહ્યું.’

એટલું જ નહીં, પણ શ્રીશારદાદેવીએ એક દિવસે ભક્તોને કહ્યું : ‘ઠાકુરના પગ દાબવાનું હું પૂરું કરી રહું એટલે ઠાકુર (મને) પ્રણામ કરતા !’

ક્યાં અત્યારની પાશ્ચાત્ય પદ્ધતિની કહેવાતી સ્ત્રી સન્માનની ભાવના અને ક્યાં ઓગણીસમી સદીના, આ અભણ બ્રાહ્મણની સ્ત્રી સન્માનની ભાવના !

વારુ, દક્ષિણેશ્વરના એ નિરક્ષર બ્રાહ્મણદેવતા શ્રીરામકૃષ્ણ અને જોગમાયા શ્રીશારદાદેવીના ખાનગી જીવનમાં ચાલો વળી એક ડોકિયું કરી લઈએ. આપણને છોકરાંને એમાં વાંધો નહીં !

શ્રીશારદાદેવીના સ્વામી સંસારી ન હતા. એ હતા સંન્યાસી, વળી પાછા પરણેલા હતા અને સૂતાં બંને એકસાથે અને છતાં સાંસારિક સંબંધનો સર્વથા અભાવ ! એમના સાંસારિક જીવનનું આવું ઊલટું સ્વરૂપ જોઈને મોટાં મોટાં વિદ્વાન નરનારીઓની બુદ્ધિનેય અંધારાં આવી ગયાં છે, અને કોઈ કોઈએ તો તેવો મત પણ પ્રગટ કર્યો છે કે બિચારી શ્રીશારદાદેવીને જિંદગીનો લહાવો કાંઈ મળ્યો નહીં. ન કંઈ પહેર્યું ઓઢ્યું કે ન કંઈ ઘરેણુંગાંઠુ જોયું. એ તેમના સ્ત્રીત્વને અન્યાય છે. એનો જવાબ નીચેની હકીકત આપશે.

પહેરવું, ઓઢવું, અલંકારોથી શરીરને શણગારવું એ સ્ત્રી સ્વભાવમાં સહજ છે. શ્રીરામકૃષ્ણ એ જાણતા. એ શ્રીશારદાદેવી વિશે કહેતા : ‘આ શારદા સાક્ષાત્ સરસ્વતી છે, જ્ઞાન આપવા આવી છે. લોકો તેના પ્રત્યે અશુદ્ધ દૃષ્ટિએ જુએ તો તેમનું અકલ્યાણ થાય એટલા માટે આ વખતે એ પોતાનું રૂપ ઢાંકીને આવી છે. એ છે મહાબુદ્ધિમતિ, જ્ઞાનદાયિની ! એ મારી શક્તિ છે !’’

વિવાહને બીજે દિવસે જ નવી આવેલી નાની વહુના અંગ ઉપરથી અલંકારો ઉતારી લીધા તે વખતે મા ચંદ્રામણિદેવી બોલેલાં ‘ગદાઈ તને ઘણાંયે ઘરેણાં ઘડાવીને શણગારશે.’ એ શબ્દો શ્રીરામકૃષ્ણ ભૂલ્યા નહોતા. એટલે એક દિવસે ભાણેજ હૃદયરામને બોલાવી તેમણે કહ્યું : ‘અરે હૃદુ, એનું નામ શારદા. તે સાક્ષાત્ સરસ્વતી છે, એટલે શણગાર કરવાનું એને ગમે. જો તો, પેલી પેટીમાં કેટલા રૂપિયા છે ? એ લઈ જા અને એને માટે વચમાં તાવીજવાળો બે સાંકળીનો સોનાનો એક હાર ઘડાવી લાવ.’ એમ કહીને હૃદયને ત્રણસો રૂપિયા લઈ જવાનું કહીને હાર ઘડાવવા મોકલ્યો. આ બાજુ પોતે પૈસાને સ્પર્શી પણ શકતા નહીં.

વળી પંચવટીમાં સાધના કરતી વખતે સીતાજીનાં દર્શન થયેલાં. ત્યારે તેમના હાથ ઉપર ડાયમંડના આકારની ડિઝાઈનવાળાં સોનાનાં બે કડાં જોયાં હતાં, તે યાદ રાખીને શ્રીશારદાદેવીને માટે બરાબર એવાં જ નક્કર સોનાનાં બે કડાં બનાવડાવીને તેમનો શોખ પૂરો કર્યો હતો !

એ સમયે શ્રીશારદાદેવીની સાથે રહેતાં તે યોગીનમા નામે એક સ્ત્રી ભક્ત કહેતાં: ‘માના વાળ કાળા ભ્રમર જેવા છેક ઘૂંટણ સુધી અડતા. મા એ વખતે જરીની પહોળી કિનારવાળી લાલ રેશમી સાડી પહેરતાં. સેંથામાં સિંદૂર પૂરતાં, નાકમાં મોટી નથ નાખતાં. કાનમાં કર્ણફૂલ લટકાવતાં અને ઠાકુરને મધુર ભાવની સાધના વખતે મથુરબાબુએ ઘડાવી આપેલ સોનાની બંગડીઓ હાથમાં પહેરતાં અને સીતા જેવાં દેખાતાં.’

એટલું જ નહીં, પણ પોતાના અંતર્ધાન થવા પછી શ્રીશારદાદેવીના ભરણપોષણની કાળજી સુદ્ધાં શ્રીરામકૃષ્ણને હતી. આ બાજુ પોતે સંસારથી સાવ અલિપ્ત ! એક દિવસે શ્રીશારદાદેવીને તેમણે પૂછ્યું : ‘કેટલા રૂપિયા હોય તો તમારો મહિનાનો હાથખરચ નીકળે ?’ શ્રીશારદાદેવી બોલ્યાં : ‘પાંચ છ રૂપિયા હોય તો ચાલ્યું જાય.’ શ્રીરામકૃષ્ણે હિસાબ ગણીને અડસટો બાંઘ્યો કે એ હિસાબે પાંચસો-છસો રૂપિયા મૂકી રાખ્યા હોય તો તેમનું સારી રીતે ચાલ્યું જાય.

અને તેમણે એટલા રૂપિયા બલરામબાબુ પાસે વ્યાજે મુકાવ્યા હતા. બલરામબાબુ દર છ મહિને રૂા. ૩૦ વ્યાજ શ્રીશારદાદેવીને પહોંચાડી આપતા.

ચોવીસે કલાક સમાધિમાં ડૂબેલા રહેનાર પુરુષ જ્યારે બાહ્ય-ભાનમાં આવતા ત્યારે તેમને પત્નીની કાળજી કેટલી હતી !

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda